Monday, 9 December 2024

વરચ્યુઅલ રિઆલીટી : પુરાણી આંખોમાં નવી દુનિયા સાકાર થશે

 

મોબાઈલ ફોનનાં આગમને દુનિયા બદલી નાખી છે. હવે એ જ સ્માર્ટ ફોન વરચ્યુઅલ રિઆલીટીને તમારી આંખો સામે નચાવતાં રહેશે.

આજથી બે દાયકા પહેલાં, વરચ્યુઅલ રિઆલીટી વિશે પહેલીવાર વાંચ્યુ હતું અને લેખ પણ લખ્યો હતો. આજે વરચ્યુઅલ રીઆલીટી, રીઅલ રિઆલીટી બનીને આપણાં હાથમાં આવી ગઈ છે. ટેક્નોલોજી તે સામાન્ય માનવી સુધી પહોંચતા બે દાયકા લાગ્યા છતાં, ભવિષ્ય હવે ઉજળું છે. મોબાઈલ ફોનનાં આગમને દુનિયા બદલી નાખી છે. હવે એ જ સ્માર્ટ ફોન વરચ્યુઅલ રિઆલીટીને તમારી આંખો સામે નચાવતાં રહેશે. યુટયુબ હવે ૩૬૦ ડિગ્રી વીડિયો પીરસવા લાગ્યુ છે.

ટૂંક સમયમાં યુટયુબ વીડિયો નીચે વરચ્યુઅલ રિઆલીટીનું ફન બટન પણ જોવા મળશે. ગુગલે 'વિઆર'ની દુનિયામાં કાર્ડ બોર્ડ 'વિઆર' બોક્ષ મુકીને વરચ્યુઅલરિઆલીટીને સરળ અને સસ્તી બનાવી દીધી છે. હવે સેમસંગ અને વોડાફોન જેવી કંપનીઓ પણ 'વિઆર હેંડસેટ' મોબાઈલ ફોન સાથે આપવા લાગી છે. સેમસંગ હવે માત્ર મોબાઈલ જ નહીં, ટેબલેટ પર મોટાં સ્ક્રીનમાં વરચ્યુઅલ રિઆલીટી માણી શકાય તેવાં હેડસેટ તૈયાર કરી રહ્યું છે. ભારતની ઓનલાઈન બીઝનેસ કરનારી કંપનીઓ કરતાં 'અલી એક્સપ્રેસ' જેવી પરદેશી કંપનીઓ સસ્તા ભાવમાં 'વિઆર હેડસેટ' આપી રહી છે. જો તમે વરચ્યુઅલ રિઆલીટીનું નામ પણ ન સાંભળ્યું હોય તો પણ હવે 'વિઆર' સાથે કદમ મિલાવવાનો સમય આવી ગયો છે.

વરચ્યુઅલ રિઆલીટી એટલે ખરેખર શું છે ?

જ્યારે વરચ્યુઅલ રિઆલીટીની વ્યાખ્યા આપવાની થાય ત્યારે, વરચ્યુઅલ અને રિઆલીટી બંને શબ્દોને ધ્યાનમાં લેવા પડે. 'વરચ્યુઅલ'નો અર્થ થાય નજીક, સામિપ્ય અને રિઆલીટી મતબલ વાસ્તવિકતાં. આપણા અનુભવજન્ય જગતને, જે ચીજ વાસ્તવિકતાની નજીક લઈ જાય તેને વરચ્યુઅલ રિઆલીટી કહે છે. જે 'વિઆર'નાં સ્ત્રોત પ્રમાણે દ્વી પરિણામ કે ત્રિ-પરીમાણ (3D) હોઈ શકે. જો કે વાસ્તવિકતાની વધારે નજીક જવું હોય તો થ્રિ-ડી વધારે આવશ્યક ગણાય છે. એક આખુ વર્તુળ પુરી કરીને એટલે કે ગોળ ચક્કર મારીને આજુબાજુની દુનિયા માણીએ તેવાં ૩૬૦ ડિગ્રી રેકોર્ડીંગ કરી શકે તેવાં વીડિયો કેમેરાં પણ આવી ગયા છે.

મનુષ્યને વાસ્તવિકતાનો ખરો અનુભવ ત્યારે જ થાય કે જ્યારે તેની પાંચેય ઈન્દ્રિયોને એક સાથે સંવેદન મળે. આજની વરચ્યુઅલ રિઆલીટી તમારી આંખ (દૃશ્ય ક્ષમતા) અને કાન (શ્રાવ્ય ક્ષમતા)ને કુત્રિમ રીતે સ્પંદનો આપી, વાસ્તવિકતાની નજીક લાવી મુકે છે. જેમ હવે હોલીવુડની સારી ફિલ્મો થ્રિ-ડીમાં બનવા લાગી છે, એ પ્રમાણે આવનારાં સમયમાં વરચ્યુઅલ રિઆલીટી આધારીત ફિલ્મો બનવા લાગશે. તમે માત્ર મુક પ્રેક્ષક નહીં, ઘટનાની વચ્ચે સાક્ષી સ્વરૃપે ઉભા છો. એ રીતે ફિલ્મ માણી શકશો. થ્રિ-ડી ફિલ્મ માણતી વખતે તમે જાણતા હોવ છો કે તમે થિએટરમાંજ બેઠા છો.૩ડી ફિલ્મમાં દૂર આવેલ ફિલ્મના પડદાની બારી બહાર બનાવ-ઘટના-એકશન બનતી તમે અનુભવતાં હતાં. હવે 'વિઆર' હેડ સેટ દ્વારાં તમારી આંખોની સામે માત્ર ચાર-છ ઈંચના અંતરે દૃશ્ય ભજવાતુ હશે ત્યારે એમ લાગશે કે તમે ખરેખર વરચ્યુઅલ વર્લ્ડમાં પ્રવેશી ચુક્યાં છો.

ટેકનીકલ ભાષામાં કહીએ તો, કોમ્પ્યુટર, સ્માર્ટ ફોન કે 'વિઆર' સેટની મદદથી ત્રી પરિમાણની દુનિયાનો આભાસ કરાવી શકે તેવું ડીજીટલ મિડીયા એટલે વરચ્યુઅલ રિઆલીટી. જો કે વૈજ્ઞાાનિકો માટે આ શબ્દ જુનો થઈ ગયો છે. તેઓએ 'વિઆર'ની જગ્યાએ 'વરચ્યુઅલ એન્વાયરમેન્ટ' શબ્દ વાપરી રહ્યાં છે. હજી આ ક્ષેત્રની શરૃઆત થઈ રહી છે. હજુ ઘણુ બધુ આવવાનું બાકી છે.

ઈતિહાસની આંખે નવી દુનિયા :

વરચ્યુઅલ રિઆલીટી, કેટલીક વાર ઇમર્સીવ મલ્ટી મીડિયા કે કોમ્પ્યુટર સીમ્યુલેટેડ રિઆલીટી તરીકે પણ ઓળખાય છે. ફ્રેન્ચ ભાષામાં ૧૯૩૮માં એન્ટોનીન આરટુડે પદાર્થ અને વ્યક્તિની ભ્રમણા કરાવે તેવી દુનિયાને આલેખતો નિંબધ લખ્યો હતો. જેનું ભાષાંતર ૧૯૫૮મા 'ધ થિએટર એન્ડ ઇટ્સ ડબલ' તરીકે થયું હતું. તેમાં પ્રથમવાર વરચ્યુઅલ (આભાષી) રિઆલીટી (વાસ્તવિકતા) શબ્દ જગતને મળ્યો હતો. ૧૯૭૦નાં દાયકામાં માયરોન ક્રુગરે 'આર્ટિફીશીઅલ રિઆલીટી' શબ્દ પ્રયોજ્યો હતો. ૧૯૮૨મા ડેમીઅન બ્રોડરીકે તેનાં સાયન્સ ફિકશન 'ધ જુડાસ મંડલ' માં 'વિઆર' વરચ્યુઅલ રિઆલીટીનો કન્સેપ્ટ અને શબ્દાર્થ વપરાયા હતાં. આધુનિક દુનિયામાં વરચ્યુઅલ રિઆલીટી શબ્દને લોકપ્રિય બનાવવાનો શ્રેય જેહોન લેનીયરને જાય છે. તેણે પોતાની કંપની વિપીએલ રિસર્ચ દ્વારાં આ 'શબ્દ' લોકજીભે રમતો મુકયો હતો.

જો કે વરચ્યુઅલ રિઆલીટીનાં વિચારબીજ અને કલ્પનાને સાકાર કરે તેવું પ્રથમ સાયન્સ ફિકશન, ટુંકી વાર્તા સ્વરૃપે સ્ટેન્લી વેનબામે ૧૯૩૫માં આપ્યું હતું. વાર્તાનું નામ હતું 'પિગ્મેલીઅન સ્પેક્ટેકલ્સ'. જેમાં આધુનિક વિજ્ઞાાનનો સંકલ્પનાને આકાર મળે તેવી કલ્પના હતી. આ સમયગાળામાં થ્રિડી દર્શાવે તેવા સ્ટીરીયો સ્કોપીક વ્યુ માસ્ટર લોકપ્રિય બનવા લાગ્યા હતાં. ભારતમાં પણ લોખંડના પતરાનાં બનેલ સ્ટીરીઓસ્કોપ મળતાં હતાં. જે ચાલીસી વટાવી ગયેલાં લોકોને યાદ હશે. ૧૯૭૦નાં દાયકામાં 'સેન્સોરમાં' નામનું ઉપકરણ બન્યું જે વરચ્યુઅલ રિઆલીટીનો લોકોને ખરેખર આભાસ કરાવતું હતું. ડગ્લાસ એન્જલ બોર્ટ એરફોર્સ માટે ફ્લાઈટ સ્ટીમ્યુલેટર બતાવીને કોમ્પ્યુટર ટેક્નોલોજીને વરચ્યુઅલ રિઆલીટીનો રંગ ચડાવવાનું કામ શરૃ કર્યું હતું. માથે પહેરી શકાય તેવાં હેડ ડિસ્પ્લેનો ઉપયોગ, ઈવાન સધરલેન્ડે અને બોબ સ્પ્રોલે ૧૯૬૮માં શરૃ કર્યો હતો. તેનું નામ હેડ માઉન્ટેડ ડીસપ્લે હતું. જે આજનાં 'વિઆર' બોક્ષનાં પૂર્વજ ગણાય. ત્યારબાદ સેગા, સોની જેવી કંપનીએ વીડિયો ગેમ્સમાં 'વિઆર'નો મનોરંજનનો 'મહાડોઝ' ઉમેરી દીધો હતો. સ્માર્ટ ફોન દ્વારાં તમે વર્ચ્યુઅલ રિઆલીટીમાં પ્રવેશ કરી શકશો. ૩૦૦ રૃપિયાથી માંડીને ૩૩૦૦૦ સુધીનાં 'વિઆર' હેડસેડ ડિસ્પ્લે હવે મળવા લાગ્યાં છે. તો મજા માણવાં તૈયાર થઈ જાવ.

ગુગલ અને આઈમેક્સ : મલ્ટીપ્લેક્સની દુનિયા બદલી નાખશે

મિકી માઉસનું બે-પરીમાણવાળુ એનીમેશન, જેને આપણે કાર્ટુન કહીએ છીએ. તેની શરૃઆત ૧૯૨૮માં થઈ હતી. આજે 3D ફિલ્મ ટેકનોલોજી આવી ગઈ છે. અત્યાર સુધી 'વરચ્યુઅલ રિઆલીટી' વ્યક્તિગત ધોરણે માણવામાં આવતી હતી. હવે લોકો એક સાથે સિનેમાઘરમાં બેઠા બેઠા ઇમરસીવ એક્સપીરીઅન્સ મેળવે તે માટે હવે બીગ સ્ક્રીન સીનેમાનાં પાયોનિઅર 'આઈમેક્સ' અને ઇન્ટરનેટનો સર્ચ એન્જીનનો બેતાજ બાદશાહ 'ગુગલ' હવે હાથ નહીં, ખભેખભા મિલાવી ફિલ્મોની દુનિયા બદલવા આગળ વધી ગયા છે. વોલ સ્ટ્રીટ જર્નલનાં જણાવ્યા પ્રમાણે વિશ્વનાં છ સ્થળે, વિવિધ પબ્લીક પ્લેસ અને શોપીંગ સેન્ટરમાં, આઈમેક્સ 'વિઆર એક્સપીરીઅન્સ' લોકોને આપી રહ્યું છે. ૩૬૦ ડિગ્રી થ્રીડી હાઇક્વૉલીટી કમ અલ્ટ્રા-હાઈ ડેફીનેશનવાળી વરચ્યુઅલ રિઆલીટી માટે ગુગલ અને આઈમેક્સ નવાં સ્ટાન્ડર્ડ સ્થાપી રહ્યાં છે.

આઈમેક્સ અને ગુગલે, નવા હાઈડેફીનેશન કેમેરા તૈયાર કર્યા છે. દિગ્દર્શક ક્રિસ્ટોફર નોલાન અને સ્ટારવોર્સનાં ડિરેકટર જે. જે. અબ્રાહમ માટે આઈમેકસ વિઆર ટેકનોલોજી હવે મહત્ત્વપૂર્ણ બની ગઈ છે. આઇમેક્સની નવી કેપ્ચર ટેકનોલોજી વડે 'ધ ડાર્ક નાઈટ' અને સ્ટારવોર્સ: 'ધ ફોર્સ અવકેન'ની કેટલીક સિકવલ્સ તૈયાર કરવામાં આવી હતી. આઈમેક્સનાં કેમેરાને ગુગલનાં ૩૬૦ ડિગ્રી થ્રીડી સોફ્ટવેર 'ગુગલ જમ્પ' સાથે જોડીને જબરદસ્ત વિઆર એક્સપીરીઅન્સ તૈયાર થશે. અત્યાર સુધી 'ગુગલ જમ્પ' ગો-પ્રોનાં કેમેરા સાથે કામ કરે તેવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યું હતું. આઈમેક્સે અત્યાર સુધી 2D, 3D, ફિલ્મ અને ડીજીટલ ફોર્મેટ માટે ખૂબ જ ઉત્કૃષ્ટ કામ કર્યું છે.

આઈમેક્સનું 'વિઆર એક્સપીરીઅન્સ' પહેલાં લોસ એન્જલસ અને ત્યારબાદ, ચાઈના અને બીજી જગ્યાએ શરૃ થશે. મલ્ટીપ્લેક્સમાં 'વિઆર'નાં અનુભવ ફિલ્મોને એક નવો આયામ આપશે. હવે આપણી બધી જ ઈન્દ્રિયો મનોરંજન-તનોરંજનમાં તરબોળ થઈ જશે.

૫૧ ડીગ્રી નોર્થ - પૃથ્વીનાં ભવિષ્યનાં ખતરાની ઘંટડી વગાડી રહી છે.

વિઆરની દુનિયા માત્ર મનોરંજન માટે સીમીત બની રહે તેવું નથી. વિજ્ઞાાનક્ષેત્રે 'વિઆર'નાં વિપુલ ઉપયોગો થાય તેમ છે. બિલ્ડીગ કન્સ્ટ્રકશન, આર્કીટેક્ચર, રમત જગત, તબીબી, કલા અને થિયેટર જેવાં ક્ષેત્રોમાં વરચ્યુઅલ રિઆલીટી મલ્ટી બીલીઅન ડોલર અને ઇન્ડસ્ટ્રીમાં ફેરવાઈ જાય તેમ છે. મોબાઈલ ફોન, લેપટોપ સ્ક્રીન થી માંડી આઈમેક્સનાં વિશાળ સ્ક્રીન પર વરચ્યુઅલ રિઆલીટીનો શૉ ભજવાઈ શકે તેમ છે.

વર્લ્ડ એસ્ટ્રોઈડ ડેનાં દિવસે વૈજ્ઞાાનિકોએ ૩૬૦ ડિગ્રીની ખાસ વિડીયો રજૂ કરી હતી. જેમાં પૃથ્વીની આસપાસ ખતરા સ્વરૃપે રહેલ ૫૦૦ જેટલાં ગુમનામ એસ્ટ્રોઈડ ને તેની ભ્રમણકક્ષામાં ફિલ્માવવામાં આવ્યા છે. બ્રાયન મે નામનાં અગ્રહરોળનાં વૈજ્ઞાાનિક કહે છે કે, 'પૃથ્વીને ભવિષ્ય માટે બચાવી રાખવી હશે તો, ૫૦૦૦ જેટલાં અંતરીક્ષમાં ફરતાં મોતની વણઝાર જેવાં ઉલ્કાંપીડને સતત નિગરાનીમાં રાખવા પડશે.

સ્કોટ મેન્લીએ પૃથ્વી નજીકનાં એસ્ટ્રોઈડને તેનાં સ્થાનની ગણતરી કરીને વરચ્યુઅલ સ્કાયનાં ગોળામાં ગોઠવ્યા હતાં. ત્યારબાદ તેની વરચ્યુઅલ રિઆલીટી બતાવવામાં આવી છે. જેને સ્માર્ટફોન, ટેબ્લેટ કે વરચ્યુઅલ વિન્ડો કે કાર્ડ બોર્ડવાળા 'વિઆર બોક્ષ' થી વાસ્તવિકતાની વધારે નજીક જઈ શકાય તેમ છે. આ વીડિયોને ઈન્ટરનેટ પર અપલોડ પણ કરવામાં આવી છે. જેમાં રહેલ એસ્ટ્રોઈડ નાઈટ સ્કાયમાં ચમકતાં તારાં જેવા દેખાય છે.

જુન ૩૦, ૧૯૦૮નાં રોજ સાઈબીરીયાનાં ટુંગુસ્કા પ્રાતમાં વિશ્વની સૌથી વિશાળ એસ્ટ્રોઈડ અથડાયો હતો. તેની શતાબ્દી પુરી થઈ ગઈ છે. આવી ઘટના પૃથ્વીનાં કોઈ પણ સ્થળે ભવિષ્યમાં બની શકે તેમ છે. ૩૦ જૂનનાં રોજ, ફિલ્મ ૫૧ ડીગ્રી નોર્થ, લંડનનાં સાયન્સ મ્યુઝીયમમાં આઈમેક્સ થિયેટરમાં દર્શાવવામાં આવશે. પૃથ્વીને ખરેખર જેનાથી ખતરો છે તેવી 'એસ્ટ્રોઈડ ઇમ્પેક્ટ'ની ઘટનાને વરચ્યુઅલ રિઆલીટીમાં જોઈને હૃદયનાં પાટીયા બેસી જાય તેમ છે.


Monday, 16 September 2024

રેતમાં ઉપસી આવેલ આદિ-મનુષ્યનાં પગલા

 

અમેરિકા ખંડમાં  પ્રવેશનાર પ્રથમ માનવી કોણ હતો? 

અમેરિકાના ન્યુ મેક્સિકો રાજ્યમાં વ્હાઈટ સેન્ડ  મિસાઈલ રેન્જ આવેલી છે.  1941માં  અમેરિકન ભૂમિ સેનાએ અહીં અલામોગોર્ડો બોમ્બિંગ અને ગનરી રેન્જ શરૂઆત કરી હતી.  બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, 16 જુલાઈ 1945ના રોજ  અમેરિકાએ પોતાનો પ્રથમ પરમાણુ  બોમ્બની ચકાસણી  એટલે કે “ ટ્રિનિટી  ટેસ્ટ”  અહીં જ કર્યો હતો. બીજા વિશ્વયુદ્ધ પછી  જર્મનીમાંથી કબજે કરેલ વિ-2 રોકેટ પણ અહીં લાવવામાં આવ્યા હતા. જેનાં ઉપરથી  અન્ય રોકેટ બનાવી, તેની અહીં ચકાસણી જ કરવામાં આવી હતી.  અમેરિકાએ વિકસાવે આધુનિક મિસાઈલની ચકાસણી પણ વ્હાઈટ સેન્ડ  મિસાઈલ રેન્જમાં જ કરવામાં આવે છે.  એટલું જ નહીં 1982માં આ વિસ્તારમાં  સ્પેસ શટલ કોલંબિયાને  લેન્ડ કરવામાં પણ આવ્યું હતું.  વ્હાઈટ સેન્ડ  મિસાઈલ રેન્જની  પાડોશમાં વ્હાઈટ સેન્ડ  નેશનલ પાર્ક આવેલો છે.  આમ તો બેઉ સ્થળ એકબીજાની ખૂબ જ નજીક છે. પરંતુ  ત્રિકોણાકાર રસ્તો પસાર કર્યા પછી, લગભગ 127 કિલોમીટરનું અંતર કાપ્યા પછી, વ્હાઈટ સેન્ડ  નેશનલ પાર્કનું  પ્રવેશ દ્વારા આવે છે. એક કલાક જેટલી મુસાફરી કરીને  વ્હાઈટ સેન્ડ  મિસાઈલ રેન્જથી વ્હાઈટ સેન્ડ  નેશનલ પાર્ક સુધી પહોંચી જવાય છે. આ વિસ્તાર નેશન નેશનલ પાર્ક મેમોરિયલ તરીકે પણ ઓળખાય છે. 

વ્હાઈટ સેન્ડ  નેશનલ પાર્કના કેટલાક વિસ્તારમાં  નિષ્ણાતોને  પ્રાચીનકાળના ગણાય   સેવા મનુષ્યના  પગલાની છાપ  નજરે પડી છે. રેતીમાં ઉપસી આવેલ  મનુષ્યના પગલાંને માત્ર,  નિષ્ણાતો,  અર્કિયોલોજીસ્ટ  કે  માત્ર  વિજ્ઞાનીઓ જ ઓળખી શકે છે.  કારણ કે તેઓ  રેતી અને પગલાની છાપ વચ્ચેનો  કલરનો તફાવત નજીવો હોય છે.  આ વિસ્તારમાં  ભૂમિના અનેક  વિસ્તારમાં  મનુષ્યના પગલાની છાપ જળવાઈ રહેલી છે.  સામાન્ય લોકો મનુષ્યના આ  પગલાની છાપને  ભૂતિયા પગલા  કે  ગોસ્ટ ટ્રેક તરીકે ઓળખે છે. વિજ્ઞાનીઓમાં છે કે  “ આ પગલા, અમેરિકા ખંડમાં આવનાર અને વસવાટ કરનાર ,  પથ્થર યુગના  પ્રાચીન આદિજાતિના લોકોના છે?  અમેરિકા ખંડમાં વસવાટ કરનાર પ્રથમ  આદિવાસી પ્રજા કોણ હતી? ? તેવો ક્યાંથી અમેરિકા ખંડમાં પ્રવેશ્યા હતા?  અમેરિકાના ઇતિહાસ અને  વિજ્ઞાનને જાણવા માટે  આ સવાલનો જવાબ  મેળવવા ખૂબ જ અગત્યના બની જાય છે.  

મનુષ્ય સૌપ્રથમ અમેરિકા ખંડમાં વસવાટ માટે ક્યારે આવ્યો ? 

ઇતિહાસના પુસ્તકો દર્શાવે છે કે  અમેરિકા ખંડ ઉપર પહોંચનાર પ્રથમ યુરોપ  ક્રિસ્ટોફર કોલંબસ હતો.  પરંતુ ઇતિહાસકાર જાણે છે કે  કોલંબસ પહેલા  ચીની મુસાફર અથવા તો  એક અન્ય આઈરીસ પાદરી અમેરિકાની ભૂમિ ઉપર કોલંબસ કરતા પહેલા પહોંચ્યા હતા. આ સમયે પણ  અમેરિકા ખંડ ઉપર આદિવાસી જેવા આદિમાનવીની વસ્તી તો હતી જ.  સૌથી મહત્વનો સવાલ એ છે કે અમેરિકા ખંડ ઉપર  પહોંચનાર પ્રથમ મનુષ્ય કોણ હતા?  તેઓ ક્યારથી અમેરિકા ખંડ ઉપર વસવાટ કરી રહ્યા છે? ઉત્તર અને દક્ષિણ અમેરિકાનો ભાગ,  વિશાળ ભૂમિમાંથી જોડાયેલ નથી.  તેની આજુબાજુ  મહાસાગર આવેલા છે.  આ પરિસ્થિતિમાં મનુષ્ય અહીં કઈ રીતે પહોંચ્યો હતો? 

મનુષ્ય સૌપ્રથમ અમેરિકા ખંડમાં વસવાટ માટે ક્યારે આવ્યો ?  સદીઓ પ્રાચીન  સવાલ છે.  અમેરિકાની પ્રારંભિક વસાહતીકરણનો પ્રથમ તબક્કો “"ક્લોવિસ-પ્રથમ" મોડલના આધારે  નક્કી કરવામાં આવે છે.  આમ છતાં “ક્લોવિસ-ફર્સ્ટ” પહેલા પણ  મનુષ્ય અમેરિકા ખંડ પર વસવાટ કરતો હતો તેના પુરાવાઓ મળ્યા છે તેથી,  જેથી આર્કિયોલોજિસ્ટ અને  વિજ્ઞાનીઓ  “ક્લોવિસ-ફર્સ્ટ” હાઈપોથીસીસને હવે તિલાંજલિ આપવા લાગ્યા છે. 1932માં આર્કિયોલોજીસ્ટને ન્યુ મેક્સિકોના  ક્લોવિસ નામના સ્થળે  માનવ વસવાટને લગતા કેટલાક પુરાવાઓ અને  હાડકાઓ અસ્મિશ સ્વરૂપે મળ્યા હતા.  જે ખૂબ જ પ્રાચીન લાગતા હતા.  તેનું રેડિયો કાર્બન ડેટિંગ કરતા,  પ્રાચીન પુરાવા 13,200 વર્ષ જુના માલુમ પડ્યા હતા. ત્યારબાદ આ પ્રકારની અન્ય સાઇડ પણ  દક્ષિણાને પૂર્વ અમેરિકાના કેટલાક રાજ્યમાંથી મળી આવી.  જે લગભગ 11,200 વર્ષ  પ્રાચીન હતી. 10,700 વર્ષ પહેલા,આ માનવ વસવાટનો અંત આવ્યો હતો.  ક્લોવિસ નજીક મળેલ માનવ સભ્યતાને  અમેરિકાનો,  અમેરિકા ખંડમાં વસનાર પ્રથમ આદિમાનવ તરીકે ઓળખે છે. અમેરિકા ખંડ ઉપર આ મનુષ્ય સમાજ સાયબીરિયામાંથી અમેરિકા તરફ આવ્યો હોવાનું માનવામાં આવે છે. નિષ્ણાતોની આ થિયરી “ક્લોવિસ ફર્સ્ટ” હાઈપોથિસિસ તરીકે ઓળખાય છે. 

 “ક્લોવિસ ફર્સ્ટ” હાઈપોથિસિસ  

આ સમય કાળમાં બરફયુગ  ચાલતો હોવાથી,  મહાસાગરના જમીનનું સ્તર નીચે ઉતરેલ હતું અને  અલાસ્કા અને સાઇબીરીયા એકબીજા સાથે ભૂમિ માર્ગે જોડાયેલા હતા.  ક્લોવિસ  લોકો  સાયબિરિયાથી અલાસકા સુધી પહોંચ્યા  હોવાનું  અનુમાન મૂકવામાં આવે છે.  જેને ક્લોવિસ માઈગ્રેશન તરીકે ઓળખવામાં આવે છે. આ સમયગાળામાં મનુષ્ય પથ્થરના ઓજારો વાપરતો હતો. “ક્લોવિસ-ફર્સ્ટ” હાઈપોથીસીસ કહે છે કે પ્રથમ અમેરિકનો ક્લોવિસ લોકો હતા - જેનું નામ ક્લોવિસ, ન્યુ મેક્સિકો નજીક સ્થિત પુરાતત્વીય સ્થળ ઉપર મળી આવેલ પુરાવાઓ ઉપરથી રાખવામાં આવ્યું હતું.લગભગ 13,500 વર્ષ પહેલાં  ક્લોવિસ આદિજાતિના લોકો  બેરિંગ લેન્ડ બ્રિજ પસાર કરીને  યુનાઇટેડ સ્ટેટ તરીકે ઓળખાતા  દેશની ભૌગોલિક સીમામાં  આવ્યા હતા.  

ક્લોવિસ પ્રજા , અન્ય પ્રાગૈતિહાસિક સંસ્કૃતિઓની જેમ,  શિકાર કરીને ગુજરાત ચલાવનાર આદિવાસી પ્રજા હતી. તેઓ  વનસ્પતિનો ઉપયોગ  પ્રાણીઓના ઘાસચારા માટે  અને  પ્રાણીઓનો શિકાર, ખોરાક માટે  કરતા હતા. ક્લોવિસ સાઇટ્સ પર એવા પુરાવા છે કે તેઓએ તેમના ભાલા જેવા  ધારદાર  વસ્તુથી મેસ્ટોડોન અને મેમથ્સ જેવાં કદાવર અને શક્તિશાળી  પ્રાણીનો શિકાર કરતા હતા.  ઇતિહાસકારો અને વિજ્ઞાનને એક સવાલ સતાવી રહ્યો છે કે “ શા માટે ક્લોવિસ લોકોએ પોતાનો ગૃહ ત્યાગ કરી,  એક અજાણી અને નવી દુનિયામાં  પ્રવેશ કર્યો હતો.  આ પ્રશ્નનો ઉત્તર પણ  પ્રજાના અદ્રશ્ય થવા સાથે જોડાયેલો છે. ક્લોવિસ આદિજાતિના લોકોનું અસ્તિત્વ કઈ રીતે  ખતમ થઈ ગયું?  તે સંશોધનનો વિષય છે.

વિજ્ઞાનીઓ ઉમેરે છે કે  જૂની દુનિયાની વસ્તીથી અલગ થયા પછી મૂળ અમેરિકાના પૂર્વજો લગભગ 8000 વર્ષ સુધી બેરીંગિયા (સાઇબિરીયા અને પૂર્વ એશિયા)માં અલગ રહ્યા હતા. ત્યારબાદ  અમેરિકા ખંડ તરફ  પ્રયાણ કર્યું હતું. મૂળ અમેરિકનોના જીનેટીક ડેટાનું  એનાલિસિસ કરતા,  વૈજ્ઞાનિકો જાણી શક્યા છે કે  15 થી 16 હજાર વર્ષ પહેલાં,  જે  આદિજાતિના લોકો (“પ્રી-ક્લોવિસ”  કલ્ચર) અમેરિકા ખંડ ઉપર વસવાટ કરતા હતા, તેઓ  13000 વર્ષ પછી  બે અલગ અલગ શાખાઓમાં  વિભાજીત થઈ ગયા હતા.  સરળ શબ્દમાં કહીએ તો  આનુવંશિક પુરાવાઓ પણ પુરાતત્વીય પુરાવાની પુષ્ટિ કરે છે. આજે એ કહેવું મુશ્કેલ છે કે પુરાતત્વવિદો અથવા અન્ય વિદ્વાનો કેટલા ટકા પ્રી-ક્લોવિસને વાસ્તવિકતા વિરુદ્ધ ક્લોવિસ ફર્સ્ટ દલીલોને સમર્થન આપે છે?

આધુનિક સંશોધન : 

વાઈટ સેન્ડ નેશનલ પાર્ક મેમોરિયલ તુલારોસા બેસિનની અંદર આવેલું છે. ટોપોગ્રાફી એટલે કે જમીન સ્તરની ઊંચાઈ પ્રમાણેના  નકશાઓ જોતા, તુલારોસા બેસિન 14 હજાર કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલ છે.આજનાં વ્હાઈટ સેન્ડ  નેશનલ પાર્ક માં  પ્રાચીન કાળનું  એક સરોવર  આવેલું હતું. આ  પ્રાચીન સરોવરનું નામ “ લેક ઓટેરો”  તરીકે હતું. આજથી આશરે 10 હજાર વર્ષ પહેલા  4150 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં  ફેલાયેલું “ લેક ઓટેરો” સુકવવા માંડ્યું હતું. પ્રાચીનકાળમાં અહીં  વિશાળ કદના સ્લોથ, ઘટ્ટ અને લાંબી રુંવાટીવાળા સ્તનવંશી મેમોથ તેમજ અન્ય  પ્રાણીઓ વિહરતા હતા.  તેમના પગલાની છાપ પણ અહીં  સચવાયેલી જોવા મળે છે.  લુપ્ત થઈ ગયેલા પ્લેઇસ્ટોસીન પ્રાણીસૃષ્ટિના ઇકનોફોસીલ્સ પ્લેઆમાં વ્યાપકપણે જોવા મળે છે અને તેમાં પ્રોબોસિડેયા (મેમથ), ફોલિવોરા (ગ્રાઉન્ડ સ્લોથ), કાર્નિવોરા (કેનિડ અને ફેલિડ), અને સેટાર્ટિઓડેક્ટીલા (બોવિડ અને કેમલિડ)ના ટ્રેકનો સમાવેશ થાય છે. જેમાંથી મોટા ભાગના સાથે માનવ પગના નિશાન સંકળાયેલા છે.  અહીં દરેક જિયોલોજિકલ સમયકાળમાં વિવિધ પ્રાણીઓની સાથે મનુષ્યનાં પગલાંની છાપ મળી છે. જે ઇતિહાસ અને વિજ્ઞાનવધારે વિવાદાસ્પદ બનીવી રહી છે.  

ઇસવીસન 1930થી આ વિસ્તાર પ્રત્યે આર્કિયોલોજીસ્ટ અને જીઓલોજીસ્ટ  ખેંચાઈ આવે છે. આ વિસ્તારમાં  તે સમયે  22 ઈંચ લાંબા  અને આઠ ઇંચ પહોળા  મનુષ્યના  પગલાં હોય તેવા પગલાં મળી આવ્યા હતા.   જેના કારણે બિગ ફૂટ  એટલે કે યેતી નામના વિશાલકાય  મનુષ્ય જેવા પ્રાણીની વાત વહેતી થઈ હતી. મનુષ્યના પગલાંની છાપને લગતું, સંશોધન પત્ર  તાજેતરમાં “ સાયન્સ” જર્નલમાં પ્રકાશિત થયું છે. ભૂસ્તર શાસ્ત્રના નિષ્ણાતો જેને Last Glacial Maximum તરીકે ઓળખે છે, તેવા સમય ગાળામાં મનુષ્યન પગલાંની છાપ મળી આવી છે. જેના કારણે,  વિજ્ઞાનીઓ અને ઇતિહાસકારોએ  પોતાનો સિદ્ધાંત કે થીયરી બદલવી પડે તેવા સંજોગો પેદા થયા છે. આધુનિક સમય ગણતરી મુજબ પગલાની છાપનો સમયગાળો  21 થી 23 હજાર વર્ષ પહેલાનો માનવામાં આવે છે.  અત્યાર સુધી ઇતિહાસકાર અને  વિજ્ઞાન એમ માનતું હતું કે  “અમેરિકા ખંડમાં  મનુષ્યની હાજરી, છેલ્લા 14-15 હજાર  વર્ષથી છે.  જો આવું જ હોય તો આ ખંડમાં,  23 હજાર વર્ષ પ્રાચીન મનુષ્યના પગલાની છાપ  કેવી રીતે મળી શકે? શું સમયનિર્ધારણ પદ્ધતિમાં કોઈ ખામી રહી ગઈ હશે?

સંશોધન પત્રમાં Last Glacial Maximumનો  ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે શું છે ?

 Last Glacial Maximumએ બે અલગ અલગ  જીઓલોજીકલ સમયકાળ વચ્ચેનો મધ્યાન્તરનો સમય દર્શાવે છે.  જેનો સમયગાળો  આજથી  ૨૯ હજાર વર્ષથી માંડી 19 હજાર વર્ષ વચ્ચેનો ગણવામાં આવે છે. યુએસ જ્યોર્જિકલ સર્વેના  આધારભૂત આંકડા મુજબ,  Last Glacial Maximum સમયગાળામાં ( આજથી ૨૦ હજાર વર્ષ પહેલા),  હિમ નદીના કારણે પૃથ્વીની સપાટીનો  8% હિસ્સો,   પૃથ્વીની ભૂમિ સપાટીનો 25% હિસ્સો,  અલાસ્કાનો 33% હિસ્સો ,  બરફ અને હિંમનદીથી  ઘેરાયેલા હતો. 19,000 વર્ષની માંડીને  8000 વર્ષ વચ્ચેના સમયગાળામાં, પૃથ્વીનું વાતાવરણ ફરી પાછું  હુંફાળું બનવાની શરૂઆત થઈ ચૂકી હતી જેના કારણે  બરફ ઓગળવા   લાગ્યો હતો  અને  સમુદ્રની સપાટી ધીરે ધીરે ઉપર આવી રહી હતી. આજની તારીખે પૃથ્વીની સપાટી નો ત્રણ ટકા હિસ્સો,  પૃથ્વીની ભૂમિ સપાટી નો 11% હિસ્સો  અને  અલાસ્કાનો પાંચ ટકા હિસ્સો  બરફ અને હિંમનદી  ઘેરાયેલો છે. આ સમયગાળાને  સરળ ભાષામાં અંતિમ શિતયુગ તરીકે પણ ઓળખી શકાય.

Last Glacial Maximum સમયગાળામાં બરફ નીચે  હિમનદીનો પ્રવાહ વહેતો હતો. તે સમયે પૃથ્વીના વિવિધ ખંડ અને મહાસાગર આજની પરિસ્થિતિમાં છે તેમ જ હતા. માત્ર ફરક એ હતો કે  અમેરિકામાં કેટલોક ભાગ બરફના કારણે  ભૂમિ ખંડ સાથે જોડાયેલો હતો અને એક પેસેજ તરીકે કામ કરતો હતો. જેના ઉપરથી મનુષ્ય  સ્થળાંતર કરી શકે તેમ  હતો. મહાસાગરની  જળ સપાટી,  આજની જળ સપાટી કરતાં 125 મીટર  જેટલી વધારે નીચે  સ્થિર હતી. સરળ ભાષામાં અર્થ એ થાય કે મહાસાગરના કિનારે આવેલ ભૂમિભાગ,  હાલ કરતા વધારે પ્રમાણમાં  ખુલ્લો હતો.  કિનારાની જમીન  પાણીના  ડુબાણમાં ગયેલ ન હતી.  Last Glacial Maximum સમયગાળામાં / અંતિમ શિતયુગમાં વિશાળ કદના સસ્તન પ્રાણીઓના સમયગાળા તરીકે જાણીતો છે.  આ સમયકાળ દરમિયાન મેમથ્સ, સાબર-ટૂથ્ડ બિલાડીઓ, વિશાળ ગ્રાઉન્ડ સ્લોથ્સ અને માસ્ટોડોન્સ ઉત્તર અમેરિકામાં ફરતા હતા. એટલું જ નહીં  11 ફૂટ ઊંચા અને ઉડી ન શકે તેવું વિશાળ પક્ષી પણ  અહીં વસવાટ કરતું હતું. મેગાલાનિયા પ્રિસ્કા તરીકે ઓળખાતી  સૌથી મોટી  ભૂમિ પર  વસવાટ કરનાર  ગરોળી આ સમયકાળમાં જ હતી.  

Tuesday, 16 January 2024

Out Of Place Artifact : ઇતિહાસ અને વિજ્ઞાનની સમયરેખા સાથે મિસમેચ થતા પુરાવાઓ








ધારો કે ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા, સિંધુ ખીણની સંસ્કૃતિ ધરાવતા દરિયા કિનારા નજીક આવે બંદર ઉપર, ખોદકામ કરવામાં આવે છે. આ ખોદકામની દરમિયાન હજારો વર્ષ પહેલાં, બનેલ માટેની એક ટેબલેટ મળી આવે. જેનો દેખાવ નોકિયા કંપનીના 5100 મોડેલના લાંબા મોબાઈલ જેવો છે! તો આર્કિયોલોજિસ્ટથી માંડીને સાયન્ટિસ્ટ સુધીનો વર્ગ, કેવો પ્રતિભાવ આપશે? આ એક સામાન્ય વાત છે કે મોબાઈલ ટેકનોલોજી છેલ્લી વિસમી સદીમાં વિકસી છે, અને એના પ્રતિકૃતિ જેવા માટીની ટેબલેટ ઉપર મોબાઈલ જેવી રચના જોવા મળે તો, સામાન્ય માણસથી માંડીને વિજ્ઞાનીઓ પણ આશ્ચર્યચકિત થઈ જાય કે “ પ્રાચીન સભ્યતા મોબાઈલ ટેકનોલોજી વિશે જાણતી હતી ખરી?. અહીંયા વિજ્ઞાન જગતને ખુલાસો કરવા માટે કે આશ્ચર્યચકિત કરવા માટે, જે નમૂનો મળ્યો છે. તેની કેટલીક લાક્ષણિકતા છે. પ્રાચીન સમયકાળના ખડકો ખોદતા ખોદતા, અર્વાચિન લાગે તેવી ચીજ એટલે કે મોબાઈલનો આકાર ધરાવતી માર્કેટની ટેબલેટ મળી આવે તો , પ્રાચીન સભ્યતાનો સમયકાળ અને આધુનિક મોબાઈલ ટેકનોલોજીનો સમયગાળો, એ બે વચ્ચે કોઈ મેળ ખાતો નથી.

આ ઉદાહરણમાં ધારણા કરવાનું તમને કહેવામાં આવ્યું છે. કારણકે ઘણીવાર આવું જ બને છે. જ્યારે પ્રાચીન સંસ્કૃતિના નિશાન જેવી કલાકૃતિ મળી આવે છે ત્યારે, જે સમય સાથે મેળ ખાતી નથી, તે સમયની ટેક્નોલોજી કરતાં આગળ હોયછે. આ પ્રકારની કલાકૃતિ કે પુરાવાને, વિજ્ઞાન જગત “Out Of Place Artifact” અને સંક્ષિપ્તમાં Ooparts / ઓપાર્ટસ કહે છે. 1981માં જ્યોર્જ લુકાસ જેવા નામચીન ફિલ્મ નિર્દેશકની હોલીવુડ ફિલ્મ “રાઈડર્સ ઓફ ધ લોસ્ટ આર્ક” નામની ફિલ્મ રજૂઆત પામીએ હતી. 20 જૂન 2023ના રોજ “ઇન્ડિયાના જોન્સ” સીરીઝની પાંચમી ફિલ્મ રજૂઆત પામી , જેનું નામ હતું : ઇન્ડિયાના જોન્સ એન્ડ ધ ડાયલ ઓફ ડેસ્ટિની. “ઇન્ડિયાના જોન્સ” ફિલ્મ સીરીઝમાં આવા કેટલાક Out Of Place Artifact / Ooparts / ઓપાર્ટસ રજૂ કરીને પ્રેક્ષકોના દિલ જીતી લેવામાં આવ્યા હતા. ત્યારે સવાલ થાય કે “ વાસ્તવમાં મળી આવતા Ooparts / ઓપાર્ટસ અને ફિલ્મમાં દર્શાવવામાં આવતા કાલ્પનિક Ooparts / ઓપાર્ટસનું સાચું રહસ્ય શું છે?

મિસપ્લેસ્ડ આર્ટિફેક્ટ્સ : હંમેશા બનાવટ કે નકલ હોતા નથી.


કેટલીક વાર ઉડતી રકાબી , પરગ્રહવાસી અને પ્રાચીન સભ્યતા સાથે એલિયન સભ્યતાનો સંબંધે દર્શાવવા માંગતા નિષ્ણાતોનો સમૂહ ઓપાર્ટસ જેવા પુરાવાઓ, પોતાની થીયરી સાચી સાબિત કરવા માટે રજૂ કરતા હોય છે, તેવું વિજ્ઞાન જગત માને છે. ઘણીવાર એવું બને છેકે “ વિજ્ઞાનીઓ માટે પણ , ઓપાર્ટસનું રહસ્ય ઉકેલવું મુશ્કેલ બની જાય છે.”. વૈજ્ઞાનિક સંશોધનમાં કેટલાક ઓપાર્ટસ બનાવટ અને નકલી સાબિત થયા છે, તેના ઉપરથી રજૂ કરવામાં આવતા બધા જ ઓપાર્ટસ બનાવટ કે નકલ હોય તેવું માની લેવાની જરૂર નથી. ઓપાર્ટસ વિશે વિજ્ઞાનીઓ શું માને છે?


મિસપ્લેસ્ડ આર્ટિફેક્ટ્સ (OOPART અથવા OOPARTS) એ ઐતિહાસિક, પુરાતત્વીય અથવા પેલિયોન્ટોલોજીકલ રસની કલાકૃતિઓ છે. જે અસામાન્ય સંજોગોમાં મળી આવી છે. જેની હાજરી પરંપરાગત ઐતિહાસિક ઘટનાક્રમો પર, પ્રશ્ન ઊભો કરે છે. જાણીતી ટેક્નોલોજી માટે, તેના જેવી કલાકૃતિઓનું અસ્તિત્વમાં હોવાનું ખૂબ જ અદ્યતન દેખાઈ શકે છે. અથવા તેઓ એવું સૂચવી શકે છે કે મનુષ્યો અસ્તિત્વમાં છે, તે પહેલાંના સમયમાં જાણીતી ટેક્નોલોજી અસ્તિત્વમાં હતી. અન્ય ઉદાહરણો વિવિધ સંસ્કૃતિઓ વચ્ચેના સંપર્કો સૂચવી શકે છે. જે ઇતિહાસની પરંપરાગત સમજમાં સમજાવવા મુશ્કેલ છે. પુરાતત્વીય વસ્તુઓના વર્ણનનો ઉપયોગ માત્ર ક્રિપ્ટોઝૂઓલોજી જેવા પેરિફેરલ વિજ્ઞાન દ્વારા જ નહીં, પણ પ્રાચીન અવકાશયાત્રી સિદ્ધાંતના સમર્થકો, યુવા પૃથ્વી સર્જનવાદીઓ અને પેરાનોર્મલ ઉત્સાહીઓ દ્વારા પણ કરવામાં આવે છે. તેઓ ચીજવસ્તુઓની વિશાળ શ્રેણીનું વર્ણન કરી શકે છે. મુખ્ય પ્રવાહના વિજ્ઞાન દ્વારા અભ્યાસ કરાયેલ વિસંગતતાઓથી લઈને સ્યુડોઆર્કિયોલોજી સુધી એનો વ્યાપ ફેલાયેલો છે. જે વસ્તુઓ કેટલીક વાર છેતરપિંડી રૂપે આવે છે. પરંપરાગત ઇતિહાસ અને વિજ્ઞાન વચ્ચે ભેદભાવ સર્જે છે. અને પુરાવાઓને રહસ્યમય બનાવી દે છે..” આમ પણ સામાન્ય માનવીને રહસ્ય કથામાં ઉલઝન જેવું વધારે ગમતું હોય છે, તેવા સમયે સીમિત વિજ્ઞાન કે મર્યાદા ઓપાર્ટસને સમજાવવામાં નિષ્ફળ જાય છે ત્યારે , રહસ્ય વધારે ઘેરુ બની જાય છે.

ઇન્ડિયાના જોન્સ : પુરાતત્ત્વશાસ્ત્રને હોટ સીટ પર બેસાડે છે


“સિક્રેટ ઓફ ધ લોસ્ટ રેસીસ” નામના પુસ્તકના શરૂઆતના પ્રકરણમાં લેખક રેને નૂરબર્જેન લખે છે કે “ આપણે 20મી સદીને વિજ્ઞાન વિકાસની સદી અને ગુંચવણનો યુગ પેદા કર્યો છે. આપણી પાસે એવો પ્રાચીન વારસો છે. જે પ્રાચીનકાળના ઐતિહાસિક પુરાવાઓ ઉપર પ્રકાશે છે. નવું જ્ઞાન મેળવવા માટે આપણે નવી હાઇપોથીસીસ વારંવાર ચકાસીએ છીએ, આપણી વૈજ્ઞાનિક થિયરીને બદલીએ છીએ. નવી ફોર્મ્યુલાઓની રચના કરીએ છીએ. જ્ઞાન પ્રાપ્તિની આપણી ચકાસણી, કેટલીક વાર સમસ્યાઓ સર્જાય છે. આપણે આજે થિયરી ઓફ ઈવોલ્યુશન , થિયરી ઓફ રિલેટિવિટી અને અન્ય વિજ્ઞાન થિયરી સાથે જીવી રહ્યા છીએ. આમ છતાં વિજ્ઞાનીઓ અને ઇતિહાસકાર, સજીવ પ્રોટોપ્લાઝમથી માંડીને વાનર સુધીની સફરનું લેખન અલગ અલગ રીતે કરે છે. હવે સમય પાકી ગયો છે કે આપણે અત્યાર સુધી મેળવેલા પુરાવા ઉપર, વર્ગીકૃત , વિભાજીત અને તંદુરસ્ત નજર નાખીએ. જેમાં નવો દ્રષ્ટિ પણ પણ રાખીએ, નવા પુરાવાઓને યોગ્ય પરિપેક્ષમાં મુલવવાની શરૂઆત કરીએ. આપણે વિદ્યુત ઉર્જાથી માંડીને નાભી ઉર્જા સુધી પહોંચી ગયા છીએ, પરંતુ કેટલાક પુરાવાઓ એટલે ઓપાર્ટસનું રહસ્ય આપણે ખોલી શકતા નથી. આપણો પ્રયત્ન એવો હોવો જોઈએ કે “ઓપાર્ટસનું સ્થાન આપણે વિજ્ઞાનની લોકપ્રિય થીયરીમાં શોધી કાઢીએ અને તેનો રહસ્ય ઉકેલીએ.”


ત્રણ દાયકા પહેલાં, ઇન્ડિયાના જોન્સની પુરાતત્ત્વશાસ્ત્રની સ્વેશબકલિંગ બ્રાન્ડે, મૂવી જોનારાઓની નવી પેઢીને પ્રેરણા આપી હતી. નેશનલ જિયોગ્રાફિક મ્યુઝિયમમાં એક નવું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં વાસ્તવિક કલાકૃતિઓ અને ફિલ્મમાં દર્શાવેલ કાલ્પનિક ચીજો પણ રજુ કરવામાં આવી હતી. ફિલ્મમાં દર્શાવેલી કેટલીક કલાકૃતિઓ વાસ્તવિક છે. જેમાં વિશ્વનો સૌથી જૂનો નકશો (નિપ્પુર શહેર દર્શાવતી ક્યુનિફોર્મ ટેબ્લેટ), 5,000 વર્ષ જૂના મેસોપોટેમીયાના દાગીનાના ટુકડાઓ અને નાઝકા લાઇન્સના રહસ્યને ખોલવામાં મદદ કરનાર પ્રતિકાત્મક માટીના વાસણોનો સમાવેશ થાય છે. જયારે અન્ય વસ્તુઓ - જેમ કે શંકરા સ્ટોન્સ, ક્રોસ ઓફ કોરોનાડો અને ચાચાપોયન પ્રજનન મૂર્તિ -વગેરેની ફિલ્મ માટે કલ્પના કરવામાં આવી હતી. ચાચાપોયાન પ્રજનન મૂર્તિ એ ઇન્ડિયાના જોન્સ શ્રેણીની સૌથી જાણીતી કાલ્પનિક કલાકૃતિઓમાંની એક છે. જેની પ્રતિકૃતિઓ ઓનલાઇન વેચાય છે.

ચર્ચાસ્પદ રામસેતુ અને બહામા’સ દિવાલ:


વિજ્ઞાન જગતમાં ચર્ચાસ્પદ બનેલ Out Of Place Artifact / Ooparts / ઓપાર્ટસની ઉપર એક નજર નાખીએ… બહામાસ નજીક પ્રાગૈતિહાસિક દિવાલ: 1968માં બહામાસના દરિયાકાંઠે વિશાળ, જાડા બ્લોક આકારની ખડકની દિવાલ મળી આવી હતી. પુરાતત્વવિદ્ વિલિયમ ડોનાટોએ દિવાલની તપાસ કરવા માટે અનેક વાર ડૂબકીઓ / ડાઇવ્સ લગાવ્યા હતા. અને અનુમાન લગાવ્યું છે કે બહામાસ નજીક પ્રાગૈતિહાસિક દિવાલ માનવસર્જિત માળખું છે. જેની રચના દરિયાઈ મોજાઓમાંથી પ્રાગૈતિહાસિક વસાહતનું રક્ષણ કરવા માટે કરવામાં આવ્યું હતું. આ દિવાલ 12,000 થી 19,000 વર્ષ જૂની હોવાનું અનુમાન લગાવવામાં આવે છે. મનુષ્ય આદિમાનવમાંથી ખેતી કરતો સંસ્કૃતિ મનુષ્ય બન્યો તે તે ઘટના આજથી આઠથી દસ હજાર વર્ષ પહેલા બની હોવાનું વિજ્ઞાનીઓ અનુમાન લગાવે છે. જ્યારે મળી આવેલ દિવાલ 12000 થી ૧૯ હજાર વર્ષ જૂની હોવાનો અંદાજ છે. શું આ સમયકાળમાં આદિમાનવ રક્ષણ માટે દિવાલ બનાવવાનું શીખી ગયો હતો?


ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલ રામસેતુ: પ્રાચીન ભારતીય કથા અનુસાર, રાજા રામે ભારત અને શ્રીલંકા વચ્ચે સદીઓ પહેલા એક પુલ બનાવ્યો હતો. આવા પુલના અવશેષો સેટેલાઇટ ઇમેજમાં પણ જોવા મળે છે. પરંતુ ઘણા નિષ્ણાતો તેને કુદરતી રચના કહે છે. જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. બદ્રીનારાયણે પુલમાંથી મુખ્ય નમૂનાઓનો અભ્યાસ કર્યો હતો. દરિયાઈ રેતીના પડની ટોચ પર પત્થરોના દેખાવથી તે આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેણે અનુમાન કર્યું કે પથ્થરો કૃત્રિમ રીતે ત્યાં મૂકવામાં આવ્યા હોવા જોઈએ. ભૂસ્તરશાસ્ત્રીઓ સમય નિર્ધારણ માટે કોઈ એક સર્વમાન્ય સમજૂતી પર સંમત થયા નથી. રેડિયો કાર્બન ડેટિંગ પણવિવાદાસ્પદ રહી છે, કારણ કે કેટલાક વિશેષજ્ઞ કહે છે કે “પુલનો કોઈ પણ ભાગ (જેમ કે કોરલ સેમ્પલ) આખો પુલ કેટલો જૂનો છે? તેનું સાચું ચિત્ર આપી શકતું નથી. રામસેતુ ફિલ્મમાં ઇતિહાસને વધારે સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

રહસ્યમય આર્ટિફેક્ટ : ઇતિહાસ અને વિજ્ઞાન વચ્ચેની સમસ્યા


ઉપરોક્ત બે દ્રષ્ટાંતને બાજુમાં રાખીને વાત કરીએ તો, ભગવાનની ઈસુ ખ્રિસ્તનું માનવામાં આવતું કફન એટલે કે શ્રોઉડ ઓફ તુરિન ઉપર ઈસુ ખ્રિસ્તનો ચહેરો ફિલ્મની નેગેટિવ માફક છપાયેલો છે. 14મી સદી સુધી શ્રોઉડ ઓફ તુરિન વિશે કોઈ જાણતું ન હતું. પરંતુ ત્યારબાદ, આ પ્રાચીન કૃતિના કારણે વિજ્ઞાન જગતમાં અનેક વિવાદો સર્જાયા છે. બગદાદમાંથી મળી આવેલ 2000 વર્ષ પ્રાચીન બગદાદ બેટરી તરીકે ઓળખાતો આર્ટિફેક્ટ, આપણી ડ્રાય બેટરી માફક ઈલેક્ટ્રીક વોલ્ટેજ પેદા કરતો હોવાનું ધ્યાનમાં આવ્યું છે. આ બેટરીના મૂળિયાં ભારતમાં અગસ્ત્ય ઋષી સુધી પહોંચે છે. બગદાદ બેટરીની રચના અગસ્ત્ય ઋષી બતાવેલ વિદ્યુતકોષની રચનાને મળતી આવે છે. સવાલ એ થાય કે પ્રાચીન કાળમાં પણ લોકો રાસાયણિક વિદ્યુત ઉર્જા વિશે જાણતા હતા?


પ્રાચીનકાળની વિદ્યુત ઉર્જાની વાત આગળ વધારીએ તો, ઇજિપ્તના ડેન્ડેરા ખાતે હેથોરના મંદિરની નીચે પથ્થર ઉપર ચિત્રમાં વિશાળ લાઇટ-બલ્બ જેવી વસ્તુની આસપાસ ઉભેલી માનવ આકૃતિઓ બતાવવામાં આવી છે. એરિક વોન ડેનિકેન નામના લેખકે “ચેરિઓટ ઓફ ગોડ” નામનું પુસ્તક લખ્યું છે. આ ચિત્રનો આધાર લઈને તેમણે બલ્બનું એક મોડેલ બનાવ્યું હતું. જે પાવર સ્ત્રોત સાથે જોડવામાં આવે ત્યારે કાર્યરત બને છે. વિલક્ષણ જાંબલી પ્રકાશનું ઉત્સર્જન કરે છે.

1513માં તુર્કીના એડમિરલ અને નકશાકાર પીરી રેઈસ દ્વારા બનાવવામાં આવેલો નકશો પણ ચર્ચાસ્પદ બનેલ છે. જ્યારે દક્ષિણ ધ્રુવની જમીનનો મોટો ભાગ બરફ નીચે ઢંકાયેલો હતો, એને પણ આ નકશામાં બતાવવામાં આવેલ છે. આ ભાગ દક્ષિણ અમેરિકાના દક્ષિણી દરિયાકાંઠામાંથી એક લેન્ડમાસ બહાર નીકળતો બતાવવામાં આવ્યો છે. ડો. હેપગુડ જાહેરમાં પ્રથમવાર સૂચન કર્યું કે “પીરીરીસ નકશો પ્રાગૈતિહાસિક સમય દરમિયાન એન્ટાર્કટિકાને દર્શાવે છે.” ડો. હેપગુડ હાર્વર્ડમાં અભ્યાસ કરનાર ઈતિહાસકાર હતા. આધુનિક અભ્યાસ હેપગુડના સિદ્ધાંતનું ખંડન કરે છે કે “ જમીનના સમગ્ર ટુકડાનું સ્થળાંતર હજારો વર્ષોમાં થઈ શકે છે. પરંતુ ટૂંકા સમય ગાળામાં નહીં.” સામાન્ય રીતે ઇતિહાસ, આર્કિયોલોજી અને વિજ્ઞાનની સમયરેખા કે કાલ રેખા એકબીજાને સમાંતર ચાલતી રહેવી જોઈએ. પરંતુ Out Of Place Artifact ઇતિહાસ, આર્કિયોલોજી અને વિજ્ઞાનને એકબીજાની સામે હરીફ તરીકે લાવી રહસ્ય અને વિવાદની ભૂમિને હરિયાળી રાખે છે.