Sunday 24 July 2016

મનુષ્ય ઉત્ક્રાંતિનાં ઈતિહાસને ગુંચવતાં ચાઇનીઝ ફોસીલ્સની સમસ્યા...

 Pub. date. 24.07.2016
 
'ડાયનોસૌરનું નિકંદન નિકળી ગયું નથી. તેમનાં વારસો મનુષ્યની માફક આપણી દુનિયામાં જીવી રહ્યાં છે.' આ શબ્દો સાયન્સ ફિકશન નવલકથાની જાહેરાત જેવા લાગે છે. હકીકતમાં આ શબ્દો ચીનનાં પ્રાચીન પ્રાણી વિશારદ્ (પેલેયોન્ટોલોજીસ્ટ) યાંગ ઝુન્થીનાં વિજીટીંગ કાર્ડ પર ચીતરેલાં છે. શબ્દો ખરેખર તો છેલ્લાં પાંચ દાયકામાં ચીનમાંથી મળી આવતાં વિવિધ પ્રાચીન ફોસીલ્સ / અશ્મીઓ માટે આધારસ્થંભ જેવા છે. છેલ્લાં એક દાયકામાં ચાઇનીઝ સંશોધકોએ શોધેલ અશ્મીઓ અને રજુ થયેલાં રિસર્ચ પેપરો 'ઈવોલ્યુશન'ને નવો વળાંક આપે છે. ચીનનો ભૌગોલીક વિસ્તાર જટીલ ટેકટોનિક પ્લેટ પર આવેલો છે. વિશ્વનાં અન્ય ક્ષેત્રો કરતાં અહીં અધિક માત્રામાં 'ફોસીલ્સ' મળી આવ્યા છે અને... મળી રહ્યાં છે. જેનો ભેદ ઉકેલવા 'ચાઇનીઝ એકેડેમી ઓફ સાયન્સ' કટીબધ્ધ છે. જે દેશની સર્વોચ્ચ વૈજ્ઞાાનિક સંશોધન સંસ્થા છે. પેલેયોન્ટોલોજીસ્ટ યાંગ ઝુન્થી આ સંસ્થા સાથે સંકળાએલાં છે. ચીનનો ગિન્ઝોઉ પ્રાંત, ચીનનો સૌથી નબળા લોકોનો વિસ્તાર છે. છતાં અહીં એકવીસમી સદીનાં બેજોડ કહેવાય તેવાં ફોસીલ્સ મળી આવ્યાં છે. જેનાં કારણે આ વિસ્તાર ''કિંગ્ડમ ઓફ ફોસીલ્સ'' તરીકે ઓળખાય છે. કહે છે કે મુર્દા જુઠ નહીં બોલતો. આખરે પ્રાચીન મુર્દાઓ ફોસીલ્સ કયું સત્ય કહી રહ્યાં છે ?

''પેકીંગ મેન'':- પ્રથમ પ્રકરણ

બીજીંગની સીમાઓ નજીક ડ્રેગન બોન હીલ આવેલી છે. તેની ઉત્તર તરફનો માર્ગ એક ગુફા તરફ જાય છે. આ ગુફાની મુલાકાતે વર્ષે ૧.૫૦ લાખ લોકો આવે છે. જેમાં નિશાળીયાઓથી માંડી નિવૃત્તિ ગાળતાં લોકો હોય છે. ૧૯૨૯માં આ સ્થળેથી એક સંપૂર્ણ માનવ ખોપરી અને અશ્મીઓ મળ્યા હતાં. સમય નિર્ધારણ કરતાં આ ખોપરી પાંચ લાખ વર્ષ પ્રાચીન માલુમ પડી હતી. સંશોધકોએ તેનું નામ ''પેકીંગ મેન'' રાખ્યું હતું. આ અવશેષો મળતાં વૈજ્ઞાાનિકો માનવા લાગ્યા હતાં કે માનવ સભ્યતા / મનુષ્ય સર્જનની શરૃઆત ''એશિયા'' ખંડથી થઇ હતી. ''પેકીંગ મેન'' ઈવોલ્યુશન / ઉત્ક્રાંતિનાં ઈતિહાસનું  મહત્વપૂર્ણ અંગ બની ચૂક્યું હતું.

સમય જતાં 'પેકીંગ મેન' કરતાં વધારે પ્રાચીન અવશેષો ''આફ્રિકા'' ખંડમાંથી મળવા લાગ્યા. જે ૭.૮૦ લાખ વર્ષ જેટલાં પ્રાચીન હતાં. હવે પેકીંગ મેનનું મહત્વ ઘટવા લાગ્યું હતું. વૈજ્ઞાાનિકો મનુષ્યનાં મળેલાં અવશેષો ચકાસીને એકમતે નિષ્કર્ષ પર આવ્યા કે વાનરમાંથી મનુષ્યનું સર્જન ''આફ્રિકા'' ખંડમાં થયું હતું. આધુનિક થિયરી અવશેષો પરથી વિકસી ચુકી હતી. જોકે દાયકાઓથી ચાઇનીઝ સંશોધકો આધુનિક મનુષ્ય સાથે 'પેકીંગ મેન'નોસંબંધ સમજવાની કોશિશ કરી રહ્યાં છે. તેમનાં મતે ''પેકીંગ મેન'' એક અંત વિનાની વાર્તા છે. ચાઇનીઝ વૈજ્ઞાાનિકોને એક સવાલ મુઝવે છે કે ''પેકીંગ મેનનાં સમકાલીનો અને તેનાં વારસદારો જેવાં હોમો-ઈફેક્ટસની પ્રજાની સંપૂર્ણ નિકંદન પામી ચુકી હતી કે તેમનું ઉત્ક્રાંતિ ચક્ર ફરતાં, વધારે આધુનિક ગણાતાં મનુષ્યનાં પૂર્વજોમાં રૃપાંતર થયું હતું ?

શું ''પેકીંગ મેન'' અને મળેલાં અન્ય ફોસીલ્સ અને હાલનાં ચીનાઓ વચ્ચે ખરેખર કોઇ સંબંધ છે ખરો ? આવા અનેક સવાલોનો ઉત્તર મેળવવા માટે, ચાઇનીઝ એકેડમી ઓફ સાયન્સની શાખા, કાર્યરત બની છે. જેનું નામ છે ઈન્સ્ટીટયુટ ઓફ પેલેયોન્ટોલોજી એન્ડ પેલીઓ-એન્થ્રોલોજી  (IPP). જે બીજીંગમાં આવેલી છે. સરકાર દ્વારા દસ લાખ ડોલરનાં ખર્ચે નવી લેબોરેટરી ઊભી કરવામાં આવી છે. જે પ્રાચીન અવશેષોમાંથી ડિએનએ મેળવીને, આજનાં ચાઇનીઝ લોકોનાં ડિએનએ સાથે સરખામણી કરશે. વાનર અને મનુષ્યનો વિભાગ 'હોમીનીન્સ' તરીકે ઓળખાય છે. એશિયામાંથી એટલાં બધાં અલગ અલગ વેરાઇટીનાં 'હીમોનીન્સ'નાં અવશેષો મળ્યાં છે જે બતાવે છે કે ''એશિયા ખંડમાં એક જ સમયે મનુષ્યની અલગ અલગ પ્રજાતી વસવાટ કરતી હતી. ચાઇનીઝ વૈજ્ઞાાનિકો માને છે કે આફ્રિકા અને યુરોપમાંથી મળેલાં, અશ્મીઓને ત્યાંના સંશોધકો વધારે મહત્વ આપી રહ્યાં છે. એશિયા ખંડની  ઉપસ્થિતિ તેઓ  ઈવોલ્યુશન સમજવા  માટે અવગણી રહ્યાં છે.

મનુષ્ય ઉત્ક્રાંન્તિ: એક ટુંકી વાર્તા



ઉત્ક્રાંતિની વાર્તાની શરૃઆત વૈજ્ઞાાનિકો અલગ અલગ રીતે કરે પરંતુ, વાર્તાનું શિર્ષક એક જ હોય, મનુષ્યની ઉત્ક્રાંતિ આફ્રીકામાંથી શરૃ થઈ છે. જેને 'આઉટ ઓફ આફ્રીકા' થિયરી કહે છે. વૈજ્ઞાાનિકોનાં સર્વમાન્ય મત પ્રમાણે, હોમો-ઈરેકટસ એટલે બે પગે ઉભો રહેનાર મનુષ્ય, આફ્રીકામાં આજથી ૨૦ લાખ વર્ષ પહેલાં પેદા થયો હતો. આજથી ૬ લાખ વર્ષ પહેલાં તેમનામાંથી નવી પ્રજાતી હોમો-હેઈડેલબર્જેનસીસ પેદા થઈ હતી. જેનાં અવશેષો ઈથોપિઆમાંથી મળી આવ્યા હતાં. ચાર લાખ વર્ષ પહેલાં, હોમો-હેઈડેનબર્જેનસીસ આફ્રીકા ખંડ છોડીને બહાર નિકળ્યો. જેમાંથી બે ફાટાં પડયા. એક પ્રજાતી મધ્ય પુર્વ તરફ ગઈ. જ્યારે બીજી પ્રજાતી યુરોપ ખંડ તરફ ગઈ. આ બે ફાંટાની મનુષ્ય પ્રજાતી નિએન્ડર થાલ તરીકે ઉત્ક્રાંન્તિ પામ્યા.

હોમો-હેઈડેલબર્જેનસીસનાં સભ્યો, પુર્વનાં દેશો તરફ ગયા. જે 'ડેનીસોવેન્સ'માં રૃપાંતર પામ્યા હતો. જેના અવશેષો ૨૦૧૦માં સાઈબીરીયામાંથી મળ્યા હતાં. હવે આફ્રીકામાં જે હોમો-હેઈડેલબર્જેનસીસનાં સભ્યો બાકી રહ્યાં,તેઓ બે લાખ વર્ષ પહેલાં હોમો-સેપીઅન નામનાં આજનાં મોર્ડન ''મેધાવી માનવી''માં રૃપાંતર પામ્યા હતાં. આફ્રીકામાંથી હોમો-સેપીઅન્સ ૬૦ હજાર વર્ષ પહેલાં યુરોપ-એશીયા ખંડમાં ફેલાઈ ગયા હતાં. અહીંની સ્થાનીક મનુષ્ય પ્રજાતી સાથે (નિએન્ડર થાલ અને ડેનીસોવેન્સ) અલ્પ પ્રમાણમાં આંતર-કુળ સંબંધો બંધાયા હતાં. મનુષ્ય ઉત્ક્રાંન્તિની આટલી ટુંકી વાર્તા છે. આધુનિક વિજ્ઞાાન પ્રમાણે આજના મોર્ડન મનુષ્ય, નિએન્ડરથાલ અને ડેનીસોવીન્સનાં મુખ્ય પુર્વજ તરીકે 'હોમો-હેઈડેલબર્જેન્સીસ' માનવામાં આવે છે. જેમની ખોપરીનું ભ્રમર પાસેનું હાડકુ ઉપસેલું હતું. જ્યારે હડપચીનું હાડકુ ઉપસેલું ન હતું. હોમો-સેપિઅન સાથે તેમની સરખામણી કરીએ તો, હોમો-હેઈડેલબર્જેનસીસનાં દાંત આજનાં મનુષ્ય માફક નાના હતાં. 'મગજ' સમાવવા માટે ખોપરીમાં જગ્યા વધારે હતી. આ કારણે નિષ્ણાંતો હોમો-હેઈડેલબર્જેનસીસને એચ. ઈરેક્ટસ અને એચ. સેપીઅન (એચ-હોમો) વચ્ચેનો ઉત્ક્રાન્તિકાળ માને છે.

માનવ નુવંશશાસ્ત્રનાં કરમની કઠણાઈ એ છે કે આ સમયગાળાનાં ફોસીલ અવશેષો ઓછા અને ગુચવી નાખે તેવાં છે. આ ગુંચવણમાં ચીનમાંથી મળેલાં અવશેષો ફરી પાછો વધારો કરે છે. હોમો-ઈરેક્ટસથી હોમો-સેપીઅન વચ્ચેનો સીધી લાઈનનો સંબંધ, નવ લાખ વર્ષથી સવા લાખ વર્ષ પહેલાંનો છે. પુર્વ એશીયામાંથી મળેલાં મનુષ્ય ફોસીલ્સ ઉપરનાં સમયગાળા છે. છતાં આધુનિક લક્ષણો ધરાવતાં ફોસીલ્સને કોઈ એક પ્રજાતી વર્ગમાં વર્ગીકરણ કરવું મુશ્કેલ બનાવે છે.

સમસ્યા પેદા કરતાં 'ચાઈનીઝ' અશ્મી

હુબાઈ પ્રાંતનાં યુંન્ઝીઆન સ્થળેથી બે પ્રાચીન ખોપરી મળી આવી હતી. જે નવ લાખ વર્ષ જેટલી પ્રાચીન છે. છતાં હોમો-હેઈડેલબર્જેનસીસ કરતાં અલગ રચના ધરાવે છે. નિષ્ણાંતોને હવે મત બદલવો પડે તેવી સ્થિતિ પેદા થઈ છે. ચાઈનીઝ ફોસીલ્સ જોઈને સ્ટ્રીન્જર જેવાં નિષ્ણાત કહે છે કે, ''હોમો-હેઈડેલબર્જેનસીસની ઉત્પતિ એશીયામાં થઈ હોવી જોઈએ. અહીંથી તેઓ અન્ય ખંડ તરફ ગયા હોવા જોઈએ. જોકે ચાઈનીઝ સંશોધકો તેનો વિરોધ કરીને કહે છે કે, આફ્રીકા અને યુરોપમાંથી મળેલાં નમુના કરતાં, ચીનમાંથી મળેલ નમુનાનું મટીરીઅલ અલગ પ્રકારનું છે. બનાવટમાં સરખાપણું હોવા છતાં મટીરીઅલ્સ અલગ છે તેનો શો અર્થ કાઢવો ?''
શાનાક્ષી પરગણાનાં ડાબી સ્થળેથી ૨.૫૦ લાખ જુની ખોપરી મળી આવી છે. જેમાં મગજ માટેની જગ્યા વધારે, ચહેરો ટુકો, હડપચીનું હાડકુ થોડું નીચે છે. જે એચ. હેઈડેલબર્જેનસીસ કરતાં વધારે સુધારેલ રચના ધરાવે છે. આ પ્રકારનો બદલાવ હજારો વર્ષોથી જોવા મળ્યો છે. ૨૦૦૭માં મળેલ એક લાખ વર્ષ જેટલાં પ્રાચીન અશ્મી ઈન્સ્ટીટયુટ ઓફ પેલેયોન્ટોલોજી એન્ડ પેલીઓ-એન્થ્રોલોજી દ્વારાં ખોદી કાઢવામાં આવ્યા હતાં. નિષ્ણાંતો તેને હોમો-સેપીઅન ગણે છે. જો હોમો-સેપીઅન આજથી ૬૦ હજાર વર્ષ પહેલાં ઉત્ક્રાન્તિ પામ્યો હોય તો, ચીનમાં એક લાખ વર્ષ પહેલાંના હોમો-સેપીઅનનાં અવશેષો મળી આવ્યા છે. તેનો શો અર્થ કરવો ? હોમો-સેપીઅન 'આફ્રીકા'માંથી સ્થળાંતર પામીને અન્ય સ્થળે ગયા ન હતાં ? મનુષ્યનું  ઉત્પતિ સ્થાન ખરેખર 'એશીયા' ખંડ છે ?

એક લાખ વર્ષ પ્રાચીન અશ્મીનાં જડબાનો ભાગ આજનાં મનુષ્ય જેવો છે. જ્યારે શરીરનું બંધારણ 'પેકીંગમેન' જેવું છે. નિષ્ણાંતો હવે માને છે કે એશીયાનાં લોકોનાં પુર્વજો 'પેકીંગમેન'નો સમુદાય હોવો જોઈએ. આ મોડેલને 'મલ્ટીરીઝનાલીઝમ' તરીકે ઓળખવામાં આવે છે. જે પ્રમાણે એશીયાનાં હોમો-ઈરેકટસ, આફ્રીકા અને પુરેશીયાનાં આદી-મનુષ્ય સાથે આંતર-સમકાલ પામીને આધુનિક મનુષ્યનાં પુર્વજોને 'એશીયાખંડ'માં પેદા કર્યા હતાં. આ વાતને સમર્થન આપે તેવાં અન્ય પ્રાચીન અવશેષો ચીનમાંથી મળ્યાં છે. ૧૭ લાખ વર્ષથી માંડી દસ હજાર વર્ષ સુધીનાં સમયગાળામાં મનુષ્ય પત્થરોનાં ઓજાર વાપરતો આવ્યો છે. ટુંકમાં આ સમયકાળ અહીંના મનુષ્ય માટે 'પાષાણયુગ' હતો. ઈન્સ્ટીટયુટ ઓફ પેલેયોન્ટોલોજી એન્ડ પેલીઓ-એન્થ્રોલોજી નાં નિષ્ણાંતો માને છે કે એશીયા ખંડના 'હોમીનીન્સ' બાહ્ય પ્રજાતીનાં નામ માત્ર જેનાં પરીબળોની અસર જાણીને સતત ઉત્ક્રાંન્તિ પામતાં રહ્યાં હતાં.
ઉત્ક્રાંન્તિનું ચિત્ર ધુંધળુ છે ?


કેટલાંક નિષ્ણાંતો કહે છે કે 'ચાઈનીઝ સંશોધકોની માનસીકતા, રાષ્ટ્રવાદ પ્રેરીત છે. જેઓ માનવા તૈયાર નથી કે હોમો-સેપીઅન્સ આફ્રિકામાં ઉત્ક્રાંતિ પામ્યા હતા. જોકે તેમની વાતમાં વધારે વજન નથી કારણ કે, ચાઈનીઝ ફોસીલ્સ અલગ દીશા સુચવે છે. ચીનમાં હોમો-ઈરેકટસથી માંડીને હોમો-સેપીઅન્સ સુધીનાં ફોસીલ્સ મળી આવ્યા છે. ચાઈનીઝ લોકોનાં ડિએનએને મનુષ્યનાં પ્રાચીન પુર્વજો જેઓ 'આફ્રીકા'માં હતાં તેમની સાથે સરખામણી કરતાં ૯૭.૪૦ ટકા સરખાપણું જોવા મળ્યું છે. તેથી પ્રજાતીનાં નિષ્ણાંતો કહે છે કે 'ચાઈનીઝ ફોસીલ્સ'નો પુર્વજો પણ આફ્રીકાનાં હોમો-ઈરેકટસ જ હતાં.'

શાંઘાઈનાં ફુદાન યુનીવર્સિટીનાં લી-હુઈ નામના પોપ્યુલેશન જીનેટીસ્ટ કહે છે કે ''ચીનમાંથી મળેલ પ્રાચીન ફોસીલ્સમાંથી ડિએનએ અલગ તારવવામાં આવ્યું નથી. જેની સાથે સરખામણી કરી ચોક્કસ તારણ પર આવી શકાય. ચીનનાં હુંવાન પ્રાંતનો ડાઓજીઆંગ સ્થળેથી ૪૭ જેટલાં દાંતનાં નમુનાઓ મળ્યાં છે. જેમનો સમયકાળ ૮૦ હજાર વર્ષથી ૧.૨૦ લાખ વચ્ચેનો છે. જેને વિશ્વનાં અન્ય પાંચ હજાર કોસીલ્સ દાંત સાથે સરખાવતા અલગ વાત જાણવા મળે છે. ચીનનાં દાંતનાં નમુના પુરેશીયાનાં દાંતને મળતા આવે છે. આફ્રીકાનાં દાંતને મળતા આવતાં નથી. જેનાં ઉપરથી અલગ થિયરી વિચારવા નિષ્ણાંતો પ્રેરાય છે.''


૧૮ લાખ વર્ષ પહેલાં આફ્રિકામાંથી નિકળ્યા હતાં. જેમનાં વારસદાર મધ્યપુર્વમાં વસી ગયા હતાં. ત્યાંથી અલગ દીશામાં ગયા હતાં. એક ગ્રુપ ઈન્ડોનેશીયા તરફ ગયું. જેમાંથી નિએન્ડર થાલ અને ડેનીસોવાન્સ ઉત્ક્રાંન્તિ પામ્યા હતાં. આમાનું એક ગુ્રપ આફ્રીકા પાછું ફર્યું. જેમાંથી હોમો-સેપીઅન્સ સર્જન પામ્યા અને સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયા. આ થિયરી પ્રમાણે આધુનિક મેધાવી માનવીનું સર્જન આફ્રિકામાં થયું હતું. જ્યારે હોમો-ઈરેક્ટસથી હોમો-સેવીઅન વચ્ચેની પ્રજાતિ મધ્યપુર્વમાં ઉત્ક્રાંન્તિ પામતી રહી હતી. આ નવીન થિયરી સાથે બધા સહમત નથી. કદાચ હયુમન ઈવોલ્યુશન સમજવામાં સમય લાગશે.

No comments: