
હોલીવુડની ફિલ્મ 'ઈટરનલ સનસાઈન ઓફ ધ સ્પોટલેસ માઈન્ડ'માં પાત્રો નિષ્ફળ સંબંધોની યાદોને દૂર કરવામાં સફળ નિવડે છે. 'ટોટલ રિકોલ' ફિલ્મમાં પાત્ર ખોટી મેમરી ઈમ્પલાંન્ટ કરીને સોલાર સીસ્ટમની વરચ્યુઅલ ટ્રાવેલ કરે છે! સાયન્સ ફિક્શનનાં અજીબો ગરીબ તુક્કાઓ પણ સાચા ઠરે તે માટે ન્યુરો-સાયન્સનાં ખેરખાઓ કમર કસી રહ્યાં છે. મેમરીને કઈ રીતે ડિલીટ કરવી? મેમરીને કઈ રીતે ઈમ્પ્રુવ કરવી? અથવા નવી 'મેમરી'નું સર્જન કઈ રીતે કરવું ? વગેરે હોટ ટોપીકસ તેમનાં રિસર્ચ લીસ્ટાની ટોપ લાઈનમાં છે!
યાદદાસ્તની દુનિયા કઈ રીતે દોડે છે? ડો. ડેવીડ વોઝપુર કહે છે કે, તમે જે યાદ રાખો છો તે શરૃઆતમાં 'શોર્ટ ટર્મ' મેમરી તરીકે મગજમાં સ્ટોર થાય છે. થોડા સમય બાદ, કોમ્પ્યુટર સીસ્ટમની માફક મેમરીનો નવો ડેટા સ્ટોર કરવા જૂની 'મેમરી'ને મગજ આપમેળે દૂર કરે છે. જોકે મહત્વની વિગતો મગજમાં લાંબા ગાળા માટે સ્ટોર થાય છે. અને મનુષ્ય પોતાની ઇચ્છા મુજબ તેને ફરીવાર જાગૃત કરી શકે છે. જે પ્રક્રિયા કે માહિતી માત્ર યંત્રવત્ રીતે કશું વિચાર્યા વિના કરીએ છીએ ત્યારે ટુંકા ગાળાની મેમરી બની જાય છે. જે વસ્તુ લગાવ, ઈન્ટરેસ્ટ કે પેશન માફક કરીએ છીએ તે લાંબા ગાળાની યાદદાસ્ત બની જાય છે. મગજની 'મેમરી' સાથે કામ પાર પાડવાની પ્રક્રિયા ખૂબ જ જટીલ છે. મનુષ્યની મેમરી ડેટાનું ઈન્ફરમેશન પ્રોસેસીંગ, સ્ટોરેજ અને રિકોલીંગ એક અત્યંત જટીલ પ્રક્રિયા છે. જટીલ પ્રોસેનો તાગ મેળવીએ.

સાયકોલોજી એટલે કે મનોવિજ્ઞાનની ભાષામાં માહિતીનું સંકેતોમાં રૃપાંતર, તેનો સંગ્રહ અને ફરીવાર માહિતીની ઉપલબ્ધી પ્રક્રિયા એટલે મેમરી. કાંઈ જ યાદ ન રહે તો તેને 'ભૂલકણો' કહેવાય જેને મેડીકલ ભાષામાં 'એમ્નેશીયા' કહે છે.
જે દ્રશ્યમાન પદાર્થ કે ઘટનાને નજરોનજર જોઈ મેમરીનું સર્જન થાય છે તેને 'આઈકોનિક મેમરી' કહે છે. શ્રવણ શક્તિ, સાંભળેલી વાતોથી 'મેમરી' રચાય તો તેને 'ઈકોપીક મેમરી' કહે છે. શરીરનાં સંવેદનો, સ્પર્શ અને આવેગોથી જે મેમરી બને છે તેને 'હોટીક મેમરી' કહે છે. મેમરી લાંબા ગાળા કે ટુંકાગાળાની મેમરી તરીકે પણ ઓળખાય છે. તમે કોઈ પણ 'ચીજ' કેટલા સમય સુધી યાદ રાખી શકો છો તેનાં ઉપરથી મેમરીનું વર્ગીકરણ થાય છે.
કોઈ ખાસ ઘટના બને ત્યારે વ્યક્તિને તે સમયે તે શું કરતો હતો તે વાત તુર્તજ યાદ આવી જાય છે. જેમ કે રાજીવ ગાંધીની હત્યાનાં સમાચાર સાંભળ્યા ત્યારે તમે શું કરતાં હતાં? આવી યાદોને ફલેશ બલ્બ મેમરી કહે છે. વ્યક્તિ કોઈ ઘટના, પાત્ર, સ્થળ, ચીજવસ્તુ કે વ્યક્તિ સાથે લાગણીનાં તંતુઓથી જોડાઈ જાય અને જીવનભરની મીઠી યાદોમાં તેનું રૃપાંતર થઈ જાય તો આવી મેમરીને ઓટો-બાયોગ્રીફીકલ મેમરી કહે છે. જેમ સમય વિતતો જાય છે તેમ તેમ યાદો પણ ધુંધળી બનતી જાય છે. છેવટે ભૂલી જવાય છે. આવા મેમરી ફેઈલરને 'ટ્રાન્સીઅન્સ' કહે છે. જો બેધ્યાનપણાનાં કારણે તમે કોઈ ચીજ ભૂલી જાવ તો તેને 'એબસન્ટ માઈન્ડનેશ' કહે છે.
'મેમરી' સાથે મનુષ્યનાં બાળપણથી ઘડપણની ઘટના જોડાયેલી છે તેમ સાયકોલોજીથી જીનેટીક્સ પણ જોડાએલું છે. મગજની પ્રક્રિયાનો તાગ મેળવવા ન્યુરો-સાયન્સ વિકસ્યુ છે. ઘણા પ્રકારનાં માનસિક રોગો ખાસ પ્રકારની મેમરી સાથે સંકળાયેલા હોય છે. પ્રેમરોગ અને મેમરીને અતુટ સંબંધ છે. પ્રેમ આંધળો કહેવાય છે કારણ કે તે વાસ્તવિક આંખોથી નહી 'દિલ'થી જોવાય છે અને લાગણીને ખરેખર તો 'દીલ' કે 'હૃદય' સાથે નહીં મન, મગજ, બ્રેઈન કે જેને આત્મા કહીએ છીએ તેની સાથે સંબંધ છે.
ડિલીટીંગ મેમરી :

ચોક્કસ મેમરી ડિલીટ કઈ રીતે કરવી એ માટે વૈજ્ઞાનિકો 'મેમરી' કઇ રીતે લખાય છે, સ્ટોર થાય છે અને તેનું પુનઃ નિર્માણ કે યાદદાસ્ત કઇ રીતે તાજી થાય છે તે પ્રક્રિયાને ત્રણ મોડેલમાં સમજી રહ્યાં છે. નેચર ન્યુરોસાયન્સમાં છપાયેલ એક રિસર્ચ પેપર કહે છે કે કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્કનું ડિફ્રેગમેન્ટેશન થાય છે તે રીતે 'મેમરી' પણ સળંગ એકસૂત્રમાં લખાય છે. કોમ્પ્યુટરની હાર્ડડિસ્કમાં એક જ ટોપીક કે વિષય (ફાઇલ)ને લગતો ડેટા કોઇ એક સ્થાને લખાતો નથી પરંતુ સમય બચાવવા આ ડેટા જ્યાં જગ્યા ખાલી મળે ત્યાં પ્રોસેસર લખી નાખે છે. હવે અલગ અલગ જગ્યાએ લખાયેલ ડેટા વાંચતા કોમ્પ્યુટરની ઝડપ ધીમી પડે છે. આવા સમયે હાર્ડ ડિસ્કનું ડિફ્રેગમેન્ટેશન કરવામાં આવે તો, એક જ ફાઇલને લગતો ડેટા એક નવી ખાલી જગ્યામાં એક સાથે સળંગ લખાય છે, જેને ડિક્રેગમેન્ટેશન કહે છે. મગજમાં પણ 'મેમરી' અવારનવાર એક જગ્યાએ લખાય છે. આ પ્રોસેસમાં જો કષ્ટદાયક 'યાદો'ને ફરી લખવાનો મોકો ન મળે તો 'મેમરી' આપમેળે ડિલીટ થઈ જાય. વૈજ્ઞાનિકો 'મેમરી ડિલીટ'નો સરળ ઉપાય શોધી રહ્યાં છે.
મેમરી ડીલીટીંગ કેમીકલ :

વૈજ્ઞાનિકોએ 'લામુકુલીન એ' નામનું કેમિકલ શોધી કાઢ્યું છે જે 'એકટીન'ની ચેઇન પર સીધું અસર કરે છે. કષ્ટદાયક યાદોને દૂર કરવામાં ભવિષ્યમાં ખાસ પ્રકારનાં સિલેકટીવ ડ્રગ્સનું નિર્માણ થશે. અલગ અલગ પ્રકારની યાદદાસ્તોને દૂર કરવા અલગ અલગ ઔષધ કામે લાગશે.
જીનેટીક મેમરી :

એમઆઇટીનાં સંશોધક લી હુઇ સાઇ કહે છે કે ''યાદદાસ્તને ધીરે ધીરે ઝાંખી કરવાની પ્રોસેસ સાથે અન્ય જનીનોનો એક નાનો સમૂહ કામ કરે છે. આ ગુ્રપ ઉપર TET1 નિયંત્રણ કરતું હોય તેવું હાલનાં તબક્કે લાગી રહ્યું છે. સંશોધકો કહે છે કે TET1 ''મેમરી નાબુદી'' માટે જરૃરી છે પરંતુ તે જુની-પુરાની મેમરીને ઇરેઝ કે સાફ કરી નાખતું નથી. પીડાદાયક મેમરીથી બચાવનાં રસ્તા તે બતાવે છે. વૈજ્ઞાનિકોને TET1 અને મેમરી સાથે સંકળાયેલ અન્ય જનીન Npas4 વચ્ચેનાં સંબંધો સમજી રહ્યાં છે.
ખોટી મેમરી :- 'મેમરી ઈમ્પ્લાન્ટ'

માની લો કે એક ગુ્રપને કેટલીક ચીજ વસ્તુઓ ''મેમરી'' ટેસ્ટ માટે બતાવવામાં આવે છે. જેમાં સીવવાનાં દોરા, સીલાઈ મશીન, ઉન, પીન, બટન, કાપડ વગેરે છે. હવે આ ગુ્રપને દસ મીનીટ બાદ જોયેલી વસ્તુઓને યાદ કરી એક લીસ્ટ બનાવવાનું કહેતાં, ઘણા લોકો લીસ્ટમાં ''સોય''નો પણ સમાવેશ કરે છે. ખરેખર 'સોય' પ્રદર્શનમાં મુકવામાં આવી ન હતી. આમ મગજ અનુભવ અને ચીજવસ્તુને એક સાથે સાંકળીને 'ખોટી' ફોલ્સ મેમરીનું સર્જન કરે છે. વાસ્તવિક જીવનમાં પણ અન્ય રીતે મગજમાં ફોલ્સ 'ખોટી' મેમરી ઈમ્પ્લાન્ટ થઈ શકે છે.
'મેમરી'માં સુધારો કે 'બુસ્ટ' શક્ય છે ?

વૈજ્ઞાનિકો કહે છે કે તમારી ''મેમરી'' માટે તમારું સ્વાસ્થ્ય, લાગણીશીલતાનું લેવલ, તમારી માનસીક તનાવની અવસ્થા અને તમારો ખોરાક એ સારી યાદદાસ્ત માટે ખૂબ જ જરૃરી છે. ૨૦૧૩નાં જર્નલ ઓફ ન્યુરોલોજીનું સંશોધન બતાવે છે કે ''મેડીટેરીઅન ખોરાક લેનાર (જેમાં માછલી, સલાડ, ચીકન અને ચોખા) 'મેમરી' ટેસ્ટમાં વધારે પાસ થાય છે. કારણ ? તેમાં ખાસ પ્રકારનું ફેટી એસીડ ઓમેગા-૩ હોય છે. નવું શીખવા માટે અને શીખેલું લાંબા સમય સુધી યાદ રાખવા ઓમેગા-૩ ઉપયોગી બને છે. જેમનાં ખોરાકમાં ઓમેગા-૩ હોય છે તેના કારણે મગજના ચેતાકોષોમાં સંદેશા વ્યવહારમાં ઝડપી સુધારો જોવા મળે છે. એરોબેટીક કસરતનાં કારણે મગજનાં ''હાઈપો કેમ્પસ''ને તંદુરસ્ત લોહીનો જથ્થો મળતો રહે છે જે ''મેમરી'' વધારી શકે છે. પરદેશમાં લોકો 'મેમરી' ઈમ્પ્રુવ કરવા માટે કહેવાતાં સ્માર્ટ ડ્રગ્સ લે છે જેમાં, મોડાફીનીલ, રિટાલીન અને એડ્રોલાનો સમાવેશ થાય છે. આ દવાઓ માનસીક ચિકીત્સા માટે વપરાય છે. છતાં તેનો ઉપયોગ કરનારને લાગે છે કે દવાનાં કારણે તેની યાદદાસ્તમાં વધારો થયો છે. ખરેખર આ એક પ્રકારની ''પ્લાસી બો'' ઈફેક્ટ છે તેમ વૈજ્ઞાનિકો કહે છે. સુકા મેવા અને સીંગદાણામાં ઓમેગા-૩ હોય છે. અખરોટ અને બદામ ખાવાથી યાદદાસ્ત 'મેમરી'માં ચોક્કસ ફરક પડી શકે ખરો !'