Sunday 11 September 2016

લ્યુસી : વો ભૂલી દાસ્તાન લો ફીર યાદ આ ગઈ....



Pub. Date. 11.09.2016
૩૧.૮૦ લાખ વર્ષ પ્રાચીન ''મૃત્યુ''નું રહસ્ય ખૂલે છે!

 વિજ્ઞાન જગતમાં બધા તેને છેલ્લાં 'ચાર' દાયકાથી ઓળખે છે. તેનું નામ છે 'લ્યુસી'. લ્યુસીનો અર્થ થાય 'પ્રકાશ'. લ્યુસી, મનુષ્યનાં પ્રાગ-ઐતિહાસિક ભુતકાળને સમજવા માટેનાં એમ્બેસેડર/રાજદુતની ભુમિકા ભજવે છે. તેના વંશજો મનુષ્યનાં હોમોસેપિયન જાતીનાં સૌથી નજીકના સગા છે. થોડા સમય પહેલાં મનુષ્યનાં અન્ય 'સગા' 'હોમો-નાલેદી'ની ભાળ, અને મનુષ્યની નવી પ્રજાતીન મળી હતી. 'લ્યુસી'નાં અવશેષો મળ્યા હતાં. ત્યાં અલગ પ્રજાતીનાં મનુષ્યનાં અવશેષો પણ મળ્યા છે. જે બે પગે ચાલતા હતાં. તેમનું કદ અને શરીર બંધારણ, મનુષ્યની એક પ્રજાતી 'આર્દીપીથેક્સ રેમિદસ'ને મળતાં આવે છે. પ્રાચીન નૃવંશશાસ્ત્રમાં પીકીંગ મેન અને 'લ્યુસી' અમુલ્ય ઘરેણા સમાન છે. લ્યુસી આજથી ૩૨.૮૦ લાખ વર્ષ પહેલાં ઈથોપીયાની ભુમી ઉપર વિચરતી હતી. આધુનિક ટેકનોલોજી વડે વૈજ્ઞાાનિકોએ તેનાં મૃત્યુનું લાખો વર્ષ પ્રાચીન રહસ્ય ખોળી નાખ્યું છે.
લ્યુસી : કોણ હતી?
૨૪ નવેમ્બર ૧૯૭૪. ડોનાલ્ડ જોહ્નસન અને ટોમ ગ્રે નામનાં બે વૈજ્ઞાાનિકોએ તેમની લેન્ડ રોવર કારને ઈથોપીયાની હાદાર સાઈટ પર પાર્ક કરી. પોતાનાં મિશન માટે યોગ્ય સ્થળ શોધવા તેઓ આગળ વધી ગયા. ઈથોપીયાની ગરમાગરમ સવારમાં, પોતાનાં પસંદગીનાં સ્થળનું મેપીંગ અને સર્વે કરી પાછા વળવાનું તેમણે વિચાર્યું. લેન્ડ રોવર સુધી જવા, સવારે આવ્યા હતાં, તેના કરતાં અથવા માર્ગ પસંદ કરવાનું ડોનાલ્ડ જોહનસને સુચન કર્યું. આ સુચન મનુષ્યનાં ઈતિહાસ માટે સુવર્ણ તક બની ગયું. બીજા માર્ગે પસાર થતાં જ ડોનાલ્ડની નજરે બાવડાનું એક હાડકું નજરે પડયું. તેઓ ઓળખી ગયા કે હાડકુ 'હોમોનીન'નું હતું. ત્યારબાદ તેમની નજરે ખોપરી હાડકું આવ્યું અને ત્યારબાદ, હોમીનીડ વર્ગનાં પ્રાચીન અશ્મીનું ૪૦ ટકા હાડકું મળી આવ્યું.
