Sunday 4 April 2021

લોકડાઉન, આઇસોલેશન અને કવોરેન્ટાઇન : તમે ખરેખર “સિરિયસ” છો?

પ્રકાશન : 31 મે ૨૦૨૦

હાલમાં કોરોના સંક્રમણના મહામારીના સમયમાં,લોકડાઉન, આઇસોલેશન, સોસીયલ ડિસન્સ, એક પ્રભાવી પગલું સાબિત થયું છે.  માનવી જ્યારે સ્વૈચ્છિક કેદસ્વીકારીને, સમાજથી એકલો પડી એકાંતવાસમાં જતો રહ્યો છે.  ત્યારેમનુષ્યની માનસિક સ્થિતિ શું હોઈ શકે? આ એક અભ્યાસનો વિષય છે. વૃદ્ધ વ્યક્તિ અને બાળકોની માનસિક સ્થિતિનો આ તબક્કે ખાસ વિચાર કરવા જેવો છે.  આ એક મનોવૈજ્ઞાનિક પરીક્ષા નહીં, પરંતુ વૈજ્ઞાનિક પરીક્ષણ સાબિત થશે. બાળકો માટે ઘરમાં પુરાઈ રહેવું ખુબ જ અઘરુ છે. આ ઉપરાંત કોરોના નામની નવી બીમારી એમના મન ઉપર ઉંડો ઝખમ આપ્યો છે. ભવિષ્યમાં તેની શું અસર થશે? તે હાલના તબક્કે કહેવું મુશ્કેલ છે.  એક વાત નિશ્ચિત છે કે સ્વૈચ્છિક એકાંત વાત અને લોકડાઉન, મનુષ્યને માનસિક રીતે નબળો કરી શકે છે.  તેના સકારાત્મક પરિબળનો વિચાર કરીએતો,  મનુષ્યને આવનારી આફત સામે લડવા માટે મક્કમ મનોબળ પણ પૂરું પાડે તેમ છે.  વૈજ્ઞાનિક સંસ્થાઓ, ખાસ કરીને નાસા માટે  લોકડાઉન, આઇસોલેશન, સોસીયલ ડિસન્સ,  ભવિષ્યની અંતરિક્ષ યાત્રા માટે એક હથિયાર સાબિત થાય તેમ છે. આ પ્રકારનાં વૈજ્ઞાનિક પરીક્ષણ માટે નાસાએ આંતરરાષ્ટ્રીય સહયોગથી “સીરીયસ-20”નામનો કાર્યક્રમ શરૂ કર્યો છે.

તમે ખરેખર “સિરિયસ” છો?

લેખનું શીર્ષક વાંચીને કદાચ તમને આશ્ચર્ય થયું હશે,   અહીં કોઈ સ્પેલિંગ મિસ્ટેક થઈ નથી ને.  તમારે ગંભીર થવાની જરૂર નથી. સીરીયલ શબ્દને ગંભીરતાથી લેવા  નહી. આ શબ્દપ્રયોગ નાસાના નવા કાર્યક્રમ  “સીરીયસ-20” પ્રયોજવામાં આવ્યો છે. સ્વૈચ્છિક એકાંતવાસના અભ્યાસનો નાસાનો આ બીજો તબક્કો એટલે કે આઇસોલેશન-2 કાર્યક્રમ છે. જ્યારે અંતરિક્ષ યાત્રી કોઈ લાંબાગાળાની અંતરીક્ષયાત્રાએ જાય છે ત્યારે તેને ત્રણ મહિનાથી માડી દસેક મહિના સુધી તેના સાથીઓ સાથે અંતરિક્ષયાન કે અવકાશીમથકમાં લોકડાઉન  અને આઇસોલેશન  જેવી પરિસ્થિતિમાં પુરાઈ રહેવું પડે છે.  જ્યાં વાપરવા માટે જગ્યા ખૂબ જ ઓછી હોય છે.  તમારા નિર્ધારીત કાર્યક્રમ શિવાય તમને મનગમતી પ્રવૃત્તિ કરવા માટે પણ સાધનો અને સમય ખૂબ ઓછો હોય છે.  આવા સમયે અંતરિક્ષ યાત્રીઓ ની માનસિક સ્થિતિ શું થતી હશે?   મિશન પૂર્ણ કર્યા પછી, પૃથ્વી પર  આવ્યા બાદ, બે અઠવાડિયા સુધી કવોરેન્ટાઇનમા રહેવું પડે છે. 

                નાસા હવે જ્યારે 2024માં ચંદ્ર ઉપર એક મહિલા અને અમેરિકન યાત્રીને ઉતારવા માગે છે  ત્યારે,  સ્વૈચ્છિક એકાંતવાસ અને સામાજિક અંતર કેવો ભાગ ભજવશે?  તે માટે તેણે અત્યારથી જ તૈયારી અને પ્રયોગો આરંભી દીધા છે. અંતરિક્ષ યાત્રા દરમિયાન અંતરિક્ષ યાત્રીને નડતી મનો-વૈજ્ઞાનિક સમસ્યાઓનો ઉકેલ પણ આ અભ્યાસ ઉપરથી અલગ તારવી શકાશે. નાસા તેના અમેરિકન નાગરિકને રશિયાના મોસ્કો શહેરમાં આવેલ વૈજ્ઞાનિક સંસ્થામાં આઠ મહિના માટે એકાંતવાસ આપી તેમની શારીરિક અને માનસિક સ્થિતિનો અભ્યાસ કરવા માગે છે.  જે માટે તેણે જાહેરાત પણ બહાર પાડે છે. કોરોના કાળમાં આ અભ્યાસમાં જોડાવા માગતા સ્વયંસેવકને માટે કેટલીક નીતિનિયમો રાખવામાં આવ્યા છે.  જે મુજબ વોલિયન્ટર વ્યક્તિની ઉંમર 55 વર્ષ વચ્ચે,  મજબુત ઇચ્છાશક્તિ,  અને તારીખ રીતે સંપૂર્ણ સ્વસ્થ હોવો ખાસ કરીને કોરોના ફ્રી હોવો જરૂરી છે. અરજી કરનાર રશિયન અને અંગ્રેજી ભાષાનાં જાણકાર હોવો જોઈએ.  આ ઉપરાંત તેની પાસે કોઈપણ વિજ્ઞાન ક્ષેત્ર માસ્ટર ડિગ્રી અથવા ડોક્ટરેટની ડિગ્રી હોવી જોઈએ.  વધારામાં વ્યક્તિ પાસે લશ્કરી સેવાનો અનુભવ પણ અનિવાર્ય ગણવામાં આવ્યો છે.  પસંદગી પામેલ વોલેન્ટિયરને, અંતરિક્ષયાત્રીઓ ચંદ્ર અને મંગળ ઉપર ભવિષ્યના મિશનમાં જે રીતે રહેશે તેવા પ્રકારના વાતાવરણ અને રહેઠાણમાં  તેમને રાખવામાં આવશે.

મિશન “સીરીયસ-20”: લોકડાઉન, આઇસોલેશન, કવોરેન્ટાઇન, સોસીયલ ડિસન્સ..

સીરીયસ-20” એક આંતરરાષ્ટ્રીય મિશન છે. જે રશિયાના મોસ્કો શહેરની ગ્રાઉન્ડ બેસ NEK-ફેસીલીટીમાં શરૂ કરવામાં આવ્યું છે.  જેના માટે નાસા, યુરોપિયન સ્પેસ એજન્સી અને  રશિયન  સ્પેસ  એજન્સી વચ્ચે ખાસ કરાર કરવામાં આવ્યા છે. આ મિશનમાં મુખ્યત્વે માનવ શરીર ઉપર અંતરિક્ષયાત્રા,  એકાંતવાસ અને સ્વૈચ્છિક કેદ જેવી અવસ્થા મનુષ્ય ઉપર થતી શારીરિક અને માનસિક અસરો ચકાસવાનું છે.  વૈજ્ઞાનિક અભિયાનનુ પૂરું નામ,  સાયન્ટિફિક ઇન્ટરનેશનલ રિસર્ચ ઇન યુનિક ટેરેસ્ટ્રીયલ સ્ટેશન “SIRIUS” છે.  ટૂંકમાં તેને “સીરીયસ” તરીકે ઓળખવામાં આવે છે. નાસાનો પોતાનો  “હ્યુંમન રિસર્ચ પ્રોગ્રામ” પણ ચાલે છે.  આ બધા જ કાર્યક્રમોને એક કરીને એક આંતરરાષ્ટ્રીય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સિરિયસનો પ્રથમ તબક્કો સીરીયલ-19 દ્વારા શરૂ થયો હતો,  જેમાં છ વ્યક્તિને ચાર મહિના માટે પ્રશિક્ષણ માટે પસંદ કરવામાં આવી હતી.  સીરીયસ-20માં છ વ્યક્તિને આઠ મહિના માટે,  અને ૨૦૨૧માં  થનારા ત્રીજા અને છેલ્લા તબક્કામાં,  છ વ્યક્તિને એક વર્ષ માટે  પ્રશિક્ષણ,  એકાંતવાસ અને  વૈજ્ઞાનિક પરીક્ષણ કરવા માટે રાખવામાં આવશે. 

રશિયામાં મોટાભાગની વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ,  રશિયન એકેડમી ઓફ સાયન્સના નેજા હેઠળ કરવામાં આવે છે.  જેના નિયંત્રણમાં સેંકડો વૈજ્ઞાનિક સંશોધન કેન્દ્રો,  પુસ્તકાલય,  પ્રકાશન હાઉસ અને હોસ્પિટલનો સમાવેશ થાય છે. રશિયન એકેડમી ઓફ સાયન્સનું મુખ્યાલય મોસ્કોમાં આવેલું છે.  મુખ્ય બિલ્ડીંગ પાસે,  પૃથ્વીની પ્રદક્ષિણા કરનાર પ્રથમ વ્યક્તિ, યુરી ગાગરિનનું પૂતળું મૂકવામાં આવેલું છે.  રશિયન એકેડમી ઓફ સાયન્સના વૈજ્ઞાનિક સંશોધન કેન્દ્રના આખા નેટવર્કમાં  સવા લાખ લોકો અને 50,000 જેટલા  વૈજ્ઞાનિકો-સંશોધકો કામ કરેછે. રશિયન એકેડેમી ઓફ સાયન્સના, NEK- ઇન્સ્ટિટયૂટ ઓફ બાયોમેડિકલ પ્રોબ્લેમમા, અંતરિક્ષ યાત્રીઓને લગતી ટ્રેનિંગ ફેસેલિટી ઉભી કરવામાં આવી છે.  જ્યાં સીરીયસ-20ના 6 સભ્યોને આઠ મહિના માટે  એકાંતવાસ અને આઇસોલેશનમાં રાખવામાં આવશે. NEK,  અલગ રીતે મનુષ્ય ઉપર થતી કોરોનાવાયરસની અસરનો પણ અભ્યાસ કરી રહી છે.

નાસા: “હ્યુંમન રિસર્ચ પ્રોગ્રામ”

નાસા જાણવા માગે છે કે વ્યક્તિ જ્યારે સામાજિક એકાંતવાસ અને સ્વૈચ્છિક કેદમાં હોય ત્યારે તેને શારીરિક  અને મનોવૈજ્ઞાનિક સ્થિતિ, તેમના દિમાગમાં કેવા પ્રકારના તનાવ પેદા થાય છે?  સીરીયસ-20માં, દરેક સભ્ય કેટલાક રોબોટિક ઓપરેશન ઉપર કામ કરશે,  વર્ચ્યુઅલ રિયાલિટી અને બીજી ટેકનોલોજીનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિક સંશોધન કરશે.  આ દરમિયાન તેમને નડતી સમસ્યાઓ નો અભ્યાસ કરવામાં આવશે.  જેમાં ખાસ કરીને માનસિક તનાવ,  અપૂરતી ઊંઘ,  વધારે  પડતો કાર્યબોજ,  અને શરીરની જૈવિક  ઘડિયાળ  ખોરવાઇ જવાની  સમસ્યાઓ રહેલી છે. મિશનના સભ્ય જ્યારે કાર્યરત થશે ત્યારે, તેના ઉપર વૈજ્ઞાનિકો,  મનોવૈજ્ઞાનિકો અને ક્લોઝ સર્કિટ ટીવી  કેમેરાની મદદથી ચાપતી નજર  રાખવામાં આવશે.  અંતરિક્ષ યાત્રી પોતાના મિશન ઉપર જાય છે ત્યારે તેમણે જે સાવચેતી રાખવાની હોય છે,  તે બધી જ  સાવચેતી મિશનના સભ્ય રાખશે. આ ઉપરાંત મિશન પૂરું કરીને અંતરિક્ષયાત્રી પાછા આવેછે, ત્યારે તેઓ કોઈ હાનિકારક બેક્ટેરિયા કે વાયરસ સાથે નથી લાવ્યા ?  તેની અસર ચકાસવા તેમને બે અઠવાડિયા સુધી કવોરેન્ટાઇન વોર્ડમાં રાખવામાં આવેછે.  સીરીયસ-20ના 6 સભ્યોને પણ આવી જ પરિસ્થિતિમાંથી પસાર થવું પડશે.


નાસા પ્રથમ સિરિયસ મિશન-2019માં શરૂ થયું હતું. જેમાં ભાગ લેનાર સભ્યો દ્વારા, અંતરીક્ષ સ્ટેશન અને ચંદ્રની  પ્રદક્ષિણા  કરનાર સ્પેસ ક્રાફ્ટ વચ્ચે જોડાણની પ્રક્રિયા,  ચંદ્ર ઉપર ઉત્તરાયણની પ્રક્રિયા, ચંદ્રની સપાટી ઉપર ચાલવા નો પ્રયોગ અને સંશોધન કરાવવામાં આવ્યા હતા, સભ્યને સ્વયં પોતાના ટેસ્ટ કરવા,  દરરોજનોઅહેવાલ  અને જર્નલ લખવા કામ સોંપવામાં આવ્યું હતું.  આ ઉપરાંત વિવિધ પ્રકારના નમૂનાઓ એકઠા કરવા,  જેમાં કેટલી કોશિકાઓ અને કેટલાક  પ્રવાહીના નમુના  એકઠા કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.  એકઠા કરેલ સેમ્પલનું ત્યારબાદ પૃથ્થકરણ કરવાનું હતું.

આ મિશનમાં ખાસ વાતએ જોવા મળી હતીકે “મિશનમાં કામ કરનાર લોકો એકબીજા સાથે ખૂબ જ હળીમળી ગયા હતા. તેમની વચ્ચે એક અનોખુ સામાજિક બંધન જોવા મળ્યું હતું.  મિશનમાં ભાગ લેનાર મહિલા કહેછે “અમે છ વ્યક્તિ એક નળાકાર પુરાઈ ગયા હતા.  અહીં અમે એકબીજાના સહકાર્યકર,  મિત્ર અને,  કુટુંબના એક સભ્ય જેવા બની ગયા હતા.  અમે લોકો પણ એકબીજાના  મૂડ અને માનસિક સ્થિતિ ઉપર ખાસ નજર રાખતા હતા.  એકબીજાને હસાવી અને જોક્સ કહીને મનને પ્રવૃત્તિમાં રાખતા હતા,  ક્યારે નિરાશાવાદી વિચારો તરફ અમે કોઈને જવા  દેતા નહતા.”

 ''પ્રોજેક્ટ આર્ટેમિસ'': અમેરિકન મહિલા ચંદ્ર ઉપર પગ મૂકશે!

થોડા સમય પહેલાં જ નાસાએ ચંદ્ર અને મંગળના અભિયાન માટે આવતી પેઢીના અંતરિક્ષ યાત્રીઓની શોધ માટે અરજીઓ મંગાવી લીધી છે. નાસાના ૬૧ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર નાસાએ તેમના કાર્યક્રમ માટે વિજ્ઞાન અથવા કોમ્પ્યુટર સાયન્સમાં અથવા ગણિતશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી ધરાવતા હોય તેવા લોકોની જ પસંદગી કરી છે. આ કાર્યક્રમ માટે પસંદગી પામેલ વ્યક્તિને બે વર્ષ માટે નાસા ટ્રેનિંગ આપશે,ત્યારબાદ તેમની ચકાસણીનો સમય શરૂ થશે.  સંખ્યાબંધ શારીરિક જરૂરિયાતોને પૂરી કરવા માટેના અનેક ટેસ્ટ અને પ્રક્રિયા પસાર કર્યા પછીજ,  ચંદ્ર માટેના  અભિયાન  ''પ્રોજેક્ટ આર્ટેમિસ'' માટે  અંતરિક્ષયાત્રીની પસંદગી કરવામાં આવશે. 

૧૩ મે ૨૦૧૯નાં રોજ નાસાએ તેનાં નવાં મિશન એટલે કે ચંદ્ર પર માનવીને ફરીવાર ઉતારવાનાં કાર્યક્રમને ''પ્રોજેક્ટ આર્ટેમિસ'' નામ આપ્યું હતું. ચંદ્રનાં સંદર્ભમાં આ નામ ખુબ જ ફિટ બેસે તેમ છે. અમેરિકાનાં પ્રથમ કાર્યક્રમને 'એપોલો' નામ આપવામાં આવ્યું હતું. એપોલો ગ્રીક દંતકથાનો દેવતા (ગોડ) છે. તેને બે જોડકી બહેનો છે. જેનું નામ 'આર્ટેમિસ' છે. ''આર્ટેમિસ'' ચંદ્રની દેવી માનવામાં આવે છે. નાસાનાં ભવિષ્યનાં મુન મિશન માટે આ નામ યોગ્ય જ છે. 'આર્ટેમિસ' એ શિકારની દેવી પણ ગણાય છે. તેનો શિકારનો સાથીદાર ''ઓરાયન'' છે. નાસાનાં મુન મિશન 'આર્ટેમિસ' માટે અંતરીક્ષયાત્રીને લઇ જવા લાવવા માટે જે કેપ્સ્યુલ બનાવવામાં આવી રહી છે. તેનું નામ 'ઓરાયન' રાખવામાં આવેલ છે. આમ ચંદ્ર પર માનવીને ઉતારવા માટે એપોલો, આર્ટેમિસ અને ઓરાયન પોતાનું યોગદાન આપશે, આપી ચુક્યાં છે. મહત્વની વાત એ છે કે ''આર્ટેમિસ નામે એક સુંદર સાયન્સ ફિકશન ૨૦૧૭માં પ્રકાશીત થયેલ છે. યોગાનુયોગે આ વાર્તાનાં કેન્દ્રમાં ચંદ્ર પર માનવીએ સ્થાપેલી નાની કોલોની ઉર્ફે  ''મુન સીટી''ની વાત છે.

નાસાના મિશન “સીરીયસ-20”  દ્વારા માનવજાતને ચંદ્ર અને મંગળ ઉપર જવા માટેની નવી દિશા અને જ્ઞાન મળશે. જેનાથી નાસા તેમના અંતરિક્ષયાત્રીઓને ભવિષ્યની અંતરિક્ષ યાત્રા માટે બધી જ રીતે તૈયાર કરી શકશે. 2024માં જ્યારે  પ્રથમ  અમેરિકન મહિલા ચંદ્ર ઉપર પગ મૂકશે ત્યારે એક નવો ઈતિહાસ લખાશે.  આ ઘટના નાસાને મનુષ્યને મંગળ ઉપર ઉતારવા માટેનું મજબૂત મનોબળ પૂરું પાડશે.

1 comment:

Mehul Vadnagara said...

ખુબજ અદભુત તથા માહિતીસભર લેખ છે. આપના લેખ અન્ય વૈજ્ઞાનિક સંશોધન લેખકો થી આપની આં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ ના પાસા ને લીધે અલગ તરી આવે છે.આપને ખુબ ખુબ અભિનંદન.