Tuesday 1 March 2016

નાસાને પબ્લિસીટી સ્ટંટની જરૃર પડે છે ?

ફેસ ઓફ ગૉડ UFO, ડ્રેગન, ઑરાયન

આ અઠવાડીયે નાસા ન્યુઝમાં છવાયેલ છે. એલન મસ્કની 'સ્પેસ એક્સ'ને નાસાએ અંતરીક્ષયાત્રીઓને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)  પર મોકલવા માટે ખાનગી કંપનીને કોન્ટ્રેક્ટ આપ્યો છે.
મંગળ ઉપર નાસાએ મોકલેલ માર્સ ઓપર્ચ્યુનીટી રોવર દ્વારા મંગળની સપાટીની એક તસ્વીર મોકલી છે. જેમાં UFO માં માનનારાં લોકોને પ્રાચીન અસીરીયન ભગવાનનો 'ચહેરો'દેખાયો છે.
UFO વાળા માટે બીજા ખાસ ખબર એ છે કે ISS ઉપર ગયેલ અંતરીક્ષયાત્રી સ્કોર કેલીએ  ISS ની બારીમાંથી એક તસ્વીર લીધી છે જેમાં પૃથ્વી દેખાય છે. આ તસ્વીરનાં એક ખૂણા ઉપર UFO સ્પષ્ટ દેખાય છે. જેની બે લાઇટ પણ દેખાય છે. ફોકસ ન્યુઝ ટીવી પર UFO વિશે લાંબી ચર્ચા ચાલી હતી.
આવા સમાચારોનાં વમળમાં 'નાસા' ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી માંડી મંગળ સુધીની સફર માટે ભવિષ્યનાં માર્ગ પર નવાં મુકામ મેળવવાનું ચાલુ જ રાખ્યું છે. નાસાએ જોકે જાહેર કર્યું છે કે તેને માર્સ પરનાં ચહેરા કે તસ્વીરમાં દેખાતાં યુફોમાં રસ નથી. તે માત્ર ટેકનોલોજીકલ હરણફાળ ભરવામાં જ વ્યસ્ત છે. નાસાની સફરનાં તરોતાજાં સમાચારો મેળવી લઇએ.

મંગળ ઉપર 'ભગવાનનો ચહેરો' દેખાય છે ?

ટેલીસ્કોપમાંથી મંગળ પર આવેલી સુકાઇ ગયેલી નદીઓ જેવી રચનાને ભૂતકાળમાં પૃથ્વીવાસીઓ મંગળવાસીએ બાંધેલ કેનાલ માનવાની ભૂલ કરી ચુક્યા હતાં. આવા જ નવા સમાચાર હવે આવ્યા છે. નાસાનાં માર્સ ઓપર્ચ્યુનીટી રોવર, મંગળનાં કન્સેપ્શન ક્રેટરની તસ્વીર મોકલી છે. આ ખાડો-ક્રેટર વૈજ્ઞાનિકો માટે પણ રહસ્યમય જેવો છે. આ ક્રેટર ગર્ત મંગળ પરનો સૌથી યુવાન ભૂસ્તરીય રચના ધરાવે છે. ત્યાંના ખડકોની સપાટી પર રહસ્યમય પદાર્થનું કોટીંગ આવેલું હોય તેવું જોવા મળ્યું છે.
યુફો અને પરગ્રહ સાથે સ્નેહસંબંધ ધરાવનારાં 'ઓપર્ચ્યુનીટી'એ મોકલેલ તસ્વીરથી ખુશ છે. પૃથ્વીવાસીઓમાં એક દંતકથા એવી છે કે પ્રાચીન અસીરીયન પ્રજા ટેકનોલોજીકલી સક્ષમ હતી. તે સ્પેસ ટ્રાવેલ પણ કરી શકતી હતી.
તેમણે તેમનાં ભગવાન ''નાબુ''નું પુતળું બનાવીને મંગળ ઉપર ગોઠવ્યું હતું. નાબુને ગોડ ઓફ વિઝડમ એટલે કે સમજદારીનાં ઈશ્વર ગણાય છે. કન્સેશન ક્રેટરની ઘાટ ઉપર વિચિત્ર આકારવાળા ખડકોનાં ટુકડા છે. જેમાં એક ટુકડો માનવ ચહેરાં જેવો દેખાય છે. ફોકસ ન્યુઝને માહિતી આપતાં નાસાનાં પ્રવકતા ગાય વેબસ્ટરે કહ્યું હતું કે ક્રેટરની ધાર પર કુદરતી રીતે રચાયેલ ખડકના ટુકડા છે. કોઇ સ્ટેચ્યુ-પુતળાનો ટુકડો નથી.
લોકો પોતાની કલ્પનાશક્તિનાં ઘોડાઓને છુટો દોર આપીને લોકોની ઉત્તેજનામાં વધારો કરી રહ્યાં છે. લોકોની એક માનસીકતાને 'ક્રેસ પેરોડોલીયા' કહે છે. જેમાં લોકો ચિત્ર, પેટર્ન કે રચનાઓમાં માનવ કે પ્રાણી ચહેરો શોધવાનું કામ કરતાં હોય છે. કાપેલા ફળો, દીવારનાં ઉખડેલા પ્લાસ્ટર કે વૃક્ષોની છાલમાં પણ લોકોને વિવિધ ચહેરા કે ધાર્મિક ચિન્હો દેખાતા હોય છે. ૧૯૭૬માં વાઇઝીંગ દ્વારા લેવાયેલ તસ્વીરમાં  પણ લોકોએ 'માનવ ચહેરો' શોધી કાઢ્યો હતો.
પૃથ્વીવાસીઓનો એક વર્ગ યુફો અને પરગ્રહવાસીઓની હાજરીમાં વિશ્વાસ રાખે છે. ગયા મહિને તેમણે મંગળનાં ખડકોમાં ભગવાન બુધ્ધનાં દર્શન થયા હતાં. આ લોકોનું માનવું છે કે મંગળ પર એક વાર બુધ્ધિશાળી જીવોનો વસવાટ હતો. જોકે કોઇ તસ્વીરોમાં આપણને મંગળ ઉપર વસાહત કે રહેઠાણનાં પુરાવાઓ મળ્યા નથી. ત્યારે સપાટીની રચનાઓને આપણી કલ્પનાનાં ''ચહેરા'' આપવા ન જોઇએ.

દક્ષિણ ભારતનાં આકાશમાં UFO દર્શન ?

અમેરીકન અંતરીક્ષયાત્રી ૨૩૬ દિવસથી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં કાર્યરત છે. સ્પેસ સ્ટેશનમાં લાંબો સમય વિતાવવાનો રેકોર્ડ પણ તે સર્જવાનાં છે. તેમણે ગયા રવિવારે એટલે કે ૧૫ નવેમ્બરે એક તસ્વીરને પોતાનાં ટ્વિટર એકાઉન્ટ ઉપર 'શેર' કરીને લખ્યું હતું કે ''ડે ૨૩૩, અન્સ અપોન એ સ્ટાર ઓવર સર્ધન ઈન્ડીયા. ગુડ નાઇટ ફ્રોમ સ્પેસ સ્ટેશન.'' યર ઈન ધ સ્પેસ.''
તસ્વીરને જ્યારે પૃથ્વીવાસીઓએ નિહાળી ત્યારે તેમને જમણી બાજુ ઉપલા ભાગમાં એક અનઆઇડેન્ટીફાઇડ ફ્લાઇંગ ઓબ્જેક્ટ'' એટલે કે UFO નાં દર્શન થયાં હતાં. તસ્વીરનાં સંદર્ભમાં સ્કોટકેલીએ લખ્યું હતું કે ''તેને ભારત ઉપર ખેંચવામાં આવી હતી.'' મજાની વાત એ છે કે સ્કોટ કેલીને કોઇ પણ ''યુફો'' જેવી ચીજ ઉડતી દેખાઇ ન હતી. કેટલાંક લોકો માને છે કે પરગ્રહવાસી અને UFO ને લગતી માહિતી 'નાસા'વાળા  જાણી જોઇને  છુપાવી રહ્યાં છે.
જાણકારનાં મત પ્રમાણે તસ્વીરમાં મેટાલીક બોડીમાં 'સીગાર' આકારનું સ્પેસ યાન છે. જે લગભગ ૨૫ મીટર લાંબુ છે અને સ્પેસ સ્ટેશનથી ૨૦૦થી ૩૦૦ મીટર દૂર હશે ? શું જાણી જોઇને નાસાનાં સ્કોટ કેલીએ મૂંગા રહીને તસ્વીર પૃથ્વીવાસીને પહોંચાડી છે જેથી ''એલીયન''નાં અસ્તિત્વની પૃથ્વીવાસીને જાણ થાય ? સ્ટોરી માનો યા ના માનો પ્રકારની છે. એમાં પાછું તસ્વીર ખેંચનાર ચુપ છે ! નાસાએ પણ વ્યક્તિગત રીતે આ તસ્વીર પર ''કોમેન્ટ'' કરવાનું રાખ્યું છે.
જોકે સાચી હકીકત પીટર કેલ્ટનર દર્શાવે છે. તસ્વીરમાં દેખાતી ચીજ યુફો નથી. તે સ્પેસ સ્ટેશનનું જ વિશિષ્ટ એન્ટેના છે. જે તસ્વીરમાં દેખાય છે. જોકે યુફો બીલીવર આ વાત માનવા તૈયાર નથી. બોલો તમારૃં શું માનવું છે ?

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે નાસાએ કરાર કર્યો છે

નાસાનું સ્પેસશટલ રિટાયર્ડ થઇ ગયું ત્યારે, નાસાને સમસ્યા સતાવતી હતી. હવે ઇન્ટરનેશનલ સ્પેશ સ્ટેશન પર અંતરીક્ષ યાત્રીઓને મોકલવા કઇ રીતે ? રશિયા અને ખાનગી કંપનીઓ આ બે વિકલ્પ તેમની પાસે બચ્યા હતા. સપ્ટેમ્બર ૨૦૧૪માં નાસાએ બોઇંગ કંપનીને ૪.૨૦ અબજ ડોલર અને સ્પેસ એક્સ કંપનીને ૨.૬૦ અબજ ડોલરનો કોન્ટ્રેક્ટ આપવાની જાહેરાત કરી હતી. વર્ષની શરૃઆતમાં બોઇંગ કંપનીએ જાહેર કર્યું હતું કે '' CST-૧૦૦'' સ્ટાર લાઇનર કેપ્સ્યુલ દ્વારાં બોઇંગ પાયલોટ મિશનને ISS ઉપર મોકલશે. આમ કરનારી તે પ્રથમ કંપની હશે. નાસાએ ખુલાસો કર્યો કે બોઇંગ કે સ્પેસ એક્સ કોને પ્રથમ ફુ મોકલવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે એ વાત 'નાસા' આવનારા સમયમાં નક્કી કરવામાં આવશે.
સ્પેસ એક્સ કંપની આઇએસએસ પર કાર્ગો મિશન મોકલતું આવ્યું છે. કાર્ગો મિશન વાળી ડ્રેગન કેપ્સ્યુલમાં સુધારા વધારા કરીને અંતરીક્ષયાત્રીઓને લઇ જઇ શકાય તેવું કેપ્સ્યુલ તૈયાર કરવામાં આવશે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ૨૦૨૪ સુધી કાર્યરત રહેવાનું છે. અંતરીક્ષ યાત્રીઓને ત્યાં પહોચાડવા માટે નાસા ચાર ગેરટીવાળા ઓર્ડર આપવાનું છે.જેના બીજા ઓર્ડરની સીરીઝમાં બોઇંગ અને સ્પેસ એક્સને ચાન્સ મળ્યો છે. ૨૦૧૧ બાદ નાસાનો શટલ પ્રોગ્રામ બંધ થઇ ગયો હતો.
રશિયાની સોયુઝ કેપ્સ્યુલ દ્વારા હાલમાં અંતરીક્ષયાત્રીઓ સ્પેસ સ્ટેશન પર જાય છે. એક સીટ માટે નાસા, રશિયાને સાત કરોડ ડોલર ચુકવે છે. આગામી ૨૦૧૭માં સ્પેસ એક્સ તેના ડ્રેગન ફુ મિશન દ્વારા અંતરીક્ષયાત્રીઓને સ્પેસસ્ટેશન પર મોકલશે.
સ્પેસ એક્સનું ડ્રેગન સ્પેસક્રાફ્ટ ચાર વર્ષ પહેલાં શરૃઆત કરી ચુક્યું છે. ડિસેમ્બર ૨૦૧૦માં પૃથ્વી ફરતે પ્રદક્ષિણાની ભ્રમણકક્ષામાં જઇને પૃથ્વી પર પાછુ ફરનાર પ્રથમ સ્પેસ ક્રાફ્ટનો ઇતિહાસ 'ડ્રેગન' દ્વારા લખાયો હતો. આ પ્રકારની સફળતા આ પહેલા માત્ર અમેરિકા, રશિયા અને ચીને મેળવી હતી. ડ્રેગનનું હિટ-શીલ્ડ અત્યાર સુધીનું સૌથી વધારે પાવરફુલ હિટશીલ્ડ છે તે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા યાત્રીને ગરમી સામે રક્ષણ આપે છે. જે નાસાના ફેનોલીક ઇમ્યુગ્નેટેડ કાર્બન એબ્લેટર (PICA) નું અતિ આધુનિક સ્વરૃપ છે. ડ્રેગન કુલ ૩.૩૦ ટન વજન ઉચકી જવાની ક્ષમતાં ધરાવે છે. માત્ર કાર્ગો કેપ્સ્યુલ હવે ૭ ટનનું વજન ઉચકવા સક્ષમ છે. નાસાને હવે આઇએસએસ માટે યોગ્ય વિકલ્પ મળી ચુક્યો છે.

ઓરાયન

સ્પેસ શટલ કોલંબીયાને અકસ્માત નડયો ત્યારે જ પ્રમુખ જ્યોર્જ બુશને લાગ્યું હતું કે સ્પેસ શટલનો કોઇ વિકલ્પ હોવો જોઇએ. કોલંબિયાને પહેલી ફેબુ્રઆરી ૨૦૦૩માં અકસ્માત નડયો હતો. જેમાં કલ્પના ચાવલાનું દુ:ખદ અવસાન થયું હતું. લગભગ તેનાં અગીયાર મહીના બાદ, બુશે નવા ફુ એક્સપ્લોગેરેશન વેહીકલ વિકસાવવાની જાહેરાત કરી હતી.
તેનું પરિણામ એટલે 'ઓરાયન' મલ્ટીપર્પઝ વેહીકલ ગયા ડિસેમ્બરની ૫ તારીખે ડેલ્ટા-૪ રોકેટ દ્વારા 'ઓરાયન'ની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ થઇ હતી. જો કે ૨૦૨૩ સુધીમાં તેની અંતરીક્ષયાત્રી સાથેની કોઇ ફ્લાઇટ જવાની નથી. નાસા માટે ૨૦૨૧  સુધીમાં 'ઓરાયન' તૈયાર કરી નાખવાનું છે.
કોઇપણ સ્પેસક્રાફ્ટ માટે પૃથ્વીના વાતાવરણમાં પાછુ પ્રવેશવું હીટ-શીલ્ડ વગર મુશ્કેલ બને છે. છેલ્લી ફ્લાઇટમાં ઓરાયન સેકન્ડનાં ૩૦ હજાર ફુટની ગતીથી પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું હતું. આ સમયે લગભગ ચાર હજાર ફેરનહીટ જેટલી ગરમી પેદા થઇ હતી. ચંદ્ર તરફ યાત્રા કરીને યાન પૃથ્વી પર પાછુ ફરે ત્યારે આટલી ગરમી પેદા થવાની છે.
યાનની દિશા સૂર્ય તરફની હોય ત્યારે પણ યાનની સપાટી પર પુષ્કળ ગરમી પેદા થવાની છે. ઓરાયનનું નવું સીલ્વર મેટાલીક કોટીંગ પોતાનું તાપમાન ૧૫૦થી ૫૫૦ વચ્ચે જાળવી રાખે છે. ઓરાયનના મુખ્ય રચનાકાર કંપની લોકહીડ માર્ટીન છે. યાનનું હીટશીલ્ડ ૧૮૦ અલગ અલગ બ્લોક વડે બનાવવામાં આવશે.
ઓરાયન કેપ્સ્યુલ દ્વારાં નાસાનો ભૂતકાળ જાણે કે જીવંત થયો છે. નાસાનાં એપોલો ૧૭ની યાદ 'ઓરાયન' અપાવે તેવું છે. સાત ડિસે.૧૯૭૨માં નાસાએ ચંદ્ર તરફ એપોલો-૧૭ મોકલ્યું હતું. તેની ક્રુ કેપ્સ્યુલ અને ઓરાયન વચ્ચે દેખાવનું પણ સામ્ય છે. એપોલો ત્રણ અંતરીક્ષ યાત્રીને લઇ જવા સક્ષમ હતું. જ્યારે ઓરાયન ચાર અંતરીક્ષયાત્રીઓને નજીકના એસ્ટ્રોઇડ કે મંગળ સુધી લઇ જવાની ક્ષમતા ધરાવે છે. આ યાનમાં અંતરીક્ષયાત્રી ૪૫૦ દિવસ દિવસ વિતાવવાનાં છે. નાસાની બધી જ આશાઓ હવે 'ઓરાયન' સાથે જોડાયેલી છે.

No comments: