Monday 5 April 2021

લોંચ અમેરિકા : લેટ્સ લાઈટ ધીસ કેન્ડલ

પ્રકાશન : ૭ જુન ૨૦૨૦

અમેરિકા અંતરીક્ષ ઇતિહાસમાં એક નવું પ્રકરણ લખ્યું છે.  9 વર્ષ બાદ,  અમેરિકાની ભૂમિ ઉપરથી બે અમેરિકન અંતરિક્ષ યાત્રી આંતરરાષ્ટ્રીય અંતરીક્ષ મથક ઉપર પહોંચ્યા છે.  બંને અંતરિક્ષયાત્રી એક નવાનક્કોર સ્પેસક્રાફ્ટમાં બેસીને આઈએસએસ ઉપર પ્રયાણ કર્યું હતું.  અમેરિકાએ અત્યાર સુધી મર્ક્યુરી,જેમિની, એપોલો અને ત્યારબાદ સ્પેસ શટલ દ્વારા અંતરિક્ષયાત્રીને અંતરિક્ષમાં મોકલ્યા હતા.  આ બધા જ સ્પેસક્રાફ્ટ સરકારી ખર્ચે તૈયાર કરવામાં આવ્યા હતા. જ્યારે અમેરિકાનું પાંચમું સ્પેસ ક્રાફ્ટ “ ડ્રેગન”  ખાનગી કંપની સ્પેસ એક્સ દ્વારા બનાવવામાં આવ્યું છે. સ્પેસ એક્સના ફાલ્કન-9 રોકેટના મથાળે ગોઠવેલ  ક્રુ ડ્રેગન  કેપ્સુલમાં બેસીને બે અમેરિકન અંતરિક્ષયાત્રીએ નવો ઇતિહાસ રચ્યો છે.  નાસા માટે હવે અંતરિક્ષ યાત્રી મોકલવા માટે ખાનગી કંપનીને  દરવાજા ખોલી આપ્યા છે.  

        2011માં નાસાએ તેના સ્પેસ શટલ પ્રોગ્રામને પુર્ણાહુતી આપી,  ત્યારથી તેના અંતરિક્ષયાત્રી અને ૨શિયા પોતાના  સોયુઝ અંતરિક્ષયાનમાં બેસાડીને અંતરિક્ષમાં મોકલી આપેછે. નાસા અંતરિક્ષયાત્રીની સફર માટે, યાત્રી દીઠ નવ કરોડ અમેરિકન ડોલર રશિયાને ચૂકવતી હતી. હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. અમેરિકા પોતાની જ અમેરિકન ખાનગી કંપની દ્વારા અંતરિક્ષયાત્રીને અંતરીક્ષની સફર કરાવી શકશે. નાસાના લોન્ચ પેડ ઉપરથી જે એપોલો-11નુ લોન્ચિંગ થયું હતું, અમેરિકાએ નીલ આર્મસ્ટ્રોંગને ચંદ્ર ઉપર ઉતારીને અનોખો ઇતિહાસ રચ્યો હતો.  બસ એ જ લોન્ચપેડ,  એટલેકે કેનેડી સ્પેસ સેન્ટર લોંચ કોમ્પ્લેક્સ 39/A,  ફ્લોરિડા ઉપરથી ફરીવાર સ્પેસ એક્સનું ફાલ્કન-9 રોકેટ લોન્ચ થતાં નવો ઇતિહાસ રચાયો છે. ખરાબ હવામાનના કારણે કાર્યક્રમમાં થોડો ફેરફાર કરવો પડ્યો હતો. 

લેટ્સ લાઈટ  ધીસ   કેન્ડલ

   અમેરિકન ભૂમિ ઉપરથી એલન શેફર્ડ નામના અંતરિક્ષયાત્રી જ્યારે, અંતરિક્ષમાં જનાર પ્રથમ અંતરિક્ષયાત્રી તરીકે નવો વિશ્વ વિક્રમ નોંધાવ્યો હતો,  ત્યારે પ્રોજેક્ટ જેમિનીના ઉડ્ડયનની શરૂઆત કરતા પહેલા તેઓ બોલ્યા હતાકે  “લેટ્સ લાઈટ  ધીસ   કેન્ડલ”. “લોંચ અમેરિકા”મિશનની શરૂઆતમાં રોકેટનું લોન્ચિંગ થાય તે પહેલાં રોકેટમાં પ્રવેશતા પહેલા ડૉગ હર્લી કહ્યું હતું કે “લેટ્સ લાઈટ  ધીસ   કેન્ડલ”. અંતરીક્ષ ઇતિહાસમાં આ શબ્દનું બીજી વાર પુનરાવર્તન થયું હતું. નાસાના ઇતિહાસમાં  ખાનગી કંપનીની સેવા લેવા માટેનો જુગાર,  રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ રમ્યો હતો.  જે સફળ થતો લાગી રહ્યો છે.  આ  ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવા માટે રાષ્ટ્રપ્રમુખ  ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર રહ્યા હતા. ૨૦૦૨માં એલન મસ્ક નામના સાહસવીરે  મંગળ ઉપર માનવી પહોંચાડવાની  આકાંક્ષાઓ સાથે  સ્પેસ-એક્સ કંપનીની સ્થાપના કરી હતી. 

        નાસા અને સ્પેસ-એક્સ દ્વારા આ અભિયાનનું નામ “લોંચ અમેરિકા” રાખવામાં આવ્યું છે. સમગ્ર  અભિયાન સ્વયંસંચાલિત છે.  જેમાં અમેરિકાના અંતરિક્ષયાત્રીઓને કંઈજ કરવાનું નથી. પરંતુ કટોકટીના સમયે અભિયાનનું સંચાલન તેઓ હાથમાં લઇ શકે તેવી સુવિધા પણ આપવામાં આવી છે.  અમેરિકાના ઇતિહાસમાં પહેલીવાર ટચસ્ક્રીન ધરાવતા કંટ્રોલર અને સેન્સરનો ઉપયોગ સ્પેસક્રાફ્ટની કંટ્રોલ પેનલમાં કરવામાં આવ્યો છે.ભૂતકાળમાં અંતરિક્ષયાત્રીઓ  સ્પેસક્રાફ્ટના સંચાલનમાં  જોયસ્ટીક, બટન, નોબ વગેરેનો ઉપયોગ કરતા હતા. નાસાના સ્પેસ શટલની કોકપિટમાં તો દરેક ઈંચ ઉપર કોઈને કોઈ જોયસ્ટીક, બટન  કે નોબ  લાગેલા હતા. નાસા દ્વારા ISS ઉપર પહોંચનાર   ઐતિહાસિક મિશનને “લોંચ અમેરિકા” /  “ ક્રુ ડ્રેગન ડેમો-2”   તરીકે પણ ઓળખવામાં આવે છે.  ISS ઉપર પહોંચનારુ અંતરિક્ષ યાત્રી સાથેનું આ 63મુ અભિયાન છે. 

        પહેલા જ્યાંથી સ્પેસ શટલનું કંટ્રોલીંગ થતું હતુંએ કેનેડી લોંચ કંટ્રોલ સેન્ટર ફાયરિંગ રૂમ નંબર4 માંથી સ્પેસ એક્સના નિષ્ણાતો સમગ્ર મિશન ઉપર ધ્યાન રાખી રહ્યા છે.  સમગ્ર મિશન એટલે કે પ્રક્ષેપણ, પ્રદક્ષિણા માર્ગમાં સ્પેસ ક્રાફ્ટની પ્રદક્ષિણા,  અંતરીક્ષમથક સાથે ડ્રેગનનું જોડાણ અને અંતરિક્ષયાત્રીને  ફરિવાર પૃથ્વી ઉપર સલામત પાછા લાવવાની સમગ્ર પ્રક્રિયા,  સ્પેસ-એક્સ દ્વારાજ કરવામાં આવશે.  નાસા હ્યુસ્ટન ખાતે આવેલ જ્હોનસન સ્પેસ સેન્ટરના મિશન કન્ટ્રોલ સેન્ટર દ્વારા સમગ્ર અભિયાન ઉપર ચાંપતી નજર રાખશે.   

“લોંચ અમેરિકા” મિશન

 “લોંચ અમેરિકા” મિશન માટે ફાલ્કન-9 રોકેટ વાપરવામાં આવ્યું છે. ફાલ્કન-9  સ્પેસએક્સ કંપનીનું ડિઝાઈન કરેલું વારંવાર વાપરી શકાય તેવું  બે  સ્ટેજવાળુ  રોકેટ છે. તેનો પ્રથમ સ્ટેજ વારંવાર વાપરી શકાયછે. રોકેટ બનાવવા માટે મર્લિન ફેમિલીનું રોકેટ એન્જિન વાપરવામાં આવ્યું છે.  જે સ્પેસ-એક્સના ફાલ્કન-1થી માડી ફાલ્કન-9 સુધીના રોકેટમાં વાપરવામાં આવે છે. રોકેટના બંને સ્ટેજમાં, બળતણ તરીકે રોકેટ કેરોસીન RP-1 અને  પ્રવાહી  ઓક્સિજન વાપરવામાં આવે છે. ફાલ્કન-9 રોકેટ દ્વારા  86183  કિલોગ્રામનો ધક્કો / થ્રસ્ટ  પેદા કરે છે. ઐતિહાસિક ઘટનાનું ગુજરાત વિહંગાવલોકન કરીએ તો..

        
રોકેટ લોન્ચ થયા પછી બેમીનીટ 3સેકન્ડમાં  રોકેટનો પ્રથમ તબક્કો છૂટો પડીને આટલાંટિક મહાસાગરમાં પડ્યો હતો. જેને ડ્રોનશિપ  વડે રિકવર કરવામાં આવ્યો હતો. હવે જોવાનું એ છેકે “સ્પેસ-એક્સ આ રોકેટને ઐતિહાસિક ઘટનાનો એક ભાગ હોવાથી તેને મ્યુઝિયમના શો-પીસ તરીકે સાચવી રાખે છે? કે ફરિવાર તેનો ઉપયોગ કરે છે?” પ્રક્ષેપણની બાર મિનિટ બાદ.  અંતરિક્ષયાન પૃથ્વીની પ્રદક્ષિણા માર્ગમાં ગોઠવાઈ ગયું હતું. પૃથ્વીની પ્રદક્ષિણા માર્ગમાં અંતરિક્ષયાત્રીએ 19 કલાક વિતાવ્યા હતા.  ત્યારબાદ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ મથક એટલે કે ISSના  હાર્મની નામના એકમ સાથે ક્રુ ડ્રેગનનું જોડાણ થયું હતું. 

        ડ્રેગન સ્પેસ કેપ્સ્યુલ ચાર અંતરિક્ષયાત્રીને ૧૧૦ કિલો વજન સાથે અંતરિક્ષમાં લઈ જવાની ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત પ્રદક્ષિણા-માર્ગ માં તે ૧૧૦ દિવસ સુધી સલામત રહી શકે છે.  જોકે નાસા ડ્રેગન સ્પેસ ક્રાફ્ટ ને ઓછામાંઓછા 210 દિવસ સુધી પ્રદક્ષિણા માર્ગમાં સલામત રહી શકે તેવી ક્ષમતા વિકસાવવા માગે છે. અભિયાનના અંતિમ ભાગમાં, બંનેએ અંતરિક્ષયાત્રી ફરીવાર ડ્રેગન કેપ્સ્યુલમાં પાછા ફરશે. ક્રુ ડ્રેગન કેપ્સુલ પૃથ્વીના વાતાવરણમાંથી સલામત રીતે પસાર થઈને ફ્લોરિડા નજીક આવેલ આટલાંટિક મહાસાગરમાં ખાબકશે.  અહીં સ્પેસ એક્સ દ્વારા રાખવામાં આવેલ રિકવરી  જહાજ  “ગો નેવિગેટર રિકવરી  વેસલ” દ્વારા તેમને જહાજમાં ઉપાડી લેવામાં આવશે.  

રોબર્ટ બેનકેન અને ડૉગ હર્લી : નવી નક્કોર અંતરિક્ષયાત્રા.

        આ મિશનમાં અંતરિક્ષયાત્રી રોબર્ટ બેનકેન  અને   ડૉગ હર્લી નામના અંતરિક્ષ યાત્રી  અમેરિકન ભૂમિ ઉપરથી અમેરિકન ખાનગી કંપનીના અમેરિકન રોકેટ દ્વારા ISS ઉપર પહોંચ્યા છે.  અહીં પહેલેથી જ ક્રિસ કાસીડી નામના  અમેરિકન અંતરિક્ષ યાત્રી ISS ઉપર હાજરછે.  નાસા દ્વારા આઇએસએસ સાથે ક્રુ ડ્રેગન  જોડાણ અને અંતરીક્ષમથકમાં બે નવા અંતરિક્ષયાત્રીનું સ્વાગત થયું તે ઘટનાનું જીવંત પ્રસારણ નાસાએ કર્યું છે.  અંતરિક્ષયાત્રીઓ તેમને સોંપવામાં આવેલ સંશોધન અને બીજા કાર્ય ઉપરાંત, ક્રુ ડ્રેગન  સ્પેસ કેપ્સ્યુલ ઉપર વધારાના ટેસ્ટ પણ કરવાના છે. ગયા સોમવારે નાસાએ ટેલિવિઝન ન્યૂઝ કોન્ફરન્સ  આયોજન અને પ્રસારણ  કર્યું હતું. બંને અંતરિક્ષયાત્રી પૃથ્વી પર પાછા ફરતા પહેલા ISS  ઉપર કેટલો સમય વિતાવશે એ નક્કી નથી.  પરંતુ એક અંદાજ પ્રમાણે બંને અંતરિક્ષયાત્રી એક મહિનાથી માંડી ૧૧૦ દિવસ  જેટલો  સમય આઈએસએસ પર વિતાવી શકે છે. 

53 વર્ષના રોબર્ટ બેનકેન જોઈન્ટ ઓપરેશન કમાન્ડરની ભૂમિકા નિભાવશે,  તેઓ ક્રુ ડ્રેગન ડેમો-2  મિશનની દરેક પ્રક્રિયા માટે જવાબદાર ગણાશે. ૨૦૦૦ની સાલમાં તેમની પસંદગી સ્પેસ શટલ ફલાઇટ “એસ્ટ્રોનટ ગ્રુપ-18” માટે કરવામાં આવી હતી.  તેઓ માર્ચ 2008માં STS-123માં   અને ફેબ્રુઆરી 2010માં STS-130  સ્પેસ શટલ ઉડ્ડયનમાં ભાગ લીધો હતો.   ભૂતકાળના મિશનમાં, અંતરિક્ષમાં તેમણે છ વાર સ્પેસ વોક પણ કરી હતી. રોબર્ટ બેનકેન  મિકેનિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે.  તેઓએ નામ વૈજ્ઞાનિક સંશોધન સંસ્થા “કેલટેક”માં શિક્ષણ લીધેલું છે.  નાસામા જોડાયા તે પહેલા તેઓ અમેરિકન એરફોર્સમાં  ફ્લાઇટ ટેસ્ટ એન્જિનિયર તરીકે  સેવા આપતા હતા. 

            49 વર્ષના ડૉગ હર્લીની ભૂમિકા સ્પેસક્રાફ્ટ કમાન્ડરની છે.  જેઓ પ્રક્ષેપણ લેન્ડિંગ અને રિકવરી પ્રક્રિયા માટે જવાબદાર ગણાશે.  ૨૦૦૦ની સાલમાં તેમની પસંદગી સ્પેસ શટલ  ફ્લાઇટ  પણ “એસ્ટ્રોનટ ગ્રુપ-18” માટે કરવામાં આવી હતી. મજાની વાત એ છે કે”  જુલાઈ ૨૦૧૧માં સ્પેસ શટલની જે અંતિમ  ફ્લાઇટ STC-135  અંતરિક્ષમાં ગઈ હતી. આ મિશનના ચાર અંતરિક્ષયાત્રીમાંથી એક અંતરિક્ષ યાત્રી ડૉગ હર્લી હતા. ડૉગ હર્લી  કહે છે કે “ સ્પેસ શટલના યુગની સમાપ્તિ કરવામાં,  અને નવા સ્પેસ ક્રાફ્ટ ક્રુ ડ્રેગનમાં પ્રથમ પદાર્પણ  કરનાર અંતરીક્ષયાત્રી તરીકે મારી ભૂમિકા રહેલી છે. તેનો મને ખૂબ જ આનંદ છે. નાસાની આ બંને ઐતિહાસિક ઘટના સાક્ષી બનવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.”

ભૂતકાળમાં આઇએસએસના “કુંપોલા”  નામની ગ્લાસ  પેનલની ડોમ  તેમણે બાંધી હતી.   અંતરિક્ષ યાત્રીઓને “કુંપોલા”માંથી પૃથ્વીગ્રહ નીરખવાની ખૂબજ મજાઆવે છે. ડૉગ હર્લી પાસે સિવિલ એન્જીનીયરીંગની ડિગ્રી છે.  નાસામાં જોડાતા પહેલા તેઓ અમેરિકન મરીન કોર્સમાં ફાઈટર પાયલોટ અને ટેસ્ટ પાઈલટ તરીકે સેવા આપતા હતા.  અંતરિક્ષ યાત્રી ભૂતકાળમાં ISS ઉપર લાઇફ સપોર્ટ સિસ્ટમ,  સાયન્સ લેબોરેટરી,  અને  બે હાથવાળા રોબોટ વડે સમારકામ અને સંશોધનકાર્ય કરી ચુક્યા છે. 

અંતિમ લક્ષ્ય:  સ્પેસસૂટ અને સ્પેસક્રાફ્ટ ક્રુ ડ્રેગનની ચકાસણી

            જો તમે નાસાની આ રોકેટ લોન્ચિંગ ની ઘટના જોઇ હોય અથવા  કોઈ વીડિયો જોયો હોય તો,  તમે જોયું હશે કે હોલિવૂડની ફિલ્મોમાં અંતરિક્ષયાત્રી જે પ્રકારનો સ્પેસસૂટ પહેરીને જાય છે,  તે પ્રકારનો સ્પેસસૂટ  પહેરીને બંને અંતરિક્ષયાત્રી સ્પેસ ક્રાફ્ટમાં પ્રવેશ્યા હતા. આ મિશન માટે  સ્પેસએક્સ કંપની  ખાસ પ્રકારના સ્પેસસૂટ ડિઝાઇન કરાવ્યાછે.  જેની ડિઝાઇન  હોલિવૂડની લોકપ્રિય ફિલ્મ જેવીકે “આયનમેન, બેટમેન v/s  સુપરમેન :ડૉન ઓફ જસ્ટીસ, વન્ડર વુમન અને કેપ્ટન  અમેરિકા”ના કોસ્ચ્યુમ ડિઝાઈનર જોસ ફર્ડીનાન્ડ દ્વારા તૈયાર કરવામાં આવી છે.  જ્યાં સુધી સ્પેસસૂટની સંપૂર્ણ ચકાસણી થઈને સ્પેસસૂટ અનેક વૈજ્ઞાનિક પ્રયોગ માંથી પાસ થશે, ત્યારે જ  તેના સ્પેસિફિકેશન જાહેર કરવામાં આવશે તેવું લાગી રહ્યું છે.  હાલના તબક્કે સ્પેસસૂટની ખાસિયતો,  તેના  સ્પેસિફિકેશન ખાનગી રાખવામાં આવ્યા છે. તેની માહિતી મીડિયાને પણ આપવામાં આવી નથી.

 “લોંચ અમેરિકા”/ “ક્રુ ડ્રેગન ડેમો-2” નો મુખ્ય હેતુ, સ્પેસક્રાફ્ટ ક્રુ ડ્રેગન અને નવા ડિઝાઇન કરેલ  સ્પેસસૂટની પ્રયોગાત્મક ચકાસણી  કરવાનોછે.   નાસા હવે વારંવાર અંતરિક્ષ યાત્રીઓને અંતરિક્ષમાં મોકલવા માટે તેનો ઉપયોગ કરવાની છે. આમ તો સમગ્ર ઉડ્ડયન સ્વયંસંચાલિત છે પરંતુ,  બંને અંતરિક્ષ યાત્રી બે વાર  પ્રયોગાત્મક ફ્લાઇટનું સંચાલન પોતાના હાથમાં લેવાના છે, જેથી કરીને ખબર પડે કે તેના નિયંત્રણમાં કોઈ મુશ્કેલીતો પડતી નથીને? નાસાના એડમિનિસ્ટ્રેટર  જીમ બ્રિડેનસ્ટેઇન માને છેકે હવે અંતરિક્ષ અભિયાનની સંપૂર્ણ મોનોપોલી સરકાર રાખી શકે તેમ નથી.  ખાનગી કંપનીને આ ક્ષેત્રમાં ઉતારી સ્પર્ધાત્મક ભાવ મેળવીને અંતરિક્ષયાત્રામાં   સ્પેસ ક્રાફ્ટની કિંમત અને  મિશનમાં   થનાર ખર્ચમાં ઘટાડો કરી શકાય તેમ છે. સમગ્ર  અભિયાન નાસાની અપેક્ષા મુજબ કાર્ય સંપૂર્ણ કરશે તો,  નાસા માટે ભવિષ્યમાં સમગ્ર અંતરિક્ષયાત્રા ખાનગી કંપનીને સોંપવાના દ્વાર હંમેશ માટે ખુલી જશે.

1 comment:

Mehul Vadnagara said...

માહિતીસભર લેખ વિશેષ જ્ઞાન વધ્યું આભાર