Sunday 9 December 2012

નર-માદાનું સર્જન શા માટે?

કુદરતે નર-માદાનું સર્જન શા માટે કર્યું છે ?

ફ્‌યુચર સાયન્સ - કે.આર ચૌધરી


- સજીવ સૃષ્ટિની શરૃઆત જો એકકોષી સજીવોથી થઈ તો, ઉત્ક્રાંતિનાં ઇતિહાસમાં નર અને માદા તરીકે સજીવ ક્યારે અલગ પડયાં?

 

સવાલ જરા સરળ બનાવીને પણ પુછી શકાય. સૃષ્ટીમાં નર-માદાનું સર્જન શા માટે થયું છે? તમારાં દ્રષ્ટિકોણ અને બૌદ્ધિક ક્ષમતા પ્રમાણે, તમારો ઉત્તર અલગ અલગ હોઈ શકે ? શારીરિકથી સામાજીક દ્રષ્ટિકોણ, અર્થશાસ્ત્રથી ઈવોલ્યુશન સુધીનો આઈડિયા, સેક્સથી સમસ્યા સુધીનું નિરૃપણ, કંઈક અગણીત ખ્યાલો તમારાં દિમાગમાં છલકી જશે! સ્ત્રીનાં ઈતિહાસથી તેની ભૂગોળ સુધીનું વિરાટ દર્શન તમે ક્ષણવારમાં કરી નાંખશો. પણ... બે સેંકન્ડ થોભી જાવ અને સવાલનું જરા પુનરાવર્તન કરી લઈએ. કુદરતમાં નર અને માદાનું સર્જન શા માટે થયું છે? આ સવાલ એક બાયોલોજીસ્ટ પુછી રહ્યો છે! હવે તમારો ઉત્તર શું હશે? કદાચ તમે ખામોશ થઈ જશો! વાત જેટલી અઘરી લાગે છે એટલી અઘરી નથી પરંતુ સવાલ જરા પેચીદો જરૃર છે. એક બાયોલોજીસ્ટ જરા ટેકનિકલ મુડમાં આવીને, સાયસ્ટીસ્ટોની કોન્ફરન્સમાં પુછે કે ''સેક્સની ઉત્ક્રાંતિ શા માટે થઈ છે ? તો... ત્યાં પણ ખામોશી છવાઈ જાય છે કારણ કે ઈવોલ્યુશનરી બાયોલોજીસ્ટ પાસે પણ આ સવાલનો જવાબ નથી. ઉત્ક્રાંતિનો નવો પાયો નાખી આખી ઈમારત ચણનાર 'ચાલ્સ ડાર્વિન' પણ આ મુદ્દા ઉપર ચૂપ છે. જીનેટીક્સનાં ભિષ્મપિતા ગણાતાં 'મેન્ડેલ' પણ આનુંવશીકતાનાં સિદ્ધાંતો દ્વારા સમજાવી શકતા નથી કે 'સેક્સ' એટલે કે બે જાતી વચ્ચેનો ભેદ નર અને માદા સ્વરૃપે, કઈ રીતે ઉદભવ્યો છે!''
જીવ વિજ્ઞાાનમાં સવાલ કરો કે લાઈફ એટલે કે જીંદગી એટલે કે જીવનનો મકસદ શું ? ફિલોસોફી, ધર્મ અને અન્ય દ્રષ્ટિકોણને બાજુમાં રાખીએ તો, સજીવ પેદા કરવા પાછળનો કુદરતનો મુખ્ય મકસદ છે! એક નિધાર્રીત સમયગાળા માટે સજીવ, સૃષ્ટીમાં અનેક કુદરતી પડકારનો સામનો કરીને જીવે અને... મૃત્યુ પહેલાં તેનાં અસ્તિત્વની સાબીતી જેવો બીજો સજીવ, સૃષ્ટીમાં મુકતો જાય. આમ એક પ્રજાતીનું પોપ્યુલેશન જળવાઈ રહે! જીવવિજ્ઞાાનની ભાષામાં સ્પીસીઝ કે લાઈફનો અલ્ટીમેટ ઉદેશી, તેનાં જેવો બીજો સજીવ પેદા કરવાનો છે. આ એક મકસદ માટે કુદરતે સજીવને અલગ અલગ મેથડ આપી છે જેનાં દ્વારાં તે પોતાનાં જેવો બીજો સજીવ પેદા કરી શકે.
બાયોલોજીકલ પરસ્પેકટીવમાં, જીવનનો હેતુ રિવોડ્કશન (સંતાનોત્પતી) અને આવનારી જનરેશન માટે તમારાં 'જીન્સ' આપતાં જવાનો છે. સજીવ આ મકસદ માટે એ રીતે બદલાવ પામ્યો છે કે તેની આ 'સનાતન સત્ય' જેવી સ્ટ્રેજીને વાપરીને પોતાનાં ચાન્સ પણ વધારી રહ્યો છે. છતાં, રિપ્રોડકશનની માત્ર બે જ મેથડ કુદરતમાં વિકસી છે. અજાતિય ઉત્પતિ અને જાતિય સમાગમથી સજીવ ઉત્પતિ. જેને અંગ્રેજીમાં અસેકસ્યુઅલ અને એકસ્યુઅલ રિપ્રોડકશન કહે છે. જાતિય સંબંધોનો ગેરહાજરીમાં થતી 'અસેકસ્યુઅલ' ઉત્પાદનમાં સજીવની કાર્બન કોપી જેવા બીજા સજીવ પેદા થાય છે. જે એક જ કોષનાં બે ભાગમાં વિભાજન દ્વારાં પેદા થાય છે. સેક્સની વાત ન્યારી છે. આ શબ્દ સાંભળતાં જ મનુષ્યની આંખોમાં ચમક અને દિમાગમાં ચિનગારી ભડકે છે. સેક્સમાં ભાગીદાર એટલે કે પાર્ટનરની જરૃર પડે છે. અને શરૃ થાય છે. નર-માદાની અલગ દુનિયા.
નર અને માદા પાસે વિશિષ્ટતા ધરાવતાં જનનકોષ (નોમેટ) હોય છે. જે તેમનાં જેનોમનો અડધો કિસ્સો એટલે કે જીનેટીક મટીરીઅલ્સ, તેમનાં દરેક ગુણસૂત્ર/રંગસૂત્ર ફોમોઝોમની એક કોપી ને પેક કરીને પોતાનામાં સાચવી રાખે છે. જાતિય સંતાનોત્પતિમાં નર અને માદાનાં પ્રજનન કોષી એક બીજા સાથે સંયોજાય છે. અસેકસ્યુઅલ પ્રજનનમાં એક કોષનું વિભાજન થઈ બે કોષ બને છે. અહીં ઉલટું છે. બે કોષ ભેગા થઈ એક 'માસ્ટર' કોષ બને છે જે તેનાં જીનેટીક મેકઅપ પ્રમાણે અન્ય કોષોનું ફેક્ટરી માફક જથ્થાબંધ ઉત્પાદન કરે છે. અહીં સંતાન તેનાં માબાપને મળતું આવે છે પરંતુ તેની કાર્બન કોપી હોતું નથી.
ઉત્ક્રાંતિની રણનીતિમાં અજાતીય પ્રજનન શ્રેષ્ઠ ગણાય છે. જે તેનાં એક પેરેન્ટનાં જરૃરી બધા જ જનીનો, નેક્સ્ટ જનરેશનને આપે છે. લગભગ બધા જ પ્રકારનાં બેક્ટેરીયા, મોટાભાગની વનસ્પતિ અને કેટલાંક સજીવો/પ્રાણી આ રીતે તેમનાં સંતાન પેદા કરે છે. જેની સામે ઉત્ક્રાંતિને ધ્યાનમાં લઈએ તો, જાતીય પ્રજનન એટલે કે સેસ્ક્યુઅલ રિપ્રોડક્શન એટલું કારગર ન ગણાય. એક ભાગીદારને શોધવો સમય માગી લે છે. ઉર્જાનો વધારે વ્યય થાય છે અને નર-માદાનાં પ્રજનનકોષ જો ઉપયોગમાં ન આવે તો, ફળદ્રુપ બન્યા વગર બરબાદ જાય છે અને પેરેન્ટ એટલે કે માતા-પિતા તેનાં સંતાનને તેનાં જનીનોનો માત્ર અડધો જ હિસ્સો આપે છે. ઉડીને આંખે વળગે તેવી આ મોટી બાયોલોજીકલ ડ્રોબેક (ખામીઓ) હોવા છતાં, કુદરતે સેક્સ્યુઅલ રિપ્રોડક્શનને વધારે સ્વીકાર્યું છે અને ઉચ્ચ વર્ગની પ્રાણી સૃષ્ટિ તેના આધારે જ ટકી રહી છે. શા માટે?
વૈજ્ઞાાનિકો એટલે જ સવાલ કરે છે કે ''વ્હાય સેક્સ ઈવોલ્વ''. જીવ વિજ્ઞાાનની સૌથી સ્ટ્રોંગ થિયરી કહે છે કે ''સેક્સ, સજીવ પ્રજાતીને તેના પર આધારીત પરોપજીવીઓ સાથે ઉત્ક્રાંતિની રેસમાં ટકી રહેવાની તાકાત આપે છે. જીનેટીક મિક્સીંગ થતાં વ્યક્તિને નવા રંગ સામે પ્રતિરોધકતા મળે છે. અને રેસ આગળ વધે છે. કુદરતે કેટલાંક સજીવોને સેક્સ્યુઅલી અને અસેક્સ્યુઅલી સંતાન પેદા કરવાની બેવડી તાતાક પણ આપી છે. જેને અપવાદ ગણીને અહીં સાઈડ ટ્રેક કરીએ તો, મુખ્ય સવાલ હતો ત્યાંનો ત્યાં પાછો ફરે છે કે...
સજીવ સૃષ્ટિની શરૃઆત જો એકકોષી સજીવોથી થઈ તો, ઉત્ક્રાંતિનાં ઇતિહાસમાં નર અને માદા તરીકે સજીવ ક્યારે અલગ પડયાં? જાતિય અંગોની ઉત્ક્રાંતિ કઈ રીતે થઈ? કયાં પ્રાણીમાં નર-માદાનો ભેદ પાડે તેવાં, સ્પષ્ટ અલગ અલગ જનનાંગ પેદા થયાં? હિન્દુ ધર્મમાં, સ્ત્રીનાં ગુપ્તાંગમાં રહેલ પુરૃષના જનનાંગની પુજાને આ ઉત્ક્રાંતિ વિજ્ઞાાન સાથે સંબંધ છે ખરો? કે આ સંકેતાત્મક સબંધ છે? ભગવાન શબ્દમાં પણ ભગ+વાન એ નર-માદાનાં જનનાંગોનો સંદર્ભ છુપાએલો છે. બેક ટુ પેવેલીઅન, કુદરતે એવી જટીલ રચના કરી છે કે માદા અંડકોષ પેદા કરે, પોતાનાં ગર્ભાશયનાં ભુ્રણનાં વિકાસ માટે જરૃરી પોષકતત્ત્વો મળતાં રહે અને એજ સમયે નરનાં શરીરમાં સમાગમ માટે જરૃરી 'ભાગી શકે તેવાં' મોટાઈલ સ્પર્મ/શુક્રાણું પેદા કર્યા. ઉત્ક્રાંતિનાં ક્ષેત્રમાં 'સેક્સ અને પ્રજનન ક્ષમતા' એ હોટ-ફેવરીટ ટોપીક નથી. વૈજ્ઞાાનિકો ગમે તેવી થિયરી કે હાઈપોથિસીંગ લઈને આવે, ઈવોલ્યુશનનાં સંદર્ભમાં 'સેક્સ'ને સમજાવવામાં 'કઠીનાઈ' સીવાય કાંઈજ મળતું નથી.
૨૦૦૧માં ઈવોલ્યુશનરી બાયોલોજીસ્ટ માર્ક રિડલીનું પુસ્તક 'ધ કો-ઓપરેટીવ જીન' પ્રકાશીત થયું હતું. તેમાં માર્ક રિડલી નોંધે છે કે ''ઉત્ક્રાંતિવાદી વૈજ્ઞાાનીકોને એક વળગણ માફક ઉશ્કેરવામાં આવ્યા છે કે શા માટે 'સેક્સ'નું અસ્તિત્વ છે? મજાકને બાજુમાં રાખીએ તો 'સેક્સ' એક એવી પઝલ છે જે હજી સુધી સૉલ્વ થઈ નથી. કોઈપણ વ્યક્તિ જાણતી નથી કે તેનું અસ્તિત્વ શા માટે છે? જુલી શેશ્ચર નામના વૈજ્ઞાાનિક બાયોસાયન્સ મેગેઝીનનાં લેખ 'હાઉ ડીડ સેક્સ કમ અબાઉટ'માં નોંધે છે કે 'ઉત્ક્રાંતિનાં ઇતિહાસમાં, તેનાં ફાયદા કરતાં ગેરલાભ વધારે છે. માતા-પિતા તેનાં જનીનોનો અડધો હિસ્સો સંતાનને આપે છે. તેની સામે કોષ-વિભાજનથી પ્રજનન કરતાં જીવો, તેનાં બધાંજ જનીનો સંતાનને આપે છે.' સાદા કોષ-વિભાજન કરતાં સેક્સમાં વધારે સમય જાય છે અને ઉર્જા વપરાય છે. શરૃઆતમાં બિન-ફાયદાકારક લાગતી આ પ્રક્રિયાને કુદરતે પ્રાણી સૃષ્ટિ માટે પસંદ કરીને તેનો વ્યાપ આટલો વધારી શા માટે નાખ્યો છે? અમેરિકન મ્યુઝીઅમ ઓફ નેચરલ હિસ્ટ્રીનાં નેલ્સ એલ્ડ્રી કહે છે કે ''અનેકતા, જટીલતા અને વિશેષતાનાં સંગમ જેવી સેક્સ, સજીવોનાં મોટા ભાગમાં ઉદ્ભવ પામી છે.'' આ એક 'નેચરલ સિલેક્શન' છે કે 'સર્વાઈવલ ઓફ ફીટેસ્ટ'માં ફીટ રહેવાનો કુદરતી અખતરો છે?
બ્રિટિશ એસોસીએશન ફોર એડવાન્સમેન્ટ ઓફ સાયન્સ દ્વારા 'નેચર' મેગેઝીન પ્રકાશીત થાય છે. તેનાં ઓડિટર તરીકે જ્હોન મેડોક્સે પચીસ વર્ષ કરતાં વધારે સેવા આપી છે. ૧૯૯૪માં ક્વિન એલીઝાબેથે તેમને 'સર'નો ખિતાબ આપ્યો છે. તેમણે લખેલ પુસ્તક 'વ્હોટ રીમેઈન્સ ટુ બી ડિસ્કવર'માં તેઓ વેધક સવાલ કરે છે. ''જલદ પ્રશ્ન એ છે કે 'ક્યારે અને કેવી રીતે જાતિય પ્રજનન અને જનનાંગનું સર્જન થયું?'' દાયકાઓનાં મનોમંથન પછી પણ આપણી પાસે તેનો જવાબ નથી. જાતિય પ્રજનનમાં 'જેનોમ'ની જટીલતા પેદા થાય છે, જનનકોષ પેદા કરવા અલગ મિકેનીઝમ વિકસે છે? સીસ્ટમને જાળવી રાખવા માટે ખાસ 'મેટાબોલીઝમ' ચલાવવું પડે છે. સામે પક્ષે, સંતાનને શું મળે છે?'' આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે જાતિય પ્રજનનનો કુદરતી વિકાસ પાછળનો હેતુ હાલનાં તબક્કે સમજી શકાતો નથી. 'સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ'ને અનુરૃપ પહેલાં જનનાંગની ઉત્ક્રાંતિ કરવી, પછી તે સાધનોને જાળવી રાખવા અને શુક્રાણું કે અંડકોષ જેવાં પ્રજનન કોષ વીકસાવવા એ જટીલતા તો છે જ છતાં, માદાનું શરીર તેને સરળતાથી સ્વીકારતું નથી એ 'વાત' પણ ખુંચે તેવી છે. લોહીનાં RH ફેક્ટરને કારણે માતા અને બાળકને ઘણું બધું ભોગવવું પડે છે. જે કુદરતી પ્રક્રિયા તરીકે 'પ્રજનન'ને કોસ્ટલી એટલે કે ખર્ચાળ બનાવે છે. ગર્ભાવસ્થા દરમ્યાન પિતાનાં જનીનોવાળા કોષોનાં મિશ્રણને પરદેશી ગણીને માદાનું શરીર રિજેક્ટ પણ કરે છે. આ કુદરતી અસ્વીકાર ગર્ભાવસ્થા દરમ્યાન આસાનીથી નિહાળી શકીએ છીએ. છતાં, ઉત્ક્રાંતિવાદી વૈજ્ઞાાનિકો કહે છે કે 'સેક્સ' 'સિલેક્ટીવ્લી ઈન્વોલ્વ' થઈ છે. ત્યારે શંકા પેદા થાય છે.
'ઈવોલ્યુશન' પુસ્તકનાં લેખક દોબ્ઝાન્સ્કીએ આવો જ વેધક સવાલ કર્યો છે કે પ્રવર્તમાન વિજ્ઞાાન માટે બે ચેલેન્જીંગ સવાલ છે! એક, કયાં પ્રકારનાં સજીવોમાં જાતિય સમાગમ વાળા સેસ્ક્યુઅલ પ્રજનની શરૃઆત પ્રથમવાર થઈ? બીજો સવાલ! પર્યાવરણમાં જાતીય પ્રજનને એવો કયો સ્વીકારક લાભ મળ્યો જેથી ઉચ્ચ કક્ષાનાં સજીવો (પ્રાણીઓમાં) તેની પ્રભાવશાળી અસર વધારે સ્વીકારક બની 'કાયમી' વ્યવસ્થા તરીકે સ્વીકારાઈ?'' ઉત્ક્રાંતિનાં સંદર્ભમાં 'સેક્સ'ને લગતી ઘણી થિયરી અને 'હાઈપોથિસીસ' રજુ થઈ છે જે સવાલોને દુર કરી સિધ્ધાંત આપવાની કોશિશ કરે છે પરંતુ તેનો ફુલ પ્રુફ સ્વીકાર સાયન્સે હજી કર્યો નથી.
અમેરિકન બાયોલોજીસ્ટ જ્યોર્જ વિલીયમ તેનાં પુસ્તક 'સેક્સ એન્ડ ઈવોલ્યુશન'માં 'ધ લોટરી પ્રિન્સીપલ' નામની પુર્વધારણા આપે છે! જેમાં કહે છે કે ''અજાતિય પ્રજનનથી પેદા થતાં સજીવો પાસે પુષ્કળ પ્રમાણમાં લોટરીની ટીકીટ છે પરંતુ તે બધા જ ઉપર એક સરખા નંબર છે. જ્યારે સેક્સ્યુઅલ રિપ્રોડક્શનવાળા સજીવો પાસે ઓછી સંખ્યામાં લોટરી ટીકીટ છે પરંતુ દરેક ઉપર અલગ અલગ નંબર છે. આ કારણે ઉત્ક્રાંતિ દરમ્યાન 'લોટરી' માફક તેનું અસ્તિત્ત્વ ટકી રહેવાનાં ચાન્સ વધારે છે. લોટરી પ્રિન્સીપાલ પાછળનો બેઝીક આઈડિયા સેક્સ દ્વારા જીનેટીક વેરીએશન મળે છે તે છે. 'પેરેસાઈટ રેક્સ' નામનાં પુસ્તકમાં કાર્લ જીમર નોંધે છે કે ''એક જંગલમાં કાર્બન કોષી જેવાં સજીવનાં ક્લોન પરફેક્ટ મેચ ગણાય. પરંતુ, થોડીક સદીઓમાં જંગલ બદલાઈ જાય તો શું થાય? સેક્સ દ્વારા આ સર્વાઈવલ ચેન્જને 'વેરીએશન' વડે આસાનીથી જીતી શકાય. સિધ્ધાંતમાં સાચી લાગતી આ વાત, વૈજ્ઞાાનિક રીતે સ્વીકાર્ય નથી. કારણ કે બદલાતા પર્યાવરણ સામે 'સેક્સ'ને વધારે 'ફેવર' કરતાં ગણાય. પૃથ્વી પર પ્રાણીનાં વિતરણ ઉપર નજર નાખીએ તો, જ્યાં સ્થિર પર્યાવરણ છે ત્યાં, પ્રાણીઓમાં જાતીય પ્રજનન વધારે જોવા મળ્યું છે. તેનાથી વિરુધ્ધ, જ્યાં પર્યાવરણ અસ્થીર છે ત્યાં 'અસેક્સ્યુઅલ' પ્રજનન વધારે જોવા મળ્યું છે.
સેક્સની ઉત્ક્રાંતિ શા માટે થઈ છે ? તે સમજાવવા ''ધ ટેંગલ્ડ બેંક હાઇપોથીસીસ'' પણ રજુ કરવામાં આવે છે. 'ધ ટેંગલ્ડ બેંક' શબ્દ ચાલ્સ ડાર્વિનનાં ઓરીજીન ઓફ સ્પીસીઝમાંથી લેવામાં આવ્યો છે. આ પુર્વ-ધારણા પ્રમાણે દરેક પ્રકારનાં સજીવો ''ટેગલ્ડ બેંક'' એટલે કે નિશ્ચિત પર્યાવરણમાં જગ્યા, ખોરાક, હવા, પાણી અને અન્ય કુદરતી સ્ત્રોત માટે હંમેશા સજીવો વચ્ચે સ્પર્ધાત્મક વાતાવરણ સર્જાએલું જ રહેતું હતું. સેક્સ દ્વારા મળતું જનિનોનું વેરીએશન સજીવને પર્યાવરણમાં સ્પર્ધા કરી ટકી રહેવા 'ફિટ' બનાવતું હતું. આ હાઇપોથિસીસ પણ અત્યારે કઠીન કાળમાંથી પસાર થઈ રહી છે. વૈજ્ઞાાનિકોને મુખ્ય વાંધો એ છે કે ''સેક્સમાં અધીક રુપીનાં કારણો પ્રાણીઓ એક કરતાં વધારે સંતાનો પેદા કરે છે. જે એકબીજાનાં પ્રતિસ્પર્ધી બને છે. આ ઉપરાંત અન્ય સજીવ 'સ્પીસીઝ' સાથેની તેમની સ્પર્ધા તો ઉભી જ રહે છે. જે હાઇપોથીસીસનો સમજનું વિપરીત પરીણામ બતાવે છે. 'સેક્સ'ની કુદરતે પંસદગી શા માટે કરી છે ? એ સવાલને સમજાવવા એક નવી ધારદાર હાઇપોથિસીસ પણ રજુ થાય છે જેને ધ રેડ કવિન હાઇપોથિસીસ કહે છે.''
'ધ રેડ કવિન હાઇપોથીસીસ' પ્રથમવાર લેહ વાન વાલેમ નામનાં નિષ્ણાંતે તેનાં લેખ ''અ ન્યુ ઇવોલ્યુશનરી લૉ''માં આપી હતી. જેમાં તેમનું સંશોધન દર્શાવે છે કે જે સજીવ કુદરત સામે હારીને પોતાની સમગ્ર જાતીનો પૃથ્વી પરથી લોપ થઈ જતો નિહાળે છે તેવાં નામશેષ થઈ ગયેલ પ્રાણીઓ, પ્રકૃત્તિમાં કેટલો સમય પોતાનું અસ્તિત્ત્વ ટકાવી રાખવામાં સફળ રહ્યાં તેની સાથે કોઈ જ સંબંધ કે લેવા દેવા નથી. જે મુજબ ઉત્ક્રાંતિનાં કાયદાઓ વિરુદ્ધ સજીવ, પર્યાવરણને અનુકુલન સાંધીને ભલે જીવતો હોય, તેનું સમગ્ર અસ્તિત્ત્વ કયારે ખતમ થઈ જાય તેની કોઈ ગેરન્ટી નથી. નવી પેદા થયેલ પ્રાણીની જાત અને ઉત્ક્રાંન્તિમાં લાખો વર્ષનાં વિકાસ બાદ ટકી ગયેલ પ્રાણી જાત બંને માટે અસ્તિત્ત્વ ખતમ થવાનાં 'ચાન્સ' એક સરખા જ છે. એલીસ ઇન ધ વન્ડરલેન્ડમાં રેડ ક્વીન એલીસને કહે છે ''હવે તને ખાતરી થશે કે તું ગમે તેટલું ભાગે કે દોડે છેવટે હતા ત્યાંનાં ત્યાં જ રહી જઈએ છીએ.'' કુદરતની જીનેટીક રેસમાં પણ સજીવની આ હાલત થાય છે. આજનાં ઇવોલ્યુશનરી બાયોલોજીસ્ટ માટે આ ફેવરીટ હાઇપોથીસીસ છે જે દર્શાવે છે કે શા માટે 'સેક્સ' જરૃરી છે ?
છેવટે એક સ્ટુપીડ સવાલ, પચાસ વર્ષનો પુરૃષ અને ૪૫ વર્ષની સ્ત્રી જ્યારે બાળક પેદા કરે છે ત્યારે તેનાં બાયોલોજીકલ 'કોષો' તદ્દન નવા નક્કોર શા માટે હોય છે ? તેનાં કોષો ૫૦-૪૫ વર્ષની ઉપરની વ્યક્તિ જેવા હોવા જોઈએ કારણ કે તેમણે તેનું સર્જન કર્યું છે. 'ડોલી'નાં ક્લોનીંગમાં આવું જ બન્યું હતું. 'ડોલી' નામની ઘેટીને અકાળે વૃદ્ધત્વનાં લક્ષણો જોવા મળ્યાં હતાં. તો પછી સેક્સ 'જનનકોષોનું રિ-પ્રોગ્રામીંગ કઈ રીતે કરે છે ?' આ સવાલનો ઉત્તર એટલે 'ડીએનએ' રીપેર નામની વૈજ્ઞાાનિકોની એ નવી હાઇપોથીસીસ / પૂર્વધારણા છે. જે મુજબ નર-માદાનું પ્રાથમિક કામ સેક્સ દરમ્યાન, પ્રજનનકોષોનું ડીએનએ રિપેરીંગ કરવાનું છે. ડીએનએ બે રીતે ડેમેજ થાય છે. રેડિયેશન અથવા ખામી પેદા કરે તેવાં કેમિકલ્સનાં કારણે અથવા, કોષોની પ્રતિકૃતિ જેવાં નવા કોષોનું ડુપ્લીકેશન થતું હોય તે સમયે ભૂલ થવાથી 'મ્યુટેશન' પેદા થાય છે. જે મ્યુટેશન નવી જનરેશનને પણ મળે છે. પરંતુ નર-માદાનાં પ્રજનન કોષોમાંથી અડધા જનીનો સીલેક્ટ થાય છે તેથી નુકસાનકારી મ્યુટેશનને પ્રભાવી જનીન તરીકે સ્વીકૃત થવાનાં ચાન્સ ૫૦ ટકા ઘટી જાય છે. જે આડકતરી રીતે ઉત્ક્રાંતિ માટે લાભદાયી છે. તમે જોયુ હશે કે એક જ પાનાની ઝેરોક્ષ કાઢીને, ઝેરોક્ષની ઝેરોક્ષ કઢાવતા જઈએ તો છેવટની ઝેરોક્ષ ખૂબ જ ખરાબ આવે છે. અજાતિય પ્રજનનમાં આવું બને છે. જ્યારે 'સેક્સ્યુઅલ રિ-પ્રોડકશન'માં બે જનીનોનું કોસ ઓવર થતાં, સંતાન તરીકે પેદા થતાં સજીવની કોપી ખૂબ જ સાદી હોય છે. ડિએનએ અને જીનેટીક મ્યુટેશનને રિપેર કરવા માટે કુદરતે 'સેક્સ'ની પસંદગી કરી હોય તે હાલનાં તબક્કે વધારે વ્યાજબી લાગે છે.
''સ્લેન્ટેડ ટ્રુથ'' નામનાં પુસ્તકમાં લેખક ત્રિપુટી કહે છે કે, ''૫૨ કરોડ વર્ષ પહેલાં કોષોમાં પ્રજનનકોષો માફક બે કોષો ભેગા થઈને, ૫૦-૫૦ ટકા જીનેટીક મટીરીઅલ્સ ભેગુ કરીને નવા કોષ પેદા કરવાની ''મેઓટીક સેક્સ'' પેદા થઈ હતી. પચાસ કરોડવર્ષ બાદ, ઉત્ક્રાંન્તિનાં નિયમોને જીતીને 'સેક્સ' માટે જરૃરી જનનાંગનો વિકાસ થયો હશે. જેણે પ્રાણીને નર અને માદા તરીકેની નવી ઓળખ આપી છે. આજનું આધુનિક વિજ્ઞાાન આનાથી આગળ વધ્યું છે. આધુનિક સંશોધન બતાવે છે કે સ્ત્રી અને પુરુષનાં જનનાંગનાં વિકાસ માટે એક અલગ જનીન કામ કરે છે. પુરુષનાં 'y' રંગસુત્ર પર રહેલું ધSRYધ જનીન એક્ટીવ બને છે ત્યારે, વિકસતાં ભુ્રણમાં પુરુષ શિશ્નની રચના થાય છે. સ્ત્રી જનનાંગ માટે કોઈ અંડાશય પેદા કરવા માટે જનીન જવાબદાર હોતુ નથી. બે 'એક્સ' કોમોઝોમ ભેગા થાય છે અને તેમાં ધSRYધ જનીન હોતુ નથી. ભુ્રણ આપમેળે સ્ત્રીનાં જનનાંગની રચના કરવા માંડે છે. ધSRYધ જનીનની શોધ ૧૯૯૦માં વૈજ્ઞાાનિકોનાં ગુ્રપે કરી હતી. પક્ષીઓમાં નર-બાળ પેદા કરવા માટે DMRT1 નામનું જનીન જવાબદાર હોય છે જે Z રંગસૂત્રમાં આવેલું હોય છે. સ્તન્યવંશી પ્રાણીઓમાં X અને Y સીસ્ટમ ૧૬.૬૦ કરોડ વર્ષ પહેલાં વિકસી હોવાનું વૈજ્ઞાાનિક અનુમાન છે. નર-માદાનું સર્જન શા માટે ? મનુષ્ય જેવાં બુદ્ધિશાળી પ્રાણીઓનું મનોરંજન અને તનોરંજન કરવા કુદરતે નર-માદાનું સર્જન કર્યું હોય એ પણ શક્ય છે !

No comments: