Sunday 31 July 2016

સ્કેન પિરામિડ: ઈજિપ્તનાં પ્રાચીન રહસ્યો ઉકેલવાનું ''મિશન''

 Pub. Date: 31.07.2016

પિરામીડનાં ઐતિહાસિકથી કોસ્મોલોજી સુધીનાં રહસ્ય આજે પણ લે મેનથી સાયન્ટીસને આકર્ષી રહ્યાં છે. એટલે કહેવું પડે કે ''પિરામીડ એટલે રહસ્યનો ખજાનો.''

ઇજિપ્ત એટલે પિરામીડોનો દેશ. વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓમાંનો એક. ૩૧ ઓક્ટો. ૨૦૧૫નાં ગોઝારા દીવસે, ઇજિપ્તનાં શર્મ-અલ-શેખ એરપોર્ટ પરથી રશિયન એરલાઇનનું એરબસ A-321 ઉપડયું હતું. ગણત્રીની મિનિટો બાદ, વિમાન આકાશમાં જ કણકણમાં વેરાઈ ગયું હતું. જેમાં રશીઅન અને યુક્રેનનાં મુલાકાતી હતાં.
મૃત્યુઆંક ૨૨૪ પહોંચી ગયો. ૨૦૧૬નાં શરૃઆતનાં સમયગાળામાં જ ઇજિપ્તમાં આવનારાં મુલાકાતીઓની સંખ્યામાં ૪૦% જેટલો ઘટાડો થઈ ગયો. લોકો માનવા લાગ્યા કે ''ઇજિપ્ત સલામત નથી.'' જ્યાં પિરામીડમાં હજારો વર્ષથી ઇજિપ્તનાં રાજવી ''ફારોહ'' સુતેલાં હતાં. ત્યાં ત્રાસવાદનાં મુળીયા રોપાઈ ચુક્યાં હતાં.
૧૯૯૭માં ઇસ્લામીક ઉગ્રવાદીઓએ નાઇલનાં કિનારે આવેલા લકસરનાં પ્રાચીન મંદિરની મુલાકાતે આવેલા ૫૮ લોકોને વિંધી નાખ્યા હતા. જેમાં ચાર ઇજિપ્તનાં નાગરીક હતો. સામાન્ય રીતે રાજપાટ મેળવવા માટે ખુનામરકી થતી હોય છે. અહીં પ્રાચીન રાજપાટનાં અભિન્ન અંગ ''પિરામીડ''ની મુલાકાતે આવનારાનું લોહી જમીન-આકાશમાં રેડાતું રહ્યું છે. છતાં 'પિરામીડ' પ્રત્યેનું માનવ સહજ આકર્ષણ ઘટતું નથી. પિરામીડ પોતાનાંમાં અનેક રહસ્યોને ભંડારીને બેઠું છે. પિરામીડનાં ઐતિહાસિકથી કોસ્મોલોજી સુધીનાં રહસ્ય આજે પણ લે મેનથી સાયન્ટીસને આકર્ષી રહ્યાં છે. એટલે કહેવું પડે કે ''પિરામીડ એટલે રહસ્યનો ખજાનો.''

સ્કેન પિરામીડ મિશન: પરીણામની રાહ જોવાઈ રહી છે !

ઇજિપ્તનાં પિરામીડનાં રહસ્ય ૪.૫૦ હજાર વર્ષ પ્રાચીન છે. ઘણા પિરામીડની આંતરીક રચના, છુપા માર્ગ અને સિક્રેટ ચેમ્બર હજી પણ મનુષ્યથી છુપા રહ્યાં છે. વૈજ્ઞાાનિકોએ ઇજિપ્તનાં પિરામીડની ભિતરમાં શુંછે ? એ જાણવા માટે ખાસ ''પ્રોજેક્ટ શરૃ કર્યો છે. જેનું નામ છે ''સ્કેન પિરામીડ મિશન.'' આ પ્રોજેક્ટમાં ઇન્ફ્રારેડ થર્મોગ્રાફીનો ઉપયોગ થશે. કોઇપણ પદાર્થ તેની ઉર્જા ઇન્ફ્રારેડ સ્વરૃપે છોડતું હોય તો. તેને નિશ્ચિત તાપમાન સ્વરૃપે જોઈ તાપમાનનાં વિતરણ ઉપરથી એક સ્પષ્ટ ચિત્ર તૈયાર થઈ શકે છે.''
લેસર કિરણો સ્વરૃપે પિરામીડનો 3D મેપ પણ તૈયાર થઈ શકશે. જેનાં દ્વારાં બાંધકામનાં આંતરીક ભાગનાં નકશા પણ તૈયાર કરી શકાશે. આ ઉપરાંત ત્રીજી આધુનિક ટેકનોલોજી વાપરવામાં આવશે. જેમાં કોસ્મીક રે ડિટેક્ટરનો ઉપયોગ કરવામાં આવશે. બ્રહ્માંડમાંથી આવતાં 'કોસ્મીક રે' જ્યારે વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે, વાતાવરણમાં રહેલા રેણુઓ સાથે ટકરાવ થતાં જ ''મ્યુઓન'' કણ પેદા થાય છે. મ્યુઓન કણ પૃથ્વી પરનાં માનવી અને બાંધકામમાંથી પસાર થઈ જાય છે. પરંતુ જ્યારે 'મ્યુઓન' પત્થર કે વધારે ઘનતા ધરાવતાં પદાર્થમાંથી પસાર થવાનો પ્રયત્ન કરે છે ત્યારે ધીમા પડી જાય છે. ક્યારેક અટકી જાય છે.
જ્યારે મ્યુઓન પિરામીડમાંથી પસાર થશે ત્યારે, તેની ઉર્જાનાં માપંક અને તેની ટ્રેજેક્ટરી માર્ગ ઉપરથી 3D નકશો તૈયાર થશે. જેમાં પિરામીડમાં રહેલાં ગુપ્ત ચેમ્બર, છુપા માર્ગ વગેરે જોઈ શકાશે. અત્યાર સુધી પિરામીડમાંથી મળેલા. 'મમી,' આટીફેક્ટ અને વિવિધ નમુનાઓની ચકાસણી કરવામાં આધુનિક ટેકનોલોજી વપરાતી હતી. હવે સમગ્ર પિરામીડનાં સ્કેનીંગ માટે આધુનિક ટેકનોલોજી વપરાશે.
ઇજિપ્ત, ફ્રાન્સ અને અન્ય વૈજ્ઞાાનિકોની ટીમ પ્રોજેક્ટમાં જોડાએલાં છે. સ્કેનીંગ કામ ચાલુ થયું છે. ગીઝાનાં 'ગ્રેટ પિરામીડ'ની એક ચેમ્બર શોધી કાઢી છે. જોકે આર્કીઓલોજીસ્ટને પિરામીડની ત્રણ ચેમ્બર વિશે માહીતી છે. જેમાંની એક ચેમ્બર સ્કેનીંગ દરમ્યાન જોવા મળી છે. આ ગ્રેટ પિરામીડની ઇન્ફ્રારેડ થર્મોગ્રાફીમાં તાપમાનમાં ઘણા ચડાવ-ઉતાર અને અસામાન્યતા જોવા મળી છે. જોકે હજી સુધી મિશનનાં અંતિમ તારણો પ્રકાશીત કરવામાં આવ્યાં નથી.

તુતેન ખામેનની કટારી, બાહ્યાવકાશમાંથી આવેલ પદાર્થનાં ''લોખંડ''થી બનેલી છે ?

૨૬ ફેબુ્રઆરી ૧૯૨૩નો ઐતિહાસિક દિવસ હતો. બ્રિટીશનાં આર્કીઓલોજીસ્ટ હાવર્ડ કાર્ટરે પ્રથમવાર પ્રાચીન ઇજિપ્તનાં ફારોહ ''તુતેન ખામેન''નાં 'મમી' રાખેલ 'કબર'માં પ્રવેશ્યા હતાં. ૧૮૯૧માં હાવર્ડ કાર્ટર ઇજિપ્તમાં પ્રવેશ્યા ત્યારે તેમને ખાત્રી હતી કે ''તુતેન ખાનેમ અથવા 'કિંગ તુત' તરીકે જાણીતા ફારોહની કબર હોવી જોઈએ. જેને હજી સુધી કોઈએ શોધી નથી.'' કિંગ તુતેન ખામેન ઇ.સ. પૂર્વે ૧૪૦૦ ''ફારોહ'' બન્યા હતાં. ખૂબ જ નાની ઉંમરે તેનું અવસાન થયું હતું. બ્રિટનનાં એક ધનીકે લોર્ડ કાર્નાર્વોને કાર્ટરને તુતેન ખામેેનની 'બરીયલ ચેમ્બર' શોધવા માટે આર્થિક મદદ કરી હતી. સફળતા વગર પાંચ વર્ષ કાર્ટર કામ કરતાં રહ્યા હતાં. છેવટે ૧૯૨૨માં લોર્ડ કાર્નાર્વોને સંશોધન આટોપી પાછા ફરવાની ભલામણ કરી હતી. હાવર્ડ કાર્ટરે તેમને ધીરજ રાખીને માત્ર એક વર્ષ માટે રાહ જોવાનું સુચન કર્યું અને છેવટે હાવર્ડ કાર્ટરે 'તુતેનખામેન'નો ખજાનો શોધી જ નાંખ્યો. ખજાનાને ૩ હજાર વર્ષથી કોઈએ સ્પર્શ કર્યો નહતો. જેમાં સોનાનો મુગટ, આભૂષણો, પૂતળું, રથ, શસ્ત્રો અને પ્રાચીન વસ્ત્ર હતાં.
'મિટીરીઓરીટીક્સ એન્ડ પ્લેનેટરી સાયન્સ' જર્નલમાં તુતેનખામેનની ફટારી/જમૈયા વિશે સંશોધન લેખ છપાયો હતો. ઇજિપ્તનાં લોકો 'ફારોહ'ને ઇશ્વરનો અવતાર માનતાં હતાં. તેમનાં માટે બનાવાયેલી દરેક વસ્તુ ખાસ રહેતી હતી. સંશોધકો માને છે કે પ્રાચીન ઇજિપ્તમાં ગાળેલાં લોખંડને મેળવવું દુર્લભ લાગે છે. બની શકે કે તે સમયે આકાશમાંથી આવતી ઉલ્કાનાં બચેલાં, હિસ્સામાંથી 'મિટીઓરીટીઝ આર્યન' મેળવીને લોખંડનાં ઓજાર, શસ્ત્રો વગેરે બનાવતાં હોવા જોઈએ. આ વાત હવે સાચી સાબીત થઈ છે. તુતેન ખામેનનાં ખજાનામાંથી મળેલ ડેગર / કટારી મિટીઓરીટીક મટીરીઅલ્સ ધરાવે છે. ઇજિપ્તની હેઇરોગ્રાફીમાં એક શબ્દ મળે છે. ''આર્યન ઓફ સ્કાય'' લાગે છે કે ઉલ્કાપીંડ / ખરતાં તારાઓમાંથી મળતાં લોખંડ માટે આ શબ્દ વપરાતો હોવો જોઈએ. એક્સ-રે સ્પેકટ્રોગ્રાફી ચકાસણીમાં 'તુત'ની કટારી લોખંડ, નિકલ અને કોબાલ્ટનાં મિશ્રણથી બનેલી છે. અત્યાર સુધી થયેલ સંશોધનમાં ઇજિપ્તનાં બે પ્રાચીન નમૂનાઓમાં મિટીરીઓરાઇટમાંથી મળેલ લોખંડ વપરાયેલું જોવા મળ્યું છે.

આખરે 'નેફરતીતી'ની કબર કયાં આવેલી છે ?

છેલ્લાં કેટલાંક સમયથી સંશોધકો રાણી નેફરતીતીની કબર / મમી શોધવાની કવાયત કરી રહ્યાં છે. થોડા સમય પહેલાં KV3S કબરમાંથી મળેલ યુવાન સ્ત્રીનાં ડિએનએનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. સંશોધકો આ મમી રાણી નેફરતીતીનું માનતા હતાં. જોકે ટેસ્ટ દ્વારા સાબીત થયું કે તેં મમી નેફરતીતીનું નહોતું. ઇજિપ્તનાં ઇતિહાસનો જાણકાર માને છે કે કિંગ તુતેન ખામેનની બરાબર બાજુમાં બે ગુપ્ત ચેમ્બર આવેલી છે. જે નેફરતીતીની કબર કક્ષ હોઈ શકે છે. સંશોધકો માને છે કે તુતેનખામેનનાં કબર કક્ષની નજીક બે ગુપ્ત ચેમ્બર છે જ.
થોડા સમય પહેલાં, તુતેનખામેનનાં કક્ષની આજુબાજુનો વિસ્તાર રડાર ટેકનોલોજી વડે ચકાસવામાં આવ્યો હતો. આ કાર્યમાં નેશનલ જ્યોગ્રાફી સોસાયટીએ સહયોગ કર્યો હતો. મે-૨૦૧૬માં ભરાયેલ ખાસ કોન્ફરન્સમાં ઇજિપ્તનાં પુરાતન વિજ્ઞાાનનાં મંત્રી ઝહી હવાસએ જાહેર કર્યું હતું કે તુતેન ખામેનનાં કક્ષની આજુબાજુ કોઈ ગુપ્ત ચેમ્બરનું અસ્તિત્ત્વ નથી. બ્રિટીશ ઇજિપ્તોનોલોજીસ્ટ આ વાત માનવા તૈયાર નથી. ઇજિપ્તોલોજીસ્ટ નિકોલસ રિવની થિયરી મુજબ હાલમાં જે કબરકક્ષમાં તુતેનખામેનની શબપેટી મળી હતી. તે કક્ષ/ખંડ ખરેખર તો, રાણી નેફરતીતી માટે બનાવવામાં આવ્યો હતો. જોકે ફારોહ તુતેનખામેનનું ૧૯ વર્ષની ઉંમરે અણધાર્યું અવસાન થઈ જતાં તેને અહીં દફન કરવામાં આવ્યો હતો. તુતેનખામેનનાં કબરકક્ષની નજીકમાં જ રાણી નેફરતીતીનો કક્ષ હોવો જોઈએ.
નેફરતીતી, ફારોહ અખ્તાતેન સાથે પરણી હતી. અખ્નાતેનને તુતેન-ખામેનનાં પિતા માનવામાં આવે છે. ડિએનએ ટેસ્ટમાં આ વાત પૂરવાર થાય છે. છતાં આધારભૂત રીતે ડિએનએ રીઝલ્ટ પર બહુ ભરોસો મુકી શકાય તેમ નથી. સાયન્ટીફીક અમેરીકનની સાઈટ પર તુતેનખામેનની પાંચ વણઉકલી 'મિસ્ટરી' પર સુંદર લેખ છે. મૂળ વાત, ૧૨ મે ૨૦૧૬નાં રોજ ધ ગાર્ડીઅનમાં શંકા વ્યક્ત કરવામાં આવી છે કે ''ઇજિપ્તની સરકાર જાણી જોઈને, તુતેન-ખામેનનાં ગુપ્ત કક્ષ વિશેની માહિતી છુપાવી રહી છે. આવનારાં સમયમાં કદાચ રહસ્ય ખુલી શકે છે.''

ફારોહ અખ્નાતેન: સાચી કબર કઈ છે ?

ફારોહ અખ્તાતેન પ્રાચીન ઇજિપ્તનાં સૌથી વધારે રહસ્યમય ચરીત્ર ધરાવતો નાયક છે. સંશોધકોને ફારોહ અખ્નાતેનની ત્રણ કબર મળી આવી હતી. શા માટે એક રાજવી માટે ત્રણ કબર ? શું ફારોહ અખ્તાતેનને ત્રણવાર દફન કરવામાં આવ્યો હતો ? ઇજિપ્તનાં રંગીન અને રહસ્યમય ઇતિહાસને, વિવિધ લખાણો, પિરામીડમાંથી મળેલ 'મમી' અને સાધન સામગ્રીને આધુનિક ટેકનોલોજી વાપરી તેજ સાચી માહિતી મેળવી શકાય તેમ છે. રહસ્ય પણ સાયન્સ ખોલી શકે છે. ફારોહ અખ્નાતેનની ત્રણ કબરકક્ષ વિશે, નિષ્ણાંતોમાં પણ મતભેદ છે.
અખ્નાતેનની એક કબર WV25ની શોધ , ૧૮૧૭માં ગોવાની બતિના બેલઝોબીએ કરી હતી. જે એક સાહસીક પ્રવાસી હતો. બેલ્ઝોની માને છે કે, ''કબર ઇજિપ્તનાં આંતર મધ્યકાલ પીરીયડની છે. શબપેટીની રચના ફારોહનાં ૨૧-૨૬ રાજવી વંશની ખાસીયતો ધરાવે છે. ઓટો સ્નેડનની ટીમે આ કબર અખ્નાતેનની હોવાની જાહેરાત કરી હતી. કબરનું આયોજન ફારોહનાં ૧૮ વંશને મળતું આવે છે. છતાં અહીં અખ્નાતેન સંબંધી કોઈ પુરાવા મળતા નથી. કબરનું પૃથ્થકરણ અને સમયનિર્ધારણ, કબર અખનાતેનનો સમયગાળો બતાવે છે.
૩ જાન્યુઆરી, ૧૯૦૭નાં રોજ એડવર્ડ રસેલ એરોન તેમજ થિયોડોર ડેવીસની ટીમે એક સંપૂર્ણ નષ્ટ થઈ ગયેલ કબર શોધી કાઢી હતી. જે KY55  નામે ઓળખાય છે. કબર ફારોહ રામોસેસની કબર (KV-6)થી પશ્ચિમ તરફ થોડાંક મીટર દૂર આવેલી છે. પ્રાચીનકાળમાં ચોર-લૂંટારાઓએ ખજાનો લૂંટી લીધો હતો. છતાં, કેટલોક ખજાનો બચેલો હતો જે જોઈને નિકોલસ રિવ્સ અને રિચાર્ડ શિકીન્સન જેવાં નિષ્ણાંતો ખુશ થઈ ગયા હતાં. મળેલાં ખજાનામાં કેટલીક સાધન સામગ્રી અખ્નાતેનની બીજી પત્ની ''કીયા''ની નિશાનીઓ સ્વરૃપ છે. કેટલીક સામગ્રી એમ્હેનોતોપ-III, તેની માતા 'તિયે'ની છે. માટીની એક તકતી પર પુત્ર 'તુતેનખામેન'નું નામ છે. અહીં મળેલ ખરાબ રીતે નાશ પામેલ મમીફાઈડ હાડપિંજર એક પુરૃષનું છે. ડિએનએ ટેસ્ટ બતાવે છે કે KV-25માં મળેલ 'મમી' તુતેનખામેનનો પિતા છે.
ઇજિપ્તની માન્યતા પ્રમાણે, કોફીનમાં રહેલ શબ અને તેની ચીજોની ઓળખ ભૂંસી નાખવામાં આવે તો, એ વ્યક્તિ સ્વર્ગમાં પોતાની ઓળખ ભૂલી મૃત્યુ પછીનું જીવન સુંદર રીતે વીતાવે છે. સવાલ એ છે કે ફારોહ 'અખ્નાતેન'ની ઓળખ મિટાવી દેવા પાછળનું કોઈ ખાસ કારણ છે ?

Sunday 24 July 2016

મનુષ્ય ઉત્ક્રાંતિનાં ઈતિહાસને ગુંચવતાં ચાઇનીઝ ફોસીલ્સની સમસ્યા...

 Pub. date. 24.07.2016
 
'ડાયનોસૌરનું નિકંદન નિકળી ગયું નથી. તેમનાં વારસો મનુષ્યની માફક આપણી દુનિયામાં જીવી રહ્યાં છે.' આ શબ્દો સાયન્સ ફિકશન નવલકથાની જાહેરાત જેવા લાગે છે. હકીકતમાં આ શબ્દો ચીનનાં પ્રાચીન પ્રાણી વિશારદ્ (પેલેયોન્ટોલોજીસ્ટ) યાંગ ઝુન્થીનાં વિજીટીંગ કાર્ડ પર ચીતરેલાં છે. શબ્દો ખરેખર તો છેલ્લાં પાંચ દાયકામાં ચીનમાંથી મળી આવતાં વિવિધ પ્રાચીન ફોસીલ્સ / અશ્મીઓ માટે આધારસ્થંભ જેવા છે. છેલ્લાં એક દાયકામાં ચાઇનીઝ સંશોધકોએ શોધેલ અશ્મીઓ અને રજુ થયેલાં રિસર્ચ પેપરો 'ઈવોલ્યુશન'ને નવો વળાંક આપે છે. ચીનનો ભૌગોલીક વિસ્તાર જટીલ ટેકટોનિક પ્લેટ પર આવેલો છે. વિશ્વનાં અન્ય ક્ષેત્રો કરતાં અહીં અધિક માત્રામાં 'ફોસીલ્સ' મળી આવ્યા છે અને... મળી રહ્યાં છે. જેનો ભેદ ઉકેલવા 'ચાઇનીઝ એકેડેમી ઓફ સાયન્સ' કટીબધ્ધ છે. જે દેશની સર્વોચ્ચ વૈજ્ઞાાનિક સંશોધન સંસ્થા છે. પેલેયોન્ટોલોજીસ્ટ યાંગ ઝુન્થી આ સંસ્થા સાથે સંકળાએલાં છે. ચીનનો ગિન્ઝોઉ પ્રાંત, ચીનનો સૌથી નબળા લોકોનો વિસ્તાર છે. છતાં અહીં એકવીસમી સદીનાં બેજોડ કહેવાય તેવાં ફોસીલ્સ મળી આવ્યાં છે. જેનાં કારણે આ વિસ્તાર ''કિંગ્ડમ ઓફ ફોસીલ્સ'' તરીકે ઓળખાય છે. કહે છે કે મુર્દા જુઠ નહીં બોલતો. આખરે પ્રાચીન મુર્દાઓ ફોસીલ્સ કયું સત્ય કહી રહ્યાં છે ?

''પેકીંગ મેન'':- પ્રથમ પ્રકરણ

બીજીંગની સીમાઓ નજીક ડ્રેગન બોન હીલ આવેલી છે. તેની ઉત્તર તરફનો માર્ગ એક ગુફા તરફ જાય છે. આ ગુફાની મુલાકાતે વર્ષે ૧.૫૦ લાખ લોકો આવે છે. જેમાં નિશાળીયાઓથી માંડી નિવૃત્તિ ગાળતાં લોકો હોય છે. ૧૯૨૯માં આ સ્થળેથી એક સંપૂર્ણ માનવ ખોપરી અને અશ્મીઓ મળ્યા હતાં. સમય નિર્ધારણ કરતાં આ ખોપરી પાંચ લાખ વર્ષ પ્રાચીન માલુમ પડી હતી. સંશોધકોએ તેનું નામ ''પેકીંગ મેન'' રાખ્યું હતું. આ અવશેષો મળતાં વૈજ્ઞાાનિકો માનવા લાગ્યા હતાં કે માનવ સભ્યતા / મનુષ્ય સર્જનની શરૃઆત ''એશિયા'' ખંડથી થઇ હતી. ''પેકીંગ મેન'' ઈવોલ્યુશન / ઉત્ક્રાંતિનાં ઈતિહાસનું  મહત્વપૂર્ણ અંગ બની ચૂક્યું હતું.

સમય જતાં 'પેકીંગ મેન' કરતાં વધારે પ્રાચીન અવશેષો ''આફ્રિકા'' ખંડમાંથી મળવા લાગ્યા. જે ૭.૮૦ લાખ વર્ષ જેટલાં પ્રાચીન હતાં. હવે પેકીંગ મેનનું મહત્વ ઘટવા લાગ્યું હતું. વૈજ્ઞાાનિકો મનુષ્યનાં મળેલાં અવશેષો ચકાસીને એકમતે નિષ્કર્ષ પર આવ્યા કે વાનરમાંથી મનુષ્યનું સર્જન ''આફ્રિકા'' ખંડમાં થયું હતું. આધુનિક થિયરી અવશેષો પરથી વિકસી ચુકી હતી. જોકે દાયકાઓથી ચાઇનીઝ સંશોધકો આધુનિક મનુષ્ય સાથે 'પેકીંગ મેન'નોસંબંધ સમજવાની કોશિશ કરી રહ્યાં છે. તેમનાં મતે ''પેકીંગ મેન'' એક અંત વિનાની વાર્તા છે. ચાઇનીઝ વૈજ્ઞાાનિકોને એક સવાલ મુઝવે છે કે ''પેકીંગ મેનનાં સમકાલીનો અને તેનાં વારસદારો જેવાં હોમો-ઈફેક્ટસની પ્રજાની સંપૂર્ણ નિકંદન પામી ચુકી હતી કે તેમનું ઉત્ક્રાંતિ ચક્ર ફરતાં, વધારે આધુનિક ગણાતાં મનુષ્યનાં પૂર્વજોમાં રૃપાંતર થયું હતું ?

શું ''પેકીંગ મેન'' અને મળેલાં અન્ય ફોસીલ્સ અને હાલનાં ચીનાઓ વચ્ચે ખરેખર કોઇ સંબંધ છે ખરો ? આવા અનેક સવાલોનો ઉત્તર મેળવવા માટે, ચાઇનીઝ એકેડમી ઓફ સાયન્સની શાખા, કાર્યરત બની છે. જેનું નામ છે ઈન્સ્ટીટયુટ ઓફ પેલેયોન્ટોલોજી એન્ડ પેલીઓ-એન્થ્રોલોજી  (IPP). જે બીજીંગમાં આવેલી છે. સરકાર દ્વારા દસ લાખ ડોલરનાં ખર્ચે નવી લેબોરેટરી ઊભી કરવામાં આવી છે. જે પ્રાચીન અવશેષોમાંથી ડિએનએ મેળવીને, આજનાં ચાઇનીઝ લોકોનાં ડિએનએ સાથે સરખામણી કરશે. વાનર અને મનુષ્યનો વિભાગ 'હોમીનીન્સ' તરીકે ઓળખાય છે. એશિયામાંથી એટલાં બધાં અલગ અલગ વેરાઇટીનાં 'હીમોનીન્સ'નાં અવશેષો મળ્યાં છે જે બતાવે છે કે ''એશિયા ખંડમાં એક જ સમયે મનુષ્યની અલગ અલગ પ્રજાતી વસવાટ કરતી હતી. ચાઇનીઝ વૈજ્ઞાાનિકો માને છે કે આફ્રિકા અને યુરોપમાંથી મળેલાં, અશ્મીઓને ત્યાંના સંશોધકો વધારે મહત્વ આપી રહ્યાં છે. એશિયા ખંડની  ઉપસ્થિતિ તેઓ  ઈવોલ્યુશન સમજવા  માટે અવગણી રહ્યાં છે.

મનુષ્ય ઉત્ક્રાંન્તિ: એક ટુંકી વાર્તા



ઉત્ક્રાંતિની વાર્તાની શરૃઆત વૈજ્ઞાાનિકો અલગ અલગ રીતે કરે પરંતુ, વાર્તાનું શિર્ષક એક જ હોય, મનુષ્યની ઉત્ક્રાંતિ આફ્રીકામાંથી શરૃ થઈ છે. જેને 'આઉટ ઓફ આફ્રીકા' થિયરી કહે છે. વૈજ્ઞાાનિકોનાં સર્વમાન્ય મત પ્રમાણે, હોમો-ઈરેકટસ એટલે બે પગે ઉભો રહેનાર મનુષ્ય, આફ્રીકામાં આજથી ૨૦ લાખ વર્ષ પહેલાં પેદા થયો હતો. આજથી ૬ લાખ વર્ષ પહેલાં તેમનામાંથી નવી પ્રજાતી હોમો-હેઈડેલબર્જેનસીસ પેદા થઈ હતી. જેનાં અવશેષો ઈથોપિઆમાંથી મળી આવ્યા હતાં. ચાર લાખ વર્ષ પહેલાં, હોમો-હેઈડેનબર્જેનસીસ આફ્રીકા ખંડ છોડીને બહાર નિકળ્યો. જેમાંથી બે ફાટાં પડયા. એક પ્રજાતી મધ્ય પુર્વ તરફ ગઈ. જ્યારે બીજી પ્રજાતી યુરોપ ખંડ તરફ ગઈ. આ બે ફાંટાની મનુષ્ય પ્રજાતી નિએન્ડર થાલ તરીકે ઉત્ક્રાંન્તિ પામ્યા.

હોમો-હેઈડેલબર્જેનસીસનાં સભ્યો, પુર્વનાં દેશો તરફ ગયા. જે 'ડેનીસોવેન્સ'માં રૃપાંતર પામ્યા હતો. જેના અવશેષો ૨૦૧૦માં સાઈબીરીયામાંથી મળ્યા હતાં. હવે આફ્રીકામાં જે હોમો-હેઈડેલબર્જેનસીસનાં સભ્યો બાકી રહ્યાં,તેઓ બે લાખ વર્ષ પહેલાં હોમો-સેપીઅન નામનાં આજનાં મોર્ડન ''મેધાવી માનવી''માં રૃપાંતર પામ્યા હતાં. આફ્રીકામાંથી હોમો-સેપીઅન્સ ૬૦ હજાર વર્ષ પહેલાં યુરોપ-એશીયા ખંડમાં ફેલાઈ ગયા હતાં. અહીંની સ્થાનીક મનુષ્ય પ્રજાતી સાથે (નિએન્ડર થાલ અને ડેનીસોવેન્સ) અલ્પ પ્રમાણમાં આંતર-કુળ સંબંધો બંધાયા હતાં. મનુષ્ય ઉત્ક્રાંન્તિની આટલી ટુંકી વાર્તા છે. આધુનિક વિજ્ઞાાન પ્રમાણે આજના મોર્ડન મનુષ્ય, નિએન્ડરથાલ અને ડેનીસોવીન્સનાં મુખ્ય પુર્વજ તરીકે 'હોમો-હેઈડેલબર્જેન્સીસ' માનવામાં આવે છે. જેમની ખોપરીનું ભ્રમર પાસેનું હાડકુ ઉપસેલું હતું. જ્યારે હડપચીનું હાડકુ ઉપસેલું ન હતું. હોમો-સેપિઅન સાથે તેમની સરખામણી કરીએ તો, હોમો-હેઈડેલબર્જેનસીસનાં દાંત આજનાં મનુષ્ય માફક નાના હતાં. 'મગજ' સમાવવા માટે ખોપરીમાં જગ્યા વધારે હતી. આ કારણે નિષ્ણાંતો હોમો-હેઈડેલબર્જેનસીસને એચ. ઈરેક્ટસ અને એચ. સેપીઅન (એચ-હોમો) વચ્ચેનો ઉત્ક્રાન્તિકાળ માને છે.

માનવ નુવંશશાસ્ત્રનાં કરમની કઠણાઈ એ છે કે આ સમયગાળાનાં ફોસીલ અવશેષો ઓછા અને ગુચવી નાખે તેવાં છે. આ ગુંચવણમાં ચીનમાંથી મળેલાં અવશેષો ફરી પાછો વધારો કરે છે. હોમો-ઈરેક્ટસથી હોમો-સેપીઅન વચ્ચેનો સીધી લાઈનનો સંબંધ, નવ લાખ વર્ષથી સવા લાખ વર્ષ પહેલાંનો છે. પુર્વ એશીયામાંથી મળેલાં મનુષ્ય ફોસીલ્સ ઉપરનાં સમયગાળા છે. છતાં આધુનિક લક્ષણો ધરાવતાં ફોસીલ્સને કોઈ એક પ્રજાતી વર્ગમાં વર્ગીકરણ કરવું મુશ્કેલ બનાવે છે.

સમસ્યા પેદા કરતાં 'ચાઈનીઝ' અશ્મી

હુબાઈ પ્રાંતનાં યુંન્ઝીઆન સ્થળેથી બે પ્રાચીન ખોપરી મળી આવી હતી. જે નવ લાખ વર્ષ જેટલી પ્રાચીન છે. છતાં હોમો-હેઈડેલબર્જેનસીસ કરતાં અલગ રચના ધરાવે છે. નિષ્ણાંતોને હવે મત બદલવો પડે તેવી સ્થિતિ પેદા થઈ છે. ચાઈનીઝ ફોસીલ્સ જોઈને સ્ટ્રીન્જર જેવાં નિષ્ણાત કહે છે કે, ''હોમો-હેઈડેલબર્જેનસીસની ઉત્પતિ એશીયામાં થઈ હોવી જોઈએ. અહીંથી તેઓ અન્ય ખંડ તરફ ગયા હોવા જોઈએ. જોકે ચાઈનીઝ સંશોધકો તેનો વિરોધ કરીને કહે છે કે, આફ્રીકા અને યુરોપમાંથી મળેલાં નમુના કરતાં, ચીનમાંથી મળેલ નમુનાનું મટીરીઅલ અલગ પ્રકારનું છે. બનાવટમાં સરખાપણું હોવા છતાં મટીરીઅલ્સ અલગ છે તેનો શો અર્થ કાઢવો ?''
શાનાક્ષી પરગણાનાં ડાબી સ્થળેથી ૨.૫૦ લાખ જુની ખોપરી મળી આવી છે. જેમાં મગજ માટેની જગ્યા વધારે, ચહેરો ટુકો, હડપચીનું હાડકુ થોડું નીચે છે. જે એચ. હેઈડેલબર્જેનસીસ કરતાં વધારે સુધારેલ રચના ધરાવે છે. આ પ્રકારનો બદલાવ હજારો વર્ષોથી જોવા મળ્યો છે. ૨૦૦૭માં મળેલ એક લાખ વર્ષ જેટલાં પ્રાચીન અશ્મી ઈન્સ્ટીટયુટ ઓફ પેલેયોન્ટોલોજી એન્ડ પેલીઓ-એન્થ્રોલોજી દ્વારાં ખોદી કાઢવામાં આવ્યા હતાં. નિષ્ણાંતો તેને હોમો-સેપીઅન ગણે છે. જો હોમો-સેપીઅન આજથી ૬૦ હજાર વર્ષ પહેલાં ઉત્ક્રાન્તિ પામ્યો હોય તો, ચીનમાં એક લાખ વર્ષ પહેલાંના હોમો-સેપીઅનનાં અવશેષો મળી આવ્યા છે. તેનો શો અર્થ કરવો ? હોમો-સેપીઅન 'આફ્રીકા'માંથી સ્થળાંતર પામીને અન્ય સ્થળે ગયા ન હતાં ? મનુષ્યનું  ઉત્પતિ સ્થાન ખરેખર 'એશીયા' ખંડ છે ?

એક લાખ વર્ષ પ્રાચીન અશ્મીનાં જડબાનો ભાગ આજનાં મનુષ્ય જેવો છે. જ્યારે શરીરનું બંધારણ 'પેકીંગમેન' જેવું છે. નિષ્ણાંતો હવે માને છે કે એશીયાનાં લોકોનાં પુર્વજો 'પેકીંગમેન'નો સમુદાય હોવો જોઈએ. આ મોડેલને 'મલ્ટીરીઝનાલીઝમ' તરીકે ઓળખવામાં આવે છે. જે પ્રમાણે એશીયાનાં હોમો-ઈરેકટસ, આફ્રીકા અને પુરેશીયાનાં આદી-મનુષ્ય સાથે આંતર-સમકાલ પામીને આધુનિક મનુષ્યનાં પુર્વજોને 'એશીયાખંડ'માં પેદા કર્યા હતાં. આ વાતને સમર્થન આપે તેવાં અન્ય પ્રાચીન અવશેષો ચીનમાંથી મળ્યાં છે. ૧૭ લાખ વર્ષથી માંડી દસ હજાર વર્ષ સુધીનાં સમયગાળામાં મનુષ્ય પત્થરોનાં ઓજાર વાપરતો આવ્યો છે. ટુંકમાં આ સમયકાળ અહીંના મનુષ્ય માટે 'પાષાણયુગ' હતો. ઈન્સ્ટીટયુટ ઓફ પેલેયોન્ટોલોજી એન્ડ પેલીઓ-એન્થ્રોલોજી નાં નિષ્ણાંતો માને છે કે એશીયા ખંડના 'હોમીનીન્સ' બાહ્ય પ્રજાતીનાં નામ માત્ર જેનાં પરીબળોની અસર જાણીને સતત ઉત્ક્રાંન્તિ પામતાં રહ્યાં હતાં.
ઉત્ક્રાંન્તિનું ચિત્ર ધુંધળુ છે ?


કેટલાંક નિષ્ણાંતો કહે છે કે 'ચાઈનીઝ સંશોધકોની માનસીકતા, રાષ્ટ્રવાદ પ્રેરીત છે. જેઓ માનવા તૈયાર નથી કે હોમો-સેપીઅન્સ આફ્રિકામાં ઉત્ક્રાંતિ પામ્યા હતા. જોકે તેમની વાતમાં વધારે વજન નથી કારણ કે, ચાઈનીઝ ફોસીલ્સ અલગ દીશા સુચવે છે. ચીનમાં હોમો-ઈરેકટસથી માંડીને હોમો-સેપીઅન્સ સુધીનાં ફોસીલ્સ મળી આવ્યા છે. ચાઈનીઝ લોકોનાં ડિએનએને મનુષ્યનાં પ્રાચીન પુર્વજો જેઓ 'આફ્રીકા'માં હતાં તેમની સાથે સરખામણી કરતાં ૯૭.૪૦ ટકા સરખાપણું જોવા મળ્યું છે. તેથી પ્રજાતીનાં નિષ્ણાંતો કહે છે કે 'ચાઈનીઝ ફોસીલ્સ'નો પુર્વજો પણ આફ્રીકાનાં હોમો-ઈરેકટસ જ હતાં.'

શાંઘાઈનાં ફુદાન યુનીવર્સિટીનાં લી-હુઈ નામના પોપ્યુલેશન જીનેટીસ્ટ કહે છે કે ''ચીનમાંથી મળેલ પ્રાચીન ફોસીલ્સમાંથી ડિએનએ અલગ તારવવામાં આવ્યું નથી. જેની સાથે સરખામણી કરી ચોક્કસ તારણ પર આવી શકાય. ચીનનાં હુંવાન પ્રાંતનો ડાઓજીઆંગ સ્થળેથી ૪૭ જેટલાં દાંતનાં નમુનાઓ મળ્યાં છે. જેમનો સમયકાળ ૮૦ હજાર વર્ષથી ૧.૨૦ લાખ વચ્ચેનો છે. જેને વિશ્વનાં અન્ય પાંચ હજાર કોસીલ્સ દાંત સાથે સરખાવતા અલગ વાત જાણવા મળે છે. ચીનનાં દાંતનાં નમુના પુરેશીયાનાં દાંતને મળતા આવે છે. આફ્રીકાનાં દાંતને મળતા આવતાં નથી. જેનાં ઉપરથી અલગ થિયરી વિચારવા નિષ્ણાંતો પ્રેરાય છે.''


૧૮ લાખ વર્ષ પહેલાં આફ્રિકામાંથી નિકળ્યા હતાં. જેમનાં વારસદાર મધ્યપુર્વમાં વસી ગયા હતાં. ત્યાંથી અલગ દીશામાં ગયા હતાં. એક ગ્રુપ ઈન્ડોનેશીયા તરફ ગયું. જેમાંથી નિએન્ડર થાલ અને ડેનીસોવાન્સ ઉત્ક્રાંન્તિ પામ્યા હતાં. આમાનું એક ગુ્રપ આફ્રીકા પાછું ફર્યું. જેમાંથી હોમો-સેપીઅન્સ સર્જન પામ્યા અને સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયા. આ થિયરી પ્રમાણે આધુનિક મેધાવી માનવીનું સર્જન આફ્રિકામાં થયું હતું. જ્યારે હોમો-ઈરેક્ટસથી હોમો-સેવીઅન વચ્ચેની પ્રજાતિ મધ્યપુર્વમાં ઉત્ક્રાંન્તિ પામતી રહી હતી. આ નવીન થિયરી સાથે બધા સહમત નથી. કદાચ હયુમન ઈવોલ્યુશન સમજવામાં સમય લાગશે.

Sunday 17 July 2016

વરચ્યુઅલ રીયાલીટી, અને રોબોટનાં સમન્વય આધારીત: સેક્સ'ની આવતીકાલ કેવી હશે?

Pub. Date. 17.07.2016
ફ્યુચર સાયન્સનાં ૧૯ જુનનાં અંકમાં વરચ્યુઅલ રિઆલિટીને આલેખવામાં આવી હતી. માત્ર મનોરંજન માટે જ વરચ્યુઅલ રિઆલિટી ઉપયોગી બનશે એવી ભ્રમણા હવે ભાંગી ચૂકી છે. જાપાનની સેક્સ ઈન્ડસ્ટ્રી દ્વારા દુનિયાનો પ્રથમ 'વરચ્યુઅલ રિઆલિટી' અધારિત પોર્ન ફેસ્ટિવલ જાપાનમાં યોજાયો હતો. વરચ્યુઅલ રિઆલીટી આધારીત સેક્સનો અનુભવ કરવા માટે એટલાં બધા લોકો ઉમટી પડયા કે 'એડલ્ટ વિઆર' ફેસ્ટીવલ તેના નિર્ધારિત સમય કરતાં પહેલા જ બંધ જાહેર કરવો પડયો હતો. ફેસ્ટીવલમાં લોકોનાં ધાડેધાડાં ઉમટી પડયા હતાં. જેને નિયંત્રણમાં રાખવા માટે આયોજકો નિષ્ફળ નીવડયા હતાં. ગુગલનાં સર્ચ એન્જીનમાં ૨૦૧૪થી અત્યાર સુધીમાં 'વિઆર પોર્ન'ની 'સર્ચ' કરવામાં ૧૦ હજાર ટકા, યસ ફરીવાર... રીપીટ... દસ હજાર ટકાનો વધારો માત્ર છેલ્લા અઢી વર્ષમાં થયો છે. થોડા સમય પહેલાં ટેકનોલોજીનું ભવિષ્ય ભાખનાર ડૉ. ઈઆન પેટરસન નામનાં ફયુચરોલોજીસ્ટે આગાહી કરી હતી કે, ''આવનારાં એક દાયકામાં મનુષ્ય, માનવ આકારનાં 'એન્ડ્રોઈડ'ને પોતાનાં સેક્સ પાર્ટનર બનાવશે.'' એ સમયે હાસ્યાસ્પદ લાગતી બાબત ધીરે ધીરે વાસ્તવિકતા તરફ જઈ રહ્યું હોય એમ લાગે છે. વરચ્યુઅલ રીઆલીટી, પોર્નોગ્રાફી અને સેક્સ રોબોટનો ત્રિવેણી સંગમ મનુષ્યની આવતીકાલની સવાર બદલી નાખશે એ વાત નક્કી છે.

વરચ્યુઅલ રીઆલીટી સેક્સ ફેસ્ટીવલ

નિષ્ણાતોનાં અંદાજ પ્રમાણે ૨૦૨૫ સુધીમાં એડલ્ટ વરચ્યુઅલ રિઆલીટી એક અબજ ડોલરને આંબી જશે. ગુગલ ટ્રેન્ડનાં આંકડાઓ બતાવે છે કે ''વિઆર પોર્ન''ની શોધયાત્રા છેલ્લા ૧૭ મહીનામાં ૯,૯૦૦ ટકાનો વધારો દર્શાવે છે. એચટીસીનાં વિઆર હેડસેટ 'વાઈવ' અને ઓક્યુલસ રિફ્ટનાં આગમન બાદ, ૩૬૦ ડીગ્રીની એડલ્ટ વિઆર પોર્ન બનવા લાગી છે. મુવિઝ અને ગેમ્સ બાદ હવે, વરચ્યુઅલ રિઆલીટી ક્ષેત્રે 'એડલ્ટ VR' ત્રીજો વિશાળકાય ઉદ્યોગ બની ચુક્યો છે.

૧૮૯૬માં એક પ્રથમ ટુંકી ફિલ્મ બની હતી જેમાં અવાજ ન હતો. એક મહિલા બાથરૃમમાં નાચતાં નાચતાં કપડા ઊતારતી હતી. દુનિયાની આ પ્રથમ ઈરોટીક ફિલ્મ હતી. સમય જતાં ઈરોટીક ફિલ્મમાંથી ટ્રીપલ સેક્સની હાર્ડકોર પોર્નોગ્રાફી આવી ગઈ. હવે ઈરોટીકા અને પોર્ન ફિલ્મ વચ્ચે ભેદરેખા દોરવી અશક્ય બની જાય તેવો માહોલ ઊભો થયો છે. લોકો માત્ર ઈન્ટરનેટ ઉપર જ 'વિઆર પોર્ન' શોધતા નથી. ગયા વર્ષના ઓક્ટોબર મહિનાથી લોકોએ પોર્ન સાઈટમાં લવાજમ ભરી 'વિઆર પોર્ન' માણવાનું પસંદ કર્યું છે. વિશ્વમાં આવા લવાજમધારી લોકોની સંખ્યા ૩ કરોડ ૨૦ લાખે પહોંચી છે. બાકી ફ્રીમાં જોનારાની સંખ્યાનો અંદાજ લગાવવો મુશ્કેલ બની રહ્યો છે. નિષ્ણાતોનાં મત પ્રમાણે ગયા વર્ષનાં અંત ભાગથી અત્યાર સુધી ૨૦ થી ૩૦ કરોડ લોકો માથા ઉપર પટ્ટો બાંધેલ 'હેડસેટ' બાંધી એડલ્ટ પોર્નની મજા લઈ રહ્યાં છે. જેમાં 'પોર્ન હબ' સાઈટ સૌથી મોખરે છે.

ગયા માર્ચ મહીનામાં પ્રથમવાર ૩૬૦ ડીગ્રી એડલ્ટ મુવીઝ ઈન્ટરનેટની 'પોર્ન હબ' ઉપર પ્રથમવાર દેખાવા લાગતા હતાં. આ વિભાગ ચાલુ થયા બાદ, પોર્નસાઇટ 'પોર્ન હબ' દ્વારા ૧૦ હજાર હેડસેટ વેચાઈ ચુક્યાં છે.  VR પોર્ન સર્ચમાં, ટોપટેનનાં લીસ્ટમાં દેશ 'નોર્વે'' પ્રથમ સ્થાને આવે છે. ત્યારબાદ, હોંગકોંગ, સિંગાપોર, ફિનલેન્ડ, દક્ષિણ આફ્રિકા, સ્વીડન અને મલેશીયાનો નંબર આવે છે. હવે લોકો માત્ર  VR પોર્ન જોતાં જ નથી. તેમનાં ફેવરીટ પોર્નસ્ટાર સાથે અનુભવ અને સંવાદ પણ 'શેર' કરવા લાગ્યાં છે. હવે મોબાઈલની એન્ડ્રોઈડ અને આઈઓએસ માટે પણ વિડિયો ઉપલબ્ધ બનવા લાગી છે. થોડા મહીનાઓમાં  VRની ગુણવત્તા વધારે સુધારશે અને સેક્સ અને વરચ્યુઅલ રિઆલિટીનો સમન્વય 'બેટર રિઆલિટી' બની જશે.

લોકો 'રોબોટ' સાથે લગ્ન કરશે ?

કેટલીક સાયન્સ ફિકશન ફિલ્મમાં રોબોટ મનુષ્ય પ્રજાતિ ઉપર વિજય હાંસલ કરીને તેમનાં પર હકુમત દાખવતાં બતાવાય છે. ભારતિય ફિલ્મ 'રોબોટ' તેનું જવલંત ઉદાહરણ છે. જેમાં રોબોટ, એશ્વર્યા રાયનાં સૌંદર્યથી અંજાઇને તેની સાથે સેક્સ સંબંધો બાંધવા પ્રયત્નશિલ પણ બતાવવામાં આવે છે. હવે સવાલ એ થાય કે લોકો 'રોબોટ' સાથે લગ્ન કરવાં તૈયાર થાય ખરા ?

નિષ્ણાંત કોમ્પ્યુટર સાયન્ટીસ્ટ કહે છે કે 'આવનારા સમયમાં રોબોટ 'કૃત્રીમ બુધ્ધી'' ધરાવતા હશે અને મનુષ્યને વધારે મળતાં આવે તેવો બનવા લાગશે. 'આ પ્રકારની આગાહી, બ્રિટનની હિટ ટીવી સીરીઅલ 'હ્યુમન્સ'નો મુખ્ય પ્લોટ પણ છે. જેમાં ઘરના લોકો રોબોટ સાથે લાગણીનાં સંબંધો બાંધી બેસે છે. ડૉ. કેવિન કરન નામનાં કોમ્પ્યુટર સાયન્ટીસ કહે છે કે 'થોડાક સમયમાં જ મશીનો, એક પુરૃષ જે કામ કરે છે તે બધી પ્રક્રીયા કરવામાં સક્ષમ બની જશે. તેમની પાસે 'આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સ' તેમને વધારે માનવ લક્ષણો ધરાવતા હશે. તેમને સવાલ પુછવામાં આવ્યો કે શું તેઓ માને છે કે 'લોકો રોબોટ સાથે ઇન્ટીમેટ સંબંધ બાંધવા તૈયાર થઇ જશે. તેમનો જવાબ હતો 'હા''' આવનારાં સમયમાં નૈતિકતાનો પ્રશ્ન પણ ઉભો થશે. શું 'રોબોટ' સાથે કાયદેસર લગ્ન કરી શકાશે ? થોડા સમયમાં લોકો 'રોબોટ' ને મનુષ્ય જેવાં હક્ક આપવા આંદોલન કરે તો નવાઈ પામશો નહીં ! આજે માત્ર પુરૃષો માટે સેક્સ 'ડોલ' મળી રહી છે. આવનારાં સમયમાં સ્ત્રીઓ માટે પણ 'સેક્સ રોબોટ' ઉપલબ્ધ બનશે.
એક નવા રીપોર્ટ પ્રમાણે, શરૃઆતમાં સેક્સ બોટ સ્ટ્રીપ ક્લબમાં ઉપયોગમાં લેવાશે. અહીં લોકો તેમની બધી જ સેક્સ 'ફેન્ટસી'ને માણવા અને ચકાસવાનાં પ્રયોગો કરશે. શક્ય છે તેમાં સંતોષકારી પરીણામ મેળવનારાં, પોતાનાં મુખ્ય સેક્સ પાર્ટનર તરીકે રોબોટની પસંદગી કરે, તો તેનું આશ્ચર્ય થશે નહીં.

'સેક્સબોટ' સ્વીકાર્ય બની રહ્યાં છે!

આજે રોબોટ કાર એસેમ્બલીંગ, સિક્યુરીટી ગાર્ડથી માંડીને ઓફીસ મેનેજર તરીકેની ભુમિકા બજાવે છે. થોડા સમયથી રોબોટનો પગપેસારો સેક્સ ઈન્ડસ્ટ્રીમાં થઈ ગયો છે. ટ્રુ કમ્પેનિઅન 'રોક્સી' નામની સેક્સી રોબોટીક ડોલ બજારમાં આવી ગઈ છે. સેક્સ માટે રોબોટનો ઉપયોગ થશે તેવી ભવિષ્યવાણી ડૉ. ઈઆન પેટરસને આઠેક મહિના પહેલાં કરી હતી. મનુષ્ય જેવો દેખાવ ધરાવતાં રોબોટને 'એન્ડ્રોઈડ' તરીકે ઓળખવામાં આવે છે. ડૉ. પેટરસનનાં દાવા પ્રમાણે આવનારાં ૧૦ વર્ષમાં મનુષ્ય તેનાં સેક્સ પાર્ટનર તરીકે 'રોબોટ'નો મહત્તમ ઉપયોગી કરતો થઈ જશે.

રોબોટ સાથે સેકસ-સમાગમનો સંબંધ સાયન્સ ફિક્શન જેવો લાગે છે પરંતુ તાજેતરમાં થયેલ નવું સંશોધન અને સર્વેક્ષણમાં ચોંકાવનારી બાબતો જાણવા મળી છે. દર પાંચ વ્યક્તિમાંથી એક વ્યક્તિ એટલે કે ૨૦% લોકો રોબોટ સાથે સેક્સ સંબંધ બાંધવા તૈયાર છે. બ્રિટનનાં ૨૧% લોકોએ એન્ડ્રોઈટ સાથે સેક્સ સંબંધ બાંધ્યો હોવાનો એકરાર પણ કર્યો છે. જે ડૉ. ઈઆન પેટરસનની ભવિષ્યવાણીને હકીકતના માર્ગે લઈ જઈ રહી છે. રોબોટીક સેક્સ ઉપકરણોનું ઉત્પાદન વધવા માંડયું છે.

તાજેતરનું સર્વેક્ષણ બ્રિટનનાં ૨૮૦૦ લોકો પર કરવામાં આવ્યું હતું. આ સર્વે વાઉચર કોડ્સ પ્રો દ્વારા કરવામાં આવ્યો હતો.  જેમાં ૭૨% લોકો માને છે કે સમાગમ માટે 'રોબોટ' ઉત્તમ કાર્ય કરી શકે છે. જ્યારે ૨૮% લોકો તેને નવાં અનુભવ તરીકે સ્વીકારવા તૈયાર છે. કેટલાંક લોકો એન્ડ્રોઈડને ઘરનાં અન્ય કામ માટે લાવે છે પરંતુ સમય જતાં તેની સાથે લાગણીનો અતુટ સંબંધ બાંધી બેસે છે જે છેવટે સેક્સ તરફ પણ દોરી જાય છે. જ્યારે કેટલાંક લોકો માત્ર સેક્સનાં ઉદ્દેશ્યથી જ 'રોબોટ' ખરીદતા થયાં છે. 'લવ હની' નામનાં ઓનલાઈન સેક્સ ટોયનાં વિક્રેતા કહે છે કે સેક્સ રોબોટ હવે મેઈન સ્ટ્રીમમાં ભળવા અને મળવા લાગ્યા છે. સ્વીકારવું પડે કે રોબોટીક ટોયસ અત્યારે વિકસીત અવસ્થામાં છે. જે મોંઘા પણ છે. સેક્સ માટેનાં રોબોટની શરૃઆતની કિંમત આઠ હજાર ડોલરની આસપાસની છે.

આગામી 'સેક્સ ઇવૉલ્યુશન'

એ વાત તો નક્કી છે કે આવનારાં ભવિષ્યમાં મનુષ્યનાં સેક્સ સંબંધોમાં ક્રાંન્તિકારી ફેરફારો થશે. ડૉ. ઇઆન પ્રિઅરસનનાં રિપોર્ટની આગાહીઓ નીચે મુજબ છે. જે બદલાતા સમયની 'જાતિયતાની ઉત્ક્રાંન્તિ' જેવાં છે.
૨૦૩૦ સુધીમાં લગભગ મોટાભાગનાં લોકો 'વરચ્યુઅલ સેક્સ'નો અનુભવ કરી ચુક્યા હશે.
૨૦૩૫ સુધીમાં મોટાભાગનાં લોકો પાસે સેક્સ ટોય હોવા સામાન્ય બાબત બની જશે. આવા સેક્સ ટોય વરચ્યુઅલ રિયાલીટી ઉપકરણો સાથે ઇન્ટરેક્ટીવ હશે.
૨૦૨૫ સુધીમાં ધનાઢ્ય લોકોનાં ઘરમાં 'સેક્સબોટ' સ્ટેટસ સિમ્બોલ બની શકે છે.
૨૦૫૦ સુધીમાં રોબોટ-મનુષ્યનાં સેક્સ સંબંધો વધારે લોકપ્રિય અને વ્યવહારૃ લાગવા માંડશે.
મનુષ્યનાં મગજમાં પ્રેમ અને જાતિય આવેગ એ બે સ્પષ્ટ અલગ બાબત છે એવી માનસીકતા કેળવાશે. સેક્સ અને પ્રેમલાગણીની જરૃર નથી એવું લોકો 'રોબોટ'ને કારણે માનતા થશે.
આર્ટીફિશીઅલ ઇન્ટેલીજન્સનાં આવિષ્કારનાં પગલે પગલે, લોકો તેમની કલ્પનાને સાકાર કરે તેવાં કસ્ટમાઇઝેબલ પર્સનાલીટીવાળાં 'રોબોટ' માંગતા થઈ જશે.
તમારાં મશીન પાર્ટનરનું શરીર તમારી કલ્પના અને જરૃરીયાત પ્રમાણેનું મળી રહેશે.
સેક્સ બોટનાં શારિરીક ગુપ્તાંગો તમારી મરજી મુજબનાં મળતાં થઇ જશે.

સેક્સ ક્રાઈમમાં ઘટાડો થશે ?

૧૯૭૨માં ઇસ લેવીન નામની લેખીકા એ 'ધ સ્ટેપફોર્ડ વાઈવ્ઝ' નામની વ્યગાંત્મક થ્રિલર નવલકથા લખી હતી. જેમાં 'સેક્સ રોબોટ'નાં શરૃઆતનાં મુળીયા જોવા મળે છે. નિષ્ણાંતો અને લોકો 'સેક્સબોટ'નાં અનેક ફાયદાઓ પણ જુએ છે. માનસીક સમસ્યાઓની સારવાર કરનાર નિકોલસ ઔજુલા કહે છે કે લોકો સેક્સ બોટનો ઉપયોગ પોતાની કાલ્પનિક 'સેક્સ ફેન્ટસી'ની પુર્ણાહુતી માટે કરશે. જેથી તેઓ માનસીક તનાવથી મુક્ત રહેશે. આ કારણે સેક્સ માટે કરવામાં આવનારાં ગુનાઓ ઘટશે. આસાનીથી સેક્સ ક્રાઈમ સામે લડી શકાશે. સેક્સ બોટનાં કારણે લોકો 'ક્રિએટીવ સેક્સ'ને સંતોષવામાં સફળ પણ રહેશે. જો કે બધા જ નિષ્ણાંતો 'સેક્સબોટ'ને સારી નજરે જોઈ રહ્યાં નથી.

બ્રિટનનો સંશોધક ડૉ. કેથલીન રિચાર્ડસન માને છે કે 'સેક્સ બોટ'ને કારણે લોકો અન્ય વ્યક્તિ પ્રત્યેની હમદર્દી ગુમાવી બેસશે. સેક્સ બોટને સ્વીકારીને લોકો, જીવંત યુક્ત વ્યક્તિનો નકાર કરીને તેમની હમદર્દી ગુમાવી બેસે એ સમાજ વ્યવસ્થા માટે સ્વીકાર કરવા લાયક બદલાવ નથી. લોકોએ સમજવું જોઇએ કે સેક્સ ડોલ કે સેક્સ રોબોટ મનુષ્યની માફક 'સેક્સ' માણી લેતા નથી. આ પ્રક્રિયા તો માત્ર તેમને ખરીદનાર વ્યક્તિનાં મગજમાં જ ચાલતી હોય છે. માનવ શરીર સાથે વ્યાપારીકરણ યુક્ત ઉપકરણો વડે રમત કરવી જોઇએ નહીં. સેક્સ સંબંધો માટે રોબોટીક સેક્સ માનસીક તનાવ સામે પ્રેસર રીલીઝ વાલ્વ જેવું કામ કરી શકે તેમ છે તો સામે પક્ષે માનવ સભ્યતા, સંસ્કાર અને નૈતિકતાને લગતા સવાલો ઉભા જ છે.

Wednesday 13 July 2016

દુનિયાનું વિશાળકાય 'વિન્ડ ટર્બાઈન' ડેનમાર્કમાં આકાર લઈ રહ્યું છે!


Pub. Date = 10.07.2016

પર્યાવરણ માટે ગ્રીન ટેકનોલોજી ''વિન્ડ પાવર''નો પવન ફૂંકાઈ રહ્યો છે
સૌર ઉર્જા બાદ પૃથ્વી પર સરળતાથી ઉપલબ્ધ થતી ઉર્જાનો બીજો સ્ત્રોત એટલે પવન ઉર્જા. પૃથ્વી પર જ્યારે એક જગ્યાએ ઉચ્ચ દબાણ અને અન્ય સ્થળે દબાણ નીચું હોય તેવાં સમયે, વાતાવરણનો વાયુ ઉંચા દબાણથી નીચા દબાણવાળાં સ્થાને ભાગે છે. જેથી દબાણનું સંતુલન જળવાય. વાયુનો આ પ્રવાહ આપણે 'પવન' નામે ઓળખીએ છીએ. જ્યાં સુધી સુર્ય તપતો રહેશે ત્યાં સુધી 'પવન' ઉર્જા પણ મળતી રહેવાની છે. પ્રાચીનકાળમાં સઢવાળી હોડીઓનો ઉપયોગ 'પવન'ને નાથી દરિયાઈ સફર માટે થતો હતો. ખેડુતો પવન ચક્કીનો ઉપયોગ અનાજ દળવા અને પાણીનો પંપ ચલાવવા માટે પણ કરતાં હતાં છેલ્લા દાયકામાં 'પવન ઉર્જા'નાં સ્ત્રોતો દ્વારા પેદા થતી ઊર્જામાં ૨૫% જેટલો વધારો થયો છે. ૨૦ માળની બિલ્ડીંગ જેટલી 'પવનચક્કી' એક સામાન્ય માપદંડ ગણવામાં આવે છે પરંતુ વિવિધ દેશોમાં રાક્ષસી કદના 'વિન્ડ ટર્બાઈન' પણ લાગ્યાં છે. તાજા સમાચાર પ્રમાણે વિશ્વનું સૌથી વિશાળ વિન્ડ ટર્બાઈન, ડેનમાર્કમાં બંધાઈ રહ્યું છે. જે કાર્યરત બનશે ત્યારે એકસાથે દસ હજાર 'ઘરો'ને વિજળી પુરી પાડશે. સામાન્ય રીતે ૧ મેગા વોટ વિજળી પેદા કરતો 'વિન્ડ પાવર પ્લાન્ટ' ૨૫૦ જેટલાં 'ઘરો'ને વીજળી પુરી પાડી શકે છે. રાક્ષસી કદનાં 'વિન્ડ ટર્બાઈન'ની જાણકારી સાથે 'પવન' ઉર્જાની તાકાતનો આછેરો અંદાજ મેળવીએ.

પવન ઉર્જા - ક્લીન એનર્જી

પવન ઉર્જા અન્ય બધા પ્રકારની ઉર્જામાંથી સૌથી સ્વચ્છ ઉર્જા માનવામાં આવે છે. જેના કારણે પર્યાવરણની સમસ્યા સર્જાતી નથી. આપણા અશ્મીજન્ય બળતણની સાથે પર્યાવરણ માટે નુકસાનકારી 'ગ્રીનહાઉસ ગેસ' પવન ઉર્જામાં જરાપણ ઉત્પન્ન થતો નથી. પવન ઉર્જા સામાન્ય રીતે વિન્ડ ટર્બાઈન દ્વારા પેદા થતી યાંત્રિક ઉર્જાને વિદ્યુત ઉર્જામાં રૃપાંતર કરી આપે છે. જ્યારે એક કરતાં વધારે પવનચક્કીઓ દ્વારા મોટા પ્રમાણમાં વિજળી ઉત્પન્ન કરવામાં આવે ત્યારે, આવો પવનચક્કીનો સમુહ 'વિન્ડ ફાર્મ' તરીકે ઓળખાય છે. જમીન પર બાંધવામાં આવેલ પવન ઉર્જા પ્લાન્ટ ઓનશોર પ્લાન્ટ ગણાય છે. જ્યારે દરિયામાં કિનારાની નજીક બાંધવામાં આવતા પ્લાન્ટને ઓફશોર પ્લાન્ટ કહે છે.
વિજળી પેદા કરવા માટે પ્રથમ 'વિન્ડ મિલ' સ્કોટલેન્ડમાં ૧૮૮૭માં નાંખવામાં આવી હતી. એન્ડરસન કોલેજના પ્રો. જેમ્સ બ્લીથ દ્વારા તેને ઉભી કરવામાં આવી હતી. અમેરિકામાં ક્લીવલેન્ડ 'ઓહીયો'માં આ સમયગાળામાં જ વિશાળકાય 'વિન્ડ મિલ' ચાર્લ્સ બ્રંશ દ્વારા નાંખવામાં આવી હતી. વિસમી સદીમાં ખેતર કે નાનાં રહેઠાણો માટે નાના-નાના વિન્ડ ટર્બાઈન વિકસાવવામાં આવ્યા હતાં. આજે ચીન પવન ઉર્જા ક્ષેત્રે વિશ્વમાં પ્રથમ સ્થાને આવે છે. જે વિશ્વની પવન ઉર્જાનો ૩૧% હિસ્સો પવન ઉર્જા દ્વારા મેળવે છે. વિશ્વનાં ૮૩ દેશો આજે 'પવન ઉર્જા' ક્ષેત્રે સક્રીય બન્યાં છે. ભારતનું સ્થાન પાચમું છે. ભારતનાં મોટાભાગનાં વિન્ડ ટર્બાઈન પરદેશી બનાવટનાં છે. ભારતમાં કોઈ પણ કંપની વિન્ડ ટર્બાઈન કે વિન્ડ મિલ માટેનાં જરૃરી પાર્ટસ બનાવતી નથી. ભારતનાં વિકાસના બણગાં ફુંકનારે 'પવન ઉર્જા' ટેકનોલોજીમાં સ્વદેશી યોગદાનની સમીક્ષા અવશ્ય કરવી જોઈએ. ભારત વર્ષે દહાડે ૨૬ હજાર મેગાવોટ વીજળી પવન ઉર્જા ધ્વારા મેળવે છે.

'વિન્ડ ટર્બાઈન' કઈ રીતે કામ કરે છે?

વિન્ડ ટર્બાઈન સરળ સિધ્ધાંત ઉપર કામ કરે છે. પવનમાં રહેલી ગતિ-ઉર્જા બે કે ત્રણ પાંખીયાને ગોળ ફેરવે છે. રોટર મુખ્ય ધરી સાફ્ટ સાથે જોડાયેલ હોય છે. જે તેની સાથે જોડાયેલ વિન્ડ ટર્બાઈનને ફેરવીને વિજળી પેદા કરે છે. આપણા ઘરમાં રહેલા પંખાને ખુબજ ઝડપથી ફેરવવામાં આવે તો તે વિન્ડ ટર્બાઈન જેવું કામ આપી શકે છે. ટુંકમાં ઘરના પંખાની ઉલટી પ્રક્રિયામાં વિન્ડ ટર્બાઈનમાં ચાલે છે. સવાલ એ થાય કે પૃથ્વી પર પવન કઈ રીતે પેદા થાય છે?
સુર્ય દ્વારા પૃથ્વીનાં વાતાવરણનાં અનિયમિત સ્વરૃપે ગરમ થવાથી હવાનો પ્રવાહ પેદા થાય છે. જો સુર્યનું અસ્તિત્વ ન હોય તો પૃથ્વી પર 'પવનો' પણ પેદા થાય નહીં. આ ઉપરાંત પૃથ્વીનું પોતાનું ધરીભ્રમણ પણ 'પવન' પેદા કરવા માટે પોતાની રીતે યોગદાન આપે છે. વનસ્પતિ, પાણીનાં સ્રોત અને ભુમી રચનાનાં બદલાવના કારણે 'પવન' વિશીષ્ટ પ્રકારની પેટર્ન અને ઝડપથી પૃથ્વી પર ફરી વળે છે.
વિન્ડ ટર્બાઈન બે પ્રકારનાં હોય છે. હોરીજોન્ટલ એક્સીસ (સમતલ ધરી) અને વર્ટીકલ એક્સીસ (ઉર્ધ્વાઘર ધરી)વાળા ટર્બાઈન સામાન્ય રીતે હોરીજોન્ટલ એક્સીસવાળા ટર્બાઈન વધારે વપરાય છે. જ્યારે વર્ટીકલ ડિઝાઈનવાળાં મોડેલનું નામ તેનાં આવિષ્કારક ડેરિયસ પરથી રાખવામાં આવ્યું છે. જે 'એગ-બીટર' મોડેલનાં નામે પણ ઓળખાય છે. અમેરીકાનાં બધા જ વિન્ડ ટર્બાઈન ભુમી પર આવેલાં છે. સામાન્ય રીતે ૧૦૦ કીલો વૉટ ક્ષમતાવાળા 'યુટીલીટી સ્કેલ ટર્બાઈન'થી વિન્ડ ટર્બાઈનની દુનિયા શરૃ થાય છે. આવા ટર્બાઈન સામાન્ય રહેઠાણનાં મકાન માટે, ટેલીકોમ્યુનીકેશનની ડિસ માટે કે પાણીનાં પંપ ચલાવવા માટે ઉપયોગમાં લેવાય છે. કેટલીકવાર આવી નાની સિસ્ટમ સાથે ડિઝલ જનરેટર કે સૌર ઊર્જા માટે વપરાતાં ફોટો વોલ્ટીંક સેલ પણ જોડવામાં આવે છે. જેને હાઈબ્રીડ પ્લાન્ટ તરીકે ઓળખવામાં આવે છે.

દુનિયાનું વિશાળકાય 'વિન્ડ ટર્બાઈન'!

વિશ્વનું સૌથી મોટું વિન્ડ ટર્બાઈન હાલમાં, ડેનમાર્કમાં તૈયાર થઈ રહ્યું છે. તેનાં પાંખીયાની લંબાઈ ૨૯૦ ફૂટ (૯૦ મીટર) હશે. તેનાં માટે ૨૯૫ ફૂટ ઉચું માળખું બનાવીને ગોઠવવામાં આવશે. સંપૂર્ણ બાંધકામની ઉંચાઈ લગભગ ૧૮૦ મીટર એટલે કે ૬૦ માળના બિલ્ડીંગ જેટલી થશે. વિન્ડ ટર્બાઈન દ્વારા ૮ મેગા વોટ વીજળી પેદા થશે જે ૧૦ હજાર ઘર માટે પુરતી વિજળી સપ્લાય કરશે. વિશ્વનું સૌથી ઉંચું 'લંડન આઈ' તરીકે જાણીતું ફેરી વ્હીલ થેન્સ નદીનાં કિનારે આવેલ છે. આ ચગડોળ લંડન આઈ કરતાં, ડેન્માર્કનું વિન્ડ ટર્બાઈન ૩૩% વધારે વિશાળ છે.  લંડન આઈની ઉંચાઈ ૧૩૫ મીટર છે. તેનાથી ઉચું સ્ટાર ઓફ તાનયાંગ ૨૦૦૬માં બાંધવામાં આવ્યું હતું. તેનો રેકોર્ડ સિંગાપુર ફ્લાયરે (૧૬૫ મી.) તોડયો હતો. ૨૦૧૪માં લાસવેગાસમાં હાઈ રોલર ૧૬૮ મીટર ઉચું છે. તેનાથી વધારે ઉંચાઈ નવા બંધાઈ રહેલાં વિન્ડ ટર્બાઈનની રહેશે.
જર્મનીનાં બ્રિમર હાવેનમાં, આ વર્ષનાં અંત સુધીમાં વિશાળકાય ટર્બાઈન ગોઠવાઈ જશે. તેની સફળતા બાદ, વિશાળકાય વિન્ડ ટર્બાઈનવાળું 'વિન્ડ ફાર્મ' ફ્રાન્સમાં નાખવામાં આવશે. જે અધધ... થઈ જવાય તેટલી ૫૦૦ મેગા વૉટ કેપેસીટીનું વિન્ડ ફાર્મ હશે. વિન્ડ ટર્બાઈનની વિશાળકાય બ્લેડ ડેન્માર્કની LM વિન્ડ પાવર બનાવી રહી છે. ટર્બાઈનની બ્લેડની લંબાઈ એટલી બધી છે કે તેને રોડ ઉપરથી ટ્રાન્સપોર્ટ કરવા માટે, પબ્લીક રોડને અન્ય વાહનો માટે બંધ કરી દેવામાં આવશે. વિશાળકાય ટર્બાઈન માટે મોટો ખતરો, ચોમાસામાં થતી વિજળીનાં ચમકારા હોય છે. જે વાહક તરીકે કામ કરતાં, વિન્ડ ટર્બાઈનને નુકસાન થવાનું ખુબજ જોખમ રહેલું છે. છતાં ટર્બાઈન બ્લેડને વિજળી અવરોધી બનાવવાની ટેકનોલોજી અપનાવાઈ રહી છે. હાલમાં બ્લેડનું એરોડાયનમિકલ ટેસ્ટીંગ થઈ રહ્યું છે. જેનાં પરિણામો ઉપરથી પરફેક્ટ ડિઝાઈન તૈયાર કરવામાં આવશે. જેથી મહત્તમ પાવર સપ્લાય પેદા કરી શકાય.

આ ડિઝાઈન સામે અમેરીકામાં સંશોધકો એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ કરતાં ૩૦ મીટર વધારે એટલે કે ૪૭૯ મીટર ઉચું વિન્ડ ટર્બાઈન ગોઠવવા કાર્યરત છે. યાદ રહે કે સામાન્ય વિન્ડ ટર્બાઈન ૧૦૦ મિટર જેટલી ઉંચાઈ ધરાવતા હોય છે.

વિશ્વનાં વિશાળકાય 'વિન્ડ ટર્બાઈન' : એક યાદી

પવન ઉર્જા એક પુન:નવિનીકરણ પામી શકે તેવો ઉર્જા સ્ત્રોત છે. જેની માંગ દિવસે વધી રહી છે. જેનાં કારણે વિશાળકાય રાક્ષસી ટર્બાઈન ડિઝાઈન થઈ રહ્યાં છે અને વિવિધ દેશોમાં ઈન્સ્ટોલ પણ થઈ રહ્યાં છે. દુનિયાનાં વિશાળકાય વિન્ડ ટર્બાઈન નીચે પ્રમાણે છે.
સી ટાઈટન
આ ટર્બાઈનની ક્ષમતા ૧૦ મેગાવોટ છે જેને અમેરિકન કંપની  છસ્જીભએ તૈયાર કર્યું છે. રોટરનો વ્યાસ ૧૯૦ મીટર છે અને હબ સુધીની ઉંચાઈ ૧૨૫ મીટર છે. ૨૦૧૨માં તેની ડિઝાઈન પુરી થઈ હતી. અમેરિકન નેવીએ તેને 'ઓફ શોર' કંડીશન માટે ટેસ્ટીંગ કરી ચુકી છે. છસ્જીભ  તેનાં વ્યાપારી ઉત્પાદન માટે ભાગીદાર શોધી રહી છે.
સ્વે ટર્બાઈન
એસટી-૧૦ ટર્બાઈનની ડિઝાઈન નોર્વેની સ્વે કંપનીએ કરી છે. દુનિયાનું તે બે નંબરનું વિશાળ ટર્બાઈન છે. જેનો પાવર આઉટપુટ ૧૦ મેગાવોટ છે. રોટરનો વ્યાસ ૧૬૪ મીટર છે. તેની સામાન્ય ઝડપ દર મિનીટનાં બે આંટા ફરે છે. બ્લેડની લંબાઈ ૬૭ મીટર છે. આ કંપની પણ વ્યાપારી ઉત્પાદન માટે કોઈકની ભાગીદારી ઈચ્છી રહ્યું છે.
આરેવા
ફ્રેન્ચ કંપની આરેવા દ્વારા ૨૦૧૩માં આરેવા ૮સુ ટર્બાઈન બજારમાં લોંચ કરવામાં આવ્યું હતું. જેનાં રોટરનો વ્યાસ ૧૮૦ મીટર છે. ટર્બાઈનમાં હાઈબ્રીડ ગીઅર બોક્ષ લાગેલું છે. હાલ જર્મનીમાં 'ઓફશોર' ઈન્સ્ટોલેશન પામેલ છે.
વેસ્ટાસ ફ-૧૬૪
આ ટર્બાઈન વિશ્વનું ચોથા નંબરનું વિશાળકાય ટર્બાઈન છે. જેનાં પાંખીયાનો વ્યાસ ૧૬૪ મીટર અને કેપેસીટી ૮ મેગાવોટ છે. દરિયા કિનારાથી દુર તેને ગોઠવવામાં આવ્યું છે. ડેનમાર્કની વેસ્ટા કંપનીની બનાવટનું ટર્બાઈન ડેનમાર્કનાં ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં પણ ગોઠવવામાં આવ્યું છે.
એનરકોન ઈ-૧૨૬
સાડા સાત મેગાવોટની ક્ષમતા ધરાવતાં ટર્બાઈનને જર્મન કંપની એનરકોન દ્વારા વેચાણ માટે મુકવામાં આવ્યું છે. જેમાં ગીઅર લેસ ટર્બાઈન છે. હબ સુધીની ઉંચાઈ ૧૩૫ મીટર થાય છે. જ્યારે રોટરનો વ્યાસ ૧૨૭ મીટર જેટલો છે. હાલ જર્મનીનાં મેગ્ડેબર્ગ-રોથેન્સી અને એલેર્ન ખાતેનાં વિન્ડ ફાર્મમાં કાર્યરત છે. બેલ્જીયમ અને નેધરલેન્ડમાં પણ તેને ગોઠવવામાં આવ્યાં છે.

દુનિયાનાં 'ટોપ-૧૦' દેશોની 'વિન્ડ પાવર' ઉત્પાદન ક્ષમતા

દુનિયેમાં 'વિન્ડ એનર્જી'નું ચલણ વધતું જાય છે. પહેલાં અમેરિકા પ્રથમ ક્રમે હતું. આજે 'ચીન'નો પ્રથમ નંબર આવે છે. નીચે વિવિધ દેશની વિન્ડ પાવર કેપેસીટી આપી છે. જ્યારે કૌંસમાં તેમનાં કુલ વીજ ઉત્પાદન હિસ્સામાં પવન ઉર્જાની ટકાવારી કેટલી છે એ બતાવી છે.
દેશ
ઉત્પાદન
કુલ ઉર્જામાં પવન
ચીન
૨૩૩૫૧ મેગા વૉટ
(૪૫.૪૦%)
જર્મની
૫૨૭૯ મેગા વૉટ
(૧૦.૩૦%)
અમેરિકા
૪૮૫૪ મેગા વૉટ
(૯.૪૦%)
બ્રાઝીલ
૨૪૭૨ મેગા વૉટ
(૪.૮૦%)
ભારત
૨૩૧૫ મેગા વૉટ
(૪.૫૦%)
કેનેડા
૧૮૭૧ મેગા વૉટ
(૩.૬૦%)
યુ.કે.
૧૭૩૬ મેગા વૉટ
(૩.૪૦%)
સ્વીડન
૧૦૫૦ મેગા વૉટ
(૨.૦%)
ફ્રાન્સ
૧૦૪૨ મેગા વૉટ
(૨.૦%)
ટર્કી
૮૦૪ મેગા વૉટ
(૧.૬૦%)

Sunday 3 July 2016

ટાર્ગેટ મુન : ફરીવાર ચંદ્ર ઉપર ચઢાઈ કરવાનો સમય પાકી ગયો છે.

વિશ્વ અલગ અલગ રીતે તૈયારી કરી રહ્યું છે...

Pub. date: 03.07.2016

જુન મહિનો અંતરીક્ષ કાર્યક્રમો માટે સફળતા તાજ લઈને આવ્યો છે. ઈસરોએ વિશ્વ વિક્રમ નોંધાવ્યો છે. ભારતે એક જ રોકેટ પર ૨૦ જેટલાં સેટેલાઈટ ગોઠવીને અંતરિક્ષમાં ધકેલ્યા છે. જેમાંથી ત્રણ ઉપગ્રહ ભારતનાં અને ૧૭ ઉપગ્રહ પરદેશનાં છે. અંતરીક્ષમાં આવેલ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) ઉપર ૬ મહિના જેટલો સમય વિતાવીને બ્રિટનનાં પ્રથમ અંતરિક્ષયાત્રી ટીમ પીક પૃથ્વી પર પાછા ફર્યા છે. મેજર પીકની સફળતાની ઉજવણી માટે જર્મનીમાં યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં યુરોપીઅન સ્પેસ એજન્સીએ નવી જાહેરાત કરી છે. પૃથ્વી અને ચંદ્રની વચ્ચે યુરોપીઅન સ્પેસ એજન્સી ''હયુમન આઉટપોસ્ટ'' ઉભી કરવા માંગે છે. જે સ્પેસ જંકશન જેવું કામ કરશે. અંતરીક્ષમાં જવા આવવા અને બાહ્ય અંતરીક્ષમાં વિવિધ મિશન માટે, આ આઉટપોસ્ટ એક બેઝ સ્ટેશન કે મુકામ તરીકે કામ લાગશે. ISS ઉપરથી પાછા ફરેલાં ટીમ પીકનું સ્વપ્ન છે કે તેને બ્રિટનનાં પ્રથમ નાગરીક તરીકે ચંદ્ર ઉપર ઉતરાણ કરીને પગલાં પાડવાની તક મળે. ગયા માર્ચ મહીનામાં ચંદ્ર ઉપર પગલા પાડનાર વિશ્વની બીજી વ્યક્તિ 'બઝ' એલ્ડરીને નાસાને અનુરોધ કર્યો હતો કે, મંગળ પર મનુષ્યને મોકલતાં પહેલાં, ફરીવાર મનુષ્યને ચંદ્ર ઉપર ઉતારીને ''રિહર્સલ'' કરવું જોઈએ.

ચંદ્ર 'ફ્યુઅલ સ્ટેશન' તરીકે કામ આપી શકે ! - બઝ એલ્ડરીન

અમેરિકાની 'એપોલો-૧૧' સ્પેસ ફલાઈટ વડે મનુષ્ય પહેલી વાર ચંદ્ર પર પૃથ્વી નિવાસીનાં પગલાં પાડવાનો મોકો મળ્યો હતો. અમેરિકાની 'નાસા' એ પોતાની સફળતાનો વિજય ધ્વજ ચંદ્ર પર 'રાષ્ટ્રધ્વજ' લગાવીને ફરકાવ્યો હતો. આજથી ૪૬ વર્ષ પહેલાં નિલ આર્મસ્ટ્રોગ અને 'બઝ' એલ્ડરીન (એડવીન યુજીન એલ્ડરીન) ચંદ્ર ઉપર ઉતરીને પગલાં પાડયા હતા. પ્રથમ માનવીનો 'યશ' નિલ આર્મસ્ટ્રોગને મળ્યો હતો. 'બઝ' એલ્ડરીન બીજી વ્યક્તિ તરીકે 'ચંદ્ર' પર ઉતર્યા હતાં. આજની તારીખે ઘણા લોકો મનુષ્યની ચંદ્ર યાત્રાને એક બનાવટ ગણે છે. 'બઝ' એલ્ડરીને પોતાની આત્મકથા રિટર્ન ટુ અર્થ (૧૯૭૩) અને મેગ્નીફિશન્ટ ડિસોલેશન (૨૦૦૯)માં પ્રકાશીત કરી હતી. તેમની "મિશન ટુ માર્સ "૨૦૧૩માં પ્રકાશીત થઈ હતી. જ્યારે ગયા એપ્રીલ મહીનામાં તેમણે ''નો ડ્રીમ ઈઝ ટું હાઈ'' પ્રકાશીત કરી હતી.
તેમણે અમેરિકાને સલાહ આપી હતી કે ''અમેરિકન સરકારે જુની ટેકનોલોજીનાં સહારે (એલન મસ્કની સ્પેસ એક્સ જેવી) પ્રાઈવેટ એરોસ્પેસ કંપની સાથે સ્પર્ધા કરવાનું છોડીને સહયોગથી કામ કરવું જોઈએ.'' એલ્ડરીને મંગળ ગ્રહ પર મનુષ્યને મોકલવા માટેનો 'માસ્ટર પ્લાન' પણ રજુ કર્યો હતો. જોકે મંગળ પર મનુષ્યને ૨૦૩૫-૨૦૪૦ સુધીમાં મોકલતાં પહેલાં ફરી એક વાર 'ચંદ્ર'ની મુલાકાતે મનુષ્યને મોકલવાની હિમાયત કરી હતી. તેમણે એપોલો મિશન કરતાં વધારે સારા રોકેટ, ચીન, રશિયા અને જાપાનની મદદથી બાંધી શકાય તેવું વલણ દર્શાવ્યું હતું.
૧૯૬૬માં જેમીની ૧૨ મિશન દરમ્યાન અંતરીક્ષમાં પ્રથમ ''સેલ્ફી'' લેવાનો રેકોર્ડ 'બઝ' એલ્ડરીને પોતાનાં નામે કર્યો હતો. બઝ એલ્ડરીન અને અન્ય નિષ્ણાતો માને છે કે નાસા સ્પેસ એક્સપ્લોરેશનનો મહત્ત્વનો પડાવ ભુલી રહ્યું છે. મંગળ ઉપર જતાં પહેલાં ચંદ્રની બીજી બાજુએ કાયમી અંતરીક્ષ થાણું નાખવું જોઈએ. અન્ય દેશોને પણ આ કાર્યક્રમમાં સામેલ કરવા જોઈએ. ચંદ્ર ઉપર 'ફ્યુઅલ ડિપો' બાંધવાથી મંગળ યાત્રાનો ખર્ચ ઘટાડી શકાય. ચંદ્રનાં ધ્રુવ પ્રદેશો પર બરફ રહેલો છે. જેને રોકેટ માટેનાં બળતણ તરીકે આસાનીથી ફેરવી શકાય તેમ છે. બરફાળ પાણીમાંથી રોકેટ માટેનાં ઈંધણ જેવા કે હાઈડ્રોજન અને ઓક્સીજનમાં રેણુઓ અલગ તારવી શકાય તેમ છે. આ ઉપરાંત ચંદ્ર ઉપર માનવ વસાહતની સ્થાપના કરવાની હોય તો, ધ્રુવ પ્રદેશો પર રહેલાં પાણીનાં જથ્થાને સ્વચ્છ અને સલામત રાખવો જોઈએ.

પ્રાઈવેટ ''સ્પેસ મિશન''ને અમેરિકા મંજુરી આપવા માટે આગળ વધી રહ્યું છે

અમેરિકા બિન-સરકારી સ્પેસ એજન્સીને ચંદ્ર પર 'લેન્ડર પ્રોબ' ઉતારવાની મંજુરી આપવા તૈયારી કરી રહ્યું છે. 'મુન એક્સપ્રેસ' નામની પ્રાઈવેટ કંપની આવતાં વર્ષે MX-1 માઈકો લેન્ડર સ્પેસક્રાફ્ટને ચંદ્ર પર ઉતારવાની તડામાર તૈયારી કરી રહ્યું છે. માઈક્રો લેન્ડરમાં ૨૦ કી.ગ્રા. વજનનાં સાયન્ટીફીક હાર્ડવેર લઈને જશે. માઈક્રો લેન્ડરનું કદ, હવાઈ મુસાફરી માટે વપરાતી મોટી લગેજ બેગ જેટલું રહેશે.
ગુગલની સહયોગી કંપની આલ્ફાબેટ દ્વારા "ગુગલ લ્યુનાર એક્સ પ્રાઈઝ કોમ્પીટીશન" રાખવામાં આવી છે. જેમાં વિજેતા માટે બે કરોડ ડોલરનું ઈનામ રાહ જોઈ રહ્યું છે. શું આટલા નાણા, બિન-સરકારી સ્પેસ એજન્સીનાં સ્પેસ પ્રોબને ચંદ્ર ઉપર ઉતારવા માટે પુરતાં છે ? નાસાએ એપોલો પ્રોગામ પાછળ ૧૩૭ અબજ ડોલરનો ખર્ચ કર્યો છે. આજની લેટેસ્ટ ટેકનોલોજીનો સહારો લઈએ તો પણ ચંદ્ર પર નાના લેન્ડર યાનને ઉતારવા માટે અંદાજે ૫ કરોડ ડોલર જેટલો ખર્ચ થાય.
ઈનામ જીતવા માટે સ્પેસ આઈએલ અને મુન એક્સપ્રેસ નામની બે બિન-સરકારી કંપની મેદાનમાં ઉતરી છે. મુન એક્સપ્રેસને માત્ર પૃથ્વીનું ગુરૃત્વાકર્ષણ જ નહીં, અમેરિકાની સ્પેસ પોલોસી અને કાયદા કાનુન નડવાના છે. અમેરિકા પાસે હાલની તારીખે બિન-સરકારી સંસ્થાને ચંદ્ર, મંગળ કે અન્ય ગ્રહ પર 'સ્પેસ મિશન' મોકલવા માટે મંજુરી આપી શકે તેવી સંસ્થાની રચના કરવામાં આવી નથી. ૧૯૬૭માં આંતરરાષ્ટ્રીય સહયોગથી યુનાઈટેડ નેશન્સ દ્વારા કરવામાં આવેલ 'આંતરરાષ્ટ્રીય કરાર' પણ સ્પેસ હવનમાં 'હાડકાં' નાખી શકે છે. જેમાં વિવિધ રાષ્ટ્ર અને તેની સરકારી સંસ્થાઓના અંતરિક્ષ કાર્યક્રમને નિયંત્રણમાં રાખવા માટેની માર્ગદર્શિકા ઘડવામાં આવે છે. જેમાં  બિન-સરકારી અંતરીક્ષ સંગઠન ને અંતરીક્ષ મિશન મોકલવું હોય તો શું કરવું જોઈએ તેના વિશે કોઈ ચોખવટ કરવામાં આવી નથી.
હાલમાં અમેરિકાનાં રોકેટ લોન્ચીંગ દ્વારા અંતરીક્ષમાં મિશન મોકલવામાં આવે છે ત્યારે ફેડરલ એવિયેશન એડમિનીસ્ટ્રેશન (FAA) સલામતી અને સુપરવિઝનનાં કાર્યો માટેની મંજુરી આપે છે અને મિશનની જવાબદારી સ્વીકારે છે. આવતાં વર્ષે મુન એક્સપ્રેસ માઈક્રો લેન્ડર, ચંદ્રની સપાટી પર ઉતારવા માંગે છે પરંતુ તેને લઈ જનાર રોકેટ હજી સુધી એક પણ વાર ટેસ્ટ કે ટ્રાયલ માટે ઉડયું નથી.

ESAનો માસ્ટર પ્લાન : ''સ્પેસ બેઝ સ્ટેશન''

હાલનાં ઈન્ટરનેશન સ્પેસ સ્ટેશન કરતાં ૧૦૦૦ ગણાં દૂરના અંતરે, યુરોપીયન સ્પેસ એજન્સી 'સ્પેસ બેઝ' સ્થાપવા માંગે છે. બ્રિટીશ નાગરીક ટીમ પિકે ચંદ્ર પરની અંતરિક્ષયાત્રામાં જોડાવા માટેની પોતાની તૈયારી અને મરજી બતાવી છે. યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) હવે 'ડિપ સ્પેસ હેબીટેટ'નાં પ્લાનીંગ તરફ આગળ વધી રહ્યું છે, કારણ કે... ISS ની આવરદા હવે પુરી થવા આવી છે. પૃથ્વી અને ચંદ્ર વચ્ચે આવેલ ''હયુમન પોસ્ટ'' પૃથ્વી પર આવવા જવા માટે શટલ સર્વિસ પુરી પાડી શકે છે. અહીંથી ચંદ્ર પર 'હયુમન કોલોની' માટે જરૃરી માલસામાન મોકલી શકાય છે. ખાણકામ માટે જરૃરી સાધન સામગ્રી સ્ટોર કરવા માટેનું 'સ્ટોરેજ' તૈયાર થઈ શકે છે. પૃથ્વીવાસી માટે મંગળ ઉપર પહોંચતા પહેલાં, પ્રથમ પડાવ તરીકે ચંદ્ર પૃથ્વી વચ્ચેની 'સ્પેસહયુમન પોસ્ટ' કામ લાગી શકે છે. બીજા પગલાં તરીકે ખુદ ચંદ્ર ઉપયોગી બને તેમ છે. ફરીવાર મુન મિશનનું નામ સાંભળીને અનેક અંતરિક્ષ યાત્રીઓનાં હૃદયનાં ધબકારાં અટકી જાય છે.
ESA નાં હયુમન સ્પેસ ફલાઈટનાં સંચાલક ડેવ પાર્કર કહે છે કે, ''આવતાં વર્ષે કોન્ફરન્સ ભરવામાં આવશે. જેમાં 'સ્પેસ બેઝ' પ્રોજેક્ટની ચર્ચા કરવામાં આવશે. એકાદ ક્ષણ પૂરતું માની લો કે આપણે ૨૦૨૬માં પહોંચી ગયા છીએ. ISS તેની જીંદગીનાં અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. ચંદ્ર અને પૃથ્વી વચ્ચે 'સ્પેસ બેઝ સ્ટેશન' આવેલું છે. જ્યાં પૃથ્વી અને ચંદ્રની ગુરૃત્વાકર્ષણ મર્યાદા સંતુલન અવસ્થામાં છે. જેને અંતરીક્ષમાં આવેલ ચાર રસ્તા કે હાઈવે કહી શકાય. જ્યાંથી મંગળ કે પૃથ્વી કે ચંદ્ર તરફજવાનો માર્ગ મોકળો ને સરળ હોય. અહીં અંતરિક્ષયાત્રીઓ વસવાટ કરી શકતા હોય, અંતરીક્ષમાં કઈ રીતે કામ પાર પાડવું તેની નેટપ્રેકટીસ કરતાં હોય, સુર્યમાળાનાં અન્ય ગ્રહો વિશે અહીંથી સંશોધન થતું હોય. મનુષ્ય આસાનીથી ચંદ્રની સપાટી પર ઉતરી શકતો હોય.''
આવી કલ્પનાને સાકાર કરે તેવા  'બેઝ સ્ટેશન'  માટે ESA આગળ વધી રહ્યું છે. આ 'બેઝ સ્ટેશન'  પર ચાર અંતરીક્ષયાત્રીઓ માટે રહેવાની સગવડ કરવામાં આવશે. ઉર્જા મેળવવા સુર્ય પ્રકાશનો ઉપયોગ થશે. અહીં સ્પેસ ફાર્મમાં જરૃરી વનસ્પતિ ઉગાડીને તેનો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવશે. કચરા અને પાણીને રિ-સાયકલ કરીને વારંવાર વાપરવામાં આવશે. યુરોપિઅન સ્પેસ એજન્સીનો આ 'ગોલ્ડન' માસ્ટર પ્લાન છે. જેના માટે ESA ઝડપથી આગળ વધી રહ્યું છે.

''લ્યુનાર હયુમન કોલોની'' : રશિયા તૈયારી કરી રહ્યું છે

રશિયાની સ્પેસ એજન્સી- રોસકોસમોસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ૨૦૩૦માં રશિયા ચંદ્ર ઉપર માનવ વસાહત એટલે કે હયુમન કોલોની નામે કાયમી વસાહતની સ્થાપના કરશે. જેમાં બાર જેટલાં અંતરિક્ષયાત્રીઓ લાંબા સમય માટે વસવાટ કરી શકશે. ચંદ્રનો ઉપયોગ સંશોધન માટે કરવામાં આવશે. ચંદ્રની ભૂમી પર રહેલાં અતિ કિંમતી ખનીજોને મેળવવા માટે 'માઈનીંગ' /ખાણકામ કરવામાં આવશે. નિષ્ણાંતો માને છે કે યુદ્ધ સમયે આ 'હયુમન કોલોની'નો લશ્કરી હેતુ માટે પણ ઉપયોગ થઈ શકે તેમ છે.
આવનારાં બે દાયકામાં અમેરિકાની નજર 'મંગળ' તરફ ટંકાએલી છે. ત્યારે રશિયા ચંદ્ર ઉપર ચડાઈ કરવાની તૈયારી કરી રહ્યું છે. ૨૦૩૦ સુધીમાં રશિયા 'કોલોની'નું બાંધકામ કરે તે પહેલાં યોગ્ય સ્થળની પસંદગી માટે લ્યુનાર પ્રોબ, ૨૦૨૪માં મોકલવામાં આવશે.  જે કોલોની બાંધકામ માટે સૌથી યોગ્ય, સ્થળની પસંદગી કરશે. સેન્ટ્રલ રિસર્ચ ઈન્સ્ટીટયુટ ઓફ મશીન બિલ્ડીંગનાં સંશોધક ઓલ્ગા ઝારોવાનાં મત પ્રમાણે, શરૃઆતનાં તબક્કે ૨ થી ૪ માણસ રહી શકે તેવું 'બેઝ સ્ટેશન' બનાવવામાં આવશે. તેને સપાટી નીચેનાં એનર્જી સ્ટેશન દ્વારા પાવર સપ્લાય મળતો રહેશે. પાવર સ્ટેશન ચંદ્રનાં ધ્રુવ પ્રદેશની નજીક હશે.
આ ઉપરાંત સુર્યના રેડિયેશન અને ભવિષ્યનાં ન્યુક્લીયર એટેકથી અંતરિક્ષયાત્રીઓને બચાવવા ભુગર્ભમાં ''ફોલઆઉટ શેલ્ટર'' બાંધવામાં આવશે. રશિયાની મુખ્ય સમાચાર સંસ્થા 'તાસ' જણાવે છે કે ''રશિયાએ સર્વેક્ષણ કરવા માટે લ્યુના-૨૫ નામનાં લેન્ડરનું બાંધકામ શરૃ કરી દીધું છે. ચંદ્ર સુધી પહોંચવા માટે રશિયા અંગારા- A5V નામનું હેવી લીફ્ટ ધરાવતું રોકેટ વિકસાવી રહ્યું છે. માનવ વસાહત માટે જરૃરી માલસામાન આ રોકેટ દ્વારા મોકલવામાં આવશે. રશિયા તેનાં "મિશન મુન'' ને છ અલગ અલગ અંગારા રોકેટની ફલાઈટ વડે પુર્ણ કરશે.