Thursday 21 May 2020

સ્પાઇનોસોરસ: આખરે સ્ટોમરના પઝલનો ઉકેલ મળ્યો ખરો!


Published on 17-05-2017

સમયગાળો  ઈસવીસન 1910 થી 1914 વચ્ચેનો હતો. એક ડાયનોસોરપ્રેમી પેલેન્ટોલોજીસ્ટ સ્ટોમરે ઇજિપ્તની સંખ્યા બાદ સંખ્યાબંધ મુલાકાતો લીધી. આ મુલાકાત દરમિયાન તેણે સંખ્યાબંધ ડાયનોસોરના  અસ્થિપિંજર અશ્મિઓ શોધી કાઢ્યા હતા. અહીં તેને એક નવા જ પ્રકારના ડાયનાસોરના હાડપિંજરના હાડકા મળેછે,  પરંતુ હાડપિંજર સંપૂર્ણ હોતું નથી.  ડાયનોસોરનું શરીરરચના શાસ્ત્ર સ્ટોમર સમજાવે છે, ત્યારે તેને ખબર પડેછેકે ડાયનોસોર અન્ય ડાયનોસોર કરતા ખુબજ અલગ  પ્રકારની શરીરરચના ધરાવે છે. તેણે ડાયનોસોરને સ્પાઇનોસોરસ નામ આપ્યું.  સ્ટોમર જાણતો હતોકે ડાયનોસોરની આ એક નવી પ્રજાતિ છે, પરંતુ તેની પાસે ડાયનોસોરનું સંપૂર્ણ હાડપિંજર નહોવાથી ,તેના શરીરનો સંપૂર્ણ અભ્યાસ તે કરી શકે તેમ નહતો. અભ્યાસ દરમ્યાન તેને જે અવલોકનનો જોવા મળ્યા, તે અનેક સવાલ પેદા કરતા હતા.  સ્ટોમરના આ સવાલોને વિજ્ઞાન જગત “સ્ટોમરના પઝલ” તરીકે ઓળખાતું હતું.  આખરે સ્ટોમરના પઝલ એટલે કે કોયડાનો ઉકેલ શું હતો?  લગભગ એક સદી બાદ વૈજ્ઞાનિક નિઝાર ઇબ્રાહિમે સ્ટોમરના પઝલ નિરાકરણ કર્યું છે. વિશ્વને પહેલીવાર પાણીમાં રહેતા જળચર ડાયનોસોર સ્પાઇનોસોરસની સાચી ઓળખ મળી છે. સ્પાઇનોસોરસને લગતો સંશોધન લેખ,  2020ના એપ્રિલ મહિનાના“નેચર” મેગેઝિનમાં પ્રકાશિત થયો છે.

નિઝાર ઇબ્રાહિમ: સ્ટોમરના પઝલને ઉકેલવા માટે જન્મ્યો હતો? 

નિઝાર ઇબ્રાહિમનો ઉછેર જર્મનીમાં થયો હતો પરંતુ,  તેના પૂર્વજો  મોરક્કોમાં વસવાટ કરતા હતા. બાળકો માટેના ડાયનોસોરના પુસ્તકમાં તેણે સ્ટોમરના સ્પાઇનોસોરસના ચિત્ર જોયા હતા.  ડાયનોસોર બિહામણા હતા પરંતુ નિઝારને તેમાં ખાસ રસ પડ્યો.  તે સમયે ટ્રાયસેરાટોપ્સ અને ટાયરૅનોસૉરસ રેક્સના આકારના બિસ્કીટ  મળતા હતા.  તેના માટે ડાયનોસોરનો અભ્યાસ મહત્વનો બની ગયો.  મોટા થઈને તેણે જર્મનીમાં આવેલ  પ્રાચીનપ્રાણીઓ, ખાસ કરીને ડાયનોસોર વિશે માહિતી મેળવવા,   જર્મનીમાં આવેલ વિવિધ મ્યુઝિયમ અને સંગ્રહાલયની મુલાકાતો લીધી.  નાનપણથી જ ડાયનાસોરને લગતું કલેક્શન કરવાનું તેણે શરૂ કરી દીધું હતું.  જેમાં ડાયનોસોરના મોડલ અને  હાડપિંજરના ફોટોગ્રાફ્સ હતા.  પોતાની ડોક્ટરેટની  ડિગ્રી માટે તેમણે બ્રિટનમાં આવેલ  યુનિ. ઑફ પોર્ટસ માઉથમાં અભ્યાસ શરૂ કર્યો.  અહીં પ્રાચીનપ્રાણીવિદ્યાનો અભ્યાસ કરતી વખતે,  ઇબ્રાહીમને ફરીવાર સ્ટોમરના ડાયનોસોરનો અભ્યાસ કરવાની તક મળી. નિઝાર ઈબ્રાહીમના  સંશોધન મહાનિબંધના 836 પાનમાં “કેમ કેમ” વિસ્તારની ભૂસ્તર રચનામાંથી મળેલ બધાજ અશ્મિઓની વિગતો અને અભ્યાસ  નોંધ હતી.
 પોતાની પીએચડીના સંશોધન કામ માટે તેને અનેકવાર ઈરફાદ શહેરની મુલાકાત લેવી પડી હતી.   જ્યારે 2008માં તેણે ઈરફાદ શહેરની મુલાકાત લીધી, ત્યારે તેની ઉંમર માત્ર ૨૬ વર્ષની હતી.  સહરાના રણમાં વસતા લોકોને વિશ્વ  બેદુઈન પ્રજા તરીકે ઓળખે છે. એક બેદુઈન  માણસે તેને   કાર્ડપેપર માંથી બનેલા ખોખમાં એક નમૂનો બતાવ્યો. ડાયનોસોરના આ નમૂનાનું વૈજ્ઞાનિક મૂલ્ય કેટલું છે? તે નિઝાર જાણતો નહતો, આમ છતાં ઇબ્રાહિમને લાગ્યુંકે, આ નમૂના યુનિવર્સિટી ઓફ કાસાબ્લાન્કાના પેલીઓન્ટોલોજી કલેક્શન માટે કામ લાગશે.
       
જ્યારે તેણે ઇટાલીના મિલાન શહેરમાં આવેલ નેચરલ હિસ્ટ્રી મ્યૂઝિયમની મુલાકાત લીધી, ત્યારે તેને ખ્યાલ આવ્યો કે તેની પાસે રહેલા નમૂના કેટલા કીમતી હતા? અહીં ઇબ્રાહિમને કિસ્ટ્રીઆનો દાલ સાસો અને સિમોન માગાનુકો નામના સંશોધકોએ એક વિશાળ ડાયનોસોરના આંશિક હાડપિંજર બતાવ્યું.  એક ફોસિલ ડીલર પાસેથી,  તેમણે તાજેતરમાં જ ડાયનોસોરના આંશિક હાડપિંજરને ખરીદ્યું હતું ટેબલ પર બિછાવેલ ડાયનોસોરના હાડકા જોઈને નિઝાર ઈબ્રાહીમ આશ્ચર્યચકિત થઇ ગયો.  ટેબલ ઉપર  ગોઠવેલ પ્રાચીન હાડકા,  તેના સંગ્રહમાં રહેલ  સ્પાઇનોસોરસના  પ્રાચીન હાડપિંજરને મળતા આવતા હતા.

સ્પાઇનોસોરસ: સહારાના રણની ભયાનક ગરમીમાં  ખોદકામ.

૨૦૧૪ સુધીમાં કોઈ પણ વૈજ્ઞાનિક સ્પાઇનોસોરસને જળચર ડાયનોસોર માનતા નહતા.  નિઝાર ઈબ્રાહીમ માનતા હતાકે સ્પાઇનોસોરસ જળચર ડાયનોસોર છે. 2014માં સ્પાઇનોસોરસને લગતો સંશોધન લેખ “સાયન્સ” જર્નલમાં પ્રકાશિત થયો હતો. પોતાના સંશોધનને પૂરતા પુરાવા આપવા માટે નિઝાર ઈબ્રાહીમ ફરીવાર, 2018માં મોરક્કોની સાઈટ ઉપર ખોદકામ કરવા માટે આવ્યા હતા.  અભિયાનમાં તેમને નેશનલ જિયોગ્રાફિક સોસાયટી તરફથી પણ મદદ કરવામાં આવી હતી.  નિઝાર ઈબ્રાહીમ માનતા હતાકે ધંધાદારી ખોદકામ કરનારા અને ગેરકાનૂની  અશ્મિઓ (ફોશીલ ડીલર) વેપાર કરનારા લોકો સ્પાઇનોસોરસના અશ્મિઓને નુકસાન પહોંચાડેકે વેચી મારે તે પહેલા, સ્પાઇનોસોરસ ને લગતા વધારા વધારે પુરાવા મેળવવા જરૂરી હતા.
2018માં શરૂ થયેલ ખોદકામમાં યાંત્રિક મશીન એટલે કે  જેક હેમરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો પરંતુ,  ખોદકામની શરૂઆતની બે-ચાર મિનિટમાંજ હેમર તૂટી ગઈ.  ગરમી એટલી વધારે હતીકે ટીમના સભ્યોને કેટલા દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ થવું પડયું હતું.  જુલાઈ 2019માં નિઝાર ઈબ્રાહીમ અભિયાન સંભાળવા પાછા ફરે છે. સહારાના રણની,  પાપડ શેકાઈ જાય તેવી 117  ડિગ્રી ગરમીમાં પણ તેઓ ખોદકામ ચાલુ રાખે છે. આટલી મહેનત બાદ તેમને તેમનું મહેનતનું ફળ પણ મળી રહે છે. ખોદકામ દરમિયાન તેમને સ્પાઇનોસોરસ ઉપરાંત અન્ય પ્રાણીઓના અશ્મિઓ,  હાડકાઓ  અને ઉપયોગી ભૂસ્તરીય માહિતી માટે ખડકના નમુના મળી આવે છે.  જેમાં સ્પાઇનોસોરસની ૩૦જેટલી  પુછડીના હાડકા,  ઉપરાંત અસંખ્ય નમૂનાનો સમાવેશ થતો હતો. જેના ઉપરથી સાબિત થઈ શકે તેમ હતુંકે,  “સ્પાઇનોસોરસ તરવા માટે પૂછ્ડીનો ઉપયોગ કરતું હતું”. હવે સવાલ એ પેદા થતો હતો કે ડાયનોસોરની પુછડી તરવા માટે કેટલો ધક્કો પેદા કરતી હતી?

ડાયનોસોરની પુછડી તરવા માટે કેટલો ધક્કો પેદા કરતી હતી?

 ડાયનોસોરની પુછડી તરવા માટે કેટલો ધક્કો પેદા કરતી હતી?  તેનું વિગતવાર સંશોધન કરવા માટે, ઇબ્રાહિમે હાવર્ડ મ્યુઝિયમ ઓફ ઝુલોજીના પ્રાચીનપ્રાણી વિશારદ સ્ટેફીની પિઅર્સ અને  માછલીની બાયોલોજીમાં નિષ્ણાત, જ્યોર્જ લોડરની મદદ લેવાનું વિચાર્યું.  સ્ટેફીની અને તેના સાથીદાર જ્યોર્જ લોડરે છ મહિના સુધી કામ કરીને એક રોબોટિક  યાંત્રિક મોડેલ તૈયાર કર્યું.  જેને “ફ્લેપર” નામ આપવામાં આવ્યું.  જે એક પ્રકારનો રોબોટ હતો.   “ફ્લેપર”ને પાણીની ટેન્કમાં ગોઠવવામાં આવ્યો અને કેમેરા લાઈટ અને વિવિધ પ્રકારના સેન્સર ગોઠવી તેની પૂંછડીની ગતિવિધિઓને કેદ કરવામાં આવી. પાણીમાં તેના દ્વારા પેદા થતો ધક્કો પણ માપવામાં આવ્યો. જેમાં જાણવા મળ્યું કે અન્ય ડાયનોસોરની પુછડી કરતા સ્પાઇનોસોરસની પુછડી આઠ ગણો વધારે ધક્કો પેદા કરતું હતું.  આ રીતે સ્પાઇનોસોરસ આસાનીથી  પાણીમાં તરી શકતું હતું.  હવે સંશોધકોને ખાતરી થઈ ગઈ કે સ્પાઇનોસોરસ ખરેખર જળચર માંસાહારી ડાયનોસોર છે.
સંશોધન માટે જરૂરી બધા પુરાવા અને વિગતો મળી ગયા બાદ,  ડાયનોસોરનું સંપૂર્ણ થ્રીડી મોડેલ તૈયાર કરી તેની રચના, કાર્ય અને ખાસ વાતોને સમજવાનું બાકી હતું. આ કામમાં તેને સિમોન માગાનુકો અને યુનિવર્સિટી ઓફ શિકાગોના ટેલર કેયલરનો સહયોગ પ્રાપ્ત થયો.  તેમણે ડાયનોસોરના હાડકા ઉપરથી ડાયનોસોરનું સંપૂર્ણ ચિત્ર ડિજીટલી તૈયાર કર્યું. સંશોધકોએ દરેક હાડકાના નમૂનાનું સીટી સ્કેન કર્યું હતું અને પછી તેને કોમ્પ્યુટર પ્રોગ્રામમાં ઉમેર્યા હતા. આ ઉપરાંત મિલાન અને પેરિસના મ્યુઝિયમમાં રહેલ હાડકાના ફોટોગ્રાફ્સ ઉપરથી, સ્કેનિંગ કરી તેને કોમ્પ્યુટર પ્રોગ્રામમાં નાખ્યા હતા. હાડપિંજરના ખૂટતા ભાગમાં મિલાન અને અન્ય જગ્યાએથી મળેલ હાડકાના નમૂનાના થ્રીડી મોડેલ બનાવી તેમાં ગોઠવ્યા. કરોડરજ્જુ પર આવેલ ૮૩ જેટલા ઉપસેલા ભાગને મોડેલિંગમાં ઉમેરવા મહેનત માગી લે તેવું કામ હતું.  પ્રોગ્રામના અંત ભાગમાં ડિજિટલ મોડેલિંગના લોકપ્રિય સોફ્ટવેર “જી-બ્રશ”નો ઉપયોગ કરી તેમણે,  સ્પાઇનોસોરસ ડાયનોસોરના થ્રીડી મોડેલ તૈયાર કર્યું. આખરે 2020ના એપ્રિલ મહિનામાં સંપૂર્ણ પ્રોજેક્ટ ની પુર્ણાહુતી જેવો, એક નવો સંશોધન લેખ જીવ વિજ્ઞાનની વિશ્વપ્રસિદ્ધ જર્નલ “નેચર”માં પ્રકાશિત થયો છે.

જીવ વિજ્ઞાનની વિશ્વપ્રસિદ્ધ જર્નલ “નેચર”માં પ્રકાશિત સંશોધન

સ્પાઇનોસોરસ અત્યાર સુધી મળી આવેલ બધા જ માસાહારી ડાયનોસોરમાં સૌથી વિશાળ કદનું ડાયનોસોર છે.  સ્પાઇનોસોરસ, ટાયરેનોસોરસ રેક્ષ અને  જાયજેન્ટોસોરસ કરતા પણ વિશાળ કદનું ડાયનોસોરછે.  ઉત્તર આફ્રિકામાં ૧૧.૨ કરોડ વર્ષથી માંડી  ૯.૭ કરોડ વર્ષ પહેલા સ્પાઇનોસોરસ પૃથ્વી પર વિહરતા હતા.  સ્પાઇનોસોરસ ડાયનોસોરની બે પ્રજાતિના નામ, તે જે વિસ્તારમાંથી મળી આવ્યા છે તેના નામ ઉપરથી રાખવામાં આવ્યા છે.  ઇજિપ્તના નામ ઉપરથી, “સ્પાઇનોસોરસ ઇજીપ્તસ” નામ અને મોરક્કો ઉપરથી, “સ્પાઇનોસોરસ મોરોક્કસ” નામ રાખવામાં આવેલ છે.  સ્પાઇનોસોરસનો અર્થ થાય, કરોડવાળી ગરોળી. પ્રાણીના પીઠ ઉપર સાત ફૂટ લાંબી કાંટાળી પીઠ તેઓ ધરાવે છે.  તાજેતરમાં મળેલા પુરાવા ઉપરથી સાબિત થાય છે કે,  સ્પાઇનોસોરસ જળચર માસાહારી ડાયનોસોર હતું. તેના શરીરના હાડકા પેગવીન પક્ષી જેવા નકર જોવા મળે છે,  તેના પગના નખ સપાટ છે.
       
સંશોધન બતાવે છે કે આ પ્રાણી અંદાજે 52 થી 60 ફૂટ જેટલું લાંબુ હશે.  તેનું વજન ૭થી ૯ મેટ્રિક ટન જેટલું રહ્યું હશે. પુખ્ત વયના કદાવર ડાયનોસોરનું વજન 20  ટન સુધી પણ પહોચતું હશે.  સંશોધન લેખમાં  દર્શાવ્યા પ્રમાણે સ્પાઇનોસોરસ તેના ચારેય પગ વાપરીને પાણીમાં તરતું હશે. સ્પાઇનોસોરસના જડબાનો પાતળો અને લાંબો ભાગ મગર જેવો હતો. જેના ઉપરના ભાગમાં આંખો આવેલી છે.  ઉપરના જડબામાં દરેક બાજુ ઉપર ૬ થી ૭ સોય જેવા દાંત છે. તેની પાછળ ૧૨ જેટલા અન્ય દાંત પણ છે. જે જડબાને મજબૂત રીતે બંધ કરવામાં મદદ કરતા હતા. સંશોધન પ્રમાણે માંસાહારી પ્રાણી સામાન્ય રીતે વિશાળ કદની માછલી જેવી કે સિલકાન્થ, સૉ ફીશ, વિશાળ કદની લંગફીશ અને  શાર્ક ને પોતાના ખોરાકમાં ઉપયોગમાં લેતી હશે. વૈજ્ઞાનિકો માને છેકે સહારાના રણ વિસ્તારમાં આવેલ ઇજિપ્ત અને મોરોક્કોમાં હજી પણ વધારે સંખ્યામાં સ્પાઇનોસોરસના અશ્મિઓ જળવાયેલા છે.  પરંતુ વિષમ તાપમાનના કારણે તેનાથી ખોદી કાઢવું ખુબ અઘરું કામ છે.

No comments: