Wednesday 1 November 2017

આર્ટીફિશિઅલ ઈન્ટેલીજન્સ : પ્રશ્નાર્થ ચિહ્ન કે આશ્ચર્ય ચિન્હ


એ.આઈ.એલીયન્સ પૃથ્વી પર નજર રાખી રહ્યાં છે?


શું તમને લાગે છે કે સોશીયલ મીડીયા અને ન્યુઝ મીડીયાને ટેકનોલોજીએ ખળભળાવી મુક્યું છે. થોડી ધીરજ ધરો! ગુજરાતમાં થનારી વિધાનસભાની ચૂંટણીમાં સોશીયલ મીડીયા અને ન્યુઝ મીડીયાનો ભરપુર ઉપયોગ થશે. હવે દરેક યુવાનનું ખ્વાબ ટચસ્ક્રીનવાળો હાઈ-ફાઈ સુપર સ્માર્ટ ફોન હોય છે. વોટ્સએપ અને ફેસબુક ઉપર ઉપયોગકર્તા-યુઝર નામે એકાઉન્ટ ખોલી, પોલીટીક્સ જાહેરાતો કરવામાં આવે છે. બસ એટલું માનવું જ રહ્યું કે હવે ટેકનોલોજીને ૧૦૦ ટકા નિતારી લેવાની કવાયત થઈ રહી છે.

આવતીકાલની એટલે કે આવનારાં વર્ષોની ટેકનોલોજીનાં દર્શન કરાવે તેવો, જીટેક્ષ ટેકનોલોજી ફેર દુબઈમાં યોજાઈ ગયો. મહત્વની વાત એ છે કે યુનાઈટેડ નેશન્સની ન્યુયોર્કમાં ભરાયેલ એક કોન્ફરન્સમાં 'સોફીયા' નામની ફિમેલ હ્યુમનોઈડ (રોબોટ) ધ્વારા પ્રથમવાર ભાષણ આપવા માં આવ્યું હતું. સોફીયાનો દેખાવ ઓડ્રેય હેપબર્ન જેવો રાખવામાં આવ્યો હતો.
ટેકનોલોજીની વાત કરીએ તો સુપર કોમ્પ્યુટરનો યુગ હવે સમાપ્ત થવામાં છે. આવનારાં દાયકામાં રોબોટ અને ગેજેટને સુપર ઈન્ટેલીજન્ટનો પાવર મળશે. જેની પાછળ એકવીસમી સદીની પાવરફૂલ ટેકનોલોજી 'આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ' કામ કરતી હશે. આ આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનાં મીડીયા પર પડેલા પ્રભાવ અને પડછાયાને આંકવો મુશ્કેલ છે.

સોફીયા : યુનાઈટેડ નેશન્સની કોન્ફરન્સમાં આગમન

આજકાલનાં સ્માર્ટફોનમાં એન્ડ્રોઈડ સીસ્ટમ લગભગ પુરેપુરો પગપેસારો કરી ચુકી છે. જે લીનક્ષ જેવી પ્રોગ્રામીંગ લેંગ્વેજ પર આધારીત છે. એન્ડ્રોઈડનો મતલબ થાય મનુષ્ય જેવો દેખાતો આર્ટીફીશીઅલ ઈન્ટેલીજન્સ ધરાવતો રોબોટ. આવા રોબોટનાં સર્જનમાં હાનસેન રોબોટીક્સ ખ્યાતનામ બની ચુકી છે.
જેનો 'સોફીયા' નામનો રોબોટ યુનાઈટેડ નેસનની કોન્ફરન્સમાં લેક્ચર આપી ચુક્યો છે. જે જીવંત વ્યક્તિ જેવી અભિવ્યક્તિ ધરાવતો હતો. તેણે મીડીયા પરસન્સને કેટલાંય ઈન્ટરવ્યુ આપ્યા છે. કોન્સર્ટમાં ભાગ લઈ ચુક્યો છે. છેલ્લે યુનાઈટેડ નેશન્સનાં ડેપ્યુટી સેક્રેટરી અમીન જે મોહમંદ સાથે વાર્તાલાપ પણ કરી ચુક્યો છે.
સોફીયાએ ફેમસ સાયન્સ ફિક્શન રાઈટર વિલીયમ ગીબ્સનનું ક્વૉટેશન લઈને અમીના મોહમંદ સાથેનાં વાર્તાલાપમાં કહ્યું કે ''ધ ફ્યુચર ઈઝ ઓલરેડી હીઅર! ઈટ્સ જસ્ટ વેરીવેલ ડીસ્ટ્રીબ્યુટેડ'' મતલબ ભવિષ્ય અહીં આવી ચુક્યું છે, પણ તેનું વિતરણ સારી રીતે થઈ શક્યું નથી.
ફ્યુચર શબ્દ અહીં ટેકનોલોજીના પર્યાય તરીકે વાપરવામાં આવ્યો છે. વધુમાં સોફીયા ઉમેરે છે કે ''આપણા સમાજ પર ટેકનોલોજીનો પ્રતાપ આપણી જાત એટલે કે મનુષ્ય દ્વારા નક્કી કરવામાં આવશે નહીં કે મશીન ધ્વારા. ટેકનોલોજીનો આવિષ્કાર મનુષ્ય જાતનાં લાભ માટે કરવો જોઈએ.'' સોફીયા નામનો એન્ડ્રોઈડ 'ધ ફ્યુચર ઓફ એવરીથીંગ' વિષય પર ભાષણ આપી રહ્યો હતો.

ફિલીપ ડિક નામનાં ખુબજ જાણીતાં સાયન્સ ફિક્શન રાઈટરનું વાર્તાલાપ વડે પોટ્રેઈટ ચિતરવા બદલ હાનસેન રોબોટીક્સને અમેરિકન એસોસીએશન ફોર આર્ટીફીશીઅલ ઈન્ટેલીજન્સ ધ્વારા એવોર્ડ પણ મળ્યો છે. તેમની ડીઝાઈન કરેલ 'સોફીયા' સામાન્ય સ્ત્રી માફક ૬૦ પ્રકારનાં હાવભાવ લાવી શકે છે.

આર્ટીફીશીઅલ ઈન્ટેલીજન્સ : પ્રશ્નાર્થ ચિન્હ કે આશ્ચર્ય ચિન્હ

વિજ્ઞાાન જગતનાં જાણીતાં નિષ્ણાંતો કહે છે કે પૃથ્વી પર મનુષ્ય ભલે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સની શરૃઆત કરી રહ્યો હોય, બ્રહ્માંડમાં આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ ધરાવતાં પરગ્રહવાસીઓની સભ્યતા ક્યારનીય જન્મી ચુકી છે. જે પૃથ્વી પર નજર પણ રાખી રહી છે.
મતલબ આપણે આર્ટીફીશીઅલ ઈન્ટેલીજન્સ ધરાવતાં ''બિગ બોસ''નાં ટેકનોલોજીકલ શોનાં પ્યાદાં છીએ. યુનિવર્સિટી ઓફ કનેક્ટીકટનાં સુસાન સ્નેઇડર કહે છે કે ''બ્રહ્માંડમાં રહેલી અન્ય સભ્યતાઓ / સંસ્કૃતિઓ અજાણી સુપર ઈન્ટેલીજન્સનાં વિવિધ સ્વરૃપો ઉપર આધાર રાખી શકે છે. જે આપણે હજી પૃથ્વી પર બનાવી શક્યા નથી.''
બ્રહ્માંડના આર્ટીફીશીઅલ ઈન્ટેલીજન્સ (AI) ધરાવતો એલિયન્સ / પરગ્રહવાસી એ પૃથ્વી પરની ''પોસ્ટ બાયોલોજીકલ'' ઘટના છે.
જે પૃથ્વી પરનાં સજીવોનાં ડિએનએ કરતાં અલગ આધાર પર રચાઇ છે. મતલબ કે આવી સંસ્કૃતિ અને તેનાં એન્ડ્રોઇડ ''અમરત્વ'' ધરાવે છે. આવી સુપર ઈન્ટેલીજન્સ ધરાવતી પ્રજાની પૃથ્વીની જાસુસી પણ કરી રહી છે. માનો કે ના માનો ! તમારી મરજી ! જ્યારે AI એલીયન્સ દ્વારા સીવીલાઇઝેશનની શરૃઆત થઇ ત્યારે તેઓ બાયોલોજીકલ લાઇફથી માત્ર સદીઓ દૂરની ઘટના છે.
જેનો અર્થ થયો કે બ્રહ્માંડનાં ટાઇમ સ્કેલ પ્રમાણે ડિએનએ આધારીત ''બાયોલોજીકલ લાઇફ'' ''જૈવિક જીવો'' એક ટુંકી ''શોર્ટ વિન્ડોઝ''માં જીવી રહ્યાં છે. મનુષ્ય કરતાં આર્ટી. ઈન્ટેલીજન્સ એલીયન્સ હજારો ગણા વધારે બુધ્ધિશાળી છે. મનુષ્ય બૌધ્ધિક કક્ષા અને ક્ષમતાની વાત આવે ત્યારે તેમની સામે નાના બાળક જેવાં છે.
ડો. સ્નેઇડર્સ માને છે કે બ્રહ્માંડ સુપર ઈન્ટેલીજન્સ એલીયન્સનો મહાન યુગ ચાલી રહ્યો છે. જેની શરૃઆત ૧૭ લાખ વર્ષો પહેલાંથી માંડી ૮૦ લાખ વર્ષો પહેલાંનો સમયગાળો છે. સીલીકોન બેઝ ધરાવતાં જીવ, મનુષ્ય જેવાં કાર્બન આધારીત જીવો કરતાં વધારે સારી રીતે બ્રહ્માંડમાં ટકી જવાની ક્ષમતા ધરાવે છે.
સ્પેસ ટ્રાવેલ માટે સીલીકોન બેઝડ આર્ટીફીશીયલ લાઇફ વધારે એડવાન્ટેજ / લાભ ધરાવે છે. તેમની બુધ્ધિની મર્યાદા માત્ર મગજમાં રહેલ ગ્રે મેટર પુરતી સીમીત નથી. આ સભ્યતા પૃથ્વી / સૂર્યમાળાની બાયોલોજીકલ સીવીલાઇઝેશન કરતાં વધારે પ્રાચીન છે. તેમની ભાષામાં મનુષ્યો,  ગેલેક્ટીક બેબીઝ'' છે.

નેનો મશીન : મનુષ્યને સુપર હ્યુમન બનાવશે

આવનારાં ૨૦ વર્ષમાં એ.આઇ.વાળા નેનો મશીન આપણા શરીરમાં ઈન્જેકશન દ્વારા નાખવામાં આવશે. મગજમાં જઇને ''સાયાબોર્ગ''ની નવી પેઢીને જન્મ આપશે. આઈબીએમ કંપનીનાં જ્હોન મેકનેમારાએ આગાહી કરી છે કે આવનારાં બે દાયકામાં મનુષ્ય સુપર હ્યુમન જેવી તાકાત મેળવી લેશે.
તેની આજુબાજુનાં બધા ઈલેક્ટ્રોનીક ગેજેટને માત્ર વિચાર શક્તિ વડે એટલે કે પાવર ઓફ થૉટથી નિયંત્રીત કરી શકશે. બ્રિટનની ''હાઉસ ઓફ લોર્ડ''માં ભાષણ આપતાં તેમણે કહ્યું કે ''મનુષ્યની આવનારી જનરેશન, મશીન સાથે જોડાયેલી રહેશે. આ આગાહી સાચી પાડવાની હોય તેમ રશિયાએ તેનાં લશ્કરનાં સૈનિકોને વધારે તાકાત અને ક્ષમતા આપે તેવાં એકઝો સ્કેલેટન વાળા લશ્કરી પોશાકનું નિર્દેશન તાજેતરમાં કરી બતાવ્યું છે.
એ.આઇ.વાળા નેનો મશીનથી મેડિકલ બેનીફીટ મળશે. નુકસાન પામેલા કોષોનું જલ્દીથી રિપેરીંગ કામકાજ થઇ શકશે. મનુષ્યનાં સ્નાયુ અને હાડકાને વધારાની ક્ષમતા મળશે. તેમની પાસે વધારે કામ કરાવવામાં આવશે ત્યારે નેનો મશીન 'ચેતવણી' આપશે. મનુષ્યની આજુબાજુનું પર્યાવરણ લગભગ સીલીકોન આધારીત ઉપકરણોવાળું બની જશે.
જેને મનુષ્ય માત્ર વિચાર કરીને નિયંત્રીત કરી શકશે. વિવિધ દેશોનાં ઈતિહાસ અને રાજકીય પરિસ્થિતિનો ડેટા મેળવી એ.આઇ. તેનું વિશ્લેષણ કરશે. આવા હ્યુમનોઇડ લોકોને કોને અને શા માટે વૉટ આપવો તે જણાવશે. આવા રોબોટ, પોલીટીકલ અવતાર તરીકે ઓળખાશે.મનુષ્યનું મગજ ત્યાર બાદ અનુભવજન્ય જ્ઞાાન મેળવવાનું છોડીને મશીન લર્નીંગને સ્વીકારવા લાગશે. મનુષ્યને માત્ર મશીનને નિયંત્રીત રાખવાનું કામ કરવું પડશે.
એઆઇનાં કારણે લોકોની નોકરી જોખમમાં મૂકાઇ જશે પરંતુ મનુષ્ય પાસેની સર્જનશીલતાને મોકળાશ મળશે. તે પોતાની સર્જનાત્મકતાને સોળે કળાએ ખિલવી શકશે. સેક્સ માટે મનુષ્યએ તેનાં જૈવિક પાર્ટનર પર આધાર રાખવો પડશે નહીં. રોબોટ સેક્સની તમારી તમામ જરૃરીયાતો પુરી કરી શકશે. યુરોપ અને અમેરિકામાં હવે સેક્સ ડૉલ અને મેલબોટ વડે સેક્સ પુરી પાડતી દુકાનો વધી રહી છે.

રોબોટ અને આર્ટીફીશીઅલ ઈન્ટેલીજન્સ :- મીડીયાથી માંડી લીગલ સ્ટેટસની લડાઇ

ઈસ્ટોનીયા નામનો દેશ હવે નવી શરૃઆત કરવા જઇ રહ્યો છે. તેનાં સરકારી અધિકારીઓ રોબોટ અને આર્ટીફીશીઅલ ઈન્ટેલીજન્સ ધરાવતા ગેજેટને કાયદેસર માન્યતા આપવા જઇ રહ્યાં છે. તેઓ મનુષ્યનાં કાયદેસરનાં ''રોબોટ એજન્ટ''નો દરજ્જો આપવામાં આવશે. જેનાં કારણે રોબોટ એક સ્વતંત્ર વ્યક્તિ તરીકેનું સ્ટેટસ ભોગવશે. ચીજવસ્તુ કે કંપનીની માલીકી કરતાં આ દરજ્જો ઉંચો ગણાશે. જ્યારે અકસ્માતમાં મશીન, એઆઇ ગેજેટ કે રોબોટ જવાબદાર હશે તો તેને જવાબદાર ગણી સજા કરવામાં આવશે.
ખાસ મકસદમાં તૈયાર કરવામાં આવતાં ''કિલર રોબોટ'' પર પ્રતિબંધ મૂકવામાં આવશે. ત્રાસવાદીઓ કિલર રોબોટ વાપરશે તેવી દહેશત વૈજ્ઞાાનિકોને સતાવી રહી છે. યુરોપમાં પણ રોબોટનું લીગલ સ્ટેટસ બદલવા માટેનાં ડ્રાફ્ટ થઇ રહ્યાં છે. ખાસ કરીને સેલ્ફ ડ્રાઇવીંગ કાર કે વેહીકલને લઇને સરકારની ચિંતા વધી રહી છે. ૨૦૨૦ સુધીમાં વિશ્વના રોડ પર સેલ્ફ ડ્રાઇવીંગ કાર ફરતી હશે.
ન્યુઝ મીડીયાને પણ આવનારી ટેકનોલોજી મોટી અસર પહોંચાડશે. આવનારા દાયકામાં મનુષ્ય સાથે મીડીયાનું સીધું ઈન્ટરેકશન, કોમ્પ્યુટર અને વોઇસ ઈન્ટફેસ વડે થશે. એમઝોનની એલેક્ષા અને એપલની 'સીરી' માફક દરેક એપ્લીકેશન પાસે ખાસ 'વોઇસ સેટ' હશે. જે અલગ અલગ ભાષામાં વાર્તાલાપ કરી શકશે. પત્રકારત્વ ઉપર પણ એઆઇનાં કારણે અસર પડશે. હાલનાં એક સર્વે પ્રમાણે ૭૫ જેટલી નવી વિકસેલ ટેકનોલોજી પત્રકારત્વ અને મીડીયા પર ઊંડી છાપ છોડશે.
જેમાં ડ્રોન વિમાન, વેરેબલ ઓટો કંટ્રોલ ડિવાઇસ, બ્લોક ચેઇન, ૩૬૦ં ડીગ્રી વિડીયો, વરચ્યુલ રીઆલીટી અને રિઅલ ટાઇમ ફેક્ટ ચેકીંગ સીસ્ટમ મુખ્ય હશે. નવી ટેકનોલોજી વડે વિઝ્યુઅલ ડેટાનું પૃથ્થકરણ આસાનીથી થશે. સામાન્ય માણસ સમજી શકે તેવું પ્રેઝન્ટેશન થઇ શકશે. પુષ્કળ પ્રમાણમાં આવતાં ડેટામાંથી જરૃરી માહિતી અલગ તારવવા, માહિતી કે ન્યુઝ લખી શકે તેવાં ખાસ કોમ્પ્યુટર અલ્ગોરિધમનો વિકાસ થઇ ચુક્યો હશે.
જેનાં કારણે લેખક, પત્રકાર પાસે, વધારે સમૃધ્ધ માહિતી, રજુઆત, માહિતી ચકાસણી અને એડીટીંગની વિશાળ પસંદગી કરવાનો મોકો મળશે. થોડી મીનીટોમાં આખે આખો ન્યુઝ એપીસોડ તૈયાર થઇ શકશે. માત્ર પત્રકાર લેખકને આ નવી ટેકનોલોજીથી  માહિતગાર બની, ટ્રેઇનીંગ લેવી પડશે.

No comments: