Monday 16 May 2022

મેલેરિયા વેક્સિન વોર: રસી બનાવવી શા માટે અતિશય મુશ્કેલ છે?

પ્રકાશન : ૨ ઓગસ્ટ ૨૦૨૦
મચ્છર નામની તુચ્છ જાતિ ડાયનોસરના જમાનાથી માંડી ઇજિપ્તના પિરામિડ કાળ સુધી પૃથ્વી પર જીવિત રહી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખી રહી છે. મચ્છર દ્વારા મેલેરિયા ફેલાવવાનો ઇતિહાસ છેલ્લા ચાર હજાર વર્ષથી મનુષ્ય ઓળખી ચૂક્યો છે. છેલ્લા ચાર હજાર વર્ષથી મેલેરિયા મનુષ્ય પ્રજાતિને હેરાન કરતો આવ્યો છે. મેલેરિયાના કારણ દર સેકન્ડે એક મૃત્યુ થાય છે. આમ છતાં મેલેરિયાના વિવિધ રોગ સામે અસરકારક દવા કે રસી કાયમી ધોરણે વિકસાવી શકાઈ નથી. જે એકવાર લીધા પછી મનુષ્યને જીવન પર્યંત બચાવી શકે. ડબલ્યુએચઓના જણાવ્યા પ્રમાણે વિશ્વમાં દર વર્ષે 25થી 30 કરોડ કેસ મેલેરિયાના નોંધાય છે. સમગ્ર વિશ્વમાં વિવિધ રોગો સામે રક્ષણ આપે તેવી રસી વિકસાવવા માટે, આંતરરાષ્ટ્રીય લેવલે કામ કરતી ત્રણ મોટી મલ્ટીનેશનલ કંપની જોતરાયેલી છે. જેમાં સાનોફી પાશ્ચ૨, ગ્લેકસો સ્મીથક્લાઈન(GSK), અને નોવાર્ટીસનો સમાવેશ થાય છે. મેલેરિયા સામે માનવી કઈ રીતે યુદ્ધ લડે છે?, મેલેરિયાની રસી બનાવી શા માટે મુશ્કેલ છે? મેલેરિયાની રસી બનાવવા માટે વિવિધ વૈજ્ઞાનિકોએ કેટલા પ્રયત્ન કર્યા છે તે જાણવું રસપ્રદ બની જશે.

પ્લાઝમોડિયમ ફાલ્સીપેરમ: મેલેરિયા કઈ રીતે થાય છે.

મેલેરિયા સામાન્ય રીતે પ્લાઝમોડીયમ નામના પરોપજીવીના કારણે થાય છે. પરોપજીવી માદા એનોફિલીસ મચ્છરની લાળ ગ્રંથિમાં મુક્ત પ્રમાણમાં ઉતરે છે, ત્યાં જ જીવે છે. જ્યારે મચ્છર કરડે છે ત્યારે મચ્છર તેની લાળ મનુષ્યની ચામડીમાં ઉતારે છે. જેની સાથે પ્લાઝમોડિયમ પણ મનુષ્યના લોહીમાં ભળે છે. લોહી દ્વારા પ્લાઝમોડિયમ, લીવર એટલે કે યકૃતમાં પહોંચીને પોતાનું ઘર બનાવે છે. અઠવાડિયાના સમયગાળામાં પોતાની સંખ્યા વધારી નાખે છે. જ્યારે તે પુખ્ત ઉંમરના બની 10 લાખ જેટલી સંખ્યામાં પહોંચે છે, ત્યારે લોહીમાં ભળી જઈ લોહીના લાલ રક્તકણોને ચોટી જાય છે. તેને નુકસાન પહોંચાડે છે. જેથી લાલ રક્તકણોની ઓક્સિજન વહનક્ષમતાને નુકસાન થાય છે. શરીરના અવયવોને મોટા પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી. દર્દીને અશક્તિ આવી જાય. ટચૂકડા પ્લાઝમોડિયમ ખૂબ જ ચાલાક અને છેતરામણા છે. તેઓ તેમની સપાટી પર રહેલ પ્રોટીન બદલવામાં માહેર છે. પોતાની સપાટી અને દેખાવ બદલતા રહે છે, જેથી મનુષ્યના શરીરની રોગ પ્રતિકારક પ્રણાલી શરીરમાં ઘુસેલા દુશ્મનને ઓળખવામાં થાપ ખાઈ જાય છે. પ્લાઝમોડિયમના શરીર માં ૫૦૦૦ જેટલા જનીન છે. તેઓ તેમાં સતત બદલાવ, ઉત્ક્રાંતિ અને ફેરફાર કરતા રહે છે. જેના કારણે તેઓ વિવિધ દવાઓ સામે અસરકારક પ્રતિકાર પેદા કરી શકે છે. આ કારણે જ મેલેરિયાને મહાત આપવી મુશ્કેલ બની જાય છે.

૧૯૭૦ના દાયકામાં વૈજ્ઞાનિકોને મેલેરિયાના સંશોધનમાં એક અનોખી વાત જોવા મળી હતી જો મેલેરિયાને રેડિયેશનનો ડોઝ આપવામાં આવે તો તેના શરીરમાં રહેલ પ્લાઝમોડીયમના ડી.એન.એ નુકસાન પહોંચે છે. રેડિયેશનના કારણે પરોપજીવીના કોષોની પુખ્ત બનવાની પ્રક્રિયા અટકી જાય છે. જેના કારણે તે સપાટી પર રહેલ પ્રોટીન અને પોતાનો આકાર બદલવાની ક્ષમતા ગુમાવી નાખે છે. બધા જ પ્લાઝમોડિયમ એક સરખા રહે છે, જેથી આપણી રોગ પ્રતિકારક પ્રણાલી તેમને ઓળખી કાઢે છે. તેમની સામે લડવા માટે અને, પરદેશી દુશ્મન પ્લાઝમોડિયમ સામે ઇમ્યુનિટી (ચેપનો પ્રતિકાર કરવાની તથા તેને નાબૂદ કરવાની શક્તિ) પેદા કરે છે.

ડૉ. સ્ટીફન હોફમાન, : થાકી ગયા પરંતુ હાર્યા નહીં.

સાનારીયા ઇન્ક.,નામની બાયોટેક ની સ્થાપના પ્રસિદ્ધ ડૉ. સ્ટીફન હોફમાન, દ્વારા કરવામાં આવી છે. તેમણે નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ એલર્જી એન્ડ ઈન્ફેકસીયસ ડિસીસ પાસેથી સાડા પાંચ કરોડની રિસર્ચ ગ્રાન્ટ મેળવી, સાનારીયા ઇન્ક.ની સ્થાપના કરી હતી. મેલેરિયા ઉપર સંશોધન કરતા પહેલા ડૉ. સ્ટીફન હોફમાન, મનુષ્યનો જેનોમ ઉકેલવાનો, મહા પ્રોજેક્ટ હ્યુમન જેનોમ પ્રોજેક્ટમાં સહયોગ કરનારી, સેલેરા જેનોમીક્સમાં કામ કરી ચૂક્યા હતા. મેલેરિયા ઉપર સંશોધન કરતાં પહેલાં તેમણે, મેલેરિયા ફેલાવનાર મચ્છર, અને ખતરનાક પ્લાઝમોડિયમ ફાલ્સીપેરમનો જેનોમ ઉકેલ્યો હતો, જેથી મેલેરિયાની રસી વિકસાવવામાં મદદ મળે. તેમણે મેલેરિયાની રસી વિકસાવી છે. મનુષ્ય ઉપરની પ્રથમ ટ્રાયલમાં 80 લોકોને રસી ઇન્જેક્શન દ્વારા આપવામાં આવી હતી, પરંતુ તેનું પરિણામ ઉત્સાહજનક નહતું. માત્ર પાંચ ટકા લોકોમાં જ મેલેરિયા સામે ઇમ્યુનિટી પેદા થયેલી જોવા મળી હતી. ડૉ.સ્ટીફને હવે રસીનો ઉપયોગ પ્રાણીઓ ઉપર કર્યો. રસીને સ્નાયુમાં આપવાની જગ્યાએ, હવે સીધી જ નસમાં આપવામાં આવી. આ સમયે 70 ટકા પરિણામ મળ્યું. વાનરમાં રસી 70 ટકા સફળ થઈ. ત્યારબાદ મનુષ્ય ઉપર તેનું પરીક્ષણ કરવામાં આવ્યું. મનુષ્યના પરીક્ષણમાં પણ રસીને સારી સફળતા મળી. રસીને વધારે સલામત બનાવવા માટે અને આગળ ધપાવવા માટે ડૉ. સ્ટીફનને વધારે નાણાંની જરૂર હતી. મેલેરિયાની રસી ને લગતા તેમના સંશોધન લેખો પ્રકાશિત થયા. 2014માં તેમણે શોધેલી રસીને ઇન્ડસ્ટ્રી એક્સેલેન્સ એવોર્ડ પણ મળ્યો. ટીવી કંપની એનપીઆર અને બીબીસી ઉપરાંત ન્યૂયોર્ક ટાઈમ્સ, સાયન્ટિફિક અમેરિકન, ફોર્બ્સ મેગેઝિન, વોલ સ્ટ્રીટ જર્નલ , ગાર્ડિયન જેવા અનેક પ્રકાશનોમાં ડૉ.સ્ટીફન અને મેલેરિયાની રસીને લગતા લેખ પ્રકાશિત થયા. . આમ છતાં વિશ્વએ મેલેરિયાની રસીમાં યોગ્ય પ્રતિભાવ દર્શાવ્યો નહીં. આમ છતાં રસીને આગળ ધપાવવા માટે તેમને નાણાકીય સહાય મળી નહીં. છેવટે 2018માં બિલ એન્ડ મેલીન્ડા ગેટસ ફાઉન્ડેશન દ્વારા રસી વિકસાવવા, 30 કરોડ ડોલર ફાળવવામાં આવ્યા. છેવટે 2019 ના અંત ભાગમાં રસીને અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન દ્વારા માન્યતા પ્રાપ્ત થઈ.

પ્રો. જો કોહેન: આંશિક સફળતા મળી!


૧૯૮૦ના દાયકામાં મેલેરિયા ની બીજી રસી ગ્લેકસો સ્મીથક્લાઈન(GSK), બેલ્જીયમના સંશોધકો દ્વારા બનાવવામાં આવી રહી હતી. જે ટીમનું નેતૃત્વ પ્રોફેસર જો કોહેન કરી રહ્યા હતા. આ સમયગાળામાં જીએસકે મેલેરીયા, ટીબી અને એચઆઈવીની રસી માં પણ સંશોધન કરી રહી હતી. 1996માં પ્રથમવાર આરટીએસ રસીનું પરીક્ષણ કરવામાં આવ્યું. સાતમાંથી છ વ્યક્તિને મેલેરિયા સામે રક્ષણ મળ્યું હતું. ત્યારબાદ 1999 માં જો કોહેન ખુદ આફ્રિકા માં જઈને આફ્રિકાના બાળકો ઉપર આ રસીનું પરીક્ષણ કરી આવ્યા હતા. 2004માં મોઝામ્બિકમાં આફ્રિકન બાળકો ઉપર તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. 30 વર્ષની અથાગ મહેનત બાદ, 30 કરોડ ડોલર ખર્ચ્યા પછી. પ્લાઝમોડિયમ ફાલ્સીપેરમ મેલેરિયા સામે રક્ષણ આપે તેવી રસી જીએસકે વિકસાવી છે. આ રસીમાં પ્લાઝમોડીયમનો આંશિક હિસ્સો વાપરવામાં આવે છે. જેને આપણું શરીર ઓળખી જાય છે. તેની સામે ઇમ્યુનિટી વિકસાવી લે છે. જ્યારે મેલેરિયાના પૅરેસાઇટ મનુષ્ય શરીરમાં ઘૂસે ત્યારે, મનુષ્ય શરીરમાં પહેલેથી પેદા થયેલ ઇમ્યુનિટી રોગ સામે લડવામાં કારગર સાબિત થાય છે. સંશોધન કરનાર ડોક્ટર એલન પામ્બા કહે છેકે “શરીરમાં પ્રવેશ્યા પછી પ્લાઝમોડીયમને લીવર સુધી પહોંચતા માત્ર 30 મિનિટ લાગે છે આ સમયગાળામાં શરીર દ્વારા ઇમ્યુનિટી તૈયાર થઈ હોવી જોઈએ તો રોગ સામે રક્ષણ મળે.” ટ્રાયલમાં મેલેરિયાની રસીને 50 ટકા સફળતા મળી છે. રસી લીધા પછી ૫૦ ટકા લોકો મેલેરિયાથી સુરક્ષિત રહી શકતા નથી .

ડૉ. સ્ટીફન હોફમાનની માફક જીએસકેને પણ મેલેરિયાની રસી શોધવા માટે આર્થિક ફંડની જરૂર હતી. આ મદદ તેને બિલ ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા મળી હતી. બિલ ગેટ્સ ફાઉન્ડેશને રસી શોધવા માટે ૨૦ કરોડ ડોલરનું દાન આપ્યું હતું. જીએસકે દ્વારા શોધવામાં આવેલી રસી ,ફેજ વન ટુ અને થ્રી દ્વારા ચકાસવામાં આવીછે, એની અસરકારકતા અલગ-અલગ તબક્કે અલગ અલગ જોવા મળે છે. જેની મહત્તમ અસરકારકતા 63% જોવા મળેલ છે.

આર્ટેમિસીનીન:તબીબીક્ષેત્ર નું નોબલ પ્રાઈઝ મેળવી આપ્યું.

મેલેરિયા સામે યુદ્ધ લડવા માટે વર્લ્ડ વાઇડ એન્ટી મેલેરિયા રેઝિસ્ટન્સ નેટવર્ક કામ કરે છે. જેની સલાહકાર સમિતીમાં ડોક્ટર ફ્રોંન્કોઇસ નોસ્ટેન વડા સભ્ય છે. ડોક્ટર ફ્રોંન્કોઇસ નોસ્ટેન એન્ટી મેલેરિયા યુદ્ધમાં, સોકલો સંશોધન કેન્દ્ર સાથે પણ સંકળાયેલા છે. તેમનું કામ મેલેરિયાના દર્દીને ઉપર વિવિધ દવાઓ અને રસીઓનું પરીક્ષણ અને ટ્રાયલ લેવાનું છે. રશિયા અને દવાની અસરકારકતા ચકાસીને તેના સંશોધનપત્ર પણ તેઓ પ્રકાશિત કરે છે. ૧૯૯૪માં ડોક્ટર ફ્રોંન્કોઇસ નોસ્ટેન દ્વારા આર્ટેમિસીનીન, નામનું wonder drug ધ્યાનમાં આવ્યું હતું. જે એકજ દિવસમાં પૅરેસાઇટ ફાલ્સીપેરમનો ખાત્મો બોલાવી દેતું હતું. પરંતુ બીજા દિવસે પૅરેસાઇટ ફાલ્સીપેરમ પોતાનું સ્વરૂપ બદલી નાખ્યું હતું. દવા સામે પ્રતિકાર પેદા કરી લેતા હતા. તેથી આ દવા અસરકારક સાબિત થઈ નહીં .

અમેરિકા અને વિયેતનામ આમને સામને આવી ગયા હતા. વિયેતનામ યુદ્ધ રાજનીતિનું મહાભારત બની ગયું હતું. વિયેતનામ યુદ્ધમાં મેલેરિયા સૈનિકોનો ખાત્મો બોલાવી રહ્યું હતું ત્યારે મેલેરીયા સામેની દવા શોધવી ખૂબ જ જરૂરી બની ગયું હતું. આ સમયે, યુદ્ધ કરતા મેલેરિયાથી વધારે લોકો મરતા હતા. વિયેતનામ યુદ્ધ સમયે ઉત્તર અને દક્ષિણ વિયેતનામના નેતા હો ચી મિન્હ હતા. તેમણે ચાઈનીઝ રાજદૂત ચાઉ એન લાઇને મેલેરિયાની સારવાર વિકસાવવા માટે મદદ માગી હતી. મેલેરિયા ની દવા chloroquine નાકામયાબ રહી હતી. plasmodium falciparum ઉપદ્રવ વધી રહ્યો હતો. ચીન દ્વારા પ્રોજેક્ટ523ના કોડનેમ સાથે મેલેરિયા ની દવા વિકસાવવા માટે સિક્રેટ મિલેટ્રી પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો. આવા કપરા કાળમાં એક ચાઈનીઝ મહિલા વૈજ્ઞાનિક થૂં યોઓયોઓ, પ્રોજેક્ટ 523માં મેલેરિયા સામે નવી દવા વિકસાવવામાં આગળ આવી. થૂં યોઓયોઓ, ૧૯૫૧ થી ૧૯૫૫ સુધી બીજીગની મેડિકલ યુનિવર્સિટી સ્કૂલ ઓફ ફાર્મસીમાથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી, અને બે વર્ષ સુધી તેણે પરંપરાગત ચાઇનીઝ દવાઓમાં રહેલ વિવિધ ડ્રગ્સ ઉપર સંશોધન કાર્ય કર્યું હતું. 
 આ સંશોધન કાર્ય દરમિયાન તેણે મેલેરિયા સામે ઉપયોગી બને તેવી આર્ટેમિસીનીન દવા, સ્વીટ વોર્મવુડતરીકે ઓળખાતા ઔષધિ છોડમાંથી મેળવી. ઔષધિ છોડ નું વૈજ્ઞાનિક નામ Artemisia annua છે. આર્ટેમિસીનીનની શોધ માટે થૂં યોઓયોઓ, 2011માં લાશ્કર એવોર્ડ અને 2015માં તબીબી વિદ્યાનું નોબલ પ્રાઈઝ, અન્ય બે વૈજ્ઞાનિક સાથે આપવામાં આવ્યું હતું. કોઈ પણ ક્ષેત્રમાં નોબલ પ્રાઈઝ મેળવનાર પ્રથમ ચાઈનીઝ મહિલા થૂં યોઓયોઓ છે. ઉપરાંત તબીબીક્ષેત્ર નું નોબલ પ્રાઈઝ મેળવનારપ્રથમ ચાઈનીઝ નાગરિક પણ થૂં યોઓયોઓ છે.
ચાઈનીઝ મહિલાએ શોધેલી એન્ટી મેલેરિયા ડ્રગને, જથ્થાબંધ ઉત્પાદન કરવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને દવા બનાવનારી કંપનીઓને મનાઈ ફરમાવી છે, કારણકે આ દવાના ઉપયોગથી પૅરેસાઇટ ફાલ્સીપેરમ તેની સામે પ્રતિકાર પેદા કરીલે છે. ત્યારબાદ તેને મારી હટાવવા મુશ્કેલ બને છે. જોકે વિયેતનામ યુદ્ધ સમયે આ ડ્રગ દ્વારા અનોખી અનેક લોકોના જીવ બચાવવામાં આવ્યા હતા. જ્યાં જ્યાં આ અનોખી શોધની સાર્થકતા સાબિત થઇ હતી.







No comments: