Monday 31 March 2014

મનુષ્ય બદલાઈ રહ્યો છે?

 આપણા બધાનું (એટલે કે મનુષ્ય માત્રનું) મુળ એક જ હોય તો, આપણા બધાનો શારીરિક બાંધો કેમ એક સરખો નથી? મનુષ્ય જો કોઈ એક પૂર્વજની પેદાશ હોય તો, આપણે બધા દેખાવમાં એક સરખા કેમ નથી? મનુષ્ય એ ચિમ્પાન્ઝીની 'ઉત્ક્રાંતિ'નું ફળ હોય તો, હજી ઉત્ક્રાંતિ ચાલું જ છે? મનુષ્યનું શારીરિક બંધારણ ભવિષ્યમાં બદલાશે ખરું? બાયોલોજી એટલે કે જીવવિજ્ઞાન અને ઈવોલ્યુશન એટલે કે ઉત્ક્રાંતિ વિશે જો તમને થોડી ઘણી સમજ હોય તો, આ બધા સવાલ થવા સ્વાભાવિક છે. સવાલો ન થાય તો પણ, મનુષ્યને સ્વભાવગત જીજ્ઞાસા વૃત્તિથી આવા સવાલનાં ઉત્તર વાંચવા ગમશે! કારણ, અહીં તમારાં શરીરનો, તમારાં શારીરિક બંધારણનો મામલો છે. 'આઉટ ઓફ એડન' પુસ્તકમાં સ્ટીફન ઓપનહાઈમર કહે છે, 'યુરેશીયા અને બીજા પ્રાંતનાં લોકોની ચામડીનો રંગ અલગ અલગ છે. જ્યાં સૂર્યનાં કારણે પુષ્કળ પ્રકાશ મળતો હોય અને ગરમ પ્રદેશ હોય ત્યાં ચામડી જરા 'ડાર્ક' રહેવાની જ. ચામડીનો રંગ 'મેલાનીન' નામનાં રંગકણોને આભારી છે.' મંજુર. પર્યાવરણ ઉપરાંત જીનેટિક્સને પણ આપણાં શરીર સાથે સીધો સંબંધ છે. ઉત્ક્રાંતિનાં ચરખામાં મોટાભાગે 'જનીનો'નાં બંધારણનું જાળું કાંતવામાં આવે છે. ભૂતકાળમાં મનુષ્યનું ઓવર ઓલ શારીરિક બંધારણ અલગ હતું. આજે પણ અલગ છે! અને સદીઓ બાદ પણ આપણું બંધારણ બદલાતું રહેશે! સમયરેખા ઉપર સીધી ગતી કરતાં કરતાં શારીરિક બંધારણ વિશે થોડી સમજદારી કેળવીએ તો...

મનુષ્ય પ્રજાતિ પેદા થઈ ત્યારથી આપણે કેટલું બદલાયા છીએ?

 મનુષ્યની પ્રજાતી અસ્તિત્વમાં આવી ત્યાં ઉત્ક્રાંતિનો અંત આવતો નથી. સમય સાથે શારીરિક બંધારણ અને જીનેટીક ચેન્જ થતાં આવ્યાં છે. નવા જનિનોની ઉત્ક્રાંતિ સાથે આપણો શારીરિક બાંધો ભવિષ્યમાં બદલાશે એ વાત પણ નક્કી. હોમો-સેપીઅનનાં જન્મ સાથે જ બંધારણમાં વૈશ્વિક લેવલે અને સ્થાનિક લેવલે શારીરિક ફેરફાર થતાં આવ્યાં છે. મનુષ્યનાં શરીરનું કદ અને મગજનું કદ ધીમે ધીમે ઘટતું જાય છે. જીભનાં કદ અને દાંતનાં પ્રમાણ માપમાં ફેરફારો થઈ રહ્યાં છે. પર્યાવરણ, લાઈફ સ્ટાઈલ અને હવામાન આપણું બંધારણ બદલી રહ્યું છે. એક લાખ વર્ષ પહેલાં આપણા પૂર્વજોનાં હાડકા કરતાં આપણાં આજનાં હાડકાં ટૂંકા, હલકા અને કદમાં નાનાં થઈ ગયાં છે. છેલ્લાં દસ હજાર વર્ષનાં ઇતિહાસમાં આ ફેરફાર વધારે નોંધપાત્ર બની ગયો છે. જોકે છેલ્લી બે ચાર સદીથી મનુષ્યની ઉંચાઈ 'એવરેજ હાઈટ' કરતાં વધી રહી છે. શરીરનાં કદ પર અસર કરનારાં પરીબળો અને તેમની કાર્યપ્રણાલી ખરેખર જટીલ છે. જેમાં માત્ર જીનેટીક્સ, પર્યાવરણ અને લાઈફ સ્ટાઈલ અગત્યનો ભાગ ભજવે છે એવું નથી. મનુષ્યનો ખોરાક અને ટેકનોલોજીનો વિકાસ પણ તેમાં સહભાગી છે.
છેલ્લાં ૨૦ લાખ વર્ષમાં સજીવોનાં મગજનાં કદમાં ઉત્ક્રાંતિ દરમ્યાન વધારો થતો જોવા મળ્યો હતો. જે છેલ્લાં દસ હજાર વર્ષ પછી રિવર્સ ઓર્ડરમાં ચાલી રહ્યો છે. મનુષ્યનાં મગજનું કદ એક લાખ વર્ષ પહેલાં ૧૫૦૦ ક્યુબીઝ સેન્ટીમીટર જેટલું હતું. ૧૨ હજાર વર્ષ પહેલાં ૧૪૫૦ સીસી જેટલું થયું હતું. આજે એવરેજ બેઈન સાઈઝ ૧૩૫૦ સી.સી છે. આપણા જડબા અને દાંતનું કદ અને પ્રમાણ નાનું થઈ રહ્યું છે. હકીકતમાં કેટલાંક લોકોનાં જડબામાં 'ડહાપણની ડાઢ' સમાવી શકાય તેટલે જગ્યા બચતી નથી. દુખાવો થાય છે અને ડેનીસ્ટ આપણને 'ડહાપણની ડાઢ' કાઢી નાખી દુ:ખાવામાં રાહત આપે છે. છેલ્લી સદીમાં એક નવો ફેરફાર જોવા મળ્યો છે. ફ્લોરાઈડવાળી ટુથપેસ્ટ આવવાથી દાંતનાં ઈતેમલ કોટીંગની જાડાઈ વધી છે, જેનાં કારણે દાંતનું કદ થોડું વધ્યું પણ છે.

મનુષ્ય પોતાની 'ઉત્ક્રાન્તિ'ને કઇ રીતે અસર કરી રહ્યો છે ?

 ભુતકાલમાં આપણે ઉત્ક્રાન્તિનાં પરિબળોને સંતુલીત કરી આપણું પોતાનું અસ્તિત્વ સજીવ સૃષ્ટિમાં ટકાવી રાખ્યું છે. એટલું જ નહીં, આપણી સર્વોપરીતા પણ સ્થાપી દીધી છે. ભુતકાળમાં આપણે અસ્તિત્વ ટકાવવા માટે 'જીનેટીક એડપ્ટેશન' સ્વીકાર્યું હતું. આજે આપણું અસ્તિત્વ ટકાવવાની સ્પર્ધામાં બાયોલોજી કરતાં ટેકનોલોજી વધારે મોટું હથિયાર છે, જે મનુષ્યની ઉત્ક્રાન્તિને સીધી જ અસર કરે છે.
આધુનિક તબીબી સેવાઓ : ભુતકાળમાં પર્યાવરણ સામે ટકી રહેતાં માનવીએ તેનાં સશક્ત જનીનો તેનાં સંતાનોને વારસામાં આપ્યા હતાં. આજનાં આધુનિક તબીબીશાસ્ત્રનાં કારણે પહેલાં ન ટકી શકે તેવાં સંતાનો પણ તબીબી સહાયથી પોતાનું અસ્તિત્વ ટકાવી જાય છે. જે તેમનાં નબળા જનીનો પણ હવે વારસામાં આપતાં જાય છે. વ્યક્તિગત ધોરણે આધુનિક 'મેડીસીન' વધારે ઉપયોગી બની છે. પરંતુ, વસ્તીનાં કદ પ્રમાણે મનુષ્યનો જીનેટીક મેકઅપ બદલવામાં 'મેડીસીન' ક્ષેત્ર વધારે અસરકારક રહ્યું નથી. ભવિષ્યમાં ટકી રહેવા મનુષ્યને 'જીનેટીક એડપ્ટેશન' કરતાં 'મેડીસીન'/ તબીબી સુવિધાઓની વધારે જરૃર પડશે.
મૃત્યુદર : ૧૯૪૦નાં દાયકામાં એન્ટી-બાયોટીક દવાની શોધ / ઉપયોગ પહેલાં ચેપી રોગોનાં કારણે વિકસીત દેશોમાં મૃત્યુનું પ્રમાણ ૨૫% જેટલું હતું. એન્ટી-બાયોટીકનાં કારણે તેમાં માત્ર ૧ ટકાનો ફેરફાર થયો હતો. આજે એન્ટી-બાયોટીકનાં ઓવર ડોઝથી નુકશાનકારી બેકટેરીયા પ્રતિરક્ષાબળ મેળવી ચુકયા છે જેમનાં ઉપર એન્ટી-બાયોટીકની અસર થતી નથી. પૃથ્વી પર થતાં બધા મૃત્યુમાંથી ૪૦% મૃત્યુ આજે ચેપી રોગને કારણે થઇ રહ્યાં છે.
સરેરાશ આયુષ્ય - આજે સરેરાશ આયુષ્ય વધી રહ્યું છે. નવા જન્મેલાં બાળકો, પોતે બાળકો પેદા કરી શકે તેટલી ઉંમર સુધી તો અવશ્ય પહોંચી જાય છે. જેનું શ્રેય સારી તબીબી સેવાઓ અને સ્વાસ્થ્યલક્ષી સુવિધાઓ છે.
આપણાં 'જનીનો' માં સુધારો : મનુષ્ય એ પોતાનો 'જેનોમ' ઉકેલી લીધો છે. હવે ખામીયુક્ત 'જનીનો'ને પણ સુધારી શકાય છે. આવનારી સદીઓમાં જીનેટીકસ વધારે પાવરફુલ બનશે.

શરીરનાં અંગો :- કુદરતનો ''કરિશ્મા''

 પ્રકૃતિ, કુદરત કે પર્યાવરણ મનુષ્યનાં અંગો ઉપર કઈ રીતે અસર કરે છે ? આપણા દેખાવ પાછળ 'નેચરલ' મેજીક કરતાં 'નેસર'નું મેજીક વધારે છે. આપણી નજાકતતામાં પ્રકૃતિ કઈ રીતે પ્રાણ ફુંકે છે તેની એક ઝલક મેળવીએ...
* શારીરિક બાંધો :- ઠંડા પ્રદેશમાં રહેતા લોકો ટુંકા અને નાજુક હોય છે. તેમનાં શરીરનો સરફેસ એરીયા એટલે કે સપાટીનો વિસ્તાર ઓછો હોય છે. જેથી કરીને શરીરમાં રહેલ ઉષ્મા શરીરમાંથી જલ્દી બાષ્પીભવન પામી ન જાય. ગરમ પ્રદેશનાં લોકો પાતળા અને લાંબા અંગો વાળા હોય છે. તેમનાં વજનનાં પ્રમાણમાં તેમની ચામડીનો સરફેસ એરીયા વધારે હોય છે, જેથી ગરમી સહેલાઈથી બહાર નિકળી જાય અને વાતાવરણની ગરમી સામે શરીર ઠંડુ રહે.
* ચામડીનો રંગ :- ગૌર વર્ણની ચામડી સુર્યનાં અલ્ટ્રાવાયોલેટ કિરણોને અંદર ઉતરવા દે છે. જે શરીરમાં વિટામીન 'ડી' પેદા કરે છે. 'ડાર્ક' સ્કીનનાં કારણે ખૂબ જ વધારે પ્રમાણમાં સુર્યનાં અલ્ટ્રાવાયોલેટ કિરણો શરીરમાં ઉતરતા નથી. જો ચામડીમાં વધારે પ્રમાણમાં ેંફ  ઉતરે તો, કોષોમાં રહેલ વિટામીન અને ખનીજ તત્ત્વો નાશ પામે. ચામડીનું કેન્સર કે રોગ થઈ શકે.
* નાક :- ગરમી અને ભેજવાળા પ્રદેશમાં રહેતાં લોકોનાં નાક પહોળાં અને થોડા સપાટ હોય છે જેથી શ્વાસમાં જતી હવામાં ભેજ ઉમેરાય અને બહાર નિકળતી હવામાં ભેજ જળવાઈ રહે. ગરમ અને સુકા પ્રદેશમાં રહેતાં લોકોનાં નાક પાતળા અને અણીયાળાં હોય છે. સાંકડી નાસીકાનાં કારણે શ્વાસોશ્વાસ દરમ્યાન ફેફસામાં રહેલ ભેજનું પ્રમાણ ઘટતું અટકાવે છે. ઠંડા અને સુકા પ્રદેશમાં રહેતાં લોકોનાં નાક કદમાં નાના, પાતળા અને લાંબા હોય છે. જેનાં કારણે અંદર પ્રવેશતી હવા ભેજવાળી અને થોડી હુંફાળી બને છે. પ્રકૃતિને ખબર છે મનુષ્યનાં દેખાવમાં 'નાક'નો સવાલ કેટલો અર્થપુર્ણ છે.
* વાળ :- વાંકડીયા વાળનાં કારણે ગળા અને માથાનો ભાગ વધારે ખુલ્લો બને છે. જેથી માથું ઠંડુ રહે અને પરસેવો જલ્દી સુકાઈ જાય. ઠંડા પ્રદેશમાં રહેતાં લોકોનાં વાળ સીધા હોય છે. જે ગળા અને માથાને સંપૂર્ણ ઢાંકીને ગરમ રાખે છે. સીધા વાળનાં કારણે ઠંડો ભેજ સહેલાઈથી વાતાવરણમાં ભળી જાય છે. વાળની લાક્ષણિકતા પણ શરીરનું તાપમાન જાળવવા માટે પર્યાવરણ પ્રમાણે બદલાતી રહે છે.
* ચહેરાનો આકાર :- ટુંડ્ર પ્રદેશનાં એસ્કીમોનાં ચહેરા પર ચરબીનું વધારાનું થર હોય છે જે ચહેરાને ગરમાવો પુરો પાડે છે. ઉત્તર એશીયા અને ધુ્રવ પ્રદેશનાં લોકોનાં ચહેરા પહોળા અને સપાટ હોય છે જેથી 'હીમડંખ' 'ફ્રોસ્ટ બાઇટ' ની અસર ઘટાડી શકાય.
* મુખમુદ્રા :- જાડા હોઠનાં કારણે ચામડીમાં રહેલ ભેજનું ઝડપથી બાષ્પી ભવન થાય છે. જેનાં કારણે અંગ ઠંડુ રહે છે. જાડા હોઠનો સરફેસ એરિયા વધારે હોવાથી હોઠને ઠંડા રાખવા મનુષ્ય અવાર નવાર હોઠ પર જીભ ફેરવે છે. (અને ગરમાગરમ ઉત્તેજનાં મેળવા માટે પણ હોઠ પર જીભ ફેરવે છે.)
* આંખોનો રંગ : ઉત્તર અને પુર્વ એશીયામાં રહેતાં લોકોની આંખો ઝીણી હોય છે. જે બરફાળ પ્રદેશમાં યોગ્ય છે. બરફ ઉપર અથડાએલાં પ્રકાશનું તેજ વધારે પ્રમાણમાં આંખમાં ન જાય તે માટે આંખો નાની રહે છે. જયાં પ્રકાશની માત્રા ઓછી હોય ત્યાં વાદળી રંગની આંખો ઝાંખા પ્રકાશમાં પણ સુંદર દ્રષ્ટિ તેજ આપે છે. જયાં સુર્યપ્રકાશ વધારે હોય ત્યાં આંખોનો રંગ વધારે 'ડાર્ક' હોય છે જેથી વધુ પડતા તેજનાં કારણે આંખોમાં વધારે પ્રકાશ ન જાય.
* અલગ ખાસીયત :- ઓસ્ટ્રેલિયાનાં મુળ વંશજો હવામાન પ્રમાણે શારીરીક બંધારણની અલગ વિશેષતા ધરાવે છે. અહીં થોડા સમય માટે ઠંડા રણ પ્રદેશમાં તાપમાન ખુબ જ નીચું ઉતરી જાય છે ત્યારે, તેમનાં શરીર પણ નીચા તાપમાને આવી જતાં હોવા છતાં, ઠંડીને કારણે શરીરમાં જે પ્રકારની ધ્રુજારી અને ઠુઠવાઠ થતો હોય છે તેવું 'શીવરીંગ' થતું નથી. જુદા જુદા પ્રદેશનાં લોકો આવી આગવી લાક્ષણિકતાઓ ધરાવે છે. ખુબ જ ઉંચાઇએ રહેનારા લોકોને ઓકિસજન ઓછો મળે છે માટે, શરીરમાં ઓકસિજન વધારે સાચવી રાખવા તેમનું શરીર હિમોગ્લોબીન યુક્ત લાલ કણો વધારે પેદા કરે છે. ઉંચી પહાડીવાળા લોકોનાં ચહેરા 'ફુલ ગુલાબી' હોવાનું રહસ્ય આ વાતમાં છુપાએલું છે.

ભવિષ્યમાં આપણે કેવો દેખાવ ધરાવતાં હોઇશું ?

 ભવિષ્યની કલ્પના કરવી માનવીને ખુબ જ ગમે છે. અહીં સદીઓ પછીનાં મનુષ્યનું શારીરીક બંધારણ મુલવવાનો પ્રયાસ કર્યો છે. આપણાં ભવિષ્યની કલ્પના પણ આપણાં ભુતકાળનાં અનુભવમાંથી આવે છે. આપણાં કેટલાંક અંગત મંતવ્યો છે કે જે અંગોનો વધારે ઉપયોગ થાય છે તે મોટા બને છે. જેનો ઉપયોગ નહીવત અથવા સદંતર થતો નથી તે નાના બને છે અને કાળક્રમે લુપ્ત થતાં જાય છે. જો એમ જ હોય તો ટેકનોલોજીનાં કારણે આપણા અંગો મજબુત બનશે ? ટી.વી. સ્ક્રીન વગેરે વધુ જોવાથી મનુષ્યની આંખો ચોરસ થઇ જશે ખરી ? મનુષ્ય મગજનો વધારે ઉપયોગ કરે છે તો, સાયન્સ ફિકશન ફિલ્મોમાં આવતાં પાત્રની માફક ચહેરા કરતાં મગજનું કદ અતિશય મોટું થઇ જશે ખરૃં ? મોટા ભાગની આ માન્યતાઓ જીવ વિજ્ઞાન કે ઉત્ક્રાંતિનાં સિધ્ધાંતોને અનુરૃપ હોતી નથી. આપણે ખરેખર જાણતા નથી કે સદીઓ પછીનાં મનુષ્યનું શારીરિક બંધારણ કેવું હશે ? છતાં કેટલાંક ફેરફારોની આગાહી વૈજ્ઞાનિકો કરે છે જેમાં..
* દાંત :- દાંતની સંખ્યામાં ઘટાડો નહીં થાય પરંતુ પોચો અને ઓછો ખોરાક મનુષ્ય ચાવવાનો રાખશે તો, જડબાનું કદ નાનું બની જાય એવું બને ખરૃં.
* વિશાળ મગજ :- માથાનો આકાર વધે તો, સ્ત્રીનાં જાતિય અંગોમાં પણ ફેરફાર થાય. મનુષ્યની ચાલવાની ઢબ, ટટ્ટાર ઉભા રહેવાની આદત અને સ્ત્રીનાં ગર્ભાશયથી જન્મ દ્વાર સુધીનાં માર્ગને વિશાળ મગજ નડતરરૃપ બને ખરૃં. જો મનુષ્યનાં મગજનું કદ વધશે તો, નક્કી છે કે સ્ત્રીઓનો નિચલો ભાગ જરૃર કદની દ્રષ્ટિએ બદલાશે.
* નાનાં કદનું મગજ :- છેલ્લાં કેટલાંક સમયથી મગજનું કદ ઘટતું આવે છે. જો કે મગજનાં કદનો અને મનુષ્યનાં શરીરનાં કદનો સીધો સંબધ રહ્યો છે. આ બંનેનાં કદનો ગુણોત્તર અત્યાર સુધી બદલાયા વગર રહ્યો છે. શક્ય છે. મગજનાં કદમાં ફેરફાર થશે તો શરીરનાં કદમાં પણ સમપ્રમાણ ફેરફાર થશે જેથી બંનેનો ગુણોત્તર બદલાયા વગરનો 'અચળ' રહેશે.
* શરીરનું કદ : છેલ્લાં ત્રણસો વર્ષથી મનુષ્યનાં શરીરનું કદ વધી રહ્યું છે પરંતુ તે અસામાન્ય રીતે ખુબ જ વધશે નહીં. જો શરીરનું કદ બદલાય તો નિશ્ચિત છે કે શરીરનો આકાર પણ બદલવો જ પડે.

શારીરિક વૈવિધ્ય : મનુષ્યની સુંદરતામાં વધારો...

 આજકાલ સ્ત્રી અને પુરૃષનાં દેખાવમાં ઘણું જ વૈવિધ્ય જોવા મળે છે. અધધધ થઈ જવાય તેટલાં વૈવિધ્યનાં કારણે આપણી સુંદરતા અને કદરૃપતાની વ્યાખ્યા પણ બદલાઈ જાય તેટલી 'વેરાઈટી' આજે જોવા મળે છે. જો હોમો-સેપીઅન આફ્રીકા ખંડમાંથી આવ્યો હોય તો પણ, આપણે બધા આજે કાળા હબસી જેવો કદાવર બાંધો ધરાવતાં નથી. એક લાખ વર્ષ પહેલાં આફ્રિકા છોડી મનુષ્ય પૃથ્વીનાં બીજા ખંડ તરફ જવા લાગ્યો તેનાં કારણે આટલું બધું વૈવિધ્ય આવી ગયું છે. તેઓ અલગ અલગ ક્લાઈમેંટનાં કોન્ટેક્ટમાં આવ્યા અને નવો દેખાવ મેળવતાં રહ્યાં હતાં.
તાજેતરમાં થયેલ ઘશછ નો અભ્યાસ બતાવે છે કે નવા પર્યાવરણનાં સ્વીકાર સાથે મનુષ્ય ચહેરે મહોરે નવો દેખાવ પામતો રહ્યો છે. છેલ્લા ચાલીસ હજાર વર્ષમાં 'ઘશછદ નાં બદલાવનો દર ખૂબ જ વધુ રહ્યો છે. દેખાવમાં તેનાં કારણે ઉત્ક્રાંતિ નહીં. એક નવીન ક્રાંતિ આવી છે. ચહેરા વધારે સોહામણા અને લોભામણા થઈ રહ્યાં છે. કદાચ મનુષ્ય પ્રજાતીનો વંશવેલો ટકાવી રાખવા આ 'મેજીક' જરૃરી છે. ચુંબકીય આકર્ષણ છેવટે તો શારીરિક બંધારણમાંથી જ પેદા થાય છે ને. આજે પણ મનુષ્યનાં જેનોમમાં રોગોનાં સ્વીકાર/અસ્વીકારનું વલણ અને ચામડીનો રંગ સતત પ્રકૃતિને આધીન 'નેચરલ સીલેકશન' તરફ જઈ રહ્યો છે.
ચામડી, આંખ, વાળ અને શારીરિક વળાંકોને નવો આકાર અને આયામ 'જીનેટીક્સ' આપી રહ્યું છે. તેટલું જ તે પર્યાવરણનાં કારણેથી પ્રભાવિત પણ બની રહ્યું છે. લાંબાગાળે પર્યાવરણ જનીનોમાં તેને અનુરૃપ ફેરફાર કરીને જ જંપે છે. એક નિશ્ચીત માનવ સમુદાયમાં તેની સામુહીક અસર પણ જોવા મળે છે.


No comments: