Thursday 8 April 2021

સ્પેસપ્લેન એક્સ-37-બી:આવતીકાલના સ્પેસવૉરની તૈયારી..

થોડા દિવસો પહેલા અમેરિકાએ  સ્પેસ-એક્સકંપનીના ખાનગી રોકેટ અને સ્પેસ ક્રાફ્ટમાં બે અમેરિકન નાગરિકોને આંતરરાષ્ટ્રીય અંતરીક્ષ મથક ઉપર મોકલીને એક નવો કિર્તીમાન સ્થાપ્યો હતો.  આ સમાચારની લાઈમલાઈટમાં  અમેરિકાના એક અન્ય સમાચાર દબાઈ ગયા.  17મે-2020ના રોજ  અમેરિકા તેના અત્યંત રહસ્યમય  સ્પેસપ્લેન  એક્સ-37-બીને છઠ્ઠી વાર અંતરિક્ષમાં મોકલ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું મોનીટરીંગ અમેરિકન એરફોર્સની નવી સ્થાપેલી સ્વતંત્ર બ્રાન્ચ “અમેરિકન સ્પેસફોર્સ”કરવાનું છે.  તેનો મતલબ સાફછે કે એક્સ-37-બી, નાસાનું વૈજ્ઞાનિક મિશન નથી. ભવિષ્યમાં થનારી અંતરીક્ષયુદ્ધની પૂર્વ તૈયારીના ભાગરૂપે, સ્પેસપ્લેન એક્સ-37-બી  લશ્કરી ટેકનોલોજીની ચકાસણી માટે જઈ રહ્યું છે.


સ્પેસપ્લેન એક્સ-37-બી, રોકેટ એટલાસ-5 ઉપર સવાર થઈને અંતરિક્ષમાં ગયું છે.   એટલાસ-5ના નળાકારભાગ ઉપર વાંચી શકાય એવા અક્ષરોમાં શ્રદ્ધાંજલિ લખેલ છે. અમેરિકન નાગરિકના મૃત્યુને સલામી આપતા શબ્દોમાં લખવામાં આવ્યુંછે કે કોવિંડ-19ના ભોગ બનનારાની યાદમાં અને પ્રથમહરોળમાં તેમની સેવા કરતા શહીદ થયેલા લોકોની યાદમાં” . સમગ્ર મિશન ગુપ્ત છે, પરંતુ તેની તસવીરો જાહેર કરીને અમેરિકાએ રશિયા અને ચીન એક ગુપ્ત સંદેશો આપ્યો છે.  અમેરિકા અંતરિક્ષમાં પોતાની સર્વોપરિતા જાળવી રાખવા માંગે છે. અમેરિકાના ક્લાસીફાઈડ મિશન “સ્પેસપ્લેન એક્સ-37-બી”નુ ખરું રહસ્ય શું છે? અંતરીક્ષ શોધમાં વાપરી શકાય તેવી કઈ કઈ ટેકનોલોજીનું અમેરિકા ગુપ્ત રીતે ટેસ્ટિંગ કરવા માંગે છે?. 

સ્પેસફોર્સ : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું ખાસ  ટાસ્કફોર્સ

૪ ઓક્ટોબર ૧૮૫૭ ના રોજ સોવિયત યુનિયને વિશ્વનો પ્રથમ કુત્રિમ ઉપગ્રહ સ્પુટનિક 1 અંતરિક્ષમાં મૂકીને,  ભૂમિ, જળ અને આકાશ ઉપરાંત,  અંતરિક્ષમાં પણ પોતાની તાકાત બતાવી. અમેરિકા માટે હવે અંતરીક્ષનું મહત્વ વધી ગયું. અમેરિકાનો પ્રથમ ઉપગ્રહ એક્સપ્લોરર-એક,  આર્મી બેલાસ્ટિક મિસાઈલ એજન્સીઓ તૈયાર કર્યો હતો.  જેને અમેરિકન નેવલ રિસર્ચ લેબોરેટરીનાં વાનગાર્ડ રોકેટ ઉપર ગોઠવીને લોન્ચ કરવામાં આવ્યો હતો.  ટેકનોલોજીના વિકાસ બાદ હાલમાં, અમેરિકા અને ચાઇનાએ  ઉપગ્રહ દ્વારા ઉપગ્રહ તોડી પાડવાની,  મિસાઈલ દ્વારા ઉપગ્રહ તોડી પાડવાની ટેકનોલોજી પણ વિકસાવી લીધી હતી.  ટૂંકમાં હવે ભવિષ્યનું યુદ્ધ અંતરિક્ષમાં  થવાનું છે. 

આ શક્યતાને પારખી જઇને,  અમેરિકન પ્રમુખ રોનાલ્ડ રીગન  દ્વારા,   સ્ટારવાર પ્રોગ્રામ  સારુ કરવામાં આવ્યો. ગલ્ફ વોર,  સપ્ટેમ્બર 11 ના રોજ થયેલ આતંકી હુમલો,  અફઘાનિસ્તાન બોર્ડર પર લાદેનને મારવા કરવામાં આવતા હુમલા,  વગેરે એક વાત સ્પષ્ટ કરી દીધી કે  અમેરિકાએ જો પોતાની સર્વોપરિતા જાળવી રાખવી હોય તો. અંતરિક્ષમાંથી હુમલો થઈ શકે તેવી ટેકનોલોજી વિકસાવી પડશે.  રશિયા અને ચીનને ટેકનોલોજી વિકાસમાં પૂરતી હરિફાઈ આપવા માટે ગુપ્ત મિશન અંતરિક્ષમાં ગયું છે.  આ મિશનમાં અંતરિક્ષમાંથી અન્ય ટાર્ગેટ ઉપર આક્રમણ કરી શકાય તેવી ટેકનોલોજીનું ચેકિંગ પણ થવાની સંભાવના છે.  ખાસ પ્રકારના ઉપગ્રહ અંતરીક્ષમાં ગોઠવી અન્ય દેશોની ગુપ્ત માહિતી મેળવવા માટે પણ લશ્કરી જાસૂસી કરવામાં આવશે. સરળ શબ્દોમાં કહેવું હોય તો,  સાયન્સ ફિકશનમાં આવતા સ્પેસ વોર જેવી ટેકનોલોજી અમેરિકા વિકસાવી રહ્યું છે

અંતરિક્ષમાં લશ્કરી કાર્યવાહી હેતુ ટેકનોલોજી વિકસાવવાનું કામ અમેરિકન એરફોર્સને સોંપવામાં આવ્યું છે. ગયા વર્ષે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે,  અમેરિકાને સર્વોપરિતા અપાવવા માટે  ખાસ  ટાસ્કફોર્સની  રચના કરી જેને સ્પેસફોર્સ નામ આપવામાં આવ્યું છે .એરફોર્સ પહેલેથીજ અંતરિક્ષમાં ઉપયોગી થાય તેવી ટેકનોલોજી વિકસાવવા કાર્યરત  હતું. જે દરમિયાન તેણે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, ડિફેન્સ સેટેલાઇટ કોમ્યુનિકેશન સિસ્ટમ,  ડિફેન્સ સપોર્ટ સિસ્ટમ,  મિસાઈલ વોર્નિંગ સિસ્ટમ,  એક્સપરિમેન્ટલ સ્પેસ પ્લેન,  રડારમાં પકડી ન શકાય તેવા  સ્ટિલ્થ ફાઈટર પ્લેન  તૈયાર કરી લીધા હતા.

સ્પેસ પ્લેન X-37-B: મિશન કલાસીફાઈડ. 

સ્પેસ પ્લેન X-37-Bનું  મિશન  ભલે ગુપ્ત હોય,  પરંતુ  સ્પેસપ્લેન X-37-Bની કેટલીક વિગતો લીક થયેલ છે.  સ્પેસ પ્લેનની લંબાઈ 30 ફૂટ જેટલીછે.  રોકેટની માફક ઉભી દિશામાં તેનું લોન્ચિંગ કરવામાં આવે છે જ્યારે,  ઉતરાણ કરતી વખતે સ્પેસ શટલની માફક તે ભૂમિને સમાંતર રહીને લેન્ડિંગ કરી શકે છે. તેમાં માલસામાન લઈ જવા માટેનું કાર્ગો કમ્પાર્ટમેન્ટ,  પીકઅપ વાન જેટલુછે.  પ્લેનના એન્જિનમાં  બળતણ તરીકે હાઈડ્રાજીન અને નાઇટ્રોજન ટેટ્રોક્શાઈડનું  મિશ્રણ વાપરવામાં આવેછે.  નાસાના સ્પેસ શટલ કરતા અલગ પ્રકારનું થર્મલ પ્રોટેક્શન  પ્લેન ઉપર લગાડવામાં આવ્યું છે.  સ્પેસપ્લેનની ડિઝાઇન નાસાના સ્પેસ શટલ ઉપરથી જ તૈયાર કરવામાં આવેલછે. અત્યાર સુધીમાં સ્પેસપ્લેનના 5 ઉડ્ડયનો થઈ ચૂક્યાછે.  પ્લેન અંતરિક્ષમાં 2865 દિવસ રોકાણ કરી ચૂક્યુંછે.  આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ મથક એટલે કે આઈએસએસ કરતા,  થોડીક નીચી ભ્રમણકક્ષામાં  એટલેકે ૩૨૦કિલોમીટરની ઊંચાઈએ,  પૃથ્વીની આજુબાજુ ભ્રમણ કરી રહેલ છે. 

આ વખતના મિશનમાં,  પ્રથમવાર સ્પેસપ્લેન X-37-Bની સાથે સર્વિસ મોડ્યુલ જોડવામાં આવ્યું છે.  જેના દ્વારા પ્રયોગો કરવા માટે વધારાની પેલોડ કેપેસિટી સ્પેસપ્લેનને મળીછે. મિશન દરમિયાન કરવામાં આવનાર ત્રણ પ્રયોગોની માહિતી મીડિયાને આપવામાં આવી છે.  એક: મિશન દરમિયાન સ્પેસપ્લેનના રી-યુઝેબલ પાર્ટ્સ અને તેની કેપેસિટીની ચકાસણી થશે. સ્પેસપ્લેનના બાંધકામમાં ઉપયોગી બને તેવા  મટિરિયલનીપ્લેટોને અંતરિક્ષમાં રાખવામાં આવશે. તેના ઉપર  થનારી રેડિયેશનની અસરો પણ ચકાસવામાં આવશે.   બે: સ્પેસપ્લેનમાં  કેટલીક વનસ્પતિના બિયારણ લઈ જવામાં આવ્યાછે.  જેને ખુલ્લા  અંતરિક્ષમાં રાખવામાં આવશે, જેથી કરીને  બિયારણ ઉપર અંતરીક્ષના રેડીયેશન,  માઈક્રો-ગ્રેવિટી, કોસ્મિક કિરણો  વગેરેની શું અસર થાયછે? તેની ચકાસણી થઈ શકે. ત્રીજો મહત્વનો પ્રયોગ નેવલ રિસર્ચ લેબોરેટરી દ્વારા તૈયાર કરવામાં આવેલ વિદ્યુત પાવર સપ્લાયને લગતો છે.   ખાસ પ્રકારના ઉપકરણ દ્વારા સૌર ઊર્જા એકઠી કરવામાં આવશે.  ત્યારબાદ ઉર્જાને માઈક્રોવેવ એનર્જી  એટલેકે ચોક્કસ રેડિયો  ફ્રિક્વન્સીમા ફેરવીને  શેરડા એટલેકે  પાવર-બીમ દ્વારા  પૃથ્વી તરફ વહેતી મુકવામાં આવશે. આ ઉપરાંત એરફોર્સ દ્વારા તૈયાર કરવામાં આવેલ  નાના ઉપગ્રહ  ફાલ્કનસેટ-8ને ચોક્કસ  ભ્રમણકક્ષામાં ગોઠવવામાં આવશે.  પાંચ પ્રકારના  ટેકનોલોજીકલ પ્રયોગો  ફાલ્કનસેટ-8 સેટેલાઇટ દ્વારા કરવામાં આવશે.

બીમ-પાવર સપ્લાય: નેશનલ રિસર્ચ લેબોરેટરીનો અનોખો પ્રયોગ.

ગયા વર્ષે નેશનલ રિસર્ચ લેબોરેટરીએ એક ખાસ પ્રયોગ કર્યો હતો.  ઓક્ટોબર-2019 માં તેમણે પાવર બિમીગ કેપેસિટીની ચકાસણી કરી હતી. મેરીલેન્ડ ખાતે આવેલ બેથેસ્ડા ખાતે આવેલ,  નેવલ સરફેસ સરફેસ વોરફેર સેન્ટરમાં, 2 કિલોવૉટ ક્ષમતાનો પાવર તેમણે લેસર બીમ વડે 300 મીટર દૂર આવેલ ટાર્ગેટ પર ફોકસ કર્યો હતો.  બીમ-પાવરની વિશેષતા એછેકે જ્યારે સૌર ઊર્જા ઉપલબ્ધ નહોય તારે પણ આ પાવર વાપરી શકાય છે.  અમેરિકા  યુદ્ધના સમયે જ્યારે બિલ્ડીંગ અને  પાવર સપ્લાય લાઈન તૂટી ગઈ હોય ત્યારે,  સંદેશાવ્યવહાર અને લશ્કરી ઉપકરણોને ઝડપથી પાવર સપ્લાય પહોંચાડવા માટે,  અંતરિક્ષમાંથી સૌર ઊર્જા  એકઠી કરીને પાવર બીમ વડે પહોંચાડવા માગે છે.   ખૂબજ દૂરના વિસ્તાર,   જ્યાં વીજળી સપ્લાય લઈ  જવો મુશ્કેલ હોય ત્યાં,  બીમ-પાવર ખૂબ મહત્વનોબની જાય છે.  આવા વિસ્તારને ત્યારબાદ સૌરઊર્જા ઉપર નિર્ભર રહેવું પડતું  નથી. માઇક્રોવેવ દ્વારા આવતી ઊર્જાને એકઠી કરવા માટે ખાસ પ્રકારના ઉપકરણ,  એન્ટેના વગેરે વપરાય છે.  જેમાં  ભેગી કરેલી ઉર્જા  બેટરી સ્ટોરેજને આપવામાં આવે છે. 

મહત્વની વાત એછેકે   લો અર્થ ઓર્બિટમાં રહેલ સેટેલાઈટ કે સ્પેસક્રાફ્ટ લગભગ 90 મિનિટમાં પૃથ્વીની પ્રદક્ષિણા કરેછે. પૃથ્વીના એક ભૌગોલિક ભાગ ઉપર રાખેલ ઉપકરણને 24 કલાક સીધો પાવર સપ્લાય મળી શકે નહીં.  એટલે  પૃથ્વીના એક ભૌગોલિક ભાગ ઉપર રાખેલ ઉપકરણને 24 કલાક સીધો પાવર સપ્લાય મળી શકે નહીં. આ સમસ્યાના ઉપાય માટે  અમેરિકા ખાસ પ્રકારના સેટેલાઇટની એક આખી  સીરીઝ પૃથ્વીની ભ્રમણકક્ષામાં ગોઠવવા માગે છે.  જેથી કરીને ૨૪ કલાકમાં  એક  ભૌગોલિક ક્ષેત્ર ઉપર કોઈને કોઈ પાવર સપ્લાય કરનાર સેટેલાઈટ ઉપલબ્ધ થઈ શકે.  અમેરિકા  મહાસાગરમાં રહેલ તેના લશ્કરી જહાજને પણ બીમ-પાવર સપ્લાય આપવા માંગે છે.  આ પ્રકારના પાવર સપ્લાયનો ખાસ ઉપયોગ,  ડ્રોન વિમાન માટે  પણ કરવામાં આવશે. 2016માં ડ્રોનને લેસર બીમ વડે પાવર સપ્લાય આપવા માટે એક પેટન્ટ નેવી દ્વારા ડોક્ટર પૉલ જેફ્ફને  આપવામાં આવી હતી.  તેઓ અમેરિકન રિસર્ચ લેબોરેટરીમાં ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર તરીકે સેવા આપે છે.

સ્પેસવૉર : આવતીકાલની તૈયારી આજે જ.

૧૯૮૦ના દાયકામાં અનમેન્ડ એરિયલ વેહિકલ (UAV) એટલે કે ડ્રોનને  લેસર પાવર દ્વારા હવામાં ઊડતું રાખવાના પ્રયોગો થયા હતા. પરંતુ આ પ્રયોગ  ડ્રોન વિમાન એન્જિનની પ્રપલ્ઝન સિસ્ટમ માટે કરવામાં આવ્યા હતા.  જ્યારે બીમ-પાવર સિસ્ટમ અલગ પ્રકારનો કન્સેપ્ટ દર્શાવે છે.2011માં RAND કોર્પોરેશન દ્વારા લેસર બીમ પાવર ટેકનોલોજી વિશે અભ્યાસ શરુ થયો હતો. 2018માં DARPA   દ્વારા લેઝર પાવર એરક્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું.  જેનું નામ “સાયલન્ટ ફાલ્કન” રાખવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટના મુખ્ય વૈજ્ઞાનિક જોસેફ આબેટ છે. તેઓ કહે છે કે આ ટેકનોલોજી ડ્રોન વિમાન માટે ઉપયોગી સાબિત થઇછે. હવે તેનો ઉપયોગ અંતરિક્ષમાંથી પાવર સપ્લાયને ભૂમિ ઉપર રાખેલ ઉપકરણોને પહોંચાડવા માટે કરવામાં આવશે. ચાઇના એકેડમી ઓફ ટેકનોલોજીએ બીમ-પાવર ટેકનોલોજીનું સફળ પરીક્ષણ કર્યાનો દાવો 2019માં કર્યો હતો. તેણે જાહેરાત કરી હતી કે ૨૦૫૦ સુધીમાં તેઓ એક અંતરીક્ષમથકનું નિર્માણ કરશે, જે ચાઈનીઝ ઉપકરણોને બીમ-પાવર સિસ્ટમ દ્વારા પાવર સપ્લાય પહોંચાડશે. જેના જવાબરૂપે અમેરિકાએ પોતાની ટેકનોલોજી વિકસાવવાની જરૂર ઊભી થઈ હતી. 

બીમ-પાવર સિસ્ટમ દ્વારા પાવર સપ્લાય કરવામાં  નડતરરૂપ બનનાર મુખ્ય સમસ્યા એછેકે “લો અર્થ ઓર્બિટમાં રહેલ સેટેલાઈટ ખૂબ જ ઝડપથી પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે તેથી 24 કલાક પાવર સપ્લાય આપવા માટે ઉપગ્રહની એક મોટી હારમાળા ગોઠવવી પડે.”  સાથે સાથે જે ઉપકરણને પાવર સપ્લાય આપવાનો હોય તેની માહિતી લોકેશન વગેરે ટેકનિકલ ડેટા પણ એક સેટેલાઇટથી બીજે સેટેલાઈટ ખૂબ ઝડપથીપસાર થઇ શકે તે માટે ખાસ પ્રકારના સોફ્ટવેર વિકસાવવા પડે.  જો પૃથ્વીને ફરતી પ્રદક્ષિણા કરનાર સેટેલાઈટની એક આખી  સીરીઝ તૈયાર થઈ જાયતો, પૃથ્વીની સપાટી પર આવેલ કોઈપણ  સ્થાનકે  ઇલેક્ટ્રોનિક ઉપકરણને ત્યારબાદ બીમ-પાવર સિસ્ટમ દ્વારા પાવર સપ્લાય પહોંચાડવો ખૂબ જ આસાન થઈ જાય. નિષ્ણાતોના મત મુજબ સ્પેસપ્લેન X-37-Bનો ગુપ્ત પ્લાન અંતરિક્ષમાં બીમ-પાવર સિસ્ટમ દ્વારા ઇલેક્ટ્રિક પાવર સપ્લાય પહોંચાડી શકે તેવા સેટેલાઈટ ગોઠવવાનો લાગે છે.  નિષ્ણાતો માને છે કે હાલના મિશનમાં સ્પેસપ્લેન, ત્રણ ક્યુબસેટ સેટેલાઈટ અંતરિક્ષમાં ગોઠવશે. તેના દ્વારા બીમ-પાવર ટેકનોલોજીની ચકાસણી પણ થશે.


 

1 comment:

Mehul Vadnagara said...

આપ સાહેબ ના લેખ નો હું નિયમિત વાચક છું. આપ દ્વ્રારા પ્રસ્તુત દરેક લેખ વૈવિધ્ય સભર સામગ્રી ધરાવતા હોય છે . તથા સામાન્ય જ્ઞાન થી ભરપૂર હોય છે