બંને વૈજ્ઞાાનિકો અને તેમની ટીમનાં સભ્યો નવી ડિસ્કવરીથી ખુબજ ખુશ હતાં. રાત્રે નવીન શોધનો  આનંદ ઉમળકાને વ્યક્ત કરવા માટે ડ્રિન્કસ, ડાન્સીંગ અને સીંગીંગની શરૃઆત થઈ હતી. અમેરિકન ગ્રુપ  'બિટલ્સ'નું લોકપ્રિય ગીત 'લ્યુસી ઈન ધ સ્કાય વીથ ડાયમંડ' વાગતું હતું. ખુશીનાં માર્યા લોકોએ આ ગીતને રાતભર રીપીટ કરી નાચતાં રહ્યાં. સવારે તેમની જુબાન ઉપર એકજ નામ હતું. 'લ્યુસી' છેવટે ડોનાલ્ડ જોહનસને તેમણે મેળવેલા અસ્થી પીંજરને નામ આપ્યું. 'લ્યુસી' લ્યુસીનો અર્થ થાય પ્રકાશ.
પ્રાણીશાસ્ત્રમાં હોમીનીદા ફેમીલીના સભ્યને હોમીનીડ કહે છે. આફ્રીકન વાનર/મનુષ્યની પ્રજાતી હોમીનીદા સમુહમાં આવે છે. જેમાં ઓસ્ટ્રેલોપિથેક્સ અને 'હોમો'ની અન્ય પ્રજાતિઓનો સમાવેશ થાય છે. આ વર્ગની પ્રજાતિઓ એકબીજાથી ઘણી રીતે અલગ પડે છે પરંતુ તેમની સમાન ખાસીયતોમાં બે પગે ટટ્ટાર ચાલવાની રીતભાત મુખ્ય છે.
લ્યુસીનાં પગના હાડકાં બતાવે છે કે તે ભુમી ઉપર બે પગે ચાલતી હતી. તેનો શારીરિક બાંધો ટટ્ટાર ઉભા રહી શકાય તેમ ઘડાયો હતો. તેની કરોડરજ્જુ આ વાતનો પુરાવો આપે છે. 'લ્યુસી'નાં અવશેષો ઓસ્ટ્રેલોપિથેક્સ આફ્રિનસીસ પ્રજાતિનાં છે. હાદાર ક્ષેત્રમાં મળી આવેલ અસ્થી પીંજરમાં પુરુષનાં હાડપીંજર મોટા અને માદાના હાડપીંજર નાના કદનાં છે. જેના પરથી 'લ્યુસી' માદા હોવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
લ્યુસીનાં ડહાપણની દાઢ અને તેનાં ઘસારા ઉપરથી વૈજ્ઞાાનીકો તેને પુખ્ત વયની વ્યક્તિ માને છે. જ્યારે 'લ્યુસી'નું અવસાન થયું ત્યારે તે ભરજુવાનીમાં હતી ! આખરે તેનું અવસાન કઈ રીતે થયું હતું?

CT સ્કેન : મૃત્યુનું રહસ્ય ખોલે છે
૧૯૮૦નાં દાયકામાં એ એન્થ્રોલોજી/નૃવંશ શાસ્ત્રનાં વિષયમાં ગ્રેજ્યુએશનનો કોર્સ કરતો હતો. ૧૯૭૪માં શોધાયેલાં ઓસ્ટ્રેલોપિથેક્સ આફ્રેનસીસનાં 'લ્યુસી' નામનાં અશ્મિઓ તેમનાં અભ્યાસ ક્રમમાં સામેલ હતા. ઈથોપીયાનાં હાડકા ક્ષેત્રમાંથી મળી આવેલાં, આ હાડકાં ૩૧.૮૦ લાખ વર્ષ પ્રાચીન હતાં. હાડકા ઉડીને આંખ ખેંચે તેવી ક્રેક/તીરાડ અને ફ્રેક્ચર/અસ્થીભંગ દેખાતો હતો. કેટલાંક નિષ્ણાંતો માનતા હતાં કે આ ફ્રેક્ચર/ તિરાડ  'લ્યુસી'નાં અવસાન બાદ, પેદા થઈ હતી.
લ્યુસીનાં શોધક ડોનાલ્ડ જોહનસનનું માનવું પણ એવું જ હતું. લ્યુસીનાં અવસાન બાદ હાડકાનું અશ્મીમાં રૃપાંતર થવાની પ્રક્રિયામાં હાડકામાં ફ્રેક્ચર પેદા થયું હતું. જે ભૌગોલિક બળોનાં દબાણનાં કારણે હતું. હાદાર ક્ષેત્રમાંથી મળી આવેલા હાથી, ગેંડા અને વાનરનાં અશ્મીમાં પણ આ પ્રકારનાં ફ્રેક્ચર જોવા મળ્યા હતાં.
૨૦૦૭થી લ્યુસીનાં અશ્મીઓ, અમેરિકાનાં મ્યુઝીયમમાં પ્રદર્શનનાં ભાગરૃપે છ વર્ષની યાત્રા પ્રવાસે આવ્યા હતાં. પ્રદર્શનનું નામ હતું 'લ્યુસી'સ લેગસી' - ધ  હિડન ટ્રેઝર ઓફ ઈથોપીયા. ૨૦૦૮માં પ્રદર્શન અમેરિકાનાં હ્યુસ્ટન ખાતે આવેલ મ્યુઝીઅમમાં પહોંચે છે. પ્રો. જ્હોન કેપેલમેનને ૧૯૮૦નાં દાયકામાં કરેલ ગ્રેજ્યુએશનનો અભ્યાસ યાદ આવે છે. તેમને યાદ આવે છે કે હાડકામાં અનોખા પ્રકારનાં ફ્રેક્ચર છે. હવે તેમનાં માટે વધારે સંશોધન કરવાનો મોકો મળ્યો હતો. પ્રદર્શન તેમનાં જ શહેર નજીક આવી પહોંચ્યું હતું. ઈથોપીઆની સરકારની મંજુરી લઈને તેઓએ પોતાનું સંશોધન શરૃ કર્યું. હ્યુસ્ટનમાં પ્રદર્શન ખતમ થતાં જ 'લ્યુસી'ને ખુબજ ખાનગી રાહે યુનિ. ઓફ ટેક્સાસમાં લાવવામાં આવી. અમુલ્ય ખજાનાની સિક્યોરિટી માટે એ ખુબજ જરૃરી હતું.
દસ દિવસ સુધી લ્યુસીનો ૨૪ કલાક અભ્યાસ કરવામાં આવ્યો હતો. હાઈરીઝોલ્યુશનવાળા સીટી સ્કેન મશીન વડે હાડકાની ૩૫ હજાર સ્લાઈડ તૈયાર કરવામાં આવી હતી. જો આ સીટી સ્કેન કરવામાં ન આવ્યું હોત તો, લ્યુસીનાં મૃત્યુનો ભેદ ક્યારેય ખુલત નહીં.
લ્યુસીનાં હાડકા ખનીજયુક્ત ખડકમાં ફેરવાઈ ગયા હતાં. આમ છતાં 'લ્યુસી' પ્રત્યેની ચાહત અને ટેકનોલોજીનાં કમાલે મૃત્યુનાં રહસ્યને આખરે ઉજાગર કરી દીધું છે. પ્રો. કેપેલમેન કહે છે કે ''હાડકાંનું સ્કેનીંગ કરતાં માલુમ પડયું કે ઘણા બધા ફ્રેક્ચર 'લીલી લાકડી' ગ્રીન સ્ટીક બ્રેક જેવા હતાં, જે જીવંત હાડકા વાગે ત્યારે જ જોવા મળે તેવું ફ્રેક્ચર હતું. એટલે એક વાત નક્કી થઈ ગઈ કે આ ફ્રેકચર લ્યુસી જીવતી હતી ત્યારે થયા હતાં સામાન્ય રીતે છાતીની પાંસળીમાંની પ્રથમ પાંસળી ભાગ્યે જ ફ્રેક્ચર થાય છે કારણકે તેનું બંધારણ એવું હોય છે કે તે ખુબજ આઘાત ખમી શકે છે. જ્યારે લ્યુસીની છાતીની પાંસળી તુટેલી હતી. મતલબ તે ખુબજ ઉંચાઈએથી પછડાઈ હતી. લ્યુસીનાં બાવડાનાં હાડકામાં પણ ફ્રેક્ચર જોવા મળ્યું છે. જે એક પઝલ જેવું છે. સંશોધકોએ લ્યુસીનો 3D  મોડલ બનાવીને અભ્યાસ કર્યો છે. હાડકાનાં તબીબોનો અભિપ્રાય પણ લેવામાં આવ્યો હતો. બધાજનો જવાબ એક જ હતો. ઉંચાઈએથી ઉંધા માથે પટકાવાથી, આ ફ્રેક્ચર થયા હતાં.''
ડો. કેપેલમેનનો હાઈપોથીસીસ મુજબ લ્યુસી ઝાડ ઉપરથી જમીન પર પટકાતાં મૃત્યુ પામી હતી. જમીન પર પડયા બાદ તેને ખભાનાં હાડકાં તુટવાનો અહેસાસ થયો હતો. ઈથોપીયાની સરકારે લ્યુસીનાં જમણા ખભા અને ડાબા પગના ઘુંટણની 3D ફાઈલ ઓનલાઈન રજુ કરવાની પરવાનગી આપી છે. ૨૦૧૩માં 'લ્યુસી'નો રસાલો, અમેરીકાનાં મ્યુઝીયમમાં પ્રદર્શીત થઈ ફરી પાછો ઈથોપીયા પહોંચી ગયો છે. 
ડોનાલ્ડ જોહાનસન : મનુષ્ય મુળિયાની શોધ
મનુષ્ય પ્રજાતીનાં મુળીયા શોધવાનાં નૃંવશશાસ્ત્રનાં લોકપ્રિય સ્કોલર એટલે ડોનાલ્ડ જોહનસન. જેમણે ૧૯૭૪માં ૩૧.૮૦ લાખ પ્રાચીન 'લ્યુસી'નાં માનવ અશ્મીઓ શોધીને વિજ્ઞાન જગતમાં ડંકો વગાડી દીધો હતો. ૨૦ સદીની મહત્ત્વની ઘટનાઓનાં 'લ્યુસી'ની શોધની અવશ્ય નોંધ લેવી જ પડે. 'લ્યુસી' મનુષ્ય અને વાનરનાં મિશ્રણની જેવી રચના છે. જેનો પ્રોજેક્ટીંગ ચહેરો અને નાનું મગજ તેને મનુષ્યની નજીક મુકે છે.
સ્વીડીશ દેશાંતરવાસી દંપતીનું સંતાન એટલે ડોનાલ્ડ જોહાનસન. ડોનાલ્ડનો જન્મ ઈલીનોઈસનાં ચિકોગો શહેરમાં ૧૯૪૩માં થયો હતો. તેઓ બે વર્ષનાં હતાં ત્યારે જ તેમનાં પિતાનું અવસાન થયું હતું. તેમની માતાએ ડોનાલ્ડનો ઉછેર કર્યો હતો. તેમનાં પડોશમાં એક નૃવંશશાસ્ત્રી રહેતા હતાં. તેમણે ડોનાલ્ડને વિજ્ઞાનનો અભ્યાસ કરવાની સલાહ આપી હતી. કોલેજની પ્રવેશ પરીક્ષામાં ડોનાલ્ડનો દેખાવ ખરાબ રહ્યો હતો. ૧૯૬૬માં તેમણે એન્થ્રોલોજીમાં બેચલરની ડીગ્રી મેળવી હતી. અમેરીકન નૃવંશશાસ્ત્રી એફ.ક્લાર્ક હોવેલ સાથે પત્રવ્યવહાર કર્યા બાદ, યુની. ઓફ ચિકાગોમાં તેમનાં માર્ગદર્શનમાં ડોનાલ્ડે ૧૯૭૦માં માસ્ટર ડીગ્રી અને ૧૯૭૪માં ડોક્ટરેટની ડીગ્રી મેળવી હતી. ૧૯૭૪ થી ૧૯૮૧ વચ્ચે ક્લીવલેન્ડ મ્યુઝીયમ ઓફ નેચરલ હિસ્ટ્રીનાં તેઓ ક્યુરેટર રહ્યા હતાં. ૧૯૭૨માં કેટલાક સહકાર્યકર સાથે ડોનાલ્ડ ઈથોપીયાના અફાટ ત્રિકોણ વિસ્તારમાં ફિલ્ડ વર્ક માટે પહોંચ્યા હતા.
૧૯૭૪માં AL-288-1 નામનાં ફોસીલ્સનો જથ્થો તેમણે શોધી કાઢ્યો હતો. જે 'લ્યુસી' નામે પ્રખ્યાત છે. ૧૯૭૬ બાદ ઈથોપીયાની રાજકીય પરિસ્થિતિએ પલટો ખાતા, ડોનાલ્ડને અમેરિકામાં પાછા ફરવું પડયું હતું. ડોનાલ્ડ તેમનાં પ્રવચનો, ઈન્ટરવ્યુ, પુસ્તકો અને દસ્તાવેજી ફિલ્મો દ્વારા એનથ્રોપોલોજી અને મનુષ્યનાં મુળીયા શોધવાનાં પ્રયત્નોને લોકો સામે લાવી રહ્યાં છે. તેમણે લ્યુસીને કેન્દ્રમાં રાખીને 'લ્યુસી'સ લેગસી : ધ ક્વેસ્ટ ફોર હ્યુમન ઓરજીન' પુસ્તક ૨૦૦૯માં પ્રકાશીત કર્યું હતું. તેમના ૧૯૮૧માં લખાયેલા પુસ્તક : લ્યુસી : ધ બીગીનીંગ ઓફ હ્યુમનકાઈન્ડને નેશનલ બુક એવોર્ડ મળ્યો હતો.
ઘાસના મેદાનો : મનુષ્ય ઉત્ક્રાન્તિનો આધાર
વૈજ્ઞાાનિકોએ પુર્વ આફ્રિકાની વનસ્પતિનો ૨.૪૦ કરોડ વર્ષ પહેલાંથી અત્યાર સુધીનો ઈતિહાસ 'ડેટા બેંક' તરીકે વિકસાવી રહ્યાં છે. પુર્વ આફ્રિકામાં ઘાસનાં મેદાનો પેદા થવાની શરૃઆત એક કરોડ વર્ષ પહેલાં થઈ હતી. ચિમ્પાન્ઝીમાંથી અલગ પડીને મનુષ્ય બનવાની પ્રક્રિયા આશરે ૭૦ લાખ વર્ષે પહેલાં શરૃ થઈ હતી. ત્યારથી નર-વાનરની શરીર રચના અને વર્તણુકમાં ફેરફાર થતો આવ્યો છે. રૃંછાવાળા વાનરમાંથી વાળ વગરનાં વાનર બનીને મનુષ્ય ઉત્ક્રાન્તિની એક આખી પ્રક્રિયામાંથી પસાર થઈ ચુક્યો છે. શા માટે આપણા પુર્વજો વૃક્ષો છોડીને ઘાસનાં મેદાનોમાં આવ્યા? શા માટે તેમણે ટટ્ટાર બની બે પગે ચાલવાની શરૃઆત કરી? આ બધા સવાલો પ્રાગ-ઐતિહાસિક નૃવંશશાસ્ત્ર માટે ખુબજ મહત્ત્વનાં છે. કેટલાંક નિષ્ણાંતો માને છે કે આ બધા જ સવાલોનો જવાબ તે સમયનાં આફ્રિકામાં થઈ રહેલાં 'આબોહવાનાં ફેરફારો' છે.
ઘાસનાં મેદાનો ૨૦ લાખ વર્ષ પૂર્વે તેમની ચરમસીમાએ પહોંચી ચુક્યા હતાં. મતલબ કે 'લ્યુસી' અને તેમનાં કુટુંબીજનો ઘાસનાં મેદાનમાં રહેવા ટેવાઈ ચુક્યાં હતાં. રહેઠાણનો પ્રકાર બદલાતા તેમની શરીર રચનામાં નવા પરીસરમાં ઓતપ્રોત થયાં, નવાં ફેરફારો થવા લાગ્યા હતાં. તેઓ હવે વૃક્ષો છોડીને ખુલ્લા મેદાનોમાં દિવસભર રખડતા હતાં. કદાચ રાત્રે સ્વરક્ષણ અને સંતાનોનાં બચાવ માટે તેઓ વૃક્ષો પર આશરો લેતા હતાં. જમીન ઉપર આવ્યા બાદ, મનુષ્યનાં પુર્વજો પત્થરનાં ઓજારો વિકસાવવાનું અને શિકારનું આયોજન કરવાનું શીખ્યા હતાં.
મનુષ્ય ઉદ્વિકાસ : ઐતિહાસિક સીમાચિન્હો
૫.૫૦ કરોડ વર્ષ પુર્વે : પ્રથમ નર-વાનર (પ્રિમેટ)નો ઉદ્ભવ
૧.૫૦ કરોડ વર્ષ પુર્વે : ગીબનમાંથી હોમીનીકા (ગ્રેટ એપ)નો વિકાસ
૮૦ લાખ વર્ષ પુર્વે : ગોરીલાનો ઉદ્ભવ થયો જે છેવટે ચિમ્પાન્ઝી અને મનુષ્ય તરફ આગળ વધ્યા.
૪૦ લાખ વર્ષ પુર્વે : વાનર જેવાં શરૃઆતનાં મનુષ્યનો જન્મ જેમનું મગજ ચિમ્પાન્ઝી કરતાં મોટું ન હતું.
૩૯ થી ૨૯ લાખ વર્ષ પુર્વે : આફ્રિકામાં ઓસ્ટ્રેલોપિથેક્સ આફ્રેન્સીસનો વસવાટ.
૩૨ લાખ વર્ષ પુર્વે : ઓસ્ટ્રેલોપિથેક્સ આફ્રીકેન્સનો વસવાટ
૨૭ લાખ વર્ષ પુર્વે : પેરેન્થ્રોપસનો વસવાટ, ચાવવા માટે ભરાવદાર જડબા
૨૩ લાખ વર્ષ પુર્વે : આફ્રિકામાં હોમો-હેબેલીસનો ઉદ્ભવ
૧૮.૫૦ લાખ વર્ષે : મનુષ્યનો આધુનિક ગણાય તેવાં હાથની ઉત્ક્રાંતિ
૧૮.૦૦ લાખ વર્ષ પુર્વે : હોમો-ઈર્ગાસ્ટરનાં અશ્મીઓનો સમયગાળો
૧૬.૦૦ લાખ વર્ષ : કુહાડીની શોધ સાથે પ્રથમ ટેકનોલોજીકલ વિકાસ
૮.૦૦ લાખ વર્ષ : મનુષ્ય અગ્નિ પ્રગટાવતા શીખ્યો : મગજનું કદ અચાનક વધ્યું
૪.૦૦ લાખ વર્ષ : યુરોપમાં અને એશિયામાં નિએન્ડરથાલનો ઉદ્ભવ.
૨.૦૦ લાખ વર્ષ : આધુનિક મેધાવી માનવી - હોમોસેપીઅનનો જન્મ

No comments: