Sunday 12 November 2017

સ્પુતનિકથી સતાન-૨ સુધીની સફર : અંતરિક્ષ યુગનાં છ દાયકા

Pub-Date: 05.11.2017

જાગ ઉઠા સતાન, એટલે કે શેતાન ફરીવાર જાગી ચુક્યો છે. આ શેતાનની જનેતા છે રશિયા. કદાચ શેતાન જાગ્યો ન'હોત તો ! આપણે ટેકનોલોજીનાં જે તબક્કે - સ્ટેજ પર પહોંચ્યા છીએ ત્યાં પહોંચી શકત નહીં. આજથી ૬ દાયકા એટલે કે ૬૦ વર્ષ પહેલાં રશીયા, યુ.એસ.એસ.આર તરીકે ઓળખાતું હતું. દુનિયાનો પ્રથમ ઉપગ્રહ સ્પુતનીક નામે અંતરીક્ષમાં તરતો મુક્યો અને અચાનક પૃથ્વીવાસી માટે અંતરીક્ષયુગની શરૃઆત થઈ. અમેરીકા સફાળુ જાગી ગયું. યુ.એસ.એસ.આર સાથેનું કોલ્ડ વોર ટેકનોલોજી ક્ષેત્રે 'હોટ વોર' પુરવાર થઈ ગયું. મિસાઈલ વિકસાવવાથી શરૃ થયેલ રેસનું નવું ટાર્ગેટ 'સ્પેસ' બન્યું અને 'સ્પેસ રેસ' શરૃ  થઈ. કોણ અગ્રેસર રહેશે ? અમેરીકા કે રશીયા ? એકબીજાથી આગળ અને પ્રથમ રહેવાની જીદનાં કારણે માનવજાતનું કલ્યાણ થયું. તેમને નવી નવી ટેકનોલોજી મળતી ગઈ. નવું જ્ઞાાન મળ્યું. નવી ઉત્ક્રાંન્તિ આવી. ઈલેક્ટ્રોનીકલ ક્ષેત્ર કાચનાં વાલ્વમાંથી આજે નેનો ચીપ સુધી પહોંચી ગયું. અને ફરી વાર રશીયાએ તાજેતરમાં 'સતાન' નામનું નવું બેલાસ્ટીક મીસાઇલનું પરીક્ષણ કર્યું છે. જે એક સાથે બાર જેટલાં પરમાણુ શસ્ત્રો લઈ જઈને દુશ્મન દેશ પર ત્રાટકી શકે છે. એક જ ઝટકે બ્રિટન જેવા આખા દેશનો વિનાશ કરી શકે છે. છેલ્લા ૬ દાયકામાં અંતરીક્ષ યુગે મનુષ્યને રોબોટની નજીક લાવી દીધો છે. 

સતાન - ૨ : અંતરીક્ષ યુગનાં છ દાયકાની અનોખી ઉજવણી 

૨૬ ઓક્ટોબરનાં રોજ રશીયાએ સતાન-૨ ન્યુક્લીયર મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હોવાની જાહેરાત, રશીયાનાં સંરક્ષણ મંત્રીએ કરી હતી. સતાન-૨ ઇજી- ૨૮ નામે પણ ઓળખાય છે. રશીયાનાં પ્લેસ્ટેક કોસ્મોડ્રોમથી ફાયર થયેલ મિસાઈલે ૩૬૦૦ માઈલનું અંતર કાપીને કુરા ટેસ્ટ રેન્જનાં તેનાં ટાર્ગેટને તોડી પાડયું હતું. આ ઉપરાંત ત્રણ સબમરીન જે ન્યુક્લીઅર વોરહેડસ લઈ જવા સક્ષમ છે, તેમણે પણ બેલાસ્ટીક મિસાઈલનો સફળ પ્રયોગ કર્યો હતો. ત્રણ બોમ્બર વિમાનોએ ક્રુઝ મિસાઈલ વાપરીને જમીન પર રહેલાં ત્રણ નિશાન સફળતાપૂર્વક તોડી પાડયા હતા. બે મિસાઈલો ઉત્તર જાપાન અને ઉ.કોરીયા નજીક આવેલાં ઓખોસ્ક સી પર રહેલ સબમરીનમાંથી છોડવામાં આવી હતી. જ્યારે એક સબમરીન આર્કટીકનાં બેરેન્ટ સી પરથી મિસાઈલ છોડી હતી. આ આખી કવાયત રશીયન લશ્કરે ન્યુક્લીઅર રણનીતિનાં એક ભાગરૃપે કરી હતી. આ લશ્કરી કવાયતમાં, સ્ટ્રેટેજીક બોમ્બર Tu-160, Tu-95 MC ylu Tu-22M3 વાપરવામાં આવ્યા હતાં. Tu- તુપ્લોવ વિમાન માટે વપરાતું મિતાક્ષર છે. બોમ્બર વિમાનોમાંથી છોડવામાં આવેલ ક્રુઝ મિસાઈલોએ ઉત્તર રશીયાનાં કામચાકા, ઉતરનાં કોમી રિપબ્લીક અને કઝાકસ્તાનનાં રશીઅન લશ્કરી ટાર્ગેટ તોડી પાડયા હતાં. સતાન-૨ આંતર ખંડીય બેલાસ્ટીક મિસાઈલ છે જે એક ભુમી ખંડ પરથી બીજા ભૂમિખંડ પર પ્રહાર કરી શકે છે. જેની રેન્જ ખુબ જ લાંબી છે. મિસાઈલનું કામ ૨૦૦૯થી શરૃ કરવામાં આવ્યું હતું. જેનાં આખરી પરીક્ષણ હાલનાં સમયમાં ચાલી રહ્યાં છે. ૨૦૧૯-૨૦માં રસીયન લશ્કર તેનો ઉપયોગ શરૃ કરશે. ૧૯૪૫માં હીરોસીમા અને નાગાસાકી પર નાખવામાં આવેલ પરમાણુ બોમ્બ કરતાં ૨૦૦૦ ગણો વધારે પાવરફુલ એટલે કે ૪૦ મેગાટનનાં વોરહેડ લઈ જવાની ક્ષમતા સતાન-૨ રાખે છે. ગયા સપ્ટેમ્બર મહીનામાં પણ નેકસ્ટ જનરેશન ન્યુક્લીયર મિસાઈલનું રશીયા દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સતાન-૨નું લશ્કરી નામ QS-28 સરમાત છે. આ મિસાઈલને મોસ્કો વિક્ટરી કે પરેડમાં પણ રજુ કરવામાં આવ્યું હતું. રશીયાની લશ્કરી ક્વાયતનાં પગલે નાટો સહીત ચીન, જાપાન, અમેરીકા અને ઈઝરાયેલ ચોકી ગયા હતાં. લાગે છે રશીયા તેણે શરૃ કરેલ અંતરીક્ષ યુગનાં છ દાયકાને આગવી રીતે ઉજવી રહ્યું છે. 

અંતરીક્ષ યુગનો જન્મ : સ્પુતનીક 

૪ ઓક્ટોબર- ૧૯૫૭નાં રોજ પૃથ્વીનો ઈતિહાસ અલગ રીતે બદલાઈ ગયો હતો. રશીયાએ દુનિયાનો પ્રથમ કૃત્રીમ ઉપગ્રહ સ્પુતનીક અંતરીક્ષમાં ગોઠવીને તરખાટ મચાવ્યો હતો. અમેરીકા જેવી મહાસતા આશ્ચર્યચકીત થઈ ગઈ હતી. જેનાં કારણે રશીયાએ અંતરીક્ષ યુગનો જન્મ કરાવ્યો હતો તે, સોવિયત સ્પેશ પ્રોગ્રામનાં પિતામહ સર્ગેઈ કોરોલ્ટોવનું ચિત્ર આજે પણ મોસ્કોનાં કોસ્મોનોટીક મ્યુઝીયમમાં લટકે છે. બાસ્કેટ બોલ કરતાં થોડો મોટો અને ૮૪ કી.ગ્રા. વજનનો સ્પુતનીક એલ્યુમિનીયમનો બનેલો હતો. જેમાં બે રેડિયો ટ્રાન્સમીટર ગોઠવેલાં હતાં. ચાર એન્ટેના લગાવેલાં હતાં. ટ્રાન્સમીટર પ્રસારણ માટે માત્ર પ્રયોગાત્મક સ્વર બીપ-બીપ-બીપ- અવાજને વહેતો મુક્તાં હતાં. સ્પુતનીક દ્વારાં રાજકીય, લશ્કરી ટેકનોલોજીકલ અને વૈજ્ઞાાનિક વિકાસનું પ્રથમ પગલું વિશ્વએ માંડયું હતું. જોકે તેની સીધી અસર નીચે અમેરિકા-રશીયા વચ્ચેની 'સ્પેસ રેસ' શરૃ થઈ ગઈ હતી. સ્પુતનીક તરતો મુકાયો તેનાં સોળ વર્ષ પહેલાં અમેરીકાનાં પર્લ હાર્બર પર જાપાનીઓએ એટેક કરીને અમેરીકાને છછેડાયું હતું. બીજા વિશ્વયુદ્ધની સમાપ્તી પછી અમેરિકનો માનવા લાગ્યા હતાં કે અમેરીકા વિશ્વનાં અન્ય દેશો કરતાં ટેકનોલોજી ક્ષેત્રે આગળ છે. સ્પુતનીકની સફળતાએ તેમની આંખો ખોલી નાખી હતી. હવે અમેરિકનોને ડર લાગવા માંડયો હતો કે રશીયા પરમાણુ શસ્ત્રવાળા બેલાસ્ટીક મિસાઈલ વાપરીને અમેરિકા ઉપર ગમે ત્યારે હુમલો કરી શકે તેમ હતું. રશીયન સામ્યવાદનો ફેલાવો, અમેરીકન મુડીવાદી તંત્ર માટે શેતાની સ્વરૃપ હતું. સામ્યવાદને મુડીવાદનાં દુશ્મન તરીકે વિવિધ માધ્યમો ચિતરવા લાગ્યા હતાં. રશીયાનાં સ્પુતનીકનો જવાબમાં ત્રણ મહીના કરતાં ઓછા સમયમાં તૈયારી કરીને, અમેરિકાએ તેનો પ્રથમ કૃત્રીમ ઉપગ્રહ એકસપ્લોરર-૧ ૩૧ જાન્યુઆરી ૧૯૫૮નાં રોજ અંતરિક્ષમાં ધકેલ્યો હતો. એક્સપ્લોરર સ્પુતનીક કરતાં એક ડગલું આગળ વધેલો હતો. એક્સપ્લોરરમાં રાખેલાં વૈજ્ઞાાનિક ઉપકરણો વડે અમેરીકાએ પ્રથમવાર પૃથ્વીની ફરતે આવેલ ગોળ મેગ્નેટીક રેડિયેશનનો બેલ્ટ/પટ્રો શોધી કાઢ્યો હતો. જેને જેમ્સ વાન એલડીનાં નામ પરથી ''એલન બેલ્ટ'' તરીકે ઓળખવામાં આવે છે. પ્રમુખ આઈઝન હોવરે એક ઓક્ટોબરનાં રોજ અમેરિકાની ખ્યાતનામ સંસ્થા ''નાસા''ને જન્મ આપ્યો. સ્પુતનીક દ્વારા પેદા થયેલ દુશ્મની દાયકાઓ સુધી ચાલી, જેના કારણે અમેરીકન નાગરીક નીલ આર્મસ્ટ્રોંગે, ચંદ્ર પર પ્રથમ વાર પગલાં પાડયાં.

 અંતરિક્ષ યુગ :- રશિયન મિસાઇલ પ્રોગ્રામની આડપેદાશ


૧૯૫૭માં રશિયા, સર્ગેઇ કોરોલ્પેવનાં માર્ગદર્શન હેઠળ R-7  મિસાઇલનું બાંધકામ કરી રહી હતી. વૈજ્ઞાાનિકો બીજી બાજુ વિવિધ ઉપકરણો ધરાવતાં કુત્રીમ ઉપગ્રહની ડિઝાઇન અને બાંધકામ માટે પ્રોગ્રામ ચાલુ કરી ચુક્યા હતાં. સર્ગેઇ કોરોલ્પેવ દુરંદેશી વૈજ્ઞાાનિક હતાં. તેમને ખબર હતી કે અમેરિકા પણ કુત્રીમ ઉપગ્રહ ક્ષેત્રે સંશોધન કરી રહ્યું છે. લશ્કરી અધિકારી બેલાસ્ટીક મિસાઇલ વડે સેટેલાઇટને અંતરિક્ષમાં મોકલવા રાજી ન હતો. લશ્કરી અધિકારીઓને તે સમયે, ''સેટેલાઇટ''નાં રીઅલ પાવરની જાણ ન હતી. સર્ગેઇ કોરોલ્પેવે લશ્કરી અધિકારીઓને મનાવી લીધા હતાં. રશિયા ફુલ-ફ્લેશ વૈજ્ઞાાનિક ઉપકરણો વાળો સેટેલાઇટ અંતરિક્ષમાં મોકલવા માંગતું હતું. કોરોલ્પેવે અમેરિકાને મહાત આપવા માટે એકદમ સાદો ઉપગ્રહ બનાવી અંતરિક્ષમાં મૂકી દીધો. ઉપગ્રહનું નામ PS-1  હતું. જેનો અર્થ થાય પ્રોસ્ટેશીય સ્પુતનીક એટલે કે ''સાદો-સરળ ઉપગ્રહ''. શરૃઆતમાં શંકુ આકારનો ઉપગ્રહ નિર્માણ કરવાનું વિચારવામાં આવ્યું હતું. પરંતુ કોરોલ્પેવે ગોળ-દડા જેવો આકાર પસંદ કર્યો હતો. તેઓ માનતા હતાં કે પૃથ્વી ગોળ છે તો, તેનો પ્રથમ કુત્રીમ ઉપગ્રહ ગોળ હોવો જોઇએ. રશિયાએ પ્રથમ કુત્રીમ ઉપગ્રહ તરતો મૂક્યો, પરંતુ તેનાં પોલીટીકલ લીડરોને ઘટનાનું ખરૃ મહત્વ કે વૈજ્ઞાાનિકો ઉપલબ્ધીની મહાનતાનો જરાય ખ્યાલ ન હતો. કોમ્યુનિસ્ટ પાર્ટીનાં સમાચાર પત્ર ''પ્રવદા''નાં અંદરનાં પાનામાં સ્પુતનીકનો પ્રથમ સત્તાવાર રિપોર્ટ છપાયો હતો. વિશ્વમાં સ્પુતનીકની જાણ થતાં, બે દિવસ બાદ, પ્રવદાનો પ્રથમ પાનાં પર ''સ્પુતનીક'' સમાચાર બનીને ચમક્યો હતો. પ્રવદાએ લોકો સ્પુતનીકને આકાશમાં જતો જોઇ શકે તે માટે તેનાં ભ્રમણ માર્ગની માહિતી પણ આપી હતી. જો કે સ્પુતનીકને લઇ જનાર મિસાઇલનાં બીજા તબક્કાનું બુસ્ટર રોકેટ પણ સ્પુતનીકની ભ્રમણ કક્ષામાં ફરતું હતું. અંધારી રાત્રે તેને પણ લોકો આકાશમાં ચમકતા તારાં માફક જતું જોઇ શકતા હતા. જોકે ઉપગ્રહ એટલો નાનો હતો કે નરી આંખે લોકો તેને જોઇ શકે તેમ ન હતાં. બુસ્ટર રોકેટને લોકો ઉપગ્રહ સમજી બેઠા હતાં. ત્રણ મહીના પૃથ્વીની પ્રદક્ષિણાં કરીને છેવટે સ્પુતનીક પૃત્થીનાં વાતાવરણમાં પાછો પ્રવેશ્યો હતો. વાતાવરણ સાથેનાં ઘર્ષણમાં બળીને સ્પુતનીક રાખ થઇ ગયો, પરંતુ અંતરીક્ષ યુગનાં જન્મ સાથે આગળ રહેવા માટે રશિયા-અમેરિકા વચ્ચે ઘર્ષણ હંમેશા વધતું જતું હતું.

 સ્પુતનિકનો ''ખરો હિરો - સર્ગેઇ કોરોલ્પેવ હતો''.

સ્પુતનીક દ્વારા દહેશતનો માહોલ ફેલાયેલો જોઇને, રશિયન સત્તાધીશો ગેલમાં આવી ગયા હતાં. ૧૯૧૭ની બોલ્શેવીક ક્રાન્તિની ઉજવણી માટે સાત નવેમ્બરનાં રોજ એક બીજો સ્પુતનિક ઉપગ્રહ છોડવા માટે વૈજ્ઞાાનિકોને આખરી ડેડલાઇન આપી દેવામાં આવી હતી. રશિયન રોકેટ અને સ્પેસ પ્રોગ્રામ એકદમ ગુપ્ત રીતે ચાલતો હતો. જેમાં સર્ગેઇ કોરોલ્પેવ ડ્રાઇવરની ભૂમીકામાં હતો. છતાં તેમનું નામ જાહેર કરવામાં આવતું ન હતું. કોરોલ્પેવ માત્ર નોન-સીક્રેટ જેવું તેનું સંશોધન પ્રકાશીત કરી શકતા હતાં. જોકે તે માટે તેમને પ્રો. કે. સર્ગેએવનું ગુપ્ત નામ વાપરવું પડતું હતું. એ સમયે રશિયામાં સોવીયેત એકેડમી ઓફ સાયન્સનાં સભ્ય તરીકે લીયોનીદ સેદોવ હતાં. પશ્ચિમી જગત લીયોનીદ સેદોવને 'ફાધર ઓફ સ્પુતનીક' તરીકે બીરદાવવા લાગ્યું હતું. છતાં રશિયો સર્ગેઇ કોરોલ્પેવ વિશે કોઇ સ્પષ્ટતા કરી ન હતી. એટલું જ નહીં, રશિયાની નોબેલ કમીટીની મિટીંગ દ્વારા સોવીયેત પ્રમુખ નિકીતા કુશ્ચોવને કોરોલ્પેવનાં ડિઝાઇનરને ઈનામ અને એવોર્ડ આપવાની ભલામણ કરવામાં આવી હતી. જેનો કુશ્ચોવે ઈન્કાર કરીને જણાવ્યું હતું કે ''સ્પુતનીક'' એ સમગ્ર સોવીયેત લોકોની ઉપલબ્ધી છે. કોરોલ્પેવની દીકરી નતાલીયા કહે છે કે રશિયન ગુપ્તતા હેઠળ તેનાં પિતાજીને ખુબ જ અન્યાય થતો હતો. તેના પિતાજી પણ ગુપ્તતા વિશે કડવાશ કાઢતા હતાં. તેઓ કહેતાં અમે અન્ડરગ્રાઉન્ડ કામ કરીએ છીએ. અમે ખાણીયા જેવા છીએ. કોઇ અમને જોઇ શકતું નથી. કોઇ અમને સાંભળી શકતું નથી. હવે અંતરિક્ષ યુગનાં છ દાયકા બાદ, આપણે સર્ગેઇ કોરોલ્પેવને છાતી કાઢીને કહી શકીએ. પ્રો. સર્ગેઇ તમને ભલે કોઇ જોઇ શકતું ન હતું કે સાંભળી શકતું ન હતું. ''તમારાં પ્રયત્નોનાં કારણે વિશ્વમાં સેટેલાઇટ કોમ્યુનિકેશન સિસ્ટમ વિકસી છે. દુનિયાનાં દૂર ખૂણે વસતા અમારાં પ્રિય પાત્રને આજે તમારાં કારણે અમે સાંભળી શકીએ છીએ અને જોઇ શકીએ છીએ. તમારાં નાનાં પગલાંઓએ ક્રાન્તિકારી ફેરફારો કરીને આખાં વિશ્વને નાનું બનાવી દીધું છે.

No comments: