Monday 19 September 2016

સ્ટીફન બેક્ષ્ટરની સાય-ફાય નોવેલ 'પ્રોક્સીમા': સ્ટાર ટ્રેક સિરિઅલની ગોલ્ડન જ્યુબીલીએ બનેલી ફિકશન-ફેક્ટ સંગમની અનોખી ઘટના

Pub. Date: 18.09.2016

સૂર્યમાળા બહાર શોધાયેલો નવો બાહ્ય ગ્રહ અને.....

લોકપ્રિય સાય-ફાય, સ્ટાર ટ્રેક સિરિઅલની ગોલ્ડન જ્યુબીલીએ બનેલી ફિકશન-ફેક્ટ સંગમની અનોખી ઘટના :

''સ્ટારટ્રેક'' સાયન્સ ફિકશનને ૫૦ વર્ષ પૂરા થયા છે. ઐતિહાસિક સાયન્સ ફિકશન સીરીઝ ''સ્ટાર ટ્રેક''નું  આઠ સપ્ટેમ્બર ૧૯૬૬નાં રોજ એનબીસી ટીવી પર પ્રસારણ થયું હતું. ત્યારબાદ, સાયન્સ ફિકશન ફિલ્મ અને ટી.વી. સીરીઅલોએ લોકોને ઘેલું લગાડયું હતું. વૈજ્ઞાાનિકોને પણ સાયન્સ ફિકશનમાંથી પ્રેરણા લઈને નવા આવિષ્કાર કરવાની પ્રેરણા મળે છે. કેટલીક સાયન્સ ફિકશન નવલકથાઓમાં ભવિષ્યમાં બનનારી ઘટનાઓનું આલેખન થયું હોય છે. વિજ્ઞાનકથાની ભવિષ્યવાણી નક્કી કરેલ સાલમાં, સાચી ન પડી હોય એવું બને પરંતુ 'નિશ્ચિત સમયગાળામાં' જરૃર સાચી પડી છે.
૧૯૪૦માં રોબર્ટ હેન્લીને એક ટૂંકી વાર્તા લખી હતી. જેનું નામ હતું ''સોલ્યુશન અનસેટીસ્ફેકટરી'' જેમાં અમેરિકા એટમીક બોમ્બ વિકસાવે છે. તેનાં ઉપયોગ બાદ વિશ્વયુદ્ધનો અંત આવે છે. તેવી કલ્પના કરેલી હોય છે. યાદ રહે કે ટૂંકી વાર્તા સાયન્સ ફિકશન સ્વરૃપે પ્રકાશીત થઈ, એ સમયે અમેરિકા યુદ્ધથી અલિપ્ત હતું, અને યુદ્ધમાં ભાગ લીધો ન હતો. અંતે અમેરિકા પર્લ હાર્બરની ઘટના પછી અમેરિકા યુધ્ધમાં જોડાયું અને પરમાણું બોમ્બ ફોડીને વિશ્વ યુધ્ધનો અંત લાવી દીધો. જાણે કે રોબર્ટ હેન્લીનની સાયન્સ ફિક્શન સાચી paડવાની ના હોય. બસ, આવી જ ઘટના તાજેતરમાં બની છે.
વૈજ્ઞાાનિકોએ સૂર્યમાળાનાં સૌથી નજીકનાં પડોશી તારાં ''પ્રોકસીમા સેન્ટોરી'' નજીક ફરતો પ્રોક્સીમા સેન્ટોરી 'બી' નામનો બાહ્યગ્રહ/ એક્સોપ્લેનેટ શોધી કાઢ્યો છે. યોગાનુયોગે ૨૦૧૩માં સ્ટીફન બેક્સટરની નવલકથા ''પ્રોક્સીમા'' પ્રકાશિત થાય છે. જેમાં પ્રોક્સીમા સેન્ટોરી તારાની ફરતે આવેલાં ગ્રહની મુલાકાતે જનારાં પૃથ્વીવાસીની કલ્પના કથા છે. આવે સમયે  ''સ્ટાર ટ્રેક''ની ગોલ્ડન જ્યુબીલી ઉજવવા,  સાયન્સ ફિક્શનની સુવર્ણગાથા સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ.

સાય-ફાય : ભવિષ્યની આગાહી જ્યારે હકીકત બને છે :

સાયન્સ ફિકશન વાંચવાની એક મજા છે. જે તમને ભવિષ્યની દુનિયામાં લઈ જાય છે. અવનવી ઘટનાઓ, જાદુઈ દુનિયા, અવનવા ગેઝેટસ અને પરગ્રહવાસીઓની ખૂબીઓ તમને જકડી રાખે છે. એક અર્થમાં વિજ્ઞાનકથાઓ કે વિજ્ઞાન કલ્પના કથાઓ, મનુષ્યનો ભવિષ્યમાં થતો, 'ટાઇમ ટ્રાવેલ-'નો એક નવતર પ્રયોગ છે. તેમાંથી પ્રેરણા લઈને ઘણા વાચકો, વૈજ્ઞાાનિક બન્યાં હતાં. નવો આવિષ્કાર કરવા માટે એક સફળ માધ્યમ પણ પુરવાર થયા છે. ઘણીવાર વિજ્ઞાનકથા લેખકની કલ્પના એટલી સચોટ હોય છે કે ભવિષ્યમાં જાણે વિજ્ઞાનકથાનું પ્રકરણ સાચું પાડવાનું હોય તેમ ''ઘટના'' બને છે. આને યોગાનુંયોગ કહેવો કે વૈજ્ઞાાનિક આગાહી કહેવી ?
૧૮૬૫માં જુલવર્ને ''ફ્રોમ અર્થ ટુ મુન'' કથા લખી હતી. જેમાં ચંદ્રની યાત્રાએ ગયેલ અવકાશયાત્રીનાં ચંદ્ર પરનાં ઉતરાણને લગતી અનેક ઉડીને આંખે વળગે તેવી વાતો લખી હતી. નવલકથાનાં પ્રકાશન બાદ, લગભગ એક સદી વિતી ગયા પછી અમેરીકન નાગરીક ચંદ્ર પર ઉતારવામાં સફળ રહે છે. જુલવર્નેની કિતાબમાં, ફલોરીડાથી ત્રણ અંતરીક્ષયાત્રી ચંદ્ર તરફ જવા રવાના થાય છે. અને છેવટે પ્રશાંત મહાસાગરમાં ખાબકીને તેઓ પાછા ફરે છે. તેઓ જે કેપ્સ્યુલ વાપરે છે તેનું નામ ''કોલમ્બીયાડ'' હોય છે. આ સત્યને કલ્પના કહો કે હકીકત, પુસ્તક અને વાસ્તવિકતા માં સમાનતા છે.
ફલોરીડાનાં કેપ કેનેવેરેલનાં કેનેડી સ્પેસ સ્ટેશનથી એપોલો-૧૧ સ્પેસયાન ચંદ્ર તરફ નિલ આર્મસ્ટ્રોંગ, બઝ એલરીન અને માયકલ કોલીન્સને લઇને ચંદ્ર તરફ જાય છે. જેમનાં કમાન મોલ્યુસનું નામ ''કોલંબીયા'' છે. જુલવર્નની નવલકથામાં તેનું નામ ''કોલમ્બીયાડ'' છે. બીજી આડ વાત, ૧૯૧૪માં એચ.જી. વેલ્સે ''ધ વર્લ્ડ સેટ ફ્રી'' નામની નવલકથા લખી હતી. જેમાં પરમાણુ શસ્ત્રોનાં ઉપયોગ અને યુદ્ધનો ચિતાર હતો. વાસ્તવિક પરમાણુ બોમ્બ વિસ્ફોટ માટે ''ન્યુકલીઅર ચેઇન રિએકશન'' જરૃરી ઘટના હતી.. લીઓ ઝીલાર્ડને ન્યુક્લીઅર ચેઇન રિએક્શનની કલ્પના / આઇડીયા મળ્યો, તેનાં એક વર્ષ પહેલાં લીઓ ઝીલોર્ડ, એ.જી. વેલ્સની ''ધ વર્લ્ડ સેટ ફ્રી'' નામની વિજ્ઞાન કલ્પના કથા વાંચી હતી.
સાહિત્યમાં વિજ્ઞાન કલ્પના કથા નામનો નવો પ્રકાર શરૃ કરવાનો શ્રેય એસ.જી. વેલ્સ અને જુલવર્નને આપવામાં આવે છે. ખરેખર તો આ બે લેખકો પહેલાં, ગ્રીક લેખક લ્યુસીયસ ઓફ સામોસારા અને ફ્રેન્કેસ્ટેઇનની લેખીકા "મેરી શેલી"એ વિજ્ઞાન કથા પર હાથ અજમાવ્યો હતો.આમ છતાં જુલ વર્ન, હ્યુગો જર્ન્સબેક અને એચ.જી. વેલ્સને ફાધર ઓફ સાયન્સ ફિકશન કહેવામાં આવે છે.

સ્ટાર ટ્રેક : સાયન્સ ફિકશનની આગવી ઓળખ :
સાયન્સ ફિકશનની વાત કરવાની હોય ત્યારે, લોકપ્રિય ટી.વી. સીરીયલ 'સ્ટાર ટ્રેક'ને કઈ રીતે ભૂલી શકાય. દૂરદર્શન દ્વારા બ્લેક એન્ડ વ્હાઇટ ટી.વી.નાં શરૃઆતનાં કાળમાં ''સ્ટારટ્રેક'' દર્શાવી હતી. સ્ટારટ્રેકનો પ્રથમ હપ્તો અમેરિકાનાં એનબીસી ચેનલ પર આવવાને આજે પચાસ વર્ષ વિતી ગયા છે. ૧૯૬૦થી ૧૯૮૦ વચ્ચે સાયન્સ ફિકશનની ખૂબ જ બોલબાલા હતી. ગુજરાતનાં સર્વાધીક લોકપ્રિય વિજ્ઞાન સામાયિક ''સ્કોપ''ની શરૃઆત નવેમ્બર ૧૯૭૭માં થઈ ત્યારે પ્રથમ અંકમાં 'સાયન્સ ફિકશન'ને લગતો લેખ સમાવવામાં આવ્યો હતો. જેમાં સ્ટારટ્રેકનો ઉલ્લેખ હતો . જયારે અમેરિકામાંતો લોકો એક દાયકાથી લોકો સ્ટાર ટ્રેકની મજા માણતા હતાં.
સ્ટાર ટ્રેક આમ તો લેખક જેને રોડેનબેરીનાં ફળદ્રુપ ભેજાની પેદાશ હતી. રોડેનબેરીએ સ્ટારટ્રેકનો પ્રથમ હપ્તો લખ્યો ત્યારે, તેમનાં મગજમાં પશ્ચિમનું સાહિત્ય સવાર હતું. ધ વેગન ટ્રેન, હોરાટીયો હોર્નબ્લોઅર અને ગલીવર્સ ટ્રાવેલ તેમાં મુખ્ય હતાં. સ્ટારટ્રેકની લોકપ્રિયતામાંથી ૧૩ ફિલ્મો, એક આખી એનીમેટેડ સીરીઝ અને છ રંગારંગ ટી.વી. સીરીઅલ્સ નિર્માણ પામી હતી. જો તમે લાભ લેવાનું ચુકી ગયા હો તો વાંધો નહીં..૨૦૧૭માં સ્ટારટ્રેક 'ડિસ્કવરી' સીરીઝ નામે ફરીવાર શરૃ થવાની છે. સ્ટારટ્રેકમાં મુખ્યત્વે મનુષ્યની સાહસવૃત્તિનાં દર્શન કરાવવામાં આવ્યા છે.
રોડેનબરીએ એકવાર લખ્યું હતું કે મારે સેક્સ, ધર્મ, વિયેતનામ, રાજકારણ કે ICBM  જેવાં બેલાસ્ટીક મિસાઇલોની વાત કરવી હોય તો, સ્ટાર ટ્રેક મારા માટે એક ઉત્તમ માધ્યમ હતું. સામાજીક મેસેજ આપવા સ્ટારટ્રેકનાં મુખ્ય અવકાશયાન ''એન્ટરપ્રાઇઝ''માં વિશ્વની અલગ અલગ સભ્યતાને નિરૃપણ કરનારાં પાત્રો, તેના ક્રુ મેમ્બર તરીકે ખાસ લેવામાં આવ્યા હતાં. સ્ટારટ્રેકનાં કેન્દ્રમાં ત્રણ પાત્ર છે. ફીર્ક, સ્ટોક અને મેકોય. 
સ્ટારટ્રેક : ધ નેકસ્ટ જનરેશનનું સર્જન થઈ રહ્યું હતું ત્યારે ૨૪ ઓક્ટો. ૧૯૯૧નાં રોજ રોડેનબેરીનું અવસાન થયું અને સ્ટારટ્રેકની બાગડોર રિક બર્મેનનાં હાથમાં આવી હતી. સ્ટારટ્રેક પર આખું પુસ્તક થઈ શકે ખેર....સ્ટારટ્રેકની ગોલ્ડન જ્યુબીલી અમેરિકન સરકાર અલગ રીતે ઉજવી રહ્યું છે.
સ્ટારટ્રેકનાં સ્પેસશીપ ''ધ એન્ટરપ્રાઇઝ''માંથી પ્રેરણા લઈને અમેરિકન નેવીએ આધુનિક શસ્ત્ર ગણાતી ''યુએસએસ ઝુમવોલ્ટ'' નામની વિનાશિકા/ડિસ્ટ્રોયરને પાણીમાં ઉતારીને અનોખો આરંભ કર્યો છે. જે સ્ટીલ્થ પ્રકારની નૌકા વિનાશિકા છે. જે મહાસાગરમાં દાયકાઓ સુધી અમેરિકન સામ્રાજ્ય સાચવી રાખશે.

પ્રોક્સીમા - માત્ર યોગાનુયોગ કે... પુર્વાભાસ?

વિજ્ઞાન કલ્પના કથાનો ઈતિહાસ અને વાસ્તવિકતા સમાંતર ટ્રેક પર દોડતો હોય તેવી અનોખી ઘટના તાજેતરમાં બની છે. (નવા ગ્રહ પ્રોક્સીમા સેન્ટોરી 'બી' વિશે ફ્યુચર સાયન્સ કોલમમાં ૪ સપ્ટેમ્બર ૨૦૧૬માં વાત કરવામાં આવી હતી.) વૈજ્ઞાાનિકોએ સુર્યમાળા બહાર મળી આવેલાં નવા ગ્રહ પ્રોક્સીમા સેન્ટોરી 'બી'ની જાહેરાત કરી છે. આ ગ્રહ સુર્યનાં સૌથી નજીકનાં તારાં 'પ્રોક્સીમા સેન્ટોરી'ની પ્રદક્ષિણા કરે છે. નવો બાહ્ય ગ્રહ શોધવા માટે છેલ્લાં બે દાયકાથી પ્રયત્ન કરે છે.  પ્રોક્સીમા સેન્ટોરીની ફરતે કોઈ ગ્રહ છે તેવી શંકા વૈજ્ઞાાનિકોને ૨૦૧૪માં આવી હતી. હવે યોગાનુયોગ જુઓ - ૨૦૧૩માં સ્ટીફન બેક્ષ્ટર નામનો વિજ્ઞાનકથા લેખક તેની નવલકથા ૨૦૧૩માં પ્રકાશીત કરે છે. જેનું નામ છે ''પ્રોક્સીમા''.
વાર્તા ભવિષ્યકાળની વાત કરે છે. ૨૭મી સદીમાં મનુષ્ય, તેનાં નજીકનાં પડોશી રેડ ડ્વાર્ફ સ્ટાર 'પ્રોક્સીમા સેન્ટોરી'નાં ગ્રહ 'પ્રોક્સીમા-૪' ઉપર વસવાટ કરે છે. જેમાં મનુષ્યની ગ્રહ સુધીની મુસાફરી અને ત્યાં તેનાં વસવાટની વાત છે. સાયન્સ ફિક્શનનાં આઈડીયા કોલોનાઈઝેશન, સ્પેસ ટ્રાવેલ અને વિચિત્ર એલીયન/પરગ્રહવાસીની પ્રજાતીઓને નવલકથામાં વણી લેવામાં આવી છે. આખરે પ્રોક્સીમા સેન્ટોરીની ફરતે ગ્રહ છે એવી કલ્પના સ્ટીફન બેક્ષ્ટરને વૈજ્ઞાાનિકે પહેલાં કેવી રીતે આવી હશે?
સ્ટીફન બેક્ષ્ટરનો ગ્રહ તેનાં તારાથી ૬૦ લાખ કી.મી. દૂર રહીને ફરે છે. જ્યારે વૈજ્ઞાાનિકોએ શોધેલ પ્રોક્સીમાં સેન્ટોરી 'બી' ગ્રહ, રેડ ડ્વાર્ફથી ૭૪.૮૦ લાખ કી.મી. અંતેર આવેલો છે. નવલકથાનો ગ્રહ, પૃથ્વી કરતાં ૮ ટકા નાનો છે. નવો શોધાયેલો ગ્રહ વાસ્તવમાં પૃથ્વી કરતાં ૩૦% વધારે મોટો અને ભારે છે. નવો ગ્રહ શોધનાર ખગોળશાસ્ત્રી ગુલીએમ એગ્લાંડા સ્કયુડ કહે છે કે નવલકથા અને વાસ્તવિકતા વચ્ચેની સમાનતા 'વિચિત્ર, રહસ્યમય અને સુપરનેચરલ' જેવી છે. જો કે મુખ્ય તફાવત ગ્રહનાં નામનો છે. નવલકથાનાં ગ્રહનું નામ 'પર આરદુઆ' છે. જેનો અર્થ થાય, ''સંઘર્ષમાંથી પસાર થવું''.
ખગોળશાસ્ત્રી ગુલીએમ એગ્લાંડાએ ઘણા સંઘર્ષ બાદ, નવો ગ્રહ શોધી કાઢ્યો છે જેનું નામ પ્રોક્સીમા સેન્ટોરી 'બી' છે. ખગોળ યુનીઅન ધારે તો, નવા ગ્રહને સ્ટીફન બેક્ષ્ટરે આપેલ નામ 'પર આરદુઆ' નામ આપી શકે છે. નવલકથામાં વૈજ્ઞાાનિકો 'કોલ-યુ' નામનાં રોબોટીક યાનમાં મુસાફરી કરે છે. નવલકથાનું મુખ્ય પાત્ર 'યુરી એડન' છે. જે એક અપરાધી છે અને સજા સ્વરૃપે 'બોટની બે' ધ્વારા પ્રોક્સીમા-૪ તરફ ધકેલવામાં આવે છે.

સ્ટીફન બેક્ષ્ટર : નોખી માટીનો અનોખો માનવી
''પ્રોક્સીમા'' સાયન્સ ફીક્શન હાલમાં ચર્ચામાં છે કારણ કે ખગોળશાસ્ત્રીઓએ પ્રોક્સીમા સેન્ટોરી રેડ ડ્વાર્ફ નજીક બાહ્ય ગ્રહ શોધી કાઢ્યો છે. ''પ્રોક્સીમા'' સાયન્સ ફિક્શનનાં લેખક સ્ટીફન બેક્ષ્ટર છે. જે સાયન્સ ફિક્શનમાં પહેલી હરોળમાં આવતું મહત્વપૂર્ણ નામ છે. સ્ટીફન બેક્ષ્ટરે ગણિત અને એરોનોટીકલ એન્જીનીયરીંગમાં ડોક્ટરેટની ડિગ્રી મેળવી છે. કેમ્બ્રીજ યુનિવર્સિટીમાં તેમણે એન્જીનીયરીંગમાં ડોક્ટરેટ મેળવી અને હેનલે મેનેજમેન્ટ કોલેજમાંથી એમબીએ પણ કર્યું છે. ઈજનેરી શાસ્ત્રનો અભ્યાસ કરવા છતાં તેમણે 'લેખક' કારકિર્દી સ્વીકારી છે. હાલ તેઓ ઈંગ્લેન્ડનાં પ્રેસ્ટવુડ ખાતે રહે છે.
             ૧૯૯૫થી તેમણે ફુલટાઈમ લેખન વ્યવસાય સ્વીકાર્યો હતો. લેખક બનતા પહેલાં તેઓ કોલેજમાં ગણીત, ભૌતિકશાસ્ત્ર અને ઈન્ફરમેશન ટેકનોલોજી ભણાવતાં હતા. લેખનમાં તેમના ઉપર એચ.જી. વેલ્સનો સૌથી વધારે પ્રભાવ છે. બેક્ષ્ટરનું મોટાભાગની સાયન્સ ફિક્શન, 'હાર્ડ સાયન્સ' આધારીત હોય છે કારણકે તેમણે વિજ્ઞાનને આત્મસાત કરેલ છે. તેમની નવલકથામાં બેરીયોનીક મેટર, ડાર્ક મેટર, બ્લેક હોલ્સ, ફરમી પેરાડોક્સ, વગેરેની ગુથણી હોય છે. સ્પેસ ટ્રાવેલ, યુનિવર્સ અને કોસ્મોલોજીનાં કોમ્બીનેશન જેવી તેમની નવલકથા હોય છે.
               સ્ટીફન બેક્ષ્ટરનો બીજો રસનો વિષય ઈવોલ્યુશનરી બાયોલોજી છે. જેના ઉંડા અભ્યાસનું ફળ તેમની સાયન્સ ફિક્શન 'ઈવોલ્યુશન'માં જોવા મળે છે. જેમાં ભુતકાળથી માંડીને ભવિષ્યકાળની સફર હોય છે. ''ધ મામોથ ટ્રાયોલોજી'' આવી જ એક સીરીઝ છે. સ્ટીફન બેક્ષ્ટરની ખરી માસ્ટરી અને ઐતિહાસિક તથ્યો અને સત્યનો આધાર લઈને લખવામાં આવતું સાહિત્ય છે. જે 'ઓલ્ટરનેટ હિસ્ટ્રી'ની કરોડરજ્જુ ધરાવતું માનવ સર્જન હોય છે. ઈતિહાસ રસિકોેને કલ્પનાનાં ઘોડાની પાંખે ઉડાડવામાં સ્ટીફન બેક્ષ્ટરની માસ્ટરી છે. નાસા ટ્રાયોલોજી, સ્ટોન એજ, બ્રોન્ઝ સમર, 'આર્યન વિન્ટર' તેમનાં આવા ઐતિહાસિક સર્જન છે. છેલ્લે... સ્ટીફન બેક્ષ્ટર અન્ય લેખકોની લોકપ્રિય રચનાઓને, તેમની સ્ટાઈલ, આધાર અને ટોન પ્રમાણે આગળ વધારે છે. જેમાં એચ.જી. વેલ્સની 'ધ ટાઈમ મશીન'નું એક્સટેન્શન એટલે 'ધ ટાઈમ શીપ'. આર્થર સી ક્લાર્ક સાથે મળીને તેમણે 'ધ ટાઈમ ઓડીસી' સીરીઝ આપી છે. 'ડો હુ'નું સ્ટીફન બેક્ષ્ટરનું મેટા મોર્ફીઝમ એટલે તેમની આગવી નવલકથા... 'ધ વ્હીલ ઓફ આઈસ'.

No comments: