Saturday 21 May 2022

બ્રિટન: સ્પેસપોર્ટનું વ્યાપારીકરણ કરવાની દિશામાં..

 

   
            ભારતે તાજેતરમાં જ સ્વતંત્રતાની ૭૪ વર્ષગાંઠ ઉજવે છે. ભારત પર રાજ કરનાર બ્રિટન ભારત કરતા રોકેટ ટેકનોલોજીમાં પાછળ છે અને હવે ધીરે ધીરે વ્યાપારી ધોરણે ખાનગી કંપની પાસે રોકેટ વિકસાવી પોતાની ભૂમિ ઉપરથી બ્રિટન પોતાના સ્પેસ પ્રોગ્રામની તૈયારીઓ કરી રહ્યું છે. બ્રિટનને અંતરીક્ષ ક્ષેત્રે કમાણી કરવાની તક દેખાઈ રહીછે. આ કારણે તે બ્રિટનની ખાનગી કંપની ઓર્બેક્સ અને સ્કાયરોરાને કેટલીક છૂટછાટ આપી, આ ક્ષેત્રમાં આગળ વધવા પ્રોત્સાહન આપી રહી છે. અલગ-અલગ એરપોર્ટ ઉપરથી જેમ વિવિધ કંપનીઓના વિમાનના ઉડ્ડયન ભરે છે, તે પ્રમાણે બ્રિટન પોતાની ભૂમિ ઉપર ખાનગી સ્પેસપોર્ટ ઉભા કરી, વિવિધ વ્યાપારી કંપનીઓને પોતાના રોકેટ દ્વારા નાના સેટેલાઈટ તથા અન્ય પેલોડ અંતરિક્ષમાં મોકલવા માટેની સગવડો પૂરી પાડવા તૈયાર થયું છે. છેલ્લા 50 વર્ષ બાદ, ગયા મે મહિનામાં બ્રિટનની ભૂમિ ઉપરથી પ્રથમવાર વ્યાપારી કંપનીનું રોકેટ અંતરિક્ષમાં ઉડાડવામાં આવ્યું હતું. તાજેતરમાં વિશ્વ પ્રસિદ્ધ લોકહિડ માર્ટીન કંપની ખાનગી સ્પેસપોર્ટ વિકસાવવા માટે બ્રિટન આમંત્રણ આપી ચૂક્યું છે. બ્રિટનના પોતાના બ્લેક એરો પ્રોગ્રામ બાદ, પાંચ દાયકા બાદ બ્રિટન વ્યાપારી કંપનીના ખભા ઉપર ઊભા રહીને પોતાનો અંતરીક્ષ પ્રોગ્રામ આગળ ધપાવશે. મજાની વાત એછે કે, રોકેટ ટેકનોલોજીમાં પણ હવે બદલાવ આવી રહ્યો છે અને, કેટલીક વ્યાપારી કંપનીઓ થ્રીડી ટેકનોલોજી વડે પ્રિન્ટિંગ થયેલ રોકેટ એન્જિનનો પણ ઉપયોગ કરી રહી છે.

બ્લેક એરો પ્રોગ્રામ: કોલ્ડ વોર દરમિયાન ઠંડુ પાણી ફરી વળ્યું.

              
 
એક બાજુ અમેરિકા અને સોવિયત રશિયા વચ્ચે કોલ્ડ વોર ચાલી રહ્યું હતું, જે દરમિયાન સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રે બંને દેશ એકબીજાથી આગળ નીકળવા માટે દોડી રહ્યા હતા. આવા કપરા કાળમાં બ્રિટન પોતાના રોકેટ વિકસાવવાની દિશામાં આગળ વધી રહ્યું હતું. બીજા વિશ્વયુદ્ધ જર્મની દ્વારા માર ખાઈને અધમુઆ થયેલ બ્રિટનને રોકેટ રોકેટ પાવર શું છે? તેનો ખ્યાલ આવી ગયો હતો. રોકેટને મિસાઇલમાં ફેરવવામાં વાર લાગતી નથી. 1969થી લઈને 1971 વચ્ચે બ્રિટન દ્વારા “બ્લેક એરો” નામના ચાર રોકેટ છોડવામાં આવ્યા હતા. છેલ્લા રોકેટ દ્વારા બ્રિટને “પ્રોસ્પેરો” નામનો પોતાનો સેટેલાઈટ ‘લો અર્થ ઓર્બિટ’ માં તરતો મૂક્યો હતો.
              
 
રોકેટ તૈયાર કરવા માટે રોયલ એરક્રાફ્ટ એસ્ટાબ્લીશમેન્ટ કંપનીનો સહારો લેવામાં આવ્યો હતો. સંરક્ષણને લગતા વિવિધ સંશોધનો તેના દ્વારા કરવામાં આવતા હતા. તેણે અનેક વાર પોતાના નામ બદલી નાખ્યા હતા. ૧૯૮૮માં ફરીવાર તેનું નામ “રોયલ એરોસ્પેસ એસ્ટાબ્લીશમેન્ટ” રાખવામાં આવ્યું હતું. હાલમાં આ સરકારી કંપની, બ્રિટનના સંરક્ષણ મંત્રાલયના નિર્દેશો પ્રમાણે ચાલે છે. બ્લેક એરો કાર્યક્રમ દરમિયાન બ્રિટને ત્રણ તબક્કા વાળુ રોકેટ વિકસાવ્યું હતું. તેના પ્રથમ તબક્કામાં કેરોસીન અને હાઈડ્રોજન પેરોક્સાઈડનો બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. રોકેટ 144 કિલો વજન અંતરિક્ષમાં લઈ જવાની ક્ષમતા ધરાવતું હતું. રોકેટના માત્ર ચાર ઉદયન બાદ, સમગ્ર કાર્યક્રમ સમેટી લેવામાં આવ્યો. બ્રિટનની પાર્લામેન્ટને લાગ્યું કે પોતાના નવા રોકેટ વિકસાવવા કરતા, અમેરિકાના સ્કાઉટ રોકેટ સસ્તા ભાવમા મળી રહ્યા છે. આમ બ્રિટન પોતાનો કાર્યક્રમ આગળ વધારે તે પહેલાં જ તેને અભરાઈ ઉપર ચડાવી દેવામાં આવ્યા.
        હવે પાંચ દાયકા બાદ બ્રિટન, ખાનગી વ્યાપારી કંપનીને બ્રિટનમાંથી રોકેટ લોંચીંગ કરવા માટે, વિવિધ પ્રકારે મદદ કરી રહ્યું છે. મે 2020માં સ્કોટલેન્ડના કિલ્ડરમોરી એસ્ટેટ નામના લોન્ચિંગ પેડ ઉપરથી સ્કાયરોરાનું રોકેટ લોન્ચ કરવામાં આવ્યું હતું. રોકેટ મહત્તમ 90 કિલો મીટરની ઊંચાઈ સુધી પહોંચી શક્યું હતું. સ્કાયરોરાનું રોકેટ ૧૦૦ કિલોગ્રામ વજનનો પેલોડ લઈ જઈ શકે છે. હાલમાં ‘લો અર્થ ઓર્બિટ’માં મીની સેટેલાઈટ લોન્ચ કરવા માટે આટલી ક્ષમતા પૂરતી છે.

સ્કાયરોરા: અવકાશનેઆંબવાની આકાંક્ષા

              

             
2017માં સ્કોટલેન્ડમાં સ્કાયરોરાની સ્થાપના કરવામાં આવી હતી. બ્રિટનમાં કાર્યરત આ કંપનીમાં માત્ર 20 થી 25 માણસનો સ્ટાફ છે જ્યારે, અન્ય દેશમાં તેની ઓફિસમાં સૌ વૈજ્ઞાનિકોનો સ્ટાફ કામ કરી રહ્યો છે. કંપની રશિયન લોકો ઉપર આધાર રાખી રહી છે. 2018માં કંપનીએ “સ્કાય લાર્ક નેનો” નામના પાંચ ફૂટ ઊંચાઈના રોકેટને અંતરિક્ષમાં મોકલ્યું હતું. જોકે આ રોકેટ માત્ર ૬ કિલોમીટરની ઊંચાઇ સુધી પહોંચી શક્યું હતું. અને અંતરીક્ષ ની સફર ખેડવા માં નિષ્ફળ રહ્યું હતું. જોકે કંપનીએ માત્ર રોકેટના એન્જિન ચકાસવા માટે આ ઉડ્ડયન કર્યું હતું. કંપનીની ખાસિયત એછે કે તેણે માત્ર પાંચ દિવસમાં રોકેટ લોન્ચ કરવા માટેનું, હરતું-ફરતું એટલે કે મોબાઈલ રોકેટ લોન્ચિંગ પેડ અને સાઈટ તૈયાર કરી છે. જેને અન્ય સ્થળે ખસેડી શકાય છે. સફળતાપૂર્વક ત્યાંથી રોકેટ છોડી શકાય છે. વિશ્વના દેશો હવે સસ્તા અને નાના સેટેલાઈટ અંતરિક્ષમાં મુકવા તરફ જઈ રહ્યા છે ત્યારે, આ કંપનીએ પોતાનું ધ્યાન ‘લો અર્થ ઓર્બિટ’માં ઓછા વજનના સેટેલાઈટ ગોઠવી આપવા તરફ ફેરવ્યું છે. કંપની સ્કાયલાર્ક રોકેટના ૨અલગ-અલગ વર્ઝન તૈયાર કરી ચૂક્યું છે. આ ઉપરાંત સ્કાયરોરાના લેટેસ્ટ મોડલ XL પણ તૈયાર કરી ચૂક્યું છે. ત્રણ તબક્કા વાળું આ રોકેટ, 3૦૦થી ૫૦૦ ગ્રામ પેલો ધરાવતા સેટેલાઈટને અંતરિક્ષમાં મૂકવાની ક્ષમતા ધરાવે છે.
          
 
કંપનીના રોકેટની ખાસિયત એછે કે, તે માત્ર થોડી પ્રિન્ટિંગ ટેકનોલોજીથી તૈયાર થયા છે. આ ઉપરાંત રોકેટ એન્જિનમાં બળતણ તરીકે પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. પર્યાવરણ ક્ષેત્રે આ પ્રકારના રોકેટ ઉપયોગી થઈ શકે તેમ છે. ૭૨ ફૂટ ઊંચાઈનું સ્કાયરોરા XL રોકેટ, સ્પેસ લેબનાં કંપનીના 57 ફૂટના ઇલેક્ટ્રોન રોકેટ અને સ્પેસ એક્સના ફાલ્કન-9 વચ્ચે આવતું રોકેટ છે. રોકેટ એન્જિનમાં પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ થતો હોવાથી, ૪૫ ટકા જેટલા ગ્રીનહાઉસ ગેસનું પ્રદૂષણ ઘટી શકે છે. કંપનીના આયોજન મુજબ, 2022માં કંપની વ્યાપારી ધોરણે અન્ય દેશોના સેટેલાઈટને અંતરિક્ષમાં ગોઠવી આપવા માટે સક્ષમ બની ચુકી હશે.

ઓર્બેક્સ : સ્પેસપોર્ટ બનાવવાની તૈયારીઓ

                ઓર્બેક્સ બ્રિટનની બીજી કંપની છે જે રોકેટ ટેકનોલોજી વિકસાવી બ્રિટનને અંતરીક્ષયૂગની સફર કરાવવા માટે તૈયાર થયું છે. કંપની તેના “પ્રાઈમ” નામના રોકેટ તૈયાર કરી રહી છે. કંપનીનું વડુમથક સ્કોટલેન્ડમાં આવેલું છે. તેની પેટા કંપનીઓ જર્મની અને ડેનમાર્કમાં કામ કરી રહી છે.
             
   
2015માં સ્થાપના થયેલ આ કંપની એ, 2018માં ક્યુબસેટ નામનો નાના કદનો સેટેલાઈટ ‘લો અર્થ ઓર્બિટ’માં ગોઠવીને, પ્રથમ સફળતા મેળવી હતી. તાજેતરમાં બ્રિટનની સરકારે, ઓર્બેક્સને સુથરલેન્ડ સ્થળે સ્પેસપોર્ટ બનાવવા માટે મંજૂરી આપી દીધી છે. સુથરલેન્ડ , સ્કોટલેન્ડની ઉત્તર દિશામાં આવેલ એક નાનો ટાપુ છે. અહીંયા સ્પેસપોર્ટ કાર્યરત બનશે, તો સ્થાનિક લોકોને રોજગારી મળવાની ઉત્તમ તક રહેલી છે. સુથરલેન્ડ સ્પેસપોર્ટ ઉપરથી રોકેટ લેબ કંપનીના ઇલેક્ટ્રોન રોકેટ લોંચીંગ પણ થનાર છે. બન્ને કંપની પોતાનું રોકેટ લોન્ચિંગ પેડ અલગ તૈયાર કરશે પરંતુ કેટલીક સુવિધાઓ બંને કંપની સાથે મળીને ઊભી કરશે.
                કંપની હાલમાં “પ્રાઈમ” નામનું માત્ર ચાર ફૂટ ત્રણ ઇંચ લંબાઈનું રોકેટ વિકસાવી રહી છે. બે તબક્કા વાળા રોકેટનો, પ્રથમ તબક્કો વારંવાર વાપરી શકાય તે રીતે રિયુઝેબલ બનાવવામાં આવ્યો છે. “પ્રાઈમ” રોકેટમાં પ્રવાહી ઓક્સિજન અને પ્રોબ્લેમનો બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવશે. રોકેટની પેલોડ ક્ષમતા ૧૫૦ કિલોગ્રામની રહેશે, રોકેટ 500 કિલો મીટર ઊંચાઈ સુધી સેટેલાઈટ ગોઠવી શકે છે. 2021માં રોકેટનું પ્રથમ પરીક્ષણ કરવામાં આવશે. “એસ્ટ્રો-કાસ્ટ” નામની કંપની સાથે કંપનીએ મીની અને નેનો સેટેલાઈટ અંતરિક્ષમાં ગોઠવવા માટે કરાર કર્યા છે.
                બ્રિટનની વ્યાપારી નીતિના કારણે, સ્પેસપોર્ટ વિકસાવવા માટે, વિવિધ કંપનીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા થઇ રહી છે. તાજેતરમાં બ્રિટન દ્વારા શેટલેન્ડ આઇલેન્ડ્સ ઉપર રોકેટ લોંચીંગ ફેસેલિટી ઉભી કરવા માટે વિશ્વની જાણીતી કંપની લોકહિડ માર્ટીનને પણ પરમિશન આપેલી છે. 2021 કંપની અહીંથી રોકેટ લોન્ચ કરવાની તૈયારીઓ કરી રહ્યું છે.લોકહિડ માર્ટીન કંપની અહીંથી તેનો પ્રથમ ઉપગ્રહ પણ અંતરિક્ષમાં મૂકશે. જે બ્રિટન માટે ઉપયોગી ડેટા ક્લેક્શન કરશે. લોકહિડ માર્ટીન તેને આપવામાં આવેલ 2 કરોડ 40 લાખ પાઉન્ડની ગ્રાન્ટને સ્પેસપોર્ટ વિકસાવવા માટે ઉપયોગમાં લેશે.

રોકેટ એન્જિન: થ્રીડી પ્રિન્ટર દ્વારા જન્મ

                તાજેતરમાં બ્રિટન દ્વારા કરવામાં આવેલ જાહેરાત મુજબ ઓર્બેક્સ કંપની, બ્રિટનની ભૂમિ ઉપરથી “થ્રીડી” પ્રિન્ટર ટેકનોલોજી વડે તૈયાર કરવામાં આવેલ રોકેટનું, બ્રિટિશ સ્પેસપોર્ટ ઉપરથી લોન્ચિંગ કરશે. હાલમાં સ્પેસપોર્ટનું બાંધકામ ચાલુ છે. આવનારા સમયમાં બ્રિટન યુરોપિયન સ્પેસ ઇન્ડસ્ટ્રીમાં અનોખુ સ્થાન મેળવી લેશે. 2015માં શરૂ થયેલ ઓર્બેક્સ કંપનીએ શરૂઆતમાં, લોક નજરમાં આવ્યા વિના અહીં પોતાનું કામકાજ શરૂ કર્યું હતું. તેણે અહીંથી જ્યારે ક્યુબસેટ નામનો નાના કદનો સેટેલાઈટનું લોન્ચિંગ કર્યું ત્યારબાદ તે લોકનજરમાં આવી હતી. કંપનીએ ‘એસએલએમ સોલ્યુશન’ નામની કંપની સાથે કરાર કરીને, વિશિષ્ટ પ્રકારના થ્રીડી પ્રિન્ટર તૈયાર કર્યા હતા. થ્રીડી પ્રિન્ટર દ્વારા કંપનીએ રોકેટ એન્જિન તૈયાર કર્યા છે. જેનું પરીક્ષણ કરી લેવામાં આવ્યું છે. ભવિષ્યમાં આ ટેકનોલોજી વધારે સારી રીતે આગળ વધવાની તૈયારી કરી રહી છે.
              
 
ઓર્બેક્સ સિવાય અન્ય કંપની પણ થ્રીડી ટેકનોલોજી વડે બનેલો રોકેટ ઉપર સંશોધન અને પરીક્ષણ કરી રહી છે. અમેરિકાની નવી સ્ટાર્ટ અપ કંપની, ‘રોકેટ ક્રાફ્ટ’ દ્વારા “કોમેટ” સિરીઝના રોકેટ એન્જિન, થ્રીડી ટેકનોલોજી વડે તૈયાર કરવામાં આવ્યા છે. હાલમાં કંપની તેણે કરેલા 49 પરીક્ષણનો નિચોડ કાઢીને, એક વિશાળ થાય રોકેટ એન્જિન થ્રીડી પેઇન્ટિંગ ટેકનોલોજી વડે તૈયાર કરવા માટે આગળ વધી રહી છે.
                કેલિફોર્નિયામાં કાર્યરત “રોકેટ લેબ” કંપનીનું ઇલેક્ટ્રોન રોકેટ પણ થ્રીડી ટેકનોલોજી વડે બનેલા રોકેટ એન્જિન વાપરી રહ્યું છે. શરૂઆતની સિસ્ટમ ચેકિંગમાં રોકેટ એન્જિન પસાર થઈ ચૂક્યું છે. ટૂંક સમયમાં ઇલેક્ટ્રોન રોકેટ લોન્ચિંગ પેડ ઉપર અંતિમ પરીક્ષણ માટે રાહ જોતુ હશે. થ્રીડી ટેકનોલોજી વાપરવામાં અમેરિકાની રોકેટ બનાવનાર બીજી કંપની “રિલેટિવિટી સ્પેસ” પણ નોંધપાત્ર સંશોધન કરી રહી છે. કેલિફોર્નિયામાં તેણે પોતાનો નવો પ્લાન્ટ ઉભો કર્યો છે. આ પ્લાન્ટ દ્વારા કંપની થ્રીડી ટેકનોલોજી વડે બનેલા રોકેટ એન્જિનનું વ્યાપારી ધોરણે વેચાણ કરવાનું શરૂ કરશે.
              
 
મીની અને નેનો સેટેલાઈટ લોન્ચ કરવા માટે ૩૦૦થી ૫૦૦ કિલોગ્રામની વહન ક્ષમતા ધરાવતા રોકેટ માટે, થ્રીડી ટેકનોલોજી વડે તૈયાર થયેલ રોકેટ ચાલી જાય તેમ લાગે છે પરંતુ, વિશાળકાય રોકેટ માટે આ ટેકનોલોજી કેટલી કામયાબ નીવડે છે તેની ચકાસણી થઇ નથી. રોકેટ એન્જિનમાં હજારો સુક્ષ્મ ભાગ હોય છે, જેને આસાનીથી પ્રિન્ટ કરવા સહેલા નથી.

No comments: