Monday 7 January 2013

જ્યારે એક યહુદી હિટલરના 'જર્મની'ને પોતાનો કીમતી પ્રાચીન ખજાનો સોંપે છે

ઈજીપ્તના ઇતિહાસનું રહસ્યરંગી પાત્ર- રાણી નેફરતીતી..

ફ્‌યુચર સાયન્સ - કે.આર ચૌધરી

- ઈજીપ્તનાં ઇતિહાસ વિશે ઓછું જાણનાર માણસનાં કાને પણ બે નામ અવશ્ય પડયાં હોય છે. એક સૌંદર્ય સામ્રાજ્ઞાી નેફરતીતી અને બીજો ફારોહ તુતેન-ખામોન.

'અને અચાનક અમારા હાથમાં ઈજીપ્તનાં પ્રાચીન આર્ટ વર્કનો જીવંત નમુનો હતો. તમે તેને શબ્દોમાં વ્યક્ત કરી ન શકો. તમારે તેને નિહાળવું જ રહ્યું.' આ શબ્દો લુડવીગ બોખાર્ત નામનાં જર્મન પુરાતત્વવિદે તેને જગપ્રસિદ્ધ શોધ કર્યા પછી તેની ડાયરીમાં નોંધ્યાં હતાં. તેની જગપ્રસિદ્ધ શોધ હતી ચુનાનાં પથ્થરમાંથી કોતરી કાઢેલ ઈજીપ્તની રાણીનું ખભાથી ચહેરાનાં ભાગનું 'બસ્ટ.' ઈજીપ્તના ઇતિહાસમાં તે 'મોનાલીસા' માફક પ્રખ્યાત છે. ઈજીપ્તનાં પ્રાચીન નમુનાઓમાંથી આ રાણીનાં શીર્ષશિલ્પની સૌથી વધારે નકલ થયેલી છે.
૬ ડિસેમ્બર ૧૯૧૨નાં રોજ આ શોધની એક સદી પુરી થઇ છે. તેનાં ઇતિહાસ ઉપર વિશ્વ યુદ્ધ બાદ જર્મન પ્રજાએ પડદો પાડી દીધો હતો. અન્ય હકીકત હવે દુનિયાની સામે આવી રહી છે. ઈજીપ્તનાં પ્રાચીન ખજાનાની પ્રસિદ્ધિ પામેલ રાણી એટલે 'નેફરતીતી'. ઈજીપ્તનાં ઇતિહાસ વિશે ઓછું જાણનાર માણસનાં કાને પણ બે નામ અવશ્ય પડયાં હોય છે. એક સૌંદર્ય સામ્રાજ્ઞાી નેફરતીતી અને બીજો ફારોહ તુતેન-ખામોન. નેફરતીતીનાં નામનો અર્થ થાય સૌંદર્યની શ્રેષ્ઠતાનું આગમન.
નેફરતીતી ઈજીપ્તનાં અઠારમાં વંશનાં ફારોહ અખ્તાતેનની પટરાણી હતી. તેનાં રોયલ વંશ કે જન્મ વિશે ઇતિહાસ ચુપ છે. ઇતિહાસકારોની દલીલ મુજબ નેફરતીતી રજવાડી ખાનદાનનું ફરજંદ હતી અથવા... પરદેશી રાજકુમારી હતી અથવા... સરકારનાં ઉચ્ચ અધિકારીની પુત્રી હતી. તેનાં પિતાનું નામ હતું 'આય', જે ફારોહ તુતેન ખામોનનાં અવસાન બાદ ઈજીપ્તનો ફારોહ બન્યો હતો. નેફરતીતીએ પણ ટૂંકા ગાળા માટે રાજવહીવટ ચલાવ્યો હતો. તેણે છ રાજકુમારીને જન્મ આપ્યો હતો અને તેમાંની એક 'આંખેએનપાતેન' નેફરતીતીનાં જ સાવકા પુત્ર અને પ્રખ્યાત તુતેન-ખામોનને પરણી હતી. ફારોહ અખ્તાતેનનું શાસન ચાલુ થયા બાદ લગભગ બારમા વર્ષ બાદ, ઈજીપ્તનાં ઇતિહાસમાંથી 'નેફરતીતી'નું નામ ગાયબ થઈ જાય છે. કારણ... એક રહસ્ય જેવું છે.
નેફરતીતીએ નવું નામ ધારણ કર્યું હતું કે તેનું અવસાન થયું હતું? એક મત એવો પણ પ્રવર્તે છે કે નેફરતીતીની હત્યા થઈ હતી. ઇજીપ્તનાં ઇતિહાસમાં મૃત્યુ બાદ નેફરતીતી એક 'રહસ્ય' બની ગઈ છે.ચુનાનાં પત્થરમાંથી કોતરેલ તેનું માથાથી ખભા સુધીનું પત્થરનું બાવલું મળ્યું છે. પરંતુ તેનું દફનાવેલ 'મમી' મળ્યું નથી. અથવા તેનું 'મમી' મળ્યું હોય તો તેની ઓળખ પ્રસ્થાપિત થઈ શકી નથી.
૨૦૧૦માં બે અલગ અલગ 'મમી' નેફરતીતીનાં હોવાનું ચચાર્યું હતું. વૈજ્ઞાાનિકોએ તેને 'ડિએનએ ટેસ્ટ' વડે ચકાસી જોયું હતું. રિપોર્ટ નેગેટીવ અવ્યો હતો. મતલબ કે બે માંથી એક પણ 'મમી' નેફરતીતીનું ન હતું. જુન ૨૦૦૩માં આર્કિયોલોજીસ્ટ જોઆન ફલેચરે જાહેરાત કરી હતી કે વેલી ઓફ કીંગ તરીકે જાણીતા સ્થળેથી, KV35 નામનાં ખંડમાંથી મળેલ 'ધ યંગર લેડી'નું મમી જ નેફરતીતીનું મમી છે. ડિસ્કવરી ચેનલે 'નેફરતીતી'નાં મમીને શોધવાનું અને ઓળખવાનું અભિયાન આ આર્કિયોલોજીસ્ટ 'જોઆન ફલેચર'ને સોપ્યું હતું. કેન્ટ વિકસ અને પિટર લોકાવારા સહીતનાં અનેક ઈજીપ્તોલોજીસ્ટ, ફલેચરનાં દાવાનુ ખંડન કરતાં કહે છે કે 'ડિએનએ' ટેસ્ટ સીવાય વ્યક્તિની ઓળખ પ્રસ્થાપિત કરવી અશકય છે. આમ આજદીન સુધી નેફરતીતીનાં મમી વિશે એક રહસ્યમય પડદો પડેલ છે. નેફરતીતીનું ચૂનાનું કોતરેલ ચહેરાનું શિલ્પ મળી આવ્યું છે.તેનું સીટી સ્કેન કરી, આ ચહેરાને મળી આવેલ સ્ત્રી મમીનાં ચહેરાઓ સાથે પણ સરખાવવામાં આવ્યા છે. વૈજ્ઞાાનિકોને ચહેરાનાં આધારે મમીની ઓળખ કરવામાં પણ નિષ્ફળતા મળી છે. સીટી સ્કેનમાં રિપોર્ટ, જર્નલ ઓફ રેડિયોલોજીમાં પ્રકાશીત થઈ ચૂક્યાં છે.
'ધ યંગર લેડી'નાં મમીને નેફરતીતીનું મમી ગણવાની વાત પણ નિષ્ણાંતોએ ફગાવી દીધી છે. કારણ કે તેનાં સીટી સ્કેનનાં રીપોર્ટ તુતેન ખામોનની બાયોલોજીકલ મધર, ઈમ્હેનોતોપ અને રાણી 'તીય'ની પુત્રીને મળતાં આવે છે. આમ નેફરતીતીનો દાવો રદ થાય છે. ૨૦૦૧માં 'ધ એલ્ડર લેડી'નાં મમીનો વિવાદ ચગ્યો હતો. આ મમી નેફરતીતીનું માનવામાં આવતું હતું. પરંતુ ડિએનએ ટેસ્ટ બાદ માલુમ પડયું કે આ મમી રાણી  તીયનું છે. આમ વૈજ્ઞાાનિક પરીક્ષણમાં ધ એલ્ડર લેડીનું મમી 'રાણી 'તીય'' અને ધ યંગર લેડીનું મમી રાણી 'તીય'ની પુત્રીનું હોવાનું સાબીત થયું છે. ઇતિહાસમાં કલીપોપેત્રા બાદ, નેફરતીતી પ્રાચીન ઈજીપ્તનાં પ્રશ્ચિમીજગતની કલ્પનામાં એક 'આયકન' બની ચુકી છે. જેનાં ઉપર 'મીસીંગ લીંક ઈન આર્કિયોલોજી'નામનું પુસ્તક લખવામાં આવ્યું છે. નેફરતીતીને જગત સામે લાવનાર એક સદી બાદ, ફરીવાર જર્મન પ્રજાની નજરમાં 'હિરો' તરીકે રજુ કરવામાં આવશે. જેણે બર્લીનનાં મ્યુનિયમને પ્રાચીન કિમતી ખજાનો જે તેની માલીકીનો હતો તે જર્મનીને સોંપી દીધો હતો. માનવામાં ન આવે તેવી એક વાત છે. એક યહુદીએ પોતાનો ખજાનો જર્મન મ્યુઝીયમને સોંપી દીધો હતો.
બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન એડોલ્ફ હિટલરે, યહુદીઓનું યુરોપમાંથી કાસળ કાઢી નાખવાનાં પ્રયત્નો કર્યા હતાં. જર્મન અને યહુદી વચ્ચેનો વેરભાવ ઇતિહાસમાં અમર થઈ ગયો છે. આવા દુશ્મનીનાં યુગમાં એક યહુદી દિલ દઈને માતૃભૂમિ 'જર્મની' માટે કામ કરે તે એક અનોખી ઐતિહાસીક મિસાલ છે.
પ્રાચીન દુનિયાની મોનાલીસા ગણાતી ઈજીપ્તની રાણી નેફરતીતીનું ચહેરાનું શિલ્પ, નવા રંગરૃપમાં જર્મનીનાં નેયુસ મ્યુઝીયમમાં સહેલાણીઓનાં આકર્ષણનું કેન્દ્ર બનશે. આજથી એક સદી પહેલાં જર્મન આર્કિયોલોજીસ્ટ લુડવીંગ બોખાર્ત દ્વારા તેની શોધ કરવામાં આવી હતી. કલાનો આ સુંદર નમુનો ૩૪૦૦ વર્ષ પ્રાચીન છે. સૂર્યની પુજા કરનારા ફારોહ અખ્નાતેનની પત્નીનું આ ચહેરાનું શિલ્પ પહેલીવાર ૧૯૨૩માં બર્લીન મ્યુઝીયમમાં મુલાકાતીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. ઈ.સ. ૧૯૧૨માં ઈજીપ્તનાં આમરાણા ક્ષેત્રમાંથી ખોદકામ કરીને આર્કિયોલોજીસ્ટ લુડવીના બોખાર્ન દ્વારા તેને મેળવવામાં આવ્યું હતું. આટલી હકીકત વિશ્વ સમક્ષ જગજાહેર છે. બહુ ઓછા લોકો જાણે છે કે ઈજીપ્તમાં સંશોધન અને ખોદકામ કરવા માટેનાં નાણા અને સહાય જર્મનીનાં તે સમયના માલેતુજાર એવા એક યહુદી હેનરી જેમ્સ સિમોને પુરા પાડયા હતાં. જેમ્સ સીમોન કલાના કદરદાન, દાનેશ્વરી, દયાળુ અને પરોપકારી હતાં. તેમણે વિશ્વભરમાંથી મેળવેલ કલાનાં નમુનાઓ અને અન્ય કીમતી ખજાનો, બર્લીન સ્ટેટ મ્યુઝીયમને દાનમાં આપ્યો હતો. આ ખજાનામાં જગવિખ્યાત નેફરતીતીનાં ચહેરાનું શિલ્પ પણ સામેલ હતું.
જેમ્સ સિમોન યહુદી સુતરાઉ કાપડનાં વેપારીનું સંતાન હતાં. તે સમયની જર્મન વગદાર વ્યક્તિમાં જેમ્સનું સ્થાન હતું. જર્મનીનાં સમ્રાટ વિલ્હેમ બીજાની સાથે તેઓ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ભાગ લેતા હતાં. રજવાડી ખાનદાન સાથેનાં તેમનાં સંબંધોને યહુદી સમાજ પણ ઇર્ષ્યાની નજરે જોતો હતો. જર્મનીનાં સમ્રાટ વિલ્હેમ બીજાને આર્કિયોલોજીમાં પુષ્કળ રસ હતો. જેમ્સ સિમોન પણ આર્કિયોલોજીનાં દિવાના હતાં. ૧૯૧૧માં તેમણે ફારોહ સખ્તાતેનનાં શહેર આમર્ણામાં ખોદકામ કરવા પુરાત્વવિદ્ લુડવીગ બોખાર્તને આમંત્રણ આપીને બોલાવ્યા અને સંપૂર્ણ નાણાકીય મદદ પુરી પાડી હતી.
જર્મનીનાં યહુદી કબ્રસ્તાનમાં જેમ્સ સીમોનને દફન કરવામાં આવ્યા છે. બીજા વિશ્વયુદ્ધ પૂર્વની યહુદી સમાજની આગેવાની પણ તેમની પાસે હતી. આજે બર્લીન મ્યુઝીયમમાં વર્ષે દહાડે પાંચ લાખ લોકો 'નેફરતીતી'નાં દર્શન કરે છે. મ્યૂઝિયમનું મુખ્ય આકર્ષણ નેરફતીતી ગણાય છે. એ વાત શંકાથી ઉપર છે કે જો આ યહુદીએ તેનો ખજાનો 'મ્યુઝિયમ'ને સોંપ્યો ન હોત તો, મુલાકાતીઓની સંખ્યા આટલી ન રહેત.
બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન એડોલ્ફ હિટલરે યુરોપનો નકશો બદલવાની કોશીશ કરી હતી. યહુદીઓ તેનાં જાની-દુશ્મન ગણાતા હતાં. આ એક માત્ર કારણસર જર્મન ઇતિહાસનાં પુસ્તકોમાંથી ૧૯૩૩ પછી જેમ્સ સીમોનનું નામ કાઢી નાખવામાં આવ્યું હતું. જર્મનીનું ખ્યાતનામ 'દર સ્પીગેલ' નોંધે છે કે 'અન્ય મિડલ કલાસ યહુદીઓ માફક જર્મનનાં સાંસ્કૃતિક વારસાને વિકસાવવાનું કામ જેમ્સ સીમોને કર્યું હતું. સામાજિક સમસ્યાનાં ઉકેલ માટેનું તેમનું યોગદાન પણ અમુલ્ય હતું.'
બીજા વિશ્વયુદ્ધ પછી પશ્ચિમ જર્મનીમાં જેમ્સ એક ખોવાયેલ વ્યક્તિત્વ બની ગયા હતા. ખેર, ફરીવાર 'નેફરતીતી' ચર્ચામાં આવી, તેના ચહેરાની કલાકૃતિ મળ્યાને એક સદી વીતી ચુકી છે. એટલે મ્યુઝીયમ તેને ઉજવણી સ્વરૃપે જગત સમક્ષ મુકવા માંગે છે. અને એકવાર કલાનો કદરદાન જેમ્સ સીમોન ફરીવાર જર્મની ઉપરાંત વિશ્વનાં મીડીયા અને પત્રકારોની નજરમાં આવી ચુકયો છે. કેરોલા વેડેલ નામની ફિલ્મ નિર્દેશીકા એક ટેલીવિઝન ડોક્યુમેટરીમાં બનાવી રહી છે જેનો કેન્દ્રવર્તી વિષય નેફરતીતી અને જેમ્સ સિમોન છે.
ડોક્યુમેન્ટરી જેમ્સની જિંદગીનાં દિવસો દર્શાવાયા છે. શાળાનાં અભ્યાસ દરમ્યાન જેમ્સને પ્રાચીન ઇતિહાસમાં રસ પડવા લાગ્યો હતો. પરંતુ તેમના કુટુંબીજનોએ ઇતિહાસનો અભ્યાસ છોડીને જેમ્સને પિતાનાં ધંધામાં જોડાવા માટે દબાણ કર્યું હતું. સીમોન બ્રધર્સ નામની કોટન કંપનીનું એ સમયનું ટર્નઓવર ૫ કરોડ જર્મન રૃપિયાનું હતું. જેમાંથી તેમને વર્ષે ૬૦ લાખ જર્મન રૃપિયાની ચોકખી કમાણી થતી હતી. જેમ્સ સીમોને પોતાની આવકનો ૨૫ ટકા હિસ્સો કલા પાછળ અને સમાજ સેવાનાં કાર્યોમાં વાપર્યો હતો. તેમની નાણાકીય સહાયથી બર્લીનની નેશનલ ગેલેરીનું ૧૮૭૬માં ઓપનીંગ કરવામાં આવ્યું હતું. જ્યારે વિશ્વમાં પેરીસ અને લંડનની આર્ટ ગેલેરીનાં અન્ય દેશોમાં પ્રદર્શન અને નામનાં વધવા માંડી ત્યારે, બર્લીનની આર્ટ ગેલેરીના ગણ્યાગાંઠયાં પ્રદર્શનો થયા હતાં. મુખ્ય કારણ એ હતું કે દર્શનાર્થીઓને બતાવવા માટે આર્ટ ગેલેરી પાસે કોઈ મોટો ખજાનો ન હતો. આવા કપરાં કાળમાં સીમોન આર્ટ ગેલેરીની મદદે આવ્યા હતાં. ૧૮૮૫માં યુરોપની નવજાગૃતીકાળ 'રેનેસાં'ને લગતાં પેઈન્ટીંગ તેમણે આર્ટ ગેલેરીને દાનમાં આપ્યા હતા, જેમાં જગવિખ્યાત 'રેમ્બ્રા' કલાકારનાં ચિત્રો પણ હતા. આ ઉપરાંત જાણીતી ચિત્રકાર બેલીની અને મોન્તેરના ચિત્રો પણ તેમણે દાનમાં આપી દીધા જેની કિંમત કરોડો ઉપજે તેમ હતી.
છેલ્લે વારો આવ્યો મધ્યકાલીન ઇતિહાસ અને પ્રાચીન ઇતિહાસ, બેબીલોનની કલાકૃત્તિઓનો. જર્મન આર્કિયોલોજીસ્ટ બ્રિટીશ અને ફ્રેન્ચ આર્કાયોલોજીસ્ટ સામે સ્પર્ધામાં ટકી શકે માટે તેમણે પુરાતત્વનાં ખોદકામ માટે નાણાકીય સહાય આપવાની શરૃઆત કરી દીધી હતી. તે સમયનાં કાયદા કાનુન પ્રમાણે, જે ઐતિહાસિક નમુનાઓ મળે તેમાંથી અડધોઅડધ એટલે કે ૫૦ ટકા કલાકૃતિઓ ઉપર જેમ્સ સીમોનનો હક્ક હતો. આ પ્રમાણે તેમને ઘણી પ્રાચીન કીમતી ખજાનાની દુર્લભ વસ્તુઓ પ્રાપ્ત થઈ હતી. જેમાં 'નેફરતીતી'નું અર્ધ-શીલ્પ પણ સામેલ હતું. સીમોને 'નેફરતીતી'નાં ચહેરાનાં શીલ્પને બર્લિન મોકલવાની વ્યવસ્થા કરી હતી. ૧૯૨૦માં આ દુર્લભ કલાકૃતિ તેમણે બર્લીન સીટી મ્યુઝીયમને ભેટમાં આપી દીધી હતી.
અહીં સીમોનની પરોપકાર વૃત્તિનો અંત નથી આવતો. ૧૮૮૯માં તેમણે શહેરમાં વિશાળ પબ્લીક બાથ બનાવડાવ્યું હતું. કામદાર વર્ગનાં બાળકો માટે એક કલબ ખોલવામાં આવી. જેનો ખર્ચ સીમોને પુરો પાડયો હતો. ૧૯૦૬માં લાવારીશ, તરછોડાએલા બાળકો માટે અનાથાશ્રમ તેમણે શરૃ કર્યું હતું. વિશ્વયુદ્ધનાં વાદળો ધેરાવા લાગ્યા હતાં તેવા સમયે યહુદીઓને જર્મની છોડીને અમેરિકા અને પેલેસ્ટાઈન જેવા પ્રદેશોમાં જવા માટે લાખો રૃપીયાનું રોકાણ કર્યું હતું. કહેવાય છે નસીબ હમેશાં સાથ આપતું નથી.
૧૯૨૫માં જેમ્સ સીમોન આર્થિક કટોકટીમાં આવી ગયા. તેમને પોતાનો ધંધો સંકેલી લેવો પડયો. વિશાળ જાજરમાન વિલા છોડીને તેમને એક સામાન્ય એપાર્ટમેન્ટમાં વસવાટ કરવો પડયો. ઈજીપ્તે રાષ્ટ્રીય ખજાના જેવી નેફરતીતીનાં શિલ્પની માગણી જર્મની સમક્ષ મુકી હતી. સીમોને બર્લીન મ્યુઝીયમને પત્રમાં લખ્યું કે અત્યારે 'નેફરતીતી'ની માલીકી મ્યુઝીયમની છે. પરંતુ દાન લેતી વખતે તેમણે બાહેધરી આપી હતી કે 'ઈજીપ્ત દ્વારા નેફરતીતી'ની માંગણી કરવામાં આવશે તો, મ્યુઝીયમ આ ઉત્કૃષ્ટ નમુનો ઈજીપ્તને પાછો સોપશે. જર્મનીએ ઈજીપ્તની માંગણીઓ ફગાવી દીધી છે અને ઈજીપ્તની કલાકૃતિઓ તેમને પાછી આપી નથી. જેમ્સ સીમોન મ્યુઝીઅમનાં વલણથી નાખુશ હતાં.
જેમ્સ સીમોને શહેરનાં ખ્યાતનામ પેર્ગામોન મ્યુઝીયમનાં ઓપનીંગનું આમંત્રણ ઠુંકરાવી દીધું હતું. ૧૯૩૨માં તેમણે મ્યુઝીયમ સત્તાવાળાનાં વલણનો વિરોધ કરતાં કરતાં વિશ્વમાંથી વિદાય લીધી. આજે એક સદી બાદ બર્લીનનાં મ્યુઝીયમમાં 'નેફરતીતી'ની શિલ્પાકૃતિ દર્શાવાઈ રહી છે તે ગેેેલેરીને નવું નામ આપવામાં આવ્યું છે,'જેમ્સ સીમોન ગેલેરી'

No comments: