Monday 27 April 2020

એન્જેલીના જોલી ફેક્ટર : ગભરાટ કે ફફડાટ કરતાં જાગૃતિ વધારે જરૃરી છે




ભુતપૂર્વ અમેરિકન ફર્સ્ટ લેડી એલાનોર રુઝવેલ્ટે એકવાર કહ્યું હતું કે, 'સ્ત્રીઓ ટી બેગ જેવી છે. ગરમ પાણીમાં તેને ઝબોળો નહીં ત્યાં સુધી તમે કહી શકો નહી કે ટી બેગ/સ્ત્રીઓ કેટલી સ્ટ્રોંગ છે. આ ઉદાહરણને સાચાં પાડતાં હોય તેવાં સશોધન રિઝલ્ટ મળી રહ્યાં છે. સ્ત્રીઓને અબળા ગણવામાં આવે છે. તેને શારીરિક રીતે નિર્બળા સાબિત કરવાની કોશિશ થાય છે. પરંતુ પુરૃષો કરતાં સ્ત્રીઓ વિષમ પરિસ્થિતિમાં વધારે ટકી શકે છે.

નવા પર્યાવરણમાં બહુ ઝડપથી તે અનુકૂળ થઈ જાય છે. ઐતિહાસિક તથ્યો બતાવે છે કે દુકાળ હોય, રોગચાળા હોય કે ગુલામી માટે સ્ત્રીઓને વેચી હોય. આવા સંજોગોમાં સ્ત્રીઓનો મૃત્યુદર પુરૃષો કરતાં ઓછો રહ્યો છે. તેમના સમકાલીનોમાં પુરુષો કરતાં સ્ત્રીઓ વધારે લાંબુ પણ જીવે છે. પુરૃષો કરતાં સ્ત્રીઓ શારીરીક રીતે અને અલગ પ્રકારનાં માઈન્ડસેટના કારણે માનસીક રીતે પણ અલગ અને વિશિષ્ટ હોય છે.

આમ સ્ત્રીઓને સેક્સથી સાયકોલોજીની દ્રષ્ટિએ સમજવી પણ અઘરી છે. સ્ત્રીઓની પોતાની સમસ્યાઓ છે. સ્તન કેન્સરથી માંડી અંડાશયનું કેન્સર હવે જોવા મળે છે. જે માટે ખાસ પ્રકારનું જનીન જવાબદાર છે. પ્રખ્યાત હોલીવુડ હિરોઈન એન્જેલીના જોલીએ કેન્સર થતાં પહેલાં જ સાવચેતીનાં પગલાં સ્વરૃપે પોતાનાં સ્તન અને અંડાશય દુર કરાવી નાખ્યા હતાં. આમ એન્જેલીના જોલી ફેક્ટર કે જૉલી જીન્સ કેન્સરનાં કારણે મીડીયામાં ચર્ચાતું રહ્યું છે.

પુરૃષો કરતાં સ્ત્રીઓ બાયોલોજીકલી વધારે સ્ટ્રોંગ છે

સ્ત્રીઓની સરખામણીમાં પુરૃષો તમાકુ, દારૃ અને સાયકો-એક્ટીવ પદાર્થો વધારે પ્રમાણમાં લે છે. ખોરાકની પસંદગીમાં પણ પુરૃષો ધ્યાન રાખતા નથી. જેના કારણે રૃધિરાભિષણ તંત્ર, ફેફસાનાં રોગો, લીવર સોરાયસીસ અને અકસ્માતમાં મૃત્યુદર, પુરૃષોમાં ઊંચો રહે છે. જૈવિક વર્તણુક મહત્ત્વની વાત છે પરંતુ સ્ત્રીઓને 'જાતિભેદ' કઈ રીતે વધારે મજબુત બનાવે છે એ સમજવું થોડું અઘરું છે. સ્ત્રીઓને જીવલેણ રોગો થતા નથી એવું પણ નથી.

સ્તન કેન્સર અને અંડાશયનું કેન્સર એ સ્ત્રીઓ માટે સૌથી મોટું રિસ્ક ફેક્ટર છે. જે માટે ખાસ જનીનમાં પેદા થયેલ બદલાવ કે વિકૃતિ જવાબદાર છે. આ જનીનનાં કેન્સર અને જનીનની સંડોવણીની સ્ટોરીને એન્જેલીના જોલી ફેક્ટર તરીકે ઓળખી શકાય. એન્જેલીના જૉલી વિશે આ કોલમમાં પહેલાં પણ વૈજ્ઞાાનિક ચર્ચા થઈ ચુકી છે. 'જોલી ફેકટર' ફરીવાર મિડીયાની ચર્ચામાં કેન્દ્રસ્થાને રહ્યું છે.

દર વર્ષે બ્રિટનમાં ગર્ભાશય ગ્રીવાનાં કેન્સરનાં કારણે ૯૦૦ સ્ત્રીઓનાં મૃત્યુ થયા છે. જાતિય સમાગમનાં શારીરિક અંગોને ખાસ જીનેટીક મ્યુટેશનનાં કારણે વિવિધ પ્રકારનાં કેન્સર થવાની શક્યતા વધી જાય છે. જે માટે વિકસીત દેશોમાં સ્ત્રીઓ માટે સ્તન, ગર્ભાશય અને અંડાશયનાં કેન્સરની આગોતરી જાણકારી મેળવવા માટે ખાસ ''સ્ક્રીનીંગ ટેસ્ટ'' કરાવવાની ખાસ ઝુંબેશ ચાલે છે. આવા સ્ક્રીનીંગનાં કારણે બ્રિટનમાં ૧૩૦૦ જિંદગીઓને વર્ષે દહાડે સ્તનકેન્સરમાંથી બચાવી શકાય છે.

સ્ક્રીનીંગનાં કારણે તબીબો કેન્સરની જાણ, પ્રાથમિક તબક્કામાં મેળવી શકે છે. જ્યારે કેન્સરને નાથવાનું પ્રાથમિક તબક્કામાં વધારે આસાન હોય છે. જે સ્ત્રીઓ કેન્સર માટે સ્ક્રીનીંગ કરાવતી નથી, તેમનાં કિસ્સામાં કેન્સર એડવાન્સ સ્ટેજ પર પહોંચી જાય છે ત્યારે 'સ્ત્રી'ને જાણ થાય છે. એડવાન્સ સ્ટેજનું કેન્સર સ્ત્રી માટે જીવલેણ સાબીત થાય છે.

હવે ટ્રાન્સજેન્ડર એટલે કે સ્ત્રી-પુરૃષો વચ્ચેની ભેદ રેખા દોરવી મુશ્કેલ હોય તેવી વ્યક્તિઓને પણ કેન્સર સ્ક્રીનીંગ કરાવવાનો વિદેશમાં આગ્રહ રાખવામાં આવે છે. જેનો જન્મ સમયે જાતી સ્ત્રી લખવામાં આવી હોય અને પાછળથી તેમાં પુરૃષોનાં લક્ષણ જોવા મળ્યા હોય તેને પણ ૫૦ વર્ષની ઉંમરે કેન્સર સ્ક્રીનીંગ માટે બોલાવવામાં આવે છે.પરંતુ જન્મ સમયે જેની જાતી પુરૃષ લખવામાં આવી હોય અને ત્યાર બાદ સ્ત્રી લક્ષણો જોવા મળ્યા હોય તેમને સરકાર તરફથી સ્ક્રીનીંગ કરાવવાની માહિતી આપવામાં આવતી નથી. જોકે બંને પ્રકારનાં ટ્રાન્સજેન્ડરને ''જોલી જીન્સ'' કેન્સર પેદા કરી શકે છે.

સ્ત્રીઓ : પાવરફુલ સેક્સનું ઉદાહરણ

ઐતિહાસિક તથ્યો બતાવે છે કે આયરલેન્ડમાં ૧૮૪૫ થી ૧૮૪૯ વચ્ચે દુકાળ પડયો હતો. જેને 'પોટેટો ફેમાઇન' કહે છે. આ સમયગાળામાં પુરૃષો અને સ્ત્રીઓ ૩૮ વર્ષ જેટલું આયુષ્ય ભોગવતા હતાં. દુકાળની ચરમસીમા પર પુરૃષોનો એવરેજ જીવનકાળ ૧૮-૧૭ રહ્યો હતો. જ્યારે સ્ત્રીઓનો જીવનકાળ ૨૨-૪૦ રહ્યો હતો. આ પ્રકારની પેટર્ન ૧૭૭૨-૧૭૭૩માં સ્વીડનમાં પડેલ દુકાળ વખતે પણ જોવા મળી હતી.

૧૯૩૩માં યુક્રેનમાં પાક નિષ્ફળ ગયો ત્યારે પણ આવા જ પરિણામ જોવા મળ્યા હતાં. દુકાળની પરિસ્થિતિ અને સ્ત્રીઓ વિશે ડૉ. વર્જીનીયા નારૃસીએ સંશોધન કર્યું છે. જે તાજેતરમાં પ્રકાશિત થયું છે. તેઓ કહે છે, ''દુકાળની પરિસ્થિતિમાં મૃત્યુ દર ઉંચો જવા છતાં સ્ત્રીઓ વધારે લાંબું જીવી હતી.'' શા કારણે ? સ્ત્રીઓ એક મજબૂત જાતિ છે.
બાળક જન્મ બાદનાં આંકડાઓને ધ્યાનમાં લઈએ તો, દુકાળ જેવી પરિસ્થિતિમાં અને (સામાન્ય) સંજોગોમાં પણ નવજાત શિશુઓમાં 'નર' બાળકનો મૃત્યુદર ઉંચો રહ્યો છે. જ્યારે 'માદા' બાળક લાંબો સમય ટકી રહે છે. પુરૃષો કરતાં સ્ત્રીઓ વધારે લાંબુ આયુષ્ય ભોગવે છે એ પણ એક હકીકત છે. આવું શા માટે ?

સંશોધકો કહે છે કે સ્ત્રીઓ પુરૃષો કરતાં બાયોલોજીકલી વધારે 'હાર્ડ' છે. જેનો મુખ્ય શ્રેય હોર્મોન્સ એટલે કે અંત:સ્ત્રાઓને જાય છે. ઇન્સ્ટ્રોજેન હોર્મોન એન્ટી ઇન્ફલેમેટરી ગણયા છે. જે રક્તપરીભ્રમણ તંત્રને રક્ષણ આપે છે. જ્યારે પુરૃષોનું રેસ્ટોસ્ટેરોનનું લેવલ, જીવલેણ રોગો માટે 'રિસ્ક ફેકટર' ગણાય છે.

પુરૃષ અંત:સ્ત્રાવ તેની રોગપ્રતિરક્ષા પ્રણાલીને પણ નુકશાન પહોંચાડે છે. વિજ્ઞાાન કહે છે કે, સ્ત્રીઓની કામેચ્છાથી લઈને તેનાં વ્યક્તિત્ત્વ ઘડવામાં તેનાં અંત:સ્ત્રાવો મોટો ભાગ ભજવે છે. સ્ત્રી પુરૃષોનાં સંબંધોમાં તનાવ 'સેક્સ'ને કારણે આવે છે. 'સેક્સ'નું સમગ્ર ઇચ્છાતંત્ર અંત:સ્ત્રાવ આધારીત છે. સ્ત્રીઓનાં અચાનક મુડ બદલાવ પાછળ પણ અંત:સ્ત્રાવ જવાબદાર છે.

સ્ત્રીઓની માનસિક સમસ્યા પાછળ તેમની અતૃપ્ત જાતિય ઇચ્છાઓ કે ચરમસીમા રહીત સમાગમ છે. અંતસ્ત્રાવો અને સ્ત્રીઓનાં શરીરની યોગ્ય પરિપેક્ષ્યમાં સમજવું હોય તો, નાઓમી વુલ્ફનું બેસ્ટ સેલર પુસ્તક 'વજાયના: અ ન્યુ બાયોગ્રાફી' વાંચવી જોઈએ. સ્ત્રીઓ અને પુરૃષોનાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પાછળ 'સેક્સ' મહત્ત્વની ભૂમિકા અદા કરે છે.

જ્યારે સેક્સની શતરંજનાં સાચા ખેલાડી વિવિધ અંત:સ્ત્રાવ છે. ઉત્ક્રાંન્તિ સંશોધક કહે છે કે, ''બાળકનાં જન્મ માટે સ્ત્રીઓને નવ મહીના ઝઝૂમવું પડે છે. જેનાં કારણે તેની રોગ-પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. સ્ત્રીઓ પાસે બે એક્સ' રંગસૂત્ર છે. જે 'એક્સ' માટે બેકઅપ કોપી બની રહે છે. XY જનીનવાળા પુરૃષોને આ લાભ મળતો નથી.'

એન્જેલીના જોલી ફેક્ટર : જોલી જીનની જીત

સ્ત્રીઓ માટે ખતરાની ઘંટડી ગણાતા સ્તનનાં કેન્સર, અંડાશયનાં કેન્સર, ગર્ભાશય ગ્રીવાનાં કેન્સર વગેરે માટે ખાસ પ્રકારનું જનીન એટલે કે જીન BRCA જવાબદાર ગણાય છે. જે સ્ત્રીનાં માતૃ તરફી પરીવારમાં પહેલાં આવા કેન્સર કેસ નોંધાયા હોય તેવાં કિસ્સામાં ૪૫-૫૦ વર્ષની ઉંમરે BRCA જનીન ધરાવતી સ્ત્રીને કેન્સર થવાની શક્યતા ખૂબ જ વધારે રહેલી હોય છે. BRCA ને ''જોલી જીન'' તરીકે ઓળખવામાં આવે છે.

બ્રિટનમાં ૨૦૧૫ બાદ, BRCA ધરાવતી સ્ત્રીઓનું વારંવાર સ્ક્રીનીંગ કરવું લગભગ જરૃરી બની ગયું છે. જ્યારે એન્જેલીના જોલીને જાણ થઈ કે તેનાં શરીરમાં BRCA  નું વિકૃત સ્વરૃપ જોવા મળ્યું છે. તેણે સાવચેતીનાં પગલાં ભરવા માટે તેના બે સ્તન અને અંડાશય સર્જરી કરાવીને દૂર કરાવી નાખ્યા છે. જોકે તેનાથી એન્જેલીના જોલીની લોકપ્રિયતા કે દેખવામાં ઘટાડો થયેલ જોવા મળતો નથી. બ્રિટનમાં ૩૩% સ્ત્રીઓ સ્ક્રીનીંગ કરાવતી નથી.


BRCA1 જનીનમાં મ્યુટેશન ધરાવતી સ્ત્રીઓમાંથી ૬૦% સ્ત્રીઓને અંડાશયનું કેન્સર થાય છે. BRCAI મ્યુટેશન ધરાવતી સ્ત્રીઓમાંથી ૯૦% સ્ત્રીઓને સ્તનનું કેન્સર અવશ્ય થાય છે. જોલીની માતા પણ ૫૬ વર્ષની ઉંમરે ઓવરીઅન કેન્સરનાં કારણે મૃત્યુ પામી હતી. આ કેસ હિસ્ટ્રીને ધ્યાનમાં લઈને તબીબોએ એન્જેલીના જોલીને સ્તન અને અંડાશય દૂર કરાવી નાંખવાની સલાહ આપી હતી. જો સ્ત્રીઓને જાણ થાય કે તેમનાં BRCA1 માં વિકૃતિ છે.અને તેમનાં માતૃપક્ષમાં આ પ્રકારનાં કેન્સર પહેલાં જોવા મળ્યો હોય તો, એન્જેલીના જોલી જેવાં પગલાં લઈ લેવા જોઈએ. ઘણી સ્ત્રીઓને  BRCA1 ની જાણ જ હોતી નથી. વિકસીત દેશોમાં BRCA  વિકૃતિ માટે ટેસ્ટ થાય છે તેવું ઘણી શિક્ષિત સ્ત્રીઓ પણ જાણતી હોતી નથી. આવી પરિસ્થિતિમાં ભારતીય સ્ત્રીઓની જાગૃતીની ચર્ચા કરવી અસ્થાને છે.

અભ્યાસમાં જોવા મળ્યું છે કે અંડાશયનાં કુલ કિસ્સામાંથી ૧૫% કિસ્સાઓ માટે BRCA જેનીનની વિકૃતિ જવાબદાર છે. ૪૦૦ સ્ત્રીઓમાંથી એક સ્ત્રીને BRCA વિકૃતિ હોવાની શક્યતા અને સંભાવના રહેલી છે. જોખમ માત્ર સ્ત્રીઓને જ છે એવું પણ નથી. જે પુરૃષોમાં BRCA-2 જનીન જોવા મળ્યા છે તેમને પ્રોસ્ટેટનું કેન્સર થવાની સંભાવના ખૂબ જ વધારે રહેલી છે. ૧૦માંથી આઠ માણસે  BRCA વિશે માહિતી હોતી નથી. અજાણતા જ તેઓ આ જનીન તેમનાં સંતાનોને આપતા જાય છે.

કેન્સર કરનારાં જનીનો : ડરવાની જરૃર નથી

એન્જેલીના જોલી જીન મ્યુટેશન ધરાવતી વ્યક્તિને કેન્સર થવાની શક્યતા ૧૨ ટકાથી ૯૦ ટકા જેટલી છે. વૈજ્ઞાાનિકો કહે છે કે BRCA  મ્યુટેશનથી કેન્સર થવાની તકો વધી જાય છે. એ વાત ખરી પરંતુ કેન્સરનાં કારણે વ્યક્તિનું મોત થઈ જશે. એવી સંભાવનામાં વધારો થયો નથી. યુનિ. ઓફ સાઉથ કેમ્પટનનાં સંશોધક કહે છે કે ''BRCA મ્યુટેશન આધારીત કેન્સર અન્ય કેન્સર કરતાં વધારે ખતરનાક કે આક્રમક નથી. અત્યાર સુધી તબીબો માનતા હતાં કે ઓવરી કેન્સર અને બ્રેસ્ટ કેન્સર વધારે આક્રમક છે. BRCA જનીન વિકૃતિનાં કિસ્સામાં તબીબોનાં અભિગમ અને વિચારસરણી બદલાઈ છે. પ્રાથમિક તબક્કામાં સંપૂર્ણ સ્તન કાઢી નાખવાની જરૃર રહેતી નથી. સ્તનમાં રહેલ ગાંઠ દૂર કરવામાં આવે તો પણ કેન્સર સામે રક્ષણ અને સલામતી મળે છે.
લાન્સેર ઓન્કોલોજી જર્નલમાં પ્રકાશિત થયેલ સંશોધન લેખ પ્રમાણે  BRCA મ્યુટેશન ધરાવતી સ્ત્રીઓને પાંચ વર્ષ લાંબુ જીવવાની શક્યતા ૮૪ ટકા છે. ૭૪ ટકા સ્ત્રીઓ દસ વર્ષ કરતાં વધારે લાંબું જીવી શકે છે. ૨૦૧૩માં એન્જેલીના જોલીએ જાહેર કર્યું કે સ્તનો દૂર કરવાની પ્રથમ પ્રોસીઝર તેમણે ૨૦૧૩માં કરી હતી. તે જાહેરાત બાદ, બ્રિટન, અમેરિકા અને યુરોપની સ્ત્રીઓમાં કેન્સર પ્રત્યે જાગૃતિ આવી હતી. ઘણી સ્ત્રીઓએ જીનેટીક ટેસ્ટ પણ કરાવ્યા હતાં. BRCA વિકૃતિની જાણ થાય કે તુર્તજ અંગો કાઢી નાખવાની જરૃર હોતી નથી. દર્દી પૃથક્કરણ બાદ, કેમોથેરાપીની મદદ લઈ શકે છે.

BRCA-1 અને BRCA-2 બંનેમાં જોવા મળેલ વિકૃતિ કેન્સર કરે છે. આ ઉપરાંત PALB-2 જનીન પણ કેન્સર માટે જવાબદાર ગણાય  છે. હજારમાંથી એક સ્ત્રીને PALB-2 નાં કારણે કેન્સર થઈ શકે છે. સ્ત્રીઓનાં સ્તનકેન્સર માટે KLHDC7A, MCM8 જેવા જનીનની વિકૃતિ કેન્સર પેદા કરી શકે છે. બ્રિટનમાં ૧૮-૨૪ વચ્ચેની ૨૭૩૩ સ્ત્રીઓને કેન્સર ગયા વર્ષે કેન્સર થયું છે. જેમાંથી ૮૯ ટકા સ્ત્રીઓએ કેમોથેરાપી પર પસંદગી ઉતારી હતી. ૫૦ ટકા સ્ત્રીઓ તેમનાં સ્તન દૂર કરાવ્યા હતાં. માત્ર એક ટકા સ્ત્રીઓએ કોઇ પણ પ્રકારની સારવાર લીધી ન હતી.

No comments: