Sunday 4 September 2016

ખુશખબર, સૂર્ય ગ્રહમાળાની બહાર મળી આવેલો નવો ગ્રહ : 'પ્રોક્સીમા સેન્ટોરી બી'

Pub. Date: 04.09.2016

અંધારી રાત્રે, કાળા ડિબાંગ આકાશમાં સદીઓ પહેલા આપણાં પૂર્વજોએ આકાશમાં ટમટમતા તારલાઓ નિહાળે રાખ્યા હશે. ત્યારે શું વિચાર આવ્યો હશે ? બ્રહ્માંડમાં આપણે એકલા જ છીએ ? બ્રહ્માંડમાં આપણા પૃથ્વી જેવો ગ્રહ છે ખરો ? જ્યાં મનુષ્ય જેવી સભ્યતા વિકસી હોય ? સવાલ અગણિત છે હવે આપણી પાસે બ્રહ્માંડને સમજવા માટેની પદ્ધતિસરની સમજ આવી ગઈ છે. આપણો ડેટા બેઝ વધવા લાગ્યો છે મનુષ્યએ બ્રહ્માંડને સમજવાની જે નવી પદ્ધતિ વિકસાવી છે તેને 'વિજ્ઞાાન' કહે છે. અત્યાર સુધી મનુષ્યએ સૂર્યમાળામાં રહેલા લગભગ બધા જ ગ્રહોને લગતી માહિતી, વિવિધ અંતરીક્ષ યાન અને સ્પેસ પ્રોબ વડે મેળવી છે. બે દાયકા પહેલાં સૂર્યમાળા બહાર પૃથ્વી જેવા ગ્રહ મળી આવશે તેવી કોઈએ કલ્પના કરી ન હતી. સૈદ્ધાંતિક રીતે વૈજ્ઞાાનિકો જાણતા હતા કે બ્રહ્માંડમાં સૂર્યમાળાના ગ્રહ જેવા ગ્રહ હોવા જોઈએ. પણ તેના પ્રાયોગિક પુરાવાઓ મળ્યા ન હતાં. પૃથ્વીવાસી માટે હવે ખુશખબર છે. સૂર્યમાળાની ભાગોળે અને સૂર્યથી સૌથી નજીકનો તારો પાસે 'બાહ્યગ્રહ' મળી આવ્યો છે.

એક્ષોપ્લેનેટ - બે દાયકાનો સરવાળો :
 આપણી સૂર્યમાળાની બહાર મળી આવેલા ગ્રહ એક્ષોેપ્લેનેટ તરીકે ઓળખાય છે. ૧૯૮૮થી ૧૬ ઓગસ્ટ ૨૦૧૬ સુધીમાં ૩૫૦૧ એક્સોપ્લેનેટ શોધાયા છે. જેમાં સૌથી યુવાન (ખરેખર બાળગ્રહ કહેવો જોઈએ.) જેની ઉંમર માત્ર દસ લાખ વર્ષ છે. કોસ્મિક સ્કેલ પર આ સમયગાળો ખૂબ જ ટૂંકો ગણાય (સૂર્યમાળાની ઉંમર ૪.૬૦ અબજ વર્ષ છે.) આ બાહ્યગ્રહ પૃથ્વીથી ૧૨૦ પ્રવાસ વર્ષ દૂર આવેલા કોકુટાઉ ૪, તારાની પ્રદક્ષિણા કરે છે. છેલ્લા બે દાયકામાં શોધાયેલા બાહ્યગ્રહોમાંથી મોટા ભાગના ગ્રહોની શોધ, નાસાના કેપ્લર સ્પેસ ટેલિસ્કોપે કરેલ છે. જ્યારે તારા અને ગ્રહ વચ્ચે એટલું અંતર હોય છે કે, ગ્રહ પોતાનું તાપમાન જાળવી રાખે છે અને ગ્રહ ઉપર પાણી પ્રવાહી સ્વરૃપે રહી શકે. તેને હેબીટેબલ ઝોન કહે છે. આપણો અનુભવ કહે છે કે. સૂક્ષ્મજીવથી માંડીને વિશાળકાય સજીવની રચના સર્જન કરવા માટે 'પાણી' અતિ આવશ્યક છે. હાલમાં હેબીટેબલ ઝોન માટે 'ગ્રીનહાઉસ ઇફેક્ટ'ને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. નવા શોધાયેલા બાહ્યગ્રહ પ્રોક્સીમા સેન્ટોરી પહેલાં, સૂર્યથી સૌથી નજીક શોધાયેલા બાહ્યાગ્રહ ૪૦ પ્રકાશવર્ષ દૂર આવેલો છે. પૃથ્વી અને નેપ્ચ્યુન(પ્રજાપતિ) ગ્રહ વચ્ચેના કદના ગ્રહને 'સુપર' અર્થ ગણવામાં આવે છે.

શોધનો શ્રેય - ESO

મનુષ્ય ઇતિહાસમાં જવલ્લેજ જોવા મળે તેવી જાહેરાત, તાજેતરમાં કરવામાં આવી છે. સુર્ય ગ્રહમાળાની પાડોશમાં જ પૃથ્વી જેવો ગ્રહ શોધી કાઢવામાં આવ્યો છે. સૂર્ય ગ્રહમાળાની બહાર અન્ય 'સ્ટાર સિસ્ટમ'માં મળી આવતા ગ્રહને બાહ્ય ગ્રહ એક્ષો પ્લનેટ તરીકે ઓળખવામાં આવે છે. ૧૯૯૫થી સૌ પ્રથમવાર, કોઈ મેન સિકવન્સ સ્ટારની પ્રદક્ષિણા કરનાર 'ગ્રહ'ની શોધ કરવામાં આવી હતી. '૫૧ પેગાસી' નામના તારાની માત્ર ચાર દિવસમાં પ્રદક્ષિણા કરનાર વિશ્વનો 'પ્રથમ એક્ષોેપ્લેનેટ' શોધી કાઢવામાં આવ્યો હતો.

પ્રોક્સીમા સેન્ટોરી 'બી' નામનો ગ્રહ, સૂર્યમાળા બહાર શોધાયેલો પૃથ્વીની યાદ અપાવે તેવો, સૂર્યમાળાની સૌથી નજીકનો એક્ષોેપ્લેનેટ  છે. જેને લગતો રિપોર્ટ 'નેચર' મેગેઝીનમાં છવાયેલો છે. ચિલી ખાતે યુરોપીયન યુરોપીયન સધર્ન ઓબ્ઝર્વેટરી (ESO) આવેલી છે. જેમાં અલ્ટ્રાવાયોલેટ એન્ડ વિઝ્યુઅલ ઇશેરી સ્પેક્ટ્રોગ્રાફ  (UVES)અને હાઇ એક્યુરસી રેડિઅલ પ્લેનેટ સર્વર (HARPS) નામના બે અતિ સંવેદનશીલ ઉપકરણ ટેલિસ્કોપ સાથે જોડેલ છે. જે ખાસ કરીને 'એક્ષોેપ્લેનેટ' બાહ્ય ગ્રહ શોધવા માટે ખૂબ જ ઉપયોગી છે. બ્રહ્માંડમાં લગભગ બધા જ બ્રહ્માંડીયડીય પીંડ ગતિમાં હોય છે જે પોતાની ધરી ઉપર અથવા અન્ય પિંડની આસપાસ પ્રદક્ષિણા કરતા હોય છે. જેમાં તારાઓનો પણ સમાવેશ થઈ જાય છે. ૨૦૧૨માં પ્રોક્સીમા સેન્ટોરી ગતિમાં તેને ફરતા ગ્રહના ગુરૃત્વાકર્ષણના કારણે થોડા પ્રમાણમાં વિચલન (વોબલ) જોવા મળ્યું હતું. જો કે આ ઘટના ઉપકરણોની ત્રૂટી હતી. વૈજ્ઞાાનિકોએ ૨૦૧૪ સુધીના HARPSના અવલોકનો અને ૨૦૦૫થી ૨૦૧૪ સુધીના HARPS ના અવલોકનોને પૃથક્કરણ કરી સૂર્યમાળાના સૌથી નજીકના બાહ્યગ્રહની 'માઇલસ્ટોન' શોધની જાહેરાત કરી હતી. શોધ કરનાર ટીમ , પેલ રેડ ડોટ ટીમ તરીકે ઓળખાય છે. વોયેઝર-૧ અવકાશ યાને ઉંડા અંતરિક્ષમાં જઈને 'પૃથ્વી'નો ફોટો લીધો હતો જેમાં પૃથ્વી ઝાંખા વાદળી ટપકા જેવી લાગતી હતી. આ તસ્વીરમાં રહેલી પૃથ્વી માટે કાર્લ સગાને યેલ બ્લ્યુ ડોટ શબ્દ પ્રચલિત કર્યો હતો. જેમાંથી પ્રેરણા લઈ ESO ના ખગોળશાસ્ત્રીઓ નવા શોધાયેલા બાહ્ય ગ્રહને પેલ રેડ ડોટ તરીકે ઓળખાવે છે. ચાલુ વર્ષે આગ્લાડા- એસ્ક્યુડ અને પોલ બટલરની ટીમે સતત ૬૦ રાતોમાં ૨૦ મિનિટના ટૂંકા ગાળામાં HARPS ને પ્રોક્સીમા સેન્ટોરી તરફ ફોક્સ કર્યું હતું. જેના પરિણામે નવા બાહ્ય ગ્રહની શોધ થઇ છે, સવાલ એ છે કે આ ગ્રહ પર જીવનની શરુઆત થઈ હશે.

બાહ્યગ્રહની શોધના 'હોટ ન્યુઝ' :


ખગોળશાસ્ત્રીઓ ખુશ છે કે આપણી નેક્સ્ટ ડોર નેબર/ પડોશી તારાં ત્રિપૂટી પાસે, નવો  'ગ્રહ' મળી આવ્યો છે. જેનું કદ આપણી પૃથ્વી જેટલું છે. પૃથ્વીથી તેનું અંતર માત્ર ૪.૨૦ પ્રકાશ વર્ષ છે છતાં, આપણી આજની ટેકનોલોજી વડે બનાવેલ 'સ્પેસ યાન' ત્યાં મોકલવાનું થાય તો, પ્રોક્ષીમા સેન્ટોરી 'બી' તરીકે ઓળખાતા ગ્રહ સુધી પહોંચતા સિત્તેર હજાર વર્ષ લાગે તેમ છે. વૈજ્ઞાાનિકો પ્રોક્સીમાં સેન્ટોરી તારાંની આસપાસ છેલ્લા પંદર વર્ષથી 'ગ્રહ' શોધી રહ્યા હતા. જો કે, પ્રોક્સીમા સેન્ટોરી નામનો ટચુકડો 'રક્તવામન' તારો 'રેડક્વાર્ફ' ૧૯૧૫માં સ્કોટીશ ખગોળશાસ્ત્રી 'રોબર્ટ આઇનેસે' શોધ્યો હતો. આ તારાની પ્રદક્ષિણા કરનાર પૃથ્વીથી ૧.૩૦ ગણો મોટો ગ્રહ શોધાયાની જાહેરાત ૨૪ ઓગસ્ટ ૨૦૧૬ના રોજ કરવામાં આવી છે. વૈજ્ઞાાનિકો માને છે કે આ ગ્રહ હેબીટેબલ ઝોનમાં આવેલો છે. જેને 'ગોલ્ડીલોક' પણ કહે છે. પ્રોક્સીમા સેન્ટોરી 'બી' માત્ર ૧૧.૨૦ દિવસમાં તારાની પ્રદક્ષિણા પૂરી કરી નાખે છે. મતલબ કે નવા શોધાયેલા ગ્રહનું એકવર્ષ માત્ર અગિયાર દિવસનું જ છે.

વૈજ્ઞાાનિકો જો સૂર્યમાળા છોડીને આંતર તારાકીય અંતરીક્ષ- ઇન્ટરસ્ટીલર સ્પેસ ટ્રાવેલ કરવાની શરુઆત કરવામાં આવે તો, મનુષ્યના 'ચોઇસ લીસ્ટ'માં સૌથી નજીકનો તારો 'પ્રોક્સીમા સેન્ટોરી' જ હશે.હાલ આ તારો ૨૨.૪૦ કી.મી. પ્રતિ સેકન્ડના વેગથી પૃથ્વી તરફ આવી રહ્યો છે.  લગભગ ૨૬.૭૦ હજાર વર્ષ બાદ તે પૃથ્વીથી ૩.૧૧ પ્રકાશવર્ષ  જેટલો નજીક આવીને પાછો દુર થવા લાગશે. સુર્યની ઉંમર ૪.૬૦ અબજ વર્ષ છે. પ્રોક્સીમાં સેન્ટોરી થોડો વધારે ઉંમરલાયક એટલે ૪.૯૦ અબજ વર્ષનો છે. જે આલ્ફા સેન્ટોરી નામના તારાથી માત્ર ૦.૨૪ પ્રકાશ વર્ષ દૂર છે. આલ્ફો સેન્ટોરી યુગ્મ / જોડિયા / બાયનરી તારા/  સ્ટાર્સ  છે. જે A અને B તરીકે ઓળખાય છે. જે નરી આંખે જોતા એક તારા જેવો લાગે છે. પ્રોક્સીમા સેન્ટોરીને નરી આંખે જોઈ શકાય નહિ તેટલો નિસ્તેજ છે. એક અંદાજ પ્રમાણે આપણી મંદાકીની / મિલ્કી વેમાં આવેલા ૧૫થી ૩૦ ટકા બાહ્ય ગ્રહો, તારાઓના 'ગોલ્ડીલોક' ઝોન / વિસ્તારમાં આવેલા છે. જેમાં જીવન વિકાસની શક્યતા સૌથી વધારે છે.

નવા ગ્રહ પર 'જીવ' વિકસ્યા છે?

નવા બાહ્યગ્રહની શોધ સાથે જ, ખગોળશાસ્ત્રીઓ અને વૈજ્ઞાાનિકો આશાવાદી બની ગયા છે. તેમને લાગે છે કે, સૂર્યમાળાના સૌથી નજીકનો બાહ્ય ગ્રહ વૈજ્ઞાાનિક ભાષામાં તેના પિતૃતારાથી હેબીટેબલ ઝોન અથવા ગોલ્ફીલોક ક્ષેત્રમાં આવેલો છે. સૂર્ય જેવા તારાથી સલામત અંતર જ્યાં, પુષ્કળ ગરમી પણ નથી. જ્યાં પુષ્કળ ઠંડી પણ નથી એવો વિસ્તાર એટલે હેબીટેબલ ઝોન. આવા પ્રદક્ષિણા માર્ગમાં આવેલ બાહ્યગ્રહ મધ્યમકદ એટલે કે પૃથ્વી જેટલા કદનો હોય તો પોતાનું વાતાવરણ જાળવી રાખી શકે છે. ગ્રહ પથરાળ ખડકોનો બનેલો હોવા છતાં ત્યાં પાણી તેના ત્રણેય સ્વરૃપ ઘન, પ્રવાહી અને વાયુમાં પણ જોવા મળે છે. મુખ્યત્વે મહત્વનો પાણીનો જથ્થો પ્રવાહી અને વાયુમાં પણ જોવા મળે છે. મહતત્વ વાત એ છેકે પાણીનો જથ્થો પ્રવાહી સ્વરૃપે હોય,  જેથી તેમાં  સૂક્ષ્મ પ્રકારના 'માઇક્રોબ્સ'થી જીવન શરૃ થવાની શક્યતા વધી જાય છે.

નવો શોધાયેલો બાહ્યગ્રહ તેના તારા / સૂર્ય પ્રોક્સીમા સેન્ટોરીથી ખૂબ જ નજીક છે. પરંતુ આ તારો રક્તવામન / રેડ ક્વાર્ફ છે. જે  સૂર્ય કરતા પણ નાનો છે. જેમનું આયુષ્ય આપણા સૂર્ય કરતા વધારે હોય છે. કારણ કે આવા તારાઓમાં ચાલતી નાભીકીય ઊર્જા માટે જરૃરી બળતણનો મહત્તમ ઉપયોગ કરે છે. તેઓ અબજો- ખર્વો વર્ષ સુધી પ્રકાશિત રહે છે. ફ્રેન્ક સેલસીસ નામનો બાહ્ય ગ્રહના વાતાવરણનો અભ્યાસું અને નિષ્ણાત છે જે કહે છે કે 'નવો ગ્રહ પૃથ્વી જેટલા કદ માપનો છે.' પરંતુ પૃથ્વીના જોડિયા ભાઈ જેવો નથી. યુનિ. ઓફ વૉશિગ્ટનના એસ્ટ્રોબાયોલોજીસ્ટ શેરી બર્નસ કહે છે કે, આ ગ્રહ માટે તેનો સ્ટાર / સૂર્ય 'જીવનદાતા'ની નાભિકામાં ન પણ હોય. જીવન વિકાસ માટે નવા શોધાયેલા બાહ્યગ્રહની પાયાની જરૃરિયાતો પણ અલગ હોઈ શકે છે. જો ત્યાં સૂક્ષ્મ જીવોનો વિકાસ થયો હોય તો આ કક્ષા સુધી પહોંચાડવામાં ગ્રહને પૃથ્વી કરતા વધારે મુશ્કેલી અને અવરોધોનો સામનો કરવો પડયો હશે.

રેડ ડવાર્ફ તારાઓની જવાની ખૂબ જ તોફાની હોય છે. તેઓ ખૂબ જ જ્વાળાઓ ફેકતા હોય છે જેના કારણે નજીક આવેલ ગ્રહની હાલત આપણાં શુક્ર જેવી થઈ જાય છે. એક શક્યતા તો છે કે જો ગ્રહનીજો ગ્રહની યુવાનીમાં, તેનો  ફરતે પ્રમાણસરના હાઇડ્રોજન વાયુનું સ્તર (ખૂબ વધારે નહિ ખૂબ જ ઓછું પણ નહિ.)  રહ્યું હોય તો, ગ્રહ માટે તે 'સનસ્ક્રીન' જેવું રક્ષાત્મક કવચ સર્જી શકે છે.

બાહ્યગ્રહ વિશે હાલના તબક્કે વધારે માહિતી નથી. પરંતુ તેના પ્રદક્ષિણા કાળ પરથી લાગે છે કે તે તેના તારાની ખૂબ જ નજીક છે. રેડ ક્વાર્ફ હોવાના કારણે તારાનું તાપમાન આપણા સૂર્ય કરતા ઓછું છે. આપણા ગ્રહના ઉપગ્રહ ચંદ્ર  માફક તેનો એક ભાગ હંમેશા તારા તરફ તકાયેલો રહે છે. જયારે બીજો ભાગ હંમેશા અંધારામાં રહે છે. આવી અવસ્થામાં વાતાવરણના કારણે 'ગરમી' સમગ્ર ગ્રહ પર એકસરખીફરતી રહી શકે છે. જેના કારણે ત્યાં જીવન વિકાસ માટે જરૃરી બાયોસ્ફીઅર રચાવાની શક્યતા વધી જાય છે.

એક ગણતરી મુજબ ગ્રહ અને તારા વચ્ચે માત્ર ૭૪.૮૦ લાખ કી.મી. અંતર છે. યાદ રહે આપણો બુધ ગ્રહ, સૂર્યથી ૫.૭૯ કરોડ કિ.મી. દૂર છે. જો કે પ્રોક્સીમા સેન્ટોરી સૂર્ય કરતા એક હજાર ગણો વધારે ઝાંખો છે. આ કારણે નવા શોધાયેલા ગ્રહ પર તારની ઊર્જા, પૃથ્વી પર સૂર્યની જે ઊર્જા મળે છે તેના માત્ર ૭૦ % જેટલી જ હોય. નવા બાહ્યગ્રહ પર જીવન વિકસ્યું છે કે નહિ તેનો આધાર, નવા ગ્રહ પર વાતાવરણ કેટલું છે તેના પર રહેલો છે.

રેડ ક્વાર્ફ પુષ્કળ પ્રમાણમાં એક્સ-રે રેડિયેશન ફૂંકે છે. ઉપરાંત તે ખૂબ જ મોટા પ્રમાણમાં સૌર જ્વાળાઓ છોડે છે. તેના સૌર પવનોમાં ઊર્જાવાન વિવિધ કણો હોવાની શક્યતા છે. તેનું અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન પણ ખૂબ જ વધારે હોવાની શક્યતા છે. બાહ્ય ગ્રહ વિશે એક આશા છે જો તેની પાસે પૃથ્વી જેવું ચુંબકીય ક્ષેત્ર હોય તો બચાવ થઈ શકે છે. તેની પાસે ઘટ્ટ વાતાવરણ હોય તો સૂક્ષ્મ જીવ વિકાસની શક્યતા છે. એક અંદાજ પ્રમાણે નવા શોધાયેલા બાહ્યગ્રહ માટે બધી જ પરિસ્થિતિ તેની ફેવરમાં હોય તો,  ત્યાં માત્ર 'સૂક્ષ્મ જીવો' માઇક્રોબ્સનો વિકાસ થયો હોવાની શક્યતા હાલમાં વૈજ્ઞાાનિકોને દેખાઈ રહી છે.

ડેટા કાર્ડ :

નવા શોધાયેલા પ્રોક્સીમા સેન્ટોરી 'બી' બાહ્યગ્રહ અને તારાની  યાદગાર હકીકતો :-
- આલ્ફા સેન્ટોરી નામનો તારો ખરેખર ત્રણ તારાની ત્રિપૂટી છે જેમાં આલ્ફા સેન્ટોરી યુગ્મ તારા છે અને વચ્ચે આવેલ ગ્રેવિટી સેન્ટરની ફરતે ગોળ ફરે છે.
- પ્રોક્સીમા સેન્ટોરી, આલ્ફા સેન્ટોરીથી ૦.૨૪ પ્રકાશ વર્ષ દૂર છે.
- પ્રોક્સીયા સેન્ટોરી સુર્યથી સૌથી નજીકનો તારો છે. જે સુર્યથી ૪.૨૨ પ્રકાશ વર્ષ દુર છે.
- આલ્ફા સેન્ટોરી સુર્યથી ૪.૩૭ પ્રકાશવર્ષ દુર છે.
- આલ્ફા સેન્ટોરી, વ્યાધ / ડોગસ્ટાર અને કેનોપસ પછી ત્રીજા ક્રમે આવતો અવકાશનો સૌથી તેજસ્વી તારો છે.
- બાહ્યગ્રહ અને પ્રોક્સીમા સેન્ટોરી વચ્ચેનું અંતર સૂર્ય અને પૃથ્વીના અંતરના માત્ર ૫% જેટલું છે.
- પ્રોક્સીમા સેન્ટોરી એટલો ઝાંખો છે કે તેને નરી આંખે જોઈ શકાતો નથી.
- પ્રોક્સીમા સેન્ટોરીનું કદ આપણા સૂર્ય કરતા માત્ર દસમા ભાગ જેટલું જ છે.
- પ્રોક્સીમા સેન્ટોરીના નવા શોધાયેલા ગ્રહોનું કદ પૃથ્વી કરતા ૧.૩૦ ગણું છે. મતલબ તે પૃથ્વી કરતા ૩૦% વધારે મોટો છે

No comments: