Sunday 8 May 2016

FERAL CHILD : વાસ્તવિકતાની વધુ નજીક, ''જંગલ બુક''નાં અસલી 'હીરો'

૦૮.૦૫.૨૦૧૬
થોડા સમય પહેલાં એક અદ્ભૂત સર્જનને હોલીવુડ દ્વારા ફરી જીવંત કરવામાં આવ્યું છે. આ સર્જન આ વખતે એનીમેશન કે કોમીક્સ દ્વારા રજુ થયું નથી. કોમ્પ્યુટરનાં CGIનો ઉપયોગ કરીને સુંદર સર્જન થયું છે. જેનું નામ છે 'જંગલ બુક'. ભાગ્યે જ કોઈ ભણેલ વ્યક્તિ હશે જેણે 'જંગલબુક'નું નામ સાંભળ્યું નહીં હોય! ૧૯૯૦ના દાયકામાં દુરદર્શન પર રજુ થયેલા સીરીયલમાં 'મોગલી' દરેક ઘરમાં જાણીતું નામ હતું. સવારે નવ વાગે ગીત શરુ થતું ''જંગલ જંગલ બાત ચલી હૈ, પતા ચલા હૈ આજ, ચડ્ડી પહન કે ફૂલ ખીલા હૈ, ફુલ ખીલા હૈ'' આ ગીતને ભાગ્યે જ કોઈએ જાણે અજાણ્યે ગણગણી નહી હોય. ગુલઝાર સાહેબનાં શબ્દો એ સમયે સીરીયલ જોનારાં બાળકોની જબાન, જબાન પર રમતાં હતાં. 'મોગલી'ને જોવા બાળકોથી માંડીને મોટાં લોકો પણ બેસી જતાં હતાં. ભારતની પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને લખાયેલ 'જંગલ બુક'નાં લેખક રડયાર્ડ કિપ્લીંગનું કનેક્શન પણ ભારત સાથે જોડાયેલું રહ્યું છે. સવાલ એ છે કે મનુષ્ય બાળકનો ઉછેર પ્રાણીઓ વાસ્તવમાં કરે ખરાં? શું એવા કોઈ કિસ્સા નોંધાયા છે કે 'જંગલબુક' નો 'મોગ્લી'ની સ્ટોરીને રીઅલ લાઈફ કેરેક્ટરમાં કન્વર્ટ કરી શકે? જંગલબુકનાં બેકગ્રાઉન્ડમાં ગ્રાઉન્ડ રીઆલીટી વિશે વાત કરીએ.

જંગલી બાળક : માનવ સમાજથી વચિત
બાળક તેનાં જન્મ બાદ, મનુષ્ય સંપર્કથી દુર રહે છે ત્યારે તેનાં શારીરિક અને માનસિક વિકાસમાં ખામી સર્જાય છે. મનુષ્યનો સ્પર્શ, લાગણી, પ્રેમ, સંભાળ અને સામાજીક વર્તણુકથી આવું બાળક દૂર રહે છે. જેને અંગ્રેજીમાં ફેરલ ચાઈલ્ડ કે વાઈલ્ડ ચાઈલ્ડ કહે છે. ગુજરાતીમાં આપણે જંગલી બાળક કે વન્ય શીશુ કહી શકીએ. અનેક દંતકથાઓમાં જંગલી બાળકની વાત આવે છે. તેમાં રોમન દંતકથાનાં રોમુલસ અને રેમસ પ્રખ્યાત છે. ઈલ્બતુફાલનું હાવી, ઈબ્ન અલ નસીફનું કામીલ, રડયાર્ડ કીપલીંગનું મોગલી અને એડગર રાઈસબરોનું 'ટારઝન' નામની સર્જન 'જંગલ બાળ'નું ઉમદા ઉદાહરણ છે.
દંતકથા અને સાહિત્યનાં પાત્રો રૃપે આવતાં કેરેક્ટર્સ સામાન્ય રીતે સુપર પાવર ધરાવતા, અતિશય બુધ્ધિશાળી અને મનુષ્ય કરતાં વધારે નિતીવાન બતાવવામાં આવે છે. હકીકતમાં પ્રાણીઓ વચ્ચે ઉછરેલ બાળક 'જંગલબાળ' સામાજીક રીતે અલ્પ વિકસીત હોય છે. શરૃઆતથી જ ચાર પગે ચાલનારને ત્યાર બાદ બે પગ ચાલવામાં અનેક મુશ્કેલીઓ નડે છે. મુખ્ય સમસ્યા ભાષા શીખવા અને સમજવામાં પડે છે. ભાષાનું વ્યાકરણ તેમને જલ્દી સમજાતું નથી.
કપડાં પહેરવા તેમને ગમતા નથી. ભારતમાં અમલા-કમલા નામની બે સ્ત્રી જંગલબાળનો કિસ્સો ૧૯૧૯-૧૯૨૧માં ખુબજ ચર્ચામાં રહ્યો હતો. કલકત્તાથી પ્રકાશીત થતાં 'ધ સ્ટેટમેન'માં તેમની સ્ટોરી છપાઈ હતી. ૧૯૨૬માં જોસેફ અબ્રિતો લાલસીહ નામનાં અનાથાશ્રમના સંચાલકે આ કીસ્સો રજુ કર્યો હતો. અમલા અને કમલા વરૃઓ વચ્ચે ઉછરી હોવાનું જણાવાયું હતું. તેમની વર્તણુક વરૃ જેવી હતી. તેઓ કપડાં પહેરવા તૈયાર ન થતી. તેની નજીક આવનારને કરડવા દોડતી હતી. રાંધેલો ખોરાક ખાતી ન'હતી. તેઓ તડકામાં જવાનું કે દિવસે બહાર નીકળવાનું રાખતી અને નિશાચર જેવું જીવન જીવતી નથી.
અમલા-કમલાનો કેસ ફ્રેન્ચ સર્જન સર્જ એટોલેસે તપાસ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું કે અમલા-કમલાનો જંગલી બાળક તરીકે રજુ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જે બનાવટી કીસ્સો હતો. હકીકતમાં કમલાને ચેતાતંત્રના અવિકસીત હોવાનાં કારણે 'રેટ' સિન્ડ્રોમ થયો હતો. અનાથાલયનાં સંચાલક મી. સીંગનાં દાવાને ઘણા સંશોધકોએ ખોટો ઠેરવ્યો હતો.

'જંગલ બુક'ની કલ્પના પહેલાંની 'વાસ્તવિકતા'
ભારત આઝાદ થયું એની એક સદી પહેલાંની વાત છે. હજુ ૧૮૫૭નો આઝાદી માટેનો ભારતીય સંગ્રામ શરૃ થયો ન હતો. જેને આપણે ઈતિહાસમાં ૧૮૫૭નાં વિપ્લવ કે ઈન્ડીયન મ્યુટીની તરીકે જાણી ગયા છીએ. જંગલ બુકનાં લેખકનો હજી જન્મ પણ થયો ન'હતો. સાલ હતી ૧૮૪૮. બંગાળની નદીનાં કિનારેથી બ્રિટીશ ઘોડેસવાર સૈનિક પસાર થઈ રહ્યો હતો. તેણે જોયું કે ભુખરા રેતિયા કલરવાળા વરૃની જોડી તેનાં ત્રણ બચ્ચા સાથે જંગલની આડશમાંથી બહાર આવી રહી હતી. આશ્ચર્ય હવે થવાનું હતું. વરૃના બચ્ચાની પાછળ એક માનવ બાળ, ચાર પગે ચાલતું ચાલતું વરૃના બચ્ચાની સાથે ચાલી રહ્યું હતું. વરૃ માતા ચારેય બચ્ચાને (મનુષ્ય બાળ સહીત) એક સરખી રીતે સાચવીને આગળ વધી રહી હતી. આ ઘટનાની માહિતી બ્રિટીશ કર્નલ વિલીયમ સ્લીમાને આપી હતી. તેને તેના મિત્રએ એક પેમ્ફલેટ લખીને સમગ્ર ઘટના વર્ણવી હતી. સૈનિકને લક્ષ્યમાં લીધા વગર વરૃ અને બચ્ચાંઓ નદી તરફ આગળ વધી રહ્યાં હતાં.
ઘોડા પર બેઠા બેઠા સૈનિક સવાર અદ્ભૂત નજરે જોઈ રહ્યા હતા. વરૃની માફક બાળકે નદીનાં પાણીમાં ઉતર્યું પાણી પીધુ અને પાછું ફર્યું. જાણે કે વરુનું ચોથું સંતાન હોય! ઘોડે સવારે માનવબાળને બચાવવાનું નક્કી કર્યું. પણ જંગલમાં જમીન પથરાળ, વાંકીચૂકી અને ભુલભુલામણી જેવી હતી. તે વરૃ અને બાળક સાથે તાલમેલ સાધી શક્યો નહીં અને ટોળું અચાનક જંગલમાં અદ્રશ્ય થઈ ગયું.
ઘોડે સવાર હિંમત હારે તેવો ન'હતો. થોડા સમય બાદ, હથિયારધારી માણસો સાથે તે જંગલમાં પાછો ફર્યો. લોકો પાસે ખોદકામનાં સાધનો પણ હતાં. વરૃની ગૂફા નજીક પહોંચી લોકોએ ગુફા ખોદી નાખી. આઠ ફુટની ઊંડાઈએ પહોંચતા જ વરૃ, બચ્ચા અને બાળક બહાર નીકળી ભાગવા લાગ્યા. પણ! આ વખતે સૈનિકે માનવ બાળકને પકડી પાડયું. બાળકને બાંધીને ગામમાં લાવવું પડયું કારણ કે જ્યાં જમીનમાં ગુફા કે બખોલ જેવું દેખાતું હતું ત્યાં ભાગીે બાળક સંતાવાની કોશિષ કરતું હતું. ગામમાં લાવીને તેને મનુષ્યની સભ્યતા શીખવવાની કોશિષ કરવામાં આવી જે નિષ્ફળ ગઈ. મોટી વ્યક્તિ તેની નજીક જાય જ્યારે તે ભાગી જવાની કોશિશ કરતું. કોઈ બાળક નજીક આવે ત્યારે કુતરાની માફક ઘુરકીયા કરીને તેમને કરડવા દોડતું હતું. ગામમાં આવ્યાના બે વર્ષ સુધી તે મનુષ્યને છોડીને કુતરાની સોબતમાં વધારે રહેતું હતું. વરૃની માફક કાચુ માંસ ખાતો અને કપડાં પહેરવાની વાતનો ઈન્કાર કર્યો. બે વર્ષ બાદ બાળક (છોકરો) ખુબજ માંદો પડયો અને લોકોએ પૂછ્યું ત્યારે માથા તરફ 'ઈશારો' કરી 'દુખાવા'ની ફરિયાદ કરી. છેવટે તે મૃત્યુ પામ્યો.

રડયાર્ડ કિપ્લીંગ : મોગ્લીનાં દેશમાં
૧૯મી સદીમાં વરૃ દ્વારા બાળકનો ઉઠેર થયો હોય તેવાં અનેક કિસ્સા અને કહાની ભારતમાં નોંધવામાં આવી હતી. આવી ઘટનાઓનો મુખ્ય સુર એ હતો કે બચાવેલ 'બાળક' મનુષ્ય સાથે હળી મળીને રહેવામાં ખુબજ વિરોધ કરતાં હતાં. તેેમને મનુષ્યની ભાષા શીખવવામાં મુશ્કેલી પડે તેમ હતી. ૧૮૮૮માં જંગલમાં પ્રાણીઓ સાથે ઉછરેલ બાળક વિશે 'ધ ઝુલોજીસ્ટ'માં લેખ પ્રકાશિત થયો હતો. જેનો વિષય આગળ વાંચી ગયેલ ઘટનાનાં કર્નલ વિલીયમ સ્લીમાને આપેલ આધારભૂત ઘટનાનું નર-મનુષ્ય બાળક હતું. ૧૯૮૮માં લેખ પ્રકાશીત થયો ત્યારે 'જંગલ બુક'નાં લેખક રડયાર્ડ કિપ્લીંગની ઉંમર ૧૮ વર્ષની હતી. કોલેજનું ભણતર પુરુ કરી તેઓ નવલકથા લખી રહ્યા હતાં. એક વર્ષ બાદ તેઓ તેમની પ્રેમીકા 'ફ્લોરેન્સ જેહાર્ડ'નાં પ્રેમમાં પડવાના હતાં જે તેમની પ્રથમ નવલકથા 'ધ લાઈટ ધેટ ફેઈલ'માં નાયિકાનાં રૃપમાં વર્ણન પામવાની હતી. આ સમયકાળ દરમ્યાન અથવા ભારતમાં તેમનાં નિવાસકાળ દરમ્યાન રડયાર્ડ કિપ્લીંગ, વરૃ દ્વારા ઉછરવામાં આવેલ બાળકનો કિસ્સો સાંભળ્યો, જાણ્યો હોવાનું માનવામાં આવે છે. ૧૮૮૩-૧૮૮૯માં રડયાર્ડ કિપ્લીંગ ભારતમાં હતો. તેમણે લાહોર અને અલ્હાબાદમાં સ્થાનિક ન્યુઝ પેપરમાં કામ કર્યું હતું. ૧૮૯૧માં તેમણે કેરી બાલેસ્ટીઅર સાથે લગ્ન કર્યા હતાં. ૧૮૯૨માં 'બ્લીસ કોટેજ'માં તેમનાં પ્રથમ બાળક જોસેફાઈનનો જન્મ થયો. સાથે સાથે રડયાર્ડનાં  દિમાગમાં 'જંગલ બુક' આકાર લઈ રહી હતી.
રડયાર્ડ કિપ્લીંગનો જન્મ મુંબઈમાં ૧૯૬૫માં થયો હતો તેમનું જન્મસ્થળ, જે.જે. સ્કુલ ઓફ આર્ટ નજીક આવેલ એક કોટેજ હતું. ૧૯૩૦નાં દાયકામાં ભારતની મુલાકાતે આવેલ, રડયાર્ડ કીપ્લીંગે આ વાત તે સમયનાં કોલેજનાં ડિનને કહ્યું હતું. ૧૮૫૭માં જે.જે. સ્કુલ ઓફ આર્ટની સ્થાપના થઈ હતી. ૧૯૬૬માં બ્રીટીશ સરકારે કોલેજનો કબજો લીધો ત્યારે લોકવુડ કિપલીંગ કોલેજનાં પ્રોફેસર અને પ્રથમ ડીન બન્યા હતાં. લોકવુડ કિપલીંગનું પ્રથમ સંતાન એટલે કે 'રડયાર્ડ કિપલીંગ' જેની નવલકથા 'કીમ'ને ભારતનાં ભુતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ પોતાનાં પ્રિય પુસ્તક તરીકે અનેકવાર ઉલ્લેખ કર્યો હતો. ટુંકમાં ભારતનાં બેકગ્રાઉન્ડમાં ઉછરેલાં રડયાર્ડ કિપલીંગને ૪૧ વર્ષની ઉંમરે સાહિત્યનું 'નોબેલ' પ્રાઈઝ મળ્યું હતું.
ડોગ ગર્લ : ઓક્ષાના માલાયા
જંગલબુકનાં મુખ્ય કેરેક્ટર મોગલી જેવાં રીઅલ લાઈફ કેરેક્ટરની વાત કરીએ તો... ઓક્સાના માલાયા ડોગ ગર્લ તરીકે જાણીતી બની હતી. ૧૯૮૩માં તેનો જન્મ યુક્રેઈનમાં નોવા બ્લાગોવિશયેન્કામાં થયો હતો. નાની ઉંમરે તેનાં દારૃડિયા માબાપે ઓક્ષાનાને તરછોડી દીધી હતી. કુતરાઓની વચ્ચે તે સાડા સાત વર્ષની ઉંમર સુધી ઉછરી હતી. તેનું વર્તન કુતરા જેવું રહ્યું હતું. સરકારે તેને માનસિક ક્ષતિવાળા બાળકો સાથે શિક્ષણ અને સુધારા માટે ફોસ્ટર ગૃહમાં મોકલી આપી હતી. અહીં તેની સારવાર વર્ષો સુધી ચાલી ત્યારબાદ, ભાષા ને બોલતા ચાલતાં શીખી. ખેતરમાં કામ કરવા લાગી અને ગાયોનો ઉછેર અને દોરવાનું કામ કરવા લાગી. જોકે વૈજ્ઞાાનિકોનાં મત મુજબ તેનાં માનસિક વિકાસમાં થોડીક ઊણપ રહી ગઈ હતી. જેથી આપણે જેને બુધ્ધિશાળી બાળક ગણીએ તે લેવલે ઓક્ષાનાં પહોચી ન'હતી. ઓક્ષાના ઉપર ચેનલ ૪ની ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બની છે. ૨૦૦૧માં તેણે રશિયન ડોક્યુમેન્ટરીમાં દર્શાવાઈ હતી. ૨૦૧૩માં યુક્રેઈનનાં ટીવી શૉમાં તેણે ઈન્ટરવ્યુ પણ આવ્યો હતો. તેનાં વિશે ઘણું બધું લખાયું છે.

ડૉગ બોય : ઈવાન મુસીકોવ
મોસ્કોની સડકો ઉપરથી પોલીસે તેને પકડયો ત્યારથી તેનું નામ 'ડોગ બોય' છપાઈ ગયું હતું. સડકો પર તે બે વર્ષથી ભીખ માંગતો હતો. ઈવાન મુસીકોવ છ વર્ષનો હતો ત્યારથી કુતરાઓની સંગતમાં ઉછર્યો હતો. કુતરાને તે ખોરાક આપતો બદલામાં પુષ્કળ ઠંડીમાં કુતરાઓ વચ્ચે સુઈને તે ઠંડી સામે રક્ષણ મેળવતો હતો. ઓક્ષાના કરતાં 'ઈવાન'નો કીસ્સો થોડો અલગ હશે. તેનામાં પ્રાણીજન્ય લક્ષણો ઓછા હતાં. તે ઓછું બોલતો પણ ઘુરકીયા વધારે કરતો હતો. તેણે છેવટે બહુજ જલ્દી રશીયન ભાષા શીખી લીધી હતી. આખરે તેણે રશિયન આર્મીમાં નોકરી મેળવી લીધી હતી. કુતરા સાથે તેનો સંપર્ક બે એક વર્ષ જેટલો જ રહ્યો હતો. કદાચ આ કારણે તેમણે જંગલી સભ્યતા છોડી બહુ જલ્દી માનવ સંસ્કૃતિ અપનાવી લીધી હતી. ઈવાનનાં કિસ્સામાંથી પ્રેરણા લઈને ઓસ્ટ્રેલીયન લેખીકા ઈવા હોરતુંગે ૨૦૦૯માં નવલકથા પ્રગટ કરી હતી. જેનું નામ છે 'ડોગ બૉય'. આમ ક્યારેક ઉલટું પણ બને છે. વાસ્તવિકતા ઉપરથી કાલ્પનીક નવલકથા પણ સર્જાય છે

No comments: