Sunday 1 May 2016

એશિયાનું વિશાળ ઓપ્ટીકલ ટેલિસ્કોપ... ભારતમાં...

૦૧.૦૫.૨૦૧૬ 
પ્રસ્તાવના :- ૩૦ માર્ચ ૨૦૧૬નાં રોજ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેલ્જીયમની મુલાકાતે હતાં. બેલ્જીયમનાં પાટનગર બ્રસેલ્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બેલ્જીયમનાં વડાપ્રધાન ચાર્લ્સ મિશેલે વિડીયો કનેકશન દ્વારા ભારતમાં, એશિયા ખંડનાં સૌથી વિશાળ ઓપ્ટીકલ ટેલિસ્કોપનું અનાવરણ કર્યું હતું. એશિયા ખંડનું સૌથી વિશાળ ઓપ્ટીકલ ટેલિસ્કોપ ભારત અને બેલ્જીયમનાં સંયુક્ત પ્રયાસો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ ટેલિસ્કોપનાં બાંધકામમાં રશિયન એકેડેમી ઓફ સાયન્સની મદદ લેવામાં આવી હતી. આ યોજના ૨૦૦૭માં કાર્યરત કરવામાં આવી હતી. ભારતનાં વિજ્ઞાાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા એક સ્વતંત્ર સંશોધન વેધશાળા દેવસ્થળમાં ચાલે છે. જેનું નામ 'આર્યભટ્ટ રિસર્ચ ઈન્સ્ટીટયુટ ઓફ ઓબઝરવેશન સાયન્સ' (ARIES) છે. દેવસ્થળ ઉતરાખંડમાં આવેલું છે. અત્યાર સુધી ભારતનાં વિશાળ ટેલિસ્કોપનો રેકોર્ડ કાવાલુર, તમિલનાડુમાં આવેલ વેણુ બાપુ ઓબ્ઝરવેટરીનાં નામે હતો. ઉતરાખંડનાં દેવસ્થળ ખાતે ગોઠવાયેલા એશિયા ખંડનાં સૌથી વિશાળ ટેલિસ્કોપનાં પ્રાયમરી  મિરર / પ્રાથમિક અરીસાનું માપ ૩.૬૦ મિટર છે.
ટેલિસ્કોપની શોધ અને ઇતિહાસ
ટેલિસ્કોપની શોધ નેધરલેન્ડમાં સત્તરમી સદીમાં થઇ હોવાનું માનવામાં આવે છે. સામાન્ય રીતે ટેલિસ્કોપને બે વિભાગમાં વહેંચવામાં આવે છે. દ્રશ્યમાન પ્રકાશ દ્વારા વિવિધ પ્રકારનાં કાચ (લેન્સ) અને અરીસાઓ વાપરીને પ્રતિબિંબ જીલવામાં આવે તેવાં ઉપકરણને પ્રકાશીય દુરબીન / ઓપ્ટીકલ ટેલિસ્કોપ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત પ્રકાશના અદ્રશ્ય વણપટની વિવિધ ઉર્જા વાપરીને પણ ટેલિસ્કોપ બનાવવામાં આવે છે. જેમાં એક્સ રે ટેલિસ્કોપ, રેડિયો ટેલિસ્કોપ મુખ્ય છે. આ ઉપરાંત અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન, ઈન્ફ્રારેડ રેડિયેશન અને અન્ય ઈલેક્ટ્રોમેગ્નેટીક સ્પેકટ્રમ / વિજચુંબકીય વર્ણયટ આધારીત ટેલિસ્કોપ તૈયાર કરવામાં આવે છે. જે સામાન્ય રીતે ''ડિટેક્ટર'' તરીકે ઓળખાય છે.
૧૬૧૧માં સૌપ્રથમવાર ''ટેલિસ્કોપ'' શબ્દનો ઉપયોગ ગ્રીક ગણીતશાસ્ત્રી ગોવાની ડેમીસીઆનીએ કર્યો હતો. ગ્રીક ભાષામાં 'ટેલિ'નો અર્થ ''દૂર'' અને સ્કોપ એટલે ''જોવું'' ટુંકમાં દૂરની વસ્તુને નજીક બતાવી આપતી રચના ટેલિસ્કોપ તરીકે ઓળખાય છે.

પ્રકાશીય દુરબીન / ઓપ્ટીકલ ટેલિસ્કોપ
''પ્રકાશનાં વક્રીભવનનાં સિધ્ધાંતોનો ઉપયોગ કરીને દુરબીન બનાવવામાં આવે તેને રિફ્રેકટીંગ ટેલિસ્કોપ કહે છે.'' આવા ટેલિસ્કોપમાં માત્ર વિવિધ પ્રકારનાં લેન્સ વપરાય છે. તેમાં અરીસાનો ઉપયોગ થતો નથી. દુરબીનનાં મુખ્ય અંગ બે લેન્સ હોય છે. ઓબજેક્ટ લેન્સ, જે વસ્તુકાચ તરીકે ઓળખાય છે. આઇ પીસ, એ આંખ દ્વારા પ્રતિબીંબ જોવા માટે વપરાતા લેન્સને કહે છે. આ પ્રકારનાં ટેલિસ્કોપનો ઉપયોગ ૧૬૦૮માં હાન્સ લીપર્સેનાં નામે નોંધાયો છે. ટેલિસ્કોપનાં આવિષ્કારનો શ્રેય હાન્સ લિપર્સેને મળવો જોઇએ. આ ઉપરાંત મિડલ બર્ગનાં ચશ્મા બનાવનાર ઝકરીયાસ જાનસેન અને આલ્કમારનાં જેકોસ મેટિયસનો સમાવેશ થાય છે. શરૃઆતના ટેલિસ્કોપમાં વસ્તુકાચ બહીર્ગોળ કાચ અને દ્રશ્યકાચ માટે અંતર્ગોળ કાચ વપરાતો હતો. ગેલેલીઓ ગેલેલીએ અવકાશી અવલોકન માટે વાપરેલા ટેલિસ્કોપ પણ આ પ્રકારનું હતું. કેટલાંય સામાન્ય જ્ઞાાનનાં પુસ્તકોમાં ટેલિસ્કોપનાં આવિષ્કાર કરનાર તરીકે ગેલીલીઓ ગેલેલીનું નામ આપવામાં આવે છે. જે ખોટું છે. ૧૬૧૧માં જોહાનીસ કેપલરે બહીર્ગોળ કાચનો ઉપયોગ ઓબજેક્ટ અને આઇપીસ તરીકે કરીને ટેલિસ્કોપ બની શકે તેવી ડિઝાઇન રજુ કરી હતી. ૧૬૫૫માં આ ડિઝાઇન આધારીત ટેલિસ્કોપ ક્રીશ્ચીઅન હ્યુજેન્સે કરી હતી. ટેલિસ્કોપ માટે પેટન્ટ હક્કની અરજી કરનાર સૌથી પહેલી વ્યક્તિ હાન્સ લિપર્સે હતો.

વિવિધ પ્રકારનાં અંતર્ગોળ અરીસા અને બહીર્ગોળ કાચનો ઉપયોગ કરીને પ્રકાશનાં પરાવર્તનનાં સિધ્ધાંતનો ઉપયોગ કરીને ટેલિસ્કોપ બનાવવામાં આવે છે. તેને ''રિફલેક્ટીવ ટેલિસ્કોપ'' કહે છે. આ પ્રકારનાં ટેલિસ્કોપની શોધનો શ્રેય આઇઝેક ન્યુટનને મળે છે. રિફલેક્ટીવ ટેલિસ્કોપની શોધ ૧૬૬૮માં આઇઝેક ન્યુટને કરી હતી. જેને ન્યુટોનીઅન ટેલિસ્કોપ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ટેલિસ્કોપમાં વધારાનાં નાનાં બહીર્ગોળ અરીસા ગોઠવીને ન્યુટોનીઅન ટેલિસ્કોપમાં નવતર સુધારો વોરેન કેસેગ્રેઇને કર્યો હતો. જે ટેલિસ્કોપ કેસેગ્રેઇન ટેલિસ્કોપ તરીકે ઓળખાય છે.

સામાન્ય રીતે ઓપ્ટીકલ ટેલિસ્કોપ પૃથ્વી પર ઉંચાઇવાળા સ્થળે ગોઠવવામાં આવે છે. જેથી પૃથ્વીની સપાટી નજીક રહેલાં પ્રદુષણને દૂર રાખી શકાય. આમ છતાં પૃથ્વીનાં વાતાવરણમાંથી પ્રકાશ ચળાઇને આવે છે ત્યારે, અવકાશી પીંડની તસવીર સહેજ ધુંધળી મળી છે. આ ખામી દૂર રાખવા વૈજ્ઞાાનિકોને ટેલિસ્કોપને અંતરીક્ષમાં ગોઠવવાનું વિચારબીજ પ્રાપ્ત થયું હતું. જેને સ્પેસ ટેલિસ્કોપ કહે છે. આધુનિક અને વિશ્વવિખ્યાત ''હબલ સ્પેસ ટેલિસ્કોપ'' આ શ્રેણીમાં આવતું ટેલિસ્કોપ છે. જેણે સતત ૨૮ વર્ષ સુધી કાર્યરત રહીને ''સિલ્વર જ્યુબીલી'' ઉજવી છે. હવે તેનું આયુષ્ય પૂર્ણ થવા આવ્યું છે. જેનું સ્થાન લેવા ''જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ''ની રચના આંતરરાષ્ટ્રીય સહયોગથી કરવામાં આવી રહી છે. જે પહેલાં નેક્સ્ટ જનરેશન  સ્પેસ ટેલિસ્કોપ તરીકે ઓળખાતું હતું.

ઓપ્ટીકલ ટેલિસ્કોપ અને ભારત :-

ભારતમાં લેહ, નૈનિતાલ, દિલ્હી, ગુરૃશીખર આબુ, ઉદયપુર, અમદાવાદ, કોલકાતા, મુંબઇ, હૈદરાબાદ, રંગપુર, બેંગ્લોર, ઉટી, મદ્રાસ, કોડાઇકેનાલ અને ગૌહીબીદાનુર સ્થળે વિવિધ પ્રકારના ઓપ્ટીકલ ટેલિસ્કોપ લગાવવામાં આવ્યાં છે. પ્રકાશીય ઉપકરણ તરીકે ઓળખાતું ઓપ્ટીકલ ટેલિસ્કોપ દિવસે સૂર્યના અવલોકન માટે વાપરી શકાય છે જ્યારે રાત્રે અંતરીક્ષમાં આવેલા વિવિધ અવકાશી પીંડો, તારાઓ અને નક્ષત્રો નિહાળવા પણ ઓપ્ટીકલ ટેલિસ્કોપ વપરાય છે. સામાન્ય રીતે ઉંચા સ્થળે રાત્રી દરમ્યાન અવકાશી પીંડો નિહાળવા અને આકાશ દર્શન માટે ઓપ્ટીકલ ટેલિસ્કોપ વપરાય છે. આઝાદી પહેલાં અંગ્રેજો ભારતમાં ઓપ્ટીકલ ટેલિસ્કોપ લાવ્યા હતાં. આ ટેલિસ્કોપ વિદેશી બનાવટનાં હતાં.
૧૮૬૫માં ઈંગ્લેન્ડમાં બનેલ આઠ ઈંચનું સૌથી જૂનું ટેલિસ્કોપ આજની તારીખે કોડાઇકેનાલ ખાતે કાર્યરત છે. જેનું બાંધકામ મેસર્સ ટ્રફટન એન્ડ સિમ્મ કંપનીએ કર્યું હતું. ત્યાર પછીનું સૌથી જુનું ટેલિસ્કોપ ગ્રબ-પાર્સન કેસેગ્રેન પ્રકારનું છે. જે ૧૯૭૮ સુધી કોડાઇકેનાલ ખાતે ગોઠવાયેલું હતું. ત્યારબાદ તેને કાવાસુર ખાતે ખસેડવામાં આવ્યું હતું. ૧૯૮૬-૮૮માં લડાખનાં લેહ ખાતે તેને ગોઠવવામાં આવ્યું હતું. આ દુરબીન ૧૮૯૦નાં દાયકામાં પ્રો. કે.ડી. નેગમવાલાએ પુના ઓબઝરવેટરી માટે મંગાવ્યું હતું. ૧૯૧૨માં તેને કોડાઇકેનાલ ખાતે ખસેડવામાં આવ્યુ ંહતું.
૧૫ ઈંચનું એક અન્ય ટેલીસ્કોપ હૈદ્રાબાદનો નિઝામીયા ઓબ્ઝરવેટરી ખાતે ગોઠવવામાં આવ્યું હતું. ૧૯૧૨-૧૯૩૯ના સમયગાળામાં આઠ ઈંચનું ટેલીસ્કોપ ઓસ્મીનીયા યુનિવર્સિટીમાં ગોઠવવામાં આવ્યું હતું. ૧૯૮૫-૮૬માં આવેલ કોમેટ હેલીનાં દર્શન વખતે તેનો ખૂબ જ ઉપયોગ થયો હતો. ત્યારબાદ, યુપી સ્ટેટ માટે પરદેશથી ટેલીસ્કોપ મંગાવવામાં આવ્યા હતાં. જેમાં સૌથી મોટું ટેલીસ્કોપ ૫૨ સે.મી.નું હતું. ૧૯૬૦નો દાયકામાં એટલે કે ભારત આઝાદ થયા બાદ પણ ભારતીય ખગોળશાસ્ત્રનો સંશોધનો માટે પરદેશથી ટેલીસ્કોપ મંગાવવામાં આવ્યા હતા. જે નીચે મુજબ હતા.
૧. ૧૨૨ સે.મી. રીફલેક્ટર - જાયલરંગાપુર ઓબ્ઝરવેટરી
૨. ૧૦૯ સે.મી. રિફલેક્ટર - યુપી સ્ટેટ ઓબ્ઝરવેટરી
૩. ૧૦૨ સે.મી. રિફલેક્ટર - કાવાલુર ઓબ્ઝરવેટરી
૧૨૨ સે.મી.નું ટેલીસ્કોપ જે.ડબલ્યુ. ફેક્ટ એન્ડ કંપની, અમેરીકાની બનાવટનું હતું. બાકીના બે કાર્લ-જેસીસ જર્મની દ્વારા બનાવવામાં આવ્યા હતાં. ૧૯૭૦નો મધ્યભાગમાં ૬૦ સે.મી. એપચ્ચર વાળું ટેલીસ્કોપ પંજાબી યુનિવર્સિટીમાં ગોઠવવામાં આવ્યું હતું. હવે ભારતમાં ટેલીસ્કોપની માંગ વધી રહી હતી. ભારતનાં ત્રણ ગુ્રપ સંશોધન ક્ષેત્રે આગળ વધી રહ્યો હતો. ફીજીકલ રિસર્ચ લેબોરેટરી એ ગુરૃથી પર , (૨) પોજીશનલ ઓબ્ઝરવેટરી સેન્ટર કલકતા (૩) ઈસરો ગ્રુપ બેંગ્લોર હતો ત્યાં ૧૪ ઈંચના પોર્ટેબલ ટેલીસ્કોપ સીલેસ્ટ્રોન- ૧૪ મોડેલ ગોઠવવામાં આવ્યા હતાં.

સ્વદેશી ટેકનોલોજીથી બનેલ ટેલીસ્કોપ :

સ્વતંત્ર ભારતમાં ટેલીસ્કોપ સંશોધનનો ખરો યુગ ૧૯૫૩ પછી શરૃ થયો. જેને ભારતનો આધુનિક ટેલીસ્કોપ યુગ કહી શકાય. સ્વતંત્ર ભારતની પ્રથમ ઓપ્ટીકલ ઓબ્ઝરવેટરી નૈનિતાલ ખાતે શરૃ થઈ હતી. નૈનિતાલનો માનોરો શિખર પર ડો. વેણુ બાપુના પ્રયત્નોથી આ ઓબ્ઝરવેટરી શરૃ થઈ હતી. આજે તે વેધશાળા, આર્યભટ રિસર્ચ ઈન્સ્ટીટયુટ ઓફ ઓબ્ઝરવેશન સાયન્સ નામે ઓળખાય છે. આઝાદી પહેલાં, એસ.કે. ઘર અને તેના ભાઈઓએ સ્વદેશી ટેલીસ્કોપ બનાવવાનાં પ્રયત્નો કર્યા હતા. પરંતુ નાણાનાં અભાવે તેમનો પ્રોજેક્ટ અધુરો રહ્યો હતો. આઝાદી બાદ, પચાસનાં દાયકામાં દિલ્હી યુની.ના પી.કે. કીચુએ નાના નાના ટેલીસ્કોપ બનાવ્યા હતાં. સૌથી મોટી ચેલેન્જ ભારતીય વૈજ્ઞાાનિક એસ.કે.વી. બાપુએ ઉપાડી અને કોડાઈકેનાલ ખાતે વેધશાળા ઉભી કરી. જેમાં એ.પી. જયરાજનની ટીમ વડે બનાવાયેલ સ્વદેશી ટેલીસ્કોપ ગોઠવવામાં આવ્યું હતું. ત્યારબાદ ૩૮ સે.મી.નું કેસેગ્રેઈન ટેલીસ્કોપ ગોઠવવામાં આવ્યું હતું.
જેનો મહત્તમ ઉપયોગ વેણુબાબુએ કર્યો. છેવટે ૧૯૬૮માં તેને કાવાલુર ખાતે ખસેડવામાં આવ્યું હતું. હેલીનાં ધુમકેતુનાં આગમન સૌ સાથે વિશાળ ટેલીસ્કોપની માંગ વધવા લાગી હતી. ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ એસ્ટ્રોફીજીક્સ, બેંગ્લોર દ્વારા ૪૦ સે.મી. કેસેગેઈન ટેલીસ્કોપ બાંધવામાં આવ્યું. જેનું બાંધકામ ૧૯૮૩માં પુરૃ થયું. જેના લેન્સ એ.કે. સકસેનાની ટીમે તૈયાર કર્યા હતા. વેણુ બાપુએ ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ એસ્ટ્રોફીજીસ્ટની સ્થાપના બેંગ્લોરમાં કરી હતી. જેના દ્વારા લદ્દાખમાં પણ ઓબ્ઝરવેટરી ચલાવવામાં આવે છે. જ્યાં ૨-૦ મીટર વ્યાસનું 'ચંદ્રા' ટેલીસ્કોપ લાગેલું છે. તામિલનાડુના કાવાલુર નામના ગામમાં ૨-૩૦ મીટરનું ટેલીસ્કોપ છે. આ વેધશાળાને વેણુ બાપુ ઓબ્ઝરવેટરી તરીકે ઓળખવામાં આવે છે. પુનામાં 'આયુકા' દ્વારા ૨-૦ મીટરનું ગીરાવાળી ટેલીસ્કોપ કાર્યરત છે.

ભારતના નૈનિતાલ, ઉત્તરાખંડ ખાતે આવેલ એશીયાના સૌથી વિશાળ ટેલીસ્કોપની વિશેષતાઓ

- ટેલીસ્કોપનું નિર્માણ ભારત, બેલ્જીયમ અને રશિયાનો સંયુક્ત કાર્યક્રમ હેઠળ થયું છે.
- ટેલીસ્કોપનો પ્રાયમરી મીરરનું માપ ૩.૬૦ મીટર છે.
- ટેલીસ્કોપની રચના/ડિઝાઈન રિપ્ચી-ચેરીટીબલ ડિઝાઈન તરીકે ઓળખાય છે. આવી ડિઝાઈન ભારતનો 'એસ્ટ્રોસેટ' ઉપગ્રહમાં પણ વાપરવામાં આવી છે.
- હબલ સ્પેસ ટેલીસ્કોપનાં પ્રાયમરી મીટરનું માપ- ૨.૪૦ મીટર હતું. જ્યારે ભારતીય ટેલીસ્કોપ ૩.૬૦ મીટરનું છે.
- નૈનિતાલથી ૫૦ કી.મી. પશ્ચિમમાં, પશ્ચિમ હીમાલયનો ૨.૬૦ કી.મી. ઉંચાઈવાળા ધર્મસ્થળ ખાતે આવેલ શીખર પર તેને ગોઠવવામાં આવ્યું છે.
- ૨૦ વર્ષના સર્વેક્ષણ બાદ, ધર્મસ્થળને પસંદ કરવામાં આવ્યું હતું.
- ટેલીસ્કોપનું બાંધકામ બેલ્જીયમની કંપનીએ કરેલ છે.
એસ્ટ્રોનોમી ક્ષેત્રે ભારતનું આંતરરાષ્ટ્રીય યોગદાન :
- ૨૦૦૯માં ભારતે એડવાન્સ ગ્રેવીટેશનલ વેવ્ઝ ઓબ્ઝરવેટરીનું આયોજન કર્યું હતું. જને ૨૦૧૬માં મંજુરી મળી છે.
- ડિસે. ૨૦૧૪માં ભારતે થટીમીટર ટેલીસ્કોપ (TMT)માં પુર્ણ કક્ષાની ભાગીદારી નોંધાવી હતી.
- જાન્યુ.- ૨૦૧૫ - તમિલનાડુનાં થેની સ્થળે ખાતે, ન્યુટીનો ઓબ્ઝરવેટરી બાંધવા માટે લીલી ઝંડી બતાવી છે.
- સપ્ટે.- ૨૦૧૫- ખગોળશાસ્ત્ર માટે ઉપયોગી એસ્ટ્રોસ્ટેટ ઉપગ્રહ અંતરીક્ષમાં ગોઠવ્યો છે.
ઉપરોક્ત ચારેય પ્રોજેક્ટ ભારત માટે એસ્ટ્રોનોમીમાં આંતરરાષ્ટ્રીય નામના અપાવે તેવા છે.

No comments: