Wednesday 25 May 2022

બ્રેઈન સેક્સ : સ્ત્રી અને પુરુષના મગજ વચ્ચેનો ભેદ પારખવની "મગજમારી"?

                
તાજેતર બ્રિટનની એડિનબર્ગ યુનિવર્સિટીના સ્ટુઅર્ટ રિચિએ યુકે બાયોબેન્કમાંથી એમ.આર.આઈનો કેટલોક ડેટા લઈને તેની સરખામણી કરી હતી. યુકેબાયો-બેંકમાં લગભગ ૫ લાખ લોકોનો મગજનો સ્કેન કરેલો ડેટાબેઝ ઉપલબ્ધ છે. સ્ટુઅર્ટ રિચિએ 2750 સ્ત્રીઓ અને 2466 પુરુષના મગજની સરખામણી કરી હતી. સરખામણી કરવા માટે મગજના ૬૮ જેટલા વિવિધ ભાગને ચકાસવામાં આવ્યા હતા. પરિણામના અંતે જોવા મળ્યું કે પુરુષના મગજમાં ૧૪ જેટલા વિસ્તાર એવા છે જ્યાં મગજનું કદ વધારે છે. જ્યારે મગજના 10 વિસ્તારમાં સ્ત્રીઓના મગજનું કદ વધારે જોવા મળે છે. આ તફાવત જોઈને એક સવાલ જરૂર થાય કે શું કદનો આ તફાવત મનુષ્યની બૌદ્ધિક ક્ષમતા કે વર્તણૂક સાથે સંકળાયેલ છે ખરો? તાજેતરમાં થયેલા નવા સંશોધનમાં સ્ત્રી અને પુરુષના મગજના જૈવિક બંધારણથી માંડી, જૈવિક કાર્યશૈલી અને મનોવૈજ્ઞાનિક બદલાવ સુધીના વિવિધ તબક્કાઓને આધુનિક સંશોધનમાં કવર કરવામાં આવી રહ્યા છે. શું ખરેખર સ્ત્રી અને પુરુષનું મગજ અલગ પ્રકારનું હોય છે? એક જ પરિસ્થિતિમાં સ્ત્રી અને પુરુષ અલગ-અલગ નિર્ણયો લઇ લે છે? આ બધા સવાલના જવાબ આપવા વિવાદાસ્પદ છે. પરંતુ વૈજ્ઞાનિકોએ સ્ત્રી અને પુરુષના મગજના બંધારણ અને કેટલીક કાર્યશૈલીમાં ઊડીને આંખે વળગે તેવો તફાવત જોયો છે.

બ્રેઈન સેક્સ: સ્ત્રી અને પુરુષના મગજ વચ્ચેનો ભેદ            

 
સ્ત્રી અને પુરુષના મગજ વચ્ચેનો ભેદ પારખવાનું કામ ગ્રીક ફિલોસોફર સમયથી શરૂ થયું હતું. ૧૯મી સદીમાં અમેરિકન તબીબ સેમ્યુઅલ જ્યોર્જ મોર્ટનના દિમાગમાં મગજનું કદ માપવાના બીજ રોપાયા અને ત્યારથી સ્ત્રી પુરુષ વચ્ચે મગજના તફાવતને સમજવાની એક નવી દિશા ખુલી ગઈ. ત્યારબાદ ફ્રેંચ વૈજ્ઞાનિક ગુસ્તાવ લ બોન, 1895 માં લખેલ પુસ્તક "ધ ક્રાઉડ: અ સ્ટડી ઓફ ધ પોપ્યુલર માઈન્ડ"મા દર્શાવ્યું કે સ્ત્રી કરતાં પુરુષના મગજનું કદ વધારે હોય છે. આ વાતને ઉમેરો કરતા, એલેક્ઝાન્ડર બેન્સ અને જ્યોર્જ રોમેન્સ દ્વારા એવું પ્રતિપાદિત કરવાનું પ્રયત્ન થયો કે “સ્ત્રી કરતા પુરુષનું મગજ મોટુ હોવાના કારણે તે સ્ત્રી કરતાં વધારે સ્માર્ટ અને બુદ્ધિશાળી છે. જોકે આ વાત ખોટી હતી, તેથી જ્હોન સ્ટુઅર્ટ મિલે દલીલ કરી કે “જો મગજના કદના આધારે જ બુદ્ધિમત્તા અને સ્માર્ટનેસની ગણતરી કરવાની હોય તો, હાથી અને વ્હેલનું મગજ મનુષ્ય કરતાં પણ વધારે મોટું છે. તેથી આ પ્રાણી મનુષ્ય કરતાં વધારે બુધ્ધિશાળી હોવા જોઈએ.” ખરેખર આવું છે નહીં. હવે વૈજ્ઞાનિકો સ્માર્ટનેસ અને બુદ્ધિમત્તાનો ચકાસવા માટે મગજ નહીં, પરંતુ મગજમાં આવેલા વિવિધ ભાગના કદ ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા લાગ્યા. તેમને લાગ્યું કે આ ભાગમાં આવેલ તફાવત કદાચ મનુષ્યમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે નો ભેદ અને બુદ્ધિમત્તા પારખવામાં મદદરૂપ બની શકે તેમ છે.
              
 
2015માં ડેફના જોએલ અને ટેલ-અવીવ યુનિવર્સિટીમાં તેના સહયોગીઓ દ્વારા સ્ત્રી અને પુરુષના મગજ ના વિવિધ ભાગો ની સરખામણી કરવાના અને આ હા ભાગોનું વોલ્યુમ એટલે કે કદી માપી તેમાં તફાવત શોધવાના પ્રયોગો થયા હતા. જેના સંશોધન રિપોર્ટ આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન જર્નલમાં પ્રકાશિત થયા હતા. અત્યાર સુધી થયેલ મગજ પરનાં સંશોધનો કેટલો સારાંશ અહીં રજૂ કરવામાં આવ્યો છે જેથી સ્ત્રી અને પુરુષ વચ્ચેના મગજ નો ભેદ સમજવા માંગતા લોકો માટે કેટલીક વસ્તુઓ સ્પષ્ટ બને. ભલે સ્ત્રી અને પુરુષનું મગજ એકસરખું લાગતું હોય પરંતુ તેમની વર્તણૂક અને અભ્યાસ દરમિયાન તફાવત સ્પષ્ટ નજર પડે તેવો હોય છે.

વાઈટ મેટર અને ગ્રે મેટર: ન્યુરો-કેમિકલ્સની કમાલ             

 
સમાન શારીરિક બંધારણ અને વજન ધરાવનાર સ્ત્રી અને પુરુષના મગજની સરખામણી કરવામાં આવે તો પુરુષનું મગજ ૧૦ ટકા જેટલું વધારે મોટું હોય છે. પરંતુ તેને બૌદ્ધિક ક્ષમતા સાથે કોઈ જ સબંધ નથી. મગજમાં સફેદ અને રાખોડી એટલે કે ગ્રે રંગનો પદાર્થ હોય છે. જેને અંગ્રેજીમાં વાઈટ મેટર અને ગ્રે મેટર તરીકે ઓળખવામાં આવે છે. સ્ત્રીના મગજમાં ગ્રે મેટરનું પ્રમાણ વધારે હોય છે. જયારે પુરુષના મગજમાં વાઈટ મેટરનું પ્રમાણ વધારે હોય છે. ગ્રે મેટર સ્નાયુના નિયંત્રણ અને શારીરિક સંવેદનો સાથે સંકળાયેલું છે. એક અવલોકન એવું જોવા મળ્યું છે કે સ્ત્રીની પ્રેગ્નન્સી દરમિયાન ગ્રે મેટરનું પ્રમાણ ઘટી જાય છે. સ્ત્રીના મગજમાં ગ્રે મેટરનું પ્રમાણ વધારે હોવા છતાં, સ્ત્રીઓ વાઈટ મેટરનો સૌથી વધારે ઉપયોગ કરે છે. પુરુષો સામાન્ય રીતે ગ્રે મેટરનો વધારે ઉપયોગ કરે છે.
                સ્ત્રી અને પુરુષના મગજના ન્યુરોન્સનું વાયરીંગ પણ અલગ પ્રકારે થયેલું જોવા મળે છે. પુરુષના મગજમાં જોડાણ આગળથી પાછળની દિશા તરફ હોય છે. જ્યારે સ્ત્રીના મગજમાં ડાબેથી જમણે અને જમણેથી ડાબી બાજુમાં જોડાણ જોવા મળે છે. વૈજ્ઞાનિકો જેને “સેરેબેલમ” તરીકે ઓળખે છે, તે ભાગ લઘુ મસ્તિષ્ક કે પાછલા ભાગનું મગજનું કદ પણ સ્ત્રી અને પુરુષમાં અલગ અલગ જોવા મળે છે. સ્ત્રી અને પુરુષમાં સમાન પ્રકારના ન્યુરો કેમિકલ્સ હોવા છતાં તેનો ઉપયોગ અને પરિણામ અલગ અલગ જોવા મળે છે. સેરોટોનિન નામનું ન્યુરો-કેમિકલ મનુષ્યની આનંદ ખુશી અને હતાશા સાથે સંકળાયેલું છે. સ્ત્રીના મગજમાં સેરોટોનિનનું પ્રોસેસિંગ પુરુષના મગજ માફક થતું નથી. જેથી સ્ત્રીઓમાં ચિંતા અને હતાશાપ્રમાણ વધારે જોવા મળે છે. સ્ત્રી અને પુરુષના મગજના તફાવતના કારણે તેઓ વિશિષ્ટ પરિસ્થિતિનો ભોગ બની શકે છે. જેમકે ચિંતા અને હતાશા દરમિયાન પુરુષ દારૂનું સેવન કરવા લાગે છે. સ્ત્રી કરતાં પુરુષોમાં આ સામાજિક વ્યક્તિત્વની ખામીઓ વધારે જોવા મળે છે. સ્ત્રી કરતાં પુરુષને પાર્કિંનસન્સ નામના મગજના રોગ થવાની સંભાવના બમણી હોય છે. સ્મૃતિલોપ એટલે કે અલ્જાઈમર નામનો રોગ થવાની શક્યતા સ્ત્રીઓમાં બમણી છે.

મેન ફ્રોમ માર્સ અને વુમન ફ્રોમ વિનસ                

“લોકો કહે છે કે પુરુષોનું અવતરણ મંગળ ગ્રહ સાથે સંકળાયેલું છે. સ્ત્રીઓનું અવતરણ શુક્ર સાથે સંકળાયેલું છે, પણ મગજ એક યુનિસેક્સ શારીરિક અંગ છે. સ્ત્રીના મગજના બે ગોળાર્ધ, પુરુષો કરતાં વધુ એક બીજા સાથે સંવાદ/વાત કરે છે. યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા સંશોધનકારોએ 428 પુરુષ અને 521 યુવાન સ્ત્રીઓના મગજની તસવીર સરખાવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે મગજના બે અર્ધગોળાકાર પુરુષો કરતાં વધારે એક્ટિવ થઇ ને એકબીજા સાથે સતત સંપર્કમાં રહે છે. વાઈટ મેટરના બનેલા કેબલ વડે મગજના બે અર્ધગોળાકાર એકબીજા સાથે જોડાય છે. કોર્પસ કેલોઝિયમ નામનો મગજનો વાઈટ મેટરથી બનેલ ભાગ પુરૂષ કરતાં સ્ત્રીમાં મોટો હોય છે. પુરુષ અને સ્ત્રીના મગજમાં તફાવત શા માટે જોવા મળે છે. વૈજ્ઞાનિકો માને છે કે તેનો આધાર અંતઃસ્ત્રાવ ઉપર છે. સ્ત્રી અને પુરુષના શરીરના વિકાસમાં જનનીના વિકાસ સાથે સંકળાયેલ અંતઃસ્ત્રાવ, શરીરના અન્ય અંગોના વિકાસમાં અમુક હદે અસર કરતા જોવા મળ્યા છે.
              
 
ઉંદર ઉપર થયેલા કેટલાક પ્રયોગો માં જોવા મળ્યું કે મનુષ્ય પ્રજાતિ અને ઉંદર ના મગજ માં આવેલ હાઇપોથેલેમસસ્ત્રી અને પુરુષના તફાવત પારખવામાં કદાચ મદદરૂપ બની શકે. કારણકે મગજનો આ ભાગ, મનુષ્યને સંતાનની ઉત્પત્તિ કરવાની ક્ષમતા અને વર્તણૂક સાથે જોડાયેલ છે. 1959 પ્રકાશિત થયેલ એક સંશોધન લેખ માં જોવા મળ્યું કે જ્યારે ગર્ભવતી સ્ત્રીના શરીરમાં ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ ને ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે તો, વિકસતા ગર્ભના પુરુષપ્રધાન ફેરફાર થતા જોવા મળે છે. ત્યારબાદ આ વાત મનુષ્ય ના સંદર્ભમાં પણ વૈજ્ઞાનિકોને સંશોધન દ્વારા સાચી લાગી. આવા સંશોધનોથી સ્ત્રી અને પુરુષ વચ્ચેના બાયોલોજીકલ એટલે કે જૈવિક અને શારીરિક ફેરફારો ને ચકાસવામાં તો મદદ મળી પરંતુ, સ્ત્રી-પુરુષ વચ્ચેના હાર્દિક ક્ષમતા અને સ્માર્ટ અને સમજવા માટે આજની ટેકનોલોજી અને સંશોધનો પણ ક્યાં તને ક્યાંક ઉણા ઊતરે છે. કારણકે સ્ત્રી અને પુરુષ વચ્ચે નહીં બૌદ્ધિક ક્ષમતાનો તફાવત માત્ર જૈવિક તથા વચ્ચે શારીરિક બંધારણ ઉપર આધાર રાખતો નથી.

હોર્મોન્સ: “બ્લુ બ્રેઇન, પિંક બ્રેઇન”નો તફાવત                

કેટલાક વૈજ્ઞાનિકો તેને મનુષ્યના અંતઃસ્ત્રાવ એટલે કે હોર્મોન્સ સાથે સાંકળે છે. ટેસ્ટોસ્ટેરોન પુરુષ સબંધી અંતસ્ત્રાવ છે જેના કારણે, પુરુષ વધારે હિંસાત્મક બનતો હોવાનું વૈજ્ઞાનિકો માને છે. સામાજિક દ્રષ્ટિકોણથી વાત કરીએ તો સ્ત્રી અને પુરુષ, પોતાની લાગણીઓ અલગ અલગ રીતે વ્યક્ત કરતી હોવાથી સ્ત્રી-પુરુષની ઉગ્રતા કે ગુસ્સાને અંતઃસ્ત્રાવ સાથે જોડવો વ્યાજબી લાગતુ નથી. શિકાગો મેડિકલ સ્કૂલના ન્યુરોસાયન્સના પ્રોફેસર અને લેખિકા લિસ એલિયટ એ “બ્લુ બ્રેઇન, પિંક બ્રેઇન” નામનું પુસ્તક લખીને તેમાં સ્ત્રી અને પુરુષના મગજનો તફાવત દર્શાવવાની કોશિશ કરી છે.
                સ્ત્રીઓ સાથે એસ્ટ્રોજેન્સ અને પ્રોજેસ્ટેરોન જોડાયેલા છે જ્યારે, પુરુષ સાથે ટેસ્ટોસ્ટેરોન અને ઍન્ડ્રોજેન સંકળાયેલા છે. ગર્ભાવસ્થાના મધ્ય ભાગ દરમિયાન, પુરુષ ગર્ભના વિકાસ સમયે ટેસ્ટોસ્ટેરોનની માંગ વધી જાય છે. જે માત્ર તેના શરીર શરીરના જ નહીં પરંતુ મગજના વિકાસ માટે પણ જવાબદાર બને છે. જેનેટિક ખામીના કારણે ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવની અસર પુરુષ શરીરના વિકાસ માટે ખોરંભે ચડે છે ત્યારે, આપોઆપ સ્ત્રી શરીર જેવો વિકાસ થવા માંડે છે. મનુષ્યના મગજના ભાગ જેવા કે એમિગડાલા અને હિપ્પોકેમ્પસમા સેક્સ હોર્મોન્સને પારખી શકે તેવા રિસેપ્ટર એટલે કે ગ્રાહ્ય કોષો ની સંખ્યા વધારે હોય.
                તબીબો જાણે છે કે ડીએનએ બેઝની એકાદી જોડી પણ આડીઅવળી થાય તો, તબીબી સમસ્યા પેદા થાય છે? અહીં તો સ્ત્રીના શરીરમાં પૂરેપૂરા રંગસૂત્ર ની અદલાબદલી થાય છે. સ્ત્રી પાસે બે એક્સ રંગસૂત્ર હોય છે. જ્યારે પુરુષ પાસે X અને Y નામના રંગસૂત્ર, રંગસૂત્ર 27ની જોડીમાં જોવા મળે છે. યાદ રહે કે સ્ત્રી સાથે સંકળાયેલ એક્સ રંગસૂત્ર ઉપર અંદાજે ૧૫૦૦ જેટલા જનીનો આવેલા છે. જ્યારે વાય રંગસૂત્ર ઉપર ૩૦ જેટલા જનીનો આવેલા છે. આમ શારીરિક ભેદભાવ સર્જનાર સ્ત્રીના રંગસૂત્રમાં જનીનોની સંખ્યા વધારે છે. કદાચ તેના કારણે જ મનુષ્યના શરીરના દરેક કોષની રચના સમયે થોડોક તફાવત જોવા મળતો હશે. મનુષ્યની નવી નવી ચીજ વસ્તુઓ શીખવા સાથે મગજમાં આવેલ “હિપ્પોકેમ્પસ” ભાગ મહત્વની ભૂમિકા ભજવે છે.

No comments: