Sunday 1 May 2016

સાયકીડેલીક-સાયન્સ : ક્રિએટીવીટી, ઈન્ટેલીજન્સ અને નશીલા પદાર્થ વચ્ચે સીધો સંબંધ છે?

વૈજ્ઞાાનિકોનાં ડ્રગ્સ એક્સપરીમેન્ટનું આલેખન...
24.04.2016

ગુજરાતનાં ઈતિહાસમાં ડ્રગ્સ કૌભાંડનો સૌથી મોટો કેસ પકડાયો છે જેમાં ક્રાઈમ બ્રાન્ચે ૧૩૦૦ કિ.ગ્રા. જેટલો પ્રતિબંધીત ડ્રગ એફીડ્રીનનો જથ્થો પકડી પાડયો છે. એફીડ્રીનને પ્રોસેસ કરીને પાર્ટી ડ્રગ્સ તરીકે ઓળખાતાં મેથાફિટામાઈન બનાવવાનું પ્લાનીંગ હતું. વિશ્વભરનાં ડ્રગ્સ માફિયા એનઆરઆઈ ગુજરાતી વડે ડ્રગ્સ નેટવર્ક સંપર્કમાં રહેતા હતાં. સવાલ એ થાય છે કે લોકો રિક્રીએશન ડ્રગ્સ કે પાર્ટી ડ્રગ્સનો ઉપયોગ શા માટે કરે છે?. તેની સાયકોલોજીકલ એનાલીસીસ અલગ વાત અને વિજ્ઞાાન છે.  સામાન્ય માનવી કે તવંગર બાપની બગડેલી ઓલાદો જ ડ્રગ્સનો શિકાર બને છે એવું નથી. બોલિવૂડમાં પણ કેટલાંક એક્ટર એક્ટ્રેસને ડ્રગ્સની આદત હતી. જેમાં સંજય દત્ત, પરવીન બાબી વગેરે મોખરે હતાં. રજનીશ આશ્રમમાં ગયેલી કેટલીક ફિલ્મી હસ્તીઓએ ડ્રગ્સનો સ્વાદ ચાખ્યો હતો. આજનાં વિજ્ઞાાન અને ટેકનોલોજીને એક હાઈપોથીસીસ રજુ થઈ હતી. જે દર્શાવે છે કે બૌધ્ધિક ક્ષમતા અને રીક્રિએશન ડ્રગ્સ વચ્ચે સીધો સંબંધ છે. ડ્રગ્સ લેવાથી સર્જનશક્તિનો વિકાસ થતો હોવાનો દાવો કરાયો હતો. અહીં એવા સ્વપ્નદ્રષ્ટા વૈજ્ઞાાનિકોની વાત છે. જેમણે ડ્રગ્સનો પાવર ચકાસવા માટે તેનો પોતાની જાત પર અખતરા કર્યા હતા.

વિશ્વ વિખ્યાત એસ્ટ્રો-ફિજીસ્ટ કાર્લ સગાન

૧૯૭૧માં 'મારીજુઆના રિકન્સીડર' નામનું પુસ્તક પ્રકાશિત થયું હતું. જેના લેખક હતાં ડૉ. લેસ્ટર ગ્રીનસ્પુન. આ પુસ્તકમાં એક સુંદર નિબંધ મારીજુઆન વિશે મી. એક્સ દ્વારા લખવામાં આવ્યો હતો. કાર્લ સગાનનાં અવસાન બાદ, મિ. એક્સની ઓળખ પ્રસ્થાપિત થાય છે. મિ. એક્સ એટલે કાર્લ સગાન. કાર્લ સગાને મેન્ટલ કિક મારવા મારીજુઆનાની સંગત કરી હતી. પ્રકાશિત પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ્ય, મારીજુઆનાનો મેડિકલ ઉપયોગ કરવામાં વાંધો નથી એવું પ્રસ્થાપિત કરવાનો હતો. જોકે આ મકસદ હજુ પૂર્ણ થયો નથી. વ્યક્તિની સર્જનાત્મકતા, ઈન્ટેલીજન્સ વગેરેને આગળ ધકેલવા મગજ અને ચેતાતંત્ર પર અસર કરતાં સાયકોડેલીક ડ્રગ પર વધારે સંશોધનની જરૃર છે.

સિગમોન્ડ ફ્રોઈડ અને કોકેઈન

કોકેઈન સાથેનો સિગમોન ફ્રોઈડનો સંબંધ વ્યક્તિગત ભોગવિલાસ કરતાં કંઈ અલગ હતો. ફ્રોઈડ માનતા હતા કે કોકેઈન એક 'વન્ડર ડ્રગ્સ' છે. ઘણા વર્ષો સુધી કોકેઈનનો ઉપયોગ, અલગ અલગ હેતુ માટે તેમણે સુચવ્યો હતો. તેમણે તેમની મંગેતરને એક પત્રમાં લખ્યું હતું કે ''જો કોકેઈન પરનાં મારાં પ્રયોગો જો સફળ જશે તો હું કોકેઈન ઉપર નિબંધ લખીશ. મોર્ફીનની સાથે સાથે ઉપચારશાસ્ત્રમાં કોકેઈન લાભદાયી નીવડશે એવો મને વિશ્વાસ છે. મોર્ફીન કરતાં કોકેઈન સુપીરીયર સાબિત થશે. હું ડિપ્રેશન સામે અને અપચો થાય ત્યારે અતિસુક્ષ્મ માત્રામાં કોકેઈનનો ડોઝ લઉં છું. જેમાં મને તેજસ્વી સફળતા મળી છે.''
૧૮૮૪માં ફ્રોઈડે ''ઉબેર કોકા'' તરીકે ડ્રગ્સનો રિવ્યુ પ્રકાશિત કર્યો હતો. વિજ્ઞાાનનાં ઈતિહાસની વાત કરીએ તો, નશીલા પદાર્થનો સારવાર માટે ઉપયોગ સુચવનાર પ્રથમ વૈજ્ઞાાનિક સિગમંડ ફ્રોઈડ હતાં. મોર્ફીનની અવેજીમાં કોકેઈન વાપરવા માટે અનેકવાર પ્રયોગો અને ભલામણ કરવામાં આવી હતી. સાયકો-એનાલીસીસ માટે કોકેઈનનાં પ્રયોગો ફ્રોઈડે કર્યાં હતાં.

DNAનું સ્ટ્રક્ચર  શોધનાર ફ્રાન્સીસ ક્રીક અને LSD

ડિએનએનું માળખું / બંધારણ ઉકેલવા માટે સર ફ્રાન્સીસ ફ્રીક અને તેમનાં વિદ્યાર્થી જેમ્સ વોટસને ખુબજ મહેનત કરવી પડી હતી. ડિએનએનું મોલેક્યુર સ્ટ્રક્ચર ઉકેલવામાં ફ્રાન્સીસ ક્રિક LSDનો સાથ મળ્યો હતો? આવો સવાલ જરૃર થાય. એક જમાનો હતો કે થિકીંગ પ્રોસેસને વધારે ધારદાર કરવા કેટલાંક જીનીયસ લોકો આને અલ્પ માત્રમાં LSDનું સેવન કરતા હતાં. કેટલાંકે LSD સાથેનાં પોતાનાં અનુભવો વિશે પણ લખ્યું છે. ૨૦૦૪માં જેરોડ હાકરે 'ડીક કેમ્પ' નામનાં ક્રિકનાં નજીદીકી મિત્રનો ઇન્ટરવ્યુ કર્યો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે ફ્રીકે LSDનો ઉપયોગ થિકીંગ ટુલ તરીકે કર્યો હતો. તેમણે તેમનાં સાથી વૈજ્ઞાાનિકને મૃત્યુ પહેલાં કહ્યું હતું કે ''DNAનું સ્ટ્રક્ચર શોધી કાઢ્યું ત્યારે તેઓ LSDની અસર નીચે હતાં. ક્રિક ખ્યાતનામ નોવેલ રાઈટર આલ્ડસ હક્સલીના ચાહક હતા. હક્સલીએ નશીલા પદાર્થોનાં સેવનના અનુભવોને ટુંકી વાર્તામાં વર્ણવ્યા હતાં. તેમની નવલકથામાં એક 'સોમ' નામનાં ડ્રગનો ઉલ્લેખ છે. પોતાની સાઈઠ પછીની ઉંમરમાં 'સોમ' નામનાં ગૃપની સ્થાપના કરનારામાંથી એક હતો. આ ગ્રુપમાં નશીલા ડ્રગ્સનું સેવન થતું હતું.


તા.ક.: મેટ રીડલી નામનાં પ્રખ્યાત વિજ્ઞાન લેખકે ફાન્સીસ ક્રીકની વિધવાનો ઇન્ટરવ્યું લીધો હતો. જેમાં ક્રીકની વિધવા એ જણાવ્યું હતું કે " ફ્રાન્સીસ ક્રિકે LSD નો ઉપયોગ 1965 બાદ શરૂ કર્યો હતો. જયારે DNAનું બંધારણ કરી કે તેનાં એક દાયકા પહેલાં કરી નાખ્યું હતું.DNAનું બંધારણ ૧૯૫૩માં શોધાયું હતું જે માટે તેમને ૧૯૬૨માં તબીબી વિજ્ઞાનનું નોબેલ પ્રાઈઝ આપવા આવ્યું હતું.  આ હિસાબે DNAના  બંધારણ શોધવામાં LડDનું યોગદાન હતું એમ કહેવું ખોટું છે.


ન્યુરોસાયન્ટીસ્ટ જ્હોન લીલી અને કેટામાઈન,LSD

જ્હોન સી. લીલીને વિજ્ઞાાનજગત એક ઉમદા ન્યુરોસાયન્ટીસ્ટ તરીકે યાદ કરે છે. તેમનો મુળ રસનો વિષય મરિન બાયોલોજી હતો. ૧૯૬૦નાં દાયકામાં નાસાએ જ્હોન લીલીને ખાસ મકસદ માટે આર્થિક ભંડોળ આપ્યું હતું. જ્હોન લીલીને, ડોલ્ફીનને વાર્તાલાપ કરવા માટે ભાષા શીખવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. નાસા માનતી હતી કે જો કોઈ પરગ્રહવાસી પૃથ્વી પર આવે તો, ડોલ્ફીનવાળી ભાષા શીખવવાની કસરત કામ લાગે તેવી હતી. જોકે ડોલ્ફીનને ભાષા શીખવવામાં લીલી નિષ્ફળ ગયા હતા. ૧૯૭૧માં તેમને માઈગ્રેનનો સખત દુખાવો શરૃ થયો હતો. તેમના મિત્ર એનરાઈટે પ્રસ્તાવ મુક્યો કે સારવાર માટે કેટામાઈન અને LSDનો ઉપયોગ કરવો જોઈએ. આ રીતે લીલી ડ્રગ્સનાં બંધાણી બની ગયા. એનરાઈટ અને લીલીએ અન્ય સાથે મળીને કેટામાઈન ઉપર જોઈન્ટ રિસર્ચ કરવાનું નક્કી કર્યું હતું. તેઓ ડ્રગ્સ લઈને પાણી ભરેલી ટેંકમાં ઉતરતા હતા. એકવાર તેમને ડુબતા પણ બચાવવામાં આવ્યા હતા. અધ્યાત્મ અને પરમજ્ઞાનની પ્રાપ્તિ માટે તેમણે LSDનો હેવી ડોઝ પણ લીધો હતો. તેમનાં અનુભવો પરથી ૧૯૭૮માં પેડી ચેફસ્કીએ ''ઓલ્ટર સ્ટેટ'' નામની નવલકથા લખી હતી. જેને કેન રસેલે ફિલ્મ તરીકે રજુ કરી હતી. જ્હોન લીલી માનતા હતા કે તેમની મુલાકાત પરગ્રહવાસી સાથે થઈ છે. તેમનાં ગ્રુપને તેઓ 'અર્થ કોઈન્સીડેન્સ કંટ્રોલ ઓફિસ' ecco તરીકે ઓળખતાં હતાં.

પોલીમરેઝ ચેઈન રિએક્શનના આવિષ્કારક-કેટી મુલીસ

તમને કદાચ સવાલ થાય કે એ કેટી મુલીસ કોણ છે? બાયો-કેમીસ્ટ્રીમાં સૌથી વધારે ઉપયોગી પોલીમરેઝ ચેઈન રિએક્શન ટેકનિક તેમણે શોધી છે. જનીનનાં ટુકડાની સંશોધન માટે સેંકડો નકલ તૈયાર કરવાની હોય ત્યારે PCR ટેક્નિક વપરાય છે. જેના માટે તેમને નોબેલ પ્રાઈઝ ૧૯૯૩માં મળ્યું હતું. આ શોધ પાછળનું 'રહસ્ય'. ૧૯૯૪નાં કેલિફોર્નિયા મન્થલીમાં મુલીસ લખે છે કે સાઈઠ અને સિત્તેરનાં દાયકામાં તેમણે પુષ્કળ પ્રમાણમાં LSDનો ડોઝ લીધો હતો. જેણે મુલીસનાં મગજનાં દ્વાર ખોલી નાખ્યા હતાં. LSDનો તેમનો અનુભવ તેઓ 'માઈન્ડ ઓપનીંગ' તરીકે ઓળખાવે છે. BBCનાં ઈન્ટરવ્યુમાં સવાલ પુછવામાં આવ્યો હતો કે તમે LSDનાં ડોઝ લીધા ન હોત તો, PCRની શોધ થઈ હોત ખરી? મુલીસ ઉવાચ : આઈ ડોન્ટ નો, આઈ ડાઉટ, પોતાની આત્મકથા 'ડાન્સીંગ નેકેડ ઈન ધ માઈન્ડ ફિલ્ડ'માં તેઓ એચઆઈવી, જ્યોતિશ શાસ્ત્ર, પેરાસાયકોલોજી, ગ્લોબલ વાર્મિંગ, ઝેરી કરોળીયાથી માંડીને પોતાનાં અનુભવો વિશે વાત કરે છે. જેમાં ડ્રગની વાત પણ સામેલ છે.

ભૌતિકશાસ્ત્રી રિચાર્ડ ફેનમાન અને કેટામાઈન, મારીજુઆના

રિચાર્ડ ફેનમાન વિશ્વ પ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી હતાં. જ્હોન લીલીનાં કેટામાઈન LSDનાં પ્રયોગોથી રિચાર્ડ ફેનમાન આકર્ષાયા હતાં. જોકે તેઓ પોતાનાં માનસીક સ્વાસ્થ્ય પ્રત્યે પણ ખુબજ સજાગ હતા. તેમણે કેટામાઈન અને મારીજુઆના લઈને મગજ પર થતી અસરો ચકાસવા માટે મર્યાદીત પ્રમાણમાં પ્રયોગો કર્યા હતાં. તેમણે ડ્રગનાં શિકાર બની ન જવાય તેની ખાસ તકેદારી રાખી. ડૉ. ફેનમાન યહુદી હતાં. બીજા વિશ્વયુધ્ધ દરમ્યાન પરમાણુ બોમ્બ વિકસાવવામાં મદદ પણ કરી હતી. તેમણે જ્હોન લીલીએ વિકસાવેલ સેન્સરી ડિપ્રીવેશન ટેંકનો અનુભવ પણ લીધો હતો. એકલતા પ્રાપ્ત કરવા માટે ફેનમાન LSD, મારીજુઆના અને  LSDનો પ્રયોગ કરતા હતાં. તેમનાં અનુભવની વાત તેમણે આત્મકથા જેવાં પુસ્તક 'શ્યોરલી યુ આર જોકીંગ મી. ફેનમાન'માં લખી છે. ડ્રગ્સનો ઉપયોગ કરીને તેઓ કુદરતનું સૌથી વધારે 'પ્લીઝર મશીન' મગજ બગડે નહી તેની ચિંતા હતી. તેમ છતાં ડરતા ડરતા તેમણે ભ્રામક-ભ્રમણાનો અનુભવ કરવા માટે ડરતાં ડરતાં LSD લીધું હતું.

થોમસ આલ્વા એડિસન અને કોકેઈન

થોમસ આલ્વા એડિસન એક બહુ પ્રતિભાશાળી વૈજ્ઞાાનિક હતાં. તેમનાં જમાનામા અને કદાચ, હાલમાં પણ સૌથી વધારે વૈજ્ઞાાનિક શોધો માટે પેટન્ટ હક્કો એડિસનનાં નામે બોલે છે. જેને એક રેકોર્ડ ગણી શકાય. એડિસને કોકેઈનનો ઉપયોગ અલગ અંદાજમાં કર્યો હતો. ૧૮૬૩માં ફ્રેન્ચ રસાયણશાસ્ત્રીએ 'વિન મારીઆની' નામનો આ 'વાઈન' રજુ કર્યો હતો. વાઈનને કોકોનાં પાંદડા સાથે રાખીને તૈયાર કરવામાં આવતો હતો. કોકોનાં પાંદડામાંથી નશીલું ડ્રગ્સ કોકેઈન બને છે. એક ઔંસ વાઈનમાં સાત મીલીગ્રામ જેટલું કોકેઈન ભળેલું રહેતું હતું. થોમસ આલ્વા એડિસને તેનાં જીવનનાં ચોક્કસ કાળમાં નિયમિત રીતે કોકેઈનયુક્ત વાઈન વાપર્યો હતો. નશીલા ડ્રગ્સ તરીકે હવે વધારે શુધ્ધ અને સિન્થેટીક ડ્રગ્સ મળવા લાગ્યા છે. પહેલાં કોકેઈન અને હેરોઈનનો યુવાનો ઉપયોગ કરતા હતાં. બાઈબલના ત્રણ હજાર વર્ષ પહેલાં કોકો અને કોકેઈનનાં ઉપયોગની ઐતિહાસિક તવારીખ નોંધાયેલી છે.

એપલનાં સ્થાપક સ્ટીવ જોબ્સ અને LSD

જો સ્ટીવ જોબ્સે LSD સાથે પ્રયોગો ન કર્યા હોત તો 'આઈફોન'નો જન્મ થાત ખરો? આ પ્રકારના સવાલ અમેરિકન પત્રકારોએ કરેલ છે. આ વાતની સાબિતીરૃપ મુદ્દાઓ પણ તેમણે ટાંક્યાં છે. સ્ટીવ જોબ્સે જાતે જ કબુલ્યું હતું કે કોલેજ કાળમાં તેઓએ LSDનું સેવન કર્યું હતું. મગજનાં ચેતાતંત્ર પર અસર કરે તેવાં ડ્રગ્સને જોબ્સે ભરપુર માણ્યું છે. જોબનો મિત્ર કહે છે કે સ્ટીવ જોબ્સ જીવતાં હતાં ત્યારે આ કનેક્શન વિશે વાત કરવાની મારી હિંમત ન હતી. હવે જ્યારે જોબ્સ નથી ત્યારે હું વાત કરી શકું છું. અધ્યાત્મની શોધમાં બંને મિત્રો સાથે ભટક્યા હતા. જે દરમ્યાન LSDનો સંગ તેમણે કર્યો હતો. LSDનાં કારણે દુનિયા તરફનો અભિગમ બદલાઈ ગયો હતો. બંને મિત્રોએ 'બી હીયર નાવ' નામનું પુસ્તક વાંચ્યું હતું. જેમાં અધ્યાત્મ અને ચેતાતંત્રને આકાશમાં ઉડતા હોવાની અનુભૂતી કરાવે તેવા ડ્રગ્સની વાત આલેખાઈ છે. અધ્યાત્મની શોધમાં ભટકતાં સ્ટીવ જોબ્સ અને તેમનાં મિત્ર ડેનિયલ કોટકે ચક્ર અને ઊર્જા ચક્ર, ચાઈનીઝ 'મી' અને કુંડલીની વિશે પુસ્તકો પણ વાંચ્યા હતાં. જે વાંચીને તેઓ ભારત આવ્યા હતા. જ્યાં તેઓએ હિપ્પી જેવું જીવન ગાળ્યું હતું.
આ દરમ્યાન તેઓ એ નશીલા દ્રવ્યોનું સેવન પણ કર્યું હતું.

ચેતવણી : આ લેખનો ઉદ્દેશ્ય માહિતી પુરી પાડવાનો છે. માનવીની સર્જન શક્તિ કે ઈન્ટેલીજન્સને વધારવા સાયકીડેલીક ડ્રગ ઉપયોગી છે એવું માનવું નહી અને ડ્રગનાં જાતઅનુભવ કે અખતરા કરવા પ્રેરાવું નહી.


No comments: