Sunday 21 August 2016

સુપરનોવા : બ્રહ્માંડમાં થઇ રહેલા શક્તિશાળી બોમ્બ વિસ્ફોટો

Pub. Date: 21.08.2016.


પૃથ્વી પર દરરોજ ક્યાંક ક્યાંક બોમ્બ વિસ્ફોટ થતાં જ રહે છે. ત્રાસવાદ જાણે લોકોનાં જીવનનો એક ભાગ થઇ ગયો છે. બ્રહ્માંડમાં પણ અવનવા બોમ્બ બ્લાસ્ટ થયા કરે છે. અહી વિશાળકાય તારાઓ તેમની મૃત્યુની અંતિમ વિશાળ ઉર્જા ધરાવતાં બોમ્બ બ્લાસ્ટ માફક ફાટીને મૃત્યુ પામે છે. બ્રહ્માંડમાં તારાંઓનો ગર્ભ બંધાવવો, જન્મ થવો અને મૃત્યુ થવું એ ખુબ જ સામાન્ય ઘટનાં છે.

જો કે તારાં જે રીતે મૃત્યુ પામે છે તે ઘટનાં અલૌકીક છે. સુર્ય કરતાં વિશાળકાય તારાંઓ મૃત્યુ પામે છે તે ઘટનાને વૈજ્ઞાાનિકો 'સુપરનોવા' તરીકે ઓળખે છે. ખગોળશાસ્ત્રીઓ અને વૈજ્ઞાાનિકોને તાજેતરમાં દુર્લભ કહી શકાય તેવાં સુપરનોવા વિસ્ફોટ જોવા મળ્યાં છે. ૧૯૮૭માં પૃથ્વીથી ૧.૬૮ લાખ પ્રકાશ વર્ષ દુર આવેલ વિશાળ તારો ફાટયો હતો. તેનો વિસ્ફોટ પૃથ્વીવાસીઓએ નિહાળ્યો હતો.

વિસ્ફોટનાં બે દાયકાબાદ, વિસ્ફોટમાં પેદા થયેલ અવાજને વૈજ્ઞાાનિકોએ રેકોર્ડ કર્યો છે. આ ઉપરાંત તાજેતરમાં ખગોળશાસ્ત્રીઓએ અનોખો સુપરનોવાં વિસ્ફોટ જોયો છે. સામાન્ય રીતે તારાંના મૃત્યુ દરમ્યાન એકવાર વિશાળ વિસ્ફોટ જોવા મળે છે. જ્યારે હાલમાં એક સુપરલ્યુમીનસ સુપરનોવા વિસ્ફોટમાં તારાંનો મૃત્યુઘટના દરમ્યાન બે વાર વિસ્ફોટ થયેલો જોવા મળ્યો હતો. સુપરનોવા બ્રહ્માંડનાં ઇતિહાસનું એક વિસ્ફોટક પ્રકરણ છે. જેમાં તારાંઓનો ભુતકાળ અને બ્રહ્માંડનાં રહસ્ય ખુલે છે.
સુપરનોવા બ્લાસ્ટ : ભુતકાળની સફર

બ્રહ્માંડમાં, આકાશગંગામાં જન્મેલા દરેક 'તારા'ની મૃત્યુ નામની અંતિમ અવસ્થામાં 'સુપરનોવા' વિસ્ફોટમાં પરીણમતી નથી. મોટાભાગનાં તારાંઓની અંતિમ અવસ્થા 'કેમ્પ ફાયર'નો બુઝાતા તાપણાં જેમ બુઝાઈ જાય છે. સામાન્ય રીતે આપણાં સુર્ય કરતા આઠથી ૨૦ ગણો માસ-દ્રવ્ય ધરાવતો અતિ વિશાળકાય તારાંનું મૃત્યુ 'સુપરનોવા'વિસ્ફોટ તરીકે થાય છે. જેનો પ્રકાશ આપણાં સુર્યનાં પ્રકાશનો કુલ સરવાળા જેટલો થાય છે.

સામાન્ય રીતે આપણી પોતાની આકાશગંગા, 'મંદાકીની' મિલ્કી વેમાં વારંવાર સુપરનોવા વિસ્ફોટ થતો જોવા મળતો નથી. આપણી આકાશગંગાનો છેલ્લો સુપરનોવા વિસ્ફોટ ૧૬૦૪માં જ્હોનીસ કેપલરે નિહાળ્યો હતો. જેની નોંધ છે. આ વિસ્ફોટ ૬.૫૦ હજાર પ્રકાશવર્ષ દુર થયો હતો. વિસ્ફોટનો પ્રકાશ ધોળા દિવસે, હા, પ્રકાશીત દિવસે પણ દેખાતો હતો. સતત ત્રણ અઠવાડીયા સુધી દિવસે પણ પ્રકાશ દેખાતો હતો. જ્યારે લાગલગાટ બે વર્ષ સુધી વિસ્ફોટનો પ્રકાશ નરી આંખે રાત્રે જોઈ શકાતો હતો. નાસાનાં ટેલિસ્કોપ દ્વારાં આપણી મંદાકીનીનો છેલ્લો 'સુપરનોવા વિસ્ફોટ'નાં અવશેષો પકડી પાડવામાં આવ્યા છે. જે એક સદી પહેલાં થયેલાં વિસ્ફોટનાં દ્રશ્ય છે.

સામાન્ય રીતે ટાઈપ-૧ પ્રકારનો સુપર નોવા વિસ્ફોટ બાયનરી સ્ટાર/ જોડીયા તારાઓની પ્રણાલીમાં થતો જોવા મળે છે. ટાઈપ-૨ પ્રકારનો વિસ્ફોટ અતિશય વિશાળકાય કદનો તારો પોતાનાં નાભીકીય બળતણને ખલાશ કરીને, પોતાનાં ગુરૃત્ત્વાકર્ષણથી તુટી પડે છે ત્યારે થાય છે. આ પ્રકારનાં તારાનું કદ આપણા સુર્ય કરતાં ૮થી૧૫ ગણુ વધારે હોવું જોઇએ.

સુપરનોવા વિસ્ફોટમાં ૧ની પાછળ ૪૪ ઝીરો લગાવીએ, એટલી  ઉર્જા જુલ એકમમાં મુક્ત થાય છે. આપણો સુર્ય તેનાં ૧૦ અબજ વર્ષનાં સમગ્ર જીવનકાળમાં જેટલી ઉર્જા મુક્ત કરે છે. તેટલી ઉર્જા એટલે ૧ની પાછળ ૪૪ ઝીરો લગાવીએ, એટલી  ઉર્જા . તારાંનાં નાભીકેન્દ્રમાં ઇલેક્ટ્રોલ પ્રોટોનનું સંયોજન થાય છે. ત્યારે ન્યુટ્રોન પેદા થાય છે. આ પ્રક્રિયામાં અસંખ્ય 'ન્યુટ્રીનો' નામનાં સુક્ષ્મકણો બ્રહ્માંડમાં મુક્ત થાય છે. આપણી 'મંદાકીની'નાં કદની આકાશગંગામાં, લગભગ દર ૫૦ વર્ષે એકાદ 'સુપરનોવા' વિસ્ફોટ થાય છે. જ્યારે આપણા સૂર્ય કરતાં અન્ય તારાં ૨૦ થી ૩૦ ગણા મોટા હોય ત્યારે તેઓ સુપરનોવા વિસ્ફોટમાં મૃત્યુ પામતા નથી,પરંતુ તેમનાં ગુરૃત્ત્વાકર્ષણનાં બળનાં જોરે 'બ્લેક હોલ્સ' બની જાય છે.

રેવ. રોબર્ટ ઇવાન્સ : અવકાશી શિકારી...

જ્યારે આકાશ સ્વચ્છ હોય અને ચંદ્રનો પ્રકાશ વધારે ન હોય ત્યારે રેવરેન્ડ રોબર્ટ ઇવાન્સનો દિવસ શરૃ થાય છે. ઓસ્ટ્રેલીયાનાં સીડનીથી ૮૦ કી.મી. દુર આવેલ બ્લ્યુ માઉટેન્સ વિસ્તારમાં રોબર્ટ ઇવાન્સનું ઘર આવેલું છે. માત્ર આંખ અને નજરને ટેલીસ્કોપમાંથી પસાર કરી તેમણે, બ્રહ્માંડમાં 'સુપરનોવા' શોધવાનો એક જબરજસ્ત વિક્રમ નોંધાવ્યો છે.

૧૯૮૧થી ૨૦૦૮ સુધીમાં તેમણે ૪૨ જેટલાં 'સુપરનોવા' વિસ્ફોટ શોધી કાઢ્યાં છે. એક બાજુ ચર્ચ અને ધાર્મીક પ્રવૃત્તિ બીજી બાજુ સુપરનોવા વિસ્ફોટનાં શિકારીનું અદભૂત કામ આવું કોમ્બીનેશન જવલ્લે જોવા મળે છે. 'સુપરનોવા' શોધવાની શોધ તેમણે ૧૯૫૫થી શરૃ કરી હતી. અને... પ્રથમ શિકાર થયો ૧૯૮૧માં, તેમની ધીરજ અને ટકી રહેવાની ક્ષમતાને સલામ કરવી જોઇએ.

૧૯૬૮માં તેમણે ૧૦ ઇંચનું ન્યુટોનીઅલ ટેલીસ્કોપ જાતે જ એસેમ્બલ કર્યું હતું. ૪૨ 'સુપરનોવા' શોધનાર શિકારી કોઈ વિશાળ ઓબ્ઝરવેટી ધરાવતો હોવો જોઇએ અથવા તેમાં કામ કરતાં હોવો જોઇએ. તેવી લાગણી આપણને થાય. પણ ખબર પડે કે ૧૦ થી ૧૪ ઇંચનાં ટેલીસ્કોપથી તેમણે વિશ્વ રેકોર્ડ નોંધાવ્યો છે. ત્યારે અહોભાવ બમણો થઇ જાય.

૧૯૯૫-૯૭ વચ્ચે તેમને સાઈડીંગ સ્પ્રીંગ ઓબ્ઝરવેટરી વાપરવા માટે ૧૧૦ રાત્રી ફાળવવામાં આવી હતી. જેમાંથી માત્ર ૫૦-૫૫ રાત્રીઓ અવલોકન માટે, ઉપયોગી બને તેવી હતી. જેમાં દસ હજાર આકાશગંગાઓને ફંફોળીને ત્રણ 'સુપરનોવા' 'વિઝ્યુઅલી' શોધી કાઢ્યા.ચાર 'સુપરનોવા' ફોટોગ્રાફીઝ પ્લેટ ઉપર શોધી કાઢ્યા હતાં.

આકાશગંગાઓને યાદ રાખવાની અને મૃત્યુ પામતાં તારાનો પ્રકાશ શોધવાની તેમની ક્ષમતા એક 'ગોડ ગીફ્ટ' છે. જે કામ ઓટોમેટીક ઇમેજીંગ ટેલીસ્કોપને કરવામાં મુશ્કેલી પડે તેવાં કામ ઇવાન્સ અતિશય ઝડપે અને આરામથી કરી બતાવે છે. એક કલાકમાં તેઓ, અંધારાં આકાશમાં છુટી છવાઈ ૫૦ જેટલી આકાશગંગા તે ફેંદી નાખે છે. 'કન્યા' નક્ષત્રની ૧૨૦ આકાશગંગા માત્ર એક કલાકમાં ફંફોસી નાખે છે, અને  તેમાં જોવા મળતો ફેરફાર તેઓ નોંધી શકે છે. ૧૯૮૩માં તેમણે નવા પ્રકારનો સુપરનોવા વિસ્ફોટ 'ટાઈપ ૧એ' શોધી કાઢ્યો હતો.

ઓસ્ટ્રેલીયાનાં હેઝેલબુકમાં રહેનાર ઇવાન્સ, ૧૨ ઇંચનાં તેમનાં ટેલીસ્કોપથી સુપરનોવાનો શિકાર કરી રહ્યાં છે. દિવસે પુસ્તક લખે છે. તેમને અનેક એવોર્ડ મળ્યાં છે. નવી ટેકનોલોજીમાં CCD કેમેરા લગાડેલ ટેલિસ્કોપ અને કોમ્પુટર વડે , નવા નિશાળિયા શોખીનો ટેલિસ્કોપ માં નજર નાખ્યા વિનાજ સુપરનોવા શોધી શકે છે.   નવી ટેકનોલોજીનો પગપેસારો રોબર્ટ ઇવાન્સને ગમ્યો નથી. ટેલીસ્કોપ જ તેનાં માટે સર્વસ્વ છે.

ફિટ્ઝ ઝવીકી : આઈડીયાની ખોજ

 'સુપર નોવા' શબ્દને જન્મ આપનાર વૈજ્ઞાાનિકનું નામ છે. 'ફ્રિટઝ ઝવીકી' બલ્ગેરીયામાં જન્મેલા અને સ્વિઝરલેન્ડમાં તેમનો ઉછેર અને અભ્યાસ થયો. જીંદગીનો મોટો ભાગ તેમણે અમેરિકાની વિશ્વપ્રસિધ્ધ 'કેલટેક'. (કેલીફોર્નીયા ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી)માં વિતાવ્યો હતો. એક ખ્યાતનામ એસ્ટ્રોફીજીસ્ટનું ખગોળવિધા અને બ્રહ્માંડ વિધામાં પ્રદાન અનન્ય છે. ૧૯૨૫માં કેલટેકનાં ખ્યાતનામ વૈજ્ઞાાનિક રોબર્ટ મિલીકન સાથે કામ કરવા તેઓ અમેરિકા ગયા હતાં. તેઓ સનકી દીમાગ અને જલ્દી ઘર્ષણ પેદા કરે તેવી પ્રકૃતિનાં માલીક હતાં. તેમનાં સહકાર્યકર તેમને 'આઉટસ્ટેન્ડીંગ' માનતા ન હતાં. તેમનાં નજીકનાં સહકાર્યકર વોલ્ટર બાર્ડ , તકરાર થાય ત્યારે ઘણીવાર તેમને એકલાં મુકી દેતા હતાં. 'ફ્રિટઝ ઝવીકી' વોલ્ટરને જર્મન યહુદી ગણીને અપરાધી ગણતા હતાં.

જો કે વોલ્ટર જર્મન હતાં પણ 'નાઝી' ન હતાં. એકવાર 'ઝવીકી' એ વોલ્ટરને ધમકી આપતાં કહ્યું હતું કે 'કેલ્ટેકનાં કંમ્પાઉન્ડમાં ફરીવાર દેખાયો તો, મારી નાખીશ.' પણ... બંનેની જોડીએ સંશોધન ક્ષેત્રે નામ કાઢ્યું  હતું.  ફ્રિટઝ ઝવીકીએ ૧૯૩૦નાં દાયકામાં પરમાણુવાળી કેન્દ્ર રચનાંમાં ભાગ લેતા 'ન્યુટ્રોન' કણ ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. ન્યુટ્રોનની શોધ ઇંગ્લેન્ડમાં જેમ્સ ચેડવીકે કરી હતી. ઝવીકીને લાગ્યું કે તારાંનાં કેન્દ્રમાં ઇલેક્ટ્રોન-પ્રોટોન પર અતિશય દબાણમાં આવી જાય તો ,  વિજભારની દ્રષ્ટીએ તટસ્થ 'ન્યુટ્રોન' કણ જરૃર પેદા થાય. અને... છેવટે એક ન્યુટ્રોન સ્ટારનો જન્મ થાય. તારાંની  અંતિમ અવસ્થામાં તેનો મધ્યભાગ અત્યંત દબાણમાં આવે છે ત્યારે, ન્યુટ્રોન સ્ટારનો જન્મ વિસ્ફોટ દ્વારાં થાયછે.. આ અનોખો બોમ્બ બ્લાસ્ટ એટલે 'સુપરનોવા વિસ્ફોટ'. ૧૫ જાન્યુ. ૧૯૩૪માં 'ફિજીકલ રિવ્યુ'માં ઝવીકી અને બાડે દ્વારાં લખાયેલ રિસર્ચ પેપર છપાયું હતું. જેમાં અનોખો વિજ્ઞાાનનો જન્મ થયો હતો.જેમાં સુપરનોવા એક્સ્પ્લોજન કેન્દ્ર સ્થાને હતો.

આ લેખનું 'બોનસ' હતું "ન્યુટ્રોન સ્ટાર્સ અને સુપરનોવા વિસ્ફોટ". સુપરનોવા વિસ્ફોટ સમયે એક રહસ્યમય પ્રક્રીયામાં નવી અજાયબી પેદા થાય છે. વૈજ્ઞાાનિકો તેને 'કોસ્મીક રે' કહે છે. ઝવીકી અને બાડે એાપેલ નવો  આઈડીયા એટલે કે ન્યુટ્રોન સ્ટાર, ની શોધ. તેમનાં રિસર્ચ પેપરનાં ૩૪ વર્ષ બાદ, પ્રાયોગિક રીતે ન્યુટ્રોન સ્ટારની શોધ થઈ હતી. ઝવીકીનાં દિમાગમાં અનોખા 'આઈડીયા' આવતાં જેને ગણીતનું સ્વરૃપ વોલ્ટર બાડે આપીને વિશ્વ સમક્ષ મુક્તાં હતાં. 'બ્લેક હોલ્સ' અને 'ડાર્ક મેટર' વિશે 'ઝવીકી' ને અંદેશો આવી ગયો હતો. પરંતુ  ઝવીકી એ ભુલી ગયા કે જો 'ન્યુટ્રોન સ્ટાર' વધુ સંકોચાઈ જાય તો શું થાય ? પાંચ વર્ષ બાદ રોબર્ટ ઓપન હાઈમરે આ સમસ્યા પર સંશોધન કર્યું. જેના વિશે રિસર્ચ પેપર પણ પ્રકાશીત કર્યું. જેમાં ફ્રિટઝ ઝવીકીનો કોઈ ઉલ્લેખ ન હતો. ઓપન હાઈમરની ઓફીસનો નીચેનાં ભાગમાં ફ્રિટ્ટઝ ઝવીકીની ઓફીસ હતી. જ્યાં વર્ષોથી ફ્રિટઝ ઝવીકીએ ન્યુટ્રોન સ્ટાર પર સંશોધન કર્યું હતું. કેલ્ટેકના વૈજ્ઞાનિકો ફ્રિટઝ ઝવીકીને પસંદ કરતા ન હતા માટે,  ઓપન હાઈમરે તેના રિસર્ચ પેપરમાં ફ્રિટઝ ઝવીકીનો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો.

સુપરલ્યુમિનસ સુપરનોવા...
તાજેતરમાં વૈજ્ઞાાનિકોએ નવા પ્રકારનાં 'સુપરનોવા વિસ્ફોટ'ની શોધ કરી છે. જેને સુપર લ્યુમિનસ સુપર નોવા (SLSN) કહે છે. આ પ્રકારનો સુપરનોવા વિસ્ફોટ, સામાન્ય 'સુપરનોવા વિસ્ફોટ' કરતાં અતિશય તેજસ્વી અને વધારે સમય પ્રકાશીત રહે તેવો હોય છે. અત્યાર સુધી વૈજ્ઞાાનિકોને ડઝનેક આવા વિસ્ફોટ જોવા મળ્યાં છે. અવલોકનોમાં જોવા મળ્યું છે કે વિસ્ફોટનો પ્રકાશ, શરૃઆતમાં ખુબ જ વધારે હોય છે. જે થોડા દિવસ પછી ઝાંખો પડી જાય છે. ત્યાર બાદ પહેલાં કરતાં વધારે પ્રકાશીત બની જાય છે. અને... છેવટે લાંબા સમય બાદ વિસ્ફોટનો પ્રકાશ શમી જાય છે. જો સુપરનોવા વિસ્ફોટ બે વાર થાય તો જ આવી ઘટના બને.

૨૦૧૪માં ડિસેમ્બર મહીનામાં વૈજ્ઞાાનિકોએ  DES14X3+42 નામનો સુપરનોવા વિસ્ફોટ શોધી કાઢ્યો હતો. જે પૃથ્વીથી ૬.૪૦ અબજ પ્રકાશ વર્ષ દુર હતો. સુર્ય કરતાં૨૦૦ ગણો દળદાર તારો પ્રથમવાર વિસ્ફોટ પામે છે ત્યારે વિસ્ફોટમાં આપણા સુર્યનાં દળ જેટલો પદાર્થ અંતરીક્ષમાં ફંગોળે છે. બીજા વિસ્ફોટમાં તારો સ્વયં પોતાનાં આંતરીક કેન્દ્રનો વિનાશ કરે છે. અને પુષ્કળ પ્રકાશ પેદા કરે છે. પ્રથમ વિસ્ફોટમાં મુક્ત થયેલ પદાર્થ પણ અત્યંત ગરમ થાય છે. જેનાં કારણે વધારે પ્રકાશ પેદા થાય છે. વૈજ્ઞાનિકો માટે આશ્ચર્યજનક બાબત એ છે કે બે વાર વિસ્ફોટ પામતાં સુપર લ્યુમિનસ સુપરનોવા, હેવી એલીમેન્ટની અલ્પ માત્રા ધરાવતી  નાની આકાશગંગાઓમાં જ  શા માટે જોવા મળે છે ?

૨૦ લાખ વર્ષ પહેલા : સજીવોનાં નિકંદન માટે કોણ જવાબદાર
એસ્ટ્રોફીનાકલ જર્નલ લેટર્સમાં પ્રકાશીત થયેલ સંશોધન પત્ર પ્રમાણે, પૃથ્વી પર આશરે ૨૦ લાખ વર્ષ પહેલાં થયેલ અલ્પ જીવસૃષ્ટીનાં વિનાશ માટે સુપરનોવા વિસફોટ જવાબદાર હતો. વિસ્ફોટમાં મુક્ત થયેલ અત્યંત ઝડપથી ભાગતાં, વિજભારીત કણો ધરાવતાં કોસ્મીક રે, નિકંદન માટે જવાબદાર બન્યા હતાં. કોસ્મીક રે નાં કારણે પૃથ્વીની આબોહવામાં બદલાવ આવ્યો હતો.જેનાં કારણે સામુહીક નિકંદન ઘટના બની હોવી જોઇએ. નિષ્ણાંતોનાં મત પ્રમાણે તૃતિય જીવયુગનાં પ્લાયોસીન કાલખંડનાં અંતભાગ અને ચતૃર્થ જીવયુગનાં પ્લાયસ્ટોસીન કાલખંડની શરૃઆતનાં સમયગાળામાં સામુહીક નિકંદન માટે જવાબદાર સુપરનોવા વિસ્ફોટ થયો હતો. જીવસૃષ્ટીનાં વિનાશ માટે જવાબદાર સુપરનોવા વિસ્ફોટ,  પૃથ્વીથી મહતમ ૧૬ પ્રકાશવર્ષ કર્તા વધારે દુર હોવો જોઇએ નહીં. જ્યારે ભુતકાળમાં થયેલ સામુહીક નિકંદન માટે જવાબદાર ગણાતો સુપરનોવા વિસ્ફોટ પૃથ્વીથી ૩૦૦ પ્રકાશવર્ષ દુર થયો હતો. આમ ખગોળનિષ્ણાતો પણ વિમાસણમાં મુકાઈ ગયા છે.

'સુપરનોવા' વિસ્ફોટમાં પૃથ્વીનો વિનાશ થઇ શકે છે ?
પૃથ્વીનાં રેકોર્ડેડ ઇતિહાસમાં ડઝનેકવાર 'સુપરનોવા' વિસ્ફોટ નરી આંખે જોવા મળ્યો હોવાની નોંધ છે. ૧૫૦૪માં ક્રેબ નેબ્યુલામાં આવો બ્લાસ્ટ જોવા મળ્યો હતો. ૧૬૦૪માં જોવા મળેલ વિસ્ફોટ ત્રણ અઠવાડીયા સુધી દિવસે પણ જોવા મળ્યો હતો. ૧૯૮૭માં લાર્જ મેંગેલેનીક ક્લાઉડમાં થયેલો વિસ્ફોટ માત્ર દક્ષિણ ગોળાર્ધમાંથી જ જોઈ શકાયો હતો. જે ૧.૬૯ લાખ પ્રકાશ વર્ષ દુર થયો હતો. જે સલામત અંતરે હતો. સુપરનોવા નામનાં બ્રહ્માંડનાં બોમ્બ વિસ્ફોટ સમગ્ર પૃથ્વી પર વિનાશ વેરી શકે છે. આપણો સુર્ય એટલો વિશાળ નથી કે સુપરનોવા વિસ્ફોટમાં મૃત્યુ પામે. પરંતુ ..
માની લો કે પૃથ્વીની નજીક ક્યાંક સુપરનોવા વિસ્ફોટ થાય તો શું થાય ?

પૃથ્વીનો સર્વનાશ કરી શકે તેવો સુપરનોવા વિસ્ફોટ, પૃથ્વીથી દસેક પ્રકાશવર્ષનાં અંતરે થવો જોઇએ. સર્વનાશ માટે ખતરાની ઘંટડી , વિસ્ફોટમાં થતી ઊર્જા, રેડીયેશન અને કોસ્મીક રે વગાડે છે. પૃથ્વીનાં ધ્રુવ  પ્રદેશ પર દેખાતી 'ધ્રુવજ્યોતી' પૃથ્વીનાં અનેક સ્થળેથી જોવા મળે. પ્રકાશથી આખુ આકાશ ઉભરાઈ જાય. જે સારી વાત ન ગણાય. આ ઘટનાનાં કારણે પૃથ્વીનાં 'મેગ્નેએટોસ્ફીયર'નો ખુરદો બોલી જાય. બ્રહ્માંડમાંથી આવતાં ખતરનાક રેડિયેશન અને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી આપણને, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને મેગ્નેટો-સ્ફીયર બચાવે છે. જો મેગ્નેટોસ્ફીયર ન બચે તો, ઓવનમાં બળેલા પિઝાની માફક, જીવસૃષ્ટી શેકાઈ જાય અને પૃથ્વી પર સર્વનાશ થઇ જાય.

No comments: