Friday 24 May 2013

સ્પેસશીપ-૨: સ્પેસ ટ્રાવેલ શક્ય બનાવશે ?

"મનુષ્યને સ્પેસ ફલાઇટમાંથી મળતા આનંદની સરખામણી અન્ય સાથે કરી શકાય તેમ નથી. આ સ્પેસટુરમાં માનવીને વજનવિહીન સ્થિતિનો અનુભવ તો થાય જ છે. સાથે સાથે પૃથ્વીના ગોળાના અનેરા વળાંકના અદ્ભૂત દર્શન પણ થાય છે"


આમ તો રોકેટ પાવર સંચાલિત સ્પેશશીપ ટુ નું ઉડ્ડયન માત્ર ગણતરીની સેકન્ડ એટલે કે માત્ર ૧૬-૨૦ સેકન્ડ પુરતું જ મર્યાદિત રહ્યું પરંતુ તેને અંતરીક્ષના આ મુકામે પહોચાડવા માટે હજારો કલાકની મહેનત કરવી પડી હતી. સ્પેસશીપ ટુની રચના પાછળ ખાસ મકસદ રહેલો છે. તેના પૂર્વજ ગણાતાં સ્પેસશીપ વન દ્વારા એક ઇતિહાસ રચાયો હતો. સ્પેસશીપ ટુની નજર હવે ભવિષ્ય ઉપર રહેલી છે. ૨૧ એપ્રિલના રોજ સ્પેસશીપ- ટુ એ તેના ભવિષ્યને ઉજ્જવળ બનાવે તેવો એક ટેસ્ટ પાસ કર્યો હતો. સ્પેસશીપ ટુના આ સાહસે અંતરીક્ષમાં જવા માગતા માનવી (હાલ પુરતાં કરોડોપતિ)ની આકાંક્ષા માર્ગે એક પગલું આગળ ભર્યું છે.
કેલિફોર્નિયાના મોજાવે ડેઝર્ટના રનવે પરથી ૭.૦૨ કલાકે (સવારે) વ્હાઇટ નાઇટ- ટુ (WK 2) એ ઉડ્ડાન ભરી હતી. તેનાં પેટના ભાગે સ્પેસશીપ- ૨ (SS-2) બાંધેલું હતું. SS-2 નું હુલામણ નામ ''એન્ટરપ્રાઇઝ''રાખવામાં આવ્યું છે. સ્ટ્રારટ્રેક જેવી લોકપ્રીય ટી.વી.શ્રેણી અને ફિલ્મોમાં દર્શાવેલ સ્પેસશીપનું નામ પણ 'એન્ટરપ્રાઇઝ'છે. જેવું મધરશીપ WK-2  ૧૪ કિ.મી.ની ઉંચાઇ પહોચ્યું કે તરત જ એન્ટરપ્રાઇઝને તેના બંધનમાંથી મુકત કરવામાં આવ્યું. પાયલોટો એ SS-2 ના રોકેટ એન્જીનની સ્વીચ દબાવી અને રોકેટ એન્જીન ચાલુ થયું ત્યારે SS-2 સત્તર કિ.મી.ની ઉંચાઇએ પહોચી ગયુ હતું. SS-2 ના રોકેટ એન્જીનનું બાંધકામ સીએરા નેવાડા કોર્પોરેશનનાં ઇજનેરોએ કર્યું છે. નાસા માટે સીએરા નેવાડા કોર્પોરેશન 'ડ્રિમ ચેઝર મીની શટલ'નામની સ્પેસ ટેકસીનું બાંધકામ પણ કરી રહી છે. ડ્રિમ ચેઝરનો મકસદ, અમેરિકન અંતરીક્ષયાત્રીઓને અમેરિકાની ભૂમી ઉપરથી પૃથ્વીની લો અર્થ ઓરબીટ અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સુધી પહોચાડવાની છે. યાદ રહે કે નાસાના બધા જ સ્પેસ શટલ હવે રિટાયર્ડ થઇ ચૂક્યા છે અને અમેરિકા રશિયાની મદદથી તેના અંતરીક્ષયાત્રીઓને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) સુધી પહોચાડી રહ્યુ છે.
SS-2 નું રોકેટ એન્જીન માત્ર ૧૬ સેકન્ડ ચાલુ રહ્યું હતું. આ દરમ્યાન તેણે અવાજનો પડદો (સાઉન્ડ બેરીઅર) રોકેટ એન્જીન શરૃ થયાની આઠમી સેકન્ડે ચીરી નાખ્યો હતો. એક માત્ર હાઇબ્રીડ રોકેટ મોટરના સહારે SS-2 ૪૨૦૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપ મેળવી શકે છે. જેની સરખામણીમાં અવાજની ઝડપ ૧૨૩૦ કિ.મી. પ્રતિ કલાકની હોય છે. અવાજની ઝડપનો આધાર માધ્યમનાં તાપમાન ઉપર રહેલો હોય છે. સ્પેસશીપ ટુની મુખ્ય ખાસીયત અંતરીક્ષની બાઉન્ડરીથી પૃથ્વીની વાતાવરણમાં પાછા પ્રવેશવામાં રહેલી છે. નાસાના સ્પેસશટલ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા હતા ત્યારે તેમની ઝડપ ૨૫ હજાર કિ.મી. પ્રતિ કલાકની રહેતી હતી. આ ઝડપે સ્પેસ શટલ પ્રવેશે ત્યારે તેનો આગળનો ભાગ ઘસાઇને પુષ્કળ ગરમી પેદા કરે છે. આ ગરમીથી શટલને બચાવવા માટે ખાસ પ્રકારના 'હિટ શીલ્ડ'સ્પેશ શટલમાં લગાડવા પડતા હતા. ભૂતકાળમા આવા શીલ્ડની એક ટાઇલ્સ ઉખડી જતાં, સ્પેશ શટલને અકસ્માત નડયો હતો.
સ્પેશશીપ ટુ ની રિ-એન્ટ્રી સીસ્ટમ ''ફીધર સીસ્ટમ''છે. ખુબ જ ઓછી ઓરબીટલ સ્પીડે SS-2 વાતાવરણમાં ગમે તે એંગલે (ખુણે) પ્રવેશ મેળવી શકે છે. પતંગ માપક ગ્લાઇડીંગ કરી તે પોતાની ઝડપ ઘટાડતું રહે છે. ઝડપ ઘટાડતા ઘટાડતા તે ૨૪ કી.મી.ની ઉંચાઇ એ આવી પહોચે છે. અહીથી ફરીવાર ગ્લાઇડીંગ કરી સ્પેસપોર્ટ પર લેન્ડીંગ કરવામાં તેને ૨૫ મીનિટ લાગે છે. ટૂંકમાં અંતરીક્ષમાં જવા કરતાં, પાછા ફરવામાં તે સૌથી વધારે સમય લે છે. SS-2 ની બધી જ શીટ, ગ્રેવીટેશનલ ફોર્સના કારણે લેન્ડીંગ સમયે જ જે અકળામણ થાય છે તેને દૂર કરી શકે તે માટે અલગ અલગ ખુણે એડજસ્ટ કરી શકાય છે. SS-2 ની બીજી ખાસીયત એ છે કે ઉડાન દરમ્યાન કોઇ દુર્ઘટના બને તો મધરશીપથી તે અલગ થઇ આરામથી લેન્ડીંગ કરી શકે છે.
સ્પેસશીપ ટુ નો પ્રોજેક્ટ, વર્જીન ગેલેકટીક કંપનીનું સાહસ છે. વર્જીન કંપનીએ વ્યાપારી ધોરણે અંતરીક્ષ મુસાફરી સ્પેસ ટ્રાવેલ કરાવવાની ડેડ લાઇન ૨૦૦૭ની આપી હતી. જો કે એન્જીન પ્રપલ્ઝન ટેસ્ટ દરમ્યાન વિસ્ફોટ થતાં ૩ વર્કર માર્યા ગયા હતા. જેની અસર અને યોગ્ય ટેકનોલોજીના વિકાસ માટે વધારે સમય જતાં તેમનું ટાઇમ ટેબલ પાંચ વર્ષ પાછળ ચાલી રહ્યુ છે. સ્પેસ ટ્રાવેલ કરવા માટે ૫૬૦ લોકોએ ટીકીટ બુક કરાવી દીધી છે. શમણા સમી સ્પેશ ટ્રાવેલ પાછળ તેઓ બે લાખ ડોલર જેવી તગડી રકમ ચુકવશે. આ વર્ષના અંત ભાગમાં અથવા ૨૦૧૪ની શરૃઆતમાં હવે સામાન્ય માનવી (સરકારી મદદ વિના) નાણા ચુકવીને અંતરીક્ષ સફરની મજા માણી શકશે. એક સમય એવો હતો કે માત્ર અમેરિકા અને રશિયા પાસે જ એવી ટેકનોલોજી હતી જે તેના વૈજ્ઞાનિકો/ ઇજનેરોની સરકારી નાણા વડે અંતરીક્ષ માં વૈજ્ઞાનિક ઉદેશ્યની પૂર્તિ માટે મોકલતા હતા. આવા સમયે પીટર ડાયમંડીસ જેવા 'સ્પેસ લવરે' સામાન્ય માનવી પૈસા ચૂકવી ''સ્પેસ ટ્રાવેલ''કરી શકે તેવા સ્વપ્નાને પંખાં આપવાનું કામ કર્યું હતું.
પિટર ડાયમંડીસે એક્સ ફાઉન્ડેશનની સ્થાપના કરી. આ ફાઉન્ડેશને 'એક્સ'પ્રાઇઝ આપવાની જાહેરાત કરી હતી. સામાન્ય માનવી અંતરીક્ષમાં જઇ શકે તેવી ટેકનોલોજી જે વ્યક્તિ કે કંપની વિકસાવી શકે તેને 'એક્સ પ્રાઇઝ'આપવાની શરૃઆત કરવી તે તેમનો એક માત્ર ઉદેશ્ય હતો. એક્સ પ્રાઇઝની મુખ્ય શરત હતી કે ''વારંવાર વાપરી શકાય તેવાં સ્પેરાશીપની મદદથી માત્ર બે અઠવાડીયાનાં સમય ગાળામાં આ સ્પેશશીપ બે વાર અંતરીક્ષ જ્યાંથી શરૃ થાય છે ત્યાં ૧૦૦ કિ.મી.ની ઉચાઇ સુધી પહોચવું જોઇએ.''સરકારી મદદથી બનનાર સ્પેસશીપને આ ચેલેન્જ માટે ''નો-એન્ટ્રી''હતી. ટુંકમાં ખાનગી કંપનીએ ''સ્વયં''નવી ટેકનોલોજી વિકસાવીને આ સાહસ ખેડવાનું હતું. પ્રાઇઝ પાછળનો છુપો ઉદ્દેશ્ય પૃથ્વીવાસીઓ માટે 'સ્પેસ ટેકનોલોજી ઇન્ડસ્ટ્રી''સ્થાપવાનો છે. હવે ટેકનોલોજીના વિકાસ માટે સરકારી સંસાધનો ઉપર આધાર રાખવાની જરૃર નથી. ખાનગી ક્ષેત્રના પગપેસારાના કારણે ''સ્પેસ ટ્રાવેલ''એક ઉદ્યોગ તરીકે વિકસવવાનાં ચાન્સીઝ વધી રહ્યા છે. સ્પેસશીપ ટું એ આવી તક ઝડપી લીધી છે.
વિસમી સદીમાં ૨૫ હજાર ડોલરનું ઉરટેગ પ્રાઇઝની જાહેરાત થઇ હતી. ચાર્લ્સ લીન્ડબર્ગે એકલે હાથે તેના એરક્રાફટ 'સ્પીરીટ ઓફ સેન્ટ લુઇસ'ને ન્યુયોર્કથી પેરીસ અને પેરીસથી ન્યુયોર્ક ઉડાડયું હતું. તેણે આંટલાન્ટીંક મહાસાગર ઓળંગ્યો હતો. આ પ્રાઇઝ ઉપરથી પ્રેરણા લઇને ઉદ્યોગપતિ પિટર ડાયમંડીસે ૧૯૯૫માં અંતરીક્ષમાં ખાનગી ઉડયન માટે એક્સ પ્રાઇઝની જાહેરાત કરી હતી. ૬ મે, ૨૦૦૪ના રોજ જન્મે ઇરાની અને અમેરિકન નાગરીકત્વ ધરાવતાં આમીર અન્સારી અને અનુશેર અન્સારીએ લાખો ડોલરનું એક્સ પ્રાઇઝ માટે દાન કર્યું અને એક્સ પ્રાઇઝનું નામ બદલાઇને 'અન્સારી એક્સ પ્રાઇઝ'થઇ ગયું. માત્ર એક્સ પ્રાઇઝને દાન આપીને નહી, પરંતુ બીજી રીતે પણ અનુશેર અન્સારી (એક મહીલા)મીડીયા માટે 'હોટ સ્પોટ'બની ચુકી હતી.
અનુશેર અન્સારીએ સામાન્ય માનવી અંતરીક્ષમાં સફર ખેડી શકે તેવું પ્રથમ પગલુ ભર્યું હતું. પોતાની ચાલીસમી વર્ષગાંઠના થોડા દિવસો બાદ, તેણે રશિયન કંપનીને નાણા ચૂકવીને વિશ્વની પ્રથમ મહિતાપ સ્પેસ ટુરીસ્ટ બનવાનો વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો. આ ઉપરાંત વ્યાવસાયિક ધોરણે નાણાં ચૂકવીને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની મુલાકાત લેનાર વિશ્વની પ્રથમ મહિલા તરીકે પણ તેણે નામના મેળવી છે. અંતરીક્ષમાં જનાર પ્રથમ ઇરાની નાગરીક તરીકે પણ ''અનુશેર અન્સારી''નું નામ વિશ્વમાં ઇતિહાસમાં નોંધાઇ ચુક્યું છે. યુરોપીયન એજન્સી વતી તેણે ISS માં વૈજ્ઞાનિક પ્રયોગો પણ કર્યા હતા. અનુશેહ પહેલા ત્રણ અન્ય વ્યક્તિ પૈસા ચુકવીને અંતરીક્ષ સફર ખેડી મૂકી હતી. એક મહિલા તરીકે તેનું સ્થાન પ્રથમ છે. પોતાની અંતરીક્ષ સફરનું વર્ણન તેણે ''માય ડ્રિમ ઓફ સ્ટાર''માં કર્યુ છે. રશિયાની સોયુઝ TMA-9 મિશનમાં. કમાંન્ડર મિખાઇલ ત્યુરીન અને માયકલ લોપેઝ એલેગ્રીઆ સાથે, ૨૦ સપ્ટેમ્બર ૨૦૦૬ના રોજ તે ISS ઉપર પહોચી હતી. અંતરીક્ષમાં લગભગ ૧૧ દિવસ વીતાવીને તે પૃથ્વી પર પાછી ફરી હતી. ઇસનના ટી.વી. માધ્યમોએ અનુશેરને સેલીબ્રીટી બનાવી દીધી હતી. પોતાની અંતરીક્ષયાત્રીની સફળતા બાદ એક મુલાકાતમાં અનુશેર અન્સારીએ પ્રતિભાવ આપ્યો હતો કે...
'હું વિશ્વની દરેક વ્યક્તિ ખાસ કરીને જુવાનીયાઓ, સ્ત્રીઓ અને યુવા સ્ત્રીઓ જેઓ મધ્યપૂર્વના દેશોમાં વસે છે, જેમને પુરૃષ માફક અંતરીક્ષમાં જવાની તક મળતી નથી, તેમને તેમના શમણાંને તિલાંજલી નહી આપવાની સલાહ આપું છું. આ તબક્કે તમારા ''ડ્રીમ'' જીવંત રાખો, તેનો ઉછેર કરો, અવસરની શોધમાં રહો અને તેને સાકાર કરો.''લાગે છે કે માત્ર બે-ત્રણ વર્ષમાં અનુશેરના શબ્દો સાચા પડશે. તેણે આપેલ લાખો ડોલરનાં દાનનાં નાણાને 'અન્સારી એક્સ પ્રાઇઝ'માં રૃપાંતર કરવામાં આવ્યા હતા. અને ૪ ઓક્ટોબર ૨૦૦૪ના રોડ, ટાયર વન પ્રોજેક્ટ હેઠળ સ્પેશશીપ- વનની ટીમને 'અન્સારી એક્સ પ્રાઇઝ'ની વિજેતા જાહેર કરવામાં આવી. ૪થી ઓકટોબર ૨૦૦૪ના રોજ, રશિયા એ સ્યુટનીક-૧ નામનો વિશ્વનો પ્રથમ ઉપગ્રહ અંતરીક્ષમાં તરતો મૂકયો તેની ૪૭મી વર્ષગાંઠ હતી. અન્સારી એક્સ પ્રાઇઝ જીતવા માટે વિશ્વની ૨૬ ટીમોએ ભાગ લીધો હતો. ટાયર વન ટીમ સિવાય અન્ય પાંચ ટીમોએ અંતરીક્ષ ઉડ્ડયનાં નિષ્ફળ પ્રયત્નો પણ કર્યા હતા.
એક્સ પ્રાઇઝમાંથી પ્રેરણા લઇને વિજ્ઞાન ક્ષેત્ર માટે અન્ય પ્રાઇઝની પણ જાહેરાતો થઇ છે. જેમાંનું એક છે મેથ્યુસેલાર માઉસ પ્રાઇઝ જેને ટુંકમાં 'એમ'પ્રાઇઝ કહે છે. જે વૈજ્ઞાનિક ઉંદરનું આયુષ્ય વધારી શકે અથવા વૃધ્ધત્વની પ્રક્રિયાને રિવર્સ ગીઅરમાં ચલાવી શકે તેને આ પ્રાઇઝ મળશે. નાસાએ 'સેન્ટીનીઅલ ચેલેન્જ મૂકી છે. એનો મકસદ સ્પેસ એલીવેટર માટે દોરડા જેવા સુપર સ્ટ્રોંગ ટિથર કંમ્પોનેન્ટ વિકસાવવાનો છે. બીજા પાવર ચેલેન્જમાં શક્તિ/ ઉર્જા એનર્જીને દોરડા વાયર વગર ટ્રાન્સમીશન કરનાર વ્યક્તિને ઇનામ મળશે. લો અર્થ ઓરબીટમાં જૈવિક સંશોધન કરી શકાય તેવા લો-કાસ્ટ ઓરબીટલ લોંચ કરનારને 'એન પ્રાઇઝ'' આપવાની દરખાસ્ત કેમ્બ્રીજના માઇક્રોબાયોલોજીસ્ટ પોલ એમ.ડીઅરે કરી છે. ખાનગી પ્રયત્નોથી જે ચંદ્ર ઉપર રોબોટ ઉતારી બતાવે તેને માટે ગુગલ લ્યુનાર એક્સપ્રાઇઝ રાહ જોઇ રહ્યું છે. એક્સ ફાઉન્ડેશન દ્વારા ખાસ પ્રકારની કાર, અને જેનોમિક્સ માટે પણ એકસ પ્રાઇઝની જાહેરાત કરેલી જ છે. એની વે, કમ ટુ અન્સારી એક્સ પ્રાઇઝ..
સ્કેલ્ડ કોમ્પોઝીટ કંપની દ્વારા 'ટાયર વન' પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો હતો. જે કાર્યક્રમ મુજબ માનવીને ''સબ ઓરબીટલ સ્પેસ ફલાઇટ''ની સુવિધા પૂરી પાડવાની વ્યવસ્થા કરવાની હતી. ખાનગી ભંડોળ દ્વારા ઓછા ખર્ચે, વારંવાર વાપરી શકાય તેવા એરક્રાફ્ટની ડિઝાઇન, આ પ્રોગ્રામની પ્રથમ જરૃરિયાત હતી. માઇક્રોસોફ્ટના સ્થાપકમાંના એક વ્યક્તિ પોલ એલને આ ટાયર વન પ્રોજેક્ટ માટે બે કરોડ અમેરિકન ડોલરની આર્થિક સહાય પુરી પાડી હતી. હવે અંતરિક્ષ યાત્રા માટે અનુકુળ સ્પેસ ક્રાફટ ડિઝાઇન કરવાની જવાબદારી ''સ્કેલ કોમ્પોઝીટ''ના બર્ટ રૃટાનના માથે હતી. બર્ટ રૃટાન ખાસ પ્રકારના એરક્રાફ્ટ ડિઝાઇન કરવા માટે ''ભડવીર''સાબિત થયા હતા.
એલ્બર્ટ લેન્ડર 'બર્ટ' રૃટાને, ભુતકાળમાં પોતાના કારનામાં દ્વારા નામના મેળવી હતી. આ અમેરિકન એરોસ્પેસ એન્જીનીયર એરક્રાફ્ટની લાઇટ સ્ટ્રોંગ, લો કોસ્ટ, એનર્જી એફીસીઅન્ટ ડિઝાઇન માટે જાણીતા છે. તેમણે બનાવેલ વોયેજર એરક્રાફ્ટે વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે. પોતાના ભાઇ ડિક રૃટાન માટે એવા એરપ્લેન બનાવવાની ચેલેન્ઝ ઉપાડી હતી, જે અટકયા વગર, ફ્યુઅલ પુરાવ્યા વગર, પૃથ્વીની ગોળ પ્રદક્ષીણા કરે. વિશ્વમાં આવો ચમત્કાર કોઇ બતાવી શક્યુ ન હતું. લશ્કરી એર-ક્રાફ્ટે નોન-સ્ટોપ પૃથ્વીની પ્રદશીણા કરી છે ખરી પરંતુ માર્ગમાં અન્ય કાર્ગો પ્લેન વડે તેની બળતણ ટાંકીમાં જરૃરિયાતના સમયે ફ્યુઅલને ભરવામાં આવ્યું હતું. ચેલેન્જ ઉપાડીને બર્ટ રૃટાને 'વોયેઝર'ક્રાફ્ટ બનાવ્યું. ડિસે. ૧૯૮૬માં ડિક અને તેના જોડીદાર જેના યેગરે કેલીફોર્નિયાથી ટેક ઓફ કરીને, પશ્ચિમની દિશા પકડીને નવ દિવસમાં પૃથ્વીને ફરતી મુસાફરી પુરી કરી હતી.
વોયેઝર જેવું બીજુ એર-ક્રાફટ, ગ્લોબલ ફલાયર તેમણે બનાવ્યું. જેણે ફરીવાર બળતણ પુરાવ્યા વગર નોન-સ્ટોપ પૃથ્વીના ગોળાની ફરતે સફર ખેડવાનો નવો કિર્તિમાન રચ્યો. તેણે ઉડાનનાં ઇતિહાસમાં ૪૧૪૬૭ કિ.મી.ની નોન સ્ટોપ ફલાઇટનો રેકોર્ડ પણ સ્થાપ્યો. હવાઇ ઉડ્ડયન ક્ષેત્રે ઇતિહાસ સર્જનાર એરક્રાફટને તેની નિવૃતિ બાદ, નેશનલ એર એન્ડ સ્પેસ મ્યુઝીઅમમાં રાખવામાં આવે છે. સ્મિથસોનીઅન ઇન્સ્ટીટયુટ દ્વારા વોશીગટનમાં આ મ્યુઝીયમની સ્થાપના ૧૯૪૬માં કરવામાં આવી છે. અહી રાઇટ બ્રધર્સ, ચાલ્સ લીન્ડબર્ગના વિમાનો સહીત નાસાના 'ડિસ્કવરી'જેવા સ્પેશ શટલ રાખવામાં આવ્યા છે. આ મ્યુઝીયમમાં બર્ટ રૃટાને ડિઝાઇન કરેલ છે, એરક્રાફટનો સમાવેશ થયો છે. જે બર્ટ રૃટાનની જીનીઅસનેસનો જીવતો જાગતો દાખલો છે.
બર્ટ રૃટાને છેવટે એક્સ પ્રાઇઝની સ્પર્ધામાં ઝુકાવીને સ્પેસશીપ વન અને મધરશીપ 'વ્હાઇટ નાઇટ'નું ડિઝાઇન અને બાધંકામ પુરું કર્યુ હતું. સ્પેસક્રાફટ ડિઝાઇનમાં સ્પેશશીપ વન અને મધરશીપ વ્હાઇટ નાઇટ- વન એ એક નવો કોન્સેપ્ટ હતો. બર્ટ રૃટાન પોતાની કારકીર્દી શરૃ કરી ત્યારથી માંડીને આજસુધી ૩૬૭ જેટલી અલગ અલગ એરક્રાફ્ટ સ્પેસ ક્રાફ્ટની ડિઝાઇન કોન્સેપ્ટ રજુ કરી ચુક્યા છે. જેમાંથી ૪૫ ડિઝાઇન આકાર ધારણ કરીને આકાશમાં ઉડી ચૂકી છે.
બર્ટ રૃટાનની બંને સ્પેસ ક્રાફ્ટની ડીઝાઇન સફળ નીવડી અને ૪થી ઓક્ટોબર ૨૦૦૪ના રોજ અન્સારી એક્સ પ્રાઇઝ જીતી લીધુ હતું. આ પૂર્ણ વિરામ ન હતું. હવે બર્ટ રૃટાન પાસે વર્જીન ગેલેકટીક દ્વારા ઓર્ડર અપાયેલ સ્પેશશીપ-ટુનો પ્રોજેક્ટ અમલમાં મુકાયેલ છે. બે પાયલોટ સહીત છ પેસેનજરને અંતરીક્ષ મુસાફરી કરાવવા માટે સ્પેશશીપ- ટુ નું બાંધકામ થઇ રહ્યું છે.
તાજેતરમાં સ્પેસશીપ- ટુ (SS-2) નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે જેમાં ઉડ્ડયન દરમ્યાન તેણે ૧.૨ મેંક એટલે કે અવાજ કરતાં વધારે ઝડપ મેળવી બતાવી છે. આ ખુશીના પ્રસંગે વર્જીન ગેલેકટીકના સ્થાપક અને માલીક સર રિચાર્ડ બ્રાનસન કહે છે કે ..
'મનુષ્યને સ્પેસ ફલાઇટમાંથી મળતા આનંદની સરખામણી અન્ય સાથે કરી શકાય તેમ નથી. આ સ્પેસટુરમાં માનવીને વજનવિહીન સ્થિતિનો અનુભવ તો થાય જ છે. સાથે સાથે પૃથ્વીના ગોળાના અનેરા વળાંકના અદ્ભૂત દર્શન પણ થાય છે. હવે લાગે છે કે ૨૦૦૧- અ સ્પેસ ઓડીસી અને સ્ટારટ્રેક જેવી સાયન્સ ફિકશન ફેન્ટસી રીઆલીટી બની જશે.' સ્પેસશીપ- ૨ની સફળતાના કારણે માનવી 'સ્પેસ ટ્રાવેલ'ની દિશામાં એક ડગલું આગળ વધ્યો છે. ત્યાં સ્પેસ ટેકનોલોજીએ એક લાંબી હરણફાળ ભરી છે. ભૂતકાળનાં પાયા ઉપર ભવિષ્યની 'સ્પેસ ટ્રાવેલ'ની ઇમારત ખડી થવાની છે. ન્યુ મેક્સીકોના 'સ્પેસપોર્ટ અમેરિકા'ના રન વે પરથી સામાન્ય માનવી અંતરીક્ષ તરફ સફર શરૃ કરશે એ દ્રશ્ય કેટલું આહ્લાદક હશે !!

No comments: