Tuesday 28 April 2020

ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન: અબ તુમ્હારે હવાલે ''દેશ'' સાથીઓ











એપ્રિલ મહિનાની ગરમીનો પારો ઉંચે ચઢી રહ્યો છે ત્યારે તેમાં લોકસભાની ચૂંટણીનો ગરમાવો પણ ઉમેરાઈ રહ્યો છે. દરેક ઉમેદવાર જીતનો દાવો કરી રહ્યો છે. ઉમેદવારને મતદાતા જીતાડશે એ વાત ખરી પરંતુ, જીતનો સાચો હક્કદાર અને સાથી 'ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન' ગણાય છે. ગણતરીના કલાકોમાં ચૂંટણી પરિણામનું ચિત્ર સ્પષ્ટ કરી આપે છે. જ્યાં કલાકો સુધી બેલેટ ગણવા પડતા હતા ત્યાં કલાકની ગણતરી કરો ત્યાં સુધીમાં પરિણામ આવી જાય છે. કહેવત છે કે, 'પખાલીના વાંકે પાડાને ડામ' હારે ઉમેદવાર અને બદનામ કરવામાં આવે છે 'ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનને' ખરેખર ઇલેક્ટ્રોનિક્સ વોટિંગ મશીનનું 'હેકિંગ' કે 'ટેમ્પરિંગ' કરી શકાય ખરું ? આ સવાલ લગભગ દરેકના મનમાં ઉઠતો હોય છે EVM ના ઇતિહાસથી ઉત્પાદન વિશેની જાણકારી મેળવીએ તો તમારા ઘણાં ખરાં ભ્રમ ભાંગી જાય તેમ છે. EVM માં છેડછાડ થઈ શકે ખરી પરંતુ ચૂંટણીનું પરિણામ બદલી શકાય તેટલા મોટા પ્રમાણમાં EVM માં છેડછાડ કરવાનું કે ટેમ્પરીંગ કરવાનું મુશ્કેલ જરૂર છે અને શંકા આવે ત્યાં VVPAT ની મદદ પણ આવી ગઈ છે. તો ચૂંટણી જંગના ખરા ખેલાડી "EVM" ની ગેમ સ્ટોરી જાણીએ.

ચૂંટણી: લોકશાહીનું જીવંત ઉદાહરણ :


પ્રાચીન રોમ અને એથેન્સમાં લોકશાહી ઢબે ચૂંટણીઓ થતી હતી જેના દ્વારા નામદાર પોપ અને રોમન સમ્રાટનું સિલેક્શન કરવામાં આવતું હતું. જો કે, રાજકીય રંગ ધરાવતી અને લોકશાહીનું આધુનિક સ્વરૂપ ધરાવતી ચૂંટણીનું આગમન યુરોપ અને ઉત્તર અમેરિકામાં લગભગ સત્તરમી સદીમાં શરૂ થયું હતું. શરૂઆતમાં મહિલાઓને મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો ન હતો. ૧૯૨૮માં બ્રિટને, ૧૯૪૪માં ફ્રાન્સે, ૧૯૪૯માં બેલ્જીયમ અને ૧૪૭૧માં સ્વીટ્ઝર્લેન્ડમાં મહિલાને મત આપવાનો અધિકાર પ્રાપ્ત થયો હતો ૧૯૪૮ પહેલા બ્રિટનમાં સ્નાતક થયેલા લોકો અને ધંધાના માલિક ગણાતા લોકો એક કરતા વધારે 'મત' આપી શકતા હતા. ઓસ્ટ્રેઆ અને પ્રાથીઆમાં પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા મતદાતાના 'વોટ'નું વજન ત્રણ અલગ અલગ વર્ગોનું પ્રતિનિધિત્વ દ્વારા નક્કી થતું હતું. બીજા વિશ્વયુદ્ધ બાદ વિશ્વમાં ચૂંટણી અને રાજકીય ચિત્ર લગભગ બદલાઈ ગયું. હવે મતદાન વડે મતદાતા પોતાના દેશનું સર્વોચ્ચ સ્થાન માટે યોગ્ય વ્યક્તિને પસંદ કરી શકતો નહતો.બીજા વિશ્વયુદ્ધ બાદ, બ્રિટનનો સામ્રાજ્યવાદ ખતમ થઈ ગયો અને એશિયામાં ભારત, ઇન્ડોનેશિયા, મલેશિયા અને ફિલીપાઇન્સને ચૂંટણીનો સ્વાદ ચાખવા મળ્યો પરંતુ ટર્કી અને ઇઝરાયેલને બાદ કરતાં મધ્યપૂર્વમાં ન્યાયપૂર્ણ મતદાન થવાનો માર્ગ દુર્લભ અને મુશ્કેલ છે. ચૂંટણી પ્રક્રિયાની વાત કીરએ તો પહેલાના જમાનામાં એક બોક્ષમાં મતદાતા, રંગીન લખોટી નાખી પોતાનો મત આપતો હતો. રંગ પ્રમાણે લખોટી ગણીને ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવતો હતો. ૧૯૦૦ની શરૂઆતમાં ચીઠ્ઠી પર નામ લખીને બોક્ષમાં મત આપવામાં આવતો હતો. ત્યારબાદ 'નામ' પ્રમાણે મત ગણવામાં આવતા હતા. ૧૮૮૯માં ન્યુયોર્ક રાજ્યમાં પ્રથમવાર છાપેલા 'મત પત્રો'નો વિશ્વમાં પ્રથમવાર ઉપયોગ થયો હતો. જેનો ચેપ છેવટે સમગ્ર 'અમેરિકા'માં પણ લાગ્યો. વીસમી સદીમાં 'લીવર'વાળા મિકેનિકલ વોટીંગ મશીનો પણ વપરાવા લાગ્યા હતા. એપોમીટર સ્ટાઇલના વોટિંગ મશીન અને દરેક સભ્યે 'વોટ' આપતી વખતે લીવર (હાથો ખેંચવો પડતો હતો. ૧૯૬૦ના દાયકામાં ઇલેક્ટ્રોનિક વોટિંગની શરૂઆત થઈ અને ડેટા સ્ટોરેજ માટે 'પંચ કાર્ડ વોટિંગ મશીન' વપરાવા લાગ્યા. છેવટે ખરા અર્થમાં ઇલેક્ટ્રોનિક મશીન ગણાય તેવા ડાયરેક્ટ રેકોર્ડિંગ વોટિંગ મશીન  (DRE) વપરાવા લાગ્યા. ભારતમાં વપરાતા EVM આ કેટેગરીમાં આવે છે.

ઇલેક્ટ્રોનિક વોટિંગ: 

ડેમોક્રેસી એટલે લોકશાહી - કોઈ પણ લોકશાહી ધરાવતા રાષ્ટ્ર માટે ચૂંટણી એ રાષ્ટ્રીય તહેવાર બની જાય છે. લોકાના હાથમાં સત્તા સોંપવી એનું પ્રથમ પગથિયું એટલે નિષ્પક્ષ ચૂંટણી યાદ રહે કે, ઇલેક્ટ્રોનિક વોટિંગની શરૂઆત થઈ એ પહેલાં ભારતના કેટલાક રાજ્યોના આખેઆખા બૂથ પર અસામાજિક, રાજકીય લોકો પર કબજો જમાવીને ખોટું મતદાન કરવામાં આવતું હતું. જે લોકશાહી માટે કલંકરૂપ ઘટના હતી. આવી ઘટનાઓને રોકવાના ઉદ્દેશ્ય સાથે 'ઇલેક્ટ્રોનિક વોટિંગ'નો સહારો લેવામાં આવ્યો જેમાં મતદાન દરમ્યાન ગેરવર્તણુંક રોકી શકાય, ખોટું મતદાન ન થાય અને પરિણામ ઝડપથી મળી રહે ભારત સહિત વિશ્વના લોકશાહી ધરાવતા રાજ્યોમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો વ્યાપ વધી રહ્યો છે.કેટલાંય રાજ્યો (દેશો)માં હવે ઇન્ટરનેટના સહારે 'ઇ-વોટિંગ' કરી શકાય છે. ઇન્ટરનેટ સાથે જોડાયેલા વોટિંગ મશીન કે સાઇટને હેક કરવાનું કામ મુશ્કેલ નથી પરંતુ જ્યાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનને ચૂંટણી દરમ્યાન, પરિણામ સમયે, ઇન્ટરનેટ સાથે કનેક્ટિવિટી આપવામાં આવતી નથી તેથી તેથી ચૂંટણીઓમાં EVM માં ગોટાળો કરવો ખૂબ જ મુશ્કેલ કામ બની જાય છે. ભારતમાં પણ EVM માં ગોટાળા થવાની શંકા સાથે સુપ્રીમ કોર્ટ સુધી લોકો ગયા છે. ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટ પણ માને છે કે, 'ચૂંટણીના પરિણામો બદલી શકાય તેટલા મોટા પ્રમાણમાં  EVM ને ટેમ્પરિંગ કરવું અશક્ય નહી તો પણ ખૂબ જ મુશ્કેલ કામ છે.'ન્યાયાલયે પણ ચૂંટણી પંચને સાવચેતી અને સિક્યોરિટી વધારવા અનુરોધ કર્યો છે. જેથી સામાન્ય પ્રજાને પણ EVM પર ભરોસો બેસી જાય. આવા સમયે લોકશાહીના રક્ષક ગણાતા મતદારોને કઈ રીતે વિશ્વાસ આપી શકાય કે ભારતની લોકશાહીની ચૂંટણીમાં વપરાતા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) અને તેની વિશ્વસનીયતા વધારવા માટે વપરાતી વોટર વેરીફીકેશન પેપર ઓડિટ ટ્રેઇલ (VVPAT) ટેમ્પરપ્રુફ અને ફૂલપ્રુફ સિક્યોરિટીવાળા છે. રાજ્યના રાજકીય પક્ષો કહે છે કે, ૫૦% જેટલા EVM અને VVPAT ની ચકાસણી થવી જોઈએ ને ૫૦ ટકા જેટલા VVPAT ના પેપર વોટની ગણતરી કરવામાં આવે તો ચૂંટણી પરિણામ છ દિવસ જેટલા લંબાઈ જાય અને તેના પર થતો ખર્ચ પણ વધી જાય. અત્યાર સુધી ચૂંટણી પંચે, આવા અલગ અલગ ક્ષેત્રના ૪૮૦ જેટલા VVPAT અને EVM ચકાસીને જાહેર કર્યું છે કે, ૯૯.૯૯૩૬% EVM અને VVPAT માં ગોટાળા કરવા શક્ય નથી. ટેકનોલોજીકલી પણ આ વાત માનવી પડે તેમ છે.

EVM અને હેકીંગ ?

૨૦૧૪માં ભારતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપ આધારિત એનડીએને જો જંગી બહુમતી મળી એટલે લોકોએ (ખાસ કરીને વિરોધ પક્ષોના લોકોએ EVM ઉપર સવાલ ઉઠાવવા લાગ્યા. લંડનમા સૈયદ સુમી નામના વ્યક્તિએ ૨૦૧૪માં ભારતમાં થયેલી ચૂંટણીમાં EVM ને હેક કર્યાનો ખુલાસો, લંડનમાં 'સ્કાઇપ' દ્વારા કર્યો હતો. ચહેરા પર માસ્ક લગાવી તેણે માંગણી પણ કરી કે અમેરિકામાં તેને રાજકીય આશ્રય મળવો જોઈએ કારણ તેના માથે 'મોત'નો ડર છે પરંતુ આ વ્યક્તિ પોતાનો દાવો મજબૂત કરવા કઈ રીતે 'હેકિંગ' થયું હતું તેનો પુરાવો આપ્યો ન હતો. જેનો મતલબ સ્પષ્ટ હતો કે આ 'પોલિટિકલ સ્ટેન્ટ' હતો. આવો દાવો આમ આદમી પાર્ટીના એમએલએ સૌરભ ભારદ્વાજે કર્યો હતો જે પોતે કોમ્પ્યુટર ઇજનેર છે. તેણે ચૂંટણીમાં વપરાતા EVM ની પ્રતિકૃતિ જેવા મશીનને હેક કરી બતાવ્યુંહતું. જે ઘણાં રાજકીય નેતાઓને સાચું લાગ્યું હતું પરંતુ આ પ્રતિકૃતિને ખાસ મકસદ માટે તૈયાર કરવામાં આવી હતી એ વાત ભૂલવી જોઈએ નહીં. પરિણામ બદલી શકાય તેટલી સંખ્યામાં EVM ના પ્રોગ્રામીંગ કોડ બદલવા શક્ય લાગતા હોય તો પણ સરળ નથી જે ટૂંકા સમયમાં ચૂંટણી સમયે થઈ શકે.ભારતમાં વપરાતા EVM ૩૮૪૦ વોટ રેકોર્ડ કરી શકે છે. જેમાં ૬૪ ઉમેદવારોના નામ સમાવી શકાય છે. આ વખતે તેલંગણાની નિઝામાબાદ લોકસભા મતક્ષેત્રમાં કુલ ૧૮૫ ઉમેદવાર છે. જેમના માટે દરેક બુથમાં ૧૨ મોટી સાઇઝના ધEVMધ રાખવા પડશે જે એક નવો રેકોર્ડ આપશે ૧૯૮૨માં કેરળ વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમવાર EVM વપરાયા હતા ત્યારથી મ્યુનિસિપાલિટી, વિધાનસભા અને લોકસભામાં EVM નો ઉપયોગ શરૂ થયો હતો. ચૂંટણી કમિશ્નર ટી.એન. શેષાને ચૂંટણી પંચને રીસ્પેક્ટેબલ બનાવી આપ્યું હતું. ૨૦૧૯ની ચૂંટણીમાં ૨૨ લાખ વોટિંગ મશીન અને ૧૬ લાખ જેટલા કંટ્રોલ યુનિટ વપરાશે.ખાસ યાદ રાખવાની વાત એ છે કે આ યુનિટ મોબાઇલ કે રેડિયો માફક હેક્સો ફ્રિકવન્સી વાપરતા નથી તેથી તેને વાયરલેસ માધ્યમ વડે 'હેકીંગ' કરવાનું કામ થઈ જ શકે નહી કોઈ આવો દાવો કરે તો માનવું કે એ તમારી ટેકનોલોજીના અજ્ઞાાનનો લાભ ઉઠાવી રહ્યો છે. ભારતમાં વપરાતા EVM બે કેટેગરીમાં આવે છે. 


પ્રથમ ભાગ 'બેલોટીંગ મશીન' છે જેમાં મતદાતા યોગ્ય ઉમેદવારને વોટ આપવા બટન દબાવે છે. બીજું યુનિટ કંટ્રોલ યુનિટ છે જે બુથ કે પોલિંગ ઓફિસર 'બેલોટીંગ મશીન'ના નિયંત્રણ માટે વાપરે છે. બંને યુનિટને પાંચ મીટરના કેબલ વડે જોડવામાં આવે છે.સિક્યોરિટીનો પ્રોબ્લેમભારતમાં EVM ના આવિષ્કારનો શ્રેય એમ. બી. દહીડાને આપવામાં આવે છે જેમની ઓરીજીનલ ડિઝાઇનલ તમિલનાડુના છ શહેરમાં રજૂ કરવામાં આવી હતી. ૧૯૮૯માં સુષમા રંગરાજને ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને ઇલેક્ટ્રોનિકસ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લીમીટેડના સહયોગ દ્વારા ઉત્પાદન કરવામાં આવ્યા હતા. EVM નું M૩ વર્ઝન ઉપયોગમાં લેવાય છે. જે ઇલેક્ટ્રોનિક સરકીટ આધારીત છે જે એકસાથે ૨૪ બેલોટીંગ યુનિટને એક સાથે જોડીને ૩૮૪ ઉમેદવારના નામ દર્શાવી શકે છે. M૨ વર્ઝનમાં ૬૪ ઉમેદવારનું લિસ્ટિંગ થતું હતું. ૫૦૦૦થી ૬૦૦૦ની કિંમતનું EVM 'પેપર બેલેટ'નો મોટો ખર્ચ બચાવ્યો છે સાથે સાથે લાખો 'ઝાડ'ના નિકંદનને અટકાવે છે. આમ એ 'ઇકોફ્રેન્ડલી' પ્રોડક્ટ છે. ભારતમાં બનતા EVM પરદેશમાં પણ વેચવામાં આવે છે. BEL અને ECIL ભારતની ચૂંટણી માટે EVM નું ઉત્પાદન કરે છે. જેના કારણે ૧૦ હજાર ટન કાગળ બચે છે બે લાખ વૃક્ષોના મૃત્યુને અટકાવી શકાય છે.કોઈ ગમે તે કહ્યા કરે પરંતુ 'બોગસ વોટિંગ' બચાવવાનો શ્રેષ્ઠ ઉપાય EVM છે. કારણ કે એક મિનિટમાં માત્ર પાંચ વ્યક્તિ 'વોટિંગ' કરી શકે છે ધEVMધ ને એકવાર મત આપ્યા બાદ ફરી સક્રિય કરવા માટેનું નિયંત્રણ પોલીંગ બુથ ઓફિસર પાસે રહે છે જે વોટિંગ મશીનને લોક પણ કરી શકે છે. 


એક વાર વોટીંગ મશીન લોક થયા બાદ તમે ગમે તેટલી વાર બટન દબાવો, વોટ મશીનમાં નોંધાતો નથી. આ ઉપરાંત વોટિંગ મશીન સિક્યોરિટીના હિસાબે પણ ફૂલપ્રુફ અને ટેમ્પરપ્રુફ છે. કારણ કે... EVM માં કોડ ચીપ પર એન્કોડ કરવામાં આવે છે. જેને બદલી શકાતા નથી. બીજી મહત્ત્વની વાત કે...


(૧) મશીનને ઇન્ટરનેટ કે વાયરલેસ સીસ્ટમ સાથે જોડવાની સગવડ નથી જેથી કોઈ દૂર બેઠેલો 'હેકર' તેને હેક કરી શકે ! જો બેઝીક પ્રોગ્રામીંગ ઓફ ચીપમાં ભુલ હોય તો ગરબડ થાય તેવી સંભાવના જ નથી કારણ કે 'પ્રોગ્રામ'ને સેંકડો વાર ચકાસણી બાદ 'ચીપ' પર એન્કોડ કરવામાં આવ્યો છે જેનું લોજીક બદલી શકાતું નથી.
(૨) ચૂંટણી પંચ સિવાય કોઈ વ્યક્તિ EVM પર કબજો જમાવી શકતું નથી.
(૩) ચૂંટણીના પરિણામો બદલવા માટે એક કરતા વધારે EVM નો કબજો મેળવવો પડે જે શક્ય નથી.
આ કારણે ભારતમાં વપરાતા EVM સલામત છે એ વાત ચૂંટણીના પરિણામના દિવસે પણ યાદ રાખશો.

No comments: