Friday 24 May 2013

બ્રહ્માંડની શરૃઆત : પ્રો. સ્ટીફન હોકીંગ...



સ્ટીફન હોકીંગ, નોબેલ કેલીબરનો સમકાલીન ભૌતિકશાસ્ત્રી, જેને વિજ્ઞાન જગત બહાર પણ 'ઓળખ' આપવાની જરૃર પડે તેમ નથી. કોમ્પ્યુટરાઈઝ્ડ ચેરમાં એક બાજુ ઢળી ગયેલ, લકવો લાગ્યો હોય તેવો ચહેરો, તેમની ઓળખ માટેનો વિઝ્યુઅલ આઈકોન બની ગયો છે. હાલમાં સ્ટીફન હોકીંગ અમેરિકાની મુલાકાતે ગયેલ છે. અહીં તેમણે પબ્લીક લેકચર, એક પછી એક આપવા માંડયાં છે. ફરીવાર ઈશ્વર એટલે કે ''ગોડ'' તેમનાં લેકચરમાં નેગેટીવ રોલમાં ડોકાઈ રહ્યો છે. ચર્ચ - ફરીવાર તેમનો વિરોધ કરી રહ્યું છે. આ રાબેતા મુજબનો સીલસીલો સ્ટીફન હોકીંગને કોઠે પડી ગયો છે.
તાજેતરમાં તેમનાં એક લેકચરમાં તેમણે સ્વીકાર્યું છે કે બ્લેક હોલને લગતી થિયરીમાં તેમની કેટલીક પૂર્વ ધારણાઓ ખોટી હતી. સ્ટીફન હોકીંગ કહે છે કે ''બ્લેકહોલમાં પ્રવેશેલ બધી જ વસ્તુઓ હંમેશા માટે ગુમાવી દઈએ છીએ. તે મારી વૈજ્ઞાનિક કારકિર્દીનું સૌથી મોટું જુઠાણું હતું.'' સ્ટીફન હોકીંગ કહે છે કે ખરેખર તો, બ્લેક હોલમાં પ્રવેશેલ બધી જ વસ્તુઓમાંથી, એક માત્ર રેડિયેશન એટલે કે ''કિરણોત્સર્ગ'' બ્લેક હોલમાંથી બહાર ફેંકાઈ શકે છે. હોકીંગે વર્ણવેલ આ પ્રકારનાં રેડિયેશનને હોકીંગ રેડિયેશન કહે છે. બ્લેક હોલને લગતાં સંશોધનોમાં ''હોકીંગ રેડિયેશન'' એ સ્ટીફન હોકીંગના સંશોધનોનો સીમાસ્તંભ છે.
અમેરિકાની ખ્યાતનામ કેસ્ટેક (કેલીફોર્નીયા ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી) ખાતે તેમણે આપેલ વ્યાખ્યાન અદ્ભુત છે. આ ઉપરાંત તેમણે લોસ-એજલ્સનાં સેડર-સિતાઈ મેડિકલ સેન્ટરમાં વાર્તાલાપ કર્યો હતો. આ મેડિકલ સેન્ટરની લેબોરેટરીમાં તેમણે સ્ટેમ સેલને લગતું રિસર્ચ નિહાળ્યું હતું. લોસ-એજલ્સની સ્ટેમ સેલ લેબોરેટરીએ, લોઉ ગોરીંગ ડિસીઝ જેનું બીજું નામ મોટર ન્યુરોન ડિસીઝ (MND) છે તેનાં ઉપર સંશોધન ચાલુ રાખ્યું છે. તબીબી ભાષામાં તેને અમીયોટ્રોફીક લેટરલ સ્કલેરોસીસ (ALS) કહે છે. શરીરના હલનચલનને લગતાં ચેતાકોષો (ન્યુરોન્સ)ને અસર કરનારાં રોગોમાં ALS સૌથી વધારે સામાન્ય રોગ છે, જેમાં સ્નાયુઓનું હલનચલન બંધ થઈ જાય છે. સાથે સાથે 'વાચા' પણ જતી રહે છે. છેલ્લા પચાસ કરતાં વધારે વર્ષોથી સ્ટીફન હોકીંગનું ALS સાથેનું મહાયુદ્ધ ચાલુ છે. રોગ લાગુ પડયા પછી તબીબોએ હોકીંગને માત્ર બે વર્ષની જીંદગી બાકી બચી હોવાનું જણાવ્યું હતું. મક્કમ મનોબળનાં કારણે ''હોકીંગ'' ૫૦ વર્ષ કરતાં વધારે જીંદગી આ રોગ સાથે જીવી ગયા છે.
બ્લેક હોલ અને બ્રહ્માંડની શરૃઆતને લગતાં તેમનાં કાર્ય-સંશોધનોથી પ્રો. હોકીંગ વિશ્વવિખ્યાત બની ગયા છે. સામાન્ય લોકોને ભૌતિકશાસ્ત્રનાં સિદ્ધાંતો સરળતાથી સમજાવતા તેમનાં પુસ્તક ''અ બ્રીફ હિસ્ટરી ઓફ ટાઈમ''ની વિશ્વભરમાં દસ કરોડ કરતાં વધારે નકલ વેચાઈ ચુકી છે. તેમનો રોગ સામાન્ય રીતે મગજનાં ચેતાકોષો અને કરોડરજ્જુમાં રહેલ ચેતાવાહીનીઓ ઉપર એટેક કરે છે. મગજનો સ્નાયુઓ ઉપરનો કંટ્રોલ/નિયંત્રણ રહેતો નથી. સામાન્ય રીતે જેમ જેમ સ્નાયુઓ નબળા પડતાં જાય તેમ તેમ હરવા-ફરવા અને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગે છે. આ રોગની કોઈ સારવાર નથી અને રોગને રિવર્સ ગીઅરમાં લઈ જઈ, માનવીની સામાન્ય તંદુરસ્ત અવસ્થા સુધી પહોંચવાનો કોઈ શોર્ટકટ કે લોગ કટ નથી. સ્ટેમ સેલ રિસર્ચ, આજની તારીખે આશાનું એક માત્ર કિરણ છે. તેનો સંપુર્ણ સૂર્યોદય ક્યારે થશે? વૈજ્ઞાનિકોને પણ ખબર નથી.
હોકીંગને ત્રણ નર્સ ''શીફ્ટ''માં સેવા આપે છે. પોતાનાં ગાલનાં સ્નાયુ અને આંગળીઓનાં નજીવાં સંવેદનો દ્વારા તેઓ રોબોટીક મોનોટોનમાં પોતાનાં વિચારો કોમ્પ્યુટર દ્વારા વ્યક્ત કરે છે. જબાન-વાચા જતી રહેવા છતાં ભાષા અને શબ્દોએ તેમનો સાથ છોડયો નથી. કોમ્પ્યુટરાઈઝ્ડ સ્પીચ સિન્થેસાઈઝર દ્વારા તેમનો રોબોટીક અવાજ, સભાગૃહમાં ગુંજતો રહે છે. શારીરિક રીતે અશક્ત હોવા છતાં સામાન્ય માનવી કરતાં વધારે એક્ટીવ રહે છે. ૨૦૦૭માં એક એરક્રાફ્ટ (વિમાન)માં તેમણે વજનવિહીન સ્થિતીનો અનુભવ કરીને, પેરાબોલીક ડાઈવ્ઝની મજા માણી હતી.
લોસ એન્જલ્સનાં મેડિકલ સેન્ટરનાં ડૉ. રોબર્ટ બલોહ કહે છે કે ''પ્રો. હોકીંગની ૫૦ વર્ષ કરતાં વધારે લાંબી અવસ્થા શા માટે ? અમારી પાસે તેનો કોઈ ખુલાસો નથી. મેં એવા દર્દીઓની સારવાર કરી છે જે દસ કરતાં થોડા વધારે વર્ષ જીવ્યાં હશે. પરંતુ ૫૦ વર્ષ એ એક અસામાન્ય ઘટના છે.'' કદાચ નવો કિર્તીમાન પણ ખરો! તબીબી સેન્ટરમાં કરેલ વાર્તાલાપમાં પ્રો. સ્ટીફન હોકીંગે એક અનોખી આગાહી કરી છે. પ્રો. હોકીંગ કહે છે કે ''પૃથ્વી પર માનવીનું અસ્તિત્વ ખતરામાં છે. આવનારાં હજાર વર્ષમાં મનુષ્ય પૃથ્વી જેવા 'હેન્ડલ વીથ કેર' ગ્રહ ઉપર અસ્તિત્વ ટકાવી શકશે નહીં. અંતરીક્ષમાં તેનાં વસવાટ યોગ્ય અન્ય સ્થાન શોધવાની તેને ખાસ જરૃર છે.'' પ્રો. હોકીંગનાં વક્તવ્યનાં કેટલાંક અવતરણો ન્યુઝ પેપરોમાં ચમકી ગયા છે. સામાન્ય રીતે દર વર્ષે પ્રો. હોકીંગ એક મહીનો કેલ્ટેક ખાતે વિતાવે છે. કેલ્ટેક ખાતે આપેલ તેમનાં પબ્લીક લેકચરની કેટલીક વાતો માણવા લાયક છે. લેકચર સાંભળતા પહેલાં તેમને રૃબરૃમાં જોવા માટે વિજ્ઞાન ચાહકોએ બાર કલાક પહેલાંથી લાઈન લગાવી દીધી હતી. અને... લાઈનની લંબાઈ અડધો કી.મી. કરતાં વધારે હતી. એક હજાર કરતાં વધારે શ્રોતાની ક્ષમતા ધરાવતાં કેલ્ટેકનું ઓડીટોરીયમ હાઉસફુલ થઈ ગયું હતું. થિયેટર બહાર લોનમાં મોટા સ્ક્રીન અને સાઉન્ડ સીસ્ટમની વ્યવસ્થા કરવી પડી હતી. ઓડીટોરીયમમાં સ્ટીફન હોકીંગનાં કોમ્પ્યુટરાઈઝ્ડ સ્પીચ સિન્થેસાઈઝર દ્વારા તેમનો રોબોટીક અવાજ, સભાગૃહમાં ગુંજતો હતો.
મધ્ય આફ્રિકાનાં બોશોંગો આદિવાસીઓની ધાર્મિક માન્યતા મુજબ બ્રહ્માંડની શરૃઆતમાં માત્ર અંધકાર, પાણી અને મહાન ઈશ્વર (ગોડ) ''બુમ્બા''નું જ અસ્તિત્વ હતું. એકવાર 'બુમ્બા' દેવનાં પેટમાં દુખાવો ઉપડયો અને તેમણે ''ઉલટી'' (વોમીટ) કરી નાખી. બુમ્બાએ જે વોમીટ કરી તેમાં સૌ પ્રથમ સુર્ય બહાર નિકળ્યો. ત્યાર બાદ ચંદ્ર અને તારાંઓ. છેવટે પ્રાણીઓ જેમકે ચિતા, મગર, કાચબા નિકળ્યાં. મનુષ્યનો જન્મ સૌથી છેલ્લે થયો. આવી અનેક દંતકથાઓ આપણા એ સવાલનો ઉત્તર આપવા જન્મી છે કે ''આપણે અહીં (પૃથ્વી પર) શા માટે છીએ ? આપણે ક્યાંથી આવ્યા છીએ? મનુષ્યનું અસ્તીત્વ પૃથ્વી પર અન્ય સજીવોની સરખામણીમાં સૌથી ટૂંકું અને તરોતાંજા છે. મનુષ્ય જાતિ પોતાનાં જ્ઞાન અને ટેકનોલોજીને સુધારતી આવી છે.
ખ્રિસ્તી બિશપ યુશરના મત પ્રમાણે ૨૭ ઓક્ટોબર ઇ.સ.પૂર્વે ૪૦૦૪ની સવારે નવ વાગે દુનિયાનો પ્રારંભ થયો હતો. સજીવોની સામે, ભૌતિક પર્યાવરણ જેમ કે પહાડો, નદીઓ, મેદાનો, મહાસાગર વગેરે મનુષ્યના જીવનકાળ દરમ્યાન બદલાયા વગર રહ્યા છે અથવા નામમાત્રનો ફેરફાર થયો છે. આ બેકગ્રાઉન્ડ હમેશાં 'કોન્સ્ટન્ટ'રહ્યું છે. આમ છતાં, વિશ્વનો દરેક માનવી, ''બ્રહ્માંડની શરૃઆત''ની અવસ્થાના વિચાર બીજથી ખુશ નથી. શબ્દોની  પ્રવાહી શૈલીથી પ્રો.હોકીંગે પોતાના વ્યકતવ્યની આવી જાજરમાન શરૃઆત કરી શ્રોતાઓને જકડી રાખ્યા હતા. તેમના વકવ્યનાં ચમકારા માણીએ તો...
ખ્યાતનામ ગ્રીક ફિલોસોફર માનતો હતો કે બ્રહ્માંડની કોઇ શરૃઆત નથી અને અંત પણ નથી. બ્રહ્માંડનું અસ્તીત્વ હમેશાંથી હમેશા માટે છે. (હિન્દુ ધર્મની વિચાર ધારામાં પણ આવી સમજ ડોકાય છે.) જેનુ સર્જન થયું છે તેનાં કરતાં તેનો સર્જનહાર વધારે સુંદર અને સંપૂર્ણ છે. જેઓ માને છે કે બ્રહ્માંડની શરૃઆત છે એજ રીતે તેનો અંત પણ નિશ્ચિત છે. તેમના માટે ઇશ્વરનું અસ્તિત્વ એ પ્રાથમિક કારણ અથવા દલીલોમાં વ્યક્ત થાય છે.
જેઓ માને છે કે બ્રહ્માંડની શરૃઆત હતી !તો પછી શરૃઆતની અવસ્થા પહેલા શું હતું ! શું મનુષ્ય માટે નર્કાગારની વ્યવસ્થા થઇ રહી હતી ? બ્રહ્માંડની શરૃઆત પહેલા 'ઇશ્વર'શું કરી રહ્યો હતો ? (ઇમાન્યુએલ કાન્ટ જેવાં જર્મન તત્વચિતકોએ આ સવાલોના જવાબ શોધવામાં જીંદગી વિતાવી નાખી છે.)
૧૯૧૫માં આલ્બર્ટ આઇનસ્ટાઇને એક ક્રાંતિકારી વિચાર આપ્યો. ''સામાન્ય સાપેક્ષતાવાદ''. સ્પેસ અને ટાઇમ જેવાં પરિમાણો હવે ઘટનાઓ માટે સ્થિર બેકગ્રાઉન્ડ નથી. બ્રહ્માંડનાં આ પરિમાણ ગતિશીલ-ડાયનેમીક છે. જે બ્રહ્માંડમાં રહેલ મેટર (પદાર્થ) અને ઉર્જા (એનર્જી)ને આકાર આપે છે. બ્રહ્માંડમાં રહીને જ સાપેક્ષતાવાદને વ્યાખ્યાયીત કરી શકાય છે. આ હિસાબે બ્રહ્માંડની શરૃઆત પહેલાં શુ હતું ? એ સવાલ અસ્થાને છે. દક્ષિણ ધુ્રવ ઉપર ઉભા રહીને એવુ તો પુછી ના શકાય કે દક્ષિણ દિશા કઇ બાજુ છે ?
૧૯૨૦ પહેલાં સમયની સાપેક્ષમાં બ્રહ્માંડ 'અચળ'હતું. આ અર્થમાં બ્રહ્માંડની શરૃઆત જેવા શબ્દો અને સંજોગ કુત્રીમ લાગે છે. ૧૯૨૦ના દાયકા બાદ પરિસ્થિતિ બદલાય છે. માઉન્ટ વિલ્સન ખાતે આવેલ ૧૦૦ ઇંચના ટેલિસ્કોપ વડે અવલોકનો લેવાનાં શરૃ કર્યા. એડવિન હબલે અવલોકનોમાં નિહાળ્યું કે ''અંતરિક્ષ/ સ્પેસમાં તારાઓનું વિતરણ એકસમાન થયેલ નથી. તે એક ઝુમખામાં વ્યવસ્થિત ગોઠવાયેલા છે. જેને ગેલેક્સી એટલે કે આકાશગંગા કહે છે. જેમાંની કેટલીક ગેલેક્સી આપણી નજીક આવી રહી હતી. જ્યારે કેટલીક ગેલેક્સી આપણાથી દૂર જઇ રહી હતી. છેવટે હબલના આશ્ચર્ય વચ્ચે છેવટનું તારણ એ નિકળ્યું હતું કે બધી જ ગેલેક્સી આપણાથી દૂર ભાગી રહી છે. મજાની વાત એ હતી કે આપણાંથી ખૂબ જ દુર આવેલા ગેલેક્સીઓ વધારે ઝડપથી દૂર ભાગી રહી હતી. ટૂંકમાં બ્રહ્માંડનું વિસ્તરણ/ ફેલાવો થઇ રહ્યો હતો. હવે સમયની સાપેક્ષમાં બ્રહ્માંડ બદલાયા વગરનું ''અચળ''રહે છે  તેવા વિચારબીજને વૈજ્ઞાનિકોએ ફગાવી દેવામાં જ સમજદારી દાખવી દીધી હતી.
બ્રહ્માંડનું વિસ્તરણ થઇ રહ્યું છે એ વાત વીસમી સદીની સૌથી મહત્વની બૌદ્ધિક શોધોમાંની એક છે. જો બધી ગેલેક્સી એકબીજાથી દૂર ભાગી રહી છે તો તેનો મતલબ થાય કે ભુતકાળમાં તેઓ એકબીજાની ખૂબ જ નજીક હતી. જો તેમની ઝડપ અચળ રહે તો, ૧૫ અબજ વર્ષો પહેલા, તેઓ એકબીજાની ઉપર ગોઠવાયેલી હતી. શું આ અવસ્થા જ બ્રહ્માંડની શરૃઆત હતી ? આ સવાલથી ઘણા બધા ભૌતિકશાસ્ત્રીઓ દુઃખી છે કારણ કે બ્રહ્માંડની શરૃઆતની અવસ્થાએ આપણે પહોચીએ છીએ ત્યારે, આપણું આજનું ભૌતિકશાસ્ત્ર ત્યાં શીર્ણવિશીર્ણ થઇ જાય છે. ભૌતિકશાસ્ત્રનાં સામાન્ય નિયમો ત્યાં તૂટી પડે છે. તો પછી બ્રહ્માંડની શરૃઆતને સમજાવવી કઇ રીતે ? હવે આપણી સુવિધા માટે એક બાહ્ય પરીબળ એક બહારની એજન્સી હાજર જ છે, જેને આપણે 'ગોડ'કરીએ છીએ. જે નક્કી કરે છે કે 'બ્રહ્માંડની શરૃઆત'કઇ રીતે થઇ ? એક અતિ આધુનિક થિયરી પ્રમાણે બ્રહ્માંડનું ભલે વિસ્તરણ થઇ રહ્યું હોય ! પરંતુ તેની શરૃઆત જેવી કોઇ અવસ્થા નથી જેને સ્ટેડી સ્ટેટ થિયરી કહે છે, જેની વિભાવના હરમાન બોન્ડી થોમસ ગોલ્ડ અને ફ્રેડ હોયલે આપી હતી.
આ થિયરીનાં કેન્દ્રમાં વિચારબીજ એવું છે કે ''જેમ જેમ ગેલેક્સીઓ એકબીજાથી દુર જઇ રહી છે, તેમ તેમ સ્પેસમાં નવી ગેલેક્સીની રચના થતી જ જાય છે. ૧૯૬૦નાં દાયકાના અવલોકનોએ સાબિત કર્યું છે કે આ થિયરીમાં ખામીઓ છે. આ અને કેટલાક અન્ય કારણોસર વૈજ્ઞાનિકોએ આ થિયરીને પણ અલવિદા કરી દીધી છે. ડો.સ્ટીફન હોકીંગ અને રોજર પેનરોસે આપેલ સિગ્યુલારીટી થિયરીમાં દર્શાવાયું છે કે યુનિવર્સની શરૃઆત સંભાવના અને આગાહી છે. પરંતુ તેની શરૃઆત કઇ રીતે થઇ હતી તે દર્શાવી શકાયું નથી.''
સ્ટીફન હોકીંગ દ્વારા અપાયેલ ''સિગ્યુલારીન''પોઇન્ટે આવીને આઇનસ્ટાઇનના જનરલ રિલેટીવીટીના સમીકરણો નાકામયાબ બની જાય છે. આલ્બર્ટ આઇનસ્ટાઇનની થિયરી એ વાત બતાવે છે કે બ્રહ્માંડની ઉત્ક્રાંતિ કઇ રીતે થઇ છે. બ્રહ્માંડની શરૃઆત કઇ રીતે થઇ હશે  એ બાબત આલ્બર્ટ આઇનસ્ટાઇનની થિયરી લગભગ ચુપકીદીમાં ફેરવાઇ જાય છે.
આલ્બર્ટ આઇનસ્ટાઇનનો સાપેક્ષતાવાદ, બ્રહ્માંડની શરૃઆતની અવસ્થા સમજાવવામાં ક્યાં કાચો પડે છે ? ઘણાં વૈજ્ઞાનિકો માને છે કે બ્રહ્માંડની શરૃઆતની અવસ્થામાં ગુરૃત્વાકર્ષણ અથવા તેનાં જેવું બળ ખૂબ જ શક્તિશાળી હશે. પદાર્થના કણોને ખુબ જ નાનાખ સ્કેલ મોડેલ ઉપર સાપેક્ષતાવાદ નિષ્ફળ જાય છે. જ્યાં માઇક્રોસ્કોપીક સ્કેલ ઉપર કર્વાન્ટમ થિયરી લાગુ કરવી પડે છે. બ્રહ્માંડનું સર્જન સમજવા માટે સામાન્ય સાપેક્ષતાવાદ અને કવોન્ટમ થિયરીનું કોમ્બીનેશન જરૃરી બની જાય છે. બ્રહ્માંડની શરૃઆતની અવસ્થામાં થતો નજીવો ફેરફાર, આકાશગંગા, તારાઓ અને બ્રહ્માંડનાં અન્ય બંધારણ માટે કારણભૂત બને છે. પ્રો.હોકીંગ કહે છે કે ''વિજ્ઞાન જ્યારે એકબીજાથી દૂર આવેલ સ્પેસ ક્રાફ્ટ વચ્ચેનું અંતર, ગ્રેવીટેશનલ વેવ્સની શોધ કરીને ગણી શકશે, ત્યારે પરિસ્થિતિ કાંઇક અલગ હશે. એવું માનવામાં આવે છે કે બ્રહ્માંડની શરૃઆતનાં સમયે પણ આવા ગુરૃત્વાકર્ષણ બળના તરંગો પેદા થયા હતા જે આજદિન સુધી 'અચળ'બદલાયા વિનાના રહ્યા છે.
બ્રહ્માંડની શરૃઆતની પ્રથમ સેકન્ડમાં શું બન્યુ હશે ? એ સવાલનો જવાબ આપતાં પ્રો.હોકીંગે કહ્યું હતું કે ''ધ બીગ બેંગ વોઝ સ્ટ્રેન્ઝ ! વી સ્ટીલ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ઇટ ! એક વાત નિશ્ચિત છે કે આ ક્ષણોમાં ઇશ્વરની હેલ્પની જરૃર પડી હશે નહી !''આપણાં બ્રહ્માંડના સર્જન માટે, કોઇ બાહ્ય દિવ્ય શક્તિની ડખલબાજીની જરૃર પડે તેમ નથી. મનુષ્યએ પોતાના અસ્તિત્વની ચિંતા કરવાની જરૃર છે. મનુષ્યજાતીના ઉજ્જવળ ભવિષ્ય ખાતર પણ અંતરિક્ષમાં જવાની ખાસ જરૃર છે. આવનારા હજારો વર્ષોમાં મનુષ્યનું અસ્તિત્વ ટકી શકે તેમ લાગતું નથી. આ હિસાબે પૃથ્વી સિવાય બ્રહ્માંડનાં અન્ય સ્થાનને મનુષ્યનાં વસવાટ યોગ્ય બનાવવું જ પડશે.
પ્રો.સ્ટીફન હોકીંગ વિશે અભિપ્રાય આપતાં પ્રો.બ્રાયન કોક્ષ કહે છે કે ''પ્રો.સ્ટીફન હોકીંગની જીનીયસ નોબેલ પ્રાઇઝના કેલીબરની છે. દુનિયાનાં કોઇપણ વૈજ્ઞાનિક કરતાં ભૌતિકશાસ્ત્રને લોકપ્રિય બનાવવાનું કામ પ્રો.હોકીંગ કર્યું છે. જ્યારે હું ૨૦ વર્ષની ઉંમરનો હતો ત્યારે, અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઇમ''પ્રકાશિત થયું હતું. એ સમયે ભૌતિકશાસ્ત્ર પ્રત્યે આકર્ષણ પેદા કરે તેવા ખૂબ જ ઓછા પુસ્તકો હતા.'' દુનિયાના ઘણાં લોકો ઉપર આ પુસ્તકે ભૌતિકશાસ્ત્રનો જાદુ ચલાવ્યો છે. પ્રો. બ્રાયાન કોક્ષ બીબીસી માટે કામ કરે છે. લાર્જ હેડ્રોન કોલાયડર ઉપરનું તેમનું કામ જાણીતુ છે. ''આજના વૈજ્ઞાનિકો પ્રો. હોકીંગ ખરેખર ''નોબેલ પ્રાઇઝ''માટેના હકદાર ગણાય.'પ્રો.બાયન કોક્ષના શબ્દો બ્રહ્મવાક્ય સમાન છે. સમય બતાવી રહ્યો છે કે પ્રો. સ્ટીફન હોકીંગનો ''પબ્લીક ચાર્મ''હજી ખતમ થયો નથી.

No comments: