Sunday 22 May 2016

૧૨૫ વર્ષના એવિયેશન ઈતિહાસનું ભવિષ્ય એટલે...લીલીયમ : પ્રાઈવેટ ઈલેક્ટ્રિક જેટ પ્લેન

 Pub.Date:  22.05.2016
સમાચાર નં. ૧ :- આજથી ૧૨૫ વર્ષ પહેલાં જર્મનીનાં ઓટો લિલીન્થાલે જાતે જ 'ગ્લાઈડર' બનાવીને ઉડાડયું હતું. તેનું મૃત્યુ પણ ગ્લાઈડરને નડેલ અકસ્માતનાં કારણે જ થયું હતું. હવે એક સદી બાદ, ઓટો લિલીન્થાલનાં 'ફલાઈંગ મશીન'ની નકલ બનાવીને આધુનિક વિન્ડ ટનલમાં ટેસ્ટ કરવા માંગે છે. ઓટો લિલીન્થાલનું ફલાઈંગ મશીન કઈ રીતે કામ કરતું હતું ? તેને અકસ્માત કઈ રીતે નડયો તેનાં સંભવીત કારણો જાણવા મળશે. આ વાત થઈ 'ભૂતકાળ'ને વર્તમાનની પ્રયોગશાળામાં ચકાસવાની !
સમાચાર નં. ૨ :- યુરોપીઅન સ્પેસ એજન્સી ઈંડા આકારની, ભવિષ્યની 'પ્રાઈવેટ જેટ' કહી શકાય તેવી. વર્ટીકલ ટેક ઓફ એન્ડ લેન્ડીંગ ધરાવતી સીસ્ટમની ચકાસણી કરશે. જેને ટેકનીકલ ભાષામાં VTOL કહે છે. VTOL ને આપણે 'હેલીકોપ્ટર' તરીકે ઓળખીએ છીએ. જોકે યુરોપીઅન સ્પેસ એજન્સી જેની ચકાસણી કરવાનું છે તે દેખાવમાં હેલીકોપ્ટર નહીં પણ એસ્ટલેન જેવું છે. અને ખાસ વાત ભવિષ્યનું 'પ્રાઈવેટ જેટ' ઈલેક્ટ્રીક પાવર પર ચાલે છે. ટુંકમાં નજીકનાં ભવિષ્યમાં ઈલેક્ટ્રીક પ્રાઈવેટ એર ટેક્ષી (કે તેને જેટ પ્લેન) કહી શકાય તેને લોકો ઉડાડી શકાય તેવા દિવસો હાથવેંતમાં છે. ભૂતકાળ અને ભવિષ્યકાળ બંને ટેસ્ટ ગ્રાઉન્ડ ઉપર છે. એક ફલાઈંગ વિઝીટની મજા લઈએ.

એવિયેશન :- જ્યારે ઈતિહાસની પ્રસ્તાવના લખાઈ !

મનુષ્ય આકાશમાં પતંગ ઉડાડતો થયો ત્યારે જ પતંગ સાથે ઉડવાનું સ્વપ્ન સેવ્યું હશે. જેમાંથી 'ગ્લાઈડર'નો જન્મ થયો હતો. હવાઈ ઉડ્ડયનનો ઈતિહાસ રોચક છે. એરોડાયનેમિક્સથી એવીયેશન વચ્ચે મનુષ્યનો ઈતિહાસ સચવાયેલો છે. એરોડાયનેમિક્સ આકાશમાં ઉડવાની વાતને સૈદ્ધાંતિક સ્વરૃપ આપે છે. જ્યારે 'એવીયેશન' વિજ્ઞાાન તેને પ્રેક્ટીકલ સ્વરૃપ આપે છે. ટેકનોલોજી એ અઠારમી સદીથી ટેક ઓફ કર્યું. પરંતુ તેની રૃપરેખા લિઓનાર્દો દવિન્સીએ ૧૫મી સદીમાં જ દોરી આપી હતી. અઠારમી સદીમાં હાઈડ્રોજન વાયુનાં આવિષ્કારે માત્ર કેમિસ્ટ્રીને જ નહીં એવીયેશનને પણ પોતાની બાહોમાં ઝકડી લીધું હતું. હવે ઉડવા માટે 'હાઈડ્રોજન બલુન' તૈયાર હતું.
ઉડવા માટે સંશોધકો બે ક્ષેત્રમાં સંશોધન કરતાં હતાં. કેટલાંક લોકો હવા કરતાં હલકા સાધનનો ઉપયોગ કરી. (દા.ત. બલુન, ગ્લાઈડર, ઝેપલીન) આકાશ આંબવા માંગતા હતા. જ્યારે કેટલાંક હવાથી ભારે ચીજ હોય તેને પણ ઉડાડવા માંગતા હતાં. જે મશીન વડે ઊર્જા મેળવતું હોય અને એક પ્રકારનું મશીન જ હોય. જેમાંથી 'એરોપ્લેન'ને આકાર મળવાનો હતો.
પતંગની શોધ 'ચીન'માં થયેલી માનવામાં આવે છે પતંગ એ મનુષ્યએ બનાવેલ પ્રથમ 'મેનમેડ એરક્રાફ્ટ' ગણી શકાય. ચીન અને જાપાનનો સાહિત્યમાં મનુષ્યને ઉંચકીને ઉડી શકે તેવો પતંગોનો ઉલ્લેખ છે. મનુષ્યને આકાશમાં ઉડાડવાની શરૃઆત ફ્રાન્સમાં થવાની હતી. ૧૭૮૩ એવિયેશનનાં ઈતિહાસની પ્રસ્તાવના લખે તેવું વર્ષ હતું. ૪ જુન ૧૭૮૩ રોજ મોન્ટોગોલ્ફીયર બ્રધર્સે હોટ એર બલુનને ફ્રાન્સમાં ઉડાડી નવી શરૃઆત કરી. જોકે હજી હોટ એર બલુન મનુષ્યને લઈને આકાશમાં ગયું ન હતું. આ કામ ૧૯ ઓક્ટોબરનાં રોજ હોટ એર બલુન સાથે મનુષ્ય પણ આકાશમાં ગયો પરંતુ બલુનને દોરડાથી બાંધી રાખવામાં આવ્યું હતું. પહેલી ડિસેમ્બર ૧૭૮૩નાં રોજ જેક્સ ચાર્લ્સ અને નિકોલસ લુઈસ રોબર્ટ પેરીસમાં ચાર લાખ લોકોની હાજરીમાં હાઈડ્રોજન ભરેલ બલુનમાં ઉડયા હતાં. બે કલાક પાંચ મીનીટની ફલાઈટમાં તેમણે ૩૬ કી.મી.નું અંતર કાપ્યું હતું. અને... એવિયેશનની દુનિયામાં પનોતા પુત્રનું પારણું બંધાયું. એવા પનોતા પુત્રો પેદા થવાના હતાં. જે એવીયેશનની દુનિયાને આકાશની સીમારેખાઓ બતાવવાનાં હતાં.

ઉડ્ડયનની દુનિયાનાં મહામાનવ

ફીજીક્સ ઓફ ફલાઈટ એટલે કે ઉડ્ડયનનું ભૌતિકશાસ્ત્ર સમજવાનું કામ સર જ્યોર્જ કેલીએ શરૃ કર્યું હતું. જેનાં કારણે તેમને 'ફાધર ઓફ એરોપ્લેન' કહેવામાં આવે છે. જેમણે હવા કરતાં ભારે વસ્તુને કઈ રીતે ઉડાડી શકાય તે સંબંધીત અસંખ્ય પ્રયોગો કરી, પ્રથમવાર વૈજ્ઞાાનિક માહિતી એકઠી કરી હતી. તેમની ડિઝાઈન તૈયાર કરી હતી. 'હોટ એર' બલુન બાદ હવે હવા ભરેલ 'એરશીપ'નો યુગ શરૃ થયો. જીન-પીઅરી બ્લોકાર્ડે ૧૭૮૪માં તેનું પ્રથમ ડેમોસ્ટેશન કરી બતાવ્યું અને ૧૭૮૫માં 'ઈંગ્લીશ ચેનલ' પાર કરી બતાવી હતી. હવે જર્મનીની ઝેપલીન કંપની લાંબા અંતર માટે પેસેન્જર અને કાર્ગો લઈ જવાં 'ઝેપલીન એરશીપ' વાપરવા લાગ્યા. ૧૯૩૭ની ૬ મેનાં રોજ, 'એરશીપ'નો ગોલ્ડન પીરીયડ પુરો થયો. હિડેનબર્ગનાં અકસ્માતમાં ૩૬ લોકો મૃત્યુ પામ્યા હતાં. એક બાજુ 'એરોપ્લેન' એડવાન્સ અવસ્થામાં આવી રહ્યાં હતાં. જોકે તેની શરૃઆત પહેલાં એક જવામર્દ પોતાની જાન આપીને 'ગ્લાઈડર'ને નવી દીશા આપવાનો હતો. કારણ કે ગ્લાઈડરમાંથી એરોપ્લેનની ઉત્ક્રાંતિ થવાની હતી. આ મહામાનવ એટલે ઓટો લિલીન્થાલ. જેને જર્મને 'ગ્લાઈડર કીંગ' અથવા 'ફલાંઈગમેન' તરીકે ઓળખે છે.
ઓટો લિલીન્થાલે ૧૮૮૪માં લેખ લખ્યો જેનું ટાઈટલ હતું. બર્ડ ફલાઈટ એઝ ધ બેઝીસ ઓફ એવિયેશન. તેમણે હેંગ ગ્લાઈડર્સની આખી સીરીઝ તૈયાર કરી હતી. ૧૮૯૧માં તેમણે ગ્લાઈડર લઈને ઉડવા માંડયું હતું. ૧૮૯૬માં ગ્લાઈડીંગ દરમ્યાન તેમનું મૃત્યુ થયું. એ વચ્ચેનાં સમયગાળામાં તેમણે ૨૦૦ વાર 'ગ્લાઈડર ફલાઈટ'માં તેઓએ ઉડવાની મજા માણી હતી. એટલું જ નહીં પોતાના સમગ્ર કાર્યને 'ફોટોગ્રાફી' વડે દસ્તાવેજીકરણ કરવાનું પણ તેઓ ભુલ્યા ન હતાં. જ્યાં ઓટો લિલીન્થાલની દુનિયા ખતમ થઈ ગઈ. ત્યાંથી ઓકટેવ ચાણુટે એરક્રાફ્ટ ડિઝાઈન કરવાની શરૃઆત કરી હતી. જેમાંથી પ્રેરણા મેળવીને 'રાઈટ બ્રધર્સ' દુનિયાનું પ્રથમ 'એરોપ્લેન' તૈયાર કરી. ઈતિહાસ રચવાના હતાં. જોકે ઓટો લિલીન્થાલ અને રાઈટ બ્રધર્સની વચ્ચે એક અનોખો જર્મન નાગરીક આવી ગયો. જેનું નામ હતું. ''ગુસ્તાવ વેબફોફર'' તેણે અમેરિકામાં આશરો લીધો અને પોતાની અટક બદલીને બની ગયા. ગુસ્તાવ ''વ્હાઈટ હેડ''. કહેવાય છે કે રાઈટ બ્રધર્સ કરતાં અઢી વર્ષ પહેલાં, 'હેવીયર ધેન એર'ની પાવર્ડ ફલાઈટની શરૃઆત ગુસ્તાવ વ્હાઈટહેડે કરી હતી. જોકે તેને સત્તાવાર રીતે ઈતિહાસકારોએ સ્વીકારી નથી.

ઓટો લિલીન્થાલ :- ફરીવાર ભૂતકાળ સજીવ થશે

ઓટો લિલીન્થાલને આકાશમાં ઉડનાર પ્રથમ માનવી તરીકે ઓળખવામાં આવે છે. ૧૨૫ વર્ષ પહેલાં તેણે પોતે બનાવેલ 'ગ્લાઈડર' વાપરી નવો ઈતિહાસ રચ્યો હતો. પક્ષીનાં ઉડ્ડયનનો અભ્યાસ કરીને તેમણે એરો-ડાયનેમિક્સનું પદ્ધતિસરનું 'નોલેજ' મેળવ્યું હતું. ૧૮૯૧થી ગ્લાઈડીંગની શરૃઆત કરનારાં લિલીન્થાલ કુલ પાંચ કલાક આકાશમાં ઉડયા હતાં. ૯ ઓગસ્ટ ૧૮૬૯નાં રોજ ગ્લાઈડરને અકસ્માત નડતાં, ૫૦ ફુટની ઉંચાઈએથી તેઓ નીચે પટકાયા હતાં. તેમની ડોક ભાંગી ગઈ હતી. બીજા દિવસે બર્લીન હોસ્પીટલમાં તેમનું અવસાન થયું હતું. આકાશી અકસ્માતનો આ પ્રથમ દસ્તાવેજી પુરાવા વાળું 'ડેથ' હતું.
રાઈટ બ્રધર્સે પણ કબૂલ્યું હતું કે, ''લીલીન્થાલનું સંશોધન તેમનાં માટે પ્રેરણાસ્ત્રોત બન્યું હતું. જોકે એ વાત અલગ છે કે રાઈટ બ્રધર્સની ડિઝાઈન લીલીન્થાલ કરતાં અલગ હતી. તેમની પદ્ધતિ પણ આગવી હતી.''
હવે, જર્મન એરોસ્પેસ સેન્ટર (DLR) દ્વારા લિલીન્થાલનાં ગ્લાઈડર મોડેલની રીપ્લીંકા બનાવવામાં આવી છે. જેને હોલેન્ડમાં આવેલ ડચ વિન્ડટનલમાં પ્રથમવાર ચકાસણી પણ કરવામાં આવી છે. વિશાળ યાત્રીક હાથામાં ગ્લાઈડરને મનુષ્યનાં કરતાં મોડેલ સાથે લટકાવવામાં આવ્યું છે. અહીં તેના પર સંશોધન થશે.DLR નાં પ્રોજેક્ટ મેનેજર 'હેનીંગ રોઝમેન' છે. કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય એવિયેશનની શરૃઆત સમયે કેવી પરિસ્થિતિ હતી તેનો અભ્યાસ કરવાનો છે. ગ્લાઈડર સ્ટેબલ અવસ્થામાં કેટલું અંતર કાંપી શકે તેમ હતું ? એવિયેશનનાં પાયોનિઅરને આ રીતે અનોખી શ્રધ્ધાંજલિ જર્મનો આપશે. એક અર્થમાં ભૂતકાળને વર્તમાનમાં તેઓ જીવંત કરીને, ભૂતકાળને આજની પેઢી સામે રાખવાનું કામ થશે ! કદાચ વિન્ડ ટનલની ફલાઈટ ટેસ્ટમાં નવું પણ કંઈક જાણવા મળે.

લીલીયમ :- પ્રાઈવેટ ઈલેક્ટ્રીક જેટ પ્લેનનો યુગ આવી રહ્યો છે ?

યુરોપીઅન સ્પેસ એજન્સી ઈલેક્ટ્રીક 'વિટોલ' (VTOL) ની ચકાસણી કરવા જઈ રહ્યું છે. જે કદાચ વિશ્વનાં પ્રથમ ઈલેક્ટ્રીક એરોકોપ્ટરનું બીરૃદ પામશે. આ એરક્રાફ્ટને ટેક ઓફ કે લેન્ડીંગ કરવા માટે એરપોર્ટ કે હેલીપોર્ટની જરૃર પડશે નહીં. ટચુકડાં 'હેલીપેડ' વડે તેનું કામ ચાલી જશે. મજાની વાત એ છે કે પ્લેનની ડિઝાઈન જર્મનીમાં તૈયાર થઈ છે. યુરોપીઅન સ્પેસ એજન્સીએ VTOLનું નામ ''લીલીયમ'' રાખ્યું છે. 'લીલીયમ' ઈંડા આકારનું પ્લેન છે. એરોપ્લેન મહત્તમ ચારસો કી.મી. પ્રતિ કલાકની ઝડપે ઉડશે. અને લગભગ ૫૦૦ કી.મી. એકધાર્યું ઉડી શકશે.
શહેરી વિસ્તારમાં પ્રદુષણ અને ઘોંઘાટ ઘટાડવામાં 'લીલીયમ' મોટું કામ કરશે. ઈલેક્ટ્રીક જેટ ૨૦૧૮માં વેચાણ માટે બજારમાં આવશે. જોકે હજી તેની કિંમત નક્કી થઈ નથી. દેખાવમાં તે 'ફલાઈંગ કાર' જેવું લાગે છે. બે પેસેન્જર વાળુ જેટ પ્લેન ૪૩૫ હોર્સ પાવરનું એન્જીન વાપરશે. 'લીલીયમ'માં આધુનિક ઈલેક્ટ્રોનીક્સ ઉપકરણો પણ હશે. માત્ર ૨૦ કલાકની ટ્રેઈનીંગ બાદ પાયલોટનું લાઈસન્સ મળી જશે. અહીં નોંધવાપાત્ર મુદ્દો એ છે કે આવું ઈલેક્ટ્રીક પ્લેન માત્ર દિવસ દરમ્યાન સારી 'વેધર કંડીશન'માં જ ઉડાડી શકાશે.
૫૦ ફુટ બાય પચાસ ફુટનાં વિસ્તારમાં પ્લેન આસાનીથી ફીટ થઈ શકશે. લીલીયમની ડિઝાઈન જર્મન ઈજનેર ડેનીયલ વિગાન્ડે તૈયાર કરી છે. જેમાં પેટ્રીક નથાન, સિબાસ્ટીયન બોર્ન અને મેથિપાસ મેઈનરે મદદ કરી છે. ઉડ્ડયનની શરૃઆતમાં વધુમાં વધુ ૬૦૦ કી.ગ્રા. જેટલું વજન પ્લેન ઉઠાવી શકશે. ટેકનિકલ યુનિવર્સીટી ઓફ મ્યુનીચના ડિઝાઈનરની ટીમ આ પ્રોજેક્ટમાં લાગેલી છે. જેમને એરોનોટીક્સ, એરોડાપનેમિક્સથી માંડી રોબોટીક્સ અને અલ્ટ્રા-લાઈટવેર સ્ટ્રકચર બનાવવામાં નિપુર્ણતા હાંસલ કરેલ છે. યુરોપીઅન સ્પેસ એજન્સી (ESA) પ્રોજેક્ટને શરૃઆતનું ભંડોળ અને આધાર આપી રહ્યું છે. માટે બાતમે કુછ 'દમ' જરૃર હૈ

No comments: