Saturday 20 May 2023

ડિઝાઇનર્સ બેબી / જીનેટીકલી મોડીફાઇડ બેબી: અમર્યાદિત શક્યતાઓ સામે મર્યાદિત વૈજ્ઞાનિક સંશોધનો.

                
કોરોનાવાયરસ છે દુનિયાના દરેક માનવીનું જીવવાનું હરામ કરી નાખ્યું છે. આપણી પાસે જૈવિક ક્ષેત્રે વિશ્વની ટોપ ક્લાસ ટેકનોલોજી હોવા છતાં, માનવી એક સૂક્ષ્મ વાયરસ સામે ઝૂકી ગયો છે. આવા કપરા કાળમાં કેટલાક વૈજ્ઞાનિકો દલીલ કરી રહ્યા છેકે માનવીનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય તો, આપણે એવા બાળકો પેદા કરવા જોઈએ, જે સૂક્ષ્મ વાયરસ સામે લડવાની ક્ષમતા પહેલેથી જ મેળવી ચુક્યા હોય. શું ટેકનોલોજીનો ઉપયોગ, મનુષ્ય પ્રજાતિને સુધારવા માટે કરવો જોઈએ ખરો? ટેકનોલોજી વડે મનુષ્ય બાળકને સુધારવામાં આવે તો, આવા સંતાનોને, વિજ્ઞાન જગત જીનેટીકલી મોડીફાઇડ બેબી, ટૂંકમાં જીએમ બેબી, ડિઝાઇનર બેબી,સુપર હ્યુમન જેવા નામથી ઓળખે છે. તાજેતરમાં ખ્યાતનામ વિજ્ઞાન જર્નલ "સાયન્સ"માં એક લેખ પ્રકાશિત થયો છે. જેમાં લેખક/વૈજ્ઞાનિકે રજૂઆત કરી છેકે લેટેસ્ટ ટેકનોલોજી અને વિજ્ઞાનને માત્ર તેના ક્ષેત્ર સાથે સંકળાયેલ ઇજનેરો તબીબો કે વૈજ્ઞાનિકો પુરતું સિમિત રાખવુ જોઈએ નહીં. સામાન્ય માનવી જેવાકે પ્લમ્બર, શિક્ષક, બેકરીવાળા અને અન્ય ધંધા સાથે સંકળાયેલા લોકોનો અભિપ્રાય જિનેટિકલ મોડીફાઇડ બેબી કેવા હોવા જોઈએ તે માટે લેવો જોઈએ. 2017ના અંતભાગમાં બે જોડિયા બહેનોને જન્મ આવ્યો હતો. તેમનો જેનોમ તેમના જન્મ પહેલા જ એડીટ કરવામાં આવ્યો હતો. એટલે બંને જીનેટીકલી મોડીફાઇડ બેબી હતી. મનુષ્યના કટોકટી વાળો સમયગાળો તેને જીનેટીકલી મોડીફાઇડ બેબી તરફ લઇ જશે. મનુષ્ય પ્રજાતિ એક નવી “brave New World” ના કિનારે આવીને ઊભી રહી છે?

Brave New World: સાહિત્યથી વિજ્ઞાન સુધીની અસર

                

1920 ના દાયકામાં,જેબીએસ હાલ્ડેને દ્વારા પ્રજનન તકનીકના ભાવિ વિશેની આગાહીઓ કરવામાં આવી હતી. વૈજ્ઞાનિક જુલિયન હક્સલીના ભાઈઍ આગાહીને ધ્યાનમાં રાખીને એક વ્યંગ્યાત્મક નવલકથા લખી હતી. જેનું નામ હતું "બ્રેવ ન્યુ વલ્ડ". 1932મા પુસ્તક પ્રકાશિત સાથે જ આલ્ડસ હક્સલી પ્રસિદ્ધ વ્યક્તિ બની ગયા. નવલકથામાં સમયકાળ ભવિષ્યનો ઈસવીસન 2540નો હતો. જેમાં એક કેન્દ્રીય પ્રયોગશાળામાં કુત્રિમ રીતે માનવ ગર્ભનો વિકાસ કરવામાં આવતો હતો, તેમા અલગ અલગ પ્રકારના બૌદ્ધિક ક્ષમતા માટે, અલગ-અલગ પાંચ પ્રકારના પાડવામાં આવ્યા હતા. આ બાળકોના કોઈ માતા-પિતા ન હતા. બાળકોને પ્રયોગશાળામાં રહેલ કામદારો ઉછેર કરતા હતા. ટૂંકમાં એમ કહી શકાય કે ભવિષ્યના જિનેટિકલ મોડીફાઇડ બાળકોને આલેખતી આ નવલકથા હતી.
                ૧૯૭૮માં ઈન્ વિટ્રો ફર્ટીલઈઝેસન દ્વારાલુઈસ બ્રાઉન નામની ટેસ્ટ ટ્યુબ બેબી જન્મ થતા, વિશ્વ પ્રસિદ્ધ સમાચાર પત્રિકા ન્યુઝવીકમા લેખ પ્રકાશિત થયો. ત્યારે "બ્રેવ ન્યુ વલ્ડ" નવલકથાને ફરીવાર યાદ કરાવવામાં આવી. 2014માં પ્રથમવાર ૩ માતા-પિતા દ્વારા “સરોગેટ મધર” નો પ્રયોગ સફળ રહ્યો, ત્યારે પણ, "બ્રેવ ન્યુ વલ્ડ" પુસ્તકનો સંદર્ભ આપીને ન્યૂયોર્ક ટાઈમ્સ લખ્યુ કે “સરોગેટ મધર "બ્રેવ ન્યુ વલ્ડ" ની શરુઆત થઈ ચુકી છે. સાહિત્યની દુનિયા આગળ વધે છે. નવલકથાકાર કાઝુઓ ઇશિગુરો, જેની 2005ની નવલકથા 'નેવર લેટ મી ગો' નવલકથામાં જીનેટિકલી મોડીફાઇડ બાળકોને , પ્રયોગશાળામાં જ મનુષ્યના વિવિધ અંગોનો ઉપયોગ કરવામાં આવતો હોય, એમ વિકાસ કરતા દર્શાવવામાં આવ્યા હતા. કાઝુઓ ઇશિગુરો નામના લેખકે, બાળકોનો અંગ દાન કરનારા તરીકે ઉત્પાદિત અને ઉછેર થતો હોય તેવુ વર્ણન કર્યુ છે.ચાઈનીઝ વૈજ્ઞાનિક દ્વારા બે જોડિયા બહેનોને જિનેટિકલ ટેકનોલોજી વાપરીને જન્મ આપવામાં આવ્યો, ત્યારે વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી કે જનીન સંપાદનમાં આગળ વધવા બદલ આભાર, "અમે એક એવા બિંદુની નજીક આવી રહ્યા છીએ, જ્યાં આપણે આપણે બાયોલોજીકલ પસંદગીના બાળકો પેદા કરી શકીએ છીએ, એવા લોકોને બનાવી શકીએ જેઓ બીજા કરતા શ્રેષ્ઠ હોય.

ડિઝાઇનર્સ બેબી / જીનેટીકલી મોડીફાઇડ બેબી

              
 
”કોરોના વાયરસના ખતરાએ, વૈજ્ઞાનિકોને ફરીવાર વિચારવા અને જીનેટિકલ એન્જિનિયરિંગના નવા અખતરા કરવા માટે મજબૂર બનાવ્યા છે. આજની તારીખ ભૂતકાળમાં થયેલા આગાહી સાચી પાડી શકાય તેવી ટેકનોલોજીનો વિકાસ થઈ ચૂક્યો છે. શ્રેષ્ઠ મનુષ્ય પેદા કરવા માટે, વૈજ્ઞાનિકો કઈ ટેક્નોલોજી વાપરે છે? જીનેટીકલી મોડીફાઇડ બાળકો એટલે શું? આવા અનેક સવાલો, સામાન્ય માનવીને પેદા થતા હોય છે. જેને અહીં સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ.
                જિનેટિક એન્જિનિયરિંગનો ઉપયોગ કરીને, ગર્ભનો વિકાસ થાય તે પહેલાં જ સ્ત્રીના ઈંડા અથવા પુરુષના શુક્રાણુમાં રહેલા જનીનોને સુધારીને કુત્રિમ અથવા કુદરતી ગર્ભાવસ્થા દરમિયાન બાળકને જન્મ આપવામાં આવે તો, સુધારેલા જનીનવાળા આવા બાળકો, ડિઝાઇનર બેબી અથવા જીનેટીકલી મોડીફાઇડ બેબી તરીકે ઓળખાય છે. હાલના તબક્કે ગર્ભાવસ્થા દરમિયાન માલુમ પડે કે વિકસી રહેલ બાળકના ગર્ભમાં ભવિષ્યમાં કોઈ પ્રાણઘાતક રોગ જેવા કે, કેન્સર હૃદય કિડની કે મગજ ને લગતા રોગ થઈ શકે તેમ છે તો, આ રોગ માટે જવાબદાર જનીનોને વૈજ્ઞાનિકો ગર્ભાવસ્થાના શરૂઆતના તબક્કે અથવા ગર્ભાવસ્થા શરૂ થાય તે પહેલા, જિનેટિક એન્જિનિયરિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને, જન્મનાર બાળકના જેનોમમાં સુધારા વધારા કરી શકે છે. ખાસ રોગ પ્રત્યે જનીનોના બદલાવને કેટલાક દેશોએ માન્યતા આપી છે. મનુષ્ય શરીરમાં રહેલા બધા જ જનીનોના સમૂહને જેનોમ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે જનીનમાં ખાસ પ્રકારનો બદલાવ, ઉમેરો કરવામાં આવેકે રોગ માટે જવાબદાર જનીન દૂર કરવામાં આવે તો આ પ્રક્રિયાને, “જિનેટિક એડિટિંગ” તરીકે ઓળખવામાં આવેછે. આ પ્રક્રિયા દરમ્યાન ડીએનએ ટુકડામાં, નવો ડીએનએ ટુકડો ઉમેરવામાં આવેછે. અથવા દૂર કરવામાં આવેછે. મનુષ્ય જનીનમાં એડિટિંગ કરવું એક મોટો વિવાદાસ્પદ મુદ્દો છે. કેવા પ્રકારનું એડિટિંગ કરી શકાય અને કેવા પ્રકારનું એડિટિંગ ન થઈ શકે એ બાબતે પણ વૈજ્ઞાનિકો અથવા સરકાર હજી સ્પષ્ટ નથી. આમ છતાં વિજ્ઞાન જગતમાં એક આછી પાતળી રૂપરેખાઓ તૈયાર કરવામાં આવી છે.

જિનેટિક એન્જિનિયરિંગ અને અમર્યાદિત શક્યતાઓ

                
જેનેટિક એન્જિનિયરિંગનો ઉપયોગ કરીને સારા પ્રકારની ખેતી ઉપર જ મેળવી શકાય છે, સારા પ્રકારના પશુઓની પ્રજાતિ તૈયાર કરી શકાય છે. જે વધારે અને સારી ગુણવત્તાવાળુ દૂધ આપે. વનસ્પતિ પોતે જ ઉપદ્રવ પેદા કરનારી જીવાતોને અંકુશમાં લઇ શકે, તે પ્રકારના જનીનો ધરાવી શકેછે.આમ જેનેટિક એડિટિંગની ટેક્નિકના ઉપયોગની શક્યતા અમર્યાદિત છે. પરંતુ દરેક ક્ષેત્રમાં તેનો ઉપયોગ આડેધડ રીતે થઈ શકતો નથી. જેનેટિકલી મોડીફાઈડ અનાજ, માસ તથા અન્ય ઉત્પાદનો હવે સહેલાઈથી બજારમાં ઉપલબ્ધ થવા લાગ્યા છે. ભારતમાં પણ જેનેટિકલી મોડીફાઈડ રીંગણ એટલે કે બીટી રીંગણનો કેસ વિવાદાસ્પદ બન્યો હતો. ગર્ભનો વિકાસ થતો હોય ત્યારે, એક તબક્કો એવો આવે છે, જ્યારે શરીરના કોષ વિવિધ પ્રકારના કોષ જેવા કે આંખ, યકૃત, ફેફસા, કિડની, મગજ જેવા 200 કરતાં વધારે પ્રકારના કોષોમાં પરિવર્તિત થઇ ચુક્યા હોય છે. પરિવર્તિત થયેલા કોષ “સોમેટીક સેલ” તરીકે ઓળખાય છે. વૈજ્ઞાનિક દ્વારા રોગની સારવાર માટે “સોમેટીક સેલ”માં બદલાવ કરવામાં આવે તો, તે વધારે વિવાદાસ્પદ બાબત બનતી નથી.“સોમેટીક સેલ” ઉપર જિનેટિક એડિટિંગ કરવામાં આવે તો, તેમાં કરવામાં આવેલ ફેરફાર વારસાગત લક્ષણો તરીકે તેમના બાળકોમાં ઉતરતા નથી.
              
 
જ્યારે જર્મલાઈન સેલ એટલે અંડકોષ અથવા શુક્રાણુ ઉપર જેનેટિક એડીટીંગ કરવામાં આવે તો તે વિવાદાસ્પદ બનેછે, કારણકે આવા કોઈપણ કોષો કરવામાં આવેલ, જનીનના બદલાવ, વારસાગત લક્ષણો તરીકે આવનારી પેઢીમાં પણ ઉતરે છે. આ કારણે ભવિષ્યની આવનારી પેઢી માટે, વારસાગત લક્ષણો સ્વરૂપે કેટલાક જનીનીક ફેરફારો ઉતરી શકે એવું કરવું હોય તો. ગર્ભાવસ્થાના શરૂઆતના તબક્કામાં જિનેટિક એડિટિંગ કરવું પડે છે. જ્યારે વિકસતા કોષોનું સ્વરૂપ સ્ટેમ સેલ પ્રકારનું હોય છે. સ્ટેમસેલ એવા કોષ છેજે વિકાસ પામીને, શરીરના કોઈપણ પ્રકારના અંગોનાં કોષોમાં ફેરવાઈ જવાની ક્ષમતા ધરાવે છે.

CRISPR CS-9 ટેકનોલોજીની ચાઈનીઝ કમાલ.

              
 
હાલમાં CRISPR CS-9 નામની ટેકનોલોજી વાપરીને વૈજ્ઞાનિકો આસાનીથી જનીનોને એડિટ કરી શકે છે. 2018માં ચાઈનીઝ વૈજ્ઞાનિક હે જિંયાન કુઇએ CRISPR CS-9 નામની ટેકનોલોજી ઉપયોગ કરીને CCR5 નામના જનીનમાં બદલાવ કર્યો હતો. જ્યારે માતા પિતા બેમાંથી એકને એઈડ્સનો રોગ થયો હોય ત્યારે, જન્મનાર બાળકને એચઆઇવી વાયરસ સામે રક્ષણ આપવા માટે CCR5 ફેરફાર કર્યો હતો. એની વૈજ્ઞાનિકે ચીનના હોંગકોંગમાં નવેમ્બર 2018 માં યોજાયેલી આંતરરાષ્ટ્રીય જિનોમ-એડિટિંગ સમિટમાં આ પ્રયોગમાં કરેલ ડેટાનું એનાલિસિસ કરી વૈજ્ઞાનિકો સમક્ષ પોતાની સિદ્ધિ રજૂ કરી હતી.આ પ્રયોગ વિવાદાસ્પદ બન્યા બાદ સરકારે, વૈજ્ઞાનિક સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. જેમાં વૈજ્ઞાનિક અને અન્ય ત્રણ વ્યક્તિ દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. વૈજ્ઞાનિક સહિત ત્રણેય વ્યક્તિ ને ત્રણ વર્ષની જેલ કરવામાં આવી હતી. કારણકે તેણે કરેલા પ્રયોગ જેનેટિકલી મોડીફાઈડ બેબી એટલે કે ડિઝાઇનર બેબીની કક્ષામાં આવતા હતા. આ ઉપરાંત તબીબી જગતની નૈતિક રૂપરેખા અને નીતિ-નિયમોનો તેમણે ભંગ કર્યો હતો.
              
 
આ પ્રયોગના પરિણામ જાહેર થતા અન્ય વૈજ્ઞાનિકોએ પણ ઉંદર ઉપર,CCR5 જમીનને એડિટ કરીને પ્રયોગો કર્યા હતા. ત્યારે જોવા મળ્યુંકે ઉંદરની નવી વસ્તુ શીખવાની અને યાદદાસ્ત માં વધારો થયેલો જોવા મળ્યો હતો. વૈજ્ઞાનિકો માને છે કે ચાઈનીઝ વૈજ્ઞાનિક દ્વારા બાળકની બુદ્ધિ ક્ષમતામાં વધારો કરવા માટે, ખોટું કારણ આગળ ધરીને CCR5 જનીનમાં બદલાવ કર્યો શક્યતા પણ રહેલી છે. યુનિવર્સિટી કેલિફોર્નિયાના વૈજ્ઞાનિકે કરેલ પ્રયોગમાં એવું પણ જાણવા મળ્યું કે, CCR5 જમી જમીનના બદલાવથી બાળક સ્માર્ટ બને છે એટલું જ નહીં, ભવિષ્યમાં તેને બ્રેઈન સ્ટ્રોક થવાની શક્યતામાં પણ ઘટાડો થાય છે. અને બ્રેઈન સ્ટ્રોક માંથી તેના રિકવરીની તકો પણ વધી જાય છે. ઈન્ટરનેટ ઉપર કરવામાં આવેલા એક સર્વેમાં મોટાભાગના લોકોએ જેનેટિકલી મોડીફાઈડ બાળક પેદા કરવા ઉપર પોતાની સંમતિ દર્શાવી હતી. લાગે છે કોરોનાવાયરસના કપરાકાળમાં મનુષ્ય અસ્તિત્વ ટકાવી રાખવા અને વાયરસ સામે લડવા માટે લોકો જિનેટિકલ મોડીફાઇડ બાળકો ની પસંદગી તરફ આગળ વધે તો નવાઈ લાગશે નહીં.

No comments: