Sunday 26 June 2016

વરચ્યુઅલ રિઆલીટી:પુરાણી આંખોમાં નવી દુનિયા સાકાર થશે

Pub:19.06.2016

મોબાઈલ ફોનનાં આગમને દુનિયા બદલી નાખી છે. હવે એ જ સ્માર્ટ ફોન વરચ્યુઅલ રિઆલીટીને તમારી આંખો સામે નચાવતાં રહેશે.

આજથી બે દાયકા પહેલાં, વરચ્યુઅલ રિઆલીટી વિશે પહેલીવાર વાંચ્યુ હતું અને લેખ પણ લખ્યો હતો. આજે વરચ્યુઅલ રીઆલીટી, રીઅલ રિઆલીટી બનીને આપણાં હાથમાં આવી ગઈ છે. ટેક્નોલોજી તે સામાન્ય માનવી સુધી પહોંચતા બે દાયકા લાગ્યા છતાં, ભવિષ્ય હવે ઉજળું છે. મોબાઈલ ફોનનાં આગમને દુનિયા બદલી નાખી છે. હવે એ જ સ્માર્ટ ફોન વરચ્યુઅલ રિઆલીટીને તમારી આંખો સામે નચાવતાં રહેશે. યુટયુબ હવે ૩૬૦ ડિગ્રી વીડિયો પીરસવા લાગ્યુ છે.
ટૂંક સમયમાં યુટયુબ વીડિયો નીચે વરચ્યુઅલ રિઆલીટીનું ફન બટન પણ જોવા મળશે. ગુગલે 'વિઆર'ની દુનિયામાં કાર્ડ બોર્ડ 'વિઆર' બોક્ષ મુકીને વરચ્યુઅલરિઆલીટીને સરળ અને સસ્તી બનાવી દીધી છે. હવે સેમસંગ અને વોડાફોન જેવી કંપનીઓ પણ 'વિઆર હેંડસેટ' મોબાઈલ ફોન સાથે આપવા લાગી છે. સેમસંગ હવે માત્ર મોબાઈલ જ નહીં, ટેબલેટ પર મોટાં સ્ક્રીનમાં વરચ્યુઅલ રિઆલીટી માણી શકાય તેવાં હેડસેટ તૈયાર કરી રહ્યું છે. ભારતની ઓનલાઈન બીઝનેસ કરનારી કંપનીઓ કરતાં 'અલી એક્સપ્રેસ' જેવી પરદેશી કંપનીઓ સસ્તા ભાવમાં 'વિઆર હેડસેટ' આપી રહી છે. જો તમે વરચ્યુઅલ રિઆલીટીનું નામ પણ ન સાંભળ્યું હોય તો પણ હવે 'વિઆર' સાથે કદમ મિલાવવાનો સમય આવી ગયો છે.

વરચ્યુઅલ રિઆલીટી એટલે ખરેખર શું છે ?


જ્યારે વરચ્યુઅલ રિઆલીટીની વ્યાખ્યા આપવાની થાય ત્યારે, વરચ્યુઅલ અને રિઆલીટી બંને શબ્દોને ધ્યાનમાં લેવા પડે. 'વરચ્યુઅલ'નો અર્થ થાય નજીક, સામિપ્ય અને રિઆલીટી મતબલ વાસ્તવિકતાં. આપણા અનુભવજન્ય જગતને, જે ચીજ વાસ્તવિકતાની નજીક લઈ જાય તેને વરચ્યુઅલ રિઆલીટી કહે છે. જે 'વિઆર'નાં સ્ત્રોત પ્રમાણે દ્વી પરિણામ કે ત્રિ-પરીમાણ (3D) હોઈ શકે. જો કે વાસ્તવિકતાની વધારે નજીક જવું હોય તો થ્રિ-ડી વધારે આવશ્યક ગણાય છે. એક આખુ વર્તુળ પુરી કરીને એટલે કે ગોળ ચક્કર મારીને આજુબાજુની દુનિયા માણીએ તેવાં ૩૬૦ ડિગ્રી રેકોર્ડીંગ કરી શકે તેવાં વીડિયો કેમેરાં પણ આવી ગયા છે.
મનુષ્યને વાસ્તવિકતાનો ખરો અનુભવ ત્યારે જ થાય કે જ્યારે તેની પાંચેય ઈન્દ્રિયોને એક સાથે સંવેદન મળે. આજની વરચ્યુઅલ રિઆલીટી તમારી આંખ (દૃશ્ય ક્ષમતા) અને કાન (શ્રાવ્ય ક્ષમતા)ને કુત્રિમ રીતે સ્પંદનો આપી, વાસ્તવિકતાની નજીક લાવી મુકે છે. જેમ હવે હોલીવુડની સારી ફિલ્મો થ્રિ-ડીમાં બનવા લાગી છે, એ પ્રમાણે આવનારાં સમયમાં વરચ્યુઅલ રિઆલીટી આધારીત ફિલ્મો બનવા લાગશે. તમે માત્ર મુક પ્રેક્ષક નહીં, ઘટનાની વચ્ચે સાક્ષી સ્વરૃપે ઉભા છો. એ રીતે ફિલ્મ માણી શકશો. થ્રિ-ડી ફિલ્મ માણતી વખતે તમે જાણતા હોવ છો કે તમે થિએટરમાંજ બેઠા છો.૩ડી ફિલ્મમાં દૂર આવેલ ફિલ્મના પડદાની બારી બહાર બનાવ-ઘટના-એકશન બનતી તમે અનુભવતાં હતાં. હવે 'વિઆર' હેડ સેટ દ્વારાં તમારી આંખોની સામે માત્ર ચાર-છ ઈંચના અંતરે દૃશ્ય ભજવાતુ હશે ત્યારે એમ લાગશે કે તમે ખરેખર વરચ્યુઅલ વર્લ્ડમાં પ્રવેશી ચુક્યાં છો.
ટેકનીકલ ભાષામાં કહીએ તો, કોમ્પ્યુટર, સ્માર્ટ ફોન કે 'વિઆર' સેટની મદદથી ત્રી પરિમાણની દુનિયાનો આભાસ કરાવી શકે તેવું ડીજીટલ મિડીયા એટલે વરચ્યુઅલ રિઆલીટી. જો કે વૈજ્ઞાાનિકો માટે આ શબ્દ જુનો થઈ ગયો છે. તેઓએ 'વિઆર'ની જગ્યાએ 'વરચ્યુઅલ એન્વાયરમેન્ટ' શબ્દ વાપરી રહ્યાં છે. હજી આ ક્ષેત્રની શરૃઆત થઈ રહી છે. હજુ ઘણુ બધુ આવવાનું બાકી છે.

ઈતિહાસની આંખે નવી દુનિયા :

વરચ્યુઅલ રિઆલીટી, કેટલીક વાર ઇમર્સીવ મલ્ટી મીડિયા કે કોમ્પ્યુટર સીમ્યુલેટેડ રિઆલીટી તરીકે પણ ઓળખાય છે. ફ્રેન્ચ ભાષામાં ૧૯૩૮માં એન્ટોનીન આરટુડે પદાર્થ અને વ્યક્તિની ભ્રમણા કરાવે તેવી દુનિયાને આલેખતો નિંબધ લખ્યો હતો. જેનું ભાષાંતર ૧૯૫૮મા 'ધ થિએટર એન્ડ ઇટ્સ ડબલ' તરીકે થયું હતું. તેમાં પ્રથમવાર વરચ્યુઅલ (આભાષી) રિઆલીટી (વાસ્તવિકતા) શબ્દ જગતને મળ્યો હતો. ૧૯૭૦નાં દાયકામાં માયરોન ક્રુગરે 'આર્ટિફીશીઅલ રિઆલીટી' શબ્દ પ્રયોજ્યો હતો. ૧૯૮૨મા ડેમીઅન બ્રોડરીકે તેનાં સાયન્સ ફિકશન 'ધ જુડાસ મંડલ' માં 'વિઆર' વરચ્યુઅલ રિઆલીટીનો કન્સેપ્ટ અને શબ્દાર્થ વપરાયા હતાં. આધુનિક દુનિયામાં વરચ્યુઅલ રિઆલીટી શબ્દને લોકપ્રિય બનાવવાનો શ્રેય જેહોન લેનીયરને જાય છે. તેણે પોતાની કંપની વિપીએલ રિસર્ચ દ્વારાં આ 'શબ્દ' લોકજીભે રમતો મુકયો હતો.
જો કે વરચ્યુઅલ રિઆલીટીનાં વિચારબીજ અને કલ્પનાને સાકાર કરે તેવું પ્રથમ સાયન્સ ફિકશન, ટુંકી વાર્તા સ્વરૃપે સ્ટેન્લી વેનબામે ૧૯૩૫માં આપ્યું હતું. વાર્તાનું નામ હતું 'પિગ્મેલીઅન સ્પેક્ટેકલ્સ'. જેમાં આધુનિક વિજ્ઞાાનનો સંકલ્પનાને આકાર મળે તેવી કલ્પના હતી. આ સમયગાળામાં થ્રિડી દર્શાવે તેવા સ્ટીરીયો સ્કોપીક વ્યુ માસ્ટર લોકપ્રિય બનવા લાગ્યા હતાં. ભારતમાં પણ લોખંડના પતરાનાં બનેલ સ્ટીરીઓસ્કોપ મળતાં હતાં. જે ચાલીસી વટાવી ગયેલાં લોકોને યાદ હશે. ૧૯૭૦નાં દાયકામાં 'સેન્સોરમાં' નામનું ઉપકરણ બન્યું જે વરચ્યુઅલ રિઆલીટીનો લોકોને ખરેખર આભાસ કરાવતું હતું. ડગ્લાસ એન્જલ બોર્ટ એરફોર્સ માટે ફ્લાઈટ સ્ટીમ્યુલેટર બતાવીને કોમ્પ્યુટર ટેક્નોલોજીને વરચ્યુઅલ રિઆલીટીનો રંગ ચડાવવાનું કામ શરૃ કર્યું હતું. માથે પહેરી શકાય તેવાં હેડ ડિસ્પ્લેનો ઉપયોગ, ઈવાન સધરલેન્ડે અને બોબ સ્પ્રોલે ૧૯૬૮માં શરૃ કર્યો હતો. તેનું નામ હેડ માઉન્ટેડ ડીસપ્લે હતું. જે આજનાં 'વિઆર' બોક્ષનાં પૂર્વજ ગણાય. ત્યારબાદ સેગા, સોની જેવી કંપનીએ વીડિયો ગેમ્સમાં 'વિઆર'નો મનોરંજનનો 'મહાડોઝ' ઉમેરી દીધો હતો. સ્માર્ટ ફોન દ્વારાં તમે વર્ચ્યુઅલ રિઆલીટીમાં પ્રવેશ કરી શકશો. ૩૦૦ રૃપિયાથી માંડીને ૩૩૦૦૦ સુધીનાં 'વિઆર' હેડસેડ ડિસ્પ્લે હવે મળવા લાગ્યાં છે. તો મજા માણવાં તૈયાર થઈ જાવ.

ગુગલ અને આઈમેક્સ : મલ્ટીપ્લેક્સની દુનિયા બદલી નાખશે

મિકી માઉસનું બે-પરીમાણવાળુ એનીમેશન, જેને આપણે કાર્ટુન કહીએ છીએ. તેની શરૃઆત ૧૯૨૮માં થઈ હતી. આજે 3D ફિલ્મ ટેકનોલોજી આવી ગઈ છે. અત્યાર સુધી 'વરચ્યુઅલ રિઆલીટી' વ્યક્તિગત ધોરણે માણવામાં આવતી હતી. હવે લોકો એક સાથે સિનેમાઘરમાં બેઠા બેઠા ઇમરસીવ એક્સપીરીઅન્સ મેળવે તે માટે હવે બીગ સ્ક્રીન સીનેમાનાં પાયોનિઅર 'આઈમેક્સ' અને ઇન્ટરનેટનો સર્ચ એન્જીનનો બેતાજ બાદશાહ 'ગુગલ' હવે હાથ નહીં, ખભેખભા મિલાવી ફિલ્મોની દુનિયા બદલવા આગળ વધી ગયા છે. વોલ સ્ટ્રીટ જર્નલનાં જણાવ્યા પ્રમાણે વિશ્વનાં છ સ્થળે, વિવિધ પબ્લીક પ્લેસ અને શોપીંગ સેન્ટરમાં, આઈમેક્સ 'વિઆર એક્સપીરીઅન્સ' લોકોને આપી રહ્યું છે. ૩૬૦ ડિગ્રી થ્રીડી હાઇક્વૉલીટી કમ અલ્ટ્રા-હાઈ ડેફીનેશનવાળી વરચ્યુઅલ રિઆલીટી માટે ગુગલ અને આઈમેક્સ નવાં સ્ટાન્ડર્ડ સ્થાપી રહ્યાં છે.
આઈમેક્સ અને ગુગલે, નવા હાઈડેફીનેશન કેમેરા તૈયાર કર્યા છે. દિગ્દર્શક ક્રિસ્ટોફર નોલાન અને સ્ટારવોર્સનાં ડિરેકટર જે. જે. અબ્રાહમ માટે આઈમેકસ વિઆર ટેકનોલોજી હવે મહત્ત્વપૂર્ણ બની ગઈ છે. આઇમેક્સની નવી કેપ્ચર ટેકનોલોજી વડે 'ધ ડાર્ક નાઈટ' અને સ્ટારવોર્સ: 'ધ ફોર્સ અવકેન'ની કેટલીક સિકવલ્સ તૈયાર કરવામાં આવી હતી. આઈમેક્સનાં કેમેરાને ગુગલનાં ૩૬૦ ડિગ્રી થ્રીડી સોફ્ટવેર 'ગુગલ જમ્પ' સાથે જોડીને જબરદસ્ત વિઆર એક્સપીરીઅન્સ તૈયાર થશે. અત્યાર સુધી 'ગુગલ જમ્પ' ગો-પ્રોનાં કેમેરા સાથે કામ કરે તેવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યું હતું. આઈમેક્સે અત્યાર સુધી 2D, 3D, ફિલ્મ અને ડીજીટલ ફોર્મેટ માટે ખૂબ જ ઉત્કૃષ્ટ કામ કર્યું છે.
આઈમેક્સનું 'વિઆર એક્સપીરીઅન્સ' પહેલાં લોસ એન્જલસ અને ત્યારબાદ, ચાઈના અને બીજી જગ્યાએ શરૃ થશે. મલ્ટીપ્લેક્સમાં 'વિઆર'નાં અનુભવ ફિલ્મોને એક નવો આયામ આપશે. હવે આપણી બધી જ ઈન્દ્રિયો મનોરંજન-તનોરંજનમાં તરબોળ થઈ જશે.

૫૧ ડીગ્રી નોર્થ - પૃથ્વીનાં ભવિષ્યનાં ખતરાની ઘંટડી વગાડી રહી છે.

વિઆરની દુનિયા માત્ર મનોરંજન માટે સીમીત બની રહે તેવું નથી. વિજ્ઞાાનક્ષેત્રે 'વિઆર'નાં વિપુલ ઉપયોગો થાય તેમ છે. બિલ્ડીગ કન્સ્ટ્રકશન, આર્કીટેક્ચર, રમત જગત, તબીબી, કલા અને થિયેટર જેવાં ક્ષેત્રોમાં વરચ્યુઅલ રિઆલીટી મલ્ટી બીલીઅન ડોલર અને ઇન્ડસ્ટ્રીમાં ફેરવાઈ જાય તેમ છે. મોબાઈલ ફોન, લેપટોપ સ્ક્રીન થી માંડી આઈમેક્સનાં વિશાળ સ્ક્રીન પર વરચ્યુઅલ રિઆલીટીનો શૉ ભજવાઈ શકે તેમ છે.
વર્લ્ડ એસ્ટ્રોઈડ ડેનાં દિવસે વૈજ્ઞાાનિકોએ ૩૬૦ ડિગ્રીની ખાસ વિડીયો રજૂ કરી હતી. જેમાં પૃથ્વીની આસપાસ ખતરા સ્વરૃપે રહેલ ૫૦૦ જેટલાં ગુમનામ એસ્ટ્રોઈડ ને તેની ભ્રમણકક્ષામાં ફિલ્માવવામાં આવ્યા છે. બ્રાયન મે નામનાં અગ્રહરોળનાં વૈજ્ઞાાનિક કહે છે કે, 'પૃથ્વીને ભવિષ્ય માટે બચાવી રાખવી હશે તો, ૫૦૦૦ જેટલાં અંતરીક્ષમાં ફરતાં મોતની વણઝાર જેવાં ઉલ્કાંપીડને સતત નિગરાનીમાં રાખવા પડશે.
સ્કોટ મેન્લીએ પૃથ્વી નજીકનાં એસ્ટ્રોઈડને તેનાં સ્થાનની ગણતરી કરીને વરચ્યુઅલ સ્કાયનાં ગોળામાં ગોઠવ્યા હતાં. ત્યારબાદ તેની વરચ્યુઅલ રિઆલીટી બતાવવામાં આવી છે. જેને સ્માર્ટફોન, ટેબ્લેટ કે વરચ્યુઅલ વિન્ડો કે કાર્ડ બોર્ડવાળા 'વિઆર બોક્ષ' થી વાસ્તવિકતાની વધારે નજીક જઈ શકાય તેમ છે. આ વીડિયોને ઈન્ટરનેટ પર અપલોડ પણ કરવામાં આવી છે. જેમાં રહેલ એસ્ટ્રોઈડ નાઈટ સ્કાયમાં ચમકતાં તારાં જેવા દેખાય છે.
જુન ૩૦, ૧૯૦૮નાં રોજ સાઈબીરીયાનાં ટુંગુસ્કા પ્રાતમાં વિશ્વની સૌથી વિશાળ એસ્ટ્રોઈડ અથડાયો હતો. તેની શતાબ્દી પુરી થઈ ગઈ છે. આવી ઘટના પૃથ્વીનાં કોઈ પણ સ્થળે ભવિષ્યમાં બની શકે તેમ છે. ૩૦ જૂનનાં રોજ, ફિલ્મ ૫૧ ડીગ્રી નોર્થ, લંડનનાં સાયન્સ મ્યુઝીયમમાં આઈમેક્સ થિયેટરમાં દર્શાવવામાં આવશે. પૃથ્વીને ખરેખર જેનાથી ખતરો છે તેવી 'એસ્ટ્રોઈડ ઇમ્પેક્ટ'ની ઘટનાને વરચ્યુઅલ રિઆલીટીમાં જોઈને હૃદયનાં પાટીયા બેસી જાય તેમ છે.

No comments: