Friday 1 May 2020

એક્ઝો-કોમેટ બોરીસૉવ:નવાં વર્ષે મળવા આવે છે નવો મહેમાન


નવાં વર્ષે જેમ આપણને મળવા માટે સગા-વ્હાલાં આવે એ રીતે, સુર્ય માળાની બહાર આવેલ અંતરિક્ષ જેને 'ડિપ સ્પેસ' કહે છે ત્યાંથી એક નવો આગંતુક સુર્ય માળાનાં ગ્રહો અને સૂર્યને મળવા આવી રહ્યો છે. આ અનોખા મહેમાનને ખગોળશાસ્ત્રી 'ઇન્ટરસ્ટીલર' ઓબ્જેક્ટ કહે છે. થોડાક વર્ષો પહેલાં ખ્યાતનામ ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ 'ઇન્ટરસ્ટીલર' આવી હતી અને... લોકજીભે 'ઇન્ટરસ્ટીલર' શબ્દ  ચડી ગયો હતો. નવો મહેમાન મળવા આવી રહ્યો છે તે ઇન્ટરસ્ટીલર ઓબજેક્ટ નં. ૨ છે. પ્રથમ ઇન્ટરસ્ટીલર ઓબજેકટ નં. ૧ નું નામ હતું 'ઓવમુઆમુઆ'. જે બે વર્ષ પહેલાં એટલે કે ૨૦૧૭નાં આવાજ દિવસો એટલે કે ઓકટોબર મહિનામાં સુર્ય માળાની મુલાકાતે આવ્યો હતો. પૃથ્વીનાં ઇતિહાસમાં આ પ્રથમ ઘટના હતી કે, સુર્યમાળા બહારનો કોઇ પદાર્થ પૃથ્વી નજીક આવીને પસાર થયો હતો. ભલે કોઇ સજીવ પરગ્રહવાસી પૃથ્વી કે સોલાર સિસ્ટમની મુલાકાતે આવ્યા હોય તેના પુરાવા ન મળતા હોય. નિર્જીવ ઇન્ટરસ્ટીલર પદાર્થની સુર્યમાળાની વિઝીટ શરૂ થઇ ચુકી છે. નવા મહેમાનને આવકારવા સજ્જ થઇ જાઓ. ૧૯૬૦નાં દાયકામાં રશિયાએ સ્પુટનિક-૧ નામનો ઉપગ્રહ અંતરીક્ષમાં તરતો મુક્યો ત્યારથી સામાન્ય લોકોની સમજમાં પ્રથમવાર વાત સમજાઇ કે આખરે 'અંતરીક્ષ' એટલે કે સ્પેસ શું ચીજ છે. સ્પેસ એક્સપ્લોરેશનની ઘટનાને માંડ માંડ પાંચ-છ દાયકા વિત્યા છે, ત્યાં આપણું 'અંતરિક્ષ' વિશેનું જ્ઞાન વધતું જ રહ્યું છે.
'અંતરિક્ષ' વિશેનું વધતું  જ્ઞાન સ્પેસથી ડિપ-સ્પેસની સફર
મનુષ્ય એ સર્જેલ અવકાશી પદાર્થ, વોયેઝર-૧ અને વોયેઝર-૨ બંને સુર્યમાળાની સીમા રેખાને પાર કરીને પૃથ્વીને 'ટાટા' બાય-બાય કરી ગયા છે. ડિપ સ્પેસમાં જો કોઇ આપણાથી વધારે બુદ્ધિશાળી જીવ દેશ અને આપણા વોયેઝરને આંતરી લઇ તેની પુરી ચકાસણી કરશે તો તેમને આપણું સરનામું જે ગ્રાફિક ડિઝાઇનથી ગ્રામોફોનથી ગ્રામોફોન રેકોર્ડ પર ચિતરવામાં આવી છે તે મળશે.પૃથ્વીવાસી મનુષ્યનાં રેકોર્ડ સાઉન્ડ પણ તેમને સાંભળવા મળશે. શર્ત માત્ર એટલી કે તેઓ આપણી સમકક્ષ અથવા આપણા કરતાં વધારે બુદ્ધિશાળી હોવા જોઈએ જે આપણા એ જમાનાનાં ટેકનોલોજીકલ 'માર્વેલ' જેવા સ્પેસ-ક્રાફટ 'વોયેઝર'નું મહત્વ સમજે. આપણી ઇલેકટ્રોનિક ગેઝેટની દુનિયા સમજે.આવી જ આકાંક્ષા અને અભિલાષા પૃથ્વીવાસી પણ સેવી રહ્યાં છે. દર નવા વર્ષે વૈજ્ઞાનિકોનાં મનમાં એક વાતનું પુનરાવર્તન થતું હોય છે કે ભલે સુર્યમાળા બહારની દુનિયાનાં કોઇ પરગ્રહવાસી મનુષ્યની / પૃથ્વીની મુલાકાતે ન આવે. પરંતુ કમસે કમ તેમનું કોઇ સ્પેસ ક્રાફટ તો પૃથ્વીની નજીક આવે. ઓકટોબર ૨૦૧૭માં ઓવમુઆ મુઆ નામનો પદાર્થ ખગોળશાસ્ત્રીઓની નજરે ચડયો હતો ત્યારે 'સીતાર' જેવા આકારે વિજ્ઞાન જગતને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધુ હતું. કેટલાક લોકોને તેનો આકાર સ્ટાર ટ્રેકના સ્પેસક્રાફટ 'એન્ટરપ્રાઇઝ' જેવો લાગતો હતો.પૃથ્વીવાસીને આશ્ચર્ય થવું જ જોઈએ. કારણ આ પૃથ્વીનાં ઇતિહાસની પ્રથમ ઘટના હતી કે ડિપ સ્પેસમાંથી આવેલ ઇન્ટરસ્ટીલર પદાર્થ સુર્યમાળામાં પ્રવેશ્યો હતો. ૧૯ સદી પહેલાં કદાચ કોઇ ઓબજેક્ટ આ રીતે આવ્યા હોય તો પણ તેનો અધિકૃત કોઇ રેકોર્ડ જોવા મળતો નથી.સામાન્ય રીતે પદાર્થનો ગત માર્ગ જાણીને વૈજ્ઞાનિકો તેનાં સરનામાની શોધ કરતાં હોય છે. ભુતકાળમાં આવી ઘટના નોંધાઇ નથી. માત્ર છેલ્લા બે વર્ષમાં મનુષ્યની નજરે એવા 'ઇન્ટરસ્ટીલર' ઓબજેકટ ચડયા છે. જેઓ નવો ઇતિહાસ લખવા જઇ રહ્યાં છે. વેલ કમ 'ઇન્ટરસ્ટીલર' નં. ૨, જેનું નામ છે ૨૧ / બોરીસોવ.
બોરીસોવ: નામને અમરત્ત્વ...
મોસ્કોના સ્ટર્નબર્ગ એસ્ટ્રોનોમિકલ ઇન્સ્ટીટયુટમાં ૫૫ વર્ષનાં એક બુઝર્ગ, એન્જીનીયર તરીકે સેવા આપી રહ્યાં છે. હિમીઅન એસ્ટ્રોનોમીકલ સ્ટેશનમાં ટેલીસ્કોપ મેઇન્ટેનન્સનું કામ કરે છે. અહીં તેઓ એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝરવેશન કરતાં નથી. અંતરિક્ષમાં ટેલીસ્કોપ તાકીને નિહાળવાનું કામ તેઓ ફુરસતનાં સમયે કરે છે. વ્યવસાયે તેઓ ઇજનેર છે અને ટેલીસ્કોપ બનાવવામાં તેમની સંપુર્ણ માસ્ટરી છે. ફિમીઅન પેનીસ્યુલામાં તેમનું રહેઠાણ આવેલું છે. જે વિસ્તાર 'નૌરાન્ટરી' તરીકે ઓળખાય છે.અહીં પણ એક ખગોળ વેધશાળા છે. જ્યાં રશિયાની ખ્યાતનામ અંતરિક્ષ સંસ્થા રોસ્કોમોસનાં સહયોગથી વેધશાળા ચાલે છે. ૫૫ વર્ષનાં બુઝર્ગ પોતાના રહેઠાણમાં પર્સનલ ઓબ્ઝરવેટરી બનાવી પોતાના શોખ પુરા કરે છે.
તેમની વેધશાળાનું નામ છે ''માર્ગો''. ૨૦૧૩ થી ૨૦૧૭નાં સમયગાળામાં બુઝર્ગે સાત જેટલાં ધુમકેતુઓ એટલે કે કોમેટ શોધી કાઢ્યા છે. આ ઉપરાંત અનેક 'નિઅર અર્થ ઓબજેકટ' (NEO) તરીકે ઓળખાતાં અંતરિક્ષ ઓબજેકટ શોખી કાઢ્યા છે.ઓગષ્ટ ૨૦૧૯માં તેમણે એક અનોખો ધુમકેતુ / કોમેટ શોધી કાઢ્યો હતો. જેણે તેમને વિશ્વ પ્રસિદ્ધ બનાવી દીધા. તેમણે શોધેલો ધુમકેતુ જેવો તેવો સૌર મંડળનો સામાન્ય ધુમકેતુ ન હતો. સુર્યમાળાની બહારથી એટલે કે ઇન્ટરસ્ટીલર સ્પેસમાંથી આવતા અનોખા મહેમાનને તેમણે પોતાના ટેલીસ્કોપમાં પકડી પાડયો હતો. તેમણે માહિતી આંતરરાષ્ટ્રીય સંગઠનને આપી. જ્યાંથી તેમની શોધની પૃષ્ઠી અન્ય ખગોળશાસ્ત્રીઓએ પણ કરી.૨૦૧૯માં બુઝર્લો પોતાનું ૦.૬૫ મીટરનું ટેલીસ્કોપનું બાંધકામ પુરુ કરે. પોતાની વેધશાળા માર્ગોમાં ગોઠવી દીધુ ૩૦ ઓગષ્ટ ૨૦૧૯નાં રોજ તેમણે જે અનોખો કોમેટ શોધી કાઢ્યો તેને નામ નહીં પરંતુ નંબર આપવામાં આવ્યો. C૨૦૧૯ Q૪ ખગોળશાસ્ત્રીઓએ જોયું કે બુઝર્ગે શોધેલો કોમેટ સૌર મંડળની બહારથી આવનાર ક્રમાંક 'બે' ને ઇન્ટરસ્ટીલર ઓબજેક્ટ હતો.સરળ ભાષામાં તેમણે સૌર મંડળની બહારથી આવતાં કોમેટને પકડવાની જે ઘટનાનાં સાક્ષી બન્યા હતાં, એ પૃથ્વીનાં ઇતિહાસમાં નોંધેયાલ બીજી ઘટના હતી. હજી માંડ બે વર્ષ પહેલાં જ, વિશ્વનો પ્રથમ ઇન્ટરસ્ટીલર પદાર્થ, ખગોળશાસ્ત્રીઓએ ૨૦૧૭માં શોધ્યો હતો. પાછલી ઉંમરે જેને ઇતિહાસમાં સ્થાન મળે તેઓ ૫૫ વર્ષની બુઝર્ગ વ્યકિતનું નામ છે. ગેનાડી બોરીસોવ અને તેમનાં ધુમકેતનું હવે ઓફીસીયલ નામ છે 21 / બોરીસોવ.
એક્ઝો-કોમેટ: બોરીસૉવ
ધ ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનીયન (IAN) નવા શોધાયેલા ફોર્મેટને તેનાં ૫૫ વર્ષનાં શોધક ગેનાડીય બોરીસોલ ઉપરથી એક્ઝો-કોમેટ/ બોરીસેવ આપ્યું છે. ઉપરાંત ધુમકેતુ સૌર મંડળની બહારનાં ડિપ સ્પેસમાંથી આવનાર 'બીજા' ઓબજેક્ટ તરીકે પણ સ્વીકાર્યો છે. એસ્ટ્રોબાયોલોજીનાં ખગોળશાસ્ત્રી ગોન્ઝેલો ટેન્પીડી કહે છે કે કોમેટની પરીક્રમા માર્ગ એટલો બધો હાઈપર બોલીક છે કે તે સ્પષ્ટ બતાવે છે કે કોમેટ બહોત બહોત દુર કા મુસાફીર હૈ! ૨૧/બોરીસોવ કોમેટ ૭ ડિસેમ્બરનાં રોજ મંગળ ગ્રહ પાસેથી પસાર થશે. એક અંદાજ મુજબ નવો આંગતુક  સુર્યમાળામાં એકાદ વર્ષ જેટલો રોકાશે. જો કે તેની આવવાની ઝડપ અધધધ...ધ થઇ જવાય તેટલી છે. સૌરમંડળનો એક પણ પદાર્થ આટલી ઝડપથી ભાગતો નથી. તેની ઝડપ છે કલાકનાં દોઢ લાખ કી.મી. જી ! હા! દોઢ લાખ કી.મી. વૈજ્ઞાનિક અંદાજ મુજબ પદાર્થનો વ્યાસ બે થી ૧૬ કિ.મી. જેટલો હોવો જોઇએ. તેની પુછડી ખુબ જ ટુકી છે.

 આ ધુમકેતુ ક્યાંથી આવે છે તેનું કોઈ અનુમાન ખગોળશાસ્ત્રી કરી શક્તા નથી. ખગોળ શાસ્ત્રીઓ કહે છે કે આજથી દસ લાખ વર્ષ પહેલાં, ૧૩ પ્રકાશ વર્ષ દુર આવેલાં જોડીયા તારાં 'ફુગર ૬૦' પાસેથી તે પસાર થયો હશે.જેને આપણા નજીકથી કરીએ છીએ તે અંતર પણ લગભગ ૫.૭ પ્રકાશ વર્ષ જેટલું હશે. તે સમયે તેની ઝડપ માત્ર કલાકનાં ૧૨,૩૪૮ કિ.મી. પ્રતિ કલાકની રહી હશે. આ બધા પ્રારંભિક પરીણામો આધારીત ડેટા છે. કોમેટનો ચોક્કસ પ્રદક્ષીણા માર્ગ નોંધતા મહીનાઓ સુધી તેનાં અવલોકનો લેવા પડશે. પૃથ્વીવાસી નવા વર્ષે આવનારાં ઓબજેક્ટ નં. ૨ને 'બોરીસોવ'નાં ધુમકેતુ તરીકે ઓળખાશે.
ઓવમુઆમુઆ: પ્રથમ મહેમાન
સૌર મંડળની મુલાકાતે આવનાર પ્રથમ ઇન્ટરસ્ટીલર ઓબજેક્ટ કયો છે? લો... આ રહ્યો જવાબ... 'ઓવમુઆમુઆ' હવાઈ ભાષામાં 'ઓવમુઆમુઆ'નો અર્થ થાય, સંદેશાવાહક, સ્વયંમ સેવક અને 'મુઆ'નો અર્થ થાય પ્રથમ.   ૧૯ ઓક્ટોબર ૨૦૧૭નાં રોજ વહાઈટાપુ પર આવેલી 'હાલેઆકાલા ઓબ્ઝરવેટરી'નાં રોબર્ટ વેરીકે 'ઓવમુઆમુઆ'ની શોધ કરી, પૃથ્વીનો ઇતિહાસનાં ઇન્ટસ્ટીલર ઓબ્જેક્ટ શોધનાર પ્રથમ માનવી તરીકે નામ પણ નોંધાવ્યું. અહીં ચોખવટ એટલાં માટે કરવી જોઇએ કે ખગોળશાસ્ત્રી પોતાના ટેલીસ્કોપમાંથી જે દુરનાં 'સ્ટાર' જુએ છે.  તે બધા જ ઇન્ટરસ્ટીલર ઓબજેક્ટ છે. પરંતુ કોઈ પણ પદાર્થ, ગ્રહ હજુ સુધી સૌર મંડળની મુલાકાતે આવ્યો નથી. કદમાં નાનો હોવાથી એસ્ટ્રોઇડ ગણાય. ઓવમુઆમુઆની લંબાઈ ૧૦૦થી ૧૦૦૦ મીટર, પહોળાઈ અને જાડાઈ ૩૫થી ૧૬૭ મીટર વચ્ચેની માનવામાં આવે છે. કદમાં ખુબ જ નાનો હોવાથી તે એસ્ટ્રોઇડ ગણાય કે કોમેટ તે બાબતે વિવાદ ચાલી રહ્યો છે. 
વૈજ્ઞાનિકો માને છે કે તે એક ધુમકેતુ તુટી ગયા બાદ વધેલો ભંગાર છે. જેને 'એકસો કોમેટ' જેવું લાડકુ નામ આપવામાં આવે છે. 'ઓવમુઆમુઆ'ની શોધે ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનીયન માટે પણ સમસ્યા પેદા કરી હતી કે, સૌરમંડળની બહારથી આવનાર એક્ષે-કોમેટનું નામ કરણ કઇ રીતે કરવું. શરૂઆતમાં ધુમકેતુ તરીકે C/૨૦૧૭ U1નંબર આપવામાં આવ્યો, બાદમાં એસ્ટ્રોઇડ તરીકે A/૨૦૧૭ U1નંબર આપવામાં આવ્યો. ૧૯૭૩માં આર્થ સી ક્લાર્ક દ્વારાં એક સાયન્સ ફિકશન પ્રકાશીત થયું હતું. જેનું નામ હતું. 'રેન્ડેઝીવસ વીથ રામ'. નવલકથામાં એક અનોખી ઘટનામાં પરગ્રહવાસીસ્પેસ ક્રાફ્ટનો ભેટો થાય છે. જેને 'રામ' નામ આપવામાં આવે છે. 'ઓવમુઆમુઆ'ને પહેલાં 'રામ' નામ આપવાની વિચારણા પણ થઇ હતી.

No comments: