Thursday 21 May 2020

સ્પાઇનોસોરસ: આખરે સ્ટોમરના પઝલનો ઉકેલ મળ્યો ખરો!



Full Article: 


સમયગાળો  ઈસવીસન 1910 થી 1914 વચ્ચેનો હતો. એક ડાયનોસોરપ્રેમી પેલેન્ટોલોજીસ્ટ સ્ટોમરે ઇજિપ્તની સંખ્યા બાદ સંખ્યાબંધ મુલાકાતો લીધી. આ મુલાકાત દરમિયાન તેણે સંખ્યાબંધ ડાયનોસોરના  અસ્થિપિંજર અશ્મિઓ શોધી કાઢ્યા હતા. અહીં તેને એક નવા જ પ્રકારના ડાયનાસોરના હાડપિંજરના હાડકા મળેછેપરંતુ હાડપિંજર સંપૂર્ણ હોતું નથી.  ડાયનોસોરનું શરીરરચના શાસ્ત્ર સ્ટોમર સમજાવે છે, ત્યારે તેને ખબર પડેછેકે ડાયનોસોર અન્ય ડાયનોસોર કરતા ખુબજ અલગ  પ્રકારની શરીરરચના ધરાવે છે. તેણે ડાયનોસોરને સ્પાઇનોસોરસ નામ આપ્યું.  સ્ટોમર જાણતો હતોકે ડાયનોસોરની આ એક નવી પ્રજાતિ છે, પરંતુ તેની પાસે ડાયનોસોરનું સંપૂર્ણ હાડપિંજર નહોવાથી ,તેના શરીરનો સંપૂર્ણ અભ્યાસ તે કરી શકે તેમ નહતો. અભ્યાસ દરમ્યાન તેને જે અવલોકનનો જોવા મળ્યા, તે અનેક સવાલ પેદા કરતા હતા.  સ્ટોમરના આ સવાલોને વિજ્ઞાન જગતસ્ટોમરના પઝલતરીકે ઓળખાતું હતું.  આખરે સ્ટોમરના પઝલ એટલે કે કોયડાનો ઉકેલ શું હતોલગભગ એક સદી બાદ વૈજ્ઞાનિક નિઝાર ઇબ્રાહિમે સ્ટોમરના પઝલ નિરાકરણ કર્યું છે. વિશ્વને પહેલીવાર પાણીમાં રહેતા જળચર ડાયનોસોર સ્પાઇનોસોરસની સાચી ઓળખ મળી છે. સ્પાઇનોસોરસને લગતો સંશોધન લેખ,  “નેચરમેગેઝિનમાં પ્રકાશિત થયો છે. આ શોધ કરવા માટે, વૈજ્ઞાનિકોને જે તનતોડ મહેનત કરવી પડી તેની એક ઝલક માણીએ.

૧૯૧૨માં રિચાર્ડ માર્કગ્રાફને  પશ્ચિમ ઇજિપ્તના બહારીયા રચનાખંડ વિસ્તારમાંથી એક અનોખા ડાયનોસોરના અધૂરા હાડપિંજરનો હિસ્સો મળ્યો હતો. વૈજ્ઞાનિકોએ  પ્રાચીન અશ્મી નમૂનાનેસ્પાઇનોસોરસ  ઇજીપ્તસનામ આપ્યું હતું.  1910 થી ૧૯૧૫ સુધી જર્મનીના પ્રાચીનપ્રાણીવિદ્યા વિશારદ  અર્ન ફ્રેઇહેર સ્ટોમર  વોન રિચેનબેગ પોતાની રીતે ડાયનોસોર ઉપર અભ્યાસ કરતા હોય છે.  તેઓ અસંખ્યવાર ઇજિપ્ત અને મોરોક્કોની મુલાકાત  લીધી હતી.  જે દરમિયાન  તેમને વિવિધ પ્રકારના પ્રાણીઓ ઉપરાંત ડાયનોસોરના હાડકાના કેટલાક નમૂનાઓ મળ્યા હતા.  સ્ટોમરને  તેમાં એક નવી એક ડાયનોસોર  પ્રજાતિના દર્શન થાય છે. જેનું નામસ્પાઇનોસોરસ  મોરોક્કસ”  રાખવામાં આવેછે. આ હાડપિંજરને સમજવા માટે સ્ટોમરને દાયકાઓ લાગે છે. પીઠ ઉપરઊંટની ખૂધ જેવી રચના જોતા,  તેને ડાયનોસોર જંગલી  આખલા જેવું લાગેછે.  જ્યારે જડબાનો ભાગ મગર જેવો  હતો. જેથી તેને પ્રાચીન ગરોળી અથવા કાચીંડાની યાદ આવી હતી. મજાની વાત એહોય છેકે માંસાહારી ડાયનોસોર માફક, ડાયનોસોરના  જડબાના દાંત  ચપટા અને પહોળા હોવાની જગ્યાએ, શંકુ આકારના લાંબા હોય છે.  આ પ્રકારના  દાંત મગરના જડબામાં જોવા મળે છે.  સ્ટોમર માટે પણ આ ડાયનોસોરનું વર્ગીકરણ કરવું એક કોયડો હતું.  આ સમસ્યાને વૈજ્ઞાનિકોએસ્ટોમરના કોયડા”  એટલે કે  “સ્ટોમર્સ પઝલનામ રાખ્યું હતું. સ્ટોમર પાસે રહેલું હાડપિંજર મોરોક્કો  દેશના પશ્ચિમ ભાગમાં આવેલાકેમ કેમવિસ્તારમાંથી મળી આવ્યું હતું. આ વિસ્તારમાં પહેલા ત્રણ અલગ-અલગ પ્રજાતિના માસાહારી ડાયનોસોરના અશ્મિઓ મળી આવ્યા હતા, જેમાં આફ્રિકન ટાયરેનોસોરસ રેક્ષનો સમાવેશ પણ થતો હતો. 
           

સ્ટોમરે શોધેલ ડાયનોસોરના અધૂરા  હાડપિંજરનેજર્મનીના  મ્યુનિક શહેરના મધ્યભાગમાં આવેલ બાવેરીયન સ્ટેટ કલેક્શન ઓફ પાલેઓન્ટોલોજી એન્ડ જીઓલોજી મ્યુઝિયમમાં રાખવામાં આવ્યું હતું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મની ઉપર, સંયુક્ત રાષ્ટ્રની સેનાઓ બોમ્બમારો કરી રહી હતી.  સ્ટોમર  આખાબોલા અને સ્પષ્ટવકતા હતાઉપરાંત કોઈની પણ  ટીકા કરવા માટે શરમ રાખતા નહતા. મ્યુઝિયમના ડાયરેક્ટરને સ્ટોમર પસંદ નહતા.  યુદ્ધ દરમિયાન ડાયનોસોરના અધૂરા હાડપિંજરને સલામત જગ્યાએ ખસેડવા માટેમ્યુઝિયમના ડિરેક્ટરને વિનંતી કરવામાં આવી. પરંતુ ડિરેક્ટરે કોઈપણ પ્રકારના પગલા લીધા નહીં. મ્યુઝિયમ ડાયરેકટરને સ્ટોમર પ્રત્યે ખૂબજ   અણગમો હતો. એપ્રિલ ૧૯૪૪માં બોમ્બમારામાં મ્યુઝિયમને ખૂબ જ નુકસાન થયું અને ડાયનોસોરના હાડપિંજરનો સંપૂર્ણ સફાયો થઈ ગયો.  હવે વિવિધ જર્નલમાંસ્પાઇનોસોરસ  મોરોક્કસના જુના સ્કેચ, ફોટોગ્રાફ્સ, વર્ણન અને પ્રકાશિત લેખ માત્ર બચ્ચા.  જેનો વૈજ્ઞાનિકો માત્ર પેપર સ્ટડી જ કરી શકે તેમ હતા.  
માર્ચ ૩,  2013 નો દિવસ હતો.  મોરક્કોના શહેરના કાફેમાં નિઝાર ઈબ્રાહીમ અને સાથીઓ કેટલાય દિવસથી ધામા નાખીને પડ્યા હતા.  હવે તેમની ધીરજ ખૂટી ગઈ હતી.  છેલ્લા ત્રણ દિવસથી તેઓ લગાતાર એક માનવીની ખોજ કરી રહ્યા હતા.  જેણે સફેદ કપડાં અને સફેદ ટોપી પહેરી હતી.  આ વ્યક્તિ પૈસા કમાવવા માટે સહારાના રણમા આવેલ પ્રાચીન નદીના પટમાંથી ભૂસ્તરશાસ્ત્રીઓને કામ લાગે તેવા પ્રાચીન પ્રાણીઓના અવશેષો ખોદી કાઢીને, ગેરકાયદેસર રીતે વેચવાનું કામ કરતો હતો.  નિઝાર ઇબ્રાહીમને લાગ્યું કે બાળપણથી જોયેલું સ્વપ્ન હવે તેનાથી દૂર જઈ રહ્યું છે. થાકી હારીનેઈબ્રાહીમ  તેના બે સાથીઓ સાથે શેરીના નાકે આવેલ કાફેમાં ફુદીનાયુક્ત ચા પીવા માટે સ્થાન ગ્રહણ કર્યું. ચા પીતા પીતા નિઝાર ઈબ્રાહીમભૂતકાળમાં ખોવાઈ ગયો.
નિઝાર ઇબ્રાહિમ: સ્ટોમરના પઝલને ઉકેલવા માટે જન્મ્યો હતો?
           
ઇબ્રાહિમનો ઉછેર જર્મનીમાં થયો હતો પરંતુતેના પૂર્વજો  મોરક્કોમાં વસવાટ કરતા હતા. બાળકો માટેના ડાયનોસોરના પુસ્તકમાં તેણે સ્ટોમરના સ્પાઇનોસોરસના ચિત્ર જોયા હતા.  ડાયનોસોર બિહામણા હતા પરંતુ નિઝારને તેમાં ખાસ રસ પડ્યો.  તે સમયે ટ્રાયસેરાટોપ્સ અને ટાયરૅનોસૉરસ રેક્સના આકારના બિસ્કીટ  મળતા હતા.  તેના માટે ડાયનોસોરનો અભ્યાસ મહત્વનો બની ગયો.  મોટા થઈને તેણે જર્મનીમાં આવેલ  પ્રાચીનપ્રાણીઓ, ખાસ કરીને ડાયનોસોર વિશે માહિતી મેળવવા,   જર્મનીમાં આવેલ વિવિધ મ્યુઝિયમ અને સંગ્રહાલયની મુલાકાતો લીધી.  નાનપણથી જ ડાયનાસોરને લગતું કલેક્શન કરવાનું તેણે શરૂ કરી દીધું હતું.  જેમાં ડાયનોસોરના મોડલ અને  હાડપિંજરના ફોટોગ્રાફ્સ હતા.  પોતાની ડોક્ટરેટની  ડિગ્રી માટે તેમણે બ્રિટનમાં આવેલ  યુનિ. ઑફ પોર્ટસ માઉથમાં અભ્યાસ શરૂ કર્યો.  અહીં પ્રાચીનપ્રાણીવિદ્યાનો અભ્યાસ કરતી વખતેઇબ્રાહીમને ફરીવાર સ્ટોમરના ડાયનોસોરનો અભ્યાસ કરવાની તક મળી.  જ્યારે બીજા વિદ્યાર્થીઓ તેમની થીસીસમાં માત્ર મુખ્ય વિષયની આસપાસ ફરતા હતા ત્યારેનિઝાર ઈબ્રાહીમના  સંશોધન મહાનિબંધના 836 પાનમાંકેમ કેમવિસ્તારની ભૂસ્તર રચનામાંથી મળેલ બધાજ અશ્મિઓની વિગતો અને અભ્યાસ  નોંધ હતી.
 પોતાની પીએચડીના સંશોધન કામ માટે તેને અનેકવાર ઈરફાદ શહેરની મુલાકાત લેવી પડી હતી.   જ્યારે 2008માં તેણે ઈરફાદ શહેરની મુલાકાત લીધી, ત્યારે તેની ઉંમર માત્ર ૨૬ વર્ષની હતી.  સહરાના રણમાં વસતા લોકોને વિશ્વ  બેદુઈન પ્રજા તરીકે ઓળખે છે. એક બેદુઈન  માણસે તેને   કાર્ડપેપર માંથી બનેલા ખોખમાં એક નમૂનો બતાવ્યો. નમૂનો પીળા કલરની માટીમાં  જાંબલી રંગની છાંટા વાળા ડાયનોસોરના હાથના હાડકાનો  હતો.   ડાયનોસોરના આ નમૂનાનું વૈજ્ઞાનિક મૂલ્ય કેટલું છે? તે નિઝાર જાણતો નહતો, આમ છતાં ઇબ્રાહિમને લાગ્યુંકે, આ નમૂના યુનિવર્સિટી ઓફ કાસાબ્લાન્કાના પેલીઓન્ટોલોજી કલેક્શન માટે કામ લાગશે. 
           
 જ્યારે તેણે ઇટાલીના મિલાન શહેરમાં આવેલ નેચરલ હિસ્ટ્રી મ્યૂઝિયમની મુલાકાત લીધી, ત્યારે તેને ખ્યાલ આવ્યો કે તેની પાસે રહેલા નમૂના કેટલા કીમતી હતા? અહીં ઇબ્રાહિમને કિસ્ટ્રીઆનો દાલ સાસો અને સિમોન માગાનુકો નામના સંશોધકોએ એક વિશાળ ડાયનોસોરના આંશિક હાડપિંજર બતાવ્યું.  એક ફોસિલ ડીલર પાસેથીતેમણે તાજેતરમાં જ ડાયનોસોરના આંશિક હાડપિંજરને ખરીદ્યું હતું.   હાડકાં અને તેમણે ટેબલ પર ગોઠવ્યા.  જેમાં  ડાયનોસોરના પગના હાડકાહાડકાંછાતીની પાંસળી કરઓપુછડી વગેરેના કેટલા ટુકડા હતા.  ટેબલ પર બિછાવેલ ડાયનોસોરના હાડકા જોઈને નિઝાર ઈબ્રાહીમ આશ્ચર્યચકિત થઇ ગયો.  ટેબલ ઉપર  ગોઠવેલ પ્રાચીન હાડકાતેના સંગ્રહમાં રહેલ  સ્પાઇનોસોરસના  પ્રાચીન હાડપિંજરને મળતા આવતા હતા. ટેબલ પર પડેલ ડાયનોસોરનું હાડપિંજર સ્ટોમરના હાડપિંજર કરતા વધારે સંપૂર્ણ હતું. બંને સંશોધકોએ કહ્યું કેઆ હાડપિંજરના નમુના અલ-બેગાના ઈરફાદ નામના સ્થળેથી ખોદી કાઢવામાં આવ્યા હતા.”  
પ્રાચીન પ્રાણી વિશારદ નિઝાર ઈબ્રાહીમ  માટે પણ, સ્પાઇનોસોરસના હાડપિંજરને સમજવું એક મોટી સમસ્યા થઈ ગઈ હતી.  સામાન્ય રીતે ઉત્તર આફ્રિકામાંથી મળી આવતા શાકાહારી ડાયનોસોરની સંખ્યા માંસાહારી ડાયનોસોર કરતા વધારે હતી.  જ્યારે કેમ કેમભૂમિ વિસ્તારમાં મળી આવેલ માંસાહારી ડાયનોસોરની સંખ્યા વધારે હતી, અને શાકાહારી ડાયનોસોર પ્રાણીઓની સંખ્યા ખૂબ જ ઓછી હતી.  આ ઉપરાંત  સ્પાઇનોસોરસના અંગો અન્ય માંસાહારી ડાયનોસોરના અંગો સાથે મેળખાતા નહોતા. એક વાત સ્પષ્ટ હતીકે આ નમુના, ડાયનોસોરની નવી પ્રજાતિ  દર્શાવતી હતી.  આમ છતાં અન્ય પ્રજાતિ સાથે તેના લક્ષણ કેમ મળતા નથી? એક મોટો સવાલ હતો. નિઝારને લાગ્યુંકે અશ્મિઓ ઉપર સંશોધન કરતા પહેલા, જે સ્થળેથી આ હાડપિંજર મળ્યું છેતે જગ્યાને પીન પોઈન્ટ કરી તેનું અધ્યયન કરવું ખાસ જરૂરી હતું.  જેના ઉપરથી પ્રાણીઓની ઉંમર અને તે સ્થળની ભૂસ્તરશાસ્ત્રીય વિગતો જાણી શકાય એમ હતું.  આ માહિતી સ્પાઇનોસોરસ ડાયનોસોરને સમજવા માટે,  “રોઝેટા સ્ટોનસાબિત થાય તેમ હતી.   એક બેદુઈન વ્યક્તિને સહારાના રણવિસ્તારમાં શોધવો એટલેઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું મુશ્કેલ કામ હતું. ઇબ્રાહીમને તેનું નામ ખબર ન હતી. તેને માત્ર એટલી જ ખબર હતી કે તે વ્યક્તિ મૂછો રાખતી હતી અને સફેદ વસ્ત્ર પહેરતી હતી. 
             
આ વ્યક્તિને શોધવા ચાર વર્ષનો સમયગાળો વીતી ગયો. નિઝાર ઈબ્રાહીમ, યુનિવર્સિટી હાસન-2ના સંશોધક સમીર  જોહરી અને બ્રિટનની યુનિ. ઑફ પોર્ટસમાઉથના ડેવિડ માર્ટિલ સાથે ફરીવાર અલ-બેગાના ઈરફાદ   શહેરમાં પાછા આવી પહોંચ્યા. ખોદકામના સ્થળે  નિઝાર ઇબ્રાહિમે  કામ કરનારા ઘણા બધા લોકો પોતાની પાસે રહેલા ડાયનોસોરના અશ્મિઓના ફોટોગ્રાફ્સ બતાવ્યા. કોઇ પણ માણસ ફોટોગ્રાફમાં રહેલા નમુના કે તેના ખોદનાર ને ઓળખી શક્યા નહીં.
ચા પીતા પીતા નિઝાર ઈબ્રાહીમની  નજર સામેથી અચાનક સફેદ કપડા પહેરેલ અને મૂછો રાખેલ વ્યક્તિ તેમની પસાર થઇ. ઇબ્રાહિમ અને જોહરીએ એકબીજા સામે જોયું અને આશાભરી નજરે તેનો પીછો કર્યો.  છેવટે એ વ્યક્તિ સાથે ભેટો થયો ત્યારે ઇબ્રાહિમ જે વ્યક્તિને શોધતો હતો, તે વ્યક્તિ આ જ હતી.  તેણે ઇટાલીના ફોસિલ ડીલરને ચૌદ હજાર ડોલરમાં સ્પાઇનોસોરસના અવશેષો વેચ્યા હતા.  જ્યારે ઇબ્રાહિમે તેને ખોદકામની જગ્યા બતાવવા માટે કહ્યું ત્યારેસૌ પહેલાતો તેણે આનાકાની કરી અને જગ્યા બતાવવાની  ના પાડી દીધી.  છેવટે ઇબ્રાહિમે તેને જણાવ્યું કે જગ્યાનું નિરીક્ષણ કરવું શા માટે જરૂરી  હતુંઆખરે આ વ્યક્તિ જગ્યા બતાવવા માટે તૈયાર થયો. 
લેન્ડરોવર ગાડીમાં બેસીને ત્રણેય સંશોધકો છેવટે ઉત્તર ઈરફાદના ખોદકામ સ્થળે પહોંચ્યા. અહીં નદીનો વિશાળ ભાગ દેખાતો હતો. જેની રચના 30 કરોડ વર્ષ પહેલા થઈ હતી.  સરળ શબ્દોમાં કહીએ તો, ૩૦ કરોડ વર્ષ પહેલાં અહીં વિશાળ નદી વહેતી હતી. મોરક્કોનાકેમ કેમભૂસ્તરીય બેડની રચના આશરે દસ કરોડ વર્ષથી સાડા નવ કરોડ વર્ષ વચ્ચે થઈ હતી. પૂર્વ દિશામાં આવેલ મારાકેશથી, દક્ષિણ-પશ્ચિમ સુધી 200 માઇલના લાંબા પટ્ટામાં એક વિશાળ નદી વહેતી હતી. નદીમાં આજની કારની સાઇઝની માછલીઓ રહેતી હતી. આ ઉપરાંત  અહીં માછલીનો શિકાર કરનાર સ્પાઇનોસોરસ ડાયનોસોર વસવાટ કરતા હતા.  છેવટે નદી કિનારાના એક વિશાળ બાકોરામાં તેઓ પ્રવેશ્યા. વિશાળ બાકોરામાં પ્રવેશતા જ ઇબ્રાહિમને લાગ્યું કે સ્ટોમરના કોયડાનો ઉકેલ અહીં મળી આવશે. આ ભૂમિ વિસ્તારના નિઝાર ઇબ્રાહીમે ફોટોગ્રાફ એકઠા કર્યા અને જાણકાર વ્યક્તિ પાસેથી વિસ્તારની ભૂસ્તરવિદ્યાને લગતી માહિતી પણ એકઠી કરી. હવે તેના દિમાગમાં સ્પાઇનોસોરસ ડાયનોસોરના હાડપિંજર અને તેની રચના અંગેનુંએક સંપૂર્ણ દ્રશ્ય   સ્પષ્ટ થઈ ગયું હતું. તેને લાગ્યું કે તેણે કલ્પના કરેલ સ્પાઇનોસોરસ ડાયનોસોરના પ્રશ્નના ઉકેલ માટે હવે ટેક્નોલોજી અને કોમ્પ્યુટરનો ઉપયોગ કરવો પડશે.
સ્પાઇનોસોરસ: સહારાના રણની ભયાનક ગરમીમાં  ખોદકામ.

૨૦૧૪ સુધીમાં કોઈ પણ વૈજ્ઞાનિક સ્પાઇનોસોરસને જળચર ડાયનોસોર માનતા નહતા.  નિઝાર ઈબ્રાહીમ માનતા હતાકે સ્પાઇનોસોરસ જળચર ડાયનોસોર છે. 2014માં સ્પાઇનોસોરસને લગતો સંશોધન લેખસાયન્સજર્નલમાં પ્રકાશિત થયો હતો. પોતાના સંશોધનને પૂરતા પુરાવા આપવા માટે નિઝાર ઈબ્રાહીમ ફરીવાર, 2018માં મોરક્કોની સાઈટ ઉપર ખોદકામ કરવા માટે આવ્યા હતા.  અભિયાનમાં તેમને નેશનલ જિયોગ્રાફિક સોસાયટી તરફથી પણ મદદ કરવામાં આવી હતી.  નિઝાર ઈબ્રાહીમ માનતા હતાકે ધંધાદારી ખોદકામ કરનારા અને ગેરકાનૂની  અશ્મિઓ (ફોશીલ ડીલર) વેપાર કરનારા લોકો સ્પાઇનોસોરસના અશ્મિઓને નુકસાન પહોંચાડેકે વેચી મારે તે પહેલા, સ્પાઇનોસોરસ ને લગતા વધારા વધારે પુરાવા મેળવવા જરૂરી હતા. 
2018માં શરૂ થયેલ ખોદકામમાં યાંત્રિક મશીન એટલે કે  જેક હેમરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો પરંતુખોદકામની શરૂઆતની બે-ચાર મિનિટમાંજ હેમર તૂટી ગઈ.  ગરમી એટલી વધારે હતીકે ટીમના સભ્યોને કેટલા દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ થવું પડયું હતું.  જુલાઈ 2019માં નિઝાર ઈબ્રાહીમ અભિયાન સંભાળવા પાછા ફરે છે. સહારાના રણનીપાપડ શેકાઈ જાય તેવી 117  ડિગ્રી ગરમીમાં પણ તેઓ ખોદકામ ચાલુ રાખે છે. આટલી મહેનત બાદ તેમને તેમનું મહેનતનું ફળ પણ મળી રહે છે. ખોદકામ દરમિયાન તેમને સ્પાઇનોસોરસ ઉપરાંત અન્ય પ્રાણીઓના અશ્મિઓહાડકાઓ  અને ઉપયોગી ભૂસ્તરીય માહિતી માટે ખડકના નમુના મળી આવે છે.  જેમાં સ્પાઇનોસોરસની ૩૦જેટલી  પુછડીના હાડકાઉપરાંત અસંખ્ય નમૂનાનો સમાવેશ થતો હતો. જેના ઉપરથી સાબિત થઈ શકે તેમ હતુંકે,  “સ્પાઇનોસોરસ તરવા માટે પૂછ્ડીનો ઉપયોગ કરતું હતું. હવે સવાલ એ પેદા થતો હતો કે ડાયનોસોરની પુછડી તરવા માટે કેટલો ધક્કો પેદા કરતી હતી
ડાયનોસોરની પુછડી તરવા માટે કેટલો ધક્કો પેદા કરતી હતી?
 આ કામ માટે ઇબ્રાહિમે હાવર્ડ મ્યુઝિયમ ઓફ ઝુલોજીના પ્રાચીનપ્રાણી વિશારદ સ્ટેફીની પિઅર્સ અને  માછલીની બાયોલોજીમાં નિષ્ણાત, જ્યોર્જ લોડરની મદદ લેવાનું વિચાર્યું.  સ્ટેફીની અને તેના સાથીદાર જ્યોર્જ લોડરે છ મહિના સુધી કામ કરીને એક રોબોટિક  યાંત્રિક મોડેલ તૈયાર કર્યું.  જેને ફ્લેપર નામ આપવામાં આવ્યું.  જે એક પ્રકારનો રોબોટ હતો.   “ફ્લેપરને પાણીની ટેન્કમાં ગોઠવવામાં આવ્યો અને કેમેરા લાઈટ અને વિવિધ પ્રકારના સેન્સર ગોઠવી તેની પૂંછડીની ગતિવિધિઓને કેદ કરવામાં આવી. પાણીમાં તેના દ્વારા પેદા થતો ધક્કો પણ માપવામાં આવ્યો. જેમાં જાણવા મળ્યું કે અન્ય ડાયનોસોરની પુછડી કરતા સ્પાઇનોસોરસની પુછડી આઠ ગણો વધારે ધક્કો પેદા કરતું હતું.  આ રીતે સ્પાઇનોસોરસ આસાનીથી  પાણીમાં  પાણીમાં તરી શકતું હતું.  હવે સંશોધકોને ખાતરી થઈ ગઈ કે સ્પાઇનોસોરસ ખરેખર જળચર માંસાહારી ડાયનોસોર છે.  
સંશોધન માટે જરૂરી બધા પુરાવા અને વિગતો મળી ગયા બાદડાયનોસોરનું સંપૂર્ણ થ્રીડી મોડેલ તૈયાર કરી તેની રચના, કાર્ય અને ખાસ વાતોને સમજવાનું બાકી હતું. આ કામમાં તેને સિમોન માગાનુકો અને યુનિવર્સિટી ઓફ શિકાગોના ટેલર કેયલરનો સહયોગ પ્રાપ્ત થયો.  તેમણે ડાયનોસોરના હાડકા ઉપરથી ડાયનોસોરનું સંપૂર્ણ ચિત્ર ડિજીટલી તૈયાર કર્યું. સંશોધકોએ દરેક હાડકાના નમૂનાનું સીટી સ્કેન કર્યું હતું અને પછી તેને કોમ્પ્યુટર પ્રોગ્રામમાં ઉમેર્યા હતા. આ ઉપરાંત મિલાન અને પેરિસના મ્યુઝિયમમાં રહેલ હાડકાના ફોટોગ્રાફ્સ ઉપરથી, સ્કેનિંગ કરી તેને કોમ્પ્યુટર પ્રોગ્રામમાં નાખ્યા હતા. હાડપિંજરના ખૂટતા ભાગમાં મિલાન અને અન્ય જગ્યાએથી મળેલ હાડકાના નમૂનાના થ્રીડી મોડેલ બનાવી તેમાં ગોઠવ્યા. કરોડરજ્જુ પર આવેલ ૮૩ જેટલા ઉપસેલા ભાગને મોડેલિંગમાં ઉમેરવા મહેનત માગી લે તેવું કામ હતું.  પ્રોગ્રામના અંત ભાગમાં ડિજિટલ મોડેલિંગના લોકપ્રિય સોફ્ટવેરજી-બ્રશનો ઉપયોગ કરી તેમણેસ્પાઇનોસોરસ ડાયનોસોરના થ્રીડી મોડેલ તૈયાર કર્યો. 
નાકથી માંડીને પુછડીના અંત સુધી સ્પાઇનોસોરસની લંબાઈ 50 ફૂટ જેટલી હતી.  સ્પાઇનોસોરસ દુનિયાનું સૌથી લાંબુ ડાયનોસોર હતું.  ડિજિટલ મોડલનો ઉપયોગ કરી તેમણે પ્રાણીના શરીરના  ગુરુત્વ કેન્દ્ર અનેશરીરના જથ્થાનું અનુમાન લગાવ્યું.  સામાન્ય રીતે શિકારી ડાયનોસોર તેના પાછળના બે પગ ઉપર ઊભા રહીને ચાલતા હતા, જ્યારે સ્પાઇનોસોરસ ડાયનોસોર ચાર પગે ચાલતું હતું.  પોતાનો મોટાભાગનો સમય તે પાણીમાંજ  ગાળતું હતું.  તેના નાકના નસકોરા ખોપડીમાં ઉપરના ભાગે  આંખો પાસે આવેલા હતા. જેથી જડબા પાણીમાં ડૂબેલા હોયતો પણ શ્વાસ લઈ શકે.  તેની છાતીની પાંસળીઓ, પાણીમાં રહેતા પ્રાણીઓની માફક ખુબ જ મજબૂત અને પાણીનું દબાણ  સહન કરી શકે હતી.  તેના જડબા ઉપર આવેલ  દબાણ માપનાર  સેન્સર પાણીમાં પણ શિકારને શોધી કાઢતા હતા.  આખરે ઇબ્રાહિમની ટીમે 100 વર્ષ પહેલા સ્ટોમરની ટીમમાં જે કોયડો ઊભો થયો હતો તેને ઉકેલી કાઢયો હતો.  હવે સાબિત થઈ ચૂક્યું હતું કે સ્પાઇનોસોરસ ડાયનોસોર જળચર માંસાહારી ડાયનોસોર હતુ. પોતાનો 80% સમય પાણીમાં રહીને પોતાનો શિકાર કરતું હતું.  આખરે 2020ના એપ્રિલ મહિનામાં સંપૂર્ણ પ્રોજેક્ટ ની પુર્ણાહુતી જેવો, એક નવો સંશોધન લેખ જીવ વિજ્ઞાનની વિશ્વપ્રસિદ્ધ જર્નલનેચરમાં પ્રકાશિત થયો છે.
જીવ વિજ્ઞાનની વિશ્વપ્રસિદ્ધ જર્નલનેચરમાં પ્રકાશિત સંશોધન
સંશોધન  પ્રકાશિત કરનારી  ટુકડીનો મુખ્ય નાયક, નિઝાર ઇબ્રાહીમ છે. સ્પાઇનોસોરસ અત્યાર સુધી મળી આવેલ બધા જ માસાહારી ડાયનોસોરમાં સૌથી વિશાળ કદનું ડાયનોસોર છે.  સ્પાઇનોસોરસ, ટાયરેનોસોરસ રેક્ષ અને  જાયજેન્ટોસોરસ કરતા પણ વિશાળ કદનું ડાયનોસોરછે.  ઉત્તર આફ્રિકામાં ૧૧.૨ કરોડ વર્ષથી માંડી  ૯.૭ કરોડ વર્ષ પહેલા સ્પાઇનોસોરસ પૃથ્વી પર વિહરતા હતા.  સ્પાઇનોસોરસ ડાયનોસોરની બે પ્રજાતિના નામ, તે જે વિસ્તારમાંથી મળી આવ્યા છે તેના નામ ઉપરથી રાખવામાં આવ્યા છે.  ઇજિપ્તના નામ ઉપરથી, “સ્પાઇનોસોરસ ઇજીપ્તસનામ અને મોરક્કો ઉપરથી, “સ્પાઇનોસોરસ મોરોક્કસનામ રાખવામાં આવેલ છે.  સ્પાઇનોસોરસનો અર્થ થાય, કરોડવાળી ગરોળી. પ્રાણીના પીઠ ઉપર સાત ફૂટ લાંબી કાંટાળી પીઠ તેઓ ધરાવે છે.  તાજેતરમાં મળેલા પુરાવા ઉપરથી સાબિત થાય છે કેસ્પાઇનોસોરસ જળચર માસાહારી ડાયનોસોર હતું. તેના શરીરના હાડકા પેગવીન પક્ષી જેવા નકર જોવા મળે છેતેના પગના નખ સપાટ છે.
           
ખ્યાતનામ જર્નલનેચરમાં રજૂ થયેલ સંશોધન બતાવે છે કે આ પ્રાણી અંદાજે 52 થી 60 ફૂટ જેટલું લાંબુ હશે.  તેનું વજન ૭થી ૯ મેટ્રિક ટન જેટલું રહ્યું હશે. પુખ્ત વયના કદાવર ડાયનોસોરનું વજન 20  ટન સુધી પણ પહોચતું હશે.  સંશોધન લેખમાં  દર્શાવ્યા પ્રમાણે સ્પાઇનોસોરસ તેના ચારેય પગ વાપરીને પાણીમાં તરતું હશે. સ્પાઇનોસોરસના જડબાનો પાતળો અને લાંબો ભાગ મગર જેવો હતો. જેના ઉપરના ભાગમાં આંખો આવેલી છે.  ઉપરના જડબામાં દરેક બાજુ ઉપર ૬ થી ૭ સોય જેવા દાંત છે. તેની પાછળ ૧૨ જેટલા અન્ય દાંત પણ છે. જે જડબાને મજબૂત રીતે બંધ કરવામાં મદદ કરતા હતા. સંશોધન પ્રમાણે માંસાહારી પ્રાણી સામાન્ય રીતે વિશાળ કદની માછલી જેવી કે સિલકાન્થ, સૉ ફીશ, વિશાળ કદની લંગફીશ અને  શાર્ક ને પોતાના ખોરાકમાં ઉપયોગમાં લેતી હશે. વૈજ્ઞાનિકો માને છેકે સહારાના રણ વિસ્તારમાં આવેલ ઇજિપ્ત અને મોરોક્કોમાં હજી પણ વધારે સંખ્યામાં સ્પાઇનોસોરસના અશ્મિઓ જળવાયેલા છે.  પરંતુ વિષમ તાપમાનના કારણે તેનાથી ખોદી કાઢવું ખુબ અઘરું કામ છે.

No comments: