Monday 27 May 2013

બિજીંગ જેનોમિક્સ ઈન્સ્ટીટયુટ:અમેરિકન સરહદમાં ચીનની ઘુસણખોરી???

થોડા સમય પહેલાં ચીને ભારતની સીમારેખામાં ધુસણખોરી કરી હતી. ઉચ્ચસ્તરીય મંત્રણાઓ બાદ બંને દેશોએ સરહદ પર ગોઠવેલા સૈનિકોને પાછા પોતાનાં સ્થાને બોલાવી લીધા હતાં. બે દેશની સરહદે પેદા થયેલ ગરમાવો આમ ઓછો થયો હતો. ભૌગોલીક સરહદો પરની ધુસણખોરી નરી આંખે દેખી શકાય છે. પરંતુ, સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે તેનો વિકાસ, વિજ્ઞાન જગત બહાર કોઈ જાણતું નથી. 'મેડ ઈન ચાઈના' નામની ચીજ વસ્તુઓને આપણી હલકી ગુણવત્તાવાળી અને સસ્તી ગણીએ છીએ. ચીનની વૈજ્ઞાનિક સંસ્થાઓની 'મેડ ઈન ચાઈના' થિયરી સો ટચનું સોનું સાબીત થાય તેમ છે. ચીને એક રાષ્ટ્રીય પોલીસી હેઠળ, ચીન બહાર વસતું તેનું બૌદ્ધિક ધન ચીન પાછું બોલાવી રહ્યું છે.
ચીનનાં પાટનગર બીજીંગની નામાંકીત હાઈસ્કુલમાંથી ઘણીવાર વિદ્યાર્થી અભ્યાસ છોડી દે છે. અભ્યાસ છોડવાનાં અનેક કારણો હોય છે. ૧૭ વર્ષના ઝાઓ બોવેને પણ પોતાનો હાઈસ્કુલ અભ્યાસ છોડીને, દક્ષિણમાં આવેલ શેનઝેન તરફ પ્રયાણ કર્યું હતું. શેનઝેન ચીનની મોટી ફેક્ટરીઓની રાજધાની ગણાય છે. શેનઝેન તરફ યુવાનો ભાગે છે તેનો એક માત્ર મકસદ હોય છે 'નોકરી'. મોટા ભાગનાં યુવાનો ફેક્ટરીની એસેમ્બલી લાઈનમાં ગોઠવાઈ જાય છે. ઝાઓ બોવેનનું નસીબ અલગ દિશામાં દોડી રહ્યું હતું. ભૂતકાળમાં ઝાઓ હાઈસ્કૂલમાં 'વિજ્ઞાન' વિષયમાં જન્મજાત 'જીનીયસનેસ' લઈને પેદા થયો હતો. એ વાત તે સાબીત કરી ચુક્યો હતો.
શેનઝેન પહોંચતાં જ ઝાઓ બોવેન, વિશ્વનાં DNA ડેટાબેઝના વિશાળ પ્રોડશન સેન્ટરમાં પહોંચી જાય છે. ૨૧ વર્ષનો ઝાઓ બોવેન હવે ૨૦૦૦ લોકોનો જીનેટીક મેકઅપ ઉકેલવાનું કામ કરી રહ્યો છે. થોડા વર્ષો પહેલાં જ્યાં જુતાંની ફેક્ટરી હતી. તેનું રિફીટીંગ થઈ વિશ્વનું નામાંકીત ઈન્સ્ટીટયુટ આકાર લઈ ચૂક્યું છે. આ ઈન્સ્ટીટયૂટ BGI શેનઝેનનું હેડ ક્વાર્ટર છે. બીજીઆઈ એટલે 'બીજીંગ જેનોમીક્સ ઈન્સ્ટીટયુટ.'
વિશ્વનાં વૈજ્ઞાનિકોએ આંતરરાષ્ટ્રીય સહયોગમાં મનુષ્યનો જેનોમ ઉકેલવા 'હ્યુમન જેનોમ પ્રોજેક્ટ' શરૃ કર્યો હતો. આ પ્રોજેક્ટમાં ચીને પણ પોતાનો સહયોગ આપ્યો હતો. હ્યુમન જેનોમ પ્રોજેક્ટમાં કામ કરવા માટે ચીને ઘર આંગણે બીજીંગ જેનોમીક્સ ઈન્સ્ટીટયુટની સ્થાપના કરી હતી, જેને લોકલ ગવર્નમેન્ટ નાણાં પુરાં પાડતી હતી. હ્યુમન જેનોમ પ્રોજેક્ટ પુરો થતાં જ બીજીંગ જેનોમીક્સ ઈન્સ્ટીટયુટ હેંગઝોયું પ્રાંતમાં ખસેડવામાં આવ્યું. ૨૦૦૭માં બીજીંગ જેનોમીક્સ ઈન્સ્ટીટયુટ  (BGI) શેનઝેનમાં નવા હેડક્વાર્ટર તરીકે ઉભું થયું છે. સરકારી નાણાની જગ્યાએ હવે પ્રાઈવેટ નાગરિકો દ્વારા નફો નહીં રળવાની નેમ સાથે જીવવિજ્ઞાન ક્ષેત્રનું મોટું સંશોધન કેન્દ્ર ઉભું થયું છે. ૨૦૦૮થી BGI શેનઝેનને સરકારી એજન્સી તરીકે ઓળખાવી રહ્યું છે.
૨૦૦૩માં બીજીઆઈની શેનઝેન શાખા અને ઝેજીંઆંગ યુનિવર્સિટીએ ભેગા મળીને એક નવું સંશોધન કેન્દ્ર શરૃ કર્યું, જે જેમ્સ ડી વોટસન ઈન્સ્ટીટયુટ ઓફ જેનોમ સાયન્સ તરીકે ઓળખાય છે. જેનું મોડેલ 'કોલ્ડ સ્પ્રીન્ગ હાર્બર લેબોરેટરી' ઉપરથી વિકસાવવામાં આવ્યું છે. ઈન્સ્ટીટયુટમાં ચાર હજાર વૈજ્ઞાનિકો અને ટેકનિશીઅનો કામ કરી રહ્યાં છે. ઈન્સ્ટીટયુટનો દાવો છે કે 'વિશ્વની ટોપ ૨૦ ગ્લોબલ ફાર્માસ્યુટીક્લ કંપનીમાંથી પંદર સાથે સંશોધન અને વ્યાપારી ધોરણે કોલાબ્રેશન સ્થાપ્યું છે. ચાઈનીઝ એકેડમી ઓફ સાયન્સની લેબોરેટરી, બાયો ઈન્ફરમેટીક્સ સેન્ટર તરીકે કામ કરે છે જે બીજીઆઈની જ એક શાખા છે.'
બીજીઆઈને ૨૦૧૦માં ચીનની 'ચીન ડેવલપમેન્ટ બેંક' દ્વારા ૧.૫૮ અબજ ડોલર જેટલી જંગી રકમ પુરી પાડી હતી. જેના પ્રતાપે અમેરિકાનાં બોસ્ટનમાં બીજીઆઈએ અમેરિકાની મુખ્ય ઓફિસ ખોલી છે. બીજીઆઈ યુરોપની મુખ્ય શાખા કોપેનહેગનમાં ખોલવામાં આવી છે. BGIએ ૫ લાખ ડોલરની કિમતનાં એવા ૧૨૮ આધુનિક ડિએનએ સિક્વન્સીંગ મશીનો ખરીદ્યા છે. અત્યારે ઈન્સ્ટીટયુટ પાસે ૧૫૬ જેટલાં સિક્વન્સીંગ મશીનો છે. દુનિયાનાં ડેટા બેઝનો ૧૦થી ૨૦ ટકા હિસ્સો ચીનની 'બીજીઆઈ' ઉકેલી રહી છે. ઈન્સ્ટીટયુટમાં આંતરીક અહેવાલ પ્રમાણે તેણે ૫૦ હજાર જેટલાં માનવીનો જેનોમ ઉકેલ્યો છે. જેનોમ એટલે મનુષ્યનાં શરીરમાં રહેલાં બધા જ જનીનો ડેટાબેઝ. વિશ્વકક્ષાએ મોટો ડેટાબેઝ ઉકેલતી બીજીઆઈનાં કારણે ચીન આજે વિશ્વનાં નકશા ઉપર અલગ ઉભરી આવ્યું છે. મનુષ્યનાં કેટલાંક જનીનોની વિગતવાર માહિતીનાં આધારે કંપનીઓ પોતાની દવાઓ વિકસાવી રહી છે.
ઈન્સ્ટીટયુટ દ્વારા વિશાળ કદનાં જેનોમ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યા છે. સાથે સાથે વ્યાપારી ધોરણે બીઝનેશ મોડેલને અનુરૃપ યોગ્ય જાતીના લોકોનો સંપૂર્ણ જેનોમ પણ ઉકેલી આપે છે. ૩૨ વર્ષનો ઝાંગ યોંગ નામનો સીનીયર રિસર્ચર કહે છે કે આવનારાં એક દાયકામાં માનવીનો જેનોમ માત્ર ૨૦૦થી ૩૦૦ ડોલરમાં ઉકેલી શકાશે. 'બાયો-ગુગલ દ્વારા DNA ડેટાબેઝ બધાને ઈન્ટરનેટ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે.' બીજીઆઈની ભૂતકાળની વિકાસ અને વિક્રમગાથાની શરૃઆત કરીએ તો...
૨૦૦૨માં ચીને ચોખાનો જેનોમ ઉકેલ્યો હતો. જે 'સાયન્સ' મેગેજીનની કવર સ્ટોરી બન્યો હતો. ૨૦૦૩માં 'સાર્સ' વાયરસનો વૈશ્વીક પ્રકોપ ફેલાયો ત્યારે, ફટાફટ 'સાર્સ' વાયરસનો જેનોમ ઉકેલી નાખ્યો અને મનુષ્યનાં શરીરમાં 'સાર્સ'નો ચેપ લાગ્યો છે કે નહીં તે ચકાસવાની 'ડિરેક્શન ટુલકીટ' તાબડતોબ  ધોરણે વિકસાવી હતી. આ પછી પ્રથમ એશિયન માનવીનો જેનોમ પણ ઈન્સ્ટીટયુટે ઉકેલ્યો હતો. સિલ્ક ઉદ્યોગ માટે જે સિલ્ક વોર્મ ઉછેરે છે તેની ૪૦ પાલતુ અને જંગલી જાતોનો જેનોમ પણ ઉકેલ્યો છે. માનવીનાં જેનોમ જેટલો જ વિશાળ જેનોમ ધરાવતાં ચીનનાં વિશાળ પંડાનો જેનોમ માત્ર ૮ મહીનામાં ઉકેલી બતાવ્યો હતો. અત્યાર સુધી બીજીઆઈ ચોખા, કાકડી, સોયાબીન અને શોરગમ જેવી વનસ્પતિનો જેનોમ ઉકેલ્યો છે. મધમાખી, જળમાખી, ગરોળી વગેરેનો જેનોમ પણ ઉકેલ્યો છે. ૨૦૧૦માં 'નેચર' મેગેજીન દ્વારા બીજીઆઈને ચીનની ટોપ ૧૦ ઈન્સ્ટીટયુટમાં ચોથા સ્થાને મુક્યું હતું. આ રેન્કીંગ 'નેચર' મેગેજીનમાં પ્રકાશીત થયેલ સંશોધન પેપરનાં આંક ઉપરથી નક્કી કરવામાં આવ્યો હતો.
બીજીઆઈએ ચીની પ્રજાનાં પ્રાચીન વંશજોનાં ડિએનએ ધરાવતાં, ૧૦૦૦ અલગ અલગ વંશનાં ચીની નાગરીકોનો જેનોમ ઉકેલવાનો યાન-હુઆંગ પ્રોજેક્ટ અમલમાં મુક્યો છે. ચીની પ્રજા વચ્ચે થયેલ જીનેટીક પોલી મોર્ફીઝમનો હાઈ-રિઝોલ્યુશન મેપ આ માહિતી પરથી તૈયાર કરવામાં આવશે. ચીનનાં અજનબી અબજોપતીએ એક કરોડ ડોલરનું દાન આપેલ છે. ડેનમાર્કનાં નવ જેટલાં સંશોધન કેન્દ્રોએ બીજીઆઈ સાથે મળીને, ડાયાબીટીસ અને કેન્સરને લગતી માહિતી મેળવવા દર્દીઓનો જેનોમ ઉકેલવા સહયોગ કર્યો છે.
બીજીઆઈની બાગડોર હાલમાં ડો. યાંગ હ્યુઆનમીંગ (જે ડોક્ટર હેનરી યાંગ નામે વિશ્વ પ્રસિદ્ધ છે.) જીનેટીક્સનાં વૈજ્ઞાનિક છે. હ્યુમન જેનોમ પ્રોજેક્ટમાં ચીનનું નેતૃત્વ ડો. યાંગે કર્યું હતું. ચીન દ્વારા જે ચાઈનીઝ હ્યુમન જેનોમ પ્રોજેક્ટ અમલમાં મુકેલ છે તેનાં તે સેક્રેટરી જનરલ છે. ડેનમાર્કનાં કોપેનહેગેનમાંથી તેમણે ડોક્ટરેટની ડિગ્રી મેળવી છે. તેમનું મુખ્ય સંશોધન હ્યુમન જીન્સનાં મેપીંગ અને ક્લોનીંગને લગતું છે. ચોખાનો જેનોમ ઉકેલી તેમણે ૨૦૦૨નાં ૫ એપ્રિલનાં 'સાયન્સ' મેગેજીનનાં કવર પેજ પર જેનોમને ચમકાવ્યો હતો. ચાઈનીઝ એકેડમી ઓફ સાયન્સનાં સભ્ય છે. ચીનની ફિલ્ડ ઓફ લાઈફ સાયન્સનાં 'હાઈટેક' પ્રોગ્રામની એક્સપર્ટ કમીટીનાં સભ્ય છે. ૧૯૯૯માં બિજીંગ જેનોમીક્સનાં પ્રમુખ વાંગ જીઆન સાથે મળીને 'બીજીઆઈ'ની સ્થાપના કરી હતી.
કંપનીનાં પ્રમુખ વાંગ જીઆને એવરેસ્ટ ચઢાણ જેવું ભગીરથ કામ પણ કર્યું છે. ટિબેટમાં વસતાં લોકો ખૂબ જ ઉંચાઈ ઉપર કઈ રીતે ટકી શકે છે તે માટે જવાબદાર જનીનની પણ શોધ કરી છે. અને ૨૦૧૦માં તેમણે ખરેખર એવરેસ્ટ શીખર પર પવર્તારોહણ કરી, એવરેસ્ટ શીખર સર કર્યું છે. બીજીંગ જેનોમીક્સ ઈન્સ્ટીટયુટ બહારનાં લોકોને કંપનીનું લોજીક સમજાતું નથી. ડેપ્યુટી ડાયરેક્ટર ઝુ ઝુન ૧૦૦૦ જેટલાં બાયો-ઈન્ફરમેટીક્સ ગ્રુપનું સંચાલન કરી રહ્યાં છે. ૨૦૧૦માં 'નેચર'નાં તંત્રીલેખમાં જણાવાયું હતું કે શું ખરેખર પીએચડી અભ્યાસની જરૃર છે ખરી? બાય ધ વે, ઝુ પોતાનો પીએચડી અભ્યાસ છોડીને, 'બીજીઆઈ'માં જોડાઈ ગયા હતા. કંપનીનાં લોકો તેને 'લીવર' જેવાં માનવાચક નામે બોલાવે છે. જે શાખાનાં અભ્યાસ દરમ્યાન ખૂબ જ અધીર અને જીજ્ઞાસુ હતાં અને રિઅલ વર્લ્ડનાં અનુભવોમાં અતિ આતુર. ઝુની ઓફિસની દિવાલ ઉપર માઈકોસોફટનાં બિલ ગેટે લખેલ પત્ર છે જેમાં 'ગેટ ફાઉન્ડેશન' બીજીઆઈ સાથે એઝીકલ્ચરલ જેનોમીક્સ માટે ભાગીદારી દર્શાવે છે.
બીજીઆઈનાં યાંગ જીઆન કહે છે કે અમને વિજ્ઞાનનું આકર્ષણ છે. મારો ડાબો હાથ બિઝનેશ કરીને નાણા બટોરે છે તો જમણો હાથ બેઝીક રિસર્ચ કરીને નામના અને પ્રગતી મેળવે છે. તાજેતરની હોનઝોનની બાયો-ટેકનોલોજીની કોન્ફરન્સમાં 'સ્વાગત' પ્રેઝન્ટેશન આપ્યું હતું. તેની પ્રથમ સ્લાઈડ ઉપર લખ્યું હતું કે 'વર્લ્ડ કલાસ સાયન્સ વર્લ્ડ કલાસ બિઝનેસ.'
તારીફોનાં તોરણો બાધ્યા પછી ચીનનાં બીજીંગ જેનોમીક્સ ઈન્સ્ટીટયુટનાં દિમાગ અને પ્રયોગશાળામાં શું ચાલી રહ્યું છે તેનો ગ્રાફ મેળવીએ તો જેમ ચીન અન્ય કંપનીનાં ઉત્પાદનોને રિવર્સ એન્જીયરીંગનાં કમાન્ડ વડે ઓરીજીનલ કરતાં વધારે આકર્ષક ડુપ્લીકેટ ઉત્પાદનો પેદા કરે છે બસ... આ રીતે અન્ય લોકોનાં વિચારબીજ ઉપર પણ તે અમલ કરે છે. મિશીગન સ્ટેટ યુનિવર્સિટીનાં ઉપ-પ્રમુખ સ્ટીવ સું એ વિચાર્યું હતું કે મનુષ્યની બુદ્ધિ શક્તિ અને તેજસ્વીતા પાછળ ક્યું જનીન કામ કરે છે તે શોધી કાઢવું જોઈએ. ઝાઓ બોવેનનાં માર્ગદર્શન હેઠળ બીજીઆઈ ૨૦૦૦ જેટલાં અમેરિકનોનો જેનોમ ચકાસશે. આ અમેરિકનોનો આઈક્યુ ૧૬૦ કરતાં વધારે હશે.
લંડનની કિગ્સ કોલેજનાં સાયકોલોજીસ્ટ રોબર્ટ પ્લોમીન અનેક લોકોનાં બ્લડ સેમ્પલ એકઠા કરી રહ્યાં છે. જેમાંથી ડિએનએ મેળવીને, બીજીઆઈ અતિ બુદ્ધિશાળી અને સામાન્ય માનવીનાં જનીનોમાં રહેલ તફાવત શોધશે. આ કામ થોડું જોખમી ખરું! અને થોડું વિવાદાસ્પદ પણ ખરું! એવું બને કે અતિશય મેઘાવી માનવીનું મગજ સર્જવા પાછળ હજારો જનીનો પણ કામ કરતાં હોય. જેની પાછળ દોઢથી બે કરોડ ડોલરનો ખર્ચ આવે તેવો પ્રોજેક્ટ બીજીઆઈ સંશોધન અર્થે 'મફત'માં કરી રહી છે. ઓટીઝમથી પીડાતા બાળકોનાં દસ હજાર કુટુંબોનો ફેમીલી હિસ્ટ્રી તપાસી તેમની ડિએનએ સિકવન્સ પણ તૈયાર કરવામાં આવશે. ડેનમાર્કમાં બીજીઆઈની શાખા ૩૦૦૦ પાતળા માનવી અને ૩૦૦૦ સ્થુળકાય (મેદસ્વી) લોકોનો જેનોમ ઉકેલી કુદરતનો કરિશ્મા શોધવાની કોશિશ કરી રહ્યું છે.
માત્ર સંશોધન ક્ષેત્રે જ નહીં, મેડીકલ જગત માટે બીજીઆઈ સુવિધા પુરી પાડશે. ફિલાડેલ્ફીયાની વિશ્વપ્રસિદ્ધ ચિલ્ડ્રન હોસ્પિટલમાં ડિએનએ એનાલીસીસ સેન્ટર ખોલશે. શેનઝેનનાં બાયો ઈન્ફરમેટિક્સનાં નિષ્ણાતો હંગામી વિઝા મેળવી ત્યાં, પાંચ સિકવન્સીંગ મશીન બેસાડવા જઈ રહ્યાં છે. માતાપિતાનાં યુવાન સંતાનો જેમને વણઓળખાયેલાં રોગ થઈ રહ્યાં છે તેમનો જેનોમ પણ બીજીઆઈ ઉકલશે. બીજીઆઈ મેડિકલ વર્લ્ડ માટે નવાં પ્રકારના જીનેટિક ટેસ્ટમાં આવિષ્કાર કરી રહી છે. જેમાં ચાઈનીઝ વૈજ્ઞાાનિકોને વધારે શીખવા અને વધારે જાણવા મળશે. ચીનમાં પણ બીજીઆઈ જીનેટીક ટેસ્ટીંગ સેન્ટરો ચલાવે છે. પરંતુ અમેરિકામાં આવા સેન્ટરો ઉપર કડક નિયંત્રણો છે.
અમેરિકામાં બિઝનેસ વધારવાની પણ ચીનની આંતરીક મનીષા છે. કેલિફોર્નિયાની ફડચામાં જઈ રહેલ કંપનીને બીજીંગ જેનોમીક્સ ઈન્સ્ટીટયુટે ખરીદવા ભાવ ભર્યા છે. કંપ્લીટ જેનોમીક્સ ઓફ માઉન્ટેન વ્યુ ખરીદવા બાર કરોડ ડોલર જેવી મોટી રકમ ચુકવવા તૈયાર છે. મનુષ્યનાં જેનોમને ઉકેલવા માટે આ કંપની ખૂબ જ જટીલ ટેકનોલોજી વાપરી રહી છે. ૨૦૧૨માં કંમ્પ્લીટ જેનોમિક્સે, વિશ્વમાં ઉકેલાયેલા કુલ ડિએનએ ડેટાનો ૧૦ ટકા હિસ્સો ઉકેલ્યો હતો પરંતુ, તે ધંધામાં ખોટ કરી રહી છે.
બીજીઆઈએ કંમ્પ્લીટ જેનોમીક્સ માટે જે ભાવ ઓફર કર્યા છે તેનાથી અમેરિકન કંપનીઓનાં પેટમાં તેલ રેડાયું છે. અમેરિકન કંપનીઓ જેનોમીક્સનાં ટ્રેડ સિક્રેટ 'ચીન'નાં હાથમાં જવા દેવા માંગતી નથી. કંમ્પ્લીટ જેનોમિક્સને ડિએનએ સિકવન્સીંગ મશીન પુરા પાડનાર અમેરિકન કંપની 'લ્યુમિના' કંપની સાથેનાં કરારનો ભંગ કરીને તેને મશીનો આપવા માંગતી નથી. તેણે વોશિંગ્ટન સરકારને અપીલ કરી છે કે ચીનની બીજીઆઈ દ્વારા કંમ્પ્લીટ જેનોમીક્સનું ટેક ઓવર રોકવું જોઈએ. લ્યુમિનાનાં સીઈઓ જય ફલેટલી કહે છે કે 'કોકોકોલા'ની ફોર્મ્યુલા ચીનને વેચવા જેવી આ બાબત છે. અત્યાર સુધી ચીન અમેરિકાની મશીનરી ઉપર આધાર રાખતું હતું. અમેરિકાની સરહદોમાં ધુસીને ચીન ત્યાર બાદ, પોતાની નેકસ્ટ જનરેશન ટેકનોલોજી અમેરિકન ઈજનેરોની મદદથી જ વિકસાવી લેશે. અમેરિકન ડીએનએ ડેટાબેઝ ચાઈનીઝ સર્વરોમાંથી 'ટેરાબાઈટ'નાં પોટલાઓમાં પસાર થતો જશે.
અમેરિકન સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને આગળ ધરીને હાલ પુરતો, આ સોદો પેન્ડીંગ કરી દીધો છે. ભવિષ્યમાં શું થશે? ખબર નથી. બીજીંગ જેનોમીક્સ ઈન્સ્ટીટયુટ નહીં પરંતુ, બીજીંગ સરકાર પણ જાણે છે કે બીજીઆઈનાં રસ્તામાં રૃકાવટ તો અનેક આવવાની જ છે. બીજીઆઈનાં યાંગ કહે છે કે, કંપનીનું ધ્યેય સારું અને સાચું છે. અમેરિકામાં હજારો ભટકતાં માઈગ્રન્ટ કામદારો છે. તેમને એક પ્રકારનાં 'કોર મિશન'માં ધંધે લગાડતાં, વિજ્ઞાન સાથે સામાજીક સેવા પણ થઈ જશે. અમારો મકસદ કંઈક 'સારું' કરવાનો છે. અમેરિકા જાણે છે કે ચાઈનીઝ ડ્રેગનને સરહદો ઓળગીને અમેરિકાની ભૂમિ પર લાવવોનો પ્રયત્ન એટલે અમેરિકન સાયન્સ ઉપર 'મેડ ઈન ચાઈના'નો સીક્કો મારવો સાબીત થશે

No comments: