Monday 11 March 2013

“લેબ નાઇન: નાઇન ફોર્સ”


ફ્યુચર સાયન્સ - કે.આર ચૌધરી

પરગ્રહવાસી આત્માઓ સાથે કૉમ્યુનિકેશન થઈ શકે ખરું ? તાજેતરમાં બે ઘટનાઓ એવી બની છે કે, લોકોમાં પરગ્રહવાસી વિશે ફરીવાર રસ જાગૃત થયો છે. પરગ્રહવાસી, એ વિજ્ઞાન જગતનું જીવતું જાગતું રહસ્ય બની ગયું છે.


પર ગ્રહવાસી એટલે કે એલીયન્સ એ એક રહસ્યમય પાત્ર છે. છાશવારે તેનો ઉલ્લેખ આવતો જાય છે. કાયદાની માફક વિજ્ઞાન પણ સબૂત એટલે કે સાબિતીઓ માંગે છે. પરગ્રહવાસીની શોધ ચાલુ છે પરગ્રહવાસીને લગતા પુરાવાઓ પરોક્ષ હોય તો ન ચાલે, પ્રત્યક્ષ પુરાવાઓ જોઈએ. ઘટનાસ્થળ પરના પ્રથમદર્શી પુરાવાઓ, વ્યક્તિએ જોયેલ ઘટનાના પુરાવાઓ વિજ્ઞાનની લેબમાં ચકાસણી પામે, સાચા ખોટાની પરખ થાય અને ક્યારેક સરકાર પોતાનાં હિત છાવરવા માટે દસ્તાવેજોને ગુપ્ત દસ્તાવેજોરૃપે 'ક્લાસીફાઇડ સિક્રેટ' હેઠળ લોક એન્ડ કીમાં મૂકી  દે છે.
તાજેતરમાં બે ઘટનાઓ એવી બની છે કે, લોકોમાં પરગ્રહવાસી વિશે ફરીવાર રસ જાગૃત થયો છે. પરગ્રહવાસી, એ વિજ્ઞાન જગતનું જીવતું જાગતું રહસ્ય બની ગયું છે ત્યારે રહસ્યવાદીઓ, પેરા સાયકોલોજી, સુપર પાવર, અલૌકિક માનસિક પાવર ધરાવનારા લોકો પરગ્રહવાસી સાથે માનસિક રીતે સંપર્ક કરવા માગે છે. તેઓ ભૂતપ્રેત અને અન્ય પિશાચી અને ચૈતસિક તાકાતના અસ્તિત્વને સ્વીકારીને ચાલતા હોય છે. વિજ્ઞાન પ્રયોગો આધારિત પરિણામોથી આગળ વધે છે. જેના અસ્તિત્વ બાબતે ઘણાને શંકા નથી પરંતુ તેનો સંપર્ક કે સાક્ષાત્કાર થઈ શકતો નથી માત્ર એ કારણે તેના અસ્તિત્વનો સ્વીકાર થતો નથી અને પરગ્રહવાસીઓના ચહેરા ઉપર જાણે કે એક અજાણ્યા ચહેરાનો 'માસ્ક' લાગી ગયો છે. એલીયન માસ્ક ક્યારે હટશે ? તેના અસ્તિત્વના પુરાવાઓ મળશે ખરા ? આ સવાલના કોઈ જ જવાબ નથી એટલે પરગ્રહવાસીઓ માસ્ક લગાવીને રહસ્યના પડદા પાછળ છુપાયેલા છે.
મેક્સિકોના વાયવ્ય ખૂણે સોનોટા રાજ્ય આવેલું છે અહીં ખોદકામ કરતા આર્કિયોલોજીસ્ટ/ પુરાતત્ત્વ વૈજ્ઞાનિકોને વિચિત્ર આકારની ખોપરીઓ મળી આવી છે. ખોપરીઓનો આકાર જોતા લાગે કે સાયન્સ ફિક્શન જોતા હોય તેવા માનવની આ ખોપરીઓ હશે. તેમના જડબા પણ લાંબા અને બહાર નીકળેલા છે. મગજને ઢાંકી રાખતો સ્ક્રલનો ભાગ ખૂબ જ લાંબો અને જડબા- કપાળને સમાંતર પાછળની બાજુએ ખેંચાયેલો છે. આ અવશેષો મેક્સિકોના સોનાટા રાજ્યમાં નહેરના ખોદકામ દરમિયાન મળી આવેલ છે. એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીની ક્રિસ્ટીના ગાર્સીયા મોરેનો નામની મહિલા આ પ્રોજેક્ટ ઉપર કામ કરી રહી છે. તે જણાવે છે કે હિસ્પાનેક સિમેન્ટરી (હિસ્પાનિક કબ્રસ્તાન)માંથી ૨૫ ખોપરીઓ મળી આવેલ છે તેમાંથી ૧૩ જેટલી ખોપરીઓ વિચિત્ર રીતે વિકૃત થયેલ એટલે કે 'ડિફોર્મ્ડ' છે. મેક્સિકોના વિસ્તાર પણ પ્રાચીન સભ્યતાઓથી ભરપુર છે. અહીં ઇજીપ્ત કરતા અલગ પ્રકારના સ્ટેપ પિરામિડ અને અન્ય પ્રાચીન સભ્યતાઓના અવશેષો મળી આવ્યા છે. ક્રિસ્ટીના માને છે કે, આ પરગ્રહના માનવીની લાગે તેવી ખોપરીઓ, મૂળભૂત રીતે અહીંની આદિજાતિના લોકોની જ ખોપરી છે. સામાજિક અને પરંપરાગત રિવાજ પ્રમણે તેમણે પોતાની ખોપરી ઉપર દબાણ આપીને તેને લાંબી અને વિકૃત બનાવી છે.

અલ-સિમેન્ટોરીઓ નામની આ સાઇટ ૧૯૯૯માં પ્રથમવાર મળી આવી હતી. વૈજ્ઞાનિકોએ ત્યારબાદ મળી આવેલ અવશેષોનું પૃથક્કરણ પૂરું કરીને તેનો ડેટા ગયા મહિને રીલીઝ કર્યો છે. વૈજ્ઞાનિકો હવે ફરી વાર આ સ્થળે વધારે ખોદકામ કરીને પોતાનું સંશોધન આગળ વધારવા માગે છે. અહીંથી આદિજાતિની રોજબરોજની ઉપયોગમાં આવતી ચીજવસ્તુઓ, ગળાના પેન્ડન્ટ, નથણીઓ ઝવેરાત વગેરે મળી આવ્યું છે. ખોપરીને વિકૃત કરવાનો રિવાજ ૧૦૦૦ વર્ષ પ્રાચીન છે. લાકડાના બે બ્લોક વચ્ચે માથાને બાંધીને દબાણ આપીને માથાનો પાછળનો ભાગ પાછળ તરફ ખેંચીને લાંબો કરતા હતા. માથા અને ખોપરીને વિકૃત કરવાનો રિવાજ દુનિયાની વિવિધ સોસાયટી- સમાજમાં એક ધાર્મિક પરંપરા છે. સમાજમાં એક વર્ગના લોકો કરતા પોતાનો હોદ્દો અને મહત્ત્વ અલગ છે તે દર્શાવવા માથાના ભાગને લાંબો કરવામાં આવતો હતો. પરતુ અલ સીમેન્ટોરીઓ ખાતે મળી આવેલ ખોપરીઓ શા માટે વિકૃત બનાવવામાં આવતી હતી તેનું કારણ જાણવા મળેલ નથી. ક્રિસ્ટીના કહે છે કે, ''અહીંથી મળેલ હાડપિંજર બાળકોના છે (શક્ય છે કે ખોપરી ડિફોર્મ કરવાના કારણે તેમને જિંદી ઉપર જોખમ આવી પડયું હોય.) એ એક જોખમી પરંપરા છે. અમેરિકના નૈઋત્ય અને વાયવ્ય ખૂણે વસનારા 'ચિનૂક' અને 'ચોક્ટોવ' જાતિના લોકોમાં ખોપરીને વિકૃત કરવાની પરંપરા ચાલી આવે છે. મેક્સિકોમાંથી મળી આવેલ ખોપરીઓ આદિજાતિના લોકોની જ છે ? કેટલાય લોકો તેમનો દેખાવ જોઈને તે ખોપરીઓને પરગ્રહવાસીઓની ખોપરીઓ હોય તેમ માને છે . 

બીજા સમાચાર જોઈએ તો ટુસ્કોન નજીકના રણપ્રદેશમા જોબલી આકારની લખોટીઓ જેવી રચના જોવા મળી છે. રણના મધ્ય ભાગમાં હજારો નાની નાની લખોટીઓ જેસડિન અને તેનો પતિ ચાલવા નીકળ્યા હતા ત્યારે આ લખોટીઓ જોઈ હતી. તેઓ કહે છે કે આવી રચના અમે આ પહેલા જોઈ નથી. કેટલીક લખોટીઓ પાણી ભરેલી છે અને અર્ધપારદર્શક છે. સ્થાનિક મિડિયા અને KGUN-9 ટી.વી.એ તેના રિપોર્ટ આપ્યા છે. આ લખોટીને દબાવવામાં આવે તો તેમાંથી પાણી જેવો પદાર્થ નીકળે છે. ટુસ્કોન બોટાનિકલ ગાર્ડનના ડિરેક્ટર હારલીન બુરહોવ કહે છે કે, ''જો આ લખોટીઓ કુદરતી રીતે સર્જાઈ હોય તો તે, (રણમાં પાણી સંગ્રહ કરનારી) મોલ્ડ કે જેબી ફુંગ હશે '' કેટલાક બીજા એવું સજેસ્ટ કરે છે કે, ''આ લખોટીઓ 'હેકોબીડ' જેવી છે જે છોડને પાણી મળતું રહે તે માટે ડિઝાઇન કરવામાં આવી છે. પરંતુ છતાં એક વાત સમજાતી નથી કે એક સાથે હજારો લખોટીઓ આ રણ પ્રદેશમાં આવી કઈ રીતે ?'' કેટલાક લોકોનું માનવું છે કે, આ લખોટીઓ પરગ્રહવાસીઓની નિશાનીઓ છે. બાહ્યાવકશામાંથી આવેલ ઉલ્કાપીંડના અવશેષો કે ધૂળમાંથી આવી ફુગ પેદા થઈ છે ? સવાલો જ સવાલો છે રહસ્ય ઉકેલવાનું કામ હવે વૈજ્ઞાનિકોનું છે. વૈજ્ઞાનિકો અને રહસ્યવાદીઓ અલગ અલગ રસ્તે પરગ્રહવાસીઓના પગેરા દાબી રહ્યા છે.
વૈજ્ઞાનિકો જ્યારે ફીઝીકલ વર્લ્ડ દ્વારા પરગ્રહવાસીઓ વિશે સંપૂર્ણ જાણી શક્યા નહીં ત્યારે તેમાંના કેટલાક લોકોએ મેટા-ફીઝીકલ વર્લ્ડનો આશરો લેવાનું વિચાર્યું હતું. અને એક અલગ દિશામાં સંશોધન શરુ કર્યું હતું. બેમાંથી એક પણ માર્ગે સમસ્યાનો ઉકેલ મળ્યો નથી. જ્યારે વિશ્વની જાણીતી વ્યક્તિઓ અને સંસ્થાઓ આ ક્ષેત્રમાં સંશોધન કરે અને પછી 'પીન ડ્રોપ સાયલન્સ' બની જાય કે પરિણામો જાહેર કર્યા વગર પ્રયાસ કે પ્રયોગો બંધ કરી નાખે ત્યારે તેનો શું અર્થ કરવો ? કેટલાક રહસ્યવાદીઓએ અને પરા-ચૈતસિક શક્તિઓ ધરાવતી વ્યક્તિઓએ જે પ્રયોગો કર્યા તેના ઉપર એક દ્રષ્ટિપાત કરવો યોગ્ય રહેશે. પરગ્રહવાસીઓની વાત નીકળે ત્યારે ઉડતી રકાબીઓ એટલે કે અનઆઇડેન્ટીફાઇ ફ્લાઇંગ ઓબ્જેક્ટ UFO નું એલીયન્સ કનેક્શન નીકળે જ. એલીયન્સ આવી ઉડતી રકાબીઓ દ્વારા પૃથ્વીવાસીઓની મુલાકાત લેતા હોય છે - તેવા વિધાનમાં માનનારાઓની સંખ્યા ખૂબ જ વધારે છે.
૧૯૭૦માં UFO જેવા વિષયથી અનેક લોકો આકર્ષાયા હતા. સંશોધકો પણ બે ફાંટામાં વહેંચાઈ ગયા હતા જેમાંનો એક વર્ગ એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીયલ હાઇપોથીસીસ (ETH) માં માનનારો વર્ગ હતો જ્યારે તેની સામે પણ એક અલગ હાઇપોથીસીસ રજૂ થઈ હતી જેને 'મેગોનીયન હાઇપોથીસીસ' કહે છે. જે મુજબ પૃથ્વી ઉપર દેખાનારી બધી જ UFO પાછળ પૃથ્વીવાસી જ જવાબદાર છે એમ માનવામાં આવતું હતું. થિસિસને 'મેગોનીઅન' નામ આપવામાં આવ્યું. કારણ કે ૧૯૭૦માં પાસપોર્ટ ટુ મેગોનીઆ નામનું UFOને લગતું બેસ્ટ સેલર પુસ્તક પ્રકાશિત થયું હતું. શરુઆતમાં એલીયન એનકાઉન્ટર અને એક્સપરીઅન્સ સમાંતર ચાલતા હતા. જ્હોન કીલ જેવા સંશોધકે નવી હાઇપોથીસીસ આપી જે મુજબ પરગ્રહવાસીઓ જીવ અસ્તિત્વના એક અલગ લેવલ, અલગ હોરાઇઝન અને અલગ પ્લેનમાંથી પરગ્રહવાસીઓ પૃથ્વી પર દેખા દે છે. આ હાઇપોથીસીસને 'હાઇસ્ટ્રેન્નત' નામ આપવામાં આવ્યું જેની આઉટલાઇન ૧૯૭૩માં યુફો : ઓપરેશન ટ્રોન્સ હોર્સ નામના પુસ્તકમાં જોવા મળતી હતી.
૧૯૮૦ના દાયકામાં ETHમાં માનનારાઓનો એક વર્ગ એવો પેદા થયો જે માનતો હતો કે પેરાનોર્મલ સાધનોથી પરગ્રહવાસીઓનો સંપર્ક કરવો શક્ય હતો. આત્માના આ સાક્ષાત્કારમાં પરગ્રહવાસી આત્માઓ (જો તમે ભૂતપ્રેતમાં માનતા હો તો આવા આત્માઓ) નો સાયકીક કોન્ટેક્ટ કરવો શક્ય છે. ઓછામાં પૂરું હાઇપ્રોફાઇલ કેસ જેવા કે 'રોઝવિલ ઘટના', 'એરિયા-૫૧' અને મેજિસ્ટીક- ૧૨ ઉપર મિડિયા દ્વારા રહસ્યમયી ખબરો છપાવવા માંડી હતી. આવી ઘટનાના મૂળિયામાં જઈએ તો એક વાત જાણવા મળતી હતી કે તેમાં મીલીટરી અથવા ઇન્ટેલિજન્સ કોમ્યુનિટી (જાસૂસી દુનિયાનો)નો ક્યાંક ને ક્યાંક દોરી સંચાર રહેતો હતો. સરકારી તંત્રે એ ઉપરથી લોકો UFOમાં માનવા લાગે તે રીતનો પ્રચાર કર્યો હતો.
અહીં એક નવી 'ફેડરલ હાઇપોથીસીસ' અસ્તિત્વમાં આવી જે મુજબ યુફો પાછળ સરકારનો રહસ્યમય પડદો હતો. તેઓ ખાનગી સુપરસોનિક એરક્રાફ્ટનું ટેસ્ટીંગ કરતા હતા તેને યુફોના માસ્ક નીચે સંતાડતા હતા. આવા અભિપ્રાયોથી દોરવાયેલ માર્ક વિકાંગ્ટનનું પુસ્તક ''મિરાજ મેન'' અને ''મમોથ બુક ઓફ યુફો'' પ્રકાશીત થઈ હતી. 'ટારવોર કોન્સપીરેસી' નામનું પુસ્તક પણ આ જ અરસામાં આવ્યું. અમેરિકન આર્મી ફીઝીશીયન અને પેરાસાયકોલોજીસ્ટ આન્દ્રેજા પુહારિચે પોતાની સાયકીક શક્તિઓ એટલે કે વિનોસીસ, સાયકો એક્ટીવ ડ્રગ્સ અને વિદ્યુત ઉપકરણો વાપરીને અલગ દિશામાં સંશોધન કર્યું. તેઓ પણ માનતા હતા કે, પરગ્રહવાસીઓ સાથે 'સાયકીક કોન્ટેક્ટ' શક્ય છે. મેડીકલ ગ્રાઉન્ડ ઉપર પુહારીચને આર્મીમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા અને તેમણે પોતાનું સંશોધન આગળ ધપાવવા માટે રાઉન્ટ ટેબલ ફાઉન્ડેશનની સ્થાપના કરી જેમાં એપલીન ટેરિટ અને પિટર હુટકોસ સામેલ હતા. આ અરસામાં ફ્રેન્કલીન રૃઝવેલ્ટના સમયમાં ઉપરાષ્ટ્રપતિ તરીકે સેવા આપનાર હેનરી એ વોલેસે વોલેર ફાઉન્ડેશનની સ્થાપના દ્વારા રાઉન્ડ ટેબલને મદદ આપવાની ચાલુ કરી. વિયના નામાંકિત ધનાઢ્ય કુટુંબ 'ફોર્બસ' ના રથ ફોર્બસ યંગ અને અન્ય લોકો તેમની સાથે જોડાયા. ૧૯૯૦ના દાયકામાં રાઉન્ડ ટેબલને અમેરિકન આર્મી પણ ભંડોળ આપવા માંડી હતી , કારણ કે એક્સ્ટ્રા સેન્સનરી પાવર, ઇન્દ્રીયાતીત શક્તિઓ (આપણી સામાન્ય ઇન્દ્રીયજન્ય સેન્સથી અલગ વિશિષ્ટ પેરાસાયકોલોજીકલ શક્તિઓ)નું સામાન્ય માનવીઓ ઉપર પરીક્ષણ કરી રહ્યા હતા. ૧૯૫૨માં પુહારીએ પેન્ટાગોન એક્સ્ટ્રા સેન્સનરી પર્સપ્સન વિશે પેપર રજૂ કર્યું હતું. અને બીજા જ દિવસે તેણે અકળ કારણોસર પેપરનું રીડ્રાફ્ટીંગ કરી નાખ્યું હતું.
ભારતમાં સાયકીક પાવરમાં જાણીતા બનેલા ડો. ડી. જી. વિનોદે આ ફાઉન્ડેશનમાં સહયોગ આપ્યો હતો. ત્યારે તેમણે જણાવ્યું કે, પરગ્રહવાસીઓ અને યુફો પાછળ ''નવ સિદ્ધાંતો અને નવ બળ (ફોર્સ) કામ કરે છે.'' પરગ્રહવાસીઓ સાથે લગભગ છ મહિનાઓ સુધી ડો. વિનોદ સંપર્ક કરતો રહ્યો હતો અને તેઓ ભારત પાછળ ફર્યા ત્યારે તેમનું આ સાયકીક કોમ્યુનિકેશન બંધ થયું. ૧૯૫૬માં પુહારીચ લશ્કરના કેમિકલ સેન્ટરમાં કામ કરતા હતા. અહીં રાસાયણિક અને સાયકોલોજીક વોર ઉપર સંશોધન થયું હતુ. ૧૯૫૬માં પુહરીચ અને આર્થર યંગને મેક્સિકોમાં ચાર્લ્સ અને લીલીયન લપ્ફહેડ નામની વ્યક્તિ સાથે સંપર્ક થયો જે પરગ્રહવાસીઓના સંપર્કમાં હતા. યાદ રહે કે આર્કીયોલોજીસ્ટોને મેક્સિકોમાંથી વિચિત્ર ખોપરીવાળા (પરગ્રહના) માનવીની ખોપરીઓ મળી આવી છે. તેમણે પુહારીચ અને આર્થરયંગને ડો. વિનોદ દ્વારા પરગ્રહવાસીઓ સાથે સંપર્ક કર્યો હતો. તેનો વિગતવાર રેફરન્સ આપ્યો. ૧૯૬૦માં પુહારીચ પેરાસાયકોલોજીકલ સંશોધન અને તે માટે જરૃરી ડિવાઇસની શોધમાં તેઓ લાગી ગયા. ૧૯૭૦માં તેમનો ભેટો ઇઝરાયેલના વિશ્વપ્રસિદ્ધ ઇન્દ્રીયાતીત શક્તિઓ ધરાવનારા યુરી ગેલર સાથે થયો જે માત્ર પોતાની માનસિક અને દ્રષ્ટિ પાવર વાપરીને ચમચીઓને વાળી નાખતો હતો. તેમણે પોતાના સંશોધન કેન્દ્રમાં 'યુરી ગેલર'ને હિપ્નોટાઇઝ્ડ કરીને પરગ્રહવાસીઓ વિશે માહિતી મેળવા કોશિષ કરી. યુરી ગેલરે કહેવાય છે કે 'સ્પેક્ટ્રા' નામે જાણીતી પર ગ્રહવાસી અસ્તિત્વનો સંપર્ક કર્યો. સ્પેસ્ટ્રા નામની વ્યક્તિ ખૂબ જ દૂર પ્રકાશવર્ષના અંતરે સ્પેસશીપમાં હતી. તેણે જણાવ્યું કે, એલીયન્સ દ્વારાંજ યુરી ગેલર પારણાંમાં ઝુલતો હતો ત્યારે તેની એકસ્ટ્રા સેન્સનરી પાવરનો વિકાસ કર્યો હતો. આ સમયે પુહારીચે સવાલ કર્યો કે તેઓ  ડો. વિનોદે નાઇન પ્રિન્સિપલ, નાઇન ફોર્સની વાત કરી તે સભ્યતાના મેમ્બર છો ? ત્યારે તેમણે જવાબ 'હા'માં આપ્યો અને જણાવ્યું છે '૧૯૪૭માં દેખાયેલ UFO પાછળ નાઇન પ્રિન્સિપલ એટલે કે સ્પેક્ટ્રા જવાબદાર હતો.'
કહેવાય છે, ત્યારબાદ યુરી ગેલરે તેલ અવીવમાં પણ પોતાનો સંપર્ક ચાલુ રાખ્યો હતો. આ સમયે તેલઅવીવ અને સિનાઈ ડેઝર્ટમાં યુફોએ દેખા દીધી હતી તે વાત નોંધવા જેવી છે. અમેરિકાની કુખ્યાત સંસ્થા સીઆઇએ, જે કેલિફોર્નિયા ખાતે આવેલ SRI ઇન્ટરનેશનલ સાયકીક જાસુસી કેન્દ્ર ચાલુ કર્યું હતું ત્યાં, પહારીએ 'યુરી ગેલર'ની વૈજ્ઞાનિક ચકાસણી કરવા માટેની વ્યવસ્થા ગોઠવી હતી. 'ધ સ્ટારગેટ કોન્સપીરન્સી'ના સંશોધનમાં લેખકને જાણવા મળ્યું હતું કે પુહારીચ સીઆઇએ માટે જાસુસીનું કામ કરતો હતો. ૧૯૭૩ બાદ યુરી ગેલર અને યુફોના કોન્ટેકટ કરવા અદ્રશ્ય બની જાય છે. હવે આન્દ્રીય પુહારીસ ન્યુજર્સીમાં 'લેબ નાઇન' ખોલીને નાઇન પ્રિન્સીપલ નાઇન ફોર્સ સંબંધે વધારે સંશોધન ચાલુ જ રાખે છે. એ હવે તેના સંશોધનમાં વૈજ્ઞાનિકોને રસ પડે છે. વૈજ્ઞાનિકો ક્વોન્ટમ ફીઝીક્સ અને માનવીની ચેતનાને શું સંબંધ છે તે જાણવા માગતા હતા. લેબ-નાઇનમાં હવે લેખકો, સુપરરીચ ફેમીલી અને અન્ય નામાંકિત લોકોને રસ પડે છે જેમાંનું એક મોટુ માથું 'જેન રોડેનબેરી' હોય છે જેને લોકો 'સ્ટારટ્રેક'ના સર્જક તરીકે ઓળખે છે.
કહેવાય છે કે, 'લેબનાઇન'ના અનુભવોની અસર 'સ્ટારટ્રેક'ની પ્રથમ ફિલ્મ અને 'સ્ટાર ટ્રેકઃ નેક્સ્ટ જનરેશન' ઉપર જોવા મળે છે. તેની સર્જકતાની અસર 'અર્થ ફાયનલ' કન્ફ્લીક્ટમાં પણ જોવા મળી હતી જે રોડેનબરીના અવસાન બાદ બનાવવામાં આવી હતી. પ્રિન્સીપલ નાઇન ને રોડીનબેરીએ હાડચામવાળા એલીયન્સનું સ્વરૃપ સ્ટારટ્રેકમાં આપ્યું હતું. જેમાં રેયલોન પર 'સાયનોડ' અથવા 'કાઉન્સિલ'નું વર્ચસ્વ હોવાનું દર્શાવાયું હતું. ૧૯૯૧માં રોડેનબેરીના અવસાન બાદ પણ 'લેબ નાઇન'ના પ્રયોગોની અસર સ્ટારટ્રેક ઉપર હોવાની વાત જાણકારો સ્વીકારે છે.
લેબ નાઇનમાં બાળકોના એક ખાસ ગ્રુપ ઉપર પણ પ્રયોગો કરવામાં આવ્યા હતા. જેમાં હિપ્નોસીસનો ઉપયોગ થતો હતો. આ બાળકોના ગ્રુપનું નામ 'સ્પેસ કીડ્ઝ' હતું. તેમનો ઉપયોગ પરગ્રહવાસીઓનો સંપર્ક કરવાની ચેનલ તરીકે કરવામાં આવતો હતો. આ પ્રોજેક્ટ ઉપર એટલી ચૂપકીદી રાખવામાં આવી હતી કે તેના વિશે વધારે માહિતી મળતી નથી. અહીં બાળકોને યુરી ગેલર જેવી શક્તિઓનો વિકાસ કરવાની ટ્રેઇનિંગ આપવામાં આવતી હતી ? વાર્તાનો અહીં અંત આવે છે. ૧૯૭૮માં રહસ્યમયરીતે લેબ નાઇનને સળગાવી મૂકવામાં આવે છે. પુહારીચ અમેરિકા છોડીને મેક્સિકો ભાગી જાય છે. શા માટે ? સાચુ કારણ મળતુ નથી. ત્રણ વર્ષ બાદ તે ફરીવાર અમેરિકા પાછો ફરે છે. તેને હંમેશા ભય રહેતો હતો કે સીઆઇએ તેનું ખૂન કરાવી નાખશે.
છેવટે ૧૯૯૫માં પુહારીચનું અવસાન થાય છે. 'નાઇન સ્ટોરી'ના સંશોધનો શું હતાં ? તેના પરિણામો શું હશે ? તેની વૈજ્ઞાનિક માહિતી મળી નથી. એલીયન્સના ચહેરા ઉપરનો માસ્ક હજી હટતો નથી. શું મેક્સિકોમાંથી મળી આવેલ ખોપરીઓ પરગ્રહવાસીઓની છે કે, ત્યાંની આદિજાતિ મગજનો ખાસ રીતે વિકાસ કરીને પરગ્રહવાસીઓના સંપર્કમાં રહેતા હતા. વિજ્ઞાન અને રહસ્ય વચ્ચેની સીમારેખા હજી ઓગાળી શકાઈ નથી.

 

No comments: