Thursday 16 May 2013

"થિયરી ઓફ પાનસ્પર્મીઆ":વિવાદાસ્પદ વૈજ્ઞાનિકની વિવાદાસ્પદ રજુઆત...

કાર્લ સાગાન અને ફ્રેડ હોયલ દર્શાવેલ શક્યતાનો કોન્સેપ્ટ "ડાયરેક્ટ પાનસ્પર્મીઆ" કહેવાય છે. કદાચ તેની એક પ્રોડક્ટ એટલે ''મનુષ્ય''???


ડિસેમ્બર ૨૯, પોલોનાંરુંવા નામનાં શ્રીલંકાનાં વિસ્તારમાં સાંજનાં ટાઈમે પીળા રંગનો અગનગોળો દેખાવા લાગ્યો. પૃથ્વીનાં વાતાવરણમાં પ્રવેશતાં જ તેનો રંગ લીલો થઈ ગયો. વાતાવરણમાં પ્રવેશતાં જ અગનગોળાંનાં ટુકડે ટુકડા થઈ ગયા. ગરમાગરમ પત્થરનાં ટુકડાં ખૂબ જ વિશાળ વિસ્તારમાં વરસાદ માફક છુટા છવાયા વરસી ગયા. જેમણે પણ દૃશ્ય જોયું તે આ ઉલ્કાંપીંડનાં પૃથ્વી પર ખરેલાં ટુકડાઓ ભેગા કરવા માટે દોડી ગયાં. આખે જોનારાંઓએ દૃશ્ય વિશે કહ્યું કે, 'જાણે આકાશમાંથી અંગારા વરસતા હતાં.' દોડી ગયેલા લોકોએ ઉલ્કાંપીંડનાં નાનાં ટુકડા ઉઠાવ્યા તો તેઓ દાઝી ગયાં. નાના ટુકડામાંથી ધુમાડાં નિકળતાં હતાં. ટુકડામાંથી ડામર બળતો હોય તેવી વાસ આવતી હતી. લોકો દાઝી ગયાનાં સમાચારે પોલીસને પણ સચેત કરી દીધી. સ્થાનીક પોલીસે વરસેલા પત્થરનાં નાનાં ટુકડાઓ એકઠાં કરીને શ્રીલંકાની મિનીસ્ટ્રી ઓફ હેલ્થ સંચાલીત, મેડિકલ રિસર્ચ ઈન્સ્ટિટયૂટને સુપરત કરી દીધાં. જેમાંનાં કેટલાંક નમુનાઓને વધારે અભ્યાસ માટે કાર્ડીક યુનિવર્સિટીમાં મોકલવામાં આવ્યાં. કાર્ડિક યુનિવર્સિટીનાં સ્કુલ ઓફ મેથેમેટીકસનાં જેમી વાલીસ કહે છે કે, ૬૨૮ ટુકડાઓમાંથી ૩ નમુનાઓ જોતાં જ આપણે ઓળખી શકીએ કે તે પૃથ્વી પર વરસેલ 'મીટીઓરાઈટ્સ'નાં જ ટુકડા છે.
કાર્ડીક યુનિવર્સિટી એ બ્રિટનની જાણીતી યુનિવર્સિટી છે. જેની સ્થાપના ૧૮૮૩માં યુની. કોલેજ ઓફ સાઉથ બોન્સ એન્ડ મોનસાઉથશાયર તરીકે થઈ હતી. આ યુનિવર્સિટીનાં વૈજ્ઞાનિકોએ શ્રીલંકામાં પડેલ ઉલ્કાનાં ટુકડાઓનો અભ્યાસ કરીને રિસર્ચ પેપર જર્નલ ઓફ કોસ્મોલોજીનાં તાજેતરનાં અંકમાં પ્રકાશીત કરેલ છે. સંશોધન પેપરમાં ઇલેક્ટ્રોન માઈક્રોસ્કોપ વડે પત્થરનાં ટુકડામાં રહેલ કાર્બનિક માઈક્રો-ફોસીલની તસ્વીરો લીધી છે. કાર્બનનું બનેલ આ બંધારણ ૧૦૦ માઈક્રોમીટર લાંબુ છે. બીજી ઈમેજમાં બે માઈક્રોમીટર વ્યાસની રચના સાથે, ધજા જેવી રચના જોવા મળે છે. આ રચના જોઈ સંશોધકોએ તારણ કાઢવું છે કે અસામાન્ય અને પાતળી રચના, ઓછું ગુરુત્વાકર્ષણ, ઓછું દબાણ અને ઝડપથી થીજી સુકાઈ ગયેલ રચના લાગે છે. આ પહેલાં જાન્યુઆરી મહિનામાં પ્રો. નવીનચંદ્ર વિક્રમસીંધે અને ટીમે અભ્યાસ કરેલ સેમ્પલોનાં પરિણામ પ્રકાશિત કર્યા છે, જે માઈક્રોસ્કોપીક ફોસીલ્સ (અશ્મી) 'ડાયએટમ' વાળી છે. પૃથ્વી પર થતી આલ્ગીમાં આવું બેઝીક ફોર્મ જોવા મળે છે. પ્રો. નવિનચંદ્ર વિક્રમસીંધે કબુલ્યું છે કે, 'પેપર ખૂબ જ ઉતાવળે તૈયાર કરવામાં આવ્યું છે. જે સેમ્પલનો તેમણે અભ્યાસ કર્યો છે તે ખરેખર બાહ્યાવકાશમાંથી આવેલ ઉલ્કા છે તે નક્કી કરવાનાં પૃથ્થકરણ કરવાનાં રહી ગયાં છે.' ડો. ચંદ્ર વિક્રમસીંધે ઉમેરે છે કે, 'અશ્મીમાં રહેલ જૈવિક બંધારણ, આજથી ત્રીસ વર્ષ પહેલાં રજુ થયેલ 'થિઅરી ઓફ પાનર્સ્પમીઆનો મજબુત પુરાવો છે.' આખરે આ થિયરી ઓફ પાનસ્પર્મીઆ જેને 'ઉલ્કા પાષાણવાદ' કહે છે તે ખરેખર શું છે.
પૃથ્વીનું બંધારણ, આજથી ૪.૬૦ અબજ વર્ષ પહેલાં ઘડાઉ હતું. તેનાં એક અબજ વર્ષ પછી એટલે કે ૩.૬૦ અબજ વર્ષ પહેલાં પૃથ્વી પર જીવનની શરૃઆત થઈ હતી. પૃથ્વી પર સર્જાએલ પ્રથમ સજીવ કેવો હતો, એ થિયરીનો વિષય છે. એકકોષી સુક્ષ્મ જીવનો તે પૂર્વજ હોય તેવો હશે. આ વૈજ્ઞાનિક કલ્પના છે. પ્રથમ સજીવની રચના કઈ રીતે થઈ તેને લગતી અનેક થિયરી સમયે-કસમયે વૈજ્ઞાનિકો રજુ કરી ચુક્યાં છે. જેમાંથી માત્ર બે-ત્રણ થિયરીમાં વૈજ્ઞાનિકોને તથ્ય લાગ્યું છે. ચાર્લ્સ ડાર્વિને એક હુફાળા પાણીથી ભરેલ નાનાં તળાવની કલ્પના કરી છે. જેમાં પૃથ્વીનાં એ સમયનાં વાતાવરણમાં રહેલ વાયુ મિથેન, એમોનીયા અન્ય ગેસ, વીજળીનાં ચમકારા અને રેડિયેશનનાં કારણે એમિનો એસિડ જેવાં રસાયણ બન્યાં હશે. તેઓ ફરીવાર વરસાદથી સપાટી પર વરસતાં રહ્યા હશે. નાના તળાવમાં તેમની આદ્રતા વધતી રહી હશે. જેમાંથી કાળક્રમે પ્રોટીન અને ન્યુકલીક એસીડ બન્યા હશે. જે છેવટે પૃથ્વી પર પ્રથમ સજીવ બનાવવામાં નિમીત્ત બન્યા હશે. ગ્રીક ભાષામાં પાનસ્પરમીઆનો અર્થ થાય, બ્રહ્માંડમાં ગ્રહ, લઘુગ્રહ, અવકાશી પીંડ ઉલ્કાઓ વગેરે ઉપર જીવન એટલે કે સજીવ સૃષ્ટિ છે. આ લાઈફ ફોર્મમાં પુર્ણ વિકસીત કક્ષાનાં મનુષ્યથી લઈ વિકાસનાં પ્રથમ તબક્કામાં રહેલાં, સુક્ષ્મ જીવો ગમે તે હોઈ શકે. પૃથ્વી પર સુર્યમાળા બહારનાં પરીબળનાં કારણે જીવન શક્ય બન્યું છે તેવી લીમીટેડ હાઈપોથીસીસ જેને 'એકક્ષોજીનેસીસ' કહે છે તે પાનસ્પર્મીઆનું એક્સટેન્સન ગણી શકાય. ઈ.સ. પૂર્વે ગ્રીક ફિલોસોફર એનાક્ષોગોરસનાં લખાણમાં પાનસ્પર્મીઓનો ઉલ્લેખ આવે છે. ઓગણીસમી સદીમાં જોન જેકોબ બર્ઝેલીયસ, લોર્ડ કેલ્વીન, હરમાન વોન હોલ્મોલ્ટઝ અને સવાન્તે ઓર્હેનિયસે તેને મોડર્ન સ્વરૃપ આપ્યું હતું. બ્રહ્માંડની ઉત્પત્તિને લગતી 'સ્ટેડી સ્ટેટ થિયરી' આપનાર થોમસ ગોલ્ડ પણ માનતા હતા કે ''પરગ્રહવાસીઓએ આકસ્મીક રીતે પૃથ્વીની મુલાકાત લઈ જે ઓર્ગેનીક કચરો પૃથ્વી પર ફેંકી ગયા હતા તેમાંથી પૃથ્વી પર સજીવ સૃષ્ટિનાં મંડાણ થયા છે.'' થોમસ ગોલ્ડની આ થિયરી 'ગાર્બેજ થિયરી' તરીકે ઓળખાય છે. જીવ સૃષ્ટિનું પ્રાગટય, સમજનારા માટે માથાનો દુખાવો એ છે કે 'થિયરી ઓફ પાનસ્પર્મીઆ' પૃથ્વી પર જીવન ક્યાંથી આવ્યું તે બાબતે દલિલ કરે છે. છેવટે અંતરીક્ષમાં બીજી જગ્યાએ પણ પ્રથમ સજીવ અગર પેદા થયો પણ હોય તો કેવી રીતે થયો છે તેનો જવાબ આપી શકતી નથી. આમ 'ઓરીજીન ઓફ લાઈફ', જીવસૃષ્ટિની શરૃઆત ક્યાં અને કેવી રીતે થઈ એ સવાલ તો વણઉકલ્યો જ રહે છે.
'થિઅરી ઓફ પાનસ્પર્મીઆ' જેટલી વિવાદાસ્પદ છે તેટલાં જ વિવાદાસ્પદ વૈજ્ઞાનિક ચંદ્ર વિક્રમસીધે છે. થોડા વર્ષો પહેલાં 'સાર્સ'ની બીમારી ફેલાઈ ત્યારે, ૨૦૦૩માં ડો. ચંદ્ર વિક્રમસિધે પત્ર લખીને સાયન્સ જર્નલ લાન્સેયાને લખ્યું કે ''સાર્સનાં વિષાણું પૃથ્વી પર પેદા થયા નથી. બાહ્યાવકાશમાંથી આવ્યા છે. લાન્સેટ મેગેજીન અને અન્ય વૈજ્ઞાનિકોએ પુરાવા વગર બેજવાબદારીભર્યા નિવેદન કરવા બદલ ચંદ્ર વિક્રમસીધેની ખબર લઈ નાખી હતી. આવો જ ઘાટ તાજેતરમાં (જાન્યુ-૨૦૧૩માં) તેમનાં લખાણ જર્નલ ઓફ કોસ્મોલોજીમાં પ્રકાશીત થતાં થયો છે. જર્નલ ઓફ કોસ્મોલોજીની પ્રીન્ટ આવૃત્તિ બહાર પડતી નથી. આ એક ઓનલાઈન મેગેઝિન છે.
ડૉ. ચંદ્ર વિક્રમસીધે જે ઉલ્કાઓનું એનાલીસીસ કરી, પરીણામો દર્શાવ્યા છે તે ઉલ્કા ખરેખર બાહ્યાવકાશમાંથી જ આવી છે તે વાતની ચકાસણી કરી નથી. થોડા વર્ષો પહેલાં અમેરિકામાં ચાર્લ્સ ડાર્વિનની ઉત્ક્રાંતિવાદ વિદ્યાર્થીઓને ભણાવવા માટે વિવાદ થયો હતો. ચર્ચનાં સભ્યો અને સમર્થકોએ જાહેર કર્યું હતું કે ''બ્રહ્માંડમાં જીવની શરૃઆત ઈશ્વર દ્વારા થઈ છે. મનુષ્ય વાંદરામાંથી ઉત્ક્રાંતિ પામ્યો નથી.'' વાતનું વતેસર થતાં અમેરીકાની કોર્ટમાં કેસ ચાલ્યો હતો. ૧૯૮૧નો આ કેસ 'આર્કાન્સાસ ફિએશનીઝમ ટ્રાયલ' તરીકે જાણીતો છે. ચાર્લ્સ ડાર્વિનનાં ઉત્ક્રાન્તિવાદને ફગાવી દઈ ઈશ્વરનાં સ્વયં સર્જનવાદને ટેકો આપતા અને અમેરિકાના આર્કાન્સાસ ટ્રાયલમાં જુબાની આપનાર એકમાત્ર વૈજ્ઞાનિકો ડૉ. ચંદ્ર વિક્રમસીધે હતાં.
ભારતનાં કેરળ પ્રાંતમાં એકવાર લાલ રંગનો વરસાદ વરસ્યો હતો. જેનું રહસ્ય હજી સુધી ઉકેલાયું નથી. આ 'રેડ રેઈન'ના સેમ્પલો ઉપર ડૉ. ચંદ્રવિક્રમસીધે પણ સંશોધન કરી રહ્યા હોવાનું ચર્ચાતું હતું. તેનાં પરીણામોની વિગતવાર વૈજ્ઞાનિક છણાવટ કર્યા વગર જ 'રેડ રેઈન'ને 'થિઅરી ઓફ પાનસ્પર્મીઆ'ની આધારભૂત સાબિતી ગણાવવાની કોશિશ થઈ રહી છે. એકબાજુ જ્યારે સમગ્ર વિશ્વનાં મોટાભાગનાં વૈજ્ઞાનિકો ચાર્લ્સ ડાર્વિનનાં ઉત્ક્રાંતિવાદને સાચો ઠેરવી રહ્યાં હોય ત્યારે તેનો વિરોધ કરનારાં ડૉ. વિક્રમસીધેનાં વૈજ્ઞાનિક અભિગમ બાબતે આપણને શંકા થાય એ સ્વાભાવિક છે. પરંતુ ડૉ. વિક્રમસીધે પોતાના વૈજ્ઞાનિક અભિપ્રાય આપવા સ્વતંત્ર છે. શર્ત માત્ર એટલી છે કે અભિપ્રાયને જો સ્વતંત્ર આવા 'રિસર્ચ'ની ગણતરીમાં લેવાનો હોય તો ફુલપ્રૂફ સાન્ટીફીક પુરાવાઓની ખાસ જરૃર છે.
આજથી બે વર્ષ પહેલાં તેઓ કાર્ડિફ યુનિ.નાં સેન્ટર ફોર એસ્ટ્રોબાયોલોજીનાં કર્તા-હર્તા 'હેડ' હતાં. આ સેન્ટરને નાણાંકીય મદદ બંધ કરીને સેન્ટર બંધ કરી નાખ્યું. ડો. વિક્રમસીધેને તેમની પોસ્ટ પરથી ડીસમીસ કરવામાં આવ્યા હતા. યુનિ.ના આ પગલા પાછળની શું ગણતરી હતી તે સમજાઈ નથી. ડો. વિક્રમસીધે ખાનગી નાણાથી કાર્ડીફનું એસ્ટ્રોબોયોલોજી સેન્ટર ચાલુ રાખ્યું છે. ડો. વિક્રમસીધે ભલે વિવાદાસ્પદ વૈજ્ઞાનિક રહ્યાં, તેમની વૈજ્ઞાનિક સિદ્ધી અને સંશોધન પ્રત્યે આંખ મિચામણાં કે ભેદભાવ રાખી શકાય નહીં.
૧૯૩૯માં નવીન ચંદ્ર વિક્રમસીધેનો જન્મ શ્રીલંકામાં થયો હતો. ૧૯૬૦માં તેમણે મેથેમેટીક્સમાં ડીગ્રી અને કોમન વેલ્થ સ્કોલરશીપ મેળવી હતી. કેમ્બ્રીજની ટ્રીનીટી કોલેજમાં સ્વ. ફ્રેડ હોયલના માર્ગદર્શનમાં તેમણે પીએચ.ડી. કરી હતી. ૧૯૬૧માં તેમની સાથે મળીને પોતાનું પ્રથમ સાયન્ટીફીક પેપર રજુ કર્યું હતું. ૧૯૬૭માં તેમણે 'ઈન્ટરસ્ટીલર ગ્રેઈન' નામનું પુસ્તક પ્રકાશીત કર્યું. ૧૯૭૩માં કેમ્બ્રીજ યુનિ.એ તેમને સૌથી ઉચ્ચ ડિગ્રી 'ડોક્ટરેટ ઓફ સાયન્સ' આપી. અત્યાર સુધી તેમણે ૩૫૦ કરતાં વધારે પેપર રજુ કર્યા છે. જેમાંના પંચોતેર કરતાં વધારે 'નેચર' મેગેઝીનમાં પ્રકાશીત થયાં છે.
ડો. ફ્રેઈક હોયલ સાથે તેમને ૧૯૮૬માં ઈન્ટરનેશનલ ડેગ હેમર્સમેલ્ડ ગોલ્ડ મેડલ મળ્યો હતો. ૧૯૮૨-૮૪ વચ્ચે તેઓ શ્રીલંકાના રાષ્ટ્રપતિનાં વૈજ્ઞાનિક સલાહકાર પણ રહી ચુક્યા હતાં. અહીં તેમણે શ્રીલંકા માટે 'ધ ઈન્સ્ટીટયુટ ઓફ ફંડામેન્ટલ સ્ટડી' નામનું સેન્ટર ચાલુ કરાવ્યું હતું. શ્રીલંકાના રાષ્ટ્રપતિ જે.આર. જયવર્દનેએ તેમને આ સેન્ટરનાં ફાઉન્ડીંગ ડિરેક્ટર તરીકે નિમણુક આપી હતી. ૧૯૯૨માં સરાબદીન પ્રાઈઝ પણ મળ્યું. સાથે સાથે જાપાનની શોકા યુની.એ તેમને ઓનરરી ડોક્ટરેટની પદવી આપી. તેમણે ૩૦ કરતાં વધારે પુસ્તકો લખ્યા છે. તેઓ એક સારા એવોર્ડ વિનીંગ કવિ પણ છે. બ્રિટનમાં રહેતાં એશિયનોનું ૨૦૦૫માં જે પ્રથમ એન્યુઅલ એશિયન પાવર ૧૦૦ લીટર બન્યું તેમાં તેમનું પણ નામ હતું.
બ્રિટનની પ્લેનેટરી સાયન્સીઝના પ્રો. મોનીકા ગ્રેડીએ, ડો. વિક્રમસિધેનાં પેપરને 'હાસ્યાસ્પદ' કહ્યું છે અને ઉમેર્યું કે તેમાં જે ડેટા રજુ કરવામાં આવ્યો છે તેમાં ઘણી વિસંગતતા છે. એસ્ટ્રોનોમર ફિલ પ્લેઇટે 'સ્લેટ' મેેગેઝીનમાં ડો. વિક્રમસીધેનાં રિસર્ચ પેપર ઉપર અનેક સવાલો કર્યા છે. એની વે, શ્રીલંકામાંથી મળેલ ઉલ્કા, જો પૃથ્વી પરનાં જ ખડકનો નમુનો હોય, અથવા અન્ય મીટીઓરાઈટમાંથી સુક્ષ્મ સજીવોની હાજરીનાં પુરાવાઓ ના પણ મળે, તો... એનો અર્થ એ નથી કે ''થિઅરી ઓફ પાનસ્પર્મીઆ''ની વિભાવના ખોટી છે. આપણી પાસે હવે એવી ટેકનોલોજી વિકાસ પામી છે કે ''થિયરી ઓફ પાનસ્પર્મીઆ''ને લગતાં પ્રયોગો આસાનીથી કરી શકાય. મંગળ ઉપર નાસાએ ઉતારેલ ''માર્સ સાયન્સ લેબોરેટરી'' ક્યુરીઓસીટી રોવર આ દિશામાં આગળ વધી રહ્યું છે. જો મંગળ ઉપર સૂક્ષ્મ જીવોની હાજરી મળી આવે તો, થિયરી ઓફ પાનસ્પર્મીઆમાં નવો પ્રાણ ફુંકાશે.
આ સામાન્ય સમજૂતી અખાયોજીનેસીસ તરીકે વૈજ્ઞાનિકો સ્વીકારે છે. જેમાં અકાર્બનીક રસાયણો માંથી કાર્બનીક સંયોજનો પેદા થયા હોવાનો મત છે. જેના મુળીયા ''જૈવ રાસાયણીક વાદ'' સુધી પહોચે છે. જેની ફુલ પ્રુફ થિયરી એલેકઝાન્ડર ઓપેરીને આપી હતી. અને વિજ્ઞાન જગતને ઓપેરીનનો ની થીયરી મળી. લુઇ પાશ્ચર અને ડાર્વિને થિયરી ઓફ બાયોજીનેસીસ આપી હતી. જેનાં પ્રયોગશાળામાં પ્રયોગો સિડની ફોક્સ, સ્ટેન્લી મિલર હેરોલ્ડ ઉરે અને ખુદ એલેકઝાન્ડર ઓપેરીને કર્યા હતા. જો કે જૈવ રસાયણ બાદ સૌથી વધારે સ્વીકારાયેલ થીયરી છે. અન્ય વૈકલ્પીક થિયરીઓ રજુ થઇ છે જે મુજબ...
નાના કોષો દ્વારા જીવનની શરૃઆત ઊંડા મહાસાગરમાં તળીયે અખેલ ''હાઇડ્રોથર્સલ વેન્ટ''માં થઇ હતી. જ્યાં કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, સલ્ફર જેવા તત્વો ઉપલબ્ધ હતા. રાસાયણિક પ્રક્રિયા શરૃ કરવા યોગ્ય તાપમાન મળી રહેતું હતું. કોઇપણ રાસાયણીક પ્રક્રિયા માટે ત્રણ મહત્વના પરીબળો છે. એક, તાપમાન, બે દબાણ, ત્રણ ઉદ્દીપક હાઇડ્રોથર્મલ વેનમાં દરિયાના પેટાળમાં પુષ્કળ દબાણ પણ મળી રહેતું હતું. આમ કાર્બનિક રસાયણો સર્જાવાના મહત્તમ ચાન્સ હતા. જટીલ પ્રોટીન અણુઓ બનવા માટે જાણે સ્વર્ગનું નિર્માણ થયું હતું. અહી DNA  સિકવન્સ તૈયાર થઇ હશે. જે પાણીમાં વસવાટ કરનાર હાલના ''થર્મોફીલ'ના પૂર્વજો હોવા જોઇએ.
કોષની શરૃઆત માટે પાણી એ પ્રાથમિક જરૃરિયાત ગણાય. આ વાત સાચી પરંતુ પૃથ્વી પર જે પ્રકારના મહાસાગરોમાં પાણીનું પ્રમાણ શરૃઆતનાં તબક્કે હતું તેને વૈજ્ઞાનિકો નુકસાનકારી માને છે. જેમનાં મતે કોષ રૃપી પ્રથમ જીવના ગર્ભાધાન માટે તે સમયના મંગળની પ્રકૃતિ અને પર્યાવરણ ખુબ જ અનુકુળ હતાં એમ માનવામાં આવે છે. મંગળ ઉપર જીવન પ્રારંભ થયો હોય અને મંગળ ઉપર થતી સતત ઉલ્કા અથડામણને કારણે ધડાકાભેર વિસ્ફોટમાં છુટા પડેલ મંગળના ખડકો, પૃથ્વી પર આવી પડયા હોવા જોઇએ જેમાં સુક્ષ્મ જીવોની હાજરી હતી. જેમાંના કોષો આગળ જતાં વિકસીત થયા અને ઉત્ક્રાન્તિ પણ પામ્યા. મંગળ ઉપર જીવનદીપ બુઝાઇ ગયો પરંતુ પૃથ્વી પર તે જીવનું પારણું બાધી ગયો હોય તેવો સશક્ત અભિપ્રાય વૈજ્ઞાનિકોનો છે. શક્ય છે કે હાલની ટેકનોલોજી વડે વૈજ્ઞાનિકો મંગળની ભૂમિમાં જીવીત સુક્ષ્મ સજીવોના અશ્મીઓ શોધી પણ કાઢે. ક્યારેક એવું પણ સાબીત થઇ શકે કે આપણે પૃથ્વી પર વસતા મંગળવાસીઓ છીએ. આ થિયરીને પડકારવા કે સ્વીકારવા, ઠોસ સબુતોની જરૃર છે. છેલ્લે જે એક આઇડીયા બચ્યો તેને થિયરી ઓફ પાનસ્પર્મીઆ કહે છે.
સ્વીડીશ વૈજ્ઞાનિક સવાને આર્હેનિયસે સૌ પ્રથમવાર દલીલ કરી હતી કે ''બેકટેરીયાત સ્પોટ''સુર્યમાળા બહાર આવેલ કોઇ અન્ય પ્લેનેટરી સીસ્ટમમાં વિકસીને પૃથ્વી પર પ્રકાશના દબાણથી ધકેલાઇને આવી હોવી જોઇએ. આ સંભાવનાને આગળ ધકેલવાનું કામ બ્રિટીશ વૈજ્ઞાનિક ફ્રેડ હોયલ અને તેમનાં શિષ્ય ચંદ્ર વિક્રમસીંઘે કર્યું. આપણા વૈજ્ઞાનિક ડો.જયંત નારલીકર પણ ફ્રેડ હોયલનાં શિષ્ય હતા. થિયરી ઓફ પાનસ્પર્મીઆના સમર્થકોમાં ડો.જયંત નારલીકરનું નામ પણ સૌથી આગળ છે. ફ્રેડ હોયલ અને ચંદ્રવિક્રમસિંઘે દલીલ કરી કે અંતરિક્ષમાંથી ''બેક્ટરીઅલ લાઇફ''નું ટ્રાન્સપોર્ટેશન કરવા માટેનું સૌથી સુયોગ્ય પાત્ર કોમેટ એટલે કે પુછડીયા તારાઓ છે. ધુમકેતુનું 'આઇસી 'બંધારણ તેમને માત્ર રક્ષણ જ નહી રેડિયેશન સામે ઢાલ બનીને સાચવવાનું હતું. કેટલાંક વૈજ્ઞાનિકોના મતે માત્ર ધુમકેતુઓ જ નહી, મીટીઓરાઇટ્સ/ નાની અવકાશીપીંડવાળી ઉલ્કાઓ પણ આ કામ માટે યોગ્ય ગણાય.
થિયરી ઓફ પાનસ્પર્મીઆમાં બેક્ટરીઅલ લાઇફનું પૃથ્વી પર અવતરણ પ્રકૃતિને આધીન રહીને સ્વયં થયું હોવાની વૈજ્ઞાનિક દલીલ છે. આ વાતને થોડી ટ્વીસ્ટ કરીને ફ્રાન્સીસ ફ્રીક (જેમણે DNAનું 3D બંધારણ ઉકેલ્યું) અને વિશ્વવિખ્યાત સ્પેસ એડવોકેટ કાર્લ સગાને રજુ કરી છે. તેઓએ એવો આઇડીયા વહેતો મુક્યો છે કે ''અંતરીક્ષમાં હજારો પ્રકાશવર્ષ દુર આવેલ, આપણાંથી વધારે એડવાન્સ અને બુદ્ધિશાળી પરગ્રહવાસી પ્રજાએ, ખાસ હેતુસર માઇક્રોન્સને તેમનાંથી દુર અખેલ પ્લેનેટરી સિસ્ટમ તરફ મોકલ્યા હશે. આમ કરવા પાછળ તેમના બે આશય રહેલા હોવા જોઇએ. એક તેમનું પોતાનું અસ્તિત્વ ખતરામાં આવ્યું હોવું જોઇએ. તે પોતાની પ્રજાતિ બચાવવા અન્યત્ર નવું જીવન વિકસે તે માટે 'માઇક્રો'ની ગીફ્ટ બ્રહ્માંડમાં બધી દિશા તરફ મોકલી હશે. જેમ આપણો સ્પેસ પ્રોબ વાઇકીંગ સુર્યમાળાની ભાગોળે છે. જો તેમાં આપણે બેકટેરીઅલ- માઇક્રોન્સનાં સેમ્પલ મોકલ્યા હોત તો, સૂર્યમાળા સિવાય અન્યત્ર જીવ પ્રાગટ્યની સંભાવના નકારી શકાય નહી. કાર્લ સગાત અને ફ્રેડ હોયલ દર્શાવેલ શક્યતાનો કોન્સેપ્ટ ડાયરેક્ટ પાનસ્પર્મીઆ કહેવાય છે. કદાચ તેની એક પ્રોડક્ટ એટલે ''મનુષ્ય''.

No comments: