Wednesday 27 February 2013

કિંગ રિચાર્ડ ત્રીજો: શેક્સપીઅરથી સાયન્ટિસ્ટ સુધી...


કબરમાંથી મડદા બેઠા કરતા વૈજ્ઞાનિકો

ફ્યુચર સાયન્સ - કે.આર ચૌધરી

રિચાર્ડ - તૃતિય, એ વિલિયમ શેક્સપીઅરનું ખ્યાતનામ ઐતિહાસિક નાટક છે, જે અંદાજે ૧૫૯૨ની આસપાસ લખાયેલું માનવામાં આવે છે. આ નાટકનું એક પાત્ર એટલે રિચાર્ડ ત્રીજો જે ડયુક ઓફ ગ્લોસેસ્ટર તરીકે (ઉમરાવ) જાણીતો હતો. બે વર્ષ માટે તે ઇંગ્લેન્ડના રાજા તરીકે એટલે કે કિંગ રિચાર્ડ ત્રીજા તરીકે બ્રિટિશ ઇતિહાસમાં પ્રસિદ્ધ છે. બે વર્ષના શાસનકાળમાં એવો સમય જ્યારે રાજકીય ખટપટ, કાવાદાવા ચાલતા હોય, રાજકીય બળવો ફાટી નીકળ્યો હોય તેવા સમયે તેનું મૂલ્યાંકન કરવું અધકચરું જ રહે. લોકોમાં કિંગ રિચાર્ડ ત્રીજાની છબી શેક્સપીઅરે તેના નાટકમાં ચિતરેલ વિલન જેવી છે. કિંગ રિચાર્ડ ત્રીજો ખરેખર કોણ હતો એની ઐતિહાસિક ખણખોદ કરીએ તો...
પંદરમી સદીમાં ઇંગ્લેન્ડના રાજવી એટલે કે કિંગ તરીકે પ્લાન્ટગેનેટ વંશનું શાસન ચાલતું હતુ આ પરિવાર હાઉસ ઓફ યોર્ક તરીકે જાણીતો હતો. ડયુક ઓફ યોર્ક એટલે કે, રિચાર્ડ પ્લાન્ટાગેનેટને ત્રણ પુત્રો હતા. એક એડવર્ડ ચોથો, જ્યોર્જ - ડયુક ઓફ ક્લેરેન્સ, રિચાર્ડ ત્રીજો ડયુક ઓફ ગ્લોસેસ્ટર. એડવર્ડ ચોથા અને એલિઝાબેથ વુડવિલેના ત્રણ સંતાનો હતા જેમાં બે દિકરા અને દિકરી હતી. એડવર્ડ પાંચમો, રિચાર્ડ અને એલિઝાબેથ (બ્રિટિશ ઇતિહાસ વાંચતા એમ થાય કે અહીં નામોની કમી હશે.) બાપ અને બેટાના નામો એક સરખા, માતા અને પુત્રીના નામો પણ એક સરખા, તેઓ વળી નંબરથી ઓળખાય. પહેલો, બીજો... પાંચમો વગેરે ! ઇતિહાસ ભણનારનું મગજ કદાચ એટલે જ આવા નામો સાંભળીને ગોથા ખાઈ જાય છતાં.. આગળ વધીએ તો,

૧૪૮૩માં રિચાર્ડ ચોથાનું અવસાન થયું અને તેના સ્થાને રાજ્યાભિષેક માટે તેના પુત્ર એડવર્ડનું નામ બોલાવા લાગ્યું. ૨૨ જૂન ૧૪૮૩ના રોજ એડવર્ડ પાંચમાના રાજ્યારોહણની તારીખ નક્કી થઈ ગઈ પરંતુ... તેને રાજા તરીકે મુગટ પહેરાવાય તે પહેલા તેના મા-બાપના લગ્નને ગેરકાયદેસર ગણવામાં આવ્યા. તેમના વારસદાર પણ હવે કાયદેસર રીતે ઇંગ્લેન્ડના રાજા તરીકે ગેરકાયદેસરના સંતાન અને વારસદાર હતા. આવા સમયે મૃત્યુ પામેલ રિચાર્ડ ચોથાના સગા ભાઈ અને એડવર્ડ પાંચમાના કાકાને ઇંગ્લેન્ડના રાજા તરીકેનો તાજ પહેરાવવામાં આવ્યો. તાજ કાંટાળો હતો અને લાંબો ટકવાનો ન હતો. રિચાર્ડ ત્રીજા સામે તેને ગાદીએથી હટાવવા માટે બે બળવાઓ થયા પ્રથમ બળવો રિચાર્ડ- ત્રીજાનો સાથી હેનરી સ્ટેફોર્ડ દ્વારા થયો. હેનરીને શૂળીએ ચઢાવી દેવામાં આવ્યો. બીજો બળવો હેનરી ટુડોર અને તેના કાકા જાસ્પર ટુડોરએ પોકાર્યો. બળવામાં પગે ચાલાનારા સૈનિકો, નિષ્ણાત ધનુર્ધારી અને ફ્રેન્ચ સૈનિકો હતા. બીજીબાજુ કિંગ રિચાર્ડના સૈનિકો હતા બંને પક્ષે ૫૦૦થી ૮૦૦ સૈનિકોનું નાનું લશ્કર હતું. તેમની વચ્ચે જે લડાઈ થઈ તેને બેટલ ઓફ બોસવર્થ ફિલ્ડ કહે છે. આ લડાઇનું બીજું નામ વોર્સ ઓફ રોસીઝ પણ કહે છે. આ લડાઈમાં દુશ્મનો કિંગ રિચાર્ડ ત્રીજાનો ક્રૂર અને અમાનુષી વધ કરી નાખે છે. તેના શરીરને નગ્ન કરીને લોકો સમક્ષ મૂકવામાં આવે છે. છેવટે કોફીન, રાજકીય સન્માન કે અંતિમ ક્રિયા કર્યા વગર કિંગ રિચાર્ડ ત્રીજાને અજાણ્યા સ્થળે દફન કરી નાખવામાં આવે છે. ૨૨ ઓગસ્ટ ૧૪૮૫ના રોજ કિંગ રિચાર્ડ ત્રીજાના શાસન અને જિંદગીનો પણ અંત આવી જાય છે. અહીંથી શરુ થાય છે શેક્સપીઅરની સાહિત્યિક કૃતિ જેમાં રિચાર્ડ ત્રીજાનું મૂલ્યાંકન તેણે પોતાની રીતે કર્યું છે. ખેર... ઇતિહાસ જ્યાંથી થંભી જાય છે ત્યાંથી 'સાયન્સ'ની સફર શરુ થાય છે.

૨૦૧૨માં લેંકેન્સ્ટર સીટી કાઉન્સિલ અને રિચર્ડ ત્રીજો સોસાયટી દ્વારા લગભગ પાંચ સદી પહેલાં અજાણી જગ્યાએ દફન કરવામાં આવેલ કિંગ રિચાર્ડ ત્રીજાના અવશેષો શોધી કાઢવા માટે પ્રયત્ન શરુ કરવામાં આવે છે. આર્કિયોલોજીસ્ટ રિચાર્ડ બકલેને આ પ્રોજેક્ટમાં ખાસ રસ પડવા લાગ્યો હતો. યુનિવર્સિટી ઓફ લેન્કેસ્ટર છેવટે એક પ્રોજેક્ટ શરુ કરે છે જેનો આખરી મકસદ કિંગ રિચાર્ડના શરીરના અવશેષો અને છેલ્લે દફન કરવામાં આવ્યા હતા તે જગ્યા શોધી કાઢવાનોં હતો. પ્રોજેક્ટ માટે જૂનું સાહિત્ય, નકશાઓ, ડાયરીઓ, ઐતિહાસિક નોંધો વગેરે તપાસવાનું કામ રિચાર્ડ ટેલર શરુ કરે છે. છેવટે સંશોધનમાં જાણવા મળે છે કે...

રિચાર્ડ ત્રીજાના શરીરને ગ્રે ફીઆર્સ તરીકે જાણીતી જગ્યામાં દફન કરવામાં આવ્યું હતું. ફીન્સીસ્કન પંથના સાધુ-મહાત્માઓના મઠને અંગ્રેજીમાં 'ફીઆર્સ' કહે છે. આ મઠને હેનરી સાતમાના સમયમાં તોડી પાડવામાં આવ્યો હતો અને એવું કહેવામાં આવ્યું હતું કે રિચાર્ડના શરીરને નદીમાં વહેવડાવી દેવામાં આવ્યું હતું. સોળમી સદીમાં આ જગ્યા, ઓલ્ડરમાન રોબર્ટ હેરીક નામની વ્યક્તિ ખરીદે છે જે લેકેન્સ્ટરના મેયર હોય છે. તેઓ આ જગ્યાએ એક વિશાળ ગાર્ડન ઉભો કરે છે. ૧૬૧૨માં તે સમયના ખ્યાતનામ આર્કિટેક્ટના પિતા ક્રિસ્ટોફર રેન પોતાના લખાણમાં નોંધે છે કે, 'આ બગીચામાં ત્રણ ફૂટનો એક પથ્થર ખોડેલો છે જેના ઉપર લખાણ લખ્યું છે કે, 'ઇંગ્લેન્ડના કેટલાક સમય માટેના કિંગ રિચાર્ડ ત્રીજાનું શરીર અહીં દફન છે.' આ એક અગત્યની ઐતિહાસિક નોંધ હતી. ૧૯૧૪માં આ જગ્યા લેન્કેસ્ટર સિટી કાઉન્સિલ ખરીદી લે છે. છેવટે અહીં આર્કિયોલોજીસ્ટ દ્વારા ખોદકામ કરવાનું નક્કી થાય છે. રિચાર્ડ-૩ સોસાયટીની ફિલીપા લાંગલી કહે છે કે, 'અમે એક સ્વપ્ન નિહાળ્યું છે અને જો સ્વપ્ન વાસ્તવિકતા બની જશે તો તેનાથી મોટો કોઈ ચમત્કાર નહીં હોય અને ખરેખર ચમત્કાર જેવી ઘટના બને છે. ડેન બ્રાઉનની ઐતિહાસિક નવલકથા વાંચતા હો તેવી ઘટનાઓ બને છે.' (કદાચ ડેન બ્રાઉનને નવી નવલકથા લખવાનો મસાલો પણ મળી જાય.) અહીં ત્રણ જગ્યાએ ઊંડી ખાઈ ખોદવામાં આવે છે અહીં રિચાર્ડ બકલી નામના પુરાતત્ત્વવિદને મધ્યકાલીન ટાઇલ્સો વડે આડોઅવળો પેવિંગ કરેલો માર્ગ મળી આવે છે. ટાઇલ્સો બધી અલગ અલગ સાઇઝની અને ખૂબ જ ઘસાઈ ચૂકેલી હોય છે. અહીં જૂના ચર્ચના અવશેષો પણ છે જેને ૧૫૩૮માં તોડી પાડવામાં આવ્યું હતું. છેવટે સપ્ટેમ્બર ૨૦૧૨માં અહીંથી એક વ્યક્તિના શરીરના હાડકા અને ખોપરીઓ મળી આવે છે. 

વિજ્ઞાાન જગતમાં 'તહલકા' મચી જાય છે. શું ખરેખર ખોદકામમાંથી મળેલ હાડપિંજર રિચાર્ડ ત્રીજાનું છે ? ત્રણ અઠવાડિયાના ખોદકામ બાદ, પ્રેસ કોન્ફરન્સ બોલાવીને અહીંથી મળેલ હાડપિંજરની વિગતો પ્રેસને આપવામાં આવે છે. લગભગ પાંચ મહિના પછી કિંગ રિચાર્ડ ત્રીજાના ચાહકો અને વૈજ્ઞાાનિકોના ઉત્સાહ વચ્ચે, ફાઇનલ જાહેરાત કરવામાં આવે છે કે, હાલના કારયપાર્ક અને જૂની ગ્રે ફિઆર્સ ખાતે મળેલ હાડપિંજર રિચાર્ડ ત્રીજાનું જ છે ! આખરે આવું શક્ય કઈ રીતે બન્યું ? શરુઆતથી જ અનેક વૈજ્ઞાનિકો અને સંશોધકો આ પ્રોજેક્ટમાં કામ કરી રહ્યા હતા. તેમણે કાર પાર્ક ખાતે ગ્રાઉન્ડ રડાર વાપરીને ખોદકામ માટેના ત્રણ 'ટ્રેન્ચ' નક્કી કર્યા અને ત્યાં ખોદકામ કર્યું. છેવટે હાડપિંજર મળી આવ્યું ત્યારે...
વૈજ્ઞાનિકોએ જોયું કે, ખોપરીના એકબાજુના ભાગમાંથી હાડકાનો મોટો ટુકડો નીકળી ગયો હશે. અહીં તીક્ષ્ણ ધારવાળી કુહાડી કે અન્ય ઓજારથી હુમલો કરવામાં આવ્યો હતો. ઘા વાગતાની સાથે વ્યક્તિ બેભાન થઈ હશે અને તુર્ત જ મૃત્યુ પામી હશે. હાડપિંજરની ઉંમર વૈજ્ઞાનિક રીતે કાઢતાં તે ૨૦- ૩૦ વર્ષ વચ્ચેના પુરુષનું લાગતું હતું. રિચાર્ડ- ત્રીજા મૃત્યુ પામ્યા ત્યારે તેમની ઉંમર ૩૨ વર્ષની હતી. હાડકાના રોગના કારણે આ વ્યક્તિની કરોડરજ્જુ પ્રશ્નાર્થ ચિન્હ માફક વળી ગયેલી હતી. જેના કારણે ૫ ફૂટ ૮ ઇંચની વ્યક્તિની ઉંચાઈમાં એક ફૂટ ઘટાડો થઈ ગયો હતો. પેટ પાસેની પાંસળીઓ તૂટી ગયેલી હતી. ડાબી બાજુના થાપાનું હાડકું પણ તૂટેલું હતું. કબરમાંથી તેના પગના પંજા મળી આવ્યા નથી. ખોદકામ દરમ્યાન તે ભૂતકાળમાં નાશ પામ્યા કે ખસેડાઈ ગયા હોઈ શકે. ચહેરા ઉપર કટાર કે ચપ્પાનો ઘા વાગ્યાનું હાડકા પર નિશાન છે, દાઢી ઉપર પણ આવાં જ નિશાન છે.
વૈજ્ઞાનિક સંશોધન પ્રમાણે શરીર ઉપર દસ જેટલા પ્રાણઘાતક ઘા છે. માથાનો પાછળનો ભાગ જોતાં તે સમયે વપરાતા હેલબર્ડ નામના ૧૫ સદીમાં વપરાતા હથિયારથી ઘા કરવામાં આવ્યો હશે. ખોપરી નીચેના ભાગમાં પણ તીક્ષ્ણ હથિયાર ઘૂસાડવામાં આવ્યું હોવાનું અનુમાન છે. જે દર્શાવે છે કે તિક્ષ્ણ હથિયાર ચહેરાના ભાગમાં દસ સેન્ટીમીટર સુધી ઘૂસી ગયું હશે. ઓસ્ટીઓ આર્કિયોલોજીસ્ટ જો એપલ બી કહે છે કે તેના કુલાના ભાગમાં જમૈયો ખોસ્યો હશે. યુદ્ધ દરમ્યાન કિંગ રિચાર્ડે બખ્તર અને હેલ્મેટ પહેર્યા હોત તો ઘણી બધી ઇજાઓમાંથી મુક્તિ મળી હોત. વૈજ્ઞાનિકોની એક ટીમ માને છે કે આ બધા ઘા રિચાર્ડ ત્રીજાના મૃત્યુ બાદ તુર્ત જ સૈનિકો કમ દુશ્મનો દ્વારા ગુસ્સો ઉતારવા માટે કરવામાં આવ્યા હશે.
ઐતિહાસિક નોંધ બતાવે છે કે, 'વોર ઓફ રોઝીસ'માં મૃત્યુ પામ્યા બાદ રિચાર્ડના શરીરને દોરડાથી બાંધીને ઘોડાની પીઠ પર લાદવામાં આવ્યું હતું જેથી લેન્કેસ્ટરના લોકો તેને જોઈ શકે. છેવટે લેન્કેસ્ટરમાં આવેલ ગ્રે ફીઆર્સ ચર્ચમાં બાંધેલી હાલતમાં જ શરીરને દફન કરવામાં આવ્યું હતું.
શરીરનું હાડપિંજર મળી આવતાં જ વૈજ્ઞાાનિકોએ ખોપરીનું સ્કેનિંગ કરીને તેના ઉપર સ્નાયુઓ ચઢાવીને, કોમ્પ્યુટર દ્વારા ચહેરાનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું હતું. ફેસ રિકન્સ્ટ્રક્શનની આખી પ્રક્રિયાને ડોક્યુમેન્ટરી ફિલ્મ તરીકે ઉતારવામાં આવી છે. ચેનલ ફોર નામની ટી.વી. ચેનલ તેનું પ્રસારણ કરી ચૂકી છે. વૈજ્ઞાાનિકોએ કઈ રીતે સાબિત કર્યું કે, ''આ અવશેષો ખરેખર કિંગ રિચાર્ડ ત્રીજાના જ છે ?''
હાડપિંજર મળી આવતાં જ તેની ઓળખ અને કિંગ રિચાર્ડ તરીકે તેને ઓફીસીઅલી જાહેર કરવા માટે, હાડપિંજર ઉપર અનેક પરીક્ષણો કરવામાં આવ્યા હતા જેમાં ડીએનએ પરીક્ષણ મુખ્ય હતું. જમણા પગના હાડકા અને દાંતમાંથી વૈજ્ઞાનિકો ડીએનએ મટીરીઅલ્સ અલગ કાઢીને પરીક્ષણ માટે પ્રયોગશાળામાં લઈ ગયા હતા.
૨૦૦૫માં નિવૃત્ત થઈ ગયેલા પત્રકાર જોયસ ઇબ્સનને એક ફોન કોલ મળે છે. જોયસ ઇબ્સન કેનેડામાં રહે છે. ફોન કરનારી વ્યક્તિ હતી ઇતિહાસકાર જ્હો એસડાઉન હીલ જેણે સતત ત્રણ વર્ષ સુધી ખાંખાખોળા કર્યા બાદ જોયસ ઇબ્સનને ફોન કર્યો કે તેઓ જો સોળ પેઢી દૂર કરીએ તો સત્તરમી પેઢીએ ઇંગ્લેન્ડના રાજા કિંગ રિચાર્ડના ભત્રીજી થાય. તેઓ કિંગ રિચાર્ડની નાની બહેન એન ઓફ યોર્કના સીધા વારસ થાય. ૮૨ વર્ષની ઉંમરે ૨૦૦૮માં મૃત્યુ પામનાર જોયસ ઇબ્સને વૈજ્ઞાનિકોને પોતાના ડીએનએ સેમ્પલ આપ્યા હતા. છેવટે ૨૦૧૨માં રિચાર્ડ ત્રીજાના અવશેષો મળી આવતા, વૈજ્ઞાનિકોએ તેમના પુત્ર જે ૫૫ વર્ષના છે તેઓના સેમ્પલ અને તેની માતા જોય ઇબ્સનના ડીએનએ સાથે મેચિંગ કરવામાં આવ્યું.

વૈજ્ઞાનિકો એ જોયું કે, બંને સેમ્પલો મળતા આવતા હતા. આ પરિણામ બતાવતું હતું કે, આર્કિયોલોજીસ્ટે શોધી કાઢેલ હાડપિંજર કિંગ રિચાર્ડ ત્રીજાનું હતું. હવે વૈજ્ઞાનિકોએ જાહેર કર્યું કે, અસ્થિઓ કિંગ રિચાર્ડ ત્રીજાના છે. એટલે હવે જાગવાનો વારો સરકારનો હતો. સરકારે જાહેર કર્યું કે યુનિવર્સિટી ઓફ લેન્કેસ્ટર તેમના વૈજ્ઞાનિક પરીક્ષણો પૂર્ણ કર્યા બાદ અવશષો સોંપશે ત્યારે તેને સન્માન સાથે દફનાવવામાં આવશે. મધ્ય યુગના ઘણા બધા રાજાઓ અને શાહી ખાનદાનના સંતાનોને અહીં દફન કરવામાં આવ્યા છે. મિનિસ્ટ્રી ઓફ જસ્ટિસ કહે છે કે, ''લેન્કેસ્ટર સિટી કાઉન્સિલ અને લેન્કેસ્ટર યુનિવર્સિટી'' તેમણે શોધી કાઢેલ રિચાર્ડ ત્રીજાના અવશેષોને દફન કરવા માટેનું સ્થાન નક્કી કરી શકે છે.

રિચાર્ડ ત્રીજાની દફનવિધિ દાન મેળવીને કરવામાં આવશે. હાલના બ્રિટિશ રાજવી કુળના બકિંગહામ પેલેસ દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી કે કિંગ ઓફ રિચાર્ડ થર્ડની દફનવિધિ વખતે કોણ હાજર રહેશે. રિચાર્ડ ત્રીજાની શોધ કરનાર પ્રોજેક્ટના સભ્યો માને છે કે લેન્કેસ્ટરમાં જ તેમની દફનવિધિ કરવામાં આવે જ્યારે વેસ્ટમિન્સટર એબે લંડનમાં આવેલી છે. અહીં સત્તર જેટલા રાજાઓ અને રાણી દફન કરવામાં આવ્યાં છે. રાજા તરીકે માત્ર બે વર્ષ રાજ કરનાર કિંગ રિચાર્ડ ૫૩૦ વર્ષ બાદ વિધિવત્ રીતે અંતિમક્રિયા પામશે. ઐતિહાસિક તથ્યોને જાણી જોઈને વિજ્ઞાન લેખથી થોડા અળગા રાખવામાં આવ્યા છે છતાં કહેવું પડે કે કિંગ રિચાર્ડ ત્રીજા એ પ્લાન્ટાગેનેટ વંશના છેલ્લા રાજા હતા. બ્રિટનની ભૂમિ પર મૃત્યુ પામનાર બીજા અને છેલ્લા રાજવી કિંગ રિચાર્ડ ત્રીજા હતા.  કિંગ રિચાર્ડ પછી હવે સંશોધકો બ્રિટનના રાજવી "કિંગ આલ્ફ્રેડ ધ ગ્રેટ"ના અવશેષો શોધવા માગે છે.
જો બાર્થોલોમેવ ચર્ચમાંથી કિંગ આલ્ફ્રેડ ધ ગ્રેટના અવશેષો મળે તો તેમનું ડીએનએ ટેસ્ટિંગ કરવું ખૂબ જ મુશ્કેલ પડે તેમ છે. આ રાજવીના હાલના જીવંત સગા શોધવા ખૂબ જ મુશ્કેલ છે. વિન્ચેસ્ટર યુનિવર્સિટીની આર્કિયોલોજીસ્ટ કેટી ટફર કહે છે કે અમને ખબર છે કે ખોદકામ દરમ્યાન પાંચ ખોપરી અને હાડકાઓ મળશે. અમારે તેમની ઉંમર નક્કી કરવાની છે, તેમની જાતિ નક્કી કરવાની છે અને હાડકાઓને ફરીવાર ગોઠવવાના છે. વૈજ્ઞાનિકોને કબરમાંથી મડદા બેઠા કરવા અને બોલતા કરવામાં મજા આવતી લાગે છે !

No comments: