Friday 24 May 2013

સિગ્યુલારીટી : ભવિષ્યનો સ્પર્શ માત્ર એક વેંત જેટલો છેટો છે !!

- માત્ર ત્રણેક દાયકા બાદ એટલે કે ૨૦૪૫ની આસપાસ મશીન / રોબોટ માનવી માફક વિચારતા થઇ જશે. ટેકનોલોજીની આ 'ઓલ્ટરનેટ હિસ્ટ્રી'ની ઘટના એટલે જ સિગ્યુલારીટી

સ્થળ - મોફેટ ફેડરલ એરફીલ્ડ, કેલીફોર્નીયા.

સભાગૃહમાં લગભગ ૮૦ જેટલી વ્યક્તિઓ હાજર છે. દરેક વ્યક્તિએ આ સીટ ઉપર બેસવા માટે લગભગ બાર હજાર ડોલર ચુકવ્યા છે. અહીં એક અનોખું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. બે ફુટનો બટકો મનુષ્યાકૃતિ ધરાવતો ''હ્યુમનોઈડ રોબોટ'' આવનારાં મુલાકાતીઓને સંબોધી રહ્યો છે. ''આઈ એમ સો એક્સાઈટેડ ટુ સી યુ ઓલ હીઅર.'' અહીં બેઠેલા લોકો અનોખા પ્રકારનાં વિદ્યાર્થીઓ છે. તેઓ બાયોટેક, નેનોટેક, આર્ટીફીશીઅલ ઈન્ટેલીજન્સ, ન્યુરો-સાયન્સ, એનર્જી સીસ્ટમ અને મોડર્ન ટેકનોલોજીમાં શું ભવિષ્ય છુપાયું છે? અથવા ભવિષ્યમાં આ ટેકનોલોજી મનુષ્યને ક્યાં પહોંચાડી શકશે, તેનો જવાબ મેળવવા આવ્યા છે. તેઓ જે યુનિવર્સીટીનાં વિદ્યાર્થી છે તેનું નામ છે. "સિગ્યુલારીટી યુનિવર્સિટી". આમ છતાં આ યુનિવર્સિટી કોઈ ત્રણ-ચાર વર્ષના ડિગ્રી કોર્સ ચલાવતી નથી. પરંપરાગત યુનિવર્સિટી માફક ડિગ્રી પણ આપતી નથી. યુનિવર્સિટીનાં સીઈઓ રોબ નેલ કહે છે કે અહીં આવનારા લોકો ૧૦૯ (દસની નવ ઘાત) એટલે કે ઘાતાંકમાં વિચારે છે. અહીં આવનારાં, પ્રોબ્લેમ સોલ્વીંગ અને ટેકનોલોજી ચેલેન્જને પણ એક્સપોનેન્શીયલ/વૃદ્ધિકારક રસ્તે ઉકેલવા માંગે છે. આ કોર્સમાં વાય-ફાય નેટવર્કનો પાસવર્ડ પણ ‘‘12481632 '' રાખવામાં આવ્યો છે. કારણ કે દરેક અંક પછી આવનારો અંક તેનાથી બમણો છે. આખરે સીગ્યુલારીટી યુનિવર્સિટી બેજોડ શા માટે છે?

* * *

જગત માટે ''સિગ્યુલારીટી'' એ મલ્ટીડાયમેન્શનલ શબ્દ છે. વિજ્ઞાનની દરેક વિશ્વ શાખા તેનો અલગ અર્થ કરે છે. ગણીત માટે આ શબ્દનો અર્થ થાય, કોયડામાં આવતું એવું ''બિદું'' જેને આપેલ મેથેમેટીકસ મોડેલ વડે સમજાવી શકાતું નથી. ભૂમિતિ માટે તે કર્વ ઉપરનું એક બિદું છે જેને આપેલ પેરામીટર વડે લીસ્સું કે ખાડાટેકરા વિનાનું લીસ્સું નથી. પ્રકૃતિ વિજ્ઞાન અને કોસ્મોલોજીમાં તેનો અર્થ થાય છે કે ''અંતરીક્ષ-સમયનાં ક્ષેત્રમાં જ્યાં ગુરૃત્વાકર્ષણ બળનો વ્યાપ એટલો બધો છે કે પદાર્થ સંકોચાઈને એટલો નાનો બની ગયો છે કે તેને કદ જેવી કોઈ ચીજ રહી નથી. વોલ્યુમ ઝીરો થઈ ગયું છે. સ્ટીફન હોકીંગ અને રોજર પેનરોસની સીગ્યુલારીટી થિયરમમાં તેનો અર્થ થાય, પદાર્થ સંકોચાઈને બ્લેકહોલ બની ગયો છે. યંત્ર વિજ્ઞાનમાં સીગ્યુલારીટી એવી ચીજ છે જ્યાં પહોંચ્યા પછી મશીનની વર્તણુક કેવી હશે તેની કલ્પના પણ કરી શકાતી નથી. ટુંકમાં સિગ્યુલારીટી પછીનું ભવિષ્ય શું છે? આગાહી કરવી મુશ્કેલ છે. બસ... આ કારણે જ ''સિગ્યુલારીટી'' શબ્દ ''સાયન્સ ફિકશન'' માટે અનોખા 'અખતરા' કરવા માટેનું મોકળું મેદાન બની ગયો છે. સિગ્યુલારીટી શબ્દ અનેક વાર લોકજીભે ઉચ્ચારાયો છે. છતાં તેને એક નવો 'આયામ' આપ્યો છે, એક મહામાનવે જે આધુનિક ભવિષ્યવેત્તા છે, જેની આગાહીમાં દમ છે, જેને વૈજ્ઞાનિકો પણ માનની નજરે જુએ છે. અનેક લોકોની ભવિષ્ય તરફ જોવાની નજર આ માનવીએ બદલી નાખી છે. તેનો પ્રભાવ એટલો પડયો છે કે વિશ્વની અનોખી યુનિવર્સિટી સીગ્યુલારીટી યુનિવર્સિટી અસ્તિત્વમાં આવી છે? કોણ છે આ વ્યક્તિ ?
* * *
કોમ્પ્યુટર ટેકનોલોજીમાં તેનું પ્રદાન અનોખું અને અમુલ્ય છે.  CCD આધારીત ફલેટ બેડ સ્કેનરની શોધનાં મુખ્ય સૂત્રધાર તે છે. સ્કેન થયેલ ઈમેજ રૃપ ડોક્યુમેન્ટને ટેકક્ષ્ટમાં ફેરવી નાખનાર સોફટવેર જેને ઓપ્ટીકલ કેરેક્ટર રેકોગ્નાઈઝેશન કહે છે. તેની ઓમ્નીફોન્ટ OCR ટેકનોલોજી તેમણે વિકસાવી છે. નેત્રહીન વ્યક્તિને પ્રત્યેક શબ્દો વાંચી સંભળાવે એવું સ્પીચ રીડીંગ મશીન તેમણે વિકસાવ્યું છે. બજારમાં ઉપલબ્ધ ''ટેક્ષ્ટ ટુ સ્પીચ'' સીન્થેસાઈઝર તેમણે વિકસાવ્યું છે. બીજી વાત છોડો, અત્યારે સંગીતમાં વપરાતાં દરેક વાદ્યનો ડિજીટલ અવાજ પેદા કરી આપે તેવું ''મ્યુઝીક સિન્થેસાઈઝર'' પણ તેમણે આપેલ ભેટ છે. કોમ્પ્યુટર ક્ષેત્રે ભવિષ્યને આંગળીનાં ટેરવે લાવી દેનાર આ વ્યક્તિ એટલે રે કુર્ઝવીલ. નામમાં જ આશા અને ભવિષ્યનું કીરણ છુપાએલ છે રે કુર્ઝવીલ, એ આધુનિક સમયનો નોસ્ટ્રોદમસ છે. જેની આગાહીઓની સચ્ચાઈ આવનારી પેઢીઓ જાણી શકશે. અનેક  આવિષ્કાર માટે ''પાયાનો પત્થર''સાબિત થનાર રે કુર્ઝવીલને વિશ્વ એક આદર્શવાદી ભવિષ્યવેતા- ફ્યુચરોલોજીસ્ટ તરીકે ઓળખે છે. તેમની આગાહી અનોખી છે. ટેકનોલોજી તેની પૂર્ણ કક્ષાએ ક્યારે પહોચી ગણાશે ? જ્યારે મનુષ્ય એક કોમ્પ્યુટરની માફક દિલથી નહી દિમાગથી વિચારતો થશે અને મશીન/ રોબોટ/ કોમ્પ્યુટરનાં દીમાગમાં મનુષ્ય માફક 'દિલ'થી હિસાબ-કિતાબ થતો હશે. શું આવી ક્ષણ આવશે ખરી ? રે કુઝવીલ કહે છે કે મશીન મનુષ્યની માફક આર્ટીફીશીઅલ ઇન્ટેલીજન્ટથી વિચારતો થશે એ દિવસો દૂર નથી ! માત્ર ત્રણેક દાયકા બાદ એટલે કે ૨૦૪૫ની આસપાસ મશીન/ રોબોટ માનવી માફક વિચારતા થઇ જશે. ટેકનોલોજીની આ 'ઓલ્ટરનેટ હિસ્ટ્રી'ની ઘટના એટલે જ સિગ્યુલારીટી. સિગ્યુલારીટીને રે કુઝવીલે પોતાના કોપીરાઇટ જેવો ''આઇકોન''બનાવી દીધી છે. રે કુર્ઝવીલની નજરે જોઇએ તો, સિગ્યુલારીટી-ભવિષ્યનો સ્પર્શ માત્ર એક જ વેંત છેટો છે !

***

ટેકનોલોજી રેખીય દિશામાં નહી, એકસપોનેન્ટ માફક બમણી ઝડપે વિકસી રહી છે. કોમ્યુટીગ પાવર માટે ''મુર્સ લો ''દ્વારા આપેલ સમયગાળો પણ સંકોચાતો જાય છે. તમારો સ્માર્ટફોન આજથી બે દાયકા પહેલાનાં સૌથી ઝડપી સુપર કોમ્પ્યુટર કરતાં પણ વધારે 'ફાસ્ટ'છે. એક સમય એવો હતો કે મનુષ્યનો જેનોમ ઉકેલવા માટે આઇપીએલનાં ક્રિકેટરોની એક આખી ટીમ ખરીદવા જેટલો ખર્ચ થતો હતો. જ્યારે હાલમાં, ક્રિકેટ વર્લ્ડ કપની ફાયનલ મેચ જોવા, સારી ટીકીટ બુક કરાવો તેટલી રકમમાં જેનોમ ઉકેલી શકાય છે. હ્યુમન જેનોમ પ્રોજેક્ટમાં મનુષ્યનાં રંગસુત્રોનું ગુચળું ખોલીને તેનાં મુળાક્ષરો વાંચવાની શરૃઆત થઇ તે સમયની 'ડિએનએ'સિકવન્સ ઉકેલવાની ઝડપ જોઇને વૈજ્ઞાાનિકો બોલ્યા હતા કે ''આજે હ્યુમન જેનોમનો માત્ર ૧% જેટલો હિસ્સો ઉકેલતા આટલો સમય ગયો છે તો, આખો જેનોમ ઉકેલતા સાતસો વર્ષ લાગશે ! રે કુર્ઝવીલે ભારે આગાહી કરી હતી કે માત્ર સાત વર્ષના ગાળામાં મનુષ્યનો આખો જેનોમ ઉકેલાઇ જશે ! અને બન્યુ પણ એવું જ. રે કુર્ઝવીલે, ઇન્ટરનેટની જનેતા જેવી આર્યાનેટને દર વર્ષે બમણી ઝડપે ફેલાતી જોઇ હતી. મનુષ્યના ચેતા તંત્રનાં દોરડા માફક ઇન્ટરનેટનો વ્યાપ આખા વિશ્વમાં ફેલાઇ ગયો છે. પુસ્તકોનું ડીજીટલ સ્વરૃપ ''ઇ-બુક'નો પ્રથમ અવતાર રજુ થયો ત્યારે લોકો કહેતા હતા કે મોનીટર/ સ્ક્રીન ઉપર પુસ્તક વાંચવાની મજા આવશે નહી ! આજે લગભગ બધી જ બેસ્ટ સેલર નું ઇ-બુક, ડીઝીટલ વર્ઝન આસાનીથી મળી જાય છે. મોબાઇલનાં નાના સ્ક્રીન ઉપર મોટા મોટા SMS વંચાય છે. ફેસબુકની મજા મોબાઇલના ટચ સ્ક્રીન પર લેવાઇ રહી છે. કદાચ મનુષ્યને ''સ્ક્રીન રીડીંગ'માટે તૈયાર કરનાર આ સૌથી મોટું પરીબળ છે. પરંતુ જો સમગ્ર વિશ્વની મનુષ્યનીજાત માટે રે કુર્ઝવીલ જેવાં મહામાનવે કોમ્પ્યુટર કમ ટેકનોલોજીકલ 'રિવોલ્યુશન'લાવવાનો માનસીક મસાલો પૂરો પાડયો ન હોત તો આજની આ ડીજીટલ અવસ્થા શું શક્ય હતો ?

***

સિગ્યુલારીટી યુનિવસિર્ટીના એક સહ-સ્થાપકનું નામ છે પિટર ડાયમંડીસ. એક્સ પ્રાઇઝ ફાઉન્ડેશનનાં તેઓ મુખ્ય સ્થાપક છે. ચાર્લ્સ લીન્ડબર્ગની ઐતિહાસિક વિમાનયાત્રા ઉપર લખાયેલ તેમના પુસ્તક "ધ સ્પીરીટ ઓફ સેન્ટ લુઇસ" વાંચીને એક્સ પ્રાઇઝ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. જેનો મકસદ હતો નવી પેઢી નવી ટેકનોલોજી વડે પ્રાઇવેટ પેસેન્જરને અંતરીક્ષમાં લઇ જાય તેવુ સ્પેસશીપ/ અંતરીક્ષયાન બનાવે તેને એક કરોડ ડોલરનું ઇનામ આપવું અને, ૪ ઓક્ટોબર ૨૦૦૪નાં રોજ બર્ટરૃટાનની ડિઝાઇનવાળા ''સ્પેસશીપ વન''ને આ ઇનામ મળ્યું. ''સ્પેસશીપ વન''માટે નાણાં ભંડોળ માઇક્રોસોફ્ટનાં પોલ એલને આપ્યું હતું. આજે પિટર ડાયમંડીસનાં એક્સ પ્રાઇઝ ફાઉન્ડેશનમાં લેરી પેજ, એલન મશ્ક, જેમ્સ કેમેરોન, ડિન કામેન, રતન તાતા, રે કુર્ઝવીલ, નવીન જૈન, વિલ રાઇટ અને કુત્રીમ જીવ પેદા કરનાર ક્રેગ વેન્ટરનો સમાવેશ થાય છે. આ એવી વ્યક્તિઓ છે જેની ઓળખ આપવી જરૃરી નથી. જો તમે તેને ન ઓળખતા હો તો માની લેવાનું તમારું જીકે ખરાબ છે. ડાયમંડીસના અંતરીક્ષ પ્રેમના કારણે તેમણે ઇન્ટરનેશનલ સ્પેસ યુનિવસીર્ટીની સ્થાપના પણ કરી છે. ૧૯૮૭માં માસચ્યુસેટ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (MIT) માં તેઓ ગ્રેજ્યુએટ પ્રોગામના વિદ્યાર્થી હતા. તેના છ વર્ષ પહેલા તેઓ ટ્રેકિંગ/ પર્વતારોહણ માટે નીકળ્યા હતા. તેમની પીઠ પર લટકતા બેક પેકમાં પુસ્તક હતું. “ધ સિગ્યુલારીટી ઇસ નિયર”. આ બેસ્ટ સેલર પુસ્તકના લેખક હતા રે કુર્ઝવીલ. પુસ્તક વાંચતા પિટર હાસીયામાં નોંધ ટપકાવતો, તેની ઉમર ત્યારે હતી માત્ર ૨૬ વર્ષ. પિટર ડાયમંડીસ કહે છે કે 'અનેક ક્ષેત્રમાં અભ્યાસ કર્યા વગર પીએચડી કરી શકાય તેવું જ્ઞાન મને આ પુસ્તકે આપ્યું છે. આંતરરાષ્ટ્રીય લેવલે આવી ઇન્ટર- ડિસીપ્લીનરી યુનિવર્સિટીનું માર્કેટ અને માંગ મોટી રહે તેમ છે. માર્જીનમાં લખ્યું ''ઈન્ટરનેશનલ સિગ્યુલારીટી યુનિવર્સિટી-  ISU-2. સિગ્યુલારીટી યુનિવર્સિટીનો જન્મ થયો ત્યારે, બેરી ટોલેમી, રે કર્ઝુવીલ ઉપર ડોક્યુમેન્ટરી ફિલ્મ ''ટ્રાન્સડેન્ટ મેન''નું ફિલ્માંકન કરી રહ્યાં હતાં. સિગ્યુલારીટી યુનિવર્સિટીમાં આખરે શું થઇ રહ્યું છે?

***


વિશ્વમાં જ્યાં મોટી સમસ્યા છે તેનો ઉકેલ એ, નાણા કમાવા માટે મોટું માર્કેટ બની શકે તેમ છે. છતાં નોન-પ્રોફીટ લેવલે કામ કરી, ટેકનોલોજીનો ઉપયોગ માનવ કલ્યાણ માટે કરવાની શીખામણ સિગ્યુલારીટી યુનિવર્સિટી આપે છે. મેટરનેટ પ્રોજેક્ટમાં માનવરહિત ડ્રોન વિમાનોની એક આખી નેટવર્ક ઊભી કરવાનો મકસદ છે. હેતેઇ જેવાં ભૂકંપગ્રસ્ત વિસ્તાર કે આફ્રીકાનાં દૂરનાં ગામડાંમાં આપાતકાલીન પરિસ્થિતિમાં રાહત સામગ્રી, મેડિકલ હેલ્પ, અસરગ્રસ્તોને માટે બચાવ કામગીરી માટે આવી નેટવર્ક 'બેકબોન' બની શકે તેમ છે. મોબાઇલ ટેકનોલોજીનો ઉપયોગ, માસ ડિલીવરી સીસ્ટમ માટે થઇ શકે. બાયો-પ્રિન્ટીંગ ટેકનોલોજી વડે ચામડા અને માંસ ઉપર સીધું જ છાપકામ / પ્રિન્ટીંગ ટેકનોલોજી વિકસાવવાની છે, જેમાં ઓછી જગ્યા, ઓછા પાણી અને રસાયણોની જરૃર પડે તેમ છે. જેનો મુખ્ય મકસદ છે પ્રાણીઓને કોઇ જ પ્રકારનું નુકસાન પહોંચે નહીં. એક નવો પ્રોજેક્ટ પોપ-ક્વેક જેમાં સોલાર પાવર્ડ કોમ્પ્યુટર ચીપ વિકસાવવાનો ધ્યેય છે. ધરતીકંપ પહેલાંની અવસ્થા પારખીને મનુષ્યને આ ચીપ ચેતવણીની સાયરન વગાડી શકે.

***


રે કુર્ઝવીલે 'ધ એ જ ઓફ સ્પીરીચ્યુઅલ મશીન' લખી છે જેનો નવ ભાષામાં અનુવાદ થઇ ચુક્યો છે. ''ધ સિગ્યુલારીટી ઇઝ નીઅર'' બેસ્ટ સેલર સાબીત થઇ છે. મનુષ્યનાં સ્વાસ્થ્યને લગતાં પુસ્તક પણ તેમણે લખ્યા છે. રે કુર્ઝવીલ તેનાં નવાં પુસ્તક ''હાઉ ટુ ક્રિએટ માઇન્ડ'' નામનાં પુસ્તકની ચર્ચા કરવા માટે ગુગલનાં લેરી પેજને મળ્યા હતાં. આર્ટીફીશીઅલ ઈન્ટેલીજન્ટ વિશે ભારે ચર્ચા પણ થઇ. લેરી પેજે રે કૂર્ઝવીલને કરારમાં બાંધી લીધા કે 'કુત્રીમ મગજ'નાં સર્જન માટે જરૃરી બધા જ સ્ત્રોત પૂરા પાડશે. આર્ટીફીશીઅલ ઈન્ટેલીજન્ટ એવી હોવી જોઇએ જે મનુષ્યની પ્રાકૃતિક ભાષા પણ સમજી શકે. વેબ પેજ ઉપરનાં શબ્દો અને જાહેરાત વગેરેને અલગ તારવી શકે. ભવિષ્યનાં સર્ચ એન્જીનમાં લેરી પેજ આ સંભવતઃ આર્ટીફીશીઅલ ઈન્ટેલીજન્સ વાપરશે. ગુગલનાં લેરી પેજે ગયા ડિસેમ્બરમાં રે કુર્ઝવીલેને કંપનીનાં 'ચીફ એન્જીનીયર' તરીકે નિમણુંક આપી છે. પીટર ડાયમંડીસનો સમય ત્રણ ભાગમાં વહેંચાઇ જાય છે. અઠવાડીયામાં તે ૧૦૦ કલાક કામ કરે છે. (તમે?) ૪૦-૫૦ કલાક એક્સ-પ્રાઇઝ પાછળ જાય છે. બાકીનાં સિગ્યુલારીટી યુનિવર્સિટી પ્લેનેટરી રિસોર્સીઝ પાછળ જાય છે. અંતરીક્ષમાં રહેલ લઘુ-ઉલ્કાઓ ઉપર ખાણકામ કરીને પૃથ્વી પર દુર્લભ ખનીજો લાવવાના એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં પિટર ભાગીદાર છે. પ્રાઇસ તેમના માટે એક કઠીન પર્વતારોહણ હતું. શીખર ઉપર પહોંચ્યા પછી લાગ્યું કે આજુબાજુ બીજા ઘણાં જ શીખરો છે. ચઢાણ હજી બાકી છે. પિટર ડાયમંડીસ આરામ કરવામાં માનતાં નથી.

***


સિગ્યુલારીટી યુનિવર્સિટી અમેરિકાની સીલીકોન વેલી તરીકે જાણીતા કેલીફોર્નીયામાં આવેલી છે. અહીં અગીયાર જેટલાં ટેકનોલોજીકલ ક્ષેત્રમાં ખાસ પ્રોગ્રામ દ્વારા શિક્ષણ અપાય છે. તે જ ક્ષેત્રનાં વર્લ્ડ નંબર વન એક્સપર્ટ તેનું શિક્ષણ આપે છે. યુનિવર્સિટીને ખાનગી ભંડોળ ઉપરાંત નાસા, ગુગલ, ઓટોડેસ્ક, એક્સ પ્રાઇઝ, જીનેનટેક વગેરે પાસેથી સ્પોન્સરશીપ સ્વરૃપે આર્થિક મદદ મળે છે. આજની યુનિવર્સિટીની વ્યાખ્યામાં આ યુનિવર્સિટી ફીટ બેસતી નથી. કારણ કે... તેનો કોઇ સુનિશ્ચિત અભ્યાસક્રમ / સિલેબસ નથી. જાણીતી યુનિવર્સિટીનાં વડા કહે છે, અમે આખો અભ્યાસક્રમ ચાર પાંચ વર્ષમાં બદલી નાખીએ છીએ. સિગ્યુલારીટી યુનિવર્સિટીનો સીલેબસ વર્ષમાં ચાર પાંચ વાર બદલાય છે. યુનિવર્સિટીમાંથી વિદ્યાર્થી ડિગ્રી લઇને બહાર પડે છે. તે ગાળામાં તેમણે શીખેલ ટેકનોલોજી આઉટ ઓફ ડેટ થઇ ચુકી હોય છે. ટૂંકાગાળાનાં પ્રોગ્રામમાં શીખવા મળતા જ્ઞાન કરતાં નવાં વિચારબીજ વધારે ઉત્તેજક અને તરોતાજાં હોય છે. અહીં ગયેલ વ્યક્તિ બહાર આવે ત્યારે, એકાદ નવા કન્સેપ્ટ ઉપર નવી કંપની ચાલુ થઇ જતી હોય છે.

***


સિગ્યુલારીટી યુનિવર્સિટીમાં રે કુર્ઝવીલ સીવાય કોઇ, મનુષ્ય અને મશીનની ક્ષમતા એક લેવલે બરાબર કરવાની વાત કરતું નથી. અહીં માત્ર ભવિષ્યનાં સંદર્ભમાં વૈશ્વિક સમસ્યાનો ઉકેલ મેળવવાની કોશિશ થાય છે. આવનારાં બે-એક દાયકા ટેકનોલોજી ક્ષેત્રે ઈનોવેટીવ હશે. શક્ય છે કે હાલની મોટી કંપનીઓનું ધોવાણ થઇ જશે અને નવી મોટી કંપનીઓ ઊભી થઇ જશે. આ કારણે વિશ્વનાં ''એક્ટીવ બ્રેઇન''ને એક મોટી 'થીંક ટેન્ક'માં ફેરવવાનું છે. આજની ટેકનોલોજીનો પ્રેકટીકલ ઉપયોગ થશે તો તેને માનવ કલ્યાણ માટે અવશ્ય વાપરી શકાશે. સિગ્યુલારીટીનો મતલબ છે કે ''એક એવો સમુદાય, સમાજ અને કુટુંબ પેદા થાય જેની નજર હંમેશા ભવિષ્ય ઉપર જ હોય. રે કુર્ઝવીલ જેવાં સ્વપ્નદ્રષ્ટાઓની એક આખી ફોજ તૈયાર થઇ જશે ત્યારે ભવિષ્યનો સ્પર્શ એકાદ વેંત છેટો હશે

No comments: