Thursday 16 May 2013

ટેસ્ટ ટયુબ બેબી:અંતિમ અધ્યાય

IVF ટેકનિકના પ્રણેતા ડો. રોબર્ટ એડવર્ડનો જીવનદીપ બુઝાયો.


૬ જૂન ૨૦૧૨: ભારતનાં આકાશરસીયા શુક્રનું અતિક્રમણ નિહાળી રહ્યા હતાં. અમેરિકન ફેન્ટસી, સાયન્સ ફિક્શન, હોરર અને રહસ્યમય કલ્પના કથા લખનાર અમેરિકન લેખક રે બ્રેડબી ૯૧ વર્ષની ઉંમરે લાંબી માંદગી બાદ મૃત્યુ પામે છે, જેણે ખ્યાતનામ ફિક્શન 'ફેરનહીટ 41' લખી હતી. જાપાની રાજાશાહીનાં ગાદીવારસનાં લીસ્ટમાં છઠ્ઠા ક્રમે આવનાર રાજકુમાર ટોમોહીટો અનેક અંગોની નિષ્ફળતાનાં કારણે મૃત્યુ પામ્યા હતાં. સોલાર ઇમ્પલ્સ નામનું: સૌરશક્તિથી સંચાલીત પોતાનું પ્રથમ આંતરખંડિય ઉડ્ડયન પુરું કરીને છેવટે મોરોક્કોમાં ઉતરી ચૂક્યું હતું. આ આંતરરાષ્ટ્રીય સમાચારો વચ્ચે એક સામાન્ય મહીલા લેસ્લી બ્રાઉનનાં અવસાનનાં સમાચાર પણ છપાયા. સામાન્ય મહીલા એક અસામાન્ય ઘટના બદલ ઈતિહાસમાં અમર બની ગઈ. ૨૫ જુલાઈ ૧૯૭૮નાં રોજ લેસ્લી બ્રાઉને દુનિયાની પ્રથમ ટેસ્ટ ટયુબ બેબી 'લુઈસ બ્રાઉન'ને પોતાની કુખેથી જન્મ આપ્યો હતો. લેસ્લી બ્રાઉનને ઇતિહાસમાં અમર કરનાર વિરલા વૈજ્ઞાનિક કમ તબીબો હતાં સર રોબર્ટ એડવર્ડ અને ડો. પેટ્રીક સ્ટેપટો.
વિશ્વ ઇતિહાસની 'ટેસ્ટ ટયુબ' ઘટનાનાં સાથે સંકળાયેલા ડો. પેટ્રીક સ્ટેપટો ૧૯૮૮માં અવસાન પામ્યા હતાં. ટેસ્ટ ટયુબ બેબી લુઈસ બ્રાઉનની માતા લેસ્લી બ્રાઉન ૬ જુન ૨૦૧૨નાં રોજ આ દુનિયામાંથી વિદાય લે છે. ઘટનાનાં મુખ્ય સુત્રધાર સમા ડો. રોબર્ટ એડવર્ડનું તાજેતરમાં, એટલે કે ૧૦ જૂન ૨૦૧૨નાં રોજ લાંબી માંદગીબાદ ૮૭ વર્ષની ઉંમરે અવસાન થયું છે.
સ્વર્ગસ્થ ડો. સર રોબર્ટ એડવર્ડે પોતાની વાત વિશ્વ સમક્ષ મુકતાં કહ્યું હતું કે, 'જીવનમાં સૌથી મહત્વની બાબત છે, તમારાં પોતાનાં સંતાન હોવાં.' મતલબ નિઃસંતાન રહેવું એ જિંદગીનો મોટો અભિશાપ છે. બાળકોની ખુશી જિંદગીમાં કેવાં વળાંકો લાવે છે એ વાત બોલીવુડની ફિલ્મ 'વિકી ડોનર' માણતી વખતે કદાચ તમને સમજાઈ હશે. સ્પર્મ ડોનેશન પહેલાં, ઈન વિટ્ટો ફર્ટીલાઈઝેશન જેને તબીબી ભાષામાં 'આઈવીએફ' કહે છે તેનાં મુખ્ય સુત્રધાર વૈજ્ઞાનિકો હતાં ડો. રોબર્ટ એડવર્ડ અને ડો. પેટ્રીક સ્ટેપટો બંને વૈજ્ઞાનિકો આપણા વિશ્વમાંથી વિદાય લઈ ચૂક્યાં છે ત્યારે તેમણે શોધેલ ટેકનીકે આપણું વિશ્વ બદલી નાખ્યું છે.
અત્યાર સુધી વિશ્વમાં ૫૦ લાખ કરતાં વધારે બાળકો 'ટેસ્ટ ટયુબ'મેથડથી જન્મી ચૂક્યાં છે. એકલાં બ્રિટનમાં વર્ષે દહાડે ૧.૮૦ લાખ બાળકો 'ટેસ્ટ ટયુબ'નાં પરીણામે પેદા થાય છે. ટેસ્ટ ટયુબ મેથડનો સૌથી ઉંચો સફળતાંક ઈઝરાએલે મેળવ્યો છે. ટેસ્ટ ટયૂબ બેબી પેદા કરવા માટે વિશ્વની કંટ્રોલીંગ ઓથોરીટીએ ૪૦થી ૫૦ વર્ષની ઉંમરની ભલામણ કરેલ છે. બ્રિટનમાં એન્ડ્રીયા હેવુડ નામની ૨૪ વર્ષની નર્સનો કેસ ચર્ચાસ્પદ બન્યો છે. તેનું એપેન્ડીક્ષ ફાટી જતાં એન્ડ્રીયાની ફેલોપીઅન ટયુબને નુકસાન પહોચ્યું છે. કુદરતી રીતે તે 'મા' બનવા સક્ષમ નથી. તેના પતિ આરોને, લોકલ પ્રાઈમરી કેર ટ્રસ્ટમાં 'ટેસ્ટ ટયુબ બેબી' પ્રોસીજર માટે પોતાનો કેસ રજુ કર્યો છે. ત્રણ વાર તેની અરજી નકારવામાં આવી છે કારણ કે એન્ડ્રીયાની ઉંમર હાલ ૨૪ વર્ષ છે. ૩૦ વર્ષની ઉંમરે તેને 'ટેસ્ટ ટયુબ બેબી' ટ્રીટમેન્ટ મળે તેમ છે. નિઃસંતાન દંપતી માટે 'ઈન વિટ્ટો ફર્ટીલાઈઝેશન' એક માત્ર આશાસ્પદ વિકલ્પ છે. જોકે આ ખર્ચાળ પદ્ધતિનો સફળતાંક ૫૦થી ૫૫ ટકા જેટલો છે. એટલે કે IVF થી બાળક મેળવવા માટે દંપતી ૫૦/૫૦ ચાન્સ છે. રિસ્ક લેવા જેવું ખરું? પરંતુ ૧૯૫૦ દાયકાની વાત જરા અલગ હતી.
બ્રિટીશ વૈજ્ઞાનિક રોબર્ટ એડવર્ડ સમજતા હતાં કે બાળક પેદા કરવાની ક્ષમતા ન ધરાવતા કપલ માટે ઈન વિટ્ટો ફર્ટિલાઈઝેશન કેટલું શક્તિશાળી ઓજાર સાબીત થઈ શકે છે. જોકે અહીં સમસ્યા બીજી હતી. થિયરીમાં ફાંકડો લાગતો આઈડિયા પ્રેક્ટીસમાં મુકવામાં ફિયાસ્કો થઈ જતો હતો. ડો. એડવર્ડ અન્ય વૈજ્ઞાનિકોએ કરેલ સસલાં-ઉંદર ઉપરનાં પ્રયોગોનાં પરિણામ સારી રીતે જાણતાં હતાં. વૈજ્ઞાનિકોએ ઉંદર-સંસલાનાં અંડકોષોને કાઢી લઈને, તેને નર શુકાણુથી, માદાનાં શરીર બહાર એટલે કે ટેસ્ટ ટયુબ કે ગ્લાસની પેટ્રી ડીશમાં ફલીત કરી, ચાર-પાંચ દિવસમાં વિકસીને 'બ્લાસ્ટોસિસ' સ્વરૃપ ધારણ કરે ત્યારે તેને માદાના ગર્ભમાં ગોઠવી બતાવ્યા હતાં. મનુષ્ય ઉપર આ પ્રકારનાં પ્રયોગો થયા ન હતાં. ડો. રોબર્ટ એડવર્ડ અને ડો. પેટ્રીક સ્ટેપટો, આ અશક્ય લાગતી કલ્પનાને હકીકતમાં બદલવા માટે ઝઝુમી રહ્યાં હતાં. તેમણે પોતાના જ્ઞાનનો ઓજાર તરીકે અને અનુભવને 'કલા' તરીકે લઈને ઈનવિટ્રો ફર્ટીલાઈઝેશનનાં પ્રયોગો શરૃ કર્યા હતા.
ડો. એડવર્ડની વૈજ્ઞાનિક વિશ્વમાં એન્ટ્રી, આમ જોવા જઈએ તો વહેલી થઈ હોત. જોકે બીજા વિશ્વયુદ્ધ અને બ્રિટીશ આર્મીમાં તેમણે આપેલ સેવાને કારણે તેઓ મોડા પડયા. ૧૯૫૧માં વેલ્સની યુનિ ઓફ બાંગોરમાંથી તેમણે ડિગ્રી મેળવી. ૧૯૫૫માં યુનિ. ઓફ એડિનબર્ગમાંથી પીએચડીની ડિગ્રી મેળવી અને સાથોસાથ ભવિષ્યમાં તેમની પત્ની બનનાર 'રૃથ'ની મુલાકાત પણ એડિનબર્ગમાં જ થઈ. જ્યારે તેમણે મનુષ્યનાં સ્પર્મ (શુક્રાણુ) અને સ્ત્રીનાં 'ઈંડા' (અંડકોષ)ને ભેગા કરીને નવા જીવનની શરૃઆત કરવાના જે પ્રયોગો શરૃ કર્યા તે વિજ્ઞાન જગત માટે એક 'ક્રિટીકલ મોમેન્ટ' હતી. માસ મીડીયા, સમાજ અને નિતીશાસ્ત્ર પ્રયોગો સામેની એક મોટી દિવાલ બની ગયા હતાં.
જેમની એક માત્ર અનોખી શોધે સામાન્ય માનવીની જિંદગીને સીધો જ સ્પર્શ કર્યો હોય તેવી આ વિરલ ઘટના હતી. દુનિયાને પ્રથમ ટેસ્ટ ટયુબ બેબી 'લુઈસ જ્હોન બ્રાઉનની' ભેટ આપનાર વૈજ્ઞાનિકોને, વિજ્ઞાન જગતે ખાસ્સા ત્રણ દાયકા બાદ 'મેડિસીન ક્ષેત્રનું નોબેલ પ્રાઇઝ આપીને વધાવ્યા હતાં.' ડો. રોબર્ટ એડવર્ડને નવાજવામાં ભલે મોડું થઈ ગયું હતું. પરંતુ તેમનું સંશોધન અને 'આઈવીએફ' ટેકનીક ભવિષ્યમાં ક્યારેય આઉટ ઓફ ડેટ થવાની નથી.તેમા સુધરા વધરા થતા રહેશે.
૨૦૧૦માં ડો. રોબર્ટ એડવર્ડને મેડિસીનનું નોબેલ પ્રાઈઝ અપાઈ રહ્યું હતું. ત્યારે સમારંભમાં તેમની બીજા નંબરની પુત્રી ડો. જેની જોય અને અન્ય ચાર બહેનો પણ હાજર હતી. જ્યારે લુઈસ બ્રાઉનનો જન્મ થયો ત્યારે 'જેની' અઢાર વર્ષની હતી. તેનાં પિતાએ જ્યારે મેડિસીનનું નોબોલ પ્રાઈઝ સ્વીકારીને સુંદર સ્પીચ આપી ત્યારે જેનીની ઉંમર ૫૦ વર્ષની હતી. સમયરેખા ઉપરનાં સીમાચિન્હો, સમય માપવા માટે તો અનોખો ગ્રાફ બતાવે છે. આજે ટેસ્ટ ટયુબ બેબીની ઉંમર ૩૫ વર્ષની છે. તેની માતા લેસ્બીની બંને ફેલોપીઅન ટયુબ બ્લોક થઈ ગયેલ હોવાથી, ડો. એડવર્ડે તેનાં ઉપર IVF અજમાવવાનો નિર્ણય લીધો હતો. તેનાં પિતા ૨૦૦૬માં મૃત્યુ પામ્યાં હતાં. જ્યારે માતાનું અવસાન ૨૦૧૩માં થયું હતું. ૧૦ એપ્રિલે ડો. રોબર્ટ એડવર્ડનું અવસાન થતાં હવે વિશ્વની પ્રથમ 'ટેસ્ટ ટયુબ બેબી'ની સ્ટોરીમાં માત્ર ટેસ્ટ ટયુબ બેબી 'લુઈસ બ્રાઉન' એકમાત્રા હયાત પાત્ર છે. મજાની વાત એ છે કે લુઈસનાં જન્મ બાદ ચાર વર્ષ બાદ તેની નાની બહેન 'નાતાલીએ'નો જન્મ થયો હતો. આ સમયગાળામાં વિશ્વમાં અન્ય ૩૮ બાળકો ટેસ્ટ ટયુબ ટેકનીકથી જન્મી ચૂક્યાં હતાં. નાતાલીએ બ્રાઉનનો ટેસ્ટ ટયુબ બેબીનાં વર્લ્ડ રજીસ્ટરમાં ક્રમાંક હતો ચાલીસમો. IVF થી જન્મ લેનાર લુઈસ બ્રાઉને પોતાનાં પ્રથમ સંતાન 'કેમેરોન'ને કુદરતી રીતે ગર્ભ-ધારણ કરીને જન્મ આપ્યો છે. ૧૯૭૮માં ટેસ્ટ ટયુબ બેબી તરીકે જન્મ લેનાર લુઈસ બ્રાઉનનાં જન્મની ખબર એક આંતરરાષ્ટ્રીય સમાચાર બની ગયા હતાં. લાઈમ લાઈટમાં આવેલ ડો. એડવર્ડ અને ર્ડો પેટ્રીકે દુનિયાની પ્રથમ  IVF ક્લીનીક બોર્નહોલ, કેમ્બ્રીજશાયર ખાતે શરૃ કરી હતી. ૨૦૧૦માં ડો. રોબર્ટ એડવર્ડને નોબેલ પ્રાઈઝ મળ્યા પછી, બ્રિટનનાં રાજવી કુટુંબને અચાનક શાન આવી ગઈ હતી. ૨૦૧૧માં બ્રિટનની મહારાણીનાં જન્મદીનની ઉજવણી વખતે ડો. એડવર્ડને 'સર'નો ખિતાબ આપવામાં આવ્યો હતો. કદાચ મહારાણીને ચર્ચનો ડર સતાવતો હશે.
ડો. એડવર્ડને શ્રદ્ધાંજલી આપતા લેખમાં ન્યુયોર્ક ટાઈમ્સ લખે છે કે 'ડો. એડવર્ડે તેમનાં સહકાર્યકર સાથે મળીને IVF ટેકનિક વિકસાવીને, તબીબી જગતમાં નવા યુગના મંડાણ કર્યા છે. લાખો નિઃસંતાન દંપતી હવે બાળક મેળવી શકે છે. સ્ત્રીઓ હવે રજોનિવૃત્તિકાળમાં (મેનોપોઝ) પ્રવેશી ચૂકી હોય તો પણ હવે 'મા' બની શકે છે.' સ્ત્રીને 'મા'નું બિરુદ મળી જાય તેનાથી મોટી ભેટ કઈ હોઈ શકે.
ડો. એડવર્ડની ભેટને વિજ્ઞાન જગત ન્યુટન, આઈનસ્ટાઈન અને ડાર્વીનનાં સંશોધનની સમકક્ષ મુકે છે. ઈનવિટ્રો ફર્ટીલાઈઝેશન એટલે કે ટેસ્ટ ટયુબ બેબીનાં સંશોધનનાં ઇતિહાસમાં એક ડોકીયું કરીએ તો, ડો. એડવર્ડ અને ડો. પેટ્રીક સ્ટેપટોનાં સઘર્ષની કથા મળી આવે છે.
ફર્ટિલાઈઝડ એટલે કે ફલીત કરેલ અંડકોષમાં સ્પર્મનો પ્રવેશ કરાવીને ફલન કરાવવાની પ્રક્રિયાને અંતે મળતું ઈંડુ એટલે કે 'ફર્ટીલાઈઝડ એગ' પ્રાણીનાં શરીરમાંથી ફલીત થયેલ ઈંડાને હેમખેમ બહાર કાઢવાની ટેકનિક જ્હોન રોક નામના વૈજ્ઞાનિક વિકસાવી હતી. આ અમેરિકી વૈજ્ઞાનિક આજે IVF નાં પ્રણેતા કરતાં, હોર્મોન આધારીત કુટુંબ નિયોજનની ગોળીઓ 'કોન્ટ્રાસેપ્ટીવ પીલ્સ' માટે વધારે જાણીતા છે. ભારતમાં વપરાતી 'માલા-ડી' ગોળી પણ કોન્ટ્રાસેપ્ટીવ પીલ્સ જ છે. ૧૯૫૫માં આવી ગોળીની શોધ થઈ અને ૧૯૫૭માં બ્રાન્ડ નેમ સાથે બજારમાં મળતી થઈ ચુકી હતી.
સ્ત્રીનાં ઈંડાને ઈન વિટ્રો ટેકનીક વડે ફર્ટીલાઈઝડ કરવાનો પ્રથમ કિસ્સો તબીબી જગતનાં શીરમોર જેવા મેગેજીન 'લાન્સેટ'માં ૧૯૭૩માં છપાયો હતો. આ પરાક્રમ યુનીનાં વૈજ્ઞાનિકોએ કર્યું હતું. આ માત્ર શરૃઆત હતી. સંશોધકોએ ફલીત ઈંડાને જાણી જોઈને સ્ત્રીનાં ગર્ભાશયમાં આરોપ્યુ ન હતું. અથવા તેઓ આમ કરવામાં નિષ્ફળ ગયા હતાં. ટેસ્ટ ટયુબમાં શરૃ થયેલ પ્રથમ પ્રેગનન્સી ગણતરીનાં દિવસો ચાલી હતી. તબીબી ઇતિહાસ તેને બાયો-કેમિકલ પ્રેગનન્સી તરીકે યાદ કરે છે. વિટ્રો શબ્દ લેટીન ભાષાનો છે, જેનો અર્થ થાય 'કાચ'. વિટ્રીફાઈક ટાઈલ્સમા જે 'વિટ્ટી' શબ્દ છે તેનું મૂળ પણ આ 'વિટ્રો' જ છે.
૧૯૬૯માં રોબર્ટ એડવેર્ડે IVF નાં પ્રયોગો શરૃ કર્યા હતાં. તેમને ઈંડાને ફલીત કરવામાં સફળતા મળી હતી. પરંતુ, એક મોટી સમસ્યા મો ફાડીને સામે ઉભી હતી. ફલીત કરેલ અંડકોષ 'સીંગલ સેલ' ડિવીઝન (વિભાજન) પામીને અટકી જતાં હતાં. ડો. એડવર્ડને લાગ્યું કે અંડાશયમાંથી અલગ તારવેલ 'ઈંડુ' જો શરૃઆતથી જ વધારે પરીપકવ (પાકેલું) હોય તો વધારે સારું પરિણામ મળશે. હવે મેચ્યોર એગ કઈ રીતે મેળવવા એ દિશામાં તેમણે સંશોધન શરૃ કર્યું. આ ઉપરાંત આ કાર્યમાં તેમણે ડો. પેટ્રીક સ્ટેપટોની મદદ લેવાનું પણ શરૃ કર્યું. ૧૯૭૧માં તેમણે બ્રિટીશ સરકાર પાસે સંશોધન માટે નાણા ફાળવવા માટે અરજી કરી. જેને સરકારે ફગાવી દીધી. બે બંને વૈજ્ઞાનિકો એ 'પ્રાઈવેટ ડોનેશન'નો માર્ગ અપનાવ્યો. એક સમસ્યાનો ઉકેલ મળ્યો ત્યારે IVF સામે સમાજની નારાજગી અને નૈતિક્તાનો પ્રશ્ન નડવા લાગ્યો. શરમાળ પ્રકૃતિનાં ડો. એડવેર્ડ આ સમસ્યાનો સામનો કરવાની જવાબદારી ડો. પેટ્રીકને સોપીને નિશ્ચિંત થઈ ગયા.
ડો. એડવર્ડ અને ડો. સ્ટેપ રો એ ૧૯૭૦ની શરૃઆત સુધીમાં લગભગ ૧૦૦ કિસ્સામાં નિષ્ફળતા મેળવી હતી. પ્રયોગશાળામાં એગ અને સ્પર્મનો મેળાપ કરાવીને તેને સ્ત્રીનાં ગર્ભાશયમાં ગોઠવવામાં આવ્યા પરંતુ ગર્ભાશયમાં આ ફલીત ગર્ભાંકુરનો વિકાસ અટકી જતો હતો. છેવટે ૧૯૭૭માં ડો. એડવર્ડે પોતાની જુની ટેકનિક બદલી. ગર્ભાશયની બહાર અંડકોષ અને શુક્રાણું જીવીત રહે અને ફલન પ્રક્રિયા થાય, એટલું જ નહીં તેનો વિકાસ થઈને, વૈજ્ઞાનિક જેને બ્લાસ્ટોસીસ્ટ કહે છે કે તે તબક્કે પહોંચે તે માટે ખાસ પ્રકારનું માધ્યમ (પ્રવાહી) વિકસાવ્યું હતું, જેને તેઓ મેજીક કલ્ચર ફ્લુઈડ કહે છે. શરૃઆતમાં ફલીત કોષ, કોષવિભાજન પામીને આઠ કોષોની સંખ્યાએ પહોંચે તેને 'બ્લાસ્ટોસીસ્ટ' કહે છે.
અંડાશયમાંથી અંડકોષ મેળવવા ડો. પેટ્રીક સ્ટેપટોએ લેપ્રોસ્કોપનો ઉપયોગ કર્યો હતો. સમાજનાં વિરોધ છતાં ડો. એડવર્ડ અને ડો. પેટ્રીક સ્ટેપટોએ દર્દીનાં શરીરનું બાયોલોજીકલ એનાલીસીસ ચાલું જ રાખ્યું હતું. આવા સમયે લેસ્લી અને જ્હોને ડો. એડવર્ડનો બાળક મેળવવા માટે સંપર્ક કર્યો. છેલ્લા નવ વર્ષથી સતત કોશિશ કરવા છતાં આ દંપતી 'બાળક' મેળવવામાં નિષ્ફળ રહ્યું હતું. બંને તબીબોએ દર્દીનાં શરીરમાં રહેલા અંતસ્ત્રાવોનું લેવલ કેટલું છે તેની માહિતી મેળવી. ગર્ભ ધારણ માટે ક્યો સમય સારો રહેશે તે નક્કી કર્યું. ગર્ભધારણ સમયાવસ્થા દરમ્યાન 'હોર્મોન્સ થેરાપી'નો કેટલો ઉપયોગ કરવો તે સુનિશ્ચિત કર્યું. અનેક ઝીણી વિગતોનો અભ્યાસ કર્યા બાદ લેસ્લી બ્રાઉનના ગર્ભાશયમાં, ઈનપિટ્રો ફર્ટીલાઈઝેશન  (IVF) કરેલ બ્લાસ્ટોસીસનું આરોપણ કર્યું. આ વખતે તેમને સફળતા મળી. લેસ્લીનાં શરીરમાં ગર્ભ વિકાસ પામવા લાગ્યો હતો. હવે પ્રેસ અને અન્ય મીડીયાને ડો. એડવર્ડ અને લેસ્લી બ્રાઉનનાં ખબર મળી ચૂક્યા હતાં. 'સમાજના વિરોધનાં કારણે લેસ્લી ઉપર 'મેન્ટલ સ્ટ્રેસ' પેદા થાય અને બાળકની કસુવાવડ થઈ જાય તે ઘટનાને ટાળવા માટે લેસ્લીને ગર્ભાવસ્થા દરમ્યાન અજ્ઞાત સ્થળે છુપાવી રાખવામાં આવી હતી. છેવટે ૨૫ જુલાઈ ૧૯૭૮નાં રોજ લેસ્લી ઉપર સીઝેરીઅન સેક્શન કરીને 'લુઈસ બ્રાઉન'નો જન્મ થયો. હવે બંને તબીબોએ વિશ્વ સમક્ષ પ્રથમ 'ટેસ્ટ ટયુબ બેબી'ની જાહેરાત કરી.
IVF ટેકનીક વડે કલ્પના હવે હકીકત બની ચૂકી હતી. ૧૯૭૮ બાદ ડો. એડવર્ડ અને ડો. પેટ્રીક સ્ટેપટો, વિશ્વનાં અન્ય તબીબોને IVF  દ્વારા કઈ રીતે બાળક મેળવવું એ શિખવતા રહ્યાં હતાં. તેમની IVF કલીનીકમાં હવે દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થઈ ચૂક્યો હતો. બંને વૈજ્ઞાનિકો એ IVF વડે નિઃસંતાન દંપતીને બાળક આપવાનો 'તબીબી યજ્ઞ' ચાલુ રાખ્યો હતો. ૧૯૮૬માં ડો. પેટ્રીક સ્ટેપટોનું અવસાન થતાં આ 'અનબીટેબલ' જોડી તૂટી ગઈ. ડો. એડવર્ડ અને ડો. પેટ્રીકની બોર્ન હોલ ક્લીનીક આજે પણ IVF ટ્રીટમેન્ટ આપે છે, જેનો ખર્ચ ૪૦૦૦થી ૮૦૦૦ પાઉન્ડ જેટલો થાય છે. બ્રિટનમાં વર્ષે દહાડે ૩૦ હજાર મહીલાઓ IVF વડે બાળક મેળવવા પ્રયત્ન કરે છે, જેમાંથી ચૌદ હજાર જેટલી મહીલાઓ ખરેખર 'મા' બની જાય છે.
ડો. એડવર્ડનાં નિધન બાદ, આમ જોવા જઈએ તો તેમનું 'ફેમીલી' ખૂબ જ વિશાળ ગણાય. સામાજિક સંદર્ભે મૃત્યુબાદ તેઓ તેમની પત્ની 'રૃથ', પાંચ સંતાનો અને ૧૨ પૌત્ર-પૌત્રીઓને મુક્તાં ગયાં છે. આજે સમય અને ટેકનીક બંને બદલાઈ ગયાં છે. સ્ત્રીનાં શરીરમાં 'મેરચ્યોર એગ'ની માહિતી અને ઓળખ સોનોગ્રાફી વડે કરવામાં આવે છે. લેપ્રોસ્કોપનાં બદલે ખાસ પ્રકારની સીરીન્જ વડે અંડાશયમાંથી અંડકોષ મેળવવામાં આવે છે. પેટ્રી ડીસમાં રહેલ 'કલ્ચરલ' મીડીયમમાં એગ સ્પર્મનો 'મિલાપ' અને 'વિકાસ' થાય છે. યોગ્ય સમયે સ્ત્રીનાં ગર્ભાશયમાં ગોઠવાઈ તે છેવટે 'બાળક' સ્વરૃપે આ દુનિયામાં પ્રવેશે છે.
આજે તબીબી જગત માટે સમય અને સમજ બંને બદલાઈ ગયાં છે. IVF  ટેકનીક હવે રોકડીયો ધંધો બની ગઈ છે. બ્રિટનનાં ફર્ટિલીટી નિષ્ણાંત લોર્ડ રોબર્ટ વિન્સ્ટનનાં આક્ષેપ પ્રમાણે ખાનગી ક્લીનીકમાં તબીબો, દર્દી પાસેથી, વાસ્તવિક રીતે થતાં ખર્ચ કરતાં ત્રણ ગણાં વધારે નાણા વસુલ કરી રહ્યા છે. દર્દીનું આર્થિક શોષણ થઈ રહ્યું છે. માત્ર બ્રિટનમાં જ નહીં, વિશ્વનાં અન્ય દેશોમાં પણ આ જ પરિસ્થિતિ છે.
IVF થી માતા બનેલ સ્ત્રી, બાળકનો ચહેરો જોઈ ખુશ થતી હશે ત્યારે, દર્દીનું આર્થિક શોષણ થતું જોઈને સ્વર્ગમાં પણ ડો. રોબર્ડ એડવર્ડ અને ડો. પેટ્રીક સ્ટેપટોનો જીવ બળતો હશે. IVF  ટ્રીટમેન્ટમાં યોગદાન આપવા છતાં વિશ્વ જેને વિસરી ચૂક્યું છે તેવાં સ્વર્ગસ્થ વૈજ્ઞાનિક જ્હોન રોકની હૈયાવરાળ કદાચ આ બે મહાનુભાવો કરતાં જુદી હશે.

No comments: