Sunday 9 December 2012

એલન તુરીંગે આત્મહત્યા નહોતી કરી ?

ફ્‌યુચર સાયન્સ - કે.આર ચૌધરી.

- એલન તુરીંગે એક જીંદગીમાં બેવડી જીંદગી જીવ્યા હોય તેટલું કામ કર્યું છે. તેનાં ''એનિગ્મા'' મશીનથી કોડ બ્રેક કરી, નાઝી જર્મનીને હરાવ્યું છે. આજનાં આઇપેડ, ફેસબુક અને મોબાઇલ ફોન તેનાં આઇડિયા ઉપર ઊભાં છે.

 
બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન તે વિન્સન  ચર્યીલ, આઈઝનહોવર સાથે ખભેખભા મિલાવીને ઉભોતો ફોટોગ્રાફમાં દેખાતો હતો. તેણે જર્મનોનાં સાંકેતિક કોડને પળવારમાં ઉકેલી નાંખ્યાં હતાં. ગુપ્ત માહિતી બ્રીટીશ ગુપ્તચર ખાતાને પહોંચતાં જ તેમને જર્મન યુ. બોટની હિલચાલનો આગોતરી જાણ થઈ ગઈ હતી. બ્રિટીશ નૌકાદળે બેરલ ઓફ આંટલાંન્ટીકમાં જર્મન યુ-બોટોને હરાવી યુદ્ધનું પાસું પલટી નાંખ્યું હતું. પોતાના પાવરફુલ ગણીત વડે તે હંમેશા હિટલરનાં ગુપ્ત સંદેશાઓ કોડ કરનારાં કરતાં એક ડગલું આગળ ન રહ્યો હતો. દુનિયા તેને ફાધર ઓફ કોમ્પ્યુટર સાયન્સ અને આર્ટીકીશીઅલ ઈન્ટેલીજન્સની જનેતા ગણે છે. તેના ટુંકા ગાળાની ચડતી-પડતી વાળી જીંદગીએ અનેક લેખકોને કલ્પનાકથા લખવાનો મોકો આપ્યો છે. કોમ્પ્યુટર સાયન્સનો ''અલ્ગેરિધમ'' કોન્સેપ્ટ તેનાં ભેજાની ઉપજ છે. તેની માતાએ તેનો ગર્ભ ધારણ કર્યો ત્યારે તે ભારતમાં હતી. તેનાં પિતા ભારતીય સીવીલ સર્વિસનાં પગારદાર હતા. તેનાં સજાતિય સંબંધોનાં કારણે તેણે કેસનો સામનો કરવો પડયો હતો. સજારૃપે તેને સ્ત્રીઓનાં હોર્મોન્સનાં ઈન્જેકશન આપીને, તેની જાતિય વૃત્તિઓને કાબુમાં લેવામાં આવી હતી. વિજ્ઞાાનની પરિભાષામાં તેનું 'કેમિકલ કાસ્ટ્રેશન' કરવામાં આવ્યું હતું. ફેસબુક, એકસેલ સ્પેડ શીટ પર કી-બોર્ડની ટપટપ કરનારાંને ખબર નથી. તેમનાં કી બોર્ડને જીવંત રાખવા માટે તેણે પાયામાં પોતાનું મશીન દફનાવ્યું હતું. તેને ખાઈને અધુરા છોડેલ સફરજન ઉપરથી સ્ટીવ જોન્સને 'એપલ'નો લોગો સુજ્યો હોવાનું માનવામાં આવે છે. તેનાં કામનાં કારણે ઈતિહાસકારો માને છે કે બીજુ વિશ્વયુદ્ધ બે વર્ષ વહેલાં સમાપ્ત થઈ ગયું હતું. બીબીસી અને ચેનલ ફોર હવે તેનાં વિશે ડોક્યુમેન્ટરી ફિલ્મો દર્શાવી રહ્યું છે. ૪૧ વર્ષની યુવાન વયે તેણે આત્મહત્યા કરી હતી. ગઈકાલે તેનો જન્મ દિવસ (૨૩ જુન) ગયો છે. હવે રહી રહીને તેનાં પ્રથમ જન્મ દિવસનાં સો વર્ષ બાદ વિશ્વને ખબર પડે છે તે યુનિવર્સલ જીનીયસ હતો. બ્રિટનનાં વડાપ્રધાનને એને કરેલ સજા માટે જાહેરમાં માફી માગવામાં હવે નાનમ અનુભવવી પડતી નથી. રાતોરાત તે બ્રિટિશ મીડીયાનો 'હોટ' ટોપીક બની ગયો છે. દસ્તાવેજી પુરાવાઓ અને સંશોધનો કહે છે કે તેણે 'આત્મહત્યા' કરી ન હતી. તેનું મોત એક અકસ્માત હતો. વૈજ્ઞાાનિકોને હવે લાગે છે કે તેની ગણના ટોપ મોસ્ટ સાયન્ટીસ્ટ આલ્બર્ટ આઈનસ્ટાઈન ચાલ્સ ડાર્વિન અને આઈઝેક ન્યુટન સાથે કરવી જોઈએ. એક સદી બાદ આજે ઈલેક્ટ્રીક્સ વર્લ્ડમાં જે ઈવોલ્યુશન-રિવોલ્યુશન જોવા મળે છે તેનો શ્રેય સંપુર્ણ પણે તેને આપવો જોઈએ કારણકે કોમ્પ્યુટરને તેણે વિચારતા કર્યા હતાં. દુનિયા આજે તેની ગણતરી એક તરંગી કે શેખચેલ્લી સાયન્ટીસ્ટ તરીકે નહીં પરંતુ જેન્ટલમેન્ટ જીનીયસ તરીકે કરે છે. આજે તે મહાન બ્રિટિશ ગણીતશાસ્ત્રી, તર્કશાસ્ત્રી, સાંકેતિક કોડ બ્રેકર અને કોમ્પ્યુટર સાયન્ટીસ્ટ તરીકે ઓળખાય છે. લાંબી પ્રસ્તાવનાની પણ કદાચ જરૃર નથી. આ જીનીયસનું ઈતિહાસનાં પાનાઓ ઉપર નોંધાયેલ નામ છેઃ એલન મેથીસન તુરીંગ.
પોતાનાં જીવનકાળ દરમ્યાન તે દંતકથા જેવું રહસ્યમય જીવન જીવી ગયા છે. તેનાં મૃત્યુ પાછળ પણ 'આત્મહત્યા' નામનું ઘેરું રહસ્ય છુપાયું છે. તેણે કોમ્પ્યુટર જગતને સેમી-ઈલેક્ટ્રોનીક્સ કમ મિકેનિકલ ''તુરીંગ મશીન'' આપ્યું છે. આધુનિક કોમ્પ્યુટરની ઉત્ક્રાંન્તિ તુરીંગ મશીનનાં અવશેષોમાંથી થઈ હોવાનું વિશ્વ આખું સ્વીકારે છે. એટલે જ તેનાં ઋણ સ્વીકાર તરીકે તેનાં નામની પ્લેટને ખુલ્લી મુકતાં, ચેસની દુનિયાનાં બેતાજ બાદશાહ ગેરી કાસ્પારોવને ધન્ય ધન્ય થઈ ગયાની લાગણી થાય છે. ઈન્ટરનેટને લોકો વચ્ચે સેતુ બને તેવાં સંશોધનો કરનાર અને નેટવર્કનાં માસ્ટર માઈન્ડ વિન્ટોન સર્ફને 'તુરીંગ' વિશે બોલતાં, પોતાની પ્રતિષ્ઠા વધી હોવાનો અહેસાસ થાય છે. બીજા વિશ્વયુદ્ધનાં ગાળામાં ઉકળતા ચરૃ જેવી રાજકીય પરિસ્થિતિને બ્રિટનની તરફેણમાં ઝુકાવવા માટે તેણે દિવસ રાત પરસેવો પાડયો હતો. બ્રિટનનાં મહારાણી અને રાજવી કુટુંબ વિશ્વયુદ્ધનાં આ પડદા પાછળનાં હિરોને સન્માનની નજરે જુએ છે. તેની કબર બીજા વિશ્વયુદ્ધનાં નામી લડવૈયાઓની કબર વચ્ચે આવેલી છે.
જુલીયસ મેથીસ્ટન તુરીંગ (એલનનાં પિતા) ઈન્ડીયન સીવીલ સર્વીસનાં સભ્ય હતાં. તેની માતા મદ્રાસ રેલ્વેનાં ચીફ એન્જીયર વોલ્ટર સ્ટોનીની દીકરી હતી. જ્યારે એલન તુરીંગનો ગર્ભ એથેલ સારાનાં પેટમાં રહ્યો. તેમનું કુટુંબ ઓરીસ્સાનાં છત્રપુરમાં હતું. એટલે એમ કહી શકાય કે એલન તુરીંગને ગર્ભ સંસ્કાર ભારતમાં મળ્યા હતાં. એથેલ સારાં તેના પિતાની ઈચ્છા મુજબ લંડન પાછી ફરી જવા ૨૩ જુન ૧૯૧૨નાં રોજ એલન તુરીંગનો જન્મ થયો હતો. શરૃઆતથી જ તેને ગણીતનું ભૂત માથે સવાર કરી દીધું હતું. સાયન્સ માટે તેને જરાં પણ સન્માન ન હતું. જે વિચારો વર્તો જતાં બદલાવાનાં હતાં. માત્ર પંદર વર્ષની ઉંમરે, ન્યુટનને શોધેલ કેલ્યુલસનો અભ્યાસ કર્યા વગર તે ગણીતનાં મોટા ચોપડા ઉકેલી નાખતો હતો. ૧૬ વર્ષની ઉંમરે તેણે આઈનસ્ટાઈનનાં સંશોધનોને માત્ર વાંચ્યા ન'હતાં વાગોળીને હજમ કર્યા હતાં. સંશોધનમાં આઈનસ્ટાઈને ''ન્યુટનની ગતીનાં નિયમો'' સામે જે સવાલો ઉઠાવ્યા હતાં. તેની પુરેપુરી સમજ તેને હતી. જે સમયે સાયન્સીટોને આઈનસ્ટઈનનાં સંશોધનને પચાવવું અઘરૃં લાગતું હતું. ત્યાં, એલન તુરીંગને સવાલો પાછળનું ગણીત સ્પષ્ટ સમજાતું હતું. કદાચ અહીંથી જ તેને ગુપ્ત સંદેશા અને કોડ ઉકેલવાની ગુરૃચાવી મળી હતી.
આલ્બર્ટ આીનસ્ટાઈન જ્યાં લેકચર આપતાં હતાં, ત્યાં પ્રિન્સ્ટન-ન્યુજર્સીમાં તેમણે ગણીતનો આગળનો અભ્યાસ કર્યો અને માત્ર ગણીતમાં ડુબેલા ન'રહેતા સાંકેતિક ભાષાને લગતાં ક્રિપ્ટોલોજીનો પણ સંપુર્ણ અભ્યાસ કર્યો હતો. પ્રિન્સ્ટનમાંથી જ તેમણે પી.એચ.ડી.ની ડીગ્રી મેળવી હતી. તેની કારકિર્દીનો ગોલ્ડન પીરીયડ ગવર્મેન્ટ કોડ એન્ડ સીફર સ્કુલ (GCCS) માં વિત્યો. જ્યાં તેણે બ્રિટીશ નૌકાદળ માટે હિટલરનાં નાઝી અમલદારો વડે થતાં સાંકેતિક ભાષાનાં સંદેશા વ્યવહારોને ઉકેલવાનું કામ કર્યું હતું. અહીં તેણે સહકાર્યકર જોઆન કલાર્ક સાથે લગ્ન પ્રસ્તાવ મુક્યો. પરંતુ સગાઈ લાંબી ટકવાની ન હતી. કારણ કે, સગાઈાં થોડા દિવસોમાં તેણે પોતાનાં સજાતિય સંબંધોથી જોઆનને વાકેફ કરી હતી. ૧૯૪૫-૪૭ વચ્ચે નેશનલ ફીજીકલ લેબોરેટરી તેણે ઓટોમેટીક કોમ્પ્યુટીંગ મશીન 'Ace ' ની ડિઝાઈન તૈયાર કરી હતી. ૧૯ ફેબુ્રઆરી ૧૯૪૬માં તેમણે જે સંશોધન પેપર રજુ કર્યું તેમાં વિશ્વનો પ્રથમ સ્ટોર પ્રોગ્રામ કોમ્પ્યુટરની ડિઝાઈન હતી. આ પહેલાં વોનન્યુમેન્ટનું પેપર રજુ થઈ હતું પરંતુ તે સંપૂર્ણ ન હતું. યુદ્ધકાળમાં એલનનું વર્ક દબાઈ ગયું. તેની ગેરહાજરીમાં ''પાયલોટ એસ'' તૈયાર થયું હતું. જેનાં પાયામાં એલન તુરીંગની ACE ડિઝાઈન હતી. ત્યારબાદ ઈલેક્ટ્રીક DEUCE અને અમેરિકનોનું Bendix G-૧૫ તૈયાર થયું હતું. ૧૯૪૯માં તે કોમ્પ્યુટરીંગ લેબોરેટરીનાં ડેપ્યુટી ડાયરેક્ટર નિમાયાં. જ્યાં વિશ્વનાં શરૃઆતનાં કોમ્પ્યુટર માર્ક- ૈં માટે સોફટવેર તૈયાર કરવા માટે કામ કર્યું હતું. ૧૯૫૨થી તેમનાં મૃત્યુ સુધી તેમણે મેથેમેટીકલ બાયોલોજી ક્ષેત્રે કામ કર્યું હતું.૧૯૫૨માં ''ધ કેમિકલ બેરજીસ ઓફ મોરફોજીનેસીસ'' નામનું પેપર પણ પ્રકાશીત કર્યું હતું.
૮ જુન ૧૯૫૪નાં રોજ ઘરનાં સફાઈ કામદારને એલન તુરીંગ પથારીમાં મૃત હાલતમાં જોવા મળ્યા હતા. પથારીની પાસે અડધું ખાધેલું સફરજન હતું. પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં મૃત્યુનું કારણ સાઈનાઈડ ઝેર બતાવવામાં આવ્યું હતું. જોકે સફરજનમાં ઝેર છે કે નહીં તેની લેબોરેટરી તપાસ થઈ ન હતી. એલન તુરીંગનાં ઘરમાં જ પ્રયોગશાળા હતી. જેમાં જાત જાતનાં રસાયણો ભરેલાં રહેતાં હતાં. તુરીંગનું મોત એક રહસ્ય છે. મીડીયાએ તેનાં મોતને આત્મહત્યામાં ખપાવ્યું હતું. ''ધ ગાર્ડીઅન''માં એલનનાં મિત્ર એલન ગાર્ડનટે નોંધ્યું છે કે ''તુરીંગને પરીકથા આધારીત ફિલ્મ સ્નો વ્હાઈટ વધારે ગમતી હતી.'' જેમાં માથાફરેલ મહારાણી સફરજનને ઝેરી પ્રવાહીમાં બોળીને ખાતી હતી. એલન તુરીંગનો અંદાજ પણ મહારાણી જેવો હતો? તેણે સફરજનને સાઈનાઈડમાં બોળીને ખાધું હતું? આ સવાલો પાછળનું પ્રશ્નાર્થ ચિન્હ હજી હટયું નથી. પરંતુ...
૨૩ જુન ૨૦૧૨નાં રોજ તુરીંગ નિષ્ણાંત ગણાતાં પ્રો. જેક કોપલેન્ડે ૧૯૫૪માં લીધેલાં પુરાવાઓ વિશે શંકાઓ કરી હતી. ઓક્સફોર્ડમાં ભરાએલ કોન્ફરન્સમાં એલન તુરીંગનો આત્મહત્યાને લીધે ઘણાં સવાલો ઉઠયા હતા. પ્રો. જેક કોપલેન્ડ કહે છે કે એલન તુરીંગનાં મૃત્યુને આત્મહત્યામાં ખપાવે એવાં પુરતાં પુરાવાઓ નથી જેનાં ઉપરથી એલનનાં મૃત્યુને ''આત્મહત્યા'' ગણી શકાય. તેઓ માને છે કે આ એક માત્ર અકસ્માત હતો. ફેરીટેલ. સ્નો વ્હાઈટ અને સેવન ડ્વાર્ફનાં રસિયા એલન તુરીંગે, તેનાં સજાતીય સંબંધોનાં કારણે જે કાંઈ ભોગવવું પડયું હતું તેનાથી છુટકારો મેળવવા આત્મહત્યા કરી હતી. એ વાતમાં બહુ વજુદ નથી. પ્રો. કોપલેન્ડ કહે છે કે, તુરીંગને ઉઘતા પહેલાં સફરજન ખાવાની આદત હતી. ઘણીવાર તેઓ અધુરા ખાધેલ સફરજન બાજુમાં મુકીને સુઈ જતાં હતાં. પોલીસે સફરજનમાં સાઈનાઈડ હતું કે નહીં તેનો ટેસ્ટ પણ કર્યો ન હતો.
આ ઉપરાંત તેમનાં છેલ્લા દિવસોની ગતિવિધિઓ બતાવે છે કે તેઓ ખુશમિજાજ મુડમાં રહેતાં હતાં. નર્વસ બ્રેક ડાઉન કે ટેન્શનનું નામોનિશાન તેમનાં ચહેરા ઉપર દેખાતું ન'હતું. વિક-એન્ડ અને બેંક હોલીડે ખતમ કરીને કામ કરવાનું લિસ્ટ પણ તેમણે આગલા શુક્રવારે ડેસ્કટોપ ઉપર 'નોટ' રૃપે ચોંડાટેલું હતું. તુરીંગ આર્કાઇવ્ઝ ઓફ હિસ્ટરી ઓફ કોમ્પ્યુટીંગનાં ડિરેકટર જેક કોપલેન્ડે બીબીસીની ડોક્યુમેન્ટરી ફિલ્મમાં કેટલીક સંભાવનાઓ બતાવી છે.
જેક માને છે કે ''એલન તુરીંગે સોનુ ઓગાળવા માટે એક અલગ રૃમ બનાવ્યો હતો. અહીં તે પોટશિયમ સાઇનાઇડનાં પ્રવાહીમાં સોનાને ઓગાળવા મૂકતાં હતાં. શક્ય છે કે સાઇનાઇડનો ધુમાડો અકસ્માતે એલન તુરીંગનાં શ્વાસોશ્વાસમાં જતાં તેમનું મૃત્યુ થયું હોય. મહત્વની વાત એ છે કે પોસ્ટમોર્ટમ માટે થયેલ શબ પરીક્ષણનાં પરીક્ષણો પણ શ્વાસોચ્છવાસમાં ગયેલ સાઇનાઇડનાં પ્રમાણ સાથે વધારે બંધ બેસે છે. જ્યારે તેમણે મુખ વાટે સાઇનાઇડ લીધું હોય તો, આ પરીમામ તેની સાથે બંધ બેસતાં નથી. મૃત્યુ પહેલાંના એકાદ વર્ષમાં જ એલન તુરીંગે તેનાં પર થયેલ કાયદેસરની કાર્યવાહી અને હોર્મોન ટ્રીટમેન્ટને હળવા મુડથી લીધી હતી. તેણે આ ઘટના વિશે અન્ય કે મિત્રો કે પછી કુટુંબીજનો સાથે પણ તેને થયેલ અપમાન બોધ કે નાલેશીથી વ્યથીત હોવાની વાત કરી ન હતી. અચાનક માનવી આત્મહત્યા સુધી પહોંચી જાય તેમ જેક કોપલેન્ડ માનતા નથી. ખેર... હકીકત જે પણ બની હોય. ટુંકી જીંદગી જીવી જનારા એલન તુરીંગે લાંબા સમય સુધી લોકો યાદ રાખે ેતેવી રચનાઓ અને સંશોધનો મૂકી ગયા છે.
આર્થર સી ક્લાર્કે તેમનાં ફેમસ પુસ્તક ''૨૦૦૧''માં ''તુરીંગ ટેસ્ટ''ની ફિલોસોફી સમજાવી છે. આજે તેનાથી ઉલટું સામે પક્ષે ઈન્ટરનેટ ઉપર જીવીત વ્યક્તિ છે કે કોડેડ પ્રોગ્રામ છે જાણવા માટે ''CAPTECH'' તરીકે ખાસ કેપીટલ- સ્મોલ લેટર્સને ઈનપુટ કરવા પડે છે. રોયલ સોસાયટીએ એલન તુરીંગની બાયોગ્રાફી પણ પ્રકાશિત કરી છે. ટાઇમ મેગેઝીને ૨૦૦મી સદીના ૧૦૦ જીનીયસ વ્યક્તિઓની યાદીમાં એલન તુરીંગને સામેલ કરેલ છે. એક સમય એવો પણ હતો કે એલન તુરીંગ બ્રિટન તરફથી ઓલિમ્પિક રમતોમાં મેરેથોન દોડમાં ભાગ લેવાનાં હતાં. પરંતુ માંદગીનાં કારણે તેઓ આ સોનેરી અવસર ચુકી ગયા હતાં. તેમણે બનાવેલાં મશીનો ઉપર આજ પણ વૈજ્ઞાાનિકો સંશોધન કરે છે. તેમનાં તુરીંગ મશીનોનાં પ્રદર્શન પણ ભરાય છે. કોમ્પ્યુટર ક્ષેત્રે આવિષ્કાર બદલ ''એલન તુરીંગ'' એવોર્ડ પણ આપવામાં આવે છે. વાસ્તવિકતા સામે બાથ ભીડીને જીવનાર ''એલન તુરીંગ''ની જીંદગી એ ફિકશન લેખકોને પણ નવલકથા માટેનાં અનોખા આઇડિયા આપ્યાં છે.
તેમનાં જીવન ઉપરથી નાટકો, નવલકથાઓ, ફિલ્મો બની છે. અડધો ડઝન કરતાં વધારે બાયોગ્રાફી પણ લખાએલી છે. ૧૯૭૦ અને ૧૯૮૦ના ગાળામાં એડ્રયુ હોગે તુરીંગનો જીંદગી અને બ્લેટરલી પાર્ક ખાતે તેમણે બીજા વિશ્વયુધ્ધ દરમ્યાન જે કોડ ઉકેલ્યા હતાં તેનાં ઉપર સંશધનો કર્યા હતાં. સંશોધનોનાં પરીપાકરૃપે એલન તુરીંગની આધારભૂત ''જીવનકથા'' તેમણે લખી છે. આ ઉપરાંત ઈઆન મેકવાન, રિચાર્ડ હેરીસ, ટોમ સ્ટોપાર્ડ, નિલ સ્ટીફનસન, જાના લેવીન અને હગ વ્હાઇટમોરે એલન તુરીંગને કેન્દ્રમાં રાખીને ઐતિહાસિક નામે નાટક લખ્યું હતું. જેને વેસ્ટ એન્ડ અને બ્રોડ વેમાં ભજવવામાં પણ આવ્યું હતું. છેવટે આ થીમ ઉપર BBC એ ફિલ્મ પણ તૈયાર કરી હતી.
નિલ સ્ટીફસને ''ક્રિપ્ટોનોમીકન'' નામની દળદાર નવલકથા લખી છે. જેમાં રમતની માફક જો અને તોની શક્યતાઓ છે. જો એલન તુરીંગને જર્મન ક્રિપ્ટોગ્રાફીક ઓપરેશનનાં વડા સાથે પ્રેમ થઇ ગયો હોત તો? નવલકથા વાચ્યા બાદ જવાબ મળે ખરો! જાના લેવીને ''અ મેડમેન ડ્રિમ્સ ઓફ તુરીંગ મશીન'' નામની માસ્ટર નવલકથા ૨૦૦૭માં પ્રકાશિત કરી છે. ઈવાન મેકવાન દ્વારા 'ધ ઈમીટેશન ગેમ' લખાઇ છે. ૧૯૯૫માં રોબર્ટ હેરીસની નવલકથા ''એનીગ્મા'' પ્રકાશીત થઇ હતી. જેનું ફિલ્મી રૃપાંતર ટોમ સ્ટોપાર્ડ દ્વારા કરવામાં આવ્યું છે.
એલન તુરીંગે એક જીંદગીમાં બેવડી જીંદગી જીવ્યા હોય તેટલું કામ કર્યું છે. તેનાં ''એનિગ્મા'' મશીનથી કોડ બ્રેક કરી, નાઝી જર્મનીને હરાવ્યું છે. આજનાં આઇપેડ, ફેસબુક અને મોબાઇલ ફોન તેનાં આઇડિયા ઉપર ઊભાં છે. આર્ટીફીશીઅલ ઈન્ટેલીજન્સ માટે તેમનાં સંશોધનો આધારસ્થંભ જેવાં છે. બ્રિટનનાં ઔદ્યોગિક વિકાસનો શ્રેય પણ એલન તુરીંગને જાય છે. રોલ્સ રોયસનાં એન્જીનથી માંડીને સ્માર્ટફોનની આર્મ ચીપ, વગેરે પાછળ એલન તુરીંગનું લોજીક ચાલે છે. એક સદી બાદ હવે વૈજ્ઞાાનિકોને લાગે છે કે એલન તુરીંગ તુક્કાબાજ નહીં 'જીનીયસ' હતાં. એક જીનીયસ માનવીને મુલવવામાં આપણી ફુટપટ્ટી ટુંકી પડી છે. પરંતુ આવનારી સદીઓ સુધી એલન તુરીંગના પડછાયા લંબાયા જશે.

No comments: