Friday, 24 May 2013

પિગ- ૨૬:કલોનિંગ ટેકનોલોજી વડે ''ડોલી''ઘેટું પેદા કરનાર રોઝલીન ઇન્સ્ટીટયુટનું નવું સાહસ.

રોઝલીન ઇન્સ્ટીટયૂટ ફરીવાર સમાચારોમાં ચમકી રહ્યું છે. આજથી ૧૬ વર્ષ પહેલા તેણે 'ડોલી' નામની ઘેટીનું ક્લોનીંગ કરીને વિશ્વવિખ્યાત બનાવી દીધી હતી. ન્યુક્લીયર ટ્રાન્સફર દ્વારા ડોલી નામની ઘેટીને ક્લોનીંગ કરી પેદા કરી હતી. ક્લોનીંગ દ્વારા ડોલી જેટલી પ્રખ્યાત બની ગઇ હતી તેની સાથે તેના સર્જક ઇઆન વિલ્મુટ, કેથ કેમ્વબેલ અને સાથીએ પણ વિશ્વમાં ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. ડોલી જેટલી જાણીતી બની તેટલી, તેનાં ક્લોનીંગ માટે જવાબદાર રોઝલીન ઇન્સ્ટીટયુટ જાણીતી બની ન હતી. બીબીસી સમાચાર સંસ્થા અને સાયન્ટીફીક અમેરીકને 'ડોલીને' વિશ્વનું સૌથી જાણીતું ''ઘેટું'' જાહેર કર્યુ હતું. હવે રોઝલીન ઇન્સ્ટીટયૂટ એક નવા સંશોધનમાં ''ભુંડ''ને ખ્યાતી અપાવી રહ્યું છે. સારું છે, ભૂંડના બચ્ચાને કોઇ માનવીય નામ મળ્યુ નથી. રોઝલીન ઇન્સ્ટીટયુટે તેણે પેદા કરેલ ''જીનેટીકલી એડીટેડ ''ભૂંડ"ને નામને બદલે નંબર આપ્યો છે. અને તેની ઓળખ એટલે પિગ- ૨૬. પિગ- ૨૬ની ઓળખ પાકી કરતાં પહેલા રોસઝલીન ઇન્સ્ટીટયુટને ઓળખી લઇએ.
સ્કોટલેન્ડનાં મિડલોથીઅન ખાતે રોઝલીન ઇન્સ્ટીટયુટ આવેલુ છે. જ્યાં પ્રાણીઓ ઉપર વૈજ્ઞાનિક પ્રયોગો, નવા સંશોધનો અને અખતરાઓ થાય છે. ૧૯૯૬માં ૫ જુલાઇના રોજ ઇઆન વિલ્મુટ અને સાથીઓએ 'ડોલી' નામની તંદૂરસ્ત ઘેટીનો જન્મ કરાવ્યો હતો. આમ તો વિશ્વમાં અનેક ઘેટાઓ જન્મે છે અને ગુમનામીમાં જ ગુજરી જાય છે. 'ડોલી' અલગ નસીબ લઇને આવી હતી.તેનો જન્મ વૈજ્ઞાનિકોએ નર-માદાના સંવનન વગર કરાવ્યો હતો. ડોલી માત્ર 'માદા'ના કોષ માંથી પેદા કરવામાં આવી હતી. ડોલીની માની દુગ્ધવાહીની ગ્રંથીઓમાંથી એક 'સેલ' લેવામાં આવ્યો હતો, જેનાં નાભીકેન્દ્રને અલગ તારવવામાં આવ્યું હતું. અન્ય ઘેટીનાં અંડકોષમાંથી નાભીકેન્દ્ર દૂર કરીને ડોલીની 'મા'ના કોષમાંથી મેળવેલ નાભીકેન્દ્રને તેમાં ગોઠવવામાં આવ્યું હતું. જીનેટીક એન્જીનીયરીંગમાં તેને ન્યુકલીઅર ટ્રાન્સફર કહે છે. ત્યાર બાદ આ નવા સર્જેલ અંડકોષને પ્રયોગશાળામાં સક્રીય રીતે વિકસાવવામાં આવ્યો હતો. કોષ વિભાજનની પ્રક્રિયા એક નિશ્ચિત તબક્કે પહોચ્યા બાદ તેનું આરોપણ ઘેટીના ગર્ભમાં કરવામાં આવ્યું હતું. ગર્ભાવસ્થા પૂર્ણ થતા 'ડોલી' નામની ઘેટીનો જન્મ થયો હતો. વિજ્ઞાન ક્ષેત્રે 'ક્લોનીંગ' શબ્દ વપરાતો જ હતો. ડોલીના જન્મે 'ક્લોનીંગ' શબ્દને સામાન્ય માણસ સુધી પહોચાડી દીધો. સામાન્ય માણસ પણ હવે એક્ષ્પર્ટ માફક "ક્લોનિગ" શબ્દ વાપરવા લાગ્યા છે.
ક્લોનીંગ ટેકનીકની સફળતાથી અંજાઇ ગયેલા લોકોનું મગજ વધારે સક્રીય બની ગયું. હવે 'ક્લોનીંગ'નામે વિવાદ પણ શરૃ થયો. સામાન્ય માણસોની ભાષામાં 'ક્લોનીંગ'એ પ્રાણીની ઝેરોક્ષ કોપી જેવો સજીવ પેદા કરવાની એક વૈજ્ઞાનિક ટેકનીક હતી. નવા સજીવ પેદા કરવા હવે નર અને માદાનાં પ્રજનન કોષોનો મેળાપ આવશ્યક ન હતો. હવે એવી હવા પેદા કરવામાં આવી કે સ્ત્રી કે પુરૃષ પોતાના કોષમાંથી પોતાનું સંતાન પેદા કરી શકે છે. એક ગુજરાતી મેગેઝિનમાં ક્લોનિગનાં લેખમાં આલેખવામાં આવ્યું કે હવે : "સેંક્ડો સચિન, હજારો હિટ્લર અને લાખો લતા મંગેશકર પેદા થશે." ક્લોનિગ વિશે આ અતિશયોક્તિ ભરેલ આગાહી હતી. વૈજ્ઞાનિકો હવે મનુષ્યનું 'ક્લોનીંગ' કરશે એવો ડર માત્ર વૈજ્ઞાનિકોને જ નહી, વિશ્વના વિચારક સમુદાયને પણ લાગવા લાગ્યો હતો. વિશ્વના ઘણા દેશોએ મનુષ્ય ક્લોનીંગ ઉપર પ્રતિબંધ મૂકી દીધો. પ્રયોગશાળામાં આ ટેકનિક 'સ્ટેમ સેલ' મેળવવા માટે વાપરવામાં આવતી હતી તેના ઉપર પણ, કડક બંધનો લાદવામાં આવ્યા છે. આજે આપણે જાણીએ છીએ કે ''વૈજ્ઞાનિકોએ ઘેટા પછી ગોવાળીયાને પેદા કર્યો નથી.'' છતાં રોઝલીન ઇન્સ્ટીટયુટ એક ડગલું આગળ વધી...
રોઝલીન ઇન્સ્ટીટયુટે 'ડોલી' પછી 'પોલી'અને 'મોલી'નામની ઘેટીનું ક્લોનીંગ કરી બતાવ્યું. આ ક્લોનીંગની ખાસ વાત એ હતી કે ક્લોનીંગ વખતે ઘેટાનાં જેનામમાં મનુષ્યના સારાં જનીનો પણ ઉમેરવામાં આવ્યા હતા. ડોલી એ પુખ્ત પ્રાણી કોષમાંથી પેદા કરવામાં આવેલ વિશ્વની પ્રથમ ઘેટી હતી તો...પોલી અને મોલી મનુષ્યના જનીનો ધરાવતી વિશ્વની પ્રથમ ઘેટીઓ હતી, રોઝલીન ઇન્સ્ટીટયુટ જનીનોના બદલાવ કરી જે પ્રાણીઓ પેદા કરી રહી હતી. તેને વિજ્ઞાન જગત જીનેટીકલી મોડીફાઇડ ઓર્ગેનીઝમ GMO તરીકે ઓળખે છે. હવે જીનેટીકલી મોડીફાઇડ GM  સજીવોમાં બેકટેરીયા, વનસ્પતી, પ્રાણીઓ, માછલી વગેરેનો સમાવેશ થવા લાગ્યો છે. ' GM' શબ્દ વિવાદો સર્જે છે. ભારતમાં BT કપાસ અને રીંગનો વિવાદ પણ ભૂતકાળમાં વકર્યો હતો. વિવાદોને બાજુમાં રાખી વૈજ્ઞાનિકો તેમને યોગ્ય લાગે તેવા અખતરાઓ કરતા જ રહે છે. રોઝલીન ઇન્સ્ટીટયુટે ૨૦૦૭માં જીનેટીકલી મોડીફાઇડ ખાસ પ્રકારની મરઘીઓ પેદા કરી હતી. આ મરઘીઓ જે ઇંડા મુકતી હતી તેમાં કેન્સર સામે રક્ષણ આપે તેવી દવા બનાવવા માટે,ખાસ પ્રકારના પ્રોટીન રહેલા હતા. ઇંડામાં ખાસ પ્રકારના પ્રોટીન મેળવવા માટે મરઘીઓને ખાસ પ્રકારના જનીનો ઉમેરીને પેદા કરવામાં આવી હતી. રોઝલીન ઇન્સ્ટીટયુટ હવે પોતાના ભૂતકાળના ઇતિહાસને આગળ વધારીને નવું સોપાન સર કરી રહી છે. ભુંડ એટલે કે પિગના જનીનોને ખાસ પ્રકારની ટેકનીકથી એડીટ કરીને, રોઝલીન ઇન્સ્ટીટયુટનાં વૈજ્ઞાનિકોએ ''પિગ- ૨૬''પેદા કર્યુ છે. જેની ખાસીયત એ છે કે ભૂંડને લાગતા કેટલાક રોગો સામે તેમાં શરૃઆતથી જ રક્ષા કવચ પેદા થયું છે. કેટલાક જનીન ઉમેરતા, ભૂંડને લાગતાં કેટલાક રોગો સામે તેને રક્ષણ મળી ગયું છે.
પિગ- ૨૬નાં શરીરમાં જનીનોની જે હેરાફેરી કરવામાં આવી છે તે ટેકનીક ને જીન્સ એડીટીંગ કહે છે. પિગ- ૨૬ આવું જ એક જીનેટીકલી એડીટેડ પ્રાણી છે. જેનો જન્મ ઓગસ્ટ- ૨૦૧૨માં થયો હતો. પિગ- ૨૬ને પેદા કરવામાં વાપરવામાં આવેલ ટેકનિક ''ક્લોનીંગ''કરતાં પણ વધારે સરળ હોવાનો દાવો ઇન્સ્ટીટયુટના વૈજ્ઞાનિકોએ કર્યો છે. રોઝલીન ઇન્સ્ટીટયુટના સંશોધક પ્રો. વ્હાઇટ લોના શબ્દોમાં આ નવતર પ્રયોગોની માહીતી મેળવીએ તો...
જીનેટીકલી મોડીફાઇડ ટેકનોલોજી કરતાં જીન એડીટીંગ ટેકનિક ૧૦૦ ગણી વધારે પ્રભાવશાળી અને ચોક્કસ છે. આ પ્રકારના સજીવ મેળવવા માટે પ્રાણીના શરીરમાં એન્ટીબાયોટીક (રોગપ્રતિકારક) જનીનો ઉમેરવા પડતા નથી, જેનો લોકો વિવાદ અને વિરોધ કરે છે. ભૂંડની ૩ અબજ બેઝ પેરમાંથી, જ્યાં અમારે જરૃર હતી ત્યાંથી જનીન દૂર કરવામાં આવ્યું છે. અમે કોઇ પણ પ્રકારનો બાયોલોજીકલ માર્કર કે ટ્રેસ વાપર્યા વગર આવું (જીન એડિટીંગનું) કામ કરી શક્યા છીએ. પ્રકૃતિમાં આવું સામાન્ય રીતે બનતું રહે છે. જેતે 'મ્યુટેશન'( જનિનિક બદલાવ / ફેરફાર) થતો રહે છે. વૈજ્ઞાનિકોએ આ કામ જીન એડીટર દ્વારા કર્યુ છે. પિગ- ૨૬ પેદા કરવામાં એન્ટી બાયોટીક રેઝીસ્ટન્સ માર્કર વાપરવામાં આવ્યા નથી. વૈજ્ઞાનિકોનાં દાવા પ્રમાણે જનીનોનો બદલાવ કે એડિટીંગ કરવા 'ક્લોનીંગ' જેવી વિસ્તૃત પ્રક્રિયામાંથી પસાર થવું પડતું નથી. સામાન્ય કોષોના સ્થાને અહી ફલનીતીકરણ પામેલ ઇંડા '(ફર્ટીલાઇઝડ એગ') ઉપર જીન એડીંટીંગ પ્રક્રિયા વાપરવામાં આવી છે. સામાન્ય રીતે જીનેટીક એન્જીનીયરીંગમાં જે સ્ટાન્ડર્ડ મોડેલ દ્વારા જીનેટીકલી મોડીફાઇડ પ્રાણી પેદા કરવામાં આવે છે. તેની સફળતા અને કાર્યદક્ષતા માત્ર એક ટકા જેટલી જ છે. જીન એડીટીંગમાં કાર્યદક્ષતાને ૧૦થી ૧૫ % સુધી પહોચાડી શકાય છે. ડોલી નામની ઘેટી પેદા કરવા પહેલા વૈજ્ઞાનિકોને ક્લોનીંગ ટેકનીક વાપરવામાં ૨૭૭ વાર નિષ્ફળતા મળી હતી.
નવી ટેકનીક પ્રાણીના જેનોમ ઉપર કોઇ પ્રતિકુળ પ્રભાવ છોડતું નથી. ઉત્ક્રાંતિ દરમ્યાન લાખો/ હજારો વર્ષ પછી જે જીનેટીક મ્યુટેશન થાય છે, તેને જીન એડિટીંગ ટેકનિક વડે માત્ર ગણતરીની સેકંડોમાં પૂરું કરવામાં આવે છે. રોઝલીન ઇન્સ્ટીટયુટના જીનેટીકલી મોડીફાઇડ પીગ પ્રોગામ હેઠળ પિગ- ૨૬ પેદા કરવામાં આવ્યું છે. આ ભૂંડ આફ્રિકન સ્વાઇન ફીવર નામના વાયરસથી સંપૂર્ણ રક્ષિત કરવામાં આવ્યું છે. જો આ પ્રકારનાં વાયરસનો ચેપ ભૂંડને લાગે તો માત્ર ૨૪ કલાકનાં ગાળામાં ભૂંડનું મૃત્યુ થઇ જાય છે. અહી એક વાત સમજાતી નથી કે બ્રિટનમાં આ વાયરસનાં કારણે ભૂંડમાં મોટો રોગચાળો ફાટી નિકળ્યો હોય તેવી ઘટનાઓ ભૂતકાળમાં બની નથી. આફ્રિકા અને રશિયાના ભૂંડને આ વાયરસ વધારે રોગગ્રસ્ત બનાવે છે. બ્રિટનના ભૂંડમાં આવી રોગપ્રતિકારક ક્ષમતા વિકસાવવાનું કારણ શું ?
કદાચ વૈજ્ઞાનિકો ઘર આંગણે ડિએનએ મ્યુટેશન કરી, રોગ સામે રક્ષાત્મક કવચ લઇને જન્મતાં ભૂંડ પેદા કરવા માંગે છે. છેવટે આ ટેકનિક આફ્રિકાના ભૂંડ ઉપર વાપરવામાં આવશે. સામાન્ય રીતે વૈજ્ઞાનિકો પ્રાણીની રોગપ્રતિકારક પ્રણાલી મજબૂત કરવા 'બબુન' નામના વાંદરાનાં જનીનો, જીનેટીકલી મોડીફાઇડ એનીમલ્સમાં ઉમેરતાં હોય છે. આપણને એક સવાલ જરૃર થાય કે કોઇ સ્તન્યવંશી અન્ય પ્રાણીની જગ્યાએ ''ભુંડ''ઉપર રોઝલીન ઇન્સ્ટીટયુટે શા માટે પસંદગી ઉતારી છે.
ભારતમાં ભલે આપણે ભૂંડ/ ડુક્કરને ગંધાતા જીગુપ્ષાપ્રેરક પ્રાણી ગણીને ધિક્કારતા હોઇએ. યુરોપ, અમેરિકામાં ભૂંડ/ ડુક્કરનું માંસ ''પોર્ક'' લોકો મજાથી આરોગે છે. માંસ માટે ખાસ સ્વચ્છ ફાર્મમાં ભૂંડને હાઈજિનીકલી  સેફ કન્ડીશનમાં ઉછેરવામાં આવે છે. માંસાહારી લોકો માટે ખાસ જીનેટીકલી મોડાફાઇડ પ્રાણીઓ, વ્યાવસાયિક ધોરણે નવું માર્કેટ પેદા કરવામાં આવી રહ્યા છે. શાકાહારીઓ માટે પણ આ પ્રકારનું કામ ભૂતકાળમાં થઇ જ ચુક્યું છે. યુરોપ- અમેરિકાનાં સુપર બઝાર અને મોલ માલીકોએ સામુહીક નિર્ણય લીધો હતો કે 'જીનેટીકલી મોડીફાઇડ માંસ કે તેના ઉત્પાદનો તેઓ વેચશે નહી.' આ તબક્કે પિગ- ૨૬ જેવી બઝારને ધ્યાનમાં રાખીને પેદા કરેલ GM ઉત્પાદન કેટલી સફળતા મેળવે છે એ જોવું રહ્યું. અમેરિકા ટૂંક સમયમાં GM પ્રોડકટને મંજુરી આપવા જઇ રહ્યું છે.
અમેરિકાનું ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)  એકવાબાઉન્ટી 'સામન' માછલીને બજારમાં વેચવા માટે મંજુરી આપવા જઇ રહ્યું છે. એકવા બાઉન્ટીના સંશોધકોએ સામન માછલીમાં ખાસ પ્રકારના જનીન ઉમેર્યા છે.જેનાં કારણે સામન માછલી ખાસ પ્રકારના ગ્રોથ હોર્મોન્સ પેદા કરે છે. ત્રણ વર્ષમાં ફુલ સાઇઝમાં વિકસીત સામાન્ય માછલીના સ્થાને, જીનેટીકલી મોડીફાઇડ માછલી માત્ર અડધા સમયમાં એટલે કે ૧૮ મહિનામાં વિકાસ પામી વિશાળ કદ મેળવી લે છે. સામન માછલીમાં દરિયામાં રહેતી 'ઇલેક્ટ્રીક એલ' માછલી જેવી દેખાતી 'સી પોઉટ' માછલીના જનીન ઉમેરવામાં આવ્યા છે. ટૂંક સમયમાં અમેરિકાનાં બજારમાં જીનેટિકલી મોડીફાઇડ સામન માછલી વેચવાની પરવાનગી FDA આપી દેશે એવું હાલનાં તબક્કે લાગી રહ્યું છે.
રોઝલીન ઇન્સ્ટીટયુટના પ્રો. હેલેન સાંગ કહે છે કે ''ડોલીનાં ક્લોનીંગ સમયે જ 'ફ્રેન્કેસ્ટાઇન ફીઅર' પેદા થયો હતો તેને જીનેટીકલી મોડીફાઇડ ફુડ દ્વારા દૂર કરી શકાય તેમ છે. રોઝલીન ઇન્સ્ટીટયુટને બ્રિટનની બાયોટેકનોલોજી એન્ડ બાયોલોજીકલ સાયન્સ રિસર્ચ કાઉન્સીલ ગ્રાન્ટ આપી રહી છે. મેડ કા ઉરોગની બાયોલોજી ઉકેલવામાં સફળતા મેળવનાર ન્યુરો-પેથો જીનેસીસ યુનીટ ફોર એનીમલ હેલ્થ અને યુનિવર્સીટી ઓફ એડિનબર્ગનો સ્કૂલ ઓફ વેટેનરી સ્ટડીઝ સાથે પણ સંશોધન માટે કરાર કરેલો છે. રોઝલીન ઇન્સ્ટીટયુટે સરકારને અપીલ કરી છે કે સરકારે ફાર્મ એનીમલમાં જીનેટીકલી મોડીફાઇડની સંખ્યા વધે અને GM પ્રાણીજ ઉત્પાદનો લોકોમાં સ્વીકાર્ય બને તે માટે પ્રયત્નો કરવા જોઇએ. સામાન્ય માણસ GMને "મમ્બો જમ્બો મેજીક" ગણે છે. તેઓ જાણતા નથી કે સામાન્ય પ્રાણીના બ્રીડિંગ વડે જે ક્વોલીટી મેળવી શકતી નથી, તેને જીનેટીકલી મોડીફાઇડ એનીમલ પેદા કરીને દૂર કરવામાં આવે છે. પ્રો.હેલેન સાંગ ઉમેરે છે કે 'પ્રાણીજ ફુડ પ્રોડકટ એક આંતરરાષ્ટ્રીય બજાર છે. ગ્રાહકોને સારી ગુણવત્તાવાળી ચીજ મળતી હોય તો, સુપર માર્કેટ વાળાએ GM ફુડ વેચવા વિશે જરૃર વિચારવું જોઇએ.
ભારતમાં અને અન્ય ગરીબ દેશોમાં સસ્તા ભાવે હલકી ગુણવતાવાળું માંસ વેચાય છે. તેના સ્થાને, ફાર્મ હાઉસમાં ઉછેરેલા પ્રાણીઓનું માંસ વેચાય તે આવકારદાયક વાત કહેવાય.
ક્લોનીંગ અને જીનેટીકલી મોડીફાઇડ પ્રાણી અને વનસ્પતિ ઉત્પાદનોને ડો.ફ્રેન્કેસ્ટાઇનનો રાક્ષસ ગણવામાં આવે છે. છતાં, વૈજ્ઞાનિકોનાં ફ્રેન્કેસ્ટાઇન એનીમલ ફાર્મમાં ખાસ પ્રકારનાં પ્રાણીઓનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. વિશાળ કદનાં ભૂંડ/ ડુક્કર પેદા થાય, વધારે માંસ અને ચરબી ઓછી હોય તેવા પ્રાણીઓ વિકસાવવામાં આવી રહ્યા છે. મરઘી બર્ડ ફલ્યુ અને ડુક્કર સ્વાઇન ફલ્યુ સામે રક્ષણાત્મક ગુણધર્મો મેળવે તેવા પ્રયોગો થઇ રહ્યા છે. મરઘીના ઇંડા માંથી માત્ર માદા (મરઘી જ) પેદા થાય અને મોટા ઇંડા મૂકે તેવા સંશોધનો થઇ રહ્યા છે. આફ્રીકાનાં પ્રાણીઓમાં 'બબુન'ના જનીનો ને કારણે એન્ટીબાયોટીક ગુણધર્મો વિકસાવી શકાયા છે. ગાયને માથે ટુંકા શિગડા અથવા શીંગડા વગરની ગાય પેદા કરવામાં આવશે, જેથી ઝગડો થાય ત્યારે ગાયો એકબીજાને જીવલેણ રીતે ઘાયલ કરી શકે નહી. ગાયના દુધમાં મનુષ્યની માદા જેવું દુધ પેદા કરી શકાશે, જેથી નવજાત શિશુને એલર્જીક રિએકશનથી બચાવી શકાય. કાર્બન કરતાં વજનમાં હલકું અને સ્ટીલ કરતાં વધારે મજબુત મટીરીઅલ્સ બનાવવાના માટે, બકરી ખાસ પ્રકારનો પ્રોટીન પેદા કરે તે માટે તેમનું જીનેટીક મોડીફીકેશન થઇ રહ્યું છે.
આખરે ક્લોનીંગ અને જીનેટીક મોડીફીકેશન વચ્ચે મોટો તફાવત છે. દરેક GM પ્રોડકટ નુકસાનકારી છે,  એ પ્રકારની માનસીક ગ્રંથી મીડીયા દ્વારા વિકસાવવા આવી રહી છે. તે વૈજ્ઞાનિક સંશોધન માટે પ્રતિકુળ સંજોગો પેદા કરશે. GM પ્રોડકટને તાત્કાલિક ધોરણે બજારમાં મુકતા પહેલા, તેના ઉપર મનુષ્ય શરીર ઉપર GM  ઉત્પાદન દ્વારા થતી લાંબા ગાળાની અસરો ઉપર ખાસ અભ્યાસ થવો જોઇએ. પિગ- ૨૬ને યુરોપ- અમેરિકા કઇ રીતે મુલવી રહ્યું છે તેનો પ્રભાવ પ્રાણીજ માંસના આંતરરાષ્ટ્રીય બજાર ઉપર અવશ્ય પડશે. ડોલી માફક "પિગ- ૨૬"નાં વંશજો મ્યુઝીઅમમાં ગોઠવાશે કે પછી ફાઇવ સ્ટાર હોટેલના ટેબલ ઉપર ?? તમે શાકાહારી હો તો આ સવાલ તમને સતાવવાનો નથી.

No comments: