Monday 8 August 2016

દ-વિન્સીનો ડિએનએ ટેસ્ટ : લિઓનાર્દોનાં અવસાનની ૫૦૦મી વર્ષગાંઠ નિમિત્તે અનોખી ભેટ

Pub. Date: 07.08.2016

કલામાં વિજ્ઞાન ઉમેરાય તો ચીજ વધારે કલાત્મક બને. વિજ્ઞાનમાં કલાનો સમન્વય થાય તો વિજ્ઞાન વધારે વૈભવી લાગે. આ માત્ર આધુનિક વિચાર નથી. આજથી પાંચસો વર્ષ પહેલાં આ મંત્રને એણે જીવનમાં ઉતાર્યો હતો. તેણે કલાને નવો આયામ આપ્યો હતો. તેરમી સદીનાં અંધાર યુગ બાદ, ''રેનેસા'' સ્વરૃપે એક નવજાગૃતિનો પ્રવાહ વહેતો થયો, તેમાં મુખ્ય પ્રકાશ તેણે પાથર્યો હતો. ઈજનેરી શાસ્ત્રનાં સિધ્ધાંતોની તેને સમજ હતી. સ્થાપત્ય અને બાંધકામમાં તેણે નવા પ્રાણ રેડયા હતાં. જીવન અને જીવવિજ્ઞાન પ્રત્યે તેને અદ્ભૂત લગાવ હતો. તેણે શરીર શાસ્ત્રનો જે અભ્યાસ કર્યો ત્યારે આત્મા કલાકારનો હતો અને હાથ વૈજ્ઞાનિકના હતા. તેણે આખી જીંદગી પોતાનાં વિચારોને આકાર આપવા માટે હમેશાં 'નોંધપોથી' રાખી હતી. તેમણે રાખેલી 'નોટબુક'નાં વેરવિખેર પાનાઓનો આજે અનેક એંગલથી એનાલીસીસ થઈ રહ્યું છે. ૧૫૧૯માં આ મહામાનવને કબરમાં દફન કરવામાં આવ્યો હતો. આ વ્યક્તિ ઈતિહાસમાં લિઓનાર્દો-દ-વિન્સી તરીકે ઓળખાય છે. આખરે આ વ્યક્તિનાં જીનીયસનેસનું ખરું રહસ્ય શું છે? અનેક ક્ષેત્રોમાં પોતાની તાકાતનો પરચો આપનાર વ્યક્તિનાં 'જેનોમ'માં શું છે. જે અનોખું છે. આખરે.... વૈજ્ઞાનિકો હવે લિઓનાર્દો-દ-વિન્સીનાં 'ડિએનએ'નું પૃથ્થકરણ કરવા માંગે છે. કલાજગતમાં ભુકંપ પેદા કરનારનાં 'વેવ્સ' અને "ધબકાર" હવે વૈજ્ઞાનિકો અલગ રસ્તે ઝીલવા જઈ રહ્યાં છે.

લિઓનાર્દો - ડિએનએનાં ટેસ્ટ પરીક્ષણમાં સામેલ


નિષ્ણાંતો હાલમાં એક મેજર પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં છે. ફિંગર પ્રિન્ટ પરથી જે વ્યક્તિનું DNA મેળવવાનું છે તેનું નામ છે લિઓનાર્દો દ વિન્સી. તેનાં કુલ ૧૫ જેટલાં ચિત્રો ઉપલબ્ધ બનેલાં છે. જેમાં 'મોનાલીસા' અને 'ધ લાસ્ટ સપર' વિશ્વવિખ્યાત બનેલાં છે. હાલમાં તેનું એક પેઈન્ટિંગ 'અડોરેશન ઓફ મેગી'ને બગડેલી હાલતમાંથી પુનઃસ્થાપન કરવા માટે 'ફ્લોરેન્સ'માં કામ ચાલુ થઈ ગયું છે. વૈજ્ઞાનિકોએ 'પેઈન્ટીંગ'ની ડસ્ટમાંથી DNA મેળવવા માટે પરવાનગી માંગી છે. એ વાત નિશ્ચીત છે કે'કલાકારે તેનાં ચિત્રને તૈયાર કરવા માટે સેંકડો વાર સ્પર્શ કર્યો હશે. તેનાં આંગળાની છાપમાં જીનીઅસ કલાકારનાં'ડિએનએ'નાં અંશો જળવાઈ રહેલાં હોવાની શક્યતા પ્રબળ બનેલી છે.

કદાચ ફિંગરપ્રિન્ટમાંથી ડિએનએનાં 'ટ્રેસ' મળશે તો, તેને દ-વિન્સીનાં જીવંત અને મૃત સગાંઓનાં ડિએનએ સાથે સરખાવવામાં આવશે. કદાચ ભવિષ્યમાં 'લિઓનાર્દો'ની કબર ખોલી, તેનાં હાડપીંજર કે અન્ય અંગનાં અવશેષોમાંથી'ડિએનએ' મેળવવામાં આવશે. બંને 'ડિએનએ'ની સરખામણી કરી 'ઓળખ' પ્રસ્થાપિત કરવામાં આવશે. છેવટનો મકસદ તો'લિઓનાર્દો'ની 'જીનીઅસનેસ' જોતાં રહસ્યને તેનાં 'જેનોમ'માંથી જાણવાની કવાયત કરવામાં આવશે. કદાચ તેનાં'ડિએનએ'માંથી કંઈક અનોખું પણ જાણવા મળે.


અમેરિકામાં આવેલી જે. ક્રેગ વેનરનું ઈન્સ્ટીટયુટ, યુનિવર્સિટી ઓફ ફ્લોરેન્સ, પેરિસમાં આવેલ 'ધ ઈન્સ્ટીટયુટ ઓફ ધ હ્યુમન પેલેન્ટોલોજી ', ન્યુયોર્કની રોકેફેલાર યુનિવર્સિટી, સ્પેનની યુનિવર્સિટી ઓફ ગ્રેનેડાનાં લેબોરેટરી ઓફ જીનેટીક આઈડેન્ટીફીકેશન જેવી મોટી સંશોધન સંસ્થાઓ, આ મેગા પ્રોજેક્ટમાં ભેગી થઈ છે. વૈજ્ઞાનિકો એ ખાતરી કરવા માંગે છે કે ફ્લોરેન્સનાં સેન્ટ હ્યુબર્ટ ચેપલનાં કબ્રસ્તાનમાં કાયમી નિદ્રામાં સુતેલ વ્યક્તિ ખરેખર 'લિઓનાર્દો-દ-વિન્સી' જ છે. થોડા સમય પહેલાં જ કિંગ રિચાર્ડ - ત્રીજાનાં અવશેષોની સાચી ઓળખ પ્રસ્થાપિત થઈ ચુકી છે. ઈંગ્લેન્ડના રાજવી કિંગ રિચાર્ડ (ત્રીજો) અને 'લિઓનાર્દો'ની જન્મસાલ એક જ છે. મતલબ કે બંને સમકાલીન હતાં. કિંગ રિચર્ડ માફક, 'લિઓનાર્દો'ની ખોપરી પરથી તેનાં ચહેરાને આધુનિક ટેકનોલોજી વડે 'રિ-કન્સ્ટ્રક્ટ' કરી શકાશે. નિષ્ણાંતો 'લિઓનાર્દો'નાં અવશેષો પરથી તેનાં આહાર, સ્વાસ્થ્ય, વ્યક્તિગત ટેવો અને અન્ય માહિતી મેળવશે. 'લિઓનાર્દો'નાં અવસાનની ૫૦૦મી એનીવર્સરી ઉજવાય તે પહેલાં આ પ્રોજેક્ટ પુરો કરવાનું ટાર્ગેટ છે.

 નોટબુક: એક અધૂરી કહાની


લિઓનાર્દોની નોટબુક બતાવે છે કે ઈટાલીઅન માસ્ટર તેનાં સમય કરતાં ખુબજ આગળ હતાં. નોટબુકનાં લગભગ બધા જ પાનાં મીરર રાઈટિંગમાં છે. નિષ્ણાંતોના મત પ્રમાણે લિઓનાર્દોએ લગભગ છ હજાર કરતાં વધારે પાનાઓ ઉપર પોતાનાં'આઈડીયા' અને અનોખા આવિષ્કાર ચિતર્યાં હતાં. જે તેમની દુનિયાનો માત્ર અડધો હિસ્સો જ આલેખતાં હતાં. લિઓનાર્દોનું લખાણ મિતાક્ષરોમાં, ટુકું અને ભાષાકીય ચિન્હો વિનાનું છે. ભાષા એ સમયે બોલાતી 'ફ્લોરેન્ટાઈન' છે. આ એવો સમયકાળ હતો જ્યારે ઈટાલીઅન ભાષામાં અત્યાર જેવા પ્રમાણીત નિયમો કે જોડણીનાં નિયમો કે વર્ગીકરણ હતું નહી.

સમયમાં લિઓનાર્ડોની નોટબુકનાં પાના અલગ અલગ રીતે ગોઠવીને, અલગ અલગ રીતે તેનું બાઈન્ડિંગ કરવામાં આવ્યું હતું. કેટલીકવાર મોટા પેપરને નાના ટુકડામાં વિભાજીત કરવામાં આવ્યા હતાં. પેપરોનાં ક્રમાંક અનેકવાર બદલાઈ ગયા હોવાથી નિષ્ણાંતો માટે અમુક લખાણ અને ચિત્રો ગુંચવણ પેદા કરે છે. ચિત્રો સાથે લખાણ ખૂબજ ટૂકું હોય છે. જે બીજી સમસ્યા છે. આ ઉપરાંત 'લિઓનાર્દો'એ અગણીત વિષયોને નોટબુકમાં અવારનવાર 'રીપીટ' કર્યા છે. એક નોટબુકની શરૃઆતમાં 'લિઓનાર્દો' લખે છે કે...


''મને ભય છે કે હું મારી રજુઆત પુરી કરું તે પહેલાં, તેને મેં અનેકવાર પુનઃ રજુ કરી છે. જે માટે મને જવાબદાર ગણવો નહીં. વાચકો, વિષયો એટલાં બધા છે કે બધી જ વાતો યાદ રહે તેમ નથી. મેં ઘણું લખ્યું છે. કેટલીકવાર જરૃરી બની જતું કે હું પુનઃ રજુઆતને દુર કરી શકું.'' ઈ.સ. ૧૫૧૯માં તેમનો મૃત્યુ બાદ, તેમની નોટબુકની માલિકી તેનાં વિદ્યાર્થી સહાયક ફ્રાન્સેસ્કો મેલ્ઝીનાં હાથમાં આવી હતી. મેલ્ઝીએ નોટબુકને તેનાં અવસાન ૧૫૭૯ સુધી સલામત રાખી હતી. છેવટે તેણે નોટબુકને તેનાં વારસદારોને આપી હતી. તેનાં વારસદારોને મળેલ સામગ્રી માટે કોઈ આદરભાવ ન હતો. નોટબુકનાં પાનાઓ તેમણે વેચી નાખ્યા અથવા મિત્રોને આપી દીધાં હતાં. લિઓનાર્દોની સંપુર્ણ નોટબુક હાલ અદ્રશ્ય છે. મોટાભાગનાં પાનાઓ હાલમાં યુરોપમાં છે. તેની નોટબુકમાં હેલીકોપ્ટર, ટેન્ક, સૌર ઊર્જા, ગણતરીયંત્ર, પ્લેટ ટેક્ટોનીક્સ જેવાં અનેક વિષયો ચિતરાયેલા છે. કેટલાંક વિષયો ઉપર 'લિઓનાર્દો'એ ૨૦ વર્ષ જેટલો સમયગાળો સંશોધન પાછળ ખર્ચ્યો હતો.

ઈટાલીઅન 'માસ્ટર' સદીઓ પહેલાં 'લો ઓફ ફ્રીક્શન' જાણતો હતો?


એ ભલે 'મોનાલીસા' કે 'ધ લાસ્ટ સપર' જેવાં માસ્ટરપીસ માટે જાણીતા હોય નવી ટેકનોલોજીનાં આવિષ્કાર પહેલાં તેમનાં'દિમાગ'માં અવનવા ટેકનોલોજીકલ 'આઈડિયા'નો જન્મ થતો હતો. જે તેમની નોટબુકનો અવિભાજ્ય હિસ્સો બની જતો. આધુનિક શોધનાં જન્મ પહેલાં, લિઓનાર્દોએ, તેની નોટબુકમાં સાયકલ, પેરાશુટ હેલીકોપ્ટર, મિલીટરી ટેંક અને પેડલ બોટનાં વિગતવાર નકશાઓ જોવા મળે છે. તેમનું લખાણ 'મિરર' રાઈટિંગ હતું. જે અરીસા સામે ધરવામાં આવે તો જ આસાનીથી વાંચી શકાય તેવું હતું.


'લિઓનાર્દો'ની નોટબુકમાં 'ઘર્ષણનાં નિયમો'ને લગતું આલેખન જોવા મળ્યું છે. ૧૪૯૩માં દોરવામાં આવેલ દસ્તાવેજમાં દોરી અને ગરગડીની મદદથી 'ચોરસ બ્લોક'ને ખેંચવામાં આવે તેવાં ડાયાગ્રામ દોરેલાં જોવા મળ્યા છે. શરૃઆતમાં કલા નિષ્ણાંતો અને ઈતિહાસકારોને આ 'સ્કેલ' નક્કામા લાગ્યા હતાં. યુનિ. ઓફ કેમ્બ્રીજનાં પ્રો. ઈઆન હચીસન માને છે કે આ સ્કેલ નક્કામા નથી. સ્કેચ ઉપર વૃધ્ધ મહીલાનો ચહેરો છે. જેની નીચે લખાણ છે ''જીવલેણ સુંદરતા પસાર થઈ જાય છે. જે સહન કરી શકાય તેમ નથી'' ઈજનેરી ડ્રોઈંગ માફક 'બ્લોક'નાં પ્લાન અને અલગ અલગ દીશામાંથી જોઈએ તો, દેખાતાં'એલીવેશન' બનાવેલાં છે.


બે અલગ અલગ સ્કેચમાં 'ઘર્ષણ વિસ્તાર' અને સમાર્ક સપાટી પરનાં દબાણને વ્યવસ્થિત સમજાવવાનો હેતુ હોય તે રીતે ચીતરવામાં આવેલ છે. સપાટીના ઘર્ષણને સમજાવતા અન્ય સ્કેચ પણ તેમાં દોરેલ છે. 'લિઓનાર્દો'ની લોકપ્રિયતા એટલી છે કે તેનાં દોરેલા સ્કેચ, આજે પણ યુરો-કોઈન, ટેક્ષ્ટબુક અને ટીશર્ટ પર છપાતાં રહે છે. લિઓનાર્દોએ દોરેલ અસંખ્ય પેઈન્ટિંગમાંથી આજે માત્ર 'પંદર' જેટલાં પેઈન્ટિંગ ઉપલબ્ધ છે. કારણ કે, તેઓ હમેશાં નવી ટેકનીક, મટીરીઅલ્સ અને સ્ટાઈલને રજુ કરતાં હતાં. લિઓનાર્દો એક ચિત્રકાર ઉપરાંત, જાણીતા શિલ્પકાર, સ્થપતિ, સંગીતકાર, ગણિતશાસ્ત્રી, ઈજનેર,આવિષ્કારકર્તા, શરીરશાસ્ત્ર નિષ્ણાંત, ભુસ્તર વિદ્યા નિષ્ણાંત, નકશા બનાવનાર, વનસ્પતિશાસ્ત્રી અને લેખક જેવી બહુરંગી પ્રતિભા ધરાવતા હતાં. તેમણે બનાવેલ ડિઝાઈન પરથી કેટલીક ચીજવસ્તુઓનું સર્જન તેમનાં જીવનકાળ દરમ્યાન સફળ રહ્યું હતું. તેમણે શરીર રચનાશાસ્ત્ર, બાંધકામ વિજ્ઞાન, પ્રકાશ વિજ્ઞાન અને જળગતિશાસ્ત્ર પર અવનવા સંશોધન કર્યા હોવા છતાં, તેને પ્રકાશીત કર્યા ન  હોવાથી તે સમયનાં વિજ્ઞાન જગતમાં તેની યોગ્ય નોંધ લેવાઈ નહતી અથવા સમકાલિન વિજ્ઞાન જગત પર તેમનો પ્રભાવ જોઈ શકાતો નથી.

 વિન્સીનાં સેલ્ફ પોટ્રેઈટનાં'ફોકસીંગ સ્પોટ''નું રહસ્ય!


પોતાનાં મૃત્યુનાં એક દાયકા પહેલાં, એટલે કે ૧૫૧૦માં લિઓનાર્દોએ લાલ રંગનાં ચોક વડે જાતે જ પોતાનું સેલ્ફ-પોટ્રેઈટ ચિત્ર બનાવ્યું હતું. સમય નાશવંત છે. એ રીતે સમય સાથે સંકળાયેલ કલાકૃતિ પર પણ સમયનો પ્રભાવ પડે છે. લિઓનાર્દોનું પોટ્રેઈટ પણ તેમાંથી બાકાત રહ્યું નથી. ચિત્રમાં 'લિઓનાર્દો'નાં ચહેરાનો પોણો ભાગ સ્પષ્ટ જોઈ શકાય છે. સુંદર પાતળી રેખાઓ, પડછાયાની રેખાઓ અને દુર ક્ષિતીજ તરફ જોઈ રહ્યાં હોય તેવી 'લિઓનાર્દો'ની આંખો ૧ નજર એક રહસ્યમય વ્યક્તિનો ભાવ પેદા કરે છે. જોકે હવે આ ચિત્ર પર અનેક ઠેકાણે લાલ રંગનાં ટપકા કે ડાઘ જોવા મળી રહ્યા છે. જેની સંખ્યા સમય જતાં વધી રહી છે. જેને નિષ્ણાંતો 'ફોકસીંગ સ્પોટ' કહે છે. આવા ડાઘ શા માટે પડી રહ્યાં છે તેને દૂર કરી શકાય ખરા? આ દિશામાં વૈજ્ઞાનિકોએ સંશોધન શરૃ કર્યું ત્યારે જાણવા મળ્યું કે...

લાલ છીકણી રંગનાં ડાઘ પડવાની શરૃઆત ૧૯૫૨ની આસપાસ શરૃ થઈ હતી. પરંતુ તેની સંખ્યા કે તિવ્રતા વધેલી ન હોવાથી સરળતાથી સામાન્ય નજર તેને પારખી રહી શકી હતી. કેટલાંક વૈજ્ઞાનિકોએ કહ્યું કે ડાઘનું મૂળ જૈવીક અસરમાં રહેલું છે. કેટલાંક લોકોએ તેને રાસાયણિક પ્રક્રિયાનું પરિણામ જણાવ્યું હતું. તાજેતરમાં વૈજ્ઞાનિકોએ ડાઘ પાછળ જવાબદાર જૈવિક પરીબળ શોધી કાઢ્યું છે. વિયેનામાં આવેલ યુની. ઓફ નેચરલ રિસોર્સીસ એન્ડ લાઈફ સાયન્સનાં સંશોધકોએ જે મોલેક્યુલર અને માઈક્રોસ્કોપીક પુરાવા મેળવ્યા છે તે ચોક્કસ પ્રકારની ફુગ તરફ દોરી જાય છે.
ડાઘમાંથી મેળવેલ સામગ્રીમાંથી અલ્પ માત્રામાં ડિએનએ મળ્યું છે જે એફીમોનીયમ પ્રજાતીનાં ફુગનાં નમુનાને મળતું આવે છે. ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપીક અવલોકનોમાં વિવિધ પ્રકારની ફુગનાં નમુના દેખાય છે. એટલે ડાઘ પાછળનું પરીબળ એફ્રોમોનીયમ પ્રજાતીની ફુગ છે એ નક્કી થઈ ચુક્યું છે. ડાઘ પડવાની ઘટનાને નિષ્ણાત બે તબક્કામાં વહેંચે છે. પહેલાં તબક્કામાં હવામાં રહેલ પ્રદુષીત રજકણો જેમાં લોહતત્ત્વનાં કણો છે. તે ચિત્ર પર ધુળ જામે તેમ ચોંટી જાય છે. જે કાગળનાં સેલ્યુલોઝના બંધારણને તોડીને કોષકેન્દ્રને નુકસાન પહોંચાડે છે. હવે ફુગનો વારો આવે છે. પેપરમાં ઉંડે સુધી ફુગ પગપેસારો કરે છે. જ્યારે જરૃરી ઊર્જા મળે છે ત્યારે, માઈક્રોન્સ ઓક્સાલીક એસિડ એસિડ બહાર કાઢે છે. જે કેલ્શીયમ ઓક્ઝોલેટ ક્રિસ્ટલ તરીકે આગળ વધીને ચિત્રને વધારે નુકસાન પહોંચાડે છે. ૧૯૮૭માં દ વીન્સીનાં ડ્રોઇંગને ઈથીલીન ઓક્સાઈડનાં સંપર્કમાં આવતાં, સુધારી ન શકાય તેવું નુકસાન થયું હતું

No comments: