Sunday 31 July 2016

સ્કેન પિરામિડ: ઈજિપ્તનાં પ્રાચીન રહસ્યો ઉકેલવાનું ''મિશન''

 Pub. Date: 31.07.2016

પિરામીડનાં ઐતિહાસિકથી કોસ્મોલોજી સુધીનાં રહસ્ય આજે પણ લે મેનથી સાયન્ટીસને આકર્ષી રહ્યાં છે. એટલે કહેવું પડે કે ''પિરામીડ એટલે રહસ્યનો ખજાનો.''

ઇજિપ્ત એટલે પિરામીડોનો દેશ. વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓમાંનો એક. ૩૧ ઓક્ટો. ૨૦૧૫નાં ગોઝારા દીવસે, ઇજિપ્તનાં શર્મ-અલ-શેખ એરપોર્ટ પરથી રશિયન એરલાઇનનું એરબસ A-321 ઉપડયું હતું. ગણત્રીની મિનિટો બાદ, વિમાન આકાશમાં જ કણકણમાં વેરાઈ ગયું હતું. જેમાં રશીઅન અને યુક્રેનનાં મુલાકાતી હતાં.
મૃત્યુઆંક ૨૨૪ પહોંચી ગયો. ૨૦૧૬નાં શરૃઆતનાં સમયગાળામાં જ ઇજિપ્તમાં આવનારાં મુલાકાતીઓની સંખ્યામાં ૪૦% જેટલો ઘટાડો થઈ ગયો. લોકો માનવા લાગ્યા કે ''ઇજિપ્ત સલામત નથી.'' જ્યાં પિરામીડમાં હજારો વર્ષથી ઇજિપ્તનાં રાજવી ''ફારોહ'' સુતેલાં હતાં. ત્યાં ત્રાસવાદનાં મુળીયા રોપાઈ ચુક્યાં હતાં.
૧૯૯૭માં ઇસ્લામીક ઉગ્રવાદીઓએ નાઇલનાં કિનારે આવેલા લકસરનાં પ્રાચીન મંદિરની મુલાકાતે આવેલા ૫૮ લોકોને વિંધી નાખ્યા હતા. જેમાં ચાર ઇજિપ્તનાં નાગરીક હતો. સામાન્ય રીતે રાજપાટ મેળવવા માટે ખુનામરકી થતી હોય છે. અહીં પ્રાચીન રાજપાટનાં અભિન્ન અંગ ''પિરામીડ''ની મુલાકાતે આવનારાનું લોહી જમીન-આકાશમાં રેડાતું રહ્યું છે. છતાં 'પિરામીડ' પ્રત્યેનું માનવ સહજ આકર્ષણ ઘટતું નથી. પિરામીડ પોતાનાંમાં અનેક રહસ્યોને ભંડારીને બેઠું છે. પિરામીડનાં ઐતિહાસિકથી કોસ્મોલોજી સુધીનાં રહસ્ય આજે પણ લે મેનથી સાયન્ટીસને આકર્ષી રહ્યાં છે. એટલે કહેવું પડે કે ''પિરામીડ એટલે રહસ્યનો ખજાનો.''

સ્કેન પિરામીડ મિશન: પરીણામની રાહ જોવાઈ રહી છે !

ઇજિપ્તનાં પિરામીડનાં રહસ્ય ૪.૫૦ હજાર વર્ષ પ્રાચીન છે. ઘણા પિરામીડની આંતરીક રચના, છુપા માર્ગ અને સિક્રેટ ચેમ્બર હજી પણ મનુષ્યથી છુપા રહ્યાં છે. વૈજ્ઞાાનિકોએ ઇજિપ્તનાં પિરામીડની ભિતરમાં શુંછે ? એ જાણવા માટે ખાસ ''પ્રોજેક્ટ શરૃ કર્યો છે. જેનું નામ છે ''સ્કેન પિરામીડ મિશન.'' આ પ્રોજેક્ટમાં ઇન્ફ્રારેડ થર્મોગ્રાફીનો ઉપયોગ થશે. કોઇપણ પદાર્થ તેની ઉર્જા ઇન્ફ્રારેડ સ્વરૃપે છોડતું હોય તો. તેને નિશ્ચિત તાપમાન સ્વરૃપે જોઈ તાપમાનનાં વિતરણ ઉપરથી એક સ્પષ્ટ ચિત્ર તૈયાર થઈ શકે છે.''
લેસર કિરણો સ્વરૃપે પિરામીડનો 3D મેપ પણ તૈયાર થઈ શકશે. જેનાં દ્વારાં બાંધકામનાં આંતરીક ભાગનાં નકશા પણ તૈયાર કરી શકાશે. આ ઉપરાંત ત્રીજી આધુનિક ટેકનોલોજી વાપરવામાં આવશે. જેમાં કોસ્મીક રે ડિટેક્ટરનો ઉપયોગ કરવામાં આવશે. બ્રહ્માંડમાંથી આવતાં 'કોસ્મીક રે' જ્યારે વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે, વાતાવરણમાં રહેલા રેણુઓ સાથે ટકરાવ થતાં જ ''મ્યુઓન'' કણ પેદા થાય છે. મ્યુઓન કણ પૃથ્વી પરનાં માનવી અને બાંધકામમાંથી પસાર થઈ જાય છે. પરંતુ જ્યારે 'મ્યુઓન' પત્થર કે વધારે ઘનતા ધરાવતાં પદાર્થમાંથી પસાર થવાનો પ્રયત્ન કરે છે ત્યારે ધીમા પડી જાય છે. ક્યારેક અટકી જાય છે.
જ્યારે મ્યુઓન પિરામીડમાંથી પસાર થશે ત્યારે, તેની ઉર્જાનાં માપંક અને તેની ટ્રેજેક્ટરી માર્ગ ઉપરથી 3D નકશો તૈયાર થશે. જેમાં પિરામીડમાં રહેલાં ગુપ્ત ચેમ્બર, છુપા માર્ગ વગેરે જોઈ શકાશે. અત્યાર સુધી પિરામીડમાંથી મળેલા. 'મમી,' આટીફેક્ટ અને વિવિધ નમુનાઓની ચકાસણી કરવામાં આધુનિક ટેકનોલોજી વપરાતી હતી. હવે સમગ્ર પિરામીડનાં સ્કેનીંગ માટે આધુનિક ટેકનોલોજી વપરાશે.
ઇજિપ્ત, ફ્રાન્સ અને અન્ય વૈજ્ઞાાનિકોની ટીમ પ્રોજેક્ટમાં જોડાએલાં છે. સ્કેનીંગ કામ ચાલુ થયું છે. ગીઝાનાં 'ગ્રેટ પિરામીડ'ની એક ચેમ્બર શોધી કાઢી છે. જોકે આર્કીઓલોજીસ્ટને પિરામીડની ત્રણ ચેમ્બર વિશે માહીતી છે. જેમાંની એક ચેમ્બર સ્કેનીંગ દરમ્યાન જોવા મળી છે. આ ગ્રેટ પિરામીડની ઇન્ફ્રારેડ થર્મોગ્રાફીમાં તાપમાનમાં ઘણા ચડાવ-ઉતાર અને અસામાન્યતા જોવા મળી છે. જોકે હજી સુધી મિશનનાં અંતિમ તારણો પ્રકાશીત કરવામાં આવ્યાં નથી.

તુતેન ખામેનની કટારી, બાહ્યાવકાશમાંથી આવેલ પદાર્થનાં ''લોખંડ''થી બનેલી છે ?

૨૬ ફેબુ્રઆરી ૧૯૨૩નો ઐતિહાસિક દિવસ હતો. બ્રિટીશનાં આર્કીઓલોજીસ્ટ હાવર્ડ કાર્ટરે પ્રથમવાર પ્રાચીન ઇજિપ્તનાં ફારોહ ''તુતેન ખામેન''નાં 'મમી' રાખેલ 'કબર'માં પ્રવેશ્યા હતાં. ૧૮૯૧માં હાવર્ડ કાર્ટર ઇજિપ્તમાં પ્રવેશ્યા ત્યારે તેમને ખાત્રી હતી કે ''તુતેન ખાનેમ અથવા 'કિંગ તુત' તરીકે જાણીતા ફારોહની કબર હોવી જોઈએ. જેને હજી સુધી કોઈએ શોધી નથી.'' કિંગ તુતેન ખામેન ઇ.સ. પૂર્વે ૧૪૦૦ ''ફારોહ'' બન્યા હતાં. ખૂબ જ નાની ઉંમરે તેનું અવસાન થયું હતું. બ્રિટનનાં એક ધનીકે લોર્ડ કાર્નાર્વોને કાર્ટરને તુતેન ખામેેનની 'બરીયલ ચેમ્બર' શોધવા માટે આર્થિક મદદ કરી હતી. સફળતા વગર પાંચ વર્ષ કાર્ટર કામ કરતાં રહ્યા હતાં. છેવટે ૧૯૨૨માં લોર્ડ કાર્નાર્વોને સંશોધન આટોપી પાછા ફરવાની ભલામણ કરી હતી. હાવર્ડ કાર્ટરે તેમને ધીરજ રાખીને માત્ર એક વર્ષ માટે રાહ જોવાનું સુચન કર્યું અને છેવટે હાવર્ડ કાર્ટરે 'તુતેનખામેન'નો ખજાનો શોધી જ નાંખ્યો. ખજાનાને ૩ હજાર વર્ષથી કોઈએ સ્પર્શ કર્યો નહતો. જેમાં સોનાનો મુગટ, આભૂષણો, પૂતળું, રથ, શસ્ત્રો અને પ્રાચીન વસ્ત્ર હતાં.
'મિટીરીઓરીટીક્સ એન્ડ પ્લેનેટરી સાયન્સ' જર્નલમાં તુતેનખામેનની ફટારી/જમૈયા વિશે સંશોધન લેખ છપાયો હતો. ઇજિપ્તનાં લોકો 'ફારોહ'ને ઇશ્વરનો અવતાર માનતાં હતાં. તેમનાં માટે બનાવાયેલી દરેક વસ્તુ ખાસ રહેતી હતી. સંશોધકો માને છે કે પ્રાચીન ઇજિપ્તમાં ગાળેલાં લોખંડને મેળવવું દુર્લભ લાગે છે. બની શકે કે તે સમયે આકાશમાંથી આવતી ઉલ્કાનાં બચેલાં, હિસ્સામાંથી 'મિટીઓરીટીઝ આર્યન' મેળવીને લોખંડનાં ઓજાર, શસ્ત્રો વગેરે બનાવતાં હોવા જોઈએ. આ વાત હવે સાચી સાબીત થઈ છે. તુતેન ખામેનનાં ખજાનામાંથી મળેલ ડેગર / કટારી મિટીઓરીટીક મટીરીઅલ્સ ધરાવે છે. ઇજિપ્તની હેઇરોગ્રાફીમાં એક શબ્દ મળે છે. ''આર્યન ઓફ સ્કાય'' લાગે છે કે ઉલ્કાપીંડ / ખરતાં તારાઓમાંથી મળતાં લોખંડ માટે આ શબ્દ વપરાતો હોવો જોઈએ. એક્સ-રે સ્પેકટ્રોગ્રાફી ચકાસણીમાં 'તુત'ની કટારી લોખંડ, નિકલ અને કોબાલ્ટનાં મિશ્રણથી બનેલી છે. અત્યાર સુધી થયેલ સંશોધનમાં ઇજિપ્તનાં બે પ્રાચીન નમૂનાઓમાં મિટીરીઓરાઇટમાંથી મળેલ લોખંડ વપરાયેલું જોવા મળ્યું છે.

આખરે 'નેફરતીતી'ની કબર કયાં આવેલી છે ?

છેલ્લાં કેટલાંક સમયથી સંશોધકો રાણી નેફરતીતીની કબર / મમી શોધવાની કવાયત કરી રહ્યાં છે. થોડા સમય પહેલાં KV3S કબરમાંથી મળેલ યુવાન સ્ત્રીનાં ડિએનએનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. સંશોધકો આ મમી રાણી નેફરતીતીનું માનતા હતાં. જોકે ટેસ્ટ દ્વારા સાબીત થયું કે તેં મમી નેફરતીતીનું નહોતું. ઇજિપ્તનાં ઇતિહાસનો જાણકાર માને છે કે કિંગ તુતેન ખામેનની બરાબર બાજુમાં બે ગુપ્ત ચેમ્બર આવેલી છે. જે નેફરતીતીની કબર કક્ષ હોઈ શકે છે. સંશોધકો માને છે કે તુતેનખામેનનાં કબર કક્ષની નજીક બે ગુપ્ત ચેમ્બર છે જ.
થોડા સમય પહેલાં, તુતેનખામેનનાં કક્ષની આજુબાજુનો વિસ્તાર રડાર ટેકનોલોજી વડે ચકાસવામાં આવ્યો હતો. આ કાર્યમાં નેશનલ જ્યોગ્રાફી સોસાયટીએ સહયોગ કર્યો હતો. મે-૨૦૧૬માં ભરાયેલ ખાસ કોન્ફરન્સમાં ઇજિપ્તનાં પુરાતન વિજ્ઞાાનનાં મંત્રી ઝહી હવાસએ જાહેર કર્યું હતું કે તુતેન ખામેનનાં કક્ષની આજુબાજુ કોઈ ગુપ્ત ચેમ્બરનું અસ્તિત્ત્વ નથી. બ્રિટીશ ઇજિપ્તોનોલોજીસ્ટ આ વાત માનવા તૈયાર નથી. ઇજિપ્તોલોજીસ્ટ નિકોલસ રિવની થિયરી મુજબ હાલમાં જે કબરકક્ષમાં તુતેનખામેનની શબપેટી મળી હતી. તે કક્ષ/ખંડ ખરેખર તો, રાણી નેફરતીતી માટે બનાવવામાં આવ્યો હતો. જોકે ફારોહ તુતેનખામેનનું ૧૯ વર્ષની ઉંમરે અણધાર્યું અવસાન થઈ જતાં તેને અહીં દફન કરવામાં આવ્યો હતો. તુતેનખામેનનાં કબરકક્ષની નજીકમાં જ રાણી નેફરતીતીનો કક્ષ હોવો જોઈએ.
નેફરતીતી, ફારોહ અખ્તાતેન સાથે પરણી હતી. અખ્નાતેનને તુતેન-ખામેનનાં પિતા માનવામાં આવે છે. ડિએનએ ટેસ્ટમાં આ વાત પૂરવાર થાય છે. છતાં આધારભૂત રીતે ડિએનએ રીઝલ્ટ પર બહુ ભરોસો મુકી શકાય તેમ નથી. સાયન્ટીફીક અમેરીકનની સાઈટ પર તુતેનખામેનની પાંચ વણઉકલી 'મિસ્ટરી' પર સુંદર લેખ છે. મૂળ વાત, ૧૨ મે ૨૦૧૬નાં રોજ ધ ગાર્ડીઅનમાં શંકા વ્યક્ત કરવામાં આવી છે કે ''ઇજિપ્તની સરકાર જાણી જોઈને, તુતેન-ખામેનનાં ગુપ્ત કક્ષ વિશેની માહિતી છુપાવી રહી છે. આવનારાં સમયમાં કદાચ રહસ્ય ખુલી શકે છે.''

ફારોહ અખ્નાતેન: સાચી કબર કઈ છે ?

ફારોહ અખ્તાતેન પ્રાચીન ઇજિપ્તનાં સૌથી વધારે રહસ્યમય ચરીત્ર ધરાવતો નાયક છે. સંશોધકોને ફારોહ અખ્નાતેનની ત્રણ કબર મળી આવી હતી. શા માટે એક રાજવી માટે ત્રણ કબર ? શું ફારોહ અખ્તાતેનને ત્રણવાર દફન કરવામાં આવ્યો હતો ? ઇજિપ્તનાં રંગીન અને રહસ્યમય ઇતિહાસને, વિવિધ લખાણો, પિરામીડમાંથી મળેલ 'મમી' અને સાધન સામગ્રીને આધુનિક ટેકનોલોજી વાપરી તેજ સાચી માહિતી મેળવી શકાય તેમ છે. રહસ્ય પણ સાયન્સ ખોલી શકે છે. ફારોહ અખ્નાતેનની ત્રણ કબરકક્ષ વિશે, નિષ્ણાંતોમાં પણ મતભેદ છે.
અખ્નાતેનની એક કબર WV25ની શોધ , ૧૮૧૭માં ગોવાની બતિના બેલઝોબીએ કરી હતી. જે એક સાહસીક પ્રવાસી હતો. બેલ્ઝોની માને છે કે, ''કબર ઇજિપ્તનાં આંતર મધ્યકાલ પીરીયડની છે. શબપેટીની રચના ફારોહનાં ૨૧-૨૬ રાજવી વંશની ખાસીયતો ધરાવે છે. ઓટો સ્નેડનની ટીમે આ કબર અખ્નાતેનની હોવાની જાહેરાત કરી હતી. કબરનું આયોજન ફારોહનાં ૧૮ વંશને મળતું આવે છે. છતાં અહીં અખ્નાતેન સંબંધી કોઈ પુરાવા મળતા નથી. કબરનું પૃથ્થકરણ અને સમયનિર્ધારણ, કબર અખનાતેનનો સમયગાળો બતાવે છે.
૩ જાન્યુઆરી, ૧૯૦૭નાં રોજ એડવર્ડ રસેલ એરોન તેમજ થિયોડોર ડેવીસની ટીમે એક સંપૂર્ણ નષ્ટ થઈ ગયેલ કબર શોધી કાઢી હતી. જે KY55  નામે ઓળખાય છે. કબર ફારોહ રામોસેસની કબર (KV-6)થી પશ્ચિમ તરફ થોડાંક મીટર દૂર આવેલી છે. પ્રાચીનકાળમાં ચોર-લૂંટારાઓએ ખજાનો લૂંટી લીધો હતો. છતાં, કેટલોક ખજાનો બચેલો હતો જે જોઈને નિકોલસ રિવ્સ અને રિચાર્ડ શિકીન્સન જેવાં નિષ્ણાંતો ખુશ થઈ ગયા હતાં. મળેલાં ખજાનામાં કેટલીક સાધન સામગ્રી અખ્નાતેનની બીજી પત્ની ''કીયા''ની નિશાનીઓ સ્વરૃપ છે. કેટલીક સામગ્રી એમ્હેનોતોપ-III, તેની માતા 'તિયે'ની છે. માટીની એક તકતી પર પુત્ર 'તુતેનખામેન'નું નામ છે. અહીં મળેલ ખરાબ રીતે નાશ પામેલ મમીફાઈડ હાડપિંજર એક પુરૃષનું છે. ડિએનએ ટેસ્ટ બતાવે છે કે KV-25માં મળેલ 'મમી' તુતેનખામેનનો પિતા છે.
ઇજિપ્તની માન્યતા પ્રમાણે, કોફીનમાં રહેલ શબ અને તેની ચીજોની ઓળખ ભૂંસી નાખવામાં આવે તો, એ વ્યક્તિ સ્વર્ગમાં પોતાની ઓળખ ભૂલી મૃત્યુ પછીનું જીવન સુંદર રીતે વીતાવે છે. સવાલ એ છે કે ફારોહ 'અખ્નાતેન'ની ઓળખ મિટાવી દેવા પાછળનું કોઈ ખાસ કારણ છે ?

1 comment: