Sunday 17 March 2013

મિસીસીપી બેબી: એઈડ્સ સામેનો જંગ આસાન નથી

ફ્યુચર સાયન્સ - કે.આર ચૌધરી

 

એચ. આઈ.વી. એટલે કે હ્યુમન ઈમ્યુનોડેફીસીએન્સી વાયરસની શોધ થયાને બરાબર ૩૦ વર્ષ થઈ ચુક્યાં છે. આવા લાંબા સમય બાદ ''સારા સમાચાર''ના દહાડા દેખાય ત્યારે વિજ્ઞાન જગત ઝણઝણાટી કરાવે તેવી ઉત્તેજના અનુભવે તેમાં કોઈ અતિશયોકિત નથી. સમાચાર આવ્યા છે કે એક નવજાત શીશુને તબીબી સારવાર આપીને ડોક્ટરોએ ''એઈડ્સ'' મુક્ત કર્યું છે. ગયા રવિવારે પ્રકાશિત સમાચાર મુજબ બાળક તબીબી સારવારની સહાયથી એચઆઈવીના ચેપ સામે લડીને મરણીયો જંગ જીતી ચુક્યું છે. તબીબો આ સારવારને ફંકશનલ ક્યોર કહી રહ્યા છે. કારણ કે, નવજાત શીશુંના શરીરમાંથી HIV  વાયરસનું ઈન્ફેક્શન ૧૦૦% દુર કરી શકાયું છે. પરંતુ તેના શરીરના અન્ય કોષોમાંથી આ વાયરસ ૧૦૦% દુર થઈ શક્યો છે તે બાબતે ડોક્ટરો પોતે ચોક્કસ અભિપ્રાય ઉપર આવી શકતા નથી. એચ.આઈ.વી. થી થતો 'એઈડ્સ' રોગ અસાધ્ય ગણાય છે. એચ.આઈ.વી. ઈન્ફેક્શનથી મુક્ત થયા હોય તેવો માત્ર અને એકમાત્ર વ્યક્તિનો સમાવેશ થાય છે. જેનું નામ ટિમોથી બ્રાઉન. જર્મન પેશન્ટ તરીકે જાણીતા આ વ્યક્તિને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ (અસ્થિ મજ્જા પ્રત્યારોપણ) કરવામાં આવ્યું હતું. આ વ્યક્તિના શરીરમાં બીજી એક ખુબી હતી. તેના CCR5 નામનાં જનીનમાં બદલાવ આવેલો હતો. CCR5 ના જનીનીક બદલાવના કારણે એઈડ્સનો વાયરસ, રોગપ્રતિકારક તંત્રના કોષોને ઈન્ફેક્ટ કરી શકતો ન હતો. જેનાં કારણે ટીમોથી બ્રાઉનને એઈડ્સ થયા પછી પણ એચઆઈવી ઈન્ફેક્શન હટાવીને એઈડ્સ મુક્ત બનનાર વિશ્વના પ્રથમ માનવી તરીકે ભારે નામનાં મેળવી હતી. ૩જી તારીખ અને રવિવારે રજુ થયેલ અઢી વરસની બાળકીનો કિસ્સો સંદતર અલગ છે. જ્યોર્જીયા, આટલાન્ટા ખાતે ભરાએલ ૨૦મી કોન્ફરન્સ ઓન રિટ્રોવાયરસ એન્ડ ઓપ્ચ્યુનિસ્ટીક ઈન્ફેક્શનમાં વાયરસના ચેપથી મુક્ત થયેલ વિશ્વની બીજી વ્યક્તિ તરીકે એક અઢી વરસની બાળકીનો કેસ વિશ્વ સમક્ષ રજુ કર્યો છે. કિસ્સાની વિગતોમાં ઊંડા ઉતરીએ તો...
અમેરિકાની એક મિસીઓપીની ગર્ભવતી બાળકને જન્મ આપે તેવાં દિવસોમાં તબીબોની જાણમાં આવે છે કે બાળકને જન્મ આપવા જઈ રહેલ મહીલાને એચઆઈવી લાગેલ છે. સામાન્ય રીતે ગર્ભાવસ્થાની શરૃઆતમાં તબીબોને જાણ થાય કે મહીલા એચઆઈવી પોઝીટીવ છે ત્યારે, તબીબો ગર્ભસ્થ મહીલાને એવી સારવાર આપે છે કે જેથી, વાયરસ માતાના શરીરમાંથી શીશુના શરીરમાં પ્રવેશે નહીં. માતાથી શીશુને લાગતા ચેપને તબીબી ભાષામાં 'વર્ટીકલ ટ્રાન્સમીશન' કહે છે. સગર્ભાવસ્થા દરમ્યાન બાળકને એચઆઈવીના ઈન્ફેક્શનથી રોકવા બાબતે તબીબો ૯૮% જેટલાં કોન્ફીડેન્ટ હોય છે. સામાન્ય રીતે તબીબો એચઆઈવીના સંક્રમણને વિસ્તરતુ અટકાવવા માટે એન્ટી રિટ્રોવયરલ ડ્રગના મિશ્રીત ડોઝ આપે છે. નવજાત શીશુના જન્મ સિઝેરીઅન સેક્શન દ્વારા કરાવે છે. માતાને ખાસ સુચના આપવામાં આવે છે કે નવાં જન્મેલ તાઝાં બાળને ક્યારેય સ્તનપાન કરાવે નહીં. આ બધી તબીબી ચોકસાઈઓનાં કારણે સગર્ભા માતા દ્વારા બાળકમાં રોગનું વર્ટીકલ ટ્રાન્સમીશન થતું અટકે છે. માતાનાં લોહી અને દૂધમાં વહેતાં મુક્ત વાયરસનાં જથ્થાને, ગર્ભાવસ્થા, બાળજન્મ અને સ્તનપાન સમયે બાળક સુધી પહોંચતો અટકાવવામાં આવે છે. નવજાત શીશુને પણ તકેદારીના પગલારૃપે એચઆઈવીનું ઈન્ફેશન લાગે નહીં તે માટે એન્ટી-રિટોવાયર ડ્રગ્સ આપવામાં આવે છે. ભારતમાં પણ આ સારવાર ઉપલબ્ધ છે.
એન્ટી રિટ્રોવાયરલ ડ્રગ્સ તરીકે તબીબો, ટેનોફોવીર (TDF),  ઝીડોવુડીન (AZT), લેમીવુડીન (3TC), એફાવિરેન્ઝ (EFV), નેવીરાપીન (NVP), એટ્રાવીટેન  (ETV), એબેકાવીર (ABC), ડિડાનોસાઈન (ddI),  જેવા અનેક ડ્રગ્સનો ઉપયોગ કરે છે. દવાઓની આ માહિતી ફક્ત જાણકારી માટે આપેલ છે. તબીબોની સલાહ અને સારવાર સીવાય આ ડ્રગ્સ લેવાય નહીં. નવજાત શીશુને વજનનાં પ્રમાણમાં સલામત અને ચેપનો અસરકારક રીતે અટકાવ કરી શકે તેવો લઘુત્તમ ડોઝ આપવામાં આવે છે. મીસીસીપીની મહીલાની બાળકી (માતા અને બાળકી બંનેની ઓળખ તબીબોએ છુપાવી રાખી છે) તે મીસીસીપી બેબીને જન્મનાં ૩૦ કલાકની અંદર ત્રણ પાવરફુલ એન્ટીવાયરલ દવાઓનો ભારે ડોઝ આપવામાં આવે છે. મીસીસીપી મહીલા અને બેબીની સારવાર હાનાહ ગેનાં વડપણવાળી તબીબોની ટુકડીએ કરી હતી. મીસીસીપી બેબીને હાના  ગે દ્વારા ત્રણ એન્ટી-રિટ્રોવાયરલ ડ્રગ્સની સારવાર આપવામાં આવી હતી. આ સમય દરમ્યાન તબીબો ઈચ્છતાં હતાં કે બેબીનો ફરીવાર એચઆઈવી ટેસ્ટ કરવામાં આવે. તબીબોનાં દુર્ભાગ્યે મીસીસીપી મહીલા તેની બાળકી સાથે લગભગ દસ મહિના સુધી ગાયબ થઈ જાય છે. તબીબો મીસીસીપી બેબી સાથેનો સંપર્ક ગુમાવી બેસે છે.
મહીલા જ્યારે તેની બાળકીને લઈને, સારવાર માટે ફરીવાર તબીબો સામે હાજર થાય છે ત્યારે, તબીબોને આશ્ચર્યજનક આંચકો લાગે છે. મિસીસીપી બેબીએ લગભગ ૫ મહીનાથી એની રિટ્રોવાયરલ ડ્રગ્સ લેવાનું છોડી દીધું હોવા છતાં તેના શરીરમાં વાયરસનું નામોનિશાન ન હતું. સામાન્ય રીતે સારવાર દરમ્યાન એચઆઈવીના વાયરસ તેનો જીનેટીક કોડ, સેલના જીનેટીક કોડ સાથે જોડીને કોષોમાં સંતાઈ રહે છે. આવા કોષોમાં લોહીમાં રહેલાં રોગ પ્રતિરક્ષા પ્રણાલીનાં CD4 નામના શ્વેત કણોનો પણ સમાવેશ થઈ જાય છે. જ્યાં સુધી એન્ટી રિટ્રોવાયરલ ડ્રગ્સ થેરાપી ચાલુ હોય છે ત્યાં સુધી, વાયરસ પોતાની જાત છુપાવી રાખે છે કારણ કે ડ્રગ્સની ઝપટથી બચી શકાય. જેવી સારવાર અટકી પડે કે તરત જ વાયરસ પોતાની ઓરીજીનલ ''જાત'' બતાવી આપે છે.
મીસીસીપી બેબીના શરીરમાં લોહીના બધા જ ખુણેખાચરેથી તબીબોએ સોફીસ્ટીકેટેડ ટેસ્ટ કર્યા છે પરંતુ ત્યાં વાયરસની હાજરી મળી નથી. શરીરનાં અન્યકોષોમાં વાયરસ છે કે નહીં ? તે વાત તો હવે આવનારો સમય જ સાબીત કરી શકે. આ ઘટનાનાં તબીબી જગતમાં મોટા પ્રત્યાઘાતો પડયાં છે. યુની. ઓફ નોર્થ કેરોલીનાનાં ચેપલ હીલના ડો. ડેવિડ મારગોલીસ કહે છે કે મેં બેબીનો ડેટા જોયો નથી પરંતુ શક્ય છે કે ''બાળકીના શરીરમાં એચઆઈવી પ્રત્યે રેઝીસ્ટન્સ પેદા કરે તેવું સુપર કંટ્રોલર હોવુ જોઈએ.'' આવા સુપર કંટ્રોલરની શોધ ૨૦૦૦ના દાયકામાં થઈ હતી. શ્વેતકણોની સપાટી ઉપર CCR5 રિસેપ્ટર સપાટી સાથે જોડાઈ જવું પડે છે. છેવટે વાયરસ અન્યકોષો ઉપર હુમલો કરી તેમાં ઘુસી જાય છે. CCR5 માં જીનેટીકા ડિફેક્ટ (જનીનીક ખામી)ના કારણે વાયરસ તેને એટેચ થઈ શકતા નથી. યુરોપની પ્રજાનાં એક ટકા જેટલાં લોકોમાં જીનેટીક ડિફેક્ટવાળા સુપર કંટ્રોલર હોય છે.

તબીબો પણ સવાલ કરે છે કે ''મિસીસીપી બેબી''ના કિસ્સામાં એવો તે શો વૈજ્ઞાનિક ચમત્કાર થયો કે ''બેબી જેનો એચઆઈવી ટેસ્ટ રીપોર્ટ, શરૃઆતમાં બે ત્રણ વાર પોઝીટીવ આવ્યા પછી, સારવાર લીધા પછી અને 5 મહીના જેટલા લાંબા સમય સુધી સાવાર બંધ કર્યા પછી પણ એચઆઈવી ''નેગેટીવ'' આવે છે ?
મિસીસીપી બેબીનાં કિસ્સાને સમજાવતા ડો. હાનાહ ગે કહે છે કે ''બાળકીનો જન્મ થયા બાદ નવજાત શીશુનો ટેસ્ટ કરવામાં આવતા તે એચઆઈવી પોઝીટીવ જણાય છે. હવે માતાનો ટેસ્ટ કરતાં તે પણ એઈડ્સ ગ્રસ્ત માલુમ પડે છે. 'બેબી' ને એચઆઈવીનું ઈન્ફેક્શન છે એવી જાણ થતાં જ, તબીબો બાળકીને ૧૦૦ માઈલ દૂર આવેલ યુની.ઓફ મિસીસીપી સેન્ટરમાં મોકલે છે.'' ત્યારબાદની વિગતો આપણે આગળ જોઈ ગયા. તબીબો માને છે કે મિસીસીપી બેબીનાં કિસ્સામાં એચઆઈવીનું ઈન્ફેક્શન દુર કરી શકવામાં તબીબોને સફળતા મળી છે. તેનાં સંભવિત કારણો એ છે કે...
તબીબોનો ૩૧માં કલાકે બાળકીને લડાયક એન્ટીરિટ્રોવાયરલ ટ્રીટમેન્ટના ડોઝ આપવાનો નિર્ણય અને અમલ ખુબ જ મહત્વનો સાબીત થાય છે. દવાઓનાં કારણે વાયરસ શરીરના કોષો અને શ્વેતકણોમાં પણ છુપાઈ શકે તેવાં ''વાયરલ રીઝરવોયર'' (સગ્રહાલય - વાયરસ જમા થવાનું સ્થાન)ની રચના થતી જ અટકી જાય છે. એકવાર આવા સ્થાનોમાં વાયરસ ગુપ્તરીતે ગોઠવાઈ જાય તો એન્ટી રિટ્રોવાયરલ ડ્રગ્સનાં કારણે વાયરસ જેવાં બીજા વાયરસની પ્રતિકૃતી બનવાની ઘટના એટલે કે રિપ્લેકેશન અટકી જાય છે. પરંતુ વાયરસ જડમુળમાંથી ખતમ થઈ જતો નથી. જેવી સારવાર અટકી જાય કે થોડાક સમયમાં વાયરસ પોતાની વૃદ્ધિ અને સંખ્યા વૃદ્ધિ કરવા લાગે છે.

આધુનિક સારવારનાં કારણે ચેપગ્રસ્ત માતાથી ગર્ભસ્થ શીશુને ચેપ લાગવાની મુખ્ય ઘટનાઓ ગર્ભાવસ્થા, બાળ જન્મ અને સ્તનપાન છે. જો માતાની સારવાર ચાલુ ન હોય તેવા કિસ્સામાં ગર્ભસ્થ શીશુને ચેપ લાગવાની શક્યતા ૧૫% થી ૪૫% જેટલી રહે છે. પરંતુ ગર્ભાવસ્થા દરમ્યાન માતાને સારવાર આપવાની ચાલુ હોય, જન્મ સમયે નવજાત બાળકને ઈજા ન પહોંચે તેવું કરવામાં આવે તો માતા દ્વારા બાળકમાં વર્ટીકલ ટ્રાન્સમીશન થવાની શક્યતાં માત્ર બે ટકા જેટલી જ રહે છે.

WHO
ના આંકડાઓ બોલે છે કે દર વર્ષે વિશ્વમાં ૩ થી ૪ હજાર નવજાત શીશુ એચઆઈવીના ઈન્ફેક્શન સાથે જન્મે છે. જેમાંથી ૯૦% બાળકો આફ્રીકા ખંડના હોય છે. અમેરિકા જેવાં વિકસીત દેશોમાં ૨૦૧૦માં જ્યારે મીસીસીપી બેબીનો જન્મ થયો ત્યારે અમેરિકામાં માત્ર ૧૭૪ બાળકો જન્મની સાથે જ એચ.આઇ.વી.ની ભેટ લઇને જન્મ્યા હતા.
ડો. હનાહ ગેએ મિસીસીપી બેબીને સારવાર શરૃ કરી તેના ૨૯ દિવસથી જ તેનો એચ.આઇ.વી. ટેસ્ટ નેગેટીવ આવતો રહ્યો હતો. છતાં તકેદારીનાં પગલા રૃપે સારવાર ચાલુ રાખવામાં આવી હતી. મિસીસીપી બેબીનો કિસ્સો, નવજાત શિશુઓને 'એઇડ્સ'ના રોગથી બચાવવા માટે સારવાર નો 'મોસ્ટ વોન્ટેડ'એક્શન પ્લાન બની શકે તેમ હોવાથી, વૈજ્ઞાનિકો આ કિસ્સામાં વધારે રસ લઇ રહ્યા છે. ડો. હાનાર ગે તેમનાં મિત્ર કેથેરાઇન લુઝુરીઆગા અને નિષ્ણાત ડો. પેરસુદ ધ્વારા લેબોરિટરીની એક નેટવર્ક સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમાં તેઓ ચકાસવા માગે છે કે શું નવજાત શીશુને ચોક્કસ સમય સુધી સારવાર આપી, ત્યાર બાદ તેને સારવારમાંથી મુક્તિ આપી શકાય ખરી ?

આ પ્રયોગશાળાનું નેટવર્ક ઉભૂ કરવા માટે ન્યુયોર્કના ફાઉન્ડેશન ફોર એઇડ્સ રિસેર્ચએ ગ્રાન્ટ આપી છે. અહી અતિ આધુનિક પરીક્ષણો દ્વારા એચઆઇવી માટેના ટેસ્ટ કરવામાં આવશે. આ તબીબી- વૈજ્ઞાનિકોની ટુકડી મીસીસીપી બેબીના કિસ્સામાં એ પણ ચકાસવા માગે છે કે વાયરસો, બેબીને આપવામાં આવેલ ડ્રગ્સ સામે કાઉન્ટર એટેક જેવી અન્ય રક્ષણાત્મક ખૂબીઓ વિકસાવી લીધેલ નથી ને ? તબીબોએ શોધેલ સારવારના 'લુપહોલ્સ'શોધવાનાં બદલે 'એઇડ્સ'ને નાથવા માટે કેવા પ્રકારનાં પ્રયોગો થઇ રહ્યાં છે તે તરફ દ્રષ્ટીપાત કરીએ તો...

વૈજ્ઞાનિકો જીન સીઝર (જનીનીક કાતર) જેવી સારવારનાં પ્રયોગો કરી રહ્યા છે. જેમાં માનવરક્તમાં રહેલ શ્વેતકણો ઉપર CCR5 ને લગતાં જમીનનો નકશો વૈજ્ઞાનિકો કુત્રિમ રીતે બદલી નાખવાનાં પ્રયોગો કરે છે. વૈજ્ઞાનિકોને નવી શોધાયેલી વેરીનોસ્ટેટ નામની દવા ઉપર ખૂબ જ આશા છે. જે છુપાએલા એચઆઇવી વાયરસને, તેનાં રિઝરવોયરમાંથી બહાર કાઢવાની ક્ષમતા રાખે છે. ત્યાર બાદ વાયરસને અન્ય એની રિટ્રો વાયરલ ડ્રગ વડે સફાયો કરવાનું વૈજ્ઞાનિકો વિચારે છે. આ દવાઓની કલીનીકલ ટ્રાયલ ચાલું જ છે. વૈજ્ઞાનિકોએ આફ્રિકા ખંડની મહિલાઓને એઇડ્સથી બચાવવા ખાસ પ્રકારનો જેલી વિકસાવી છે. આ જેલી યૌન સંબંધ પહેલા અથવા સંબંધ બાંધ્યા પછી ૧૨ કલાકની અંદર યોનીમાં લગાવવાનો હોય છે. જેલીમાં ટેનોફોવીર નામનાં ઔષધનું ૧%નું મિશ્રણ હોય છે. આ જેલીથી અન્ય જાતીય રોગો સામે પણ રક્ષણ મળે તેમ છે.

વૈજ્ઞાનિકો  સ્ટેમ સેલનો ઉપયોગ પણ એઇડ્સની સારવાર માટે કરવા માંગે છ. ડેલ્ટા-૩૨ નામનું જીનેટીક મ્યુટેશન (જનીનીનુ બદલાવ)નાં કારણે કોષની સપાટી ઉપર CCR- 5 નામનાં રિસેપ્ટરનું પ્રોટીન બનતું નથી. જે કોષોમાં સપાટી ઉપર આ પ્રકારનું પ્રોટીન હોય તેની સામે જોડાઇ એચઆઇવી વાયરસ કોષમાં આસાનીથી પ્રવેશી શકે છે. ઉંદરના સ્ટેમ સેલમાં ખાસ પ્રકારનાં એન્ઝાઇમ્સ (ઉત્સેચકો) ઉમેરતાં CCR5  ડેલ્ટા- ૩૨ સેક્શનને તોડીને અલગ કરી નાખે છે. હવે રક્ત કોષ આધારીત આવા સ્ટેમ સેલ નવા કોષો રચાય છે. તેમાં ડેલ્ટા- ૩૨ જેવી ખામી હોય છે અને CCR-5 નું પ્રોટીન પેદા કરવાનાં કોડ હોતા નથી. ઉંદરો ઉપર આ પ્રયોગો સફળ થઈ રહ્યા છે.
મિસીસીપી બેબી એચ.આઇ.વી.ના ચેપને હરાવીને જંગ જીતી છે. ત્યારે આ સારવાર માટે લોકોની આશા વધી જાય તે જગજાહેર વાત છે. છતાં એક વાત કહેવી પડશે કે ''મિસીસીપી બેબી માટે વૈજ્ઞાનિકોએ  કોઇ નવી સારવાર શોધીને તેને રોગમુક્ત કરેલ નથી. ''હાલમાં અન્ય એઇડ્સનાં દર્દીઓ ઉપર આપવામાં આવતી સારવારનો જ ઉપયોગ મિસીસીપી બેબી ઉપર કરવામાં આવ્યો હતો. તબીબો મિસીસીપી બેબીને આપવામાં આવેલ એગ્રેસીવ એન્ટી રીટ્રોવાયરલ ટ્રીટમેન્ટનો ઉપયોગ બાળકનાં જન્મનાં પહેલા દિવસથી જ શરૃ કરી શકે તેમ છે.

સામાન્ય રીતે કોઇપણ ઔષધની અસરકારકતા, માનવ સમુહોની જાતી અને ભૌગોલિક સ્થાન પ્રમાણે બદલાતા રહે છે. અમેરિકનો ઉપર અસર કરનાર ડ્રગ્સ, આફ્રિકન જાતી ઉપર એટલું જ સફળ બને તેવી શક્યતા હોતી નથી. જાતીઓના કોમન જીનેટીક મેકઅપ, લાઇફ સ્ટાઇલ અને પર્યાવરણની અસરો પણ સારવારમાં ધ્યાનમાં લેવી પડે છે.

 જીવલેણ ''એચઆઇવી''ની સમયરેખા 

૧૯૮૧ - ન્યુમોનીયા અને ચામડીના કેન્સરનો નવો જ પ્રકાર સજાતીય સંબંધો ધરાવતા પુરૃષોમાં જોવા મળ્યો. જે ચેપી હતો. જેને છેવટે ''એકવાર્યા એમ્યુન ડિફેન્સીએન્સી સિન્ડ્રોમ (Aids) નામ આપવામાં આવ્યું.
૧૯૮૩ - લુક મોન્ટેરનીયર અને ફ્રાન્કોઇસ બેરે સિનોસીએ, એઇડ્સથી પીડીતા સજાતીય સંબંધો વાળા 'ગે'પુરૃષોમાં એક નવો રિહો- વાયરસ શોધી કાઢ્યો.
૧૯૮૪ - ડો. રોબર્ટ ગેલોએ એઇડ્સ માટે કારણભૂત વાયરસને HTLV- 3 શોધી કાઢ્યો.
૧૯૮૫ - હોલીવુડનાં સ્ટાર રોક હડસનનું 'એઇડ્સ'નાં કારણે મૃત્યું થયું.
૧૯૮૭ - એચ.આઇ.વી.નાં ઇન્ફેક્શન સામે અસરકારક ઝીડોવુડીન (AZT) નામની પ્રથમ એન્ટી વાઇરલ દવા ઉપલબ્ધ બની.
૧૯૯૦ - બ્રિટનનાં શોનીકાનેશની પ્રથમ વ્યક્તિ એક્ટર ઇઆન ચાર્લ્સસન એઇડ્સનાં કારણે મૃત્યુ પામ્યો.
૧૯૯૨ - પ્રથમ વાર બે કે તેથી વધારે એન્ટી રિટ્ટોવાયરલ ડ્રગ્સનો એઇડ્સની સારવારમાં ઉપયોગ શરૃ થયો.
૧૯૯૫ - પ્રોટીએઝ ઇન્હીબેટર નામનાં નવા પ્રકારનાં એની-રિટ્ટોવાયરલને બજારમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા.
૨૦૦૭ - કેન્સરની સારવારમાં બોનમેરો ટ્રાન્સપ્લાંન્ટ મેળવનાર ટીમોથી બ્રાઉન સારવાર બાદ ''એચઆઇવી''નો ચેપથી મુક્ત બનનાર વિશ્વની પ્રથમ વ્યક્તિ બન્યો.
૨૦૧૦ - મિસીસીપીની બાળકી ઉપર જન્મનાં ત્રીસ કલાકનાં સમયમાં જ 'એઇડ્સ'ની સારવાર શરૃ થઇ.
૨૦૧૩ - મિસીસીપી બેબીને એચઆઇવી મુક્ત જાહેર કરવામાં આવી સામે એચઆઇવીથી મુક્ત બનનાર વિશ્વની બીજી વ્યક્તિ અને પ્રથમ બાળકી બની.
 



No comments: