Sunday 9 December 2012

‘‘ટાઇટેનિકે’’ વિશ્વને શું આપ્યું ?

‘‘ટાઇટેનિકે’’ વિશ્વને શું આપ્યું ?

 એક ટ્રેજડી, એક દંતકથા, એક ફિલ્મ અને....!  

ફ્‌યુચર સાયન્સ - કે.આર ચૌધરી

10 એપ્રિલ 1912નાં દિવસે ઇંગ્લેન્ડનાં સાઉથેમ્ટન બંદરેથી ‘‘ટાઇટેનિક’’ નામની વિશાળ આગબોટ પોતાની જીંદગીની પ્રથમ સફર ખેડવા નિકળી હતી. તેનો અંતિમ મુકામ હતો. અમેરીકાની ન્યુયોર્ક સીટીની બંદરગાહ. પરંતુ પોતાની સફર પુરી કરે તે પહેલાં જ ૧૪ એપ્રિલની મઘ્યરાત્રીએ આંટલાંન્ટીક મહાસાગરનાં એક તરતાં બરફનાં પહાડ સાથે ટકરાઇ અને બે ભાગમાં તુટી પડી. જાન બચાવવા આગબોટનાં યાત્રીકોથી માંડીને સેવકો સુધીએ મરણીયા પ્રયાસ કર્યા ત્યારે છેવટે ૭૦૫ વ્યક્તિઓ પોતાનો જીવ બચાવવામાં સફળ થયાં. ટાઇટેનિક ડુબી ત્યારે, તેમાં પ્રથમ વર્ગનાં ૩૩૭, બીજા વર્ગનાં ૨૮૫ અને ત્રીજા વર્ગનાં ૭૨૧ અને સ્ટીમ્બરનાં સેવકો (ક્રુમેમ્બર)ની સંખ્યા ૮૮૫ હતી. આજથી એક સદી પહેલાં આ હોનારત સર્જાઈ ત્યારે સમગ્ર દુનિયામાં આ ઘટનાની નોંધ લેવાઈ હતી. શા માટે ટાઇટેનિકની દુર્ઘટના સર્જાઈ ? આ સવાલનો જવાબ મેળવવા માટે અમેરિકા અને બ્રિટન બંને સરકાર દ્વારે ઇન્વેસ્ટીગેશન માટે કમિશન નિમાયા અને તેમણે રીપોર્ટ પણ આપ્યો. ટાઇટેનિકની ટ્રેજેડીથી ઘણા બધા લોકો વાકેફ છે. જે ન’હતો જાણતાં તેને આ કરૂણ અંજામની કહાની જેમ્સ કેમેરોનની ‘ટાઇટેનિક’ ફિલ્મે લોકજીભ સુધી પહોંચાડી દીધી. ટાઇટેનિકને લગતાં સવાલો અનેક છે. ટાઇટેનિક હોનારતે વિશ્વને શું આપ્યું ? એક દંતકથા, એક ટ્રેજેડી, ડોક્યુમેન્ટરી ફિલ્મો, મનોરંજક મુવી કે એક કરતાં વધારે નવલકથાઓ ? જહા રેસીપ્રોકલ એટલે કે ઉલટો જવાબ આપીએ તો, ટાઇટેનિક સંબંધી, ટ્રેજેડી પછી વિશ્વને જે કાંઈ મળ્યું છે. તે સાયન્સ અને ટેકનોલોજીનાં ચમત્કારથી મળ્યું છે. અને.... સીધો જ જવાબ મેળવવો હોય તો, ટાઈટેનિક મરીન આર્કાઓલોજીને એક સદી સુધી ઘાટ ઘડીને નવો અવતાર આપ્યો છે.

૧૫ એપ્રિલ ૧૯૧૨નાં રોજ ટાઇટેનિક સંપુર્ણ ડુબી ચુકી ત્યારે, નોવાસ્કોટીઆનાં હેલિફેક્ષથી ટાઇટેનિક ૩૭૫ માઈલ (૬૯૫ કી.મી.) દર અને સમુદ્ર સપાટીથી ૩.૮૦ કી.મી. (૧૨,૫૦૦ ફુટ) ઉંડાઇએ પહોંચી ચુકી હતી. વિશાળ લોખંડનું બાંધકામ, ડિશો, મશીનરી, માલસામાન, લિનોલીથમ ટાઇલ્સ અને ૧૫૦૦ કરતાં વધારે લોકોએ આંટલાંન્ટીક મહાસાગરમાં જળ સમાધી લઈ લીધી હતી. ટાઇટેનિકને ડુબ્યાને સો વર્ષ થયા અને તેનાં ભંગારની પ્રથમ ભાળ મળ્યાને અત્યારે ૨૭ વર્ષ થઈ ગયાં છે. હવે ટાઇટેનિકનું જળ સમાધીનું સ્થળ યુનેસ્કોનાં વર્લ્ડ હેરીટેજ સાઇટનાં લીસ્ટમાં અને મરીન આર્કીઓલોજીકલ સાઇટ તરીકે વિજ્ઞાનની દુનિયામાં ઉમેરાઈ ચુક્યું છે.

ટાઇટેનિક ડુબી એટલે ઉંડા દરિયામાં રાસાયણિક પ્રક્રીયા શરૂ થઈ ગઈ. દરિયાઈ સુક્ષ્મ જીવોએ લોઢાનો આહાર લેવાનું ચાલુ કર્યું. લાકડાં અને મૃતદેવોનાં કાર્બનિક શરીરોને સુક્ષ્મ જીવો અને એસીડીક કાંપ ધીરે ધીરે ભરખી જવા લાગ્યો. સ્ટીમ્બરનાં બૉ (મોરાનો છેડો) ઉપર લખેલ ‘‘ટાઇટેનિક’’ નામ પણ મહાસાગરે ઓગાળી નાંખ્યું છે. દરવાજાઓ હજી પણ મીજાગરાનાં સહારે ટકી રહ્યાં છે. એક સમયે હવા, પ્રકાશ અને પેસેન્જરોથી ભરપુર કેબીનોમાં અત્યારે દર ચોરસ ઇંચે ૬૦૦૦ પાઉન્ડ (૪૨૨ કી.ગ્રા. પ્રતિ સેન્ટીમીટર વર્ગ)નાં દબાણ હેઠળ પાણી અને કાંપ જમાં થઈ ગયો છે. હવે તેનાં ઉપર જાણે પરગ્રહવાસીઓ જીવી રહ્યાં છે. ઉંડા દરિયામાં વસનાર કીડાઓ, બોસ્ટ ફ્રેબ, ફિનોઇડ્‌સ, અને અન્ય જળચર માટે તે સ્વર્ગવાસી નહીં, સ્વર્ગ બની ચુક્યું છે. ટાઇટેનિકને ડુબ્યાનાં ૭૩ વર્ષ બાદ, ૧ સપ્ટેમ્બર ૧૯૮૫નાં રોજ વૈજ્ઞાનિક ડૉ. રોબર્ટ ડી. બેલાર્ડ અને, વુડ્‌સ હોલ ઓસેનોગ્રાફીક ઇન્સ્ટીટયુટનાં પ્રયત્નોથી દુનિયાને પ્રથમવાર, ટાઇટેનીકનો ભંગાર અને સમુદ્ર તળીયે ડુબ્યાની ચોક્કસ સાઈટ મળી આવી હતી. આ શોધનો શ્રેય ‘‘આર્ગો’’ નામનાં માનવ રહીત રોબોટીક ડિપ સી. વેટીકલને જાય છે.
ટાઇટેનિક ડુબી ત્યારથી જ તેને શોધી કાઢવા અને સપાટી ઉપર લાવવાનાં અનેક પ્રયાસો અને શેખ ચીલ્લી છાપ તુક્કાઓ દોડાવાયા હતાં. ૧૯૫૩માં રિસકોન બિઝલી કંપનીએ ‘‘હેલ્પ’’ નામનાં ‘‘સાલ્વેજ વેસલ’’નો ઉપયોગ કરી ટાઈટેનિકની શોધ આદરી હતી. પરંતુ ૧૯૫૪ બીજીવાર પ્રયત્ન કરવા છતાં તેમને સફળતા મળી ન’હતી. ૧૯૬૦માં મરિવાનાં ફ્રેન્ચમાં ‘‘ટ્રિસ્ટ’’ નામનું બાથીસ્કેફ સબમર્સીબલ પહોંચ્યુ ત્યારે, આવા સબમર્શીબલથી ટાઇટેનિકને શોધી તેને નાઇલોનનાં દોરડા અને બલુન બાંધીને સપાટી ઉપર લાવવાનો કિમીયો રજુ થયો હતો. ગણતરીઓ માંડવામાં આવી ત્યારે ખબર પડી કે પાણીનાં દબાણને હટાવવા બલુનમાં જે હવા ભરવી પડે તેને પેદા કરતાં દસ વર્ષ લાગી જાય. 

આર્થર હિકી નામનાં મહાશયે ટાઇટેનિક જ્યાં ડુબ્યુ છે તે પાણીને બરફમાં ફેરવી, સપાટી ઉપર લાવવાનો તુક્કો બતાવ્યો કારણ કે બરફ પાણી કરતાં હલકો બનતાં, ટાઇટેનીકને સપાટી ઉપર લાવી આપત. ફરીવાર ગણતરી માંડી ત્યારે ખબર પડી કે પાંચ લાખ ટન પ્રવાહી નાઇટ્રોજનને દરિયાનાં પેટાળમાં નાખીએ ત્યારે પાણી બરફમાં ફેરવી શકાય. ૧૯૭૬માં કલાઈવ કસલર નામનાં ખ્યાતનામ થ્રિલર રાઇટરે, ‘‘રેઇઝ ધ ટાઇટેનિક’’ નવલકથામાં નવો આઇડીયા આપ્યો. જે એક સાયન્સ ફિકશન હતું. પ્રેક્ટીકલી પોસીબલ થાય તેવી વાત ન’હતી. ૧૯૭૭માં સી પ્રોબ નામનાં વાહનને સોનાર અને કેમેરા ફિટ કરેલ ડ્રીલીંગ પાઈપ વડે શોધવાનાં પ્રયત્ન થયાં. ૩૦૦૦ ફુટની ઉંડાઇ પહોંચતાં પાઇપ તુટી ગયા અને એક અભિયાન નિષ્ફળ ગયું. ૧૯૭૮માં વોલ્ટ ડીઝનીની કંપની અને નેશનલ જ્યોગ્રાફીક મેગેજીને ટાઇટેનિકને શોધવાનું સંયુક્ત સાહસ ખેડવાનું નક્કી કર્યું. આર્થિક કારણોસર પ્રોજેક્ટ અભરાઇ ઉપર ચડાવી દેવામાં આવ્યો. ‘‘નાઉં’’ નામનાં બજારમાં આવેલ નવાં મેગેજીનનાં અબજોપતિ બ્રિટીશ માલીક સર જેમ્સ ગોલ્ડસ્મીથે, ટાઇટેનિકને શોધી કાઢવાનું બીડું ઝડપ્યું. ‘‘નાઉ’’ મેગેજીન માલીક ટાઇટેનિક શોધવા, સબમર્સીબલને દરિયાનાં પાણી નીચે ડુબાડે તે પહેલાં જ ૮૪ અંક બહાર પાડી માલીક પોતે દેવામાં ડુબી ગયો. ૧૯૮૦માં ફરીવાર ફલોરિડાનાં ઓઈલમેન જેક ગ્રીમ દ્વારા સંશોધક જહાજ ‘‘એચ.જે.ડબલ્યુ ફે’’ દ્વારા અભિયાન છેડવામાં આવ્યું. તેણે આ પહેલાં નોઆર્ટઝ આર્ક, લોચનેસ મોન્સ્ટર (દરિયાઇ પ્રાણી) બીગફુટ નામનાં હીમ માનવ વગેરેને શોધવાનાં પ્રયત્નો કર્યા હતાં. આ પ્રયત્નો ઉપર પણ પાણી ફરી વળ્યું ત્યારે, ડૉ. રોબર્ટ બેલાર્ડ અને બીજી વૈજ્ઞાનિક સંસ્થાઓએ ‘‘ટાઇટેનિક’’ને શોધવાનું ભગીરથ કામ હાથમાં લીઘું. ૧૯૭૭માં ડૉ. બેલાર્ડ નિષ્ફળ ગયા હોવા છતાં હંિમત હાર્યા ન’હતાં.

ડૉ. બેલાર્ડ દરિયાનાં પેટાળમાં ઉતરી શકે તેવું આઘુનિક ટેકનોલોજીવાળુ ‘‘આર્ગો’’ નામનું ડિપ સી વેહીકલ વિકસાવ્યુ અને સોનાર યંત્ર, કેમેરા વગેરેથી સમૃદ્ધ ‘જેશન’ નામનો રોબોટ વિકસાવ્યો જે દરિયાનાં તળીયાને કેમેરાને કેદ કરીને તેનાં ચિત્ર, સપાટી ઉપરનાં જહાજને મોકલવાની ક્ષમતા રાખતો હતો. ડૉ. બેલાર્ડની આખી સીસ્ટમ સાયન્ટીફીક હોવા છતાં, તેનાં માટે જરૂરી આર્થીક ભંડોળ અમેરિકન નૌકાદળે પૂરૂ પાડયું.જેનો મકસદ હતો સીસ્ટમનો મિલીટરી ઉપયોગ કરવો. અમેરિકન નૌકાદળે શરત રાખી કે ટાઇટેનિકને શોધતાં પહેલાં, ડૉ. બેલાર્ડે તેની સીસ્ટમની ચકાસણી અને પરીક્ષા ઉત્તર આંટલાંન્ટીકમાં ડુબેલ અમેરિકન ન્યુકલીયર સબમરીન ‘‘થ્રેસર’’ અને ‘‘ર્સ્કોપીઅન’’ને શોધી આપવી પડશે. જે સપાટીથી ત્રણ કી.મી.ની ઉંડાઇએથી અમેરિકાએ ગુમાવી હતી. બંને સબમરીનને શોધીને ડૉ. રોબર્ટ બેલાર્ડે પોતાની ટેકનોલોજીની સાર્થકતા સાબીત કરી બતાવી હતી. હવે સવાલ એ થાય કે ટાઇટેનિક ડુબ્યાનાં ૭૩ વર્ષ સુધી કેમ કોઈ તેને શોધી ન શક્યું ? જવાબમાં માત્ર અને માત્ર એટલું જ કહેવાનું કે ત્રણ કી.મી. કરતાં વધારે ઉંડાણવાળા દરિયામાં શોધ કરી શકાય તેવી સીસ્ટમ વિકસાવવા જેટલી, ટેકનોલોજી ત્યારે વિકસી ન’હતી. ટાઇટેનિકને શોધવા અમેરિકા, બ્રિટન અને રશિયા સિવાય અન્ય દેશોએ પણ પ્રયત્ન કર્યા હતાં. કેટલીક ખાનગી કંપનીઓને ડુબેલાં ખજાના માટે લાલચ હતી.

અત્યાર સુધી માત્ર કેમેરાની આંખે ટાઇટેનિકનાં દર્શન દુનિયાને થયા હતાં. ૧૯૮૬માં ‘‘એલ્વીન’’ નામનાં સબમર્સીબલ વાહનમાં બેસીને માનવીએ પ્રથમવાર ટાઇટેનિકનાં ભંગારને નિહાળ્યો હતો. ૧૯૮૭માં ‘‘નોટાઇલ’’ નામનું સબમર્સીબલ ટાઇટેનિકની સાઈટ ઉપરથી પસાર થયુ અને કાંપમાંથી ૧૮૦૦ જેટલી ચીજવસ્તુઓ એકઠી કરી લાવ્યું અને વૈજ્ઞાનિકો માટે મરીન આર્કાયોલોજીનો સોનાનો સુરજ ઉગ્યો. હવે ટાઇટેનિકનું જળ સમાધી ક્ષેત્ર વિજ્ઞાન જગત માટે દરિયાઈ પુરાતત્ત્વ વિજ્ઞાનની એક દુર્લભ પ્રયોગશાળા બની ચુક્યું હતું. જેનાં ઉપર વિજ્ઞાન અવનવા પ્રયોગો કરવાનું હતું. ૨૦૧૦માં સોફીસ્ટીકેટેડ કેમેરા, હાઇ રિઝોલ્યુશનનાં સોનાર અને ફાયબર ઓટટીઝનાં સહારે, વૈજ્ઞાનિકોએ દરિયાની સપાટી ઉપર કુલ કલરમાં ૩ઘ મુવી માણી હતી. અન્ડવોટર આર્કાયોલોજીને શરૂ થયે ત્યારે માત્ર અડધી સદી જ થઈ હતી. જેમ જેમ ઉંડા દરિયામાં ડુબકી મારે તેવી સીસ્ટમનો વિકાસ થતો ગયો તેમ તેમ, અન્ડર વોટર આર્કિયોલોજી પણ વિસ્તરતી રહી છે. જેમાં જેક્સ વુવ્સ કોન્સ્ટીટયુ, ફેડરીક ડુમાસ, પિટર થ્રોકમોર્ટન, હોનર ફ્રોસ્ટ, અને જ્યોર્જ બાસ જેવાં પાયોનિયર મહારથીઓનો સમાવેશ થાય છે. આ મહારથીઓનાં યોગદાનથી જ્યોર્જ બાસ જેવાં આર્કિયોલોજીસ્ટ, તામ્રયુગમાં ડુબેલ વહાણને ટર્કીનાં કેપ ગેલિડોના ખાતે અન્ડર વોટર ખોદકામ કરીને, વહાણનાં ભંગારનાં નમુના એકઠા કર્યા હતાં. ત્યારથી માંડીને ડુબેલાં વહાણ, જહાજોનાં ભંગારથી માંડીને સાગરમાં ગરકાવ થઈ ગયેલ ‘‘સીટી’’ સુઘ્ધાં શોધી કાઢવામાં આવ્યાં છે.

વિધીની વ્રકતા કે કમનસીબી જે કાંઇ કહો તે એ છે કે, ટાઇટેનીક ડુબ્યા બાદ, વિશ્વની પ્રથમ અન્ડર વોટર સોનાર સીસ્ટમને વિકસાવવામાં આવી જેથી પાણીમાં તરતાં બરફનાં પહાડ (આઇસબર્સ)ને દુર રાખીને સફર ખેડી શકાય. સોનારમાં અવાજનાં તરંગોનો ઉપયોગ થાય છે. ૧૯૮૫માં ટાઇટેનિકને શોધી કાઢવામાં આવી ત્યારે, જળસપાટીનાં સ્થળનાં ફોટોગ્રાફ લેવાની, સર્વેક્ષણ કરવાની ડિટેઇલમાં નકશાઓ તૈયાર કરવાની વાત કરવી એ ‘‘સાયન્સ ફિકશન’’ જેવી કલ્પના હતી. જે આજે સાકાર થઇ ચુકી છે.

આજે ગ્લોબલ પોઝીશનીંગ સીસ્ટમ, સોનાર ડેટા, સેટેલાઇટ ઇમેજરી વગેરેનું સંકલન કરીને અત્યાઘુનિક નકશા બનાવી શકાય છે. દરિયાનાં તળીયાની ભુગોળને ઓળખવાની આ આઘુનિક પદ્ધતિ છે.
૧૯૮૫માં ટાઇટેનિકનો ભંગાર શોધાયા બાદ, અમેરિકન ફોગ્રેસે ટાઇટેનીક મેમોરીઅલ એક્ટ નામનો કાયદો પસાર કર્યો. જેનાં માટેની દરખાસ્ત ડૉ. રોબર્ટ બેલાર્ડ જેવાં સમુદ્રી વૈજ્ઞાનિકે કરી હતી. આમ તો ટાઇટેનિક આંતરરાષ્ટ્રીય જળ સીમામાં હોવાથી તેનાં ઉપર કોઈ માલીકી હક્ક જાહેર કરી શકે તેમ ન’હતું. આ તકનો લાભ લઈને અમેરિકન કંપની ટાઇટેનિક વેન્ચર લીમીટેડ દ્વારા સબમર્સીબલનો ઉપયોગ કરી, ૧૯૮૭થી ૨૦૦૪ સુધીમાં ૫૦૦૦ જેટલી ચીજવસ્તુઓ અથવા તુટેલાં ભંગારનાં અવશેષો કાઢીને તેને પ્રદર્શનમાં મુકીને કંપનીએ રોકડા રળી લીધા હતાં. જેનો પુષ્કળ વિરોધ થયા બાદ, અમેરિકન કોર્ટમાં કંપની ઉપર કેસ ચાલ્યો એ કહાની અહીં અસ્થાને ગણાય.

પુરાતત્ત્વનિષ્ણાંતો માટે આ બધા જ નમુનાઓ-આર્ટીફેક્ટ એ મહત્વનાં દસ્તાવેજ હતાં. તેને યોગ્ય ફિલ્માકન કર્યા વિના, કેટલોગ બનાવ્યા વિના કે સંશોધન કર્યા વિના ઉઠાવવા એ વૈજ્ઞાનિક અપરાધ ગણાય. બે દાયકા સુધી ચાલેલ કાનુની જંગ બાદ, કોર્ટ કંપનીએ એકત્રીત કરેલ ૫૦૦૦ નમુનાઓનાં વેચાણ ઉપર પ્રતિબંધ મુકી દીધો છે. સંગ્રહને વેરવિખેર કર્યા સિવાય, જાહેર જનતાનાં અવલોકન અને અભ્યાસ માટે આ ખજાનો ખુલ્લો મુકવાની પણ કોર્ટે કાનુની મંજુરી આપી છે.
૧૯૯૬માં આરએમએસ ટાઇટેનિક ઇન્ક. નામની ખાનગી કંપનીએ ટાઇટેનિકનાં ભંગારનો સોનાર સર્વે કર્યો હતો. જહાજનાં હલ (વહાણનું કાઠું)ને બરફનો પહાડ ટકરાવાથી જે નુકશાન થયું હતું. તેનો અંદાજ પણ મેળવ્યો હતો. ટાઇટેનિકનાં બહારનાં આવરણો વિશે સંશોધન, જેમ્સ ડેલગાડોએ, બાયોલોજીકલ ફોરોઝન (જૈવિક ખવાણ)નો અભ્યાસ માઈક્રોબાયોલોજીસ્ટ રોય કલીમોરે કર્યો છે. નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરીક એડમિની સ્ટ્રેશન (ર્શંછછ) દ્વારા જહાજનાં બો (મોરાં) અને સ્ટર્ન (પાછલો ભાગ) ઉપરાંત સમગ્ર ઘટના સ્થળનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. ફિલ્મ ડાયરેક્ટસ જેમ્સ કેમેરોને ટાઇટેનિકનાં આંતરીક ભાગોનું ફિલ્માંકન કર્યું છે. સ્ટીમ્બર ડુબી ત્યારે અંદર શું બન્યું હશે તેનો ચિતાર આ ફિલ્માકનનાં અભ્યાસમાંથી મળે છે. ‘‘ટાઈટેનિક’’નાં મળી આવ્યા બાદ તેને લગતો પુષ્કળ ડેટા ભેગો થયો છે. છતાં ટાઇટેનિકનો ભંગાર જ્યાં સુધી વેચ્યો છે તે ક્ષેત્ર આઠ બાય પાંચ કીલોમીટર (૪૦ ચો.કી.મી.) જેટલું વિશાળ છે. વર્લ્ડ હેરીટેજ તરીકે ટાઇટેનિક ક્ષેત્રનો સમાવેશ થયા બાદ, આ વિસ્તારમાં કોઈપણ જહાજ કોઈપણ પ્રકારનો કચરો નાખી શકતું નથી. આ સ્થળની મુલાકાત માટે પ્રવેશ ક્ષેત્ર અને નિર્ગમન ક્ષેત્ર નક્કી કરેલ છે. ત્યાંથી જ સબમર્સીબલ અથવા અન્ય સીસ્ટમ પ્રવેશી અથવા બહાર નીકળે છે. 

બહાર નીકળતી વખતે યાત્રીક દબાણનાં કારણે કોઈ નુકશાન ન થાય તે જોવાનો મુખ્ય હેતુ વૈજ્ઞાનિકોનો છે. આર્કીયોલોજીકલ કામ કરવા પાછળ વૈજ્ઞાનિકોની અથવા મહેનત રહેલી છે. ૨૦૧૦પછી લેટેસ્ટ રોબોટ ટેકનોલોજી વાળા ઓટોનોમસ અન્ડર વોટર વેહીકલ (છેંફજી) અને સ્મોિટલી ઓપરેટેડ વેહીકલ (ર્ઇપજ) નું ખાસ નિર્માણ કરવામાં આવ્યું છે. જે સતત ૨૦,૦૦૦ ફુટની ઉંડાઇએ જઇને ૨૨ કલાક સુધી કાર્યરત રહી શકે છે. જેમાં આઘુનિક વૈજ્ઞાનિક ઉપકરણો લાગેલાં છે. ર્ઇંફ રેમોરા અને વુડઝ હોલ ઓસોનિક ઇન્સ્ટીટયુટની તરતી પ્રયોગશાળા ‘‘ઇમેજીંગ એન્ડ વિઝયુલાઇઝેશન લેબોરેટરી (છૈંફન્) નું યોગદાન અતિ મહત્ત્વનું છે. રેમોરાને ઓપરેટ કરવાનું કામ ટીમવેલર અને બ્રેડલી ગીલીસે કર્યું છે. ૩ઘ કેમેરાથી ટાઇટેનિકનાં જળ સમાધી ક્ષેત્રની રજેરજ માહિતી એકઠી કરવામાં આવી છે. વિલીયમ લેંગ અને ૩ઘ સ્પેશ્યાલીસ્ટ ઇવાન કોવાકસ સોનાર, ઓપ્ટીકલ અને ય્ૈંજી ડેટાને ભેળવીને સંપુર્ણ સાઇટ મેપ તૈયાર કરશે. દરિયાનાં તળીયામાં ધરબાયેલ ભંગારનો દરેક ટુકડો, ૧૫ એપ્રીલ ૧૯૧૨ની ઘટનાને ઉકેલવાની મહત્ત્વની ચાવી છે. પહેલાં જે ભંગારક્ષેત્ર (ડેબ્રીસ ફિલ્ડા ગણાતું હતું તેને આર્કીયોલોજીસ્ટે ‘આર્ટીફેક્ટ ફિલ્ડ’ નામ આપ્યું છે. જેમાં ૬૦ જેટલી મુખ્ય લાક્ષણિક જગ્યાઓ છે. હજારોની સંખ્યામાં આર્ટીફેક્ટ-નમુનાઓ છે. જેનો સંપુર્ણ નકશો તૈયાર થઈ જશે. વૈજ્ઞાનિકો ટાઇટેનિકનાં વિશ્વ પ્રસિદ્ધ નિષ્ણાંત બિલ સોડરની મદદ લઈને દરેક ભંગાર, ચીજવસ્તુઓ, જહાજનાં અવશેષો વગેરેનો સંબંધ અને ઓળખ પ્રસ્થાપિત કરવા માંગે છે. આ બધી માહિતી ઉપરથી વૈજ્ઞાનિકો ટાઇટેનિક કઈ રીતે ડુબી, તેનો કયો ભાગ કયાં અને કેવી રીતે જઈને પડ્યો તેનો ચિતાર આપશે.’’

વૈજ્ઞાનિકો સંશોધન ઉપરથી નક્કી કરી શક્યાં છે કે ‘‘જહાજનો બો સેકશન (મોરાનો ભાગ, ૧૪૦ મીટર લાંબો છે તે ૪૫૦નાં ખુણે સમુદ્રમાં ગરકાવ થયો હતો. સાગરનાં તળીયા સાથે તે ૩૭ કી.મી. પ્રતિ કલાકની ઝડપે ટકરાયો હતો. જેનાં કારણે તે કાંપમાં ૬૦ ફુટ ઉંડે સુધી ખુપી ગયો હતો. જહાજનો સ્ટર્ન સેકશન ૧૧૦ મીટર લાંબો હતો તે, ડુબતી વખતે હેલીકોપ્ટરની બ્લેડ માફક ગોળ ગોળ ફરતો ડુબ્યો હતો. જ્યારે ૨૫૨ (સુકાન) ૪૦-૫૦૦ નાં ખુણે ફેંકાઈને ડુબ્યો હતો. ભંગાર તળીયે પહોંચે તે પહેલાં વિશાળ હબ સેકશન (વહાણનો પાછલો ભાગ) દરિયાનાં તળીયે પહોંચ્યો હતો. ટાઇટેનિકની જળ સમાધી પહેલાં એવું અનુમાન કરવામાં આવતું હતું, ટાઇટેનીક એક જ ટુકડામાં ડુબી જશે અને ૧૨,૦૦૦ ફુટ ઉંડા તળીયે તે સલામત હશે. આજે આખુ ચિત્ર બદલાઇ ગયું છે. ભંગારની આસપાસનું પાણી ૧ થી ૨૦ સેલ્સીયસ છે છતાં બરફમાં ફેરવાતું નથી. પ્રકાશની ગેરહાજરી અને ઉચ્ચ દબાણ હોવા છતાં ૧૯૯૧માં ૈંસ્છઠ રેકોર્ડીંગમાં ૨૮ જેટલાં અલગ અલગ જાતનાં જળચર પ્રાણી જોવા મળ્યાં છે. જેમાં કરચલા, શ્રીમ્પ, સ્ટારફીશ, રેટેઈલ ફીશ, (૧ મીટર લાંબી) દરિયાઈ કાંકડી વગેરેનો સમાવેશ થાય છે. જેમ્સ કેમેરોનનાં અભિયાન દરમ્યાન દરીયાઈ કાકડીની પહેલાં ન ઓળખાયેલ નવી જાત મળી આવી છે. નવાં શોધાયેલા બેક્ટેરીયાને ‘હાલોમોનાસ ટાઈટેનિક’ નામ આપવામાં આવ્યું છે. અહીં વસનાર વિવિધ બેક્ટેરીયા દરરોજનાં ૧૮૦ કિ.ગ્રા.નાં દરે લોખંડ આરોગી રહ્યાં છે. લોખંડ ઉપર કાટ લાગે તેવો બેક્ટેરીયાએ પેદા કરેલ ૬૫૦ ટન કાટ અહીં ભેગો થયો છે. ૧૯૮૫ નાં અભિયાન કરતાં, ૧૯૯૬ માં અહીં ૭૫ ટકા વધારે દરિયાઇ જીવો એકઠા થઈ ચુક્યાં છે. ટાઇટેનિક જેવી જ હાલત ઉત્તર આંટલાંન્ટીકમાં આજ સમયગાળામાં ડુબેલ જર્મન યુદ્ધ જહાજ ‘‘બિસ્માર્ક’’નાં છે જે સપાટીથી ૪.૮૦ કી.મી.ની ઉંડાઇએ છે. (ટાઇટેનીક કરતાં વધારે નીચે ડુબેલ છે.) બિસ્માર્કને ‘આર્યનમેન’ લોખંડી પુરૂષ ગણવામાં આવતાં હતાં. ટાઇટેનિક અને બિસ્માર્ક બંને પોલાદી હોવા છતાં દરિયાનાં તળીયે ખવાઈ રહ્યાં છે. ઈતિહાસને એક આંખે ન જોઈ શકાય. વિજ્ઞાનની બીજી આંખ પણ જરૂરી છે.

 

1 comment:

Parijat said...

આ લેખ બહુ સુંદર છે પણ અક્ષરો ખૂબ ઝીણા છે તેને મોટા કરવામાં આવે તો વાંચવામાં સુગમતા રહે. ઉપરાંત પાછળનું બેકકવર પણ ખૂબ બ્રાઇટ છે.