Sunday 26 June 2016

બ્રેઈન સ્કેન: એલન મસ્ક, માર્ક ઝુકરબર્ગ, લારી પેજ અને એન્ડી રૃબીનનાં મગજમાં ચાલતા ભવિષ્યનાં આઈડિયા...


Pub. Date: 26.06.2016.
હાઈપરલુપ એક નવીન હાઈસ્પીડ ટ્રાન્સપોર્ટેશન સીસ્ટમ છે. જેમાં પેસેન્જર અથવા કાર્ગો ભરેલ કેપ્સ્યુલને, ખાસ બનાવટની દબાણ ઘટાડેલ ટયુબમાં ધકેલવામાં આવે છે. જેની ઝડપ હશે ૮૦૦ માઈલ પ્રતિ કલાક એટલે કે ૧૨૮૭ કીમી પ્રતિ કલાક. અધ... ધધ... થઈ જવાય તેટલી ઝડપ. આજનાં કેટલાંક સેલીબ્રીટીનાં દિમાગ, આ ઝડપથી પણ વધારે 'સ્પીડ'માં ભાગી રહ્યાં છે. ઈન્ટરનેટ અને ટેકનોલોજીમાં તેમનો ડંકો વાગી રહ્યો છે. એલન મસ્ક, લેરી પેજ, માર્ક ઝુકરબર્ગ, એન્ડી રૃબીન અને જ્યોર્જ લુકાસ જેવાં વિઝનરી, આજકાલ શું વિચારી રહ્યા છે ? તેઓ ક્યાં પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં છે ? તેમના નામથી કેટલાંક લોકો સહકાર અને સંશોધન કરવા માટે તૈયાર થઈ જાય છે. હાઈપરલુપ નામની સૈદ્ધાંતિક 'હાઈસ્પીડ' ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ એલન મસ્ક નામનાં ઉદ્યોગ સાહસીકનું દીમાગી ફરજંદ છે. જેનો પ્રથમ ટેસ્ટ મે મહીનાનાં બીજા અઠવાડિયામાં કરવામાં આવ્યો હતો. નામચીન લોકો કંઈક નવું આપવા મથી રહ્યાં છે. તેમનાં દિમાગનો સીટી સ્કેન શું બતાવે છે.

એલન મસ્ક: ફલાઈગ મેટલ સ્યુટ, ન્યુરલ લેસ અને ગેમીંગ ટેકનોલોજી

એલન મસ્ક, ટેસ્લા મોર્ટસના બોસ છે. અંતરીક્ષ ક્ષેત્રે નવા રેકોર્ડ સ્થાપનાર 'સ્પેસ એક્સ' કંપનીનાં સ્થાપક છે. તેઓ ઓપન આર્ટીફીશીઅલ ઈન્ટેલીજન્સનાં સહ-ચેરમેન અને પે પાલ નામની નેટ કંપનીનો સહસ્થાપક છે. દક્ષિણ આફ્રીકામાં જન્મેલ આ કેનેડીઅન - અમેરીકન બિઝનેસમેનનાં દિમાગમાં હંમેશા એન્જીનીયરીંગ અને નવિન આવિષ્કાર ઘુમતા રહે છે. તેઓ મંગળ ગ્રહ ઉપર માનવ વસાહત ઉભી કરવાનાં હિમાયતી છે. હાઈપરલુપ, વિટોલ સુપર સોનીક જેટ એરક્રાફ્ટ તેમનાં 'વિઝન'ને આવિષ્કારમાં ફેરવાઈ જવાની રાહ જોઈ રહ્યાં છે. બાર વર્ષની ઉંમરે એલન મસ્કે વિડીયો ગેમનાં બેઝીક લેગ્વેજમાં લખેલ કોડ વેચી કમાણી કરી હતી. મટીરીઅલ્સ સાયન્સ અને એપ્લાઈડ ફીજીક્સમાં તેમણે પીએચડી કરેલ છે.

થોડા સમય પહેલાં એલન મસ્ક, પેન્ટાગોનનાં અધિકારીઓને મળ્યો હતો. આર્યનમેનનાં 'ટોની સ્ટાર્ક'ની માફક એલન મસ્ક, ઉડી શકાય તેવો મેટલ સ્યુટ બનાવવાનાં પ્રયત્નોની ચર્ચા કરી છે. ડિફેન્સ ડિપાર્ટમેન્ટનાં મોટાં માથાઓએ એલન મસ્કનાં 'મેટલ ફલાઈંગ સ્યુટ'માં રસ દર્શાવ્યો હતો. જેની માહિતી સીએનએનને પિટરકુકે આપી હતી. એલન મસ્ક જણાવે છે કે આપણે કદાચ પરગ્રહવાસીની 'કોમ્પ્યુટર સિમ્યુલેશન'વાળી કોમ્પ્યુટર ગેમ ટેકનોલોજીનો એક ભાગ છીએ. દક્ષિણ કેલીફોર્નિયાની કોડ કોન્ફરન્સમાં તેમણે પોતાનાં 'મન કી બાત' કરી હતી.

તેમને ખબર છે કે આવનારો સમય કોમ્પ્યુટર ગેમીંગમાં વરચ્ચુઅલ રિઆલીટી વગર જીવી શકાશે નહીં. વાસ્તવિકતા એટલી પરફેક્ટ હશે કે તેનો આભાસ પણ આવશે નહીં. ચાલીસ વર્ષ પહેલાં ''પોન્ગ'' ગેમમાં આપણી પાસે બે લંબચોરસ અને એક ત્રિકોણ માત્ર હતો. આજે ફોટોરિયાલીસ્ટીક ૩D ગેમ સિમ્યુલેશન એન્વાયરમેન્ટ, આપણી કોમ્પ્યુટર ગેમ ઉપર હાવી થઈ ગયું છે. બહુ ઝડપથી તે વરચ્ચુઅલ કે ઓગમેન્ટેડ રિઆલીટીમાં ફેરવાઈ જશે. આટીફીશઈઅલ ઈન્ટેલીજન્સમાં આપણે જેટલા આગળ વધતાં જઈશું, એટલો ઓગમેન્ટેડ બ્રેઈન પાવર મનુષ્ય મેળવતો જશે. એલન મસ્ક ''ન્યુરલ લેસ'' નામનાં નવાં ઈલેક્ટ્રોનીક લેપરનો આઈડીયા આપે છે જે મગજને, ઓનલાઈન ઈન્ફરમેશન અને ડીજીટલ ડેટા એસેસ કરવા માટે એક વચેટીયા અથવા માધ્યમ તરીકે કામ કરશે.

માર્ક ઝૂકરબર્ગ: ફેસબુકનું ભવિષ્ય - 'બ્રેઈનબુક'

ફેસબુકીયા શોખીનો તેનાં સ્થાપક માર્ક ઝુકરબર્ગને ઓળખતાં જ હશે. એવું માની લઈએ છીએ. હાવર્ડ યુનીવર્સિટીનાં સ્ટુડન્ટે તેનાં કોલેજ રૃમ મેટ સાથે મળીને હાવર્ડનાં ડોરમેટરી રૃમમાંથી 'ફેસબુક'ની શરૃઆત કરી હતી. ટાઈમ મેગેજીને, માર્ક ઝુકરબર્ગને દુનિયાનાં ૧૦૦ સૌથી વધારે ધનાઢ્ય લોકોની યાદીમાં સમાવી લીધા હતાં. બચપણથી માર્ક ''ચાઈલ્ડ પ્રોડીજી'' સાબીત થયા હતાં. અમેરિકા ઓનલાઈનનાં 'ઈન્સ્ટન્ટ મેસેન્જર'નું આદી વર્ઝન એટલે ઝુકરબર્ગનું 'માર્કનેટ' સોફટવેર. ૨૦૦૪માં 'ફેસબુક' લોંચ થયા બાદ, ઝુકરબર્ગ એક સેલીબ્રીટી ગણાય છે.

ઝુકરબર્ગ કહે છે કે, ''દુનિયા વરચ્યુઅલ રિઆલીસીટી''ને પાર કરી જશે. મનુષ્ય તેનાં વિચારો વડે સોશીયલ નેટવર્કીંગનો હિસ્સો બની જશે. વિચારો અને અનુભવને 'ટેલીપથી' માફક 'ફેસબુક' જેવો ડિજીટલ માધ્યમથી વિશ્વનાં ખુણેખુણે ફેલાવી શકાશે. ટુંકમાં મનુષ્યનું મગજ વધારે વિકસીત અને એક્ટીવ બનશે. આવી ટેકનોલોજી આવનારા ચાર-પાંચ દાયકામાં કાર્યરત બની જશે. ફેસબુક આ નવી ટેકનોલોજી પર કામ કરી રહ્યું છે. જેનો મુખ્ય આધાર મનુષ્યનું 'બ્રેઈન' છે. જેમાં કાચા માલની માફક કાચા વિચારોને, 'રો ઈમોશન'ને દુનિયા સાથે સીધા જ 'શેર' કરી શકાશે. ઝુકરબર્ગની ટીમ એક ઉંદરની મગજમાં ચાલતી 'મેઝ' સોલ્વીંગ પ્રક્રિયાની યાદોને દુર કરી અન્ય ઉંદરનાં મગજમાં ટ્રાન્સફર કરવાનાં પ્રયોગો કરી રહી છે. બર્કલી યુનિવર્સિટીનાં નિષ્ણાંતો, તમારાં મગજનો MRI જોઈને મગજમાં કેવા પ્રકારનાં વિચારો ચાલી રહ્યાં છે તે જાણી શકે છે. આ ક્ષેત્રે સંશોધન આગળ વધી રહ્યું છે.

ફેસબુકનું 'ફેમી બ્રેઈન રિસર્ચ' ભવિષ્યનાં આઈડીયાને આજે જ હકીકતમાં રૃપાંતર કરવા મથી રહ્યાં છે. જેમાં કદાચ દાયકા લાગી શકે છે. ઝુકરબર્ગ કહે છે કે એક બ્રેઈનથી બીજા બ્રેઈનમાં મેમરી ટ્રાન્સફર કરવી સરળ બની જશે. આવનારાં ૫૦ વર્ષમાં 'ટેલીપથી' કદાચ વાસ્તવિકતા બની જશે. એટલે કે ફેસબુકનું નવા નામ , 'બ્રેઈન બુક'માં રૃપાંતર થઈ ચૂક્યું હશે.

એન્ડી રૃબીન:- એન્ડ્રોઈડથી કવોન્ટમ કોમ્પ્યુટીંગ

આજકાલ વિશ્વનાં મોટાં ભાગનાં સ્માર્ટ ફોનમાં 'એન્ડ્રોઈડ' નામની ઓપરેટીંગ સિસ્ટમ કામ કરે છે જે ઓપન સોર્સ ઓપરેટીંગ સિસ્ટમ છે. એન્ડ્રોઈડને જન્મ આપવામાં મુખ્ય ભૂમિકા એન્ડ્રયુ E. રૃબીનની રહેલી છે. ૨૦૦૫માં 'ગુગલ' દ્વારા 'એન્ડ્રોઈડ' ખરીદી લેવામાં આવી હતી. 'ગુગલ'નાં રોબોટીક ડિવીઝનમાં એન્ડી રૃબીને નવ વર્ષ કામ કર્યું હતું. કોમ્પ્યુટર યુગની શરૃઆતનાં 'બુલેટીન બોર્ડ સિસ્ટમ' BBS ને એન્ડી રૃબીને ભેટ સ્વરૃપે આપી હતી. એન્ડી રૃબીનનાં નામે આજે સત્તર પેટન્ટ બોલે છે.

એન્ડ્રોઈડને લોકભોગ્ય બનાવનાર એન્ડી માને છે કે 'આવનારો સમય 'આર્ટીફીશીઅલ ઈન્ટેલીજન્સ''નો છે. જે ભવિષ્યમાં તમારાં કિચનમાં તમારી પસંદગીની રસોઈ બનાવશે. તમારાં વતી તમારાં ફોન પર 'ચેટીંગ' કરશે. રમતમાં તમને હરાવી નાંખશે. એન્ડી માને છે કે, 'કવોન્ટમ કોમ્પ્યુટીંગ અને આર્ટીફીશીઅલ ઈન્ટેલીઝન્સનું કોમ્બીનેશન આવનારાં સમયમાં ઈન્ટરનેટ આધારીતે 'ગેઝેટ' ચલાવતું હશે. ભવિષ્યની AI અને કવોન્ટમ કોમ્પ્યુટીંગનાં કારણે લોકોની 'જોબ' /નોકરી પર ખતરો તોળાઈ રહ્યો છે.'

એકાઉન્ટન્ટની ૯૯ ટકા જોબનું સ્થાન ડીજીટલ મશીન લઈ લેશે. અમ્પાયર અને રેફરીનું ૯૮ ટકા કામ ઓટોમેટેડ થઈ જશે. વેઈટર અને વેઈટ્રેસનાં સ્થાને ૯૪ ટકા રોબોટ કામ કરતાં હશે. ફેશન, મોડેલીંગ અને લીગલ આસીસ્ટન્ટ તરીકે પણ ઓટોમેટેડ મશીન કામ કરશે. ક્વોન્ટમ કોમ્પ્યુટીંગ અને આર્ટીફિશીઅલ ઈન્ટેલીજન્સ ક્ષેત્રે સંશોધન કરવા માટે એન્ડી રૃબીને 'પ્લેગ્રાઉન્ડ ગ્લોબલ'માં રોકાણ કર્યું છે. કંપની આર્ટીફિશીઅલ ઈન્ટેલીજન્સને હકીકતમાં બદલવા મેદાનમાં ઉતરી છે. એટલે જ કદાચ તેનું નામ 'પ્લેગ્રાઉન્ડ ગ્લોબલ' રાખવામાં આવ્યું છે. AI નો સીધો જ ફાયદો 'રોબોટીક્સ' ક્ષેત્રને થશે અને કદાચ... ભવિષ્યનાં 'રોબોટ' માનવીની સમકક્ષ પહોંચવાનાં સ્વપ્ન સેવે તો નવાઈ લાગશે નહીં !

લારી પેજ:- સિક્રેટ મિશન ઓફ ફલાઈંગ કાર્સ...

આજનાં ઈન્ટરનેટ યુગમાં 'ગુગલ' મોસ્ટ ટ્રસ્ટેડ બ્રાન્ડ બની ગઈ છે. જેની શરૃઆત સર્ગેઈ બ્રીન અને લોરેન્સ પેજ દ્વારા શરૃ થઈ હતી. લોરેન્સ પેજ, લારી પેજનાં હુલામણા નામે જાણીતા છે. તેમણે 'ગુગલ' પહેલાં આદ્ય કંપની 'આલ્ફાબેટ'ની સ્થાપના કરી હતી. બાળપણમાં 'લેરી' કોમ્પ્યુટર, સાયન્સ અને ટેકનોલોજીનાં મેગેજીનોનો ખડકલા વચ્ચે ઉછર્યો હતો. જેમાં તેને 'પોપ્યુલર સાયન્સ' વધારે ગમતું હતું. સ્ટેનફોર્ડ યુનીવર્સિટીમાંથી 'લારી' પેજ કોમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ડીગ્રી મેળવી છે. ઈન્ટરનેટનાં પડદા પાછળ કામ કરતાં 'સર્ચ એન્જીન' શોધવામાં બ્રિન અને પેજનું દિમાગ કામ કરતું હતું. આજે ગુગલ લોકોનું મોસ્ટ ફેવરીટ ઈન્ટરનેટ સર્ચ એન્જીન છે.

બ્લુમબર્ગ બિઝનેશવીકની માહિતી પ્રમાણે લારી પેજે બે કંપનીમાં ખાનગી રીતે રોકાણ કર્યું છે. જેમાં ઝી એરો અને 'કીટી હોક'નો સમાવેશ થાય છે.
કંપનીનાં નામ પ્રમાણે બંને કંપની હવાઈક્ષેત્ર, કાર્યરત હશે તેવી ધારણા સામાન્ય માનવી કરી શકે છે. 'ગુગલ'ની લેબોરેટરીમાં અસંખ્ય પ્રોજેક્ટ ઉપર કામ થઈ રહ્યું છે પરંતુ, લારી પેજનો વિશેષ પ્રેમ 'ફલાંઈગ' કાર તરફ વધારે હોય તેવું માનવાનું મન થાય તેવાં પુરાવાઓ મળી રહ્યાં છે. ઝુકરબર્ગે બંને કંપનીમાં ભેગા મળીને ૧૦ કરોડ ડોલર રોક્યાં છે. ૨૦૧૦માં સ્થાપના પામેલ ઝી. એરો હેલીકોપ્ટર માફક સીધું જ ઉભી દીશામાં ઉંચે જઈ શકે (જેથી લાંબા રનવેની જરૃર પડે નહીં) તેવાં નાના કદનાં ઈલેક્ટ્રીક પ્લેન વિકસાવવામાં કાર્યરત છે. જે છેવટે 'ફલાઈંગ કાર'નું સ્વરૃપ હશે. 'ગુગલ'ની બગલમાં જ ઝી.એરો કંપનીનું હેડ કવાટર આવેલું છે. જેમાં ૧૫૦ લોકો કામ કરી રહ્યાં છે. હોલીસ્ટર ખાતે આવેલ એરપોર્ટ હેન્ગરની સુવિધા ક્ષેત્રમાંથી પ્રોટોટાઈપ- એરક્રાફ્ટનાં નિયમીત ફલાઈ ટેસ્ટ થયા કરે છે. ૨૦૧૫માં ગુગલની બાજુમાં 'કિટી હોક' નામની બીજી કંપની ચાલુ થઈ છે. રાઈટ બંધુઓએ તેમનાં પ્રથમ પ્લેન 'ફલાયર'નું ટેસ્ટીંગ નોર્થ કેરોલીનાનાં 'કિટી હોક' સ્થળે કર્યું હતું. એટલે કે 'એરોપ્લેન'ની દુનિયાની શરૃઆત અહીંથી થઈ હતી. લારી પેજની 'કીટી હોક'માં લારી પેજની કલ્પના કથા જેવી 'ફલાઈગ કાર્સ' તેમનાં પ્રગતિનાં માર્ગે આગળ વધી રહી લાગે છે

No comments: