Thursday 26 May 2022

મૂન રોક સેમ્પલ: ૮ લાખ ડોલર થી 15 હજાર અમેરિકન ડોલર સુધીની સફર

                
50 વર્ષ બાદ અમેરિકા ફરીવાર ચંદ્ર ઉપર પોતાના નાગરિકને ઉતારવાની કવાયત કરી રહ્યું છે. અમેરિકા હવે ચંદ્ર ઉપરથી ખનીજતત્વો મેળવવા માટે, ચંદ્રના ખડકોના ટુકડા પૃથ્વી ઉપર લાવવા માટે, એક નવા જ પ્રકારનો વેપાર શરૂ કરવા માગે છે. નાસાએ ગયા નવેમ્બર મહિનામાં એપોલો મિશન દ્વારા એકઠા કરવામાં આવેલ રોક સેમ્પલને, ૪૦ વર્ષ બાદ ખુલ્લા મુક્યા હતા. આ રોક સેમ્પલ ઉપર કોઈપણ પ્રકારના પ્રયોગો થયા ન હતા. તે વૈજ્ઞાનિકોના હાથેથી અસ્પૃશ્ય રહ્યા હતા. તાજેતરમાં નાસાએ જાહેરાત કરી છેકે કોઈ પ્રાઈવેટ કંપની ચંદ્રના રોક સેમ્પલ એટલે કે પથ્થરના નમૂના એકઠા કરી આપશે, તો નાસા તેને નિશ્ચિત કરેલ રકમ ચૂકવી આપશે. હાલ તુરંત આ સેમ્પલને પૃથ્વી ઉપર પાછા લાવવાના નથી પરંતુ, ખાનગી કંપનીના અંતરિક્ષયાન દ્વારા રોક સેમ્પલ એકઠા કરવામાં આવ્યા છે, તેના ફોટોગ્રાફ્સ અને વિડિયો નાસાને સુપ્રત કરવાની રહેશે. અંતરીક્ષયુગની શરૂઆત થતાં જ અમેરિકા- સોવિયત યુનિયન વચ્ચે ચંદ્ર ઉપર પહોંચવાની અને તેના રોક સેમ્પલ એકઠા કરવાની એક રેસ ચાલી હતી. આવનારા ભવિષ્યમાં આ પ્રકારની સ્પેસ-રેસ વિશ્વની ખાનગી સ્પેસ કંપનીઓ વચ્ચે ચાલે તો નવાઈ લાગશે નહીં?

મૂન રોક સેમ્પલ:             

 
પૃથ્વીની રચના થયા બાદ, અંતરિક્ષમાં ચંદ્રની રચના થઈ હોવાની થિયરી વૈજ્ઞાનિકો આપી રહ્યા છે. પૃથ્વી અને સૂર્યમાળાની રચના થયાને વૈજ્ઞાનિકો અંદાજે 4.5 અબજ વર્ષ માને છે. માનવીઍ ચંદ્ર ઉપરથી એકઠા કરેલા ખડકના નમૂનાની ઉંમર અંદાજે 3.20 અબજ વર્ષ માનવામાં આવે છે. ભૂતકાળમાં એપોલો પ્રોગ્રામ દ્વારા નાસાએ ચંદ્રના ખડકોના નમૂના એકઠા કરીને પૃથ્વી ઉપર લાવ્યા હતા. જેમાં પથ્થરના ટુકડા ઉપરાંત ચંદ્રની માટી પણ હતી. એપોલો પ્રોગ્રામના છ મિશનમાં, અંતરિક્ષયાત્રીઓ ચંદ્ર ઉપર ઉતર્યા હતા. ૧૨ જેટલા અંતરિક્ષયાત્રીઓએ સમગ્ર એપોલો પ્રોગ્રામ દરમ્યાન 380 કિલોગ્રામ જેટલા ચંદ્રની સપાટી પરના નમૂના એકઠા કર્યા હતા. સોવિયેત યુનિયન પણ પોતાના અંતરિક્ષયાત્રીને ચંદ્ર પર ઉતારવાની કોશિશ કરી હતી, પરંતુ તેમાં તેઓ નાકામિયાબ રહ્યા હતા. સમગ્ર વિશ્વમાં અમેરિકા બાજી મારી ગયા પછી, સોવિયેત યુનિયનને માત્ર નામના મેળવવા માટે, ખોટા ખર્ચ કરવાથી દૂર રહેવાનું પસંદ કર્યુ હતું.
                
જોકે વૈજ્ઞાનિક સંશોધન માટે તેણે “લ્યુના” કાર્યક્રમ અંતર્ગત ૩ અંતરિક્ષયાન ચંદ્રની સપાટી પર ઉતાર્યા હતા. રોબોટીકયાન્ દ્વારા, ચંદ્રની સપાટી પરથી ખડકના નમૂના એકઠા કર્યા હતા. આ નમૂનાનું વજન ખૂબ જ ઓછુ એટલે કે માત્ર ૩૦૦ ગ્રામ જેટલું જ હતું. રશિયા માટે સંશોધન કરવા માટે આ સેમ્પલ્સ પૂરતા પ્રમાણમાં હતા.ચંદ્રના પથ્થરના ટુકડાની ૧૯૯૩માં સોવિયત યુનિયન દ્વારા હરાજી કરવામાં આવી હતી. માત્ર ૨૦૦ મિલી ગ્રામ પથ્થરનો ટુકડો 4,41,500 અમેરિકન ડોલરના ભાવે વેચાયો હતો. આજની તારીખે તેની કિંમત લગભગ ૮ લાખ ડોલર જેટલી થાય. 2018માં પણ ચંદ્રના ખડકોના નમુના વિશ્વ પ્રસિદ્ધ હરાજી કરનાર કંપની "સોથબી" દ્વારા ૮ લાખ અમેરિકન ડોલરની કિંમતે વેચવામાં આવ્યા હતા.

નાસાનો નવો કોન્ટ્રાક્ટ:

              
 
તાજેતરમાં નાસાએ એક અનોખા પ્રકારની જાહેરાત કરી છે. જે મુજબ નાસાએ ખાનગી કંપનીઓ પાસેથી ચંદ્રના ખડકના નમુના ભેગા કરવા માટેનાં ભાવ માગ્યા છે. ખાનગી કંપનીએ રોબોટિક રોવર મોકલીને ચંદ્ર ઉપરથી ખડકના નમૂના એકઠા કરવાના રહેશે. નાસા 50 ગ્રામથી માંડી 500 ગ્રામ વજન ધરાવતા ખડકના નમુના મેળવવા માગે છે. જેના માટે નાસા 15 હજારથી ૨૫ હજાર અમેરિકન ડોલર ચૂકવવા તૈયાર છે. નાસાનું આ પગલું ચંદ્રના માઈનીગ / ખાણ ઉદ્યોગને જન્મ આપશે. ખાનગી કંપની નાસાને, સેમ્પલની માલિકી આપશે. ઉપરાંત ભવિષ્યમાં અમેરિકાના જેટલા પણ ચંદ્ર અભિયાન જશે, તેમાં ખાનગી કંપની મદદરૂપ બનશે. 2024"માં નાસા અમેરિકન નાગરિકને ફરીવાર ચંદ્ર ઉપર ઉતારવા માગે છે. વિજ્ઞાન જગતમાં એપોલો મિશન બાદ નાસાનું આ વિશાળ પાયે શરૂ થયેલ "ખાનગી મિશન" હશે.
                
નાસા દ્વારા રજુ કરવામાં આવેલ માહિતી મુજબ , ખાનગી કંપની ચંદ્ર કોઈપણા સ્થળેથી ખડકના નમૂના એકઠા કરી શકશે. આ નમૂનાને ઉપર હાલના તબક્કે પૃથ્વી પાછા લાવવાના નથી. પરંતુ નમૂના એકઠા કર્યા છે. તેના ફોટોગ્રાફ્સ અને કંપનીએ નાસા સુપ્રત કરવાની રહેશે. નાસાના એડમિનિસ્ટ્રેટર જિમ બ્રિડેનસ્ટિન કહે છે કે"અમે હાલના યુગમાં અનોખા પ્રકારના સંશોધન અને આવિષ્કાર થાય તે માટે પ્રયત્નશીલ છે. જેનો લાભ પૃથ્વી પરની મનુષ્ય પ્રજાતિને મળશે.” તેમણે એમ પણ ઉમેર્યું હતું કે અંતરીક્ષ સંબંધી 196૭માં થયેલ “આઉટર સ્પેસ ટ્રીટી”ના નીતિ નિયમો ક્યારે ભંગ કરશે નહીં. વૈશ્વિક ધોરણે થયેલા કરારમાં, ચંદ્ર ઉપર કોઈપણ રાષ્ટ્ર પોતાની માલિકી હોવાનો દાવો કરી શકશો નહીં. આ કરાર દ્વારા ખાનગી કંપનીના ચંદ્ર ઉપરથી ભેગા કરેલા નમુના પૃથ્વી પર પાછા લાવવા માટે આદેશ આપવામાં નહીં આવે. નાસા ઈચ્છે છે કે ખાનગી કંપની ઓછા ખર્ચમાં વધારે કાર્યક્ષમ રોબોટિક અંતરિક્ષયાન વિકસાવે, જે ચંદ્ર ઉપર ખડકના નમુના અને અન્ય માલ સામગ્રી એકઠી કરવા માટે મદદરૂપ બની શકે.

અંતરિક્ષ કાર્યક્રમોનુ ખાનગીકરણ:

                
નાસાએ સ્પેસ શટલ યુગની સમાપ્તિ કરી, ત્યારથી તેના કાર્યક્રમમાં ખાનગી કંપનીઓને કરારબદ્ધ કરી કામ આપવાની શરૂઆત કરી છે. ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર માલસામાન પહોંચાડવાનો હોય કે, 2024 માં ચંદ્ર ઉપર અમેરિકન નાગરિકને ઉતારવાનો હોય, દરેક કાર્યક્રમમાં અમેરિકાએ અમેરિકાની ખાનગી કંપનીને નાસા સાથે જોડવાનું કામ કર્યું છે. શક્ય છે કે નાસા, ખાનગી કંપની પાસે ધ્રુવ પ્રદેશમાં રહેલા બરફના નમૂના એકઠા કરવા માટે પણ કરાર કરે. ભવિષ્યમાં અંતરિક્ષયાત્રી ચંદ્ર પર હંગામી અથવા કાયમી ધોરણે મનુષ્ય વસાહત ઉભી કરે, ત્યારે પાણીની આવશ્યકતા ઉભી થશે, જેને ધ્રુવ પ્રદેશમાં રહેલ બરફ દ્વારા પૂરી કરવામાં આવશે. પાણીનો ઉપયોગ અંતરિક્ષયાત્રીઓ પીવા માટે અને ચંદ્ર ઉપર ખેતીવાડી કરવા માટે પણ કરી શકે છે. ભવિષ્યમાં પાણીને તેના મૂળતત્વોમાં છૂટા પાડીને મંગળ ગ્રહની અંતરિક્ષ યાત્રા માટેના ફ્યુઅલ/બળતળ તરીકે ઉપયોગ થઇ શકે તેમ છે. નાસા માને છેકે 2030ના સમયગાળામાં ચંદ્ર ઉપરથી મંગળ તરફની અંતરિક્ષ સફર શરૂ થઈ શકે તેમ છે. એક અર્થમાં એમ કહી શકાયકે નાસા ખાનગી કંપની દ્વારા નવી ટેકનોલોજીનો વિકાસ કરાવી, પોતાના ચંદ્ર અભિયાનને આગળ વધારી રહી છે.
                
ભવિષ્યમાં આ ટેકનોલોજી તેને મંગળ મિશન માટે પણ કામ લાગે તેમ છે. કરારની શરતો મુજબ, ખાનગી કંપનીએ નાસા સાથેના વ્યવહારમાં પારદર્શિતા રાખવાની રહેશે. ચંદ્ર ઉપર અંતરિક્ષયાત્રીને કોઈપણ પ્રકારની ઈમરજન્સી થાય તો મદદ પૂરું પાડવાની રહેશે. 2024માં નાસા અમેરિકન અંતરિક્ષયાત્રીને ચંદ્ર ઉપર ઉતારવા માટે “આર્ટેમિસ.” નામનુ ચંદ્ર અભિયાન ચલાવવાની છે.યોગાનુયોગે ''આર્ટેમિસ નામે એક સુંદર સાયન્સ ફિકશન ૨૦૧૭માં પ્રકાશીત થયેલ છે. આ વાર્તાનાં કેન્દ્રમાં ચંદ્ર પર માનવીએ સ્થાપેલી નાની કોલોની ઉર્ફે ''મુન સીટી''ની વાત છે. “આર્ટેમિસ.” નામનાં ચંદ્ર અભિયાન વખતે અંતરીક્ષયાત્રી ચંદ્ર પર પગલા પાડીને, રોક સેમ્પસ એકઠા કરીને કે ધ્વજ ફરકાવીને સંતોષ માનશે નહીં. અંતરીક્ષયાત્રી દ્વારા મંગળ ગ્રહ ઉપર જવા માટે, મનુષ્યની ચંદ્રની સપાટી પર લાંબો સમય હાજરી ટકી રહે તેવા પ્રયત્ન કરશે.

''પ્રોજેક્ટ આર્ટેમિસ” અને “લ્યુનાર ગેટ વે''

              

 
નાસાએ તેનાં નવાં મિશન એટલે કે ચંદ્ર પર માનવીને ફરીવાર ઉતારવાનાં કાર્યક્રમને ''પ્રોજેક્ટ આર્ટેમિસ'' નામ આપ્યું છે. ચંદ્રનાં સંદર્ભમાં આ નામ ખુબ જ ફિટ બેસે તેમ છે. અમેરિકાનાં પ્રથમ કાર્યક્રમને 'એપોલો' નામ આપવામાં આવ્યું હતું. એપોલો ગ્રીક દંતકથાનો દેવતા (ગોડ) છે. તેને બે જોડકી બહેનો છે. જેનું નામ 'આર્ટેમિસ' છે. ''આર્ટેમિસ'' ચંદ્રની દેવી માનવામાં આવે છે. નાસાનાં ભવિષ્યનાં મુન મિશન માટે આ નામ યોગ્ય જ છે. 'આર્ટેમિસ' એ શિકારની દેવી પણ ગણાય છે. તેનો શિકારનો સાથીદાર ''ઓરાયન'' છે. નાસાનાં મુન મિશન 'આર્ટેમિસ' માટે અંતરીક્ષયાત્રીને લઇ જવા લાવવા માટે જે કેપ્સ્યુલ બનાવવામાં આવી રહી છે. તેનું નામ 'ઓરાયન' રાખવામાં આવેલ છે. આમ ચંદ્ર પર માનવીને ઉતારવા માટે એપોલો, આર્ટેમિસ અને ઓરાયન પોતાનું યોગદાન આપશે, આપી ચુક્યાં છે.
                ભવિષ્યમાં ચંદ્રની ફરતે પ્રદક્ષીણા કરે તેવું ઓરબીટીંગ સ્ટેશન બનાવવામાં આવશે. જે 'લ્યુનાર ગેટ વે' તરીકે ઓળખાશે. જેનું કદ એક રૂમ રસોડા વાળા સ્ટુડીયો / એપાર્ટમેન્ટ જેટલું હશે. જ્યારે પૃથ્વીની ફરતે પ્રદક્ષીણા કરનાર 'ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન' ૬ બેડરૂમનાં ફલેટ જેટલું વિશાળ છે. 'લ્યુનાર ગેટ વે' પર અંતરીક્ષયાત્રી મહત્તમ ત્રણ મહીના રોકાણ કરી શકશે. પૃથ્વી પરથી 'ગેટ વે' સુધી પહોંચતા પાંચ દિવસ લાગશે. 'ગેટ વે' પરથી ચંદ્રનો વધારે સારી રીતે અભ્યાસ કરી શકાશે. મંગળ ગ્રહની મુલાકાતે જનારા માટે 'ગેટ વે' પ્રથમ પડાવ બનશે. મંગળ ગ્રહ માટેની સામગ્રી જેવી કે ઓક્સીજન, ફ્યુઅલ, ખોરાક અને સ્પેર પાર્ટસ વગેરે 'ગેટ વે' પરથી મેળવી શકાશે. ગેટવેમાં સ્પેસ લેબોરેટરી, રોબોટીક્સ અને આર્ટીફીશીઅલ ઈન્ટેલીજન્સ વાળી કોમ્પ્યુટર સિસ્ટમ પણ હશે, જે અંતરીક્ષ યાત્રીઓની ગેરહાજરીમાં તેમનાં પ્રયોગો આગળ વધારશે. નાસા માટે આ સુર્યગ્રહ માળાનાં 'એક્સપ્લોરેશન' માટેનું પ્રથમ ચરણ છે. ISS માફક ભવિષ્યમાં તેની સાથે વધારાનાં મોડયુલ જોડવામાં આવશે.

No comments: