Sunday 16 December 2012

ચેઈન-૧૨૪: કીડની ટ્રાન્સપ્લાન્ટેશનની મેરેથોન દોડ...

ફ્‌યુચર સાયન્સ - કે.આર ચૌધરી.

વિશ્વનું 'કિડની ટ્રાન્સપ્લાન્ટ' કરવાનું સફળ ઓપરેશન કરનાર તબીબ, ડો. જોસેફ મુરેનો જીવનદીપ બુઝાઈ ગયો...

''હું કર્મમાં માનું છું.'' આવા શબ્દો ભરતવંશી ભારતીય બોલે ત્યારે આશ્ચર્ય જરાય ન થાય. પરંતુ આ શબ્દો જ્યારે કોઈ અમેરિકન બોલે ત્યારે આશ્ચર્યજનક આંચકો પણ જરૃર લાગે જ. એક અમેરિકન તેના શબ્દોમાં ગીતાનો પદાર્થ પાઠ શીખવતો હોય ત્યારે, માની લેવું કે કોઈ ઘટના વિશેષ બની રહી છે. તાજેતરમાં જ ત્રણ ઘટનાઓ એવી બની છે જેમાં આશ્ચર્ય, આનંદ અને આઘાતનો ઝટકો લાગે તેવો છે. અને... ખાસ તો ત્રણેય ઘટનાઓ જાણે-અજાણે એકબીજા સાથે સાંકળી શકાય તેવી છે.
દુનિયામાં કીડની નિષ્ફળ ગઈ હોય અને, કીડની ટ્રાન્સપ્લાન્ટ માટે ચાતક નજરે 'કીટની ડોનર'ની રાહ જોતા હોય છે. આવા સંજોગોમાં મોટા ભાગે એવું બને છે કે કોઈ સ્વજન, કીડની ઈચ્છુક દર્દી માટે પોતાની કીડનીનું દાન કરવા માગતો હોય છે ત્યારે... તેનો અને દર્દીનો જીબેનેટીક મેકઅપ અને બ્લડગુ્રપ અલગ હોવાથી, દર્દીના શરીર સાથે સ્વજ્નની કીડની ''મેચ'' થતી નથી. આવા સંજોગોમાં શું કરવું ? એકબીજાને હવાલો આપતા હોય એ રીતે, એકની કીડની અન્ય દર્દી સાથે મેચ થતી હોય તેને અજાણી વ્યક્તિ આપે છે. દર્દીનાં સ્વજ્ન વળી કોઈ ત્રીજી વ્યક્તિને કીડની આપે છે. જ્યારે ત્રીજી કે ચોથી વ્યક્તિનાં સ્વજ્નો જે કીડની દાનમાં આપે છે, તે પ્રથમ કીડની આપનાર વ્યક્તિનાં સ્વજ્ન દર્દીને કામમાં લાગે છે. આવી ઘટના જ્વલ્લેજ બને છે. છતાં વર્લ્ડ રેકોર્ડ કરવાનો હોય તેવી ઘટના આ વર્ષે બની હતી. એક હવાલો આપતી આખી 'ચેઈન' શરૃ થઈ અને અમેરિકાનાં ૬૦ દર્દીઓએ ટૂંકા ગાળામાં 'કીડની ટ્રાન્સપ્લાન્ટ' મેળવીને નવી જીંદગી શરૃ કરી છે.
''ચેઈન ૧૨૪'' નામની આ ઘટનામાં, એવી વ્યક્તિઓએ ભાગ લીધો, જેઓ પોતાના સ્વજ્નને કીડની આપવા માંગતા હતાં પરંતુ તેમની કીડની દર્દી સાથે 'કલીનીકલી મેચ' થતી ન હતી. તેમણે અજાણી વ્યક્તિને કીડની દાન કર્યું જેની સાથે તેમનું લોહી અને 'એન્ટી બોડી' ટાઈપ મેચ-મેળ ખાતા હતા. ચાર મહિના ૧૭ હોસ્પીટલ અને ૧૧ રાજ્યોમાં ''ચેઈન ૧૨૪''નો ઘટનાક્રમ ચાલ્યો જેમાં ૬૦ વ્યક્તિઓએ સહકાર આપીને ૩૦ દર્દીઓના શરીરમાં કીડની ટ્રાન્સપ્લાન્ટ / મુત્રપીંડ પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું.
''હું કર્મમાં માનું છું.'' આ શબ્દ, ફલોરીડા રાજ્યનાં જ્હોન કલાર્ક નામની વ્યક્તિનાં હતા. જે પોતાની પત્ની માટે પોતાની કીડની અન્ય વ્યક્તિને આપી ચુક્યો હતો અને... બદલામાં ૬૮ દિવસ સુધી આ ''ચેઈન'' પૂરી થાય તેની રાહ જોઈ હતી. છેવટે તેની પત્નીને અન્ય વ્યક્તિની કીડની મળી હતી. આ ચેઈન-૧૨૪માં એક પ્રેમીએ તેની એક્સ ગર્લફ્રેન્ડ જેની સાથે સંબંધો વર્ષોથી તુટી ગયા હતાં તેને કીડની આપી હતી. એક પિતાએ તેની બે વર્ષની દીકરી માટે પોતાની કીડની અન્યને દાનમાં આપી, પોતાની દીકરીને જીવનદાન આપ્યું હતું. પતિ-પત્નિ, સંતાન-મા-બાપ, કાકા-ભત્રીજા અને એક સાસુએ પોતાનાં જમાઈ માટે કીડની દાનમાં આપી હતી. લાગણીની સરવાણીઓએ સ્વજ્નો માટે બલીદાન ભાવના જાગૃત કરી હતી.
અમેરિકામાં કાર્ડબોર્ડના ખોખામાં બરફ ભરીને લોકોની કીડની એ વ્યાપારી એરલાઈન્સનાં પ્લેનમાં મુસાફરી કરી હતી. બોક્ષ ઉપર GPS ટ્રેકીંગ ડિવાઈસ લગાડેલાં હતા. આ કારણે કીડની દાન દેનાર-અને દાન લેનાર એમ બે વ્યક્તિના ઓપરેશન એક સાથે કરવાની 'સર્જરી' પ્રક્રીયામાંથી ડોક્ટરોએ રાહત મેળવી હતી. એકલાં અમેરીકામાં હાલ ચાર લાખ લોકો ડીકની નિષ્ફળ જવાના રોગનો ભોગ બનેલા છે. જેઓ 'ડેઈલી ડાયાલીસીસ' ઉપર જીવી રહ્યાં છે. દર વર્ષે ૪૫૦૦ અમેરીકનો કીડની નિષ્ફળ જતાં મૃત્યુ પામે છે. ભારતમાં પણ આવા દર્દીઓની સંખ્યા ઓછી નથી. દુનિયાનાં વિકસીત દેશો જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે તેમાં વર્ષે દહાડે ૧૫૦૦થી ૨૦૦૦ જેટલાં કીડની ટ્રાન્સપ્લાન્ટનાં ઓપરેશન થાય છે. અત્યાર સુધી કીડની ટ્રાન્સપ્લાન્ટના સૌથી વધારે ઓપરેશન અમેરિકામાં થયા છે. ''ચેઈન-૧૨૪''ની ઘટના સુખદ આશ્ચર્યજનક છે. કીડની જેવાં અંગોના ટ્રાન્સપ્લાન્ટની વાત થઈ છે ત્યારે તાજેતરમાં ''કીડની ટ્રાન્સપ્લાન્ટેશન'' ક્ષેત્રે પોતાનું અનોખુ યોગદાન આપનાર ડો. જોસેફ ઈ. મુરેને પણ યાદ કરી લેવાં જોઈએ.
જોસેફ ઈ. મુરેએ દુનિયાનું કીડની ટ્રાન્સપ્લાન્ટનું પ્રથમ સફળ ઓપરેશન કર્યું હતું. તેમનાં આ ક્ષેત્રનાં યોગદાન માટે ૧૯૯૦માં તેમને તબીબી શાસ્ત્રનું નોબેલ પ્રાઈઝ અન્ય વૈજ્ઞાાનિક ડો. ઈ. ડોનાલ થોમસ સાથે મળ્યું હતું. ડો. મુરેને કીડની ટ્રાન્સપ્લાન્ટ અને ડો. ડોનાલ થોમસને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ માટે નોબેલ પ્રાઈઝ અપાયું હતું. ૯૩ વર્ષની જૈફ વયે અમેરિકાનાં બોસ્ટન શહેરમાં માંદગી બાદ ડો. જોસેફ મુરેનું દેહાવસાન થયું છે. આ ઘટના આઘાતરૃપ છે. ડો. મુરેનાં કીડની ટ્રાન્સપ્લાંન્ટ ઓપરેશન પહેલાં મેડીકલ હીસ્ટ્રીમાં કીડની ટ્રાન્સપ્લાન્ટની ઘટના નોધાયેલી છે. જે નિષ્ફળ નિવડી હતી. ૧૭ જુન ૧૯૫૦ના રોજ, ૪૪ વર્ષની વૃધ્ધ મહિલાને એક મૃત વ્યક્તિના શરીરમાંથી કાઢેલ કીડની બેસાડવામાં આવી હતી. રથ ટકર નામની મહિલાં આ કીડનીથી માત્ર દસ મહીના જીવીને આ દુનિયાને વિદાય આપી હતી. આ સમયે કોઈપણ અંગના ટ્રાન્સપ્લાન્ટ બાદ આપવામાં આવતાં ''ઈન્યુનોસપ્રેસીવ'' ડ્રગ્સ અને થેરાપીની શોધ થઈ નહતી. આજે કીડની ટ્રાન્સપ્લાંન્ટ ક્ષેત્રે અવનવા સંશોધનો થઈ રહ્યાં છે. એવું જ એક સંશોધન તાજેતરમાં થઈ ગયું છે જેને વૈજ્ઞાાનિકો કીડની ટ્રાન્સપ્લાંન્ટ ક્ષેત્રે 'બ્રેકથુ્ર' જેવી ઘટના ગણી રહ્યા છે.
લેકેસ્ટર યુનિવર્સિટીનાં કીડની રિસર્ચ સેન્ટરના પ્રો. માઈક નિકોલસન દ્વારા નવું સંશોધન કરવામાં આવ્યું છે. ડોનર પાસેથી મેળવેલ કીડનીને સામાન્ય રીતે બરફમાં રાખવામાં આવે છે અથવા ભીજવી દેવામાં આવે છે. શરીરમાંથી કીડની બહાર કાઢીને રાખતાં તેમનાં કાર્યની ગુણવત્તા ઉપર અસર પડે છે. પ્રો. માઈક નિકોલસને નવી પધ્ધતિ વિકસાવી છે જેમાં કીડનીની ગુણવત્તા વધારી શકાય છે અને દર્દી દ્વારા તેના 'રિજેક્શન રેટ'માં ઘટાડો કરી શકાય છે. મૃત વ્યક્તિની કીડની ઉપર પણ આ પ્રક્રિયા કરીને તેને ઉપયોગમાં લઈ શકાય છે. આ ટેકનિકને 'નોરમોથેરીક પરફ્યુઝન' કહે છે.
'નોરમોથેરીક પરફ્યુઝન' ટેકનીક વડે કોલ્ડ સ્ટોરેજમાં રાખવાથી કીડનીને જે નુકસાન થયું હોય છે તેને રીપેર કરી શકાય છે. આ પ્રક્રીયામાં ઓક્સીજન યુક્ત લોહી અને એન્ટી રીજેક્શન ડ્રગ્સને ભેગા કરીને બનાવેલ પ્રવાહીથી કીડનીને ધોઈને સાફ કરવામાં આવે છે. લોહીનાં પ્રવાહને ધીરે ધીરે કીડનીમાંથી પસાર કરવામાં આવે છે. આ કામ કીડનીને શરીરમાં આરોપણ કરતાં પહેલાં કરવામાં આવે છે. કેટલીક વાર રક્તમાં એન્ટી ઈન્ફલેમેટરી / બળતરા વિરોધી અને અન્ય દવાઓ પણ ઉમેરવામાં આવે છે. ટુંકમાં મૃત વ્યક્તિની કીડની અને કોલ્ડ સ્ટોરેજમાં રાખેલ કીડનીને શરીર બહાર પુનઃ સજીવ કરવામાં આવે છે ત્યારબાદ તેને દર્દીની શરીરમાં આરોપણ કરવામાં આવે છે. આ રીતે કીડનીને થયેલ નુકસાન સુધારીને તેની ગુણવત્તા સુધારવામાં આવે છે.
તાજેતરમાં બ્રિટનમાં આ ટેકનીક વડે ૧૭ જેટલાં ઓપરેશન કરવામાં આવ્યા છે. જેમાં ધાર્યા કરતાં વધારે સફળતા મળેલ છે. કેટલીકવાર એવું બનતું હતું કે દાતા પાસેથી મેળવેલ કીડનીને કેટલું નુકસાન થયેલ છે ? તેનો અંદાજ વૈજ્ઞાાનિકો કે તબીબો કાઢી શકતા નહતા. આવા સમયે તબીબો નુકસાન પામેલ કીડનીને દર્દીનાં શરીરમાં બેસાડવાનું જોખમ ઉઠાવતા ન હતાં અને તેને બગડેલ અંગ માનીને નિકાલ કરી નાખવામાં આવતો હતો. એક ઉમદા કાર્ય માટે મેળવવામાં આવેલ કીડની પાછળનો હેતુ, ધ્યેય અને... ઈવન મેળવેલ કીડની પણ વ્યર્થ જતી હતી. 'નોરમોથેરીક પરફ્યુઝન' વડે કીડનીને ચકાસી શકાય છે. તે કેવું કાર્ય કરે છે તે જાણી શકાય છે. આ ઉપરાંત કીડનીને કેટલું નુકસાન થયું છે અને તેને દર્દીના શરીરમાં ગોઠવવી હિતાવહ છે કે નહી ? તેવાં અસંખ્ય સવાલોનો સાચો જવાબ અને ખયાલ વૈજ્ઞાાનિકો મેળવી શકે છે. નકામી જતી કીડનીને 'નોરમોથેરીક પરફ્યુઝન' વડે પુનઃ સજીવન કરી, વેઈટીંગ લીસ્ટમાં ઉભેલાં દર્દીઓની સંખ્યામાં દસ ટકા ઘટાડો કરી શકાય તેમ છે. કીડની રિસર્ચ ક્ષેત્રે અત્યારે ઉપલબ્ધ આ શ્રેષ્ઠ પધ્ધતિ છે. આ સમાચાર આનંદદાયક ગણાય. બ્રિટનમાં અત્યારે ૭૦૦૦ દર્દીઓ ''કીડની''ની રાહ જોતા બેઠા છે.
તબીબી ઈતિહાસમાં અંગોના પ્રત્યારોપણનો આઈડીયા કંઈ નવો કે આધુનિક નથી. પ્રાચીન હિદુ કથાઓમાં પણ 'ટ્રાન્સપ્લાંન્ટ'ને લગતી ઘટના નોંધાયેલી છે. શિવપુત્ર ગણેશના ધડ ઉપર હાથીનું માથું બેસાડવું એ ઝેનો ટ્રાન્સપ્લાંન્ટનું અદ્ભૂત ઉદાહરણ છે. આમ છતાં આધુનિક સર્જરી અને સંશોધન બાદ, ઈ.સ. ૧૯૦૦ પછી અંગ પ્રત્યારોપણનો આધુનિક ઈતિહાસ આગળ વધે છે. તબીબી ઈતિહાસ ક્ષેત્રે નામના કાઢનાર અને 'કીડની ટ્રન્સપ્લાંન્ટ' ક્ષેત્રે અનોખું યોગદાન આપનાર ડો. જોસેફ મુરેનાં કીડની પ્રકરણનો પણ ઉલ્લેખ કરવો જરૃરી છે.
૧૯૯૪માં પ્રથમવાર જીવીત વ્યક્તિની કીડની કાઢીને અન્ય વ્યક્તિનાં શરીરમાં બેસાડવાની ઘટના બની હતી. નોબેલ પ્રાઈઝ મેળવ્યા બાદ, ડો. મુરેએ ન્યુયોર્ક ટાઈમ્સને આપેલ મુલાકાતમાં કહ્યું છે... ''કીડની ટ્રાન્સપ્લાંન્ટ આજે ભલે રૃટીન પ્રક્રીયા લાગતી હોય, પરંતુ જ્યારે પ્રથમવાર કીડની ટ્રાન્સપ્લાંન્ટની શસ્ત્રક્રીયા કરવામાં આવી તે ઘટના, ચાલ્સ બિન્ડબર્ગે વિમાન દ્વારા મહાસાગર ઓળંગ્યો તેવી અનોખી અને અદ્ભૂત ગણવામાં આવી હતી. દરેક નવાં વૈજ્ઞાાનિક સંશોધન પાછળ કોઈને કોઈ વિવાદ પેદા થાય છે તેવા વિવાદોએ ડો. જોસેફ મુરેનો પીછો પણ છોડયો ન હતો. લોકો કહેતા હતાં કે ''માનવીએ ઈશ્વરનો રોલ ભજવવો ન જોઈએ. ઈશ્વરના કાર્યમાં દખલ કરવી જોઈએ નહી.''
૧૯૫૦ના દાયકા પહેલાં, માનવ શરીરમાં અન્ય વ્યક્તિના અંગોને પ્રત્યારોપણ કરવાના પ્રયત્નોને ધારી સફળતા મળી ન હતી. ડો. જોસેફ મુરે, જે. હાર્ટવેલ હેરીસન અને જ્હોન મેરીલે બોસ્ટનમાં આવેલ, પિટર બેન્ટ બ્રિગયમ હોસ્પીટલમાં જીવીત વ્યક્તિની કીડનીને અન્ય દર્દીના શરીરમાં ગોઠવવાનો સૌ પ્રથમ સફળ પ્રયોગ કર્યો હતો. અનુભવ મેળવવા માટે આ તબીબોએ કુતરામાં કીડની ટ્રાન્સપ્લાંન્ટનાં સફળ પ્રયોગો પણ કર્યા હતા. ડિસે. ૧૯૫૪માં ૨૩ વર્ષનો યુવાન રિચાર્ડ હેરીક હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. દર્દી કીડની નિષ્ફળતાના અંતિમ તબક્કામાં હતો. જો કોઈ સારવાર ન મળે તો તેનું 'રામ' નામ સત્ય બને તેમ હતું. છેવટે રિચાર્ડ હેરીકનો જોડીયો ભાઈ રોનાલ્ડ હેરીક તેની મદદે આવ્યો. તેણે પોતાની કીડની તેનાં જોડીયા ભાઈને આપવાની તૈયારી બતાવી. તબીબો કીડની ટ્રાન્સપ્લાંન્ટ કરવા માટે તત્પર, તૈયાર અને ઉત્સાહી હતા. તેઓ જાણતા હતા કે બે ભાઈઓ 'આઈડેન્ટીકલ ટવીન્સ' હોવાનો કારણે તેમનો જીનેટીક મેપ 'મેચ' થવાનો જ હતો અને શરીર આ અંગ કોઈપણ વિરોધ વગર સ્વીકારી લેવાનું હતું. ઓપરેશન બાદ, રીચાર્ડના શરીરમાં રોનાલ્ડની કીડની કામ કરી રહી હતી. ઓપરેશન બાદ રીચાર્ડ આઠ વર્ષ જીવ્યો. હોસ્પીટલમાં તેની સારવાર કરનાર નર્સના પ્રેમમાં તે પડયો અને તેની સાથે લગ્ન પણ કર્યા. સફળ દાંપત્યજીવનનાં પરીણામ સ્વરૃપે તેમને બે બાળકો પણ થયા. આ ઘટનાએ લોકોને બતાવી આપ્યું કે શરીરના અંગોનું દાન કરી શકાય છે. અંગ-દાન દ્વારા એક જીંદગી બચાવી શકાય છે. પ્રથમ ઓપરેશન બાદ, આપનારા પાંચ વર્ષોમાં 'આઈન્ડેટીકલ ટવીન્સ' ઉપર બીજા ઘણા ઓપરેશન કર્યા હતા. શરૃઆતમાં જ્યારે ઈમ્યુનો-સપ્રેસીવ ડ્રગ્સની શોધ થઈ ન હતી ત્યારે, દર્દીની કીડનીને 'રેડિયેશન' આપી શુધ્ધ કરવામાં આવતી હતી. ૧૯૬૨માં ડો.મુરેએ ૧૯૬૨માં કીડની ટ્રાન્સપ્લાંન્ટનું એવું ઓપરેશન કર્યું જેમાં દર્દી અને કીડની દાતા વચ્ચે કોઈ પણ પ્રકારનાં લોહના સંબંધો ન હતા. ૨૩ વર્ષના મેલ દાઉસેટી ને એક મૃત વ્યક્તિની કીડની બેસાડવામાં આવી હતી. તબીબી ઈતિહાસની આ ઘટના ખરેખર ''બ્રેકથુ્ર'' સમાન હતી. સામાન્ય માનવી માટે પણ હવે કીડની ટ્રાન્સપ્લાંન્ટની આશા રાખવી શક્ય બન્યું હતું. વિજ્ઞાાન દ્વારા માનવ શરીરમાં આરોપીત પારકી વ્યક્તિનાં અંગને તેની પોતાની જ રોગપ્રતિકાર રક્ષા પ્રણાલી જાકારો આપતી હતી. આ પ્રણાલીને બેવકુફ બનાવવાના અને પારકા અંગોને સ્વીકારવા માટે 'ઈમ્પુનો-સપ્રેસીવ' ડ્રગ્સની શોધ થઈ ચુકી હતી. અંગ દાન દ્વારા જીવતદાન આપવાનો આઈડિયા હવે ખરેખર કામીયાબ નિવડે તેમ હતો. આધુનિક રેકોર્ડ પ્રમાણે કીડની ટ્રાન્સપ્લાંન્ટ પછી ૨૭ વર્ષ સુધી જીવતાં રહેવાના દર્દીઓનાં રેકોર્ડ છે. ભારતીય દર્દી કીડની ટ્રાન્સપ્લાંન્ટનો ઓપરેશન બાદ ૨૭માં વર્ષે પણ તે જીવીને જીવનનો આનંદ અન્ય સ્વસ્થ વ્યક્તિ માફક માણી રહ્યો છે.
કીડની ટ્રાન્સપ્લાંન્ટ ક્ષેત્રે નામનાં મેળવ્યા બાદ, ડો. જોસેફ મુરેએ પોતાની લાંબી કારકીર્દી 'પ્લાસ્ટીક સર્જરી' ક્ષેત્રમાં વિતાવી હતી. પ્લાસ્ટીક સર્જરી ક્ષેત્રે તેમની નિપુણતા કાબીલે તારીફ હતી. તેમના ધાર્મિક વિચારો તેમના કાર્યના પ્રતિબિંબ જેવા હતા. હાવર્ડ યુનિવર્સીટીના ગેઝેટમાં ૨૦૦૧માં ડો. જોસેફ મુરે નોંધે છે કે 'મારું કાર્ય એજ મારી પ્રાર્થના છે. હું મારી આ પ્રાર્થના સર્જકને દરેક સવારે અર્પણ કરીને આગળ વધુ છું. કીડની ટ્રાન્સપ્લાંન્ટ ક્ષેત્રે ડો. મુરે ઈશ્વરની ભુમિકા અદા કરીને છેવટે ઈશ્વર સમીપે પહોંચી ગયા છે. તેમનો જીવન દીપ ભલે બુઝાઈ ગયો છે. તેમનો કાર્ય-દીપક દુનિયાનાં અનેક તબીબો પ્રજ્વલીત રાખી રહ્યાં છે.
અંગોનાં પ્રત્યારોપણ અંગેના ખ્યાલો, ડો. જોસેફ મુરેએ બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન વિકસાવ્યા હતા. સૈનિકો ઉપર તેઓ રિ-કન્સ્ટ્રકટીવ સર્જરી અને સ્કીન ગ્રાફટીંગના પ્રયોગો કરતા હતા. તેમણે જોયું હતું કે, 'અન્ય વ્યક્તિની ચામડીને 'રિજેક્ટ' કરવાનો દર માનવીમાં ઓછો છે. પરંતુ અંગોની બાબતમાં અલગ ગણિત લાગું પડતું હતું. ડો. મુરેના અલગ ગણિતે, અગણિત લોકોનાં નામશેષ થઈ રહેલ શરીરમાં પ્રાણ ફુક્યા છે. માનવ શરીરમાં કીડની ટ્રાન્સપ્લાંન્ટની ઘટના એ, મનુષ્યમાં ઈશ્વરની પ્રાણ-પ્રતિષ્ઠા કરવા બરાબર છે. ડો. જોસેફ મુરે હવે ઇતિહાસનું એક પાત્ર બની ગયા છે.'

 માનવ અંગ-પ્રત્યારોપણનો તબીબી ઇતિહાસ :

૧૯૦૨ ઃ વિપેના મેડિકલ સ્કુલમાં પ્રાણીઓ ઉપર કીડની ટ્રાન્સપ્લાંન્ટના પ્રયોગો કરવામાં આવ્યા. મનુષ્ય શરીરમાં પ્રાણીની કીડની બેસાડવાના પ્રયોગો નિષ્ફળ ગયા.
૧૯૦૫ ઃ માનવ આંખમાં પ્રથમવાર કીકી ઉપર આવેલ પારદર્શક પડદો 'કોર્નીયા'નું સફળ આરોપણ કરવામાં આવ્યું.
૧૯૩૩ ઃ મનુષ્યને મનુષ્યની કીડની બેસાડવાના પ્રયોગ નિષ્ફળ ગયા.
૧૯૫૪ ઃ ડો. જોસેફ મુરેએ કીડની ટ્રાન્સપ્લાંન્ટનું સફળ ઓપરેશન કર્યું.
૧૯૬૨ ઃ ડો. જોસેફ મુરેએ મૃત વ્યક્તિની કીડનીને દર્દીનો શરીરમાં બેસાડીને સફળતા મેળવી.
૧૯૬૩ ઃ યુનિ. ઓફ મીસીસીપીના વૈજ્ઞાાનિકોને એક ફેફસાંના પ્રત્યારોપણ કરવામાં સફળતા મળી. કોલોરાડોનાં તબીબોને લીવર ટ્રાન્સપ્લાંન્ટ કરવામાં નિષ્ફળતા મળી.
૧૯૬૭ ઃ તબીબોને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં સફળતા મળી પરંતુ એક વર્ષ બાદ દર્દી 'લીવર કેન્સર'ના કારણે મૃત્યુ પામ્યો.
૧૯૬૭ ઃ દક્ષિણ આફ્રીકાનાં તબીબે, હૃદયના વાલ્વ બદલવાનો અખતરો કર્યો. ૧૮ દિવસ બાદ દર્દી મૃત્યુ પામ્યો હતો.
૧૯૬૮ ઃ યુનિ. ઓફ મિનેસોટા ધ્વારા સ્વાદુપીંડ એટલે કે પેન્ફ્રીપાસનું સફળ આરોપણ કરવામાં આવ્યું.
૧૯૬૯ ઃ માનવ શરીરમાં કુગીમ હૃદય બેસાડવામાં તબીબો નિષ્ફળ ગયા.
૧૯૮૧ ઃ સ્ટેનફોર્ડ મેડિકલ સેન્ટરે પ્રથમવાર હૃદય-ફેફસાનું સફળ પ્રત્યારોપણ કરી બતાવ્યું.
૧૯૮૪ ઃ હૃદય અને લીવરનું ટ્રાન્સપ્લાંન્ટ ઓપરેશન કરાવ્યા બાદ અમેરીકન બાળકી બીજા છ વર્ષ સુધી જીવીત રહી હતી.
૧૯૮૭ ઃ મનુષ્યના બંને ફેફસાનું સફળ પ્રત્યારોપણ તબીબોએ કરી બતાવ્યું.
૧૯૯૧ ઃ મનુષ્યનાં નાના આંતરડાના પ્રત્યારોપણને સફળતા મળી.
૧૯૯૭ ઃ સ્ત્રી દર્દીમાં પ્રથમવાર ગર્ભાશયનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું.
૧૯૯૮ ઃ માર્શલ સ્ટ્રોમ ધ્વારા સ્વરપેટીનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું.
૧૯૯૮ ઃ ફ્રેન્ચ વૈજ્ઞાાનિકોએ સંપૂર્ણ હાથ, હેન્ડ ટ્રાન્સપ્લાંન્ટ કરી બતાવ્યું.
૨૦૦૧ ઃ ફુ નવા કુત્રિમ પ્રકારનાં હૃદયનું છ દર્દીના શરીરમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું.
૨૦૦૫ ઃ ફ્રાન્સમાં મહેરાનું આંશીક પ્રત્યારોપણ કરવામાં આવ્યું.
૨૦૦૮ ઃ શ્વાસનળીનું ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવ્યું. સ્ત્રીને અંડકોષ/ઓવરીનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું જેણે બાળકને જન્મ પણ આપ્યો.
૨૦૧૦ ઃ સ્પેનિશ તબીબોએ સંપૂર્ણ માનવ ચહેરાને અન્ય વ્યક્તિ ઉપર બેસાડી બતાવ્યો.
૨૦૧૧ ઃ તબીબોએ સૌ પ્રથમ વાર સ્વરપેટી, થાઈરોઈડ ગ્રથી અને શ્વાસનળીના ટુંકડાનું એક સાથે 'ટ્રાન્સપ્લાંન્ટ' કરવાનું સફળ ઓપરેશન કરી બતાવ્યું છે.

No comments: