Tuesday 16 February 2016

થર્મો-ન્યુકિલયર વેપન્સ

દક્ષિણ કોરિયાનો હાઈડ્રોજન બોમ્બ 'ટેસ્ટ' કર્યાનો દાવો


દક્ષિણ કોરિયાની ઉત્તર પુર્વિય પર્વતમાળામાં યોંગ યાંગ આવેલું છે. મંગળવાર સવારનાં દસ વાગ્યાનો સમય હતો. કેલેન્ડર છઠ્ઠી જાન્યુઆરી ૨૦૧૬નો દિવસ બતાવતું હતું. યોંગયાંગની આસપાસનાં વિસ્તારનાં લોકોને લાગ્યું કે જાણે ધરતી ધુ્રજી ઉઠી હતી. નજીકનાં દેશનાં સિસ્મોગ્રાફમાં ધુ્રજારીઓની નોંધ થઈ ચુકી હતી.
અવલોકનકારો ધુ્રજારીનાં ગ્રાફ જોઈ જાણી ચુકયા હતાં કે ધરતી ધુ્રજ્યાનાં સીગ્નલ કુદરતી નહીં પરંતુ, કૃત્રીમ હતાં. લોકો ધુ્રજારીનાં કેન્દ્રની માહિતી મેળવે તે પહેલાં જ દક્ષિણ કોરિયાની સરકારે વિધીવત જાહેરાત કરી કે તેમણે 'હાઈડ્રોજન બોમ્બ'નું સફળ પરિક્ષણ કર્યું છે. ટેકનિકલ ભાષામાં હાઈડ્રોજન બોમ્બને 'થર્મો-ન્યુકિલયર વેપન્સ' અથવા 'ફયુઝન બોમ્બ' કહે છે. ટુંકમાં તે 'એચ-બોમ્બ' તરીકે પણ ઓળખાય છે. કોરિયાએ કરેલ હાઈડ્રોજન બોમ્બ વિસ્ફોટ, વિશ્વનો પ્રથમ ધડાકો ન હતો. આ પહેલાં તેનો ઇતિહાસ અમેરિકાએ લખવાની શરૃઆત કરી હતી અને... રશિયાએ 'કોલ્ડ વોર'નાં જમાનામાં પાછળ રહે તેમ ન'હતું. આજથી ૬૩ વર્ષ પહેલાં અમેરિકાએ પ્રથમ 'એચ-બોમ્બ'નો ટેસ્ટ કર્યો હતો. ત્યારબાદ રશિયા, ચીન, ફ્રાન્સ અને બ્રિટને 'હાઈડ્રોજન બોમ્બ' બનાવી ફોડી બતાવ્યા હતા. ઉત્તર કોરિયાએ ખરેખર એચ-બોમ્બનો વિસ્ફોટ કર્યો છે કે તેનું સુરસુરીયુ થઈ ગયું ?

ન્યુકલીયર વેપન્સ પ્રાથમિક માહિતી
ખરા અર્થમાં તેને નાયિકીય હથિયાર કહેવા જોઈએ, પરંતુ તેને પરમાણુ શસ્ત્ર કહેવામાં આવે છે. જેમાં પરમાણુનાં નાભિકેન્દ્રમાં રહેલ બ કણો વચ્ચેનાં 'સ્ટ્રોમ ફોર્સ'નો ઉપયોગ કરવામાં આવે છે. સ્ટ્રોંગ ફોર્સ અતિ અતિ સુક્ષ્મ અંતર ઉપર જ લાગુ પડે છે. ગુરૃત્વાકર્ષણ કરતાં તે ૧૦-૩૮ ગણુ વધારે શક્તિશાળી છે. (એકની પાછળ ૩૮ મીંડા જેટલી મોટી સંખ્યા). નાભિકેન્દ્રમાં રહેલાં પ્રોટોન-ન્યુટ્રોન જેવાં કણોને બાહ્ય બળ વડે તોડીને અલગ કરવામાં આવે તે પ્રક્રિયાને 'ફિશન' એટલે કે વિખંડન કહે છે. જ્યારે બે પરમાણુનાં નાભી કેન્દ્રને ભેગા કરી, મોટા નાભીકેન્દ્રમાં ફેરવવામાં આવે ત્યારે 'ફયુઝન' એટલે કે સંલગ્ન થયુ ગણાય. એટમ બોમ્બ તરીકે ઓળખાતા એ-બોમ્બ ફિશન એટલે કે વિખંડન પ્રક્રીયા આધારીત હોય છે. જ્યારે થર્મોન્યુકલીયર વેપન્સ એટલે કે હાઈડ્રોજન બોમ્બ (એચ-બોમ્બ) 'ફયુઝન' પ્રક્રિયા આધારીત બોમ્બ છે. જેમ આપણાં સુર્યમાં હાઈડ્રોજનનાં બે નાભીકેન્દ્ર વચ્ચે ફયુઝન-સંલગ્ન થઈ હિલીયમનું નાભી કેન્દ્ર બને છે. તેવી રીતે જ હાઈડ્રોજન બોમ્બમાં હાઈડ્રોજનનાં નાભી કેન્દ્ર એક બીજા સાથે જોડાઈને હીલીયમનાં નાભી કેન્દ્રમાં ફેરવાઈ જાય છે. 'ફિશન' હોય કે 'ફયુઝન' બંને પ્રક્રિયામાં પુષ્કળ ઉર્જા મુક્ત થાય છે. જે વિનાશક હોય છે.
હાઈડ્રોજન બોમ્બ, ફયુઝન પ્રક્રીયા આધારીત છે. ફિશન કરતાં ફયુઝન પ્રક્રીયામાં ખુબજ વધારે ઉર્જા મુક્ત થાય છે. આ કારણે એટમ બોમ્બ કરતાં હાઈડ્રોજન બોમ્બ વધારે શકિતશાળી અને વિનાશક ગણાય છે. બીજા વિશ્વ યુદ્ધમાં જાપાનના 'હીરોશીમા' અને 'નાગાસાકી' પર ફેંકવામાં આવેલ બોમ્બ પરમાણુ બોમ્બ એટલે કે ફિશન પ્રક્રીયા આધારીત બોમ્બ હતાં. અત્યાર સુધી યુદ્ધમાં  ક્યારેય હાઈડ્રોજન બોમ્બનો ઉપયોગ થયો જ નથી. હાઈડ્રોજન બોમ્બનાં પરિક્ષણ નિયત્રીત અવસ્થામાં પ્રયોગાત્મક ધોરણે જ થયાં છે.

ઉત્તર કોરિયાનો હાઇડ્રોજન બોમ્બ - વિસ્ફોટ કે સુરસુરિયું ?
ઉત્તર કોરિયાએ હાઇડ્રોજન બોમ્બનો વિસ્ફોટ કર્યો છે. નિષ્ણાતો ઉ. કોરિયાના દાવાને શંકાની નજરે જોઈ રહ્યા છે. તેના માટે સબળ કારણો પણ છે. ભારત- પાકિસ્તાન અને ઇઝરાયેલ પણ આવા થર્મોન્યુક્લીયર વિસ્ફોટ કરી ચૂક્યા છે. જે ખરેખર હાઇડ્રોજન બોમ્બના વિસ્ફોટ સામે વામણા લાગે તેવા છે. ઉત્તર કોરિયાના દાવા સામે પ્રશ્નાર્થ ચિન્હ મૂકવાના કારણો તપાસીએ તો...
ઉ. કોરિયાના એચ- બોમ્બના વિસ્ફોટને કારણે જે ભૂકંપનો આંચકો નોંધાયો તે ૫.૧ રિક્ટર સ્કેલનો હતો. ૨૦૦૬માં ઉ. કોરિયાએ કરેલ પરમાણુ પરીક્ષણ રિક્ટર સ્કેલ પર ૪.૮૫નું હતું. જે એક કિલો ટન કરતા નાનો બોમ્બ હતો. ૨૦૦૯માં બે કિલો ટન અને ૨૦૧૩માં તેણે ૮ કિલો ટન બોમ્બનો વિસ્ફોટ કર્યો જે ૫.૦થી ૫.૧૦ સ્કેલન ભૂકંપ પેદા કરી શક્યા હતા. ૨૦૧૬નો વિસ્ફોટ પણ આ શ્રેણીમાં જ આવે છે. એટલે કહી શકાય કે કોરિયાએ 'બુસ્ટેડ' પ્રકારનો મીન હાઇડ્રોજન બોમ્બ વિસ્ફોટ કર્યો લાગે છે.
સામાન્ય રીતે હાઇડ્રોજન બોમબની ક્ષમતા 'સો' કે 'હજાર'ના ગુણાંકમાં કિલો ટનની હોય છે. ૧૯૫૧માં અમેરિકાએ કરેલ પ્રથમ 'આઇટમ' હાઇડ્રોજન બોમ્બની કેપેસીટ માત્ર ૪૬ કિલોટનની હતી. જેની સામે રશિયાએ 'જો-૪' નામનો એચ બોમ્બનો વિસ્ફોટ કર્યો તે ૪૦૦ કિલો ટન એટલે કે અમેરિકા કરતા લગભગ ૧૦ ગણો વધારે શક્તિશાળી હતો. નિષ્ણાતો માને છે કે ઉત્તર કોરિયાએ હાઇડ્રોજન બોમ્બના સ્થાને વધારે શક્તિશાળી 'ફિશન' બોમ્બ વિસ્ફોટ કર્યો છે જેની સંહારક શક્તિ 'ટ્રીટીયમ' જેવા રેડિયો એક્ટીવ હાઇડ્રોજન વડે વધારી લાગે છે.
અમેરિકાએ જાહેર કર્યું છે કે, ઉ. કોરિયાના દાવા પ્રમાણે એશિયાના મોનીટર સ્ટેશનોએ મેળવેલ 'ડેટા' મેળ ખાતો નથી. મતલબ ગરબડ છે. દક્ષિણ કોરિયાના પૂર્વીય સાગરસીમા પરની હવાનું પૃથક્કરણ કરતા ખૂબ જ અલ્પ માત્રામાં રેડિયો એક્ટીવ પદાર્થની હાજરી બતાવે છે જે પરંપરાગત પરમાણુ બોમ્બ સાથે મેળ ખાય છે. ખરેખરા હાઇડ્રોજન બોમ્બ સાથે નહિ. બીજી મહત્વની વાત મોટા કદનો 'હાઇડ્રોજન બોમ્બ' બનાવવો ટેકનિકલી વધારે સરળ છે. પરંતુ નાનો હાઇડ્રોજન બોમ્બ બનાવવો ખરેખર મુશ્કેલ અને જટિલ છે. જેની ટેકનોલોજી ઉ. કોરિયા પાસે હોવાની વાત નિષ્ણાતો ભરોસો મૂકતા નથી.

પરમાણુ શસ્ત્રોની આંધળી દોટ : 'અમેરિકા- રશિયા રેસ'
જુલાઈ ૧૯૪૬નો સમયગાળો હતો. અમેરિકાએ બે પરમાણુ પરીક્ષણ કરવાનું નક્કી કર્યું હતું. ઓપરેશનનું કોડનેમ હતું 'ઓપરેશન ક્રોસ રોડ' પ્રશાંત મહાસાગરના બીઝીની આટોલ પાસે પરીક્ષણ કરવાનું નક્કી થયું હતું. ૯૫ જેટલા યુદ્ધ જહાજોનો કાફલો અહીં ખડકવામાં આવ્યો હતો. જેથી પરમાણુ બોમ્બની ક્ષમતા ખબર પડે તેમાં જાપાની પાસેથી કબજે કરેલ 'નાગારો' જહાજનો સમાવેશ પણ થતો હતો. વૈજ્ઞાાનિકો, રિપોર્ટરો અને ૪૨ હજારના સૈન્યએ વિસ્ફોટનો નજારો નિહાળ્યો હતો.
'એબલ' નામનો પ્રથમ બોમ્બ મ્-૨૯ વિમાનમાંથી નીચે ફેંકવામાં આવ્યો હતો. ૧૫૦૦થી ૨૦૦૦ ફૂટની ઉંચાઈએ બોમ્બ વિસ્ફોટ થયો હતો. બીજો બોમ્બ 'બેકર' ૨૫ જુલાઈના રોજ ફોડવામાં આવ્યો હતો. અમેરિકા ખુશ હતું તેમની પરમાણુ બોમ્બની ડિઝાઇન કામ કરી ગઈ હતી. અમેરિકાએ આ બોમ્બના 'ક્લોન' જેવા બોમ્બ હિરોશીમા- નાગાસાકી પર ફેંકીને હાહાકાર મચાવ્યો હતો. હવે વારો રશિયાએ ચેતી જવાનો હતો. ઓગસ્ટ- ૧૯, ૧૯૪૯માં કઝાકસ્તાન ખાતે ૨૨ કિલો ટનનો 'જો વન' નામનો રશિયાનો પ્રથમ પરમાણુ બોમ્બનો વિસ્ફોટ કરી બતાવ્યો હતો. અમેરિકાનું ખાસ પ્લેન સાઇબીરીયાની સીમારેખા ઉપર ઉડયું અને વિસ્ફોટ વાતાવરણના નમૂના ચકાસ્યા. અમેરિકન પ્રમુખ હેરી ટ્રુમેનને હવે વાસ્તવિકતા સ્વીકાર્યા વિના છૂટકો ન હતો.
અમેરિકાએ જવાબમાં હાઇડ્રોજન બોમ્બનો વિસ્ફોટ કરવાનું નક્કી કર્યું. એનરીઝો ફર્માએ એડવર્ડ ટેલરને હાઇડ્રોજન બોમ્બની શરુઆત કરવાનો આઇડિયા આપ્યો હતો. ટેલર અને સાથીઓએ ચાર ડિઝાઇન તૈયાર કરી જેમાંથી 'ટેલર-ઉલ્મ'ની ડિઝાઇન કારગત નીવડી. અમેરિકાએ ૧ નવેમ્બ, ૧૯૫૨માં 'આઇવી' માઇકનો નામનો હાઇડ્રોજન બોમ્બ વિસ્ફોટ કરી બતાવ્યો હતો. જે જાપાન પર નાખવામાં આવેલ બોમ્બ કરતા ૪૫૦ ગણો વધારે શક્તિશાળી હતો.
ક્લોઝ દ્વારા પૂરી પાડવાાં આવેલ ડિઝાઇન પ્રાથમિક કક્ષાની હતી. આન્દ્રેવ અખારોવે 'લેયર કેક' ડિઝાઇન તૈયાર કરીને ૪૦૦ કિલોટનનો રશિયાનો પ્રથમ હાઇડ્રોજન બોમ્બ ૧૨ ઓગસ્ટ, ૧૯૫૩ના રોજ ફોડી નાખવાનો હતો. વિસ્ફોટ અમેરિકાના બોમ્બની બરાબરી કરી શકે તેવો ન હતો. ત્યારબાદ રશિયાએ બે હાઇડ્રોજન બોમ્બના પરીક્ષણ કર્યા હતા. ઓક્ટોબર ૧૯૬૧માં રશિયા 'ઝાર બોમ્બ' નામનો હાઇડ્રોજન બોમ્બ ફોડયો જે. ૫૦ હજાર કિલો ટનની ક્ષમતાવાળો હતો. અત્યાર સુધી થયેલા પરમાણુ પરીક્ષણમાં વિશ્વનો સૌથી મોટી હાઇડ્રોજન બોમ્બ વિસ્ફોટ 'ઝાર બોમ્બ'નો છે.

શા માટે હાઇડ્રોજન બોમ્બ વધારે ખતરનાક ગણાય છે.
અત્યાર સુધી અમેરિકા, રશિયા, બ્રિટન, ચીન અને ફ્રાન્સ દ્વારા હાઇડ્રોજન બોમ્બ વિકસાવવામાં આવ્યા છે. ભારત, પાકિસ્તાન અને ઇઝરાયેલના હાઇડ્રોજન બોમ્બ બુસ્ટેડ પ્રકારના એટમ બોમ્બ જ છે. જે હાઇડ્રોજન બોમ્બ જેટલી સંહારક શક્તિ ધરાવતા નથી આખરે હાઇડ્રોજન બોમ્બ શા માટે વધારે ખતરનાક અને પ્રાણઘાતક માનવામાં આવે છે. આ રહ્યા મહત્ત્વના મુદ્દાઓ...
(૧) અન્ય પરમાણુ બોમ્બ કરતા નાના હાઇડ્રોજન બોમ્બ વધારે શક્તિશાળી છે.
(૨) પરમાણુ બોમ્બ કરતા એચ- બોમ્બ વધારે ઊર્જા મુક્ત કરે છે. જેના દ્વારા મુંબઈ જેવા વિશાળ ક્ષેત્ર પર ફેલાયેલા આખેઆખા શહેરનો ખાત્મો બોલાવી શકનાર છે.
(૩) હાઇડ્રોજન બોમ્બની ઉર્જા પરમાણુઓના 'ફ્યુઝન'માંથી મળે છે. પરમાણુ બોમ્બની ઊર્જા પરમાણુના નાભિ-કેન્દ્રનું વિખંડન- ફીશન થવાથી મળે છે.
(૪) ફ્યુઝન પ્રક્રિયા આપણા સૂર્ય જેવા તારામાં અવિરત ચાલે છે.
(૫) ફ્યુઝન પ્રક્રિયામાં બે હલકા તત્ત્વોનો પરમાણુ ભેગા મળી તેનાથી ભારે તત્ત્વના પરમાણુ બને છે.
(૬) ફિશનમાં ભારે તત્ત્વના નાભિકેન્દ્રને તોડીને બે તેનાથી હલકા તત્ત્વોને નાભિકેન્દ્રની રચના થાય છે.
(૭) એચ બોમ્બમાં જામગીરી એટલે કે વિસ્ફોટની શરુઆત કરવા માટે 'ફિશન બોમ્બ' (પરમાણુ બોમ્બ) વપરાય છે.
(૮) હાઇડ્રોજન બોમ્બ બનાવવો અઘરું કામ છે.
(૯) હાઇડ્રોજન બોમ્બનું કદ નાનું રાખી શકાય છે તેને મિસાઇલના માથા ઉપર ફીટ કરીને ધારેલા સ્વરૃપે ફેંકી શકાય છે.
(૧૦) હીરોશીમા અને નાગાસાકી ઉપર ફેંકેલા બોમ્બ એટમબોમ્બ (પરમાણુ બોમ્બ) હતો. હાઇડ્રોજન બોમ્બનો હજી સુધી યુદ્ધમાં એક વાર પણ ઉપયોગ થયો નથી.
(૧૧) કોરિયાએ હાલમાં કરેલ બોમ્બ વિસ્ફોટ 'ફ્યુઝન બોમ્બ' છે કે નહીં તે બાબતે નિષ્ણાતો શંકા સેવે છે.
 

No comments: