Monday 21 January 2013

મનુષ્ય ચાલતાં ક્યારે શીખ્યો ?

મનુષ્યની પા પા પગલી, એક ઉત્ક્રાન્તિમય ઈતિહાસ

ફ્ચુયર સાયન્સ - કે.આર. ચૌધરી

 નાનું બાળક શરૃઆતમાં બે હાથ અને પગ વાળીને ઠીચણ ઉપર વજન મુકીને ચાલતાં શીખે છે. ત્યારબાદ બે પગ ઉપર ઊભા રહીને સંતુલન જાળવતા શીખે છે. આ સંતુલન રાખતાં આવડયા પછી... ધીમે ધીમે પા... પા... પગલી ભરે છે. આ ક્ષણો યાદગાર હોય છે અને દરેક માબાપનું સંતાન જ્યારે પ્રથમ વાર ચાલતાં શીખે છે ત્યારે, તેમના માટે તે ક્ષણો આનંદ, રોમાંચ અને ઉત્તેજનાથી સભર હોય છે. સમય મળે ત્યારે કદાચ તમારાં માબાપને સવાલ કરી શકો છો, તમે જ્યારે પ્રથમ વાર પા પા... પગલી ભરી ત્યારે તેમની અનુભૂતી કેવી હતી ?
વૈજ્ઞાાનિકો માટે પણ મનુષ્ય જાતી એટલે કે હેમોસેપીઅનની પા-પા પગલી ઉત્તેજના, રોમાંચ અને સંશોધનનો વિષય છે. દરેક નૃવંશ શાસ્ત્રીને એક સવાલ જરૃર થતો હોય છે કે મનુષ્ય ચાલતાં ક્યારે શીખ્યો ? મનુષ્યની આ ના...ની પા...પા... પગલી, માનવજાત માટે ઉત્કાન્તિમાં ઈતિહાસની એક મોટી હરણ-ફાળ હતી. મનુષ્યની પા...પા... પગલીને સાયન્ટીફીકલી ''ટેરીસ્ટ્રીઅલ બાયપેડલી ઝમ'' એટલે કે ભૂમી ઉપર બે પગ વડે ચાલવાની શરૃઆત કહે છે. પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓને શીખવવામાં આવે છે કે મનુષ્યની ઉત્ક્રાન્તિ વાનરમાંથી થઈ છે. મનુષ્યનાં પૂર્વજો વાનર હતા. એટલે કે નેચરલી વાનર ઝાડ ઉપર વધારે રહેતા હતાં અને આજે પણ ભૂમિ ઉપર આવે ત્યારે ચાર પગે (મતલબ આગળ-પાછળનાં બંને પગ) ચાલે છે. ચિમ્પાઝી, ગોરીલા, બબુન જેવાં કેટલાંક અપવાદ છે જે બે પગે સ્થિર ઉભા રહી શકે છે અને ચાલી પણ શકે છે. એન્થ્રોપોલોજીસ્ટ એટલે કે નુવંશ શાસ્ત્રીઓ આજે પણ જાણવા માગે છે કે મનુષ્ય વાનરવેડા છોડીને ખરેખર માનવીની માફક બે પગે ચાલતા ક્યારે શીખ્યો ? ઉત્કાંન્તિના સંશોધકો માટે પણ આ એક ચર્ચાનો વિષય છે. તાજેતરમાં કેટલાંક નવા સંશોધનો થયા છે જે મનુષ્યના 'બાયપેડલી ઝમ' સમજવા માટે ઉપયોગી બની શકે તેમ છે.
પ્રિમેટ્સ (નર-વાનર સમુદાય)માંથી હ્યુમન એટલે કે મનુષ્યને અલગ પાડતી એકમાત્ર ઓળખની જરૃર હોય તો તે છે ''મનુષ્યની બે પગે ચાલનારી ખાસીયત. પગની રચનાનાં આધારે જ મનુષ્યનાં પૂર્વજોને વાનરથી અલગ પાડીને ઓળખી કાઢવામાં આવે છે. પરંતુ આપણી પાસે આ અશ્મીજના અવશેષો (ફોસીલ રેકોર્ડ) ખુબ જ ઓછા હોવાથી ઉત્કાંન્તિના કયા કાળમાં મનુષ્ય ચાલતાં શીખ્યો હશે તેનો સમયગાળો નક્કી કરવામાં વૈજ્ઞાાનિકોને પણ નાકે દમ આવી જાય છે. આધુનિક વૈજ્ઞાાનિકો મનુષ્ય અને વાનરકુળના વિવિધ પ્રાણીઓના હાંડપીજર અને હરવા ફરવાની રીતભાત (લોકોમોશન) ઉપરથી મનુષ્ય ક્યારે ચાલતાં શીખ્યો તે સવાલનો જવાબ મેળવવાની મથામણ કરી રહ્યાં છે.
ચિમ્પાન્ઝી, બોનોબોસ, ગીબન્સ અને બબુન જેવા વાનર સામાન્ય વાનર અને મનુષ્યની વચ્ચે આવે છે, જેમણે મનુષ્ય જેવું એડવાન્સ 'બાયપેડલીઝમ' મેળવવાની કોશિશ કરી છે. વાનરોને જ્યારે એકાંતમાં નાના, સાંકડા પાજરામાં રાખવામાં આવે છે ત્યારે તે મનુષ્યની માફક બે પગે ચાલતાં શીખે છે. પરંતુ વાનરોની એક ખાસ લાક્ષણિકતા એ છે કે જો તેમની પાસે હાથમાં (આગળનાં પગમાં) ખોરાક ઉઠાવેલો હોય છે ત્યારે તે સંતુલન રાખી બે પગે ચાલે છે. વાનરની આ વર્તણુકને વૈજ્ઞાાનિકો મનુષ્યની પા...પા... પગલી માટેનું પ્રથમ પગથીયું માને છે. પોતાનાં સમુહની વ્યક્તિઓ સાથે ખોરાક લઈ જઈને સમુહ ભોજનનો આનંદ માણવા માગતાં મનુષ્યના પૂર્વજો, વાનરની માફક હાથમાં ખોરાક લઈને ચાલતાં શીખ્યાં હશે.
મનુષ્ય ઉત્કાંન્તિને થોડાક શબ્દોમાં સમજવી હોય તો, શરીર રચના પ્રમાણે મનુષ્યને મળતાં આવતા વાનર સહીતની ''હોમોનીક'' ફેમીલીથી શરૃઆત કરવી પડે. નર-વાનરના આ કુળને 'ગ્રેટ એપ્સ' એટલે કે મહા-વાનર ફેમીલી પણ કહે છે. જેમાં માનવી (હોમો) ઉપરાંત ચિમ્પાન્ઝી, બોનોબોસ (જેનાં વૈજ્ઞાાનિક નામ આગળ ''પાન'' શબ્દ લાગે છે.) અને ઉરાંગ ઉટાંગનો (જેનાં વૈજ્ઞાાનિક નામ આગળ પોંગોશબ્દ લાગે છે) સમાવેશ થાય છે. આ ચારેય પ્રાણીઓનાં પૂર્વજો બે કરોડ વર્ષ પહેલાં એકજ હતાં.
ગીબન વાનરનો વંશ આશરે ૧૮ થી ૨૦ લાખ વર્ષ પહેલાં અલગ થયો હતો. ઉરાંગ ઉટાંગ ૧૨ લાખ વર્ષ પહેલાં નવા પ્રજાતી તરીકે પૃથ્વી પર ઉભરી આવ્યા હતા. ૮ થી ૪ લાખ વર્ષ પહેલાં ગોરીલા, ત્યારબાદ ચિમ્પાન્ઝી અને બોનોબોસ પોતાની સ્વતંત્ર ઓળખ મેળવી ચુક્યા હતા. અને છેલ્લે વાનર ફેમીલીમાંથી મનુષ્ય અલગ પડયા. મનુષ્યના ડિએનએનું ૯૮.૪૦ ટકા જીનેટીક મટીરીઅલ્સ ચિમ્પાન્ઝીને મળતું આવે છે. હવે ઉત્ક્રાંન્તિના સંદર્ભમાં આપણી પાસે જે ફોસીલ રેકોર્ડ છે તેની વાત કરીએ તો...
સૌથી પ્રાચીન વાનરની ખોપરી લેક વિક્ટોરીયા, કેન્યામાંથી મળી હતી જેને વિક્ટોરીયા મેકીનેસી કહે છે. જે ૨૦ લાખ વર્ષ જુની માનવામાં આવે છે. મનુષ્યના નજીકના પ્રાચીન પૂર્વજોની પણ એક ડઝન જેટલી પ્રજાતી છે. જેમાંની હોમો-હેબીલીસ ૨૩ થી ૧૪ લાખ વર્ષ પહેલાં અસ્તિત્વમાં હતી અને તેના અવશેષો મેરી અને લુઈસ લીકીએ આફ્રીકામાંથી શોધ્યા હતા. કેન્યાના રૃડોલ્ફ સરોવર પાસેથી મળેલ અશ્મી એટલે હોમો-રૃડોલ્ફેન્સીસ જેની શોધ બર્નાડ ગેનેઓએ કરી હતી. દક્ષિણ આફ્રીકામાંથી હોમો-એર્ગાસ્ટરનો ફોસીલ મળ્યા પરંતુ તેનાં વર્ગીકરણ બાબતે વૈજ્ઞાાનિકોમાં પણ વિવાદ ચાલે છે. આ બધા મનુષ્યના પૂર્વજો છે જે બે પગે ચાલતા હતા. પરંતુ હોમોનીન ફેમીલીમાંથી બે પગે ચાલવાની શરૃઆત ઓસ્ટ્રેલોપિથેક્સના સમયગાળામાં થઈ હોવાનું માનવામાં આવે છે.
૧૯૭૨માં ફ્રેન્ચ વૈજ્ઞાાનિક મોરીસ ''તૈયેબ'' ને ઈથોપીયાના આફાર ત્રિકોણાકાર હાદર ફોર્મેશન નામની ભૂસ્તરશાસ્ત્રને લગતી વિશિષ્ટ રચના જોવા મળી હતી. તેમને લાગ્યું કે અહીથી પ્રાચીન અશ્મીઓ મળી આવી શકે તેમ છે. અમેરિકન નૃવંશશાસ્ત્રી કોનાલ્ડ જોહાનસન, બ્રિટીશ આર્કાઓલોજીસ્ટ મેરી લીકી અને ટવેશ કોપેનને લઈ હાદાર ફોર્મેશનમાં ખોદકામ કરવાનું ચાલુ કર્યું હતું. મોરીસ તૈયેબ પોતે એક સરાં ભૂસ્તરશાસ્ત્રી હતા. અહીથી એક માદાનાં અવશેષો મળી આવ્યા જેને ''લ્યૂસી'' નામ આપવામાં આવ્યું. તે સમયના બિટલ્સ ગુ્રપનાં જાણીતા ગીત ''લ્યુસી ઈન ધ સ્કાયવીથ ડાયમંડ'' ગીતમાંથી લ્યૂસી નામ આ અવશેષોને આપવામાં આવ્યું. આ ગીત આ વૈજ્ઞાાનિકોનાં કેમ્પમાં ટેપરેકોર્ડર ઉપર ખુબ જ મોટા અવાજે વગાડવામાં આવતું હતું.
વૈજ્ઞાાનિક અંદાજ પ્રમાણે લ્યુસીની ઉંચાઈ ૩ ફુટ સાત ઈંચ અને વજન લગભગ ૩૦ કી.ગ્રામ જેટલું હોવું જોઈએ. તેની રચના ચિમ્પાન્ઝીને મળતી આવતી હતી. તેની ખોપરીમાં મગજનું કદ નાનું હતું. ગુપ્તાંગની આસપાસનાં હાડકા અને પગનાં હાડકા આજના આધુનિક માનવને મળતા આવતા હતા. આ ઉપરથી વૈજ્ઞાાનિકોએ થિયરી આપી હતી કે, ''લ્યુસી'' બે પગે ચાલતી હતી. જો આ વાતને સ્વીકારી લઈએ તો આજથી ૩૦ લાખ વર્ષ પહેલાં મનુષ્યના પૂર્વજો એવાં ઓસ્ટ્રેલોપીથેકસ મનુષ્યની માફક બે પગલે ચાલતાં શીખી ગયા હતા.
વૈજ્ઞાાનિકોએ બે પગે ચાલવાની બાબતે મનુષ્ય અને ચિમ્પાન્ઝી ઉપર ખૂબ જ અભ્યાસ કર્યો છે અને તેમના પગની રચના પણ તપાસી, ચકાસી લીધી છે. જેમાં જે મુખ્ય બાબતો જાણવા મળી છે તે પ્રમાણે ચિમ્પાન્ઝી તેનાં ઘુટણનાં સાંધાને કારણે લાંબા ડગલા ભરી શકતો નથી. શરીરને ટેકવી રાખવા સ્નાયુઓ દ્વારા તેને બળ વાપરવું પડે છે. મનુષ્યની માફક પગનાં આંગળાનાં ભાગમાં વજન મુકીને, એડી ઉચી કરીને ચાલી શકે તેવી ચિમ્પાન્ઝીના પગની રચના નથી. આમ ટેરેસ્ટીઅલ બાયપેડાલીઝમ માટે મનુષ્યના પગની રચના જેવી હાડકાની રચના જરૃરી છે. જ્યારે ચિમ્પાન્ઝીના પગની રચના ઝાડ ઉપર ચઢવા માટે અને જમીન ઉપર સંજોગો અને જરૃરીયાતના સમયે બે પગે ચાલવા માટે આદર્શ ગણાય છે. આ પગની રચનાને, મળી આવતાં મનુષ્યનાં પૂર્વજોના અશ્મીઓનાં પગના હાડકાની સરખામણી કરીને વૈજ્ઞાાનિકો નક્કી કરી શકે છે કે આ પુર્વજો વાનર માફક વૃક્ષો ઉપર વસતા હતાં કે મનુષ્ય માફક જમીન ઉપર ચાલી શકતા હતાં.
ચાર્લ્સ ડાર્વિને પણ મહા-વાનર ગ્રેટ એપ્સ એટલે કે હોમીનીક ફેમિલીમાં ટટ્ટાર ઉભા રહીને ચાલવાની, ભૌતિકવાદી સંસ્કૃતિ, જડબાની બદલાએલી રચના અને અન્ય પ્રાણી કરતાં વધારે બૌધ્ધિક ક્ષમતાની ચર્ચા તેનાં પુસ્તકમાં કરી છે. હોમીનીક ફેમીલીનાં મુખ્ય ખોરાકમાં વનસ્પતિનો જ સમાવેશ થતો હતો. ૧૫ લાખ વર્ષ પહેલાં હોમીનીક વનસ્પતિ અને ફળો ઉપર જીવતો સમુદાય હતો. ત્યાર બાદ તેનાં ખોરાકમાં માંસનો સમાવેશ થયો હતો. આ હિસાબે તેમનાં ટેકનોલોજીકલ ઈનોવેશન અને નવી સામાજીક વર્તણુક માટે વેજીટેરીઅન ખોરાક જવાબદાર હતો. તેણે પોતાનાં સમુદાયની માદાઓ અને બાળકો માટે ''ખોરાક'' લઈ વહેંચીને ખાવાની પ્રથા વિકસાવી હતી. જેનાં કારણે બે પગે ચાલવાની ક્રિયાને ઉત્ક્રાંતિ દરમ્યાન સ્વીકારવામાં આવી અને મનુષ્યના બે પગ ચાલવા માટે યોગ્ય બન્યા. આમ હાથ અને પગની રચનામાં પાયાનો તફાવત પેદા થયો.
એન્થ્રોપોલોજી એટલે કે નૃવંશ શાસ્ત્રમાં પહેલાં મોટો સવાલ કરવામાં આવતો હતો કે ૩૨ લાખ વર્ષ પહેલાં લ્યુસી વાનરની માફક ઝાડ ઉપર રહેતી હતી કે જમીન ઉપર વસવાટ કરતી હતી? આ સવાલનો જવાબ વૈજ્ઞાાનિકોને મળી ગયો છે. છતાં સંશોધકો કહે છે કે યુગાન્ડામાં વસતી, ઝાડ ઉપરથી મધ ઉતારી લાવનાર આદિજાતીની પ્રજાનો અભ્યાસ કરીને આ સવાલનો જવાબ પણ મેળવી શકાય છે. સંશોધકો માને છે કે મનુષ્યની પા... પા... પગલી એ માનવજાત માટે એક પ્રકારનો 'હોલમાર્ક' છે. જે વાનરથી આપણને અલગ પાડે છે, 'હોમીનીક' ફેમીલી માટે ૩૫ લાખ વર્ષ 'સીન' જરા બદલાયો હશે. મનુષ્યએ ઝાડ છોડીને જમીન ઉપર વસવાટ અને નાના બાળક માફક ચાલવાની પ્રેક્ટીસ શરૃ કરી હશે.
તાજેતરમાં પ્રકાશીત થયેલ પ્રોસીડીંગ ઓફ ધ નેશનલ એકેડેમી ઓફ સાયન્સમાં નાથાનીઅલ ડોમીની નામનાં વૈજ્ઞાાનિક નોંધે છે કે ''ઓસ્ટ્રેલોપેથેક્સ આફ્રેન્સીસ'' નાં ઘુંટીનાં હાડકા કઠોર અને અક્કડ હતાં. પગ કમાન આકારનો હતો. આ પ્રકારનાં લક્ષણોને ઝાડ ઉપર ચઢવા માટે અનુકુળ ન હોય તેવી (પ્રતિકૂળ) રચના માનવામાં આવે છે. જેનો એક જ અર્થ થાય કે તે ભૂમી ઉપર ચાલવા માટે (ઉત્ક્રાંતિ દરમ્યાન) વિકસ્યા હતાં. નાથાનીઅલ ડોમીનીએ આ પ્રકારનાં અંતિમ શબ્દો ઉચ્ચારતાં પહેલાં ફિલીપાઈન્સ અને યુગાન્ડામાં આધુનિક મનુષ્યનો અનોખો અભ્યાસ કર્યો છે.
યુગાન્ડાનાં ત્વા આદિવાસી શીકાર અને વન પેદાશ ભેગી કરે છે. જ્યારે ફિલીપાઈન્સ નાંબાકીગા વનવાસી આગનાં શીકાર પ્રવૃત્તિ કરે છે. જ્યારે માનાબો ખેતીવાડીનું કામ કરે છે ત્વા અને આગના જાતીના લોકો મધ એકઠું કરવા ઝાડ ઉપર ચડઉતર કરે છે જે તેમનાં ખોરાકનો પોષણક્ષમ આહાર છે. તેમની ઝાડ ઉપર ચઢવાની ક્રિયા, નાનાં વ્યાસવાળા વૃક્ષો ઉપર માનવી ચાલતો હોય તેવી છે. આ લોકો પગના પંજાનો આગલો ભાગ સીધો જ થડનાં સંપર્કમાં રાખે છે. પછી એક હાથ અને એક પગ આગળ પાછળ કરીને ઝાડ ઉપર ચડે છે. ડોમીનીની ટુકડીએ આ લોકોમાં 'એક્સ્ટ્રીમ ડોટ્સીફ્લેક્સીન' નામની ક્રિયા નિહાળી છે જેમાં પગનો પંજો આગળનાં ભાગમાં ખુબજ વધારે ખુણે વાંકો વળે છે. જે આજનાં ઔદ્યોગીક શહેરોનાં આધુનિક માનવી કરતાં રેન્જમાં ખુબજ વધારે ગણાય. સંશોધકોએ માન્યું કે ''આ લોકોની ઘુંટીનો સાંધો અને પગનાં હાડકાં સામાન્ય છે. પરંતુ તેમની પોચી માંસ પેશીઓ આવી એક્સ્ટ્રીમ ડોરસી ફ્લેક્સીઅન'' માટે જવાબદાર છે.
વૈજ્ઞાાનિકોએ આગના, માનોબો, ત્વા અને બાકીની ચારેય જાતીનાં લોકોની ચાલવાની અને વૃક્ષો પર ચઢવાની પ્રક્રિયાને અલ્ટ્રા સાઉન્ડ ઈમેજીંગ વડે અભ્યાસ કર્યો છે. જેમાં પગ અને પિડીઓનાં સ્નાયુઓની લંબાઈનો પણ સમાવેશ થઈ જાય છે. સંશોધનમાં જાણવા મળ્યું કે ઝાડ ઉપર ચડનારાં આગના અને ત્વાં વનવાસીમાં સ્નાયુઓની લંબાઈ વધારે છે. સંશોધન બતાવે છે કે ત્વા અને આગના પુરૃષોનાં પગનાં સ્નાયુઓનું બંધારણ, તેમનાં ઝાડ ઉપરની ચડવાની પ્રક્રિયા સાથે બદલાયેલ છે જેથી ઘુંટી દ્વારા ખુબજ લચીલાપણું (ડોર્સીફ્લેક્સીઅન) જોવા મળે છે. આ સંશોધનનો સારાંશ એ નીકળે છે કે શિકારી વનવાસી પ્રજા કે લ્યુસી (ઓસ્ટ્રેલોપીથેક્સ)નાં પગનાં હાડકા, સ્નાયુઓ અને ઘુંટીનો સાંધો, જમીન ઉપર ચાલવા માટે ઉત્ક્રાંતિ દરમ્યાન સારો ફેરફાર પામીને કુદરત દ્વારા સ્વીકારાયો હોવા છતાં, આ પ્રજાતીને ઝાડ ઉપર ચડવા ઉતરવામાં કોઈ મુશ્કેલી ઉભી થતી હોય એવું લાગતું નથી. આ હિસાબે આજનાં આધુનિક માનવીની શરીર રચનાને પણ આપણાં પુર્વજોની ટેવોને સમજવામાં ઉપયોગમાં લઈ શકાય તેમ છે.
આ સંદર્ભમાં વૈજ્ઞાાનિકોએ આફ્રીકામાંથી મળી આવેલ ફોસીલ્સ ''ઓસ્ટ્રેલોપીથેક્સ આફ્રેન્સીસ' એટલે કે લ્યુસીનો અભ્યાસ પણ કર્યો છે. અહીં ભૂમિ ઉપર પડેલ તેનો પગલાંની છાપનું ૩ઘ ઈમેજીંગ કરેલ છે. આજનાં માનવીનાં સંદર્ભમાં 'લ્યુસી' ઠીંગણી હતી અને ઉંમર માત્ર ૨૦ વર્ષની આસપાસ હોવી જોઈએ. આજનાં માનવીનાં આઠ દસ વર્ષનાં બાળકનાં શરીરને મળતી આવે તેવી શરીર રચના છે. તેને ડહાપણની દાઢ ઉગેલી છે પરંતુ તેને ઘસારો પડેલ નથી. તેના પગ ટુંકા અને બાહુઓ લાંબા હતાં. સ્નાયુઓ મજબુત હતાં. ઝાડ ઉપર વસનારી લ્યુસીને જમીન વસવાટ માટે અનુકુલન સ્થાપવું પડયું હતું. પર્યાવરણમાં ફેરફારો થતાં આફ્રિકાનાં જંગલો, સવાનાનાં ઘાસનાં પ્રદેશો જેવાં ફેરવાઈ ગયા હશે. જેમાં લ્યુસીને ચાલવાનું અને ખોરાક મેળવવાનું સહેલું બની ચુક્યું હશે. લ્યુસીનાં સાથળ અને ગુપ્તાંગની આસપાસનાં હાડકાનો વિકાસ આજનાં માનવી જેવો છે. જે બે પગે ઉભા રહીને ચાલી શકે તેવી રચના ધરાવે છે. પરંતુ બાળકનો જન્મ આપતી વખતે મુશ્કેલી પડે તેવો છે. આ રચનાની સામે ચિમ્પાન્ઝીનું બંધારણ સરળ છે. તેમનાં બચ્ચાનાં માથાનું કદ નાનું હોય છે અને જન્મ માર્ગમાંથી આસાનીથી પસાર થઈ જાય છે. મનુષ્ય માદાની માફક ચિમ્પાન્ઝી માદાને વધારે જોર કરવું પડતું નથી. લ્યુસીનાં સમયગાળામાં શારીરિક નકશો બદલાયો હતો. જેની કિંમત માદાએ ઉત્ક્રાંતિ દરમ્યાન ચુકવવી પડી છે. આગળનાં પૂર્વજો કરતાં લ્યુસીનો બસ્તીપ્રદેશ (પેલ્વીસ) અને જન્મ માર્ગ (બર્થ કેનાલ) અલગ છે. લ્યુસી જેવાં આપણા પુર્વજોએ ટેરીસ્ટ્રીઅલ બાયપેડિઝમ અપનાવતાં, શરીર રચનાં આસાનીથી ચાલી શકાય તેવી બની ગઈ પરંતુ, માદા માટે બાળક જન્મ કરાવવો થોડો મુશ્કેલ બની ગયો. આ ઉત્ક્રાંતિની મનુષ્યને મળેલ ભેટ છે.
નારીને જન્મ અપાવતા તબીબોએ જોયું છે કે બાળકનું માથું અને ખભાનો ભાગ બર્થ કેનાલમાં કેવો 'ફીટોફીટ' થયેલો હોય છે. અને બાળકનો જન્મ સામાન્ય ડિલીવરીથી કરાવવામાં કેવી તકલીફો આવે છે. મનુષ્યની ચાલવાની ક્રિયાનાં સંદર્ભમાં હોમો-ઈરેક્ટ્સ અને હોમો-નિએન્ડરથાલ વિશે પણ સંશોધન થયેલ છે. જગ્યાનાં અભાવે તેની ચર્ચા કરી નથી. મનુષ્યની પાપા પગલીએ વૈજ્ઞાાનિકોને જ્ઞાાનનો ખજાનો આપ્યો છે. તમારું બાળક પા પા પગલી ભરે ત્યારે લ્સુસીને યાદ કરજો.

No comments